અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારમાં ગેરકાયદેસર રીતે સ્થાયી થયેલા લોકો સામે વહીવટીતંત્ર ફરી એકવાર કડક બન્યું છે. ચંડોળા તળાવ વિસ્તારમાં બુલડોઝર ઝુંબેશનો બીજો તબક્કો મંગળવાર, 20 મેથી શરુ થયો છે. આ બીજા તબક્કામાં લગભગ 2.50 લાખ ચોરસ મીટર જમીનમાંથી ગેરકાયદેસર અતિક્રમણ દૂર કરવામાં આવશે.
આ મોટા ઓપરેશનને સફળ બનાવવા માટે ભારે પોલીસ દળ તૈનાત કરવામાં આવશે. તેમણે કહ્યું કે આ ઝુંબેશમાં સુરક્ષા માટે ગુજરાતના લગભગ 3000 પોલીસકર્મીઓ અને 25 એસઆરપી (સ્ટેટ રિઝર્વ પોલીસ) ટુકડીઓ હાજર રહેશે. વહીવટીતંત્રે પહેલાથી જ સમગ્ર વિસ્તારનો સર્વે કરી લીધો છે અને ગેરકાયદેસર રીતે બાંધવામાં આવેલા મકાનો, ઝૂંપડીઓ અને દુકાનો ઓળખી કાઢવામાં આવી છે. બુલડોઝર ઓપરેશન દરમિયાન કોઈપણ પ્રકારની હિંસા કે વિરોધ પ્રદર્શનનો સામનો કરવા માટે સંપૂર્ણ તૈયારીઓ કરવામાં આવી છે.
ચંડોળામાં ફેઝ-2નું મેગા ડિમોલિશન અંગે દક્ષિણ ઝોન ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ભરત પરમારે માહિતી આપી હતી કે વહેલી સવારે 6:30 વાગ્યાથી શરૂ થયેલા ચંડોળા તળાવ મેગા ડિમોલિશનના બીજા તબક્કામાં બે કલાકમાં જ 1000 થી વધુ નાના મોટા કાચા પાકા મકાનોને તોડી પાડવામાં આવ્યા છે. અંદાજે 100 મીટરના રોડ ઉપરના તમામ દબાણો અત્યારે હાલમાં દૂર થઈ ગયા છે.