ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે પન્નુએ અયોધ્યામાં રામ મંદિરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી છે. પ્રાપ્ત માહિતી અનુસાર ગુરપતવંત સિંહ પન્નુએ એક વીડિયો જાહેર કરીને રામ મંદિરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી છે. વીડિયોમાં તે રામ મંદિરને નિશાન બનાવવાની વાત કરી રહ્યો છે.
પન્નુએ એક વીડિયો જારી કરીને કહ્યું કે, અયોધ્યાના રામ મંદિરમાં 16 અને 17 નવેમ્બરના રોજ હિંસા થશે. પ્રાપ્ત માહિતી પ્રમાણે પન્નુએ આ વીડિયો કેનેડાના બ્રેમ્પટનમાં રેકોર્ડ કર્યો છે. વીડિયોમાં પન્નુએ કેનેડાના હિન્દુ સાંસદ ચંદ્ર આર્યને પણ ધમકી આપી છે. આ વીડિયોમાં રામ મંદિરની સાથે-સાથે અનેક બીજા હિન્દુ ધાર્મિક સ્થળો વિરુદ્ધ હિંસા ભડકાવવાની પણ ધમકી આપવામાં આવી છે.
વીડિયોમાં પન્નુએ આગળ કહ્યું કે, ‘અમે હિન્દુત્વ વિચારધારાની જન્મભૂમિ અયોધ્યાનો પાયો હચમચાવી નાખીશું.’ પન્નુની આ ધમકીને ભારતના સૌથી પવિત્ર સ્થળોમાંથી એક (રામ મંદિર) માટે મોટા જોખમ તરીકે જોવામાં આવી રહી છે. પન્નુના વીડિયોમાં પીએમ મોદી અયોધ્યા રામ મંદિરમાં પ્રાર્થના કરતા હોવાની તસવીરો પણ દેખાડવામાં આવી છે. ખાલિસ્તાની આતંકવાદીએ કેનેડામાં રહેતા ભારતીયોને હિન્દુ મંદિરો પર થઈ રહેલા ખાલિસ્તાની હુમલાઓથી દૂર રહેવાની પણ ધમકી આપી છે.
પન્નુએ ભારતને પહલીવાર જ ધમકી નથી આપી. તે અગાઉ પણ અનેક વખત ભારતને ધમકી આપી ચૂક્યો છે. તેણે ભારતને ધમકી આપતા વિમાનને ઉડાવી દેવાની વાત કરી હતી. પન્નુએ કહ્યું હતું કે, શીખ રમખાણોના 40 વર્ષ પૂરા થવા પર એર ઈન્ડિયાની ફ્લાઈટ પર હુમલો થઈ શકે છે. પન્નુએ આંતરરાષ્ટ્રીય મુસાફરોને 1 થી 19 નવેમ્બર સુધી એર ઈન્ડિયામાં ઉડાન ન ભરવાની ચેતવણી આપી હતી.