Wednesday, Oct 29, 2025

કંટ્રોલ રૂમમાં બેઠાં બેઠાં પોલીસ કરે છે ટ્રાફિક કંટ્રોલ, ઝીબ્રા ક્રોસિંગ પાછળ વાહનો રાખવાનો નવી પ્રયોગ

2 Min Read

સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌતે ચાર્જ સંભાળ્યા બાદ શહેરની ટ્રાફિક વ્યવસ્થાને સુધારવાના કાર્યને પ્રાથમિકતાથી હાથ પર લીધું છે. સુરત શહેર પોલીસ કમિશનરના પ્રયાસોના પગલે શહેરના ૧૯૧ ટ્રાફિક જંકશન પર હવે રેડ સિગ્નલ પર વાહન ચાલકો સ્વૈચ્છાએ અટકતા થયા છે. કોઈ ટ્રાફિક પોલીસ ચાર રસ્તા પર ઉભા ન હોય તેમ છતાં વાહન ચાલકો સ્વયંભુ વાહનો થોભાવી રહ્યાં છે. જોકે, હજુ પણ વાહન ચાલકોમાં કેટલીક શિસ્તનો અભાવ છે. ત્યારે સુરત શહેર ટ્રાફિક પોલીસે વાહન ચાલકોને શિસ્તમાં લાવવા માટે નવી સર્વિસ શરૂ કરી છે.

સુરત શહેર પોલીસ કમિશનરની સૂચનાથી પ્રાયોગિક ધોરણે શહેરના ૧૦ મોટા ટ્રાફિક જંકશન પર એક નવી સિસ્ટમ લગાડવામાં આવી છે. આ સિસ્ટમ હેઠળ કંટ્રોલ રૂમમાં બેઠાં બેઠાં પોલીસ કર્મી શહેરના ટ્રાફિક જંકશન પર સીસીટીવી કેમેરાથી નજર રાખે છે. જે તે ટ્રાફિક જંકશન પર સ્ટોપ લાઈનની આગળ કોઈ ઉભું હોય, કોઈ રોંગ સાઈડ જતું હોય, કોઈ દબાણ હોય કે પોલીસ કર્મી કામ ન કરતા હોય તો તેની પર નજર રાખે છે. ત્યાર બાદ કંટ્રોલ રૂમના પોલીસ કર્મી જે તે ટ્રાફિક પોઈન્ટના પોલીસ કર્મીને સૂચના આપે છે.

આ માટે કંટ્રોલ રૂમમાં સ્પેશ્યિલ ટીમ બનાવવામાં આવી છે. હાલ આ સિસ્ટમ પ્રાયોગિક ધોરણે શહેરના ૧૦ ટ્રાફિક પોઈન્ટ પર શરૂ કરાઈ છે. ભવિષ્યમાં તે ૨૦૦ ટ્રાફિક પોઈન્ટ પર મુકવામાં આવશે. આ ટ્રાફિક પોઈન્ટ પર નજર રાખવા કંટ્રોલ રૂમ શરૂ કરાયો છે. કંટ્રોલ રૂમમાં સીસીટીવી ફૂટેજની મદદથી કર્મચારીઓ સતત ટ્રાફિક જંકશનોના ટ્રાફિક પર નજર રાખે છે અને સુપરવિઝન કરતા રહે છે.
Share This Article