પીએમ નરેન્દ્ર મોદી મંગળવારે સવારે પંજાબના આદમપુર એરબેઝ પહોંચ્યા હતા અને ત્યાં સેનાના જવાનો સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સૈનિકોનો જુસ્સો વધાર્યો હતો. પીએમ મોદી સેનાના જવાનોને મળ્યા અને ઓપરેશન અંગે ચર્ચા પણ કરી. પીએમ મોદીએ સોમવારે રાત્રે 8 વાગ્યે રાષ્ટ્રને સંબોધન કર્યું હતું.જેમાં તેમણે સૈનિકોની બહાદુરી અને હિંમતને સલામ કરી હતી.
આદમપુર મુલાકાત અંગે પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું કે આજે સવારે, મેં AFS આદમપુરની મુલાકાત લીધી અને આપણા બહાદુર વાયુસેના યોદ્ધાઓ અને સૈનિકોને મળ્યા. હિંમત, દૃઢ નિશ્ચય અને નિર્ભયતાનું પ્રતિક એવા લોકો સાથે રહેવું એક ખાસ અનુભવ હતો. ભારત હંમેશા સશસ્ત્ર દળો પ્રત્યે આભારી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે આદમપુર એરબેઝની મુલાકાત લઈ પાકિસ્તાનના દાવાને પોકળ કર્યો છે. પાકિસ્તાને દાવો કર્યો હતો કે, તેણે હુમલો કરી ભારતના આદમપુર એર ડિફેન્સ યુનિટને નષ્ટ કરી છે. આ આદમપુર એરબેઝ પર આજે PM મોદીનું વીવીઆઈપી વિમાને સફળતાપૂર્વક લેન્ડિંગ કરી પાકિસ્તાનના દાવાને ખોટો પાડ્યો છે. ગઈકાલે વડાપ્રધાન મોદીએ દેશવાસીઓને સંબોધિત કરતાં સેનાના સાહસના વખાણ કર્યા હતાં. તેમજ તેમના સન્માન માટે દેશભરમાં તિરંગાયાત્રા યોજવાની જાહેરાત કરી હતી.
પહેલગામ આતંકવાદી હુમલા બાદ, ભારતે 06-07 મેની રાત્રે પાકિસ્તાન અને પીઓકેમાં આતંકવાદી ઠેકાણાઓ પર હવાઈ હુમલા કર્યા હતા. ભારતે પાકિસ્તાન અને પીઓકેમાં 9 આતંકવાદી ઠેકાણાઓ પર હુમલો કર્યો. આમાં ઘણા આતંકવાદીઓ પણ માર્યા ગયા.