હરિયાણા વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત બાદ તમામ રાજકીય પક્ષો ચૂંટણીની તૈયારીઓમાં વ્યસ્ત છે. છેલ્લા કેટલાક દિવસોની અટકળો બાદ હવે વિનેશ ફોગાટ અને રાહુલ ગાંધીની મુલાકાતના સમાચાર આવ્યા છે. ભારતીય કુસ્તીબાજો વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયા લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીને મળ્યા છે.
મહત્વનું છે કે, બંને કુસ્તીબાજો અને રાહુલ ગાંધી વચ્ચેની મુલાકાતની તસવીર સામે આવી છે, જે બાદ હવે એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે વિનેશ ફોગાટ કોંગ્રેસની ટિકિટ પર હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં ઉતરી શકે છે. છેલ્લા ઘણા દિવસોથી એવી અટકળો ચાલી રહી હતી કે વિનેશ ફોગાટ કોંગ્રેસ પાર્ટીમાં જોડાઈ શકે છે. હવે આ બેઠકનું ચિત્ર સપાટી પર આવ્યા બાદ આની શક્યતા વધી રહી છે.
ભારતીય કુશ્તી સંઘ (WFI)ના પૂર્વ અધ્યક્ષ બૃજભૂષણ શરણ સિંહ વિરૂદ્ધ પહેલવાન વિનેશ ફોગાટ, બજરંગ પૂનિયા અને સાક્ષી મલિકે યૌન શોષણનો આરોપ લગાવતા દિલ્હીના જંતર-મંતર પર પ્રદર્શન કર્યું હતું. આ દરમિયાન પહેલવાનોને ભાજપનો વધુ સાથ મળ્યો નહતો જે બાદ સતત વિનેશ ફોગાટ અને બજરંગ પૂનિયા ભાજપથી નારાજ ચાલી રહ્યાં હતા.
મહત્ત્વપૂર્ણ છે કે વિનેશ ફોગાટ ગત શનિવારે ખેડૂત આંદોલનના 200 દિવસ પૂર્ણ થવા પર ખેડૂતો પ્રત્યે પોતાનું સમર્થન વ્યક્ત કર્યું હતું અને શંભૂ અને ખનૌરી બોર્ડર પહોંચી હતી. આ દરમિયાન વિનેશ ફોગાટને એવો સવાલ પણ કરવામાં આવ્યો કે શું તે ચૂંટણી મેદાનમાં ઉતરશે? પહેલવાને જવાબ આપ્યો કે તે રાજનીતિ વિશે તો નથી જાણતી પણ ખેડૂતોનું પૂર્ણ સમર્થન કરે છે.
વિનેશ ફોગાટની સંભવિત રાજકીય એન્ટ્રી હરિયાણાની રાજનીતિમાં મોટો બદલાવ લાવી શકે છે. ખાપ પંચાયતો અને ખેડૂતો સાથેના તેમના મજબૂત સંબંધો તેમને ચૂંટણીમાં મોટું સમર્થન મેળવી શકે છે. જો કે વિનેશે હજુ સુધી રાજકારણમાં પ્રવેશવાની ઔપચારિક જાહેરાત કરી નથી, પરંતુ રાજકીય પક્ષો તેને આકર્ષવા માટે ઘણા સમયથી પ્રયાસ કરી રહ્યા છે. આગામી વિધાનસભા ચૂંટણીમાં વિનેશ ફોગાટની ભૂમિકા હરિયાણાના રાજકારણમાં મહત્વનો વળાંક સાબિત થઈ શકે છે.
આ પણ વાંચો :-