આજે અયોધ્યામાં રામલલાનો પ્રાણ-પ્રતિષ્ઠા સમારોહ યોજાવા જઈ રહ્યો છે. આખો દેશ શ્રીરામની ભક્તિમાં ડૂબી ગયો છે. આ સમયે સમગ્ર દેશમાં ઉત્સવનો માહોલ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અયોધ્યા પહોંચી ગયા છે. ત્યાં PM મોદી પહેલા સરયૂ નદીમાં સ્નાન કરશે અને ત્યારબાદ રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાની પૂજા અર્ચનામાં ભાગ લેશે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અયોધ્યા રામ મંદિર ખાતે પહોંચ્યા છે તેમજ ભાજપ નેતા ઉમા ભારતી અને રવિ શંકર પ્રસાદ અયોધ્યા પહોંચ્યા છે તો વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં ઉપસ્થિત નહીં રહે. RSS સુપ્રીમો મોહન ભાગવત મંદિર પરિસરમાં હાજર છે. રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ગુજરાતમાંથી પણ અનેક લોકોને આમંત્રણ મળ્યું છે. ત્યારે સુરતના જાણીતા બિઝનેસમેન સવજીભાઈ ધોળકિયા, મુકેશ પટેલ, લવજી બાદશાહ સહિતના લોકો અયોધ્યા પહોંચ્યા હતાં.
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અયોધ્યા પહોંચી ગયા છે. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે સીએમ યોગી પણ પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં હાજરી આપવાના છે. આજે સવારે યોગી આદિત્યનાથે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી હતી અને રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાની શુભેચ્છા પાઠવી હતી. તેમણે કહ્યું હતું કે, ‘શ્રી રામલલાની નવી મૂર્તિના અભિષેકના શુભ અવસરના સાક્ષી બનવા આવનાર તમામ અતિથિ મહાનુભાવોનું સપ્તપુરીઓમાં સર્વશ્રેષ્ઠ એવા ભગવાન શ્રી રામના પ્રાગટ્ય સ્થાન શ્રી અયોધ્યા ધામમાં હાર્દિક સ્વાગત અને અભિનંદન.
બીજી તરફ અયોધ્યાની કડક સુરક્ષાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે ત્યાં યોજાનાર સમારોહ માટે યુપી પોલીસ દ્વારા ૩ ડીઆઈજી તૈનાત કરવામાં આવ્યા છે. આ સિવાય ૧૭ IPS અને ૧૦૦ PPS સ્તરના અધિકારીઓ સુરક્ષા સંભાળી રહ્યા છે. આ અધિકારીઓની સાથે ૩૨૫ ઈન્સ્પેક્ટર, ૮૦૦ સબ ઈન્સ્પેક્ટર અને ૧૦૦૦થી વધુ કોન્સ્ટેબલ પણ તૈનાત છે.. આમ કોઈપણ જગ્યાએથી આ મહોત્વમાં વિઘ્ન ઊભું ન થાય તેની કાળજી લેવામાં આવી છે. સમગ્ર અયોધ્યાને રેડ ઝોન અને યલો ઝોનમાં વહેંચવામાં આવી છે. pscની ૩ બટાલિયન રેડ ઝોનમાં તૈનાત કરવામાં આવી છે જ્યારે યલો ઝોનમાં ૭ બટાલિયન છે. આમ અયોધ્યા અભેધ કિલ્લો બની ગયો છે.
આ પણ વાંચો :-