Home Blog Page 88

કોકરોચ પાર્ટીનું X એકાઉન્ટ બ્લોક, ઇન્સ્ટાગ્રામ ફોલોઅર્સમાં BJPને પાછળ છોડતા જ કાર્યવાહી

0

ઝડપથી લોકપ્રિય બની રહેલી કોકરોચ જનતા પાર્ટી (CJP)નું X એકાઉન્ટ ગુરુવારે ભારતમાં બ્લોક કરી દેવામાં આવ્યું હતું. વ્યંગાત્મક રાજકીય મૂવમેન્ટે ઇન્સ્ટાગ્રામ પર ફોલોઅર્સની સંખ્યામાં ભાજપના સત્તાવાર એકાઉન્ટને પાછળ છોડ્યા બાદ થોડા જ કલાકોમાં આ કાર્યવાહી કરવામાં આવી હતી. મીમ આધારિત Gen Z અભિયાનને લઈને સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા ચાલી રહી છે.

પાર્ટીના સ્થાપક અભિજીત દીપકેએ આ ઘટનાની પુષ્ટિ કરી હતી. તેમણે એક સ્ક્રીનશોટ શેર કર્યો હતો જેમાં એકાઉન્ટ ભારતમાં બ્લોક થયેલું દેખાઈ રહ્યું હતું. આ પગલાં પર પ્રતિક્રિયા આપતા દીપકેએ લખ્યું હતું કે, “અપેક્ષા મુજબ, કોકરોચ જનતા પાર્ટીનું એકાઉન્ટ ભારતમાં બ્લોક કરી દેવામાં આવ્યું છે.”

સોશિયલ મીડિયા પર કોકરોચ જનતા પાર્ટીની લોકપ્રિયતા ખૂબ જ ઝડપથી વધી રહી છે. થોડા દિવસો પહેલા ઓનલાઈન વ્યંગાત્મક અભિયાન તરીકે શરૂ થયેલું આ મૂવમેન્ટ હવે સંપૂર્ણ ડિજિટલ ફિનોમેનામાં ફેરવાઈ ગયું છે. બેરોજગારી, પરીક્ષાના પેપર લીક, રાજકીય ચર્ચા અને સંસ્થાકીય જવાબદારી જેવા મુદ્દાઓને લઈને યુવાનોમાં રહેલી નારાજગી આ અભિયાનને વધુ વેગ આપી રહી છે.

ઇન્સ્ટાગ્રામ પર BJPને પાછળ છોડી
કોકરોચ જનતા પાર્ટીએ ઇન્સ્ટાગ્રામ પર 10 મિલિયનથી વધુ ફોલોઅર્સનો આંકડો પાર કર્યો છે. આ સાથે તેણે ભાજપના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટને પાછળ છોડી દીધું છે, જેના હાલમાં અંદાજે 8.7 મિલિયન ફોલોઅર્સ છે.

કોંગ્રેસ હજુ પણ 13 મિલિયનથી વધુ ફોલોઅર્સ સાથે આગળ છે, જ્યારે આમ આદમી પાર્ટી (AAP) ઘણી પાછળ છે. પાર્ટી પોતાને “યુવાનોનું, યુવાનો દ્વારા, યુવાનો માટેનું રાજકીય મંચ” તરીકે વર્ણવે છે. કોકરોચ જનતા પાર્ટીનું સૂત્ર છે – “Secular, Socialist, Democratic, Lazy”. હાસ્ય, મીમ્સ અને રાજકીય સંદેશાઓના સંયોજન દ્વારા આ મૂવમેન્ટે લોન્ચ થયા બાદ થોડા જ દિવસોમાં જબરદસ્ત ઓનલાઈન એન્ગેજમેન્ટ મેળવ્યું છે.

CJIની ટિપ્પણી બાદ શરૂ થયો વિવાદ
“કોકરોચ જનતા પાર્ટી” નામ પોતે જ ભારતના મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત દ્વારા ગત અઠવાડિયે કોર્ટ સુનાવણી દરમિયાન કરવામાં આવેલી વિવાદાસ્પદ ટિપ્પણીના જવાબરૂપે આવ્યું હતું.

કહેવાય છે કે CJIએ કેટલાક બેરોજગાર યુવાનો અને ઓનલાઈન કાર્યકરોની તુલના “કોકરોચ” અને “પરજીવી” સાથે કરી હતી, જેના કારણે સોશિયલ મીડિયા પર ભારે રોષ ફાટી નીકળ્યો હતો.

કોણ છે અભિજીત દીપકે?
30 વર્ષીય અભિજીત દીપકે બોસ્ટન યુનિવર્સિટીના ગ્રેજ્યુએટ છે અને અગાઉ આમ આદમી પાર્ટીના સોશિયલ મીડિયા અભિયાન સાથે જોડાયેલા રહ્યા હતા. બાદમાં તેમણે જણાવ્યું હતું કે CJIની ટિપ્પણીઓ જ આ મૂવમેન્ટ પાછળનું ભાવનાત્મક કારણ બની હતી.

એક ઈન્ટરવ્યુમાં દીપકેએ કહ્યું હતું કે, “મને લાગે છે કે આ ટિપ્પણીઓ વધુ ઉશ્કેરનારી એટલા માટે લાગી કારણ કે તે ભારતના મુખ્ય ન્યાયાધીશ તરફથી આવી હતી, જે બંધારણના રક્ષક છે અને અમને અભિવ્યક્તિની સ્વતંત્રતા આપે છે.” બાદમાં મુખ્ય ન્યાયાધીશે સ્પષ્ટતા આપતા કહ્યું હતું કે તેમની ટિપ્પણીઓનો ખોટો અર્થ કાઢવામાં આવ્યો હતો અને તે માત્ર નકલી ડિગ્રીના આધારે વ્યવસાયમાં પ્રવેશતા લોકો માટે હતી.

જો કે, આ સ્પષ્ટતા છતાં ઓનલાઈન વિરોધ શાંત થયો નહોતો અને CJPની લોકપ્રિયતા સતત વધી રહી હતી. થોડા જ દિવસોમાં પાર્ટીએ લાખો નોંધાયેલા સમર્થકો અને કરોડો ફોલોઅર્સ હોવાનો દાવો કર્યો હતો.

જાણીતા લોકોનો પણ મળ્યો ટેકો
આ મૂવમેન્ટને જાણીતી હસ્તીઓ તરફથી પણ પ્રતિસાદ મળ્યો છે. કાર્યકર-વકીલ પ્રશાંત ભૂષણ, સામાજિક કાર્યકર અંજલી ભારદ્વાજ તેમજ તૃણમૂલ કોંગ્રેસના સાંસદ મહુઆ મોઇત્રા અને કીર્તિ આઝાદે મજાકિયા અંદાજમાં આ પાર્ટીમાં જોડાવાની ઇચ્છા વ્યક્ત કરી હતી.

કોકરોચ જનતા પાર્ટીની વિચારધારા
પાર્ટીનું મેનિફેસ્ટો વ્યંગ સાથે ગંભીર રાજકીય માંગણીઓનું મિશ્રણ છે. તેમાં નિવૃત્તિ બાદ મુખ્ય ન્યાયાધીશોને રાજ્યસભામાં સ્થાન ન આપવું, ચૂંટણી પંચની વધુ જવાબદારી નક્કી કરવી, સંસદ અને કેબિનેટમાં મહિલાઓને 50 ટકા અનામત આપવી તેમજ મીડિયા માલિકી અને રોજગાર અધિકારોમાં સુધારાઓ જેવી માંગણીઓ સામેલ છે.

CJPએ પોતાને NEET પેપર લીક અને બેરોજગારી જેવી સમસ્યાઓથી પ્રભાવિત વિદ્યાર્થીઓ અને યુવાનોનો અવાજ તરીકે પણ રજૂ કર્યું છે.

અભિજીત દીપકે વારંવાર સ્પષ્ટ કર્યું છે કે આ માત્ર એક મીમ ટ્રેન્ડ નથી, પરંતુ ભારતીય યુવાનોમાં વધી રહેલી નિરાશા અને ગુસ્સાનું પ્રતિબિંબ છે.

કોકરોચ જનતા પાર્ટી ભવિષ્યમાં સત્તાવાર રાજકીય સંગઠનનું રૂપ લેશે કે માત્ર ઈન્ટરનેટ આધારિત વિરોધ મૂવમેન્ટ બની રહેશે, તે હજુ સ્પષ્ટ નથી.

પુલવામા હુમલાનો માસ્ટરમાઇન્ડ હમઝા બુરહાન પાકિસ્તાનમાં ઠાર

0

પુલવામા હુમલા સાથે જોડાયેલા એક વોન્ટેડ આતંકવાદીને ગુરુવારે પાકિસ્તાનના મુઝફ્ફરાબાદ વિસ્તારમાં ગોળી મારીને ઠાર કરવામાં આવ્યો હતો. આતંકવાદીની ઓળખ હમઝા બુરહાન તરીકે થઈ છે. અજાણ્યા હુમલાખોરોએ તેના પર અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો, જેના કારણે તેને અનેક ગોળીઓ વાગી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, હુમલા દરમિયાન જ તેનું મોત નીપજ્યું હતું. આ ઘટના પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK)ના મુઝફ્ફરાબાદ વિસ્તારમાં બની હતી. જોકે, અત્યાર સુધી પાકિસ્તાની અધિકારીઓએ હુમલાખોરોની ઓળખ અથવા હત્યાના કારણ અંગે કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી. હમઝા બુરહાનને પુલવામા હુમલા સાથે જોડાયેલા આતંકી ઓપરેશનોના મુખ્ય સૂત્રધારોમાંનો એક માનવામાં આવતો હતો.

2022માં આતંકવાદી જાહેર કરાયો હતો
પુલવામાનો રહેવાસી હમઝા બુરહાન, જેનું અસલી નામ અર્જુમંદ ગુલઝાર ડાર હતું, તેને કેન્દ્ર ગૃહ મંત્રાલય દ્વારા વર્ષ 2022માં આતંકવાદી જાહેર કરવામાં આવ્યો હતો. જૈશ-એ-મોહમ્મદ (JeM) સાથે જોડાયેલા મહત્વપૂર્ણ કાર્યકર તરીકે તેની ઓળખ હતી. માહિતી મુજબ, પાકિસ્તાન અધિકૃત કાશ્મીરના મુઝફ્ફરાબાદ નજીક આવેલા ઘન જંગલ વિસ્તારમાં તેના પર નિશાન બનાવીને હુમલો કરવામાં આવ્યો હતો. સ્થાનિક લોકોએ બુધવારે મોડી રાત્રે ગોળીબારના અનેક અવાજો સાંભળ્યા હતા. ત્યારબાદ બુરહાનનો મૃતદેહ અનેક ગોળીનાં નિશાન સાથે મળી આવ્યો હતો. હજુ સુધી કોઈ આતંકી સંગઠન અથવા જૂથે આ હત્યાની જવાબદારી સ્વીકારી નથી.

પુલવામા હુમલાનો મુખ્ય કાવતરાખોર માનવામાં આવતો
વર્ષ 2019માં થયેલો પુલવામા હુમલો જમ્મુ-કાશ્મીરના સૌથી ભયાનક આતંકી હુમલાઓમાંનો એક હતો. આ હુમલાએ સમગ્ર દેશમાં ભારે રોષ ફેલાવ્યો હતો અને ત્યારબાદ ભારત દ્વારા બાલાકોટ એરસ્ટ્રાઈક કરવામાં આવી હતી. ભારતીય સુરક્ષા એજન્સીઓ લાંબા સમયથી હમઝા બુરહાનને CRPFના કાફલાને નિશાન બનાવીને કરાયેલા આત્મઘાતી હુમલાની યોજના બનાવવા અને તેનું સંકલન કરવામાં મુખ્ય ભૂમિકા ભજવનાર તરીકે ઓળખતી હતી.

આતંકી નેટવર્કની આંતરિક દુશ્મનાવટની આશંકા
સુરક્ષા નિષ્ણાતોનું માનવું છે કે આ હત્યા PoKમાંથી સંચાલિત આતંકી સંગઠનો વચ્ચેની આંતરિક દુશ્મનાવટ અથવા અજાણ્યા તત્વો દ્વારા કરવામાં આવેલી ટાર્ગેટેડ કાર્યવાહીનું પરિણામ હોઈ શકે છે. જોકે, પાકિસ્તાની સત્તાવાળાઓએ હજુ સુધી આ સમગ્ર ઘટનાને લઈને કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આપી નથી.

CGSTના બે અધિકારીઓ 50 હજાર રૂપિયાની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા

0

કેન્દ્રીય અનુસંધાન બ્યુરો એટલે કે CBIએ લાંચખોરીના એક મામલે મોટી કાર્યવાહી કરતા ગિરિડીહમાં તૈનાત સેન્ટ્રલ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (CGST) વિભાગના એક સુપરિન્ટેન્ડન્ટ અને એક ઇન્સ્પેક્ટરની ધરપકડ કરી છે. બંને અધિકારીઓ પર એક વેપારી પાસેથી લાંચ માંગવાનો આરોપ છે.

CBI અધિકારીઓના જણાવ્યા મુજબ, એજન્સીએ 20 મેના રોજ મળેલી ફરિયાદના આધારે કેસ નોંધ્યો હતો. ફરિયાદમાં આરોપ મૂકવામાં આવ્યો હતો કે CGSTના સુપરિન્ટેન્ડન્ટ અને ઇન્સ્પેક્ટરે ઇનપુટ ટેક્સ ક્રેડિટ (ITC) મિસમેચ મામલો ઉકેલવાના બદલામાં ફરિયાદી પાસેથી 90 હજાર રૂપિયાની લાંચ માંગી હતી.

50 હજાર રૂપિયાની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા
આરોપ છે કે અધિકારીઓએ લાંચ નહીં આપવાના બદલામાં વેપારીનો GST નંબર બ્લોક કરવાની ધમકી પણ આપી હતી. વેપારી તરફથી ફરિયાદ મળ્યા બાદ CBIએ જાળ બિછાવી બંને અધિકારીઓને 50 હજાર રૂપિયાની પ્રથમ કિસ્ત લેતા રંગેહાથ ઝડપી લીધા હતા।

CBIએ ધરપકડ બાદ આરોપીઓના કાર્યાલય અને રહેણાંક સ્થળોએ પણ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. અધિકારીઓએ જણાવ્યું કે બંને આરોપીઓને ધનબાદની સક્ષમ અદાલતમાં રજૂ કરવામાં આવશે. તેમણે વધુમાં કહ્યું કે મામલાની તપાસ હજુ ચાલુ છે.

સેનાના કર્નલ પણ લાંચ કેસમાં ઝડપાયા
આ દરમિયાન CBIએ બીજી એક કાર્યવાહીમાં ભારતીય સેનાના કાર્યરત કર્નલની પણ ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલા અધિકારી આર્મી ઓર્ડનન્સ કોર્પ્સ (AOC)માં તૈનાત હતા અને કોલકાતાના ફોર્ટ વિલિયમ સ્થિત ઈસ્ટર્ન કમાન્ડમાં ફરજ બજાવતા હતા.

CBIના જણાવ્યા મુજબ, કર્નલ પર 50 લાખ રૂપિયાના લાંચ કૌભાંડમાં સામેલ હોવાનો આરોપ છે. આ મામલે BNS 2023ની કલમ 61(2) અને ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની વિવિધ કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

કર્નલ પર ટેન્ડર પ્રક્રિયામાં ગેરરીતિ કરવી, વધારેલા અથવા પેન્ડિંગ બિલો પાસ કરાવવું અને નબળી ગુણવત્તાવાળા સામાનના સેમ્પલને મંજૂરી આપવાના ભ્રષ્ટાચારના આરોપો લાગ્યા છે.

બાંગ્લાદેશ બોર્ડર પર કડક એક્શન: મુર્શિદાબાદમાં ઘૂસણખોરી રોકવા BSFને 27 કિમી જમીન, 18 કિમીમાં થશે તારબંધી

0

પશ્ચિમ બંગાળ સરકારે ભારત-બાંગ્લાદેશ સરહદ પર કાંટાળી તારની વાડબંધી માટે BSFને 27 કિલોમીટર જમીન સોંપી છે. ગુરુવારે રાજ્ય સચિવાલય નબન્નામાં મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારીએ BSF અધિકારીઓની હાજરીમાં સત્તાવાર રીતે જમીન હસ્તાંતરણ પ્રક્રિયાની શરૂઆત કરી હતી.

સરકારે આ નિર્ણય કેમ લીધો?
રાજ્યના મુર્શિદાબાદ અને માલદા જિલ્લાઓ હાલ સુરક્ષા અને રાજકીય બંને દ્રષ્ટિએ અત્યંત સંવેદનશીલ માનવામાં આવે છે. આ જ વિસ્તારોને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે સરહદ પર ફેન્સિંગ અને સુરક્ષા માળખું મજબૂત કરવા માટે આ નિર્ણય લીધો છે.

મુર્શિદાબાદ અને માલદા બંને જિલ્લાઓ સીધા બાંગ્લાદેશની સરહદ સાથે જોડાયેલા છે અને અહીં મોટી મુસ્લિમ વસ્તી વસે છે. 2011ની વસ્તી ગણતરી મુજબ મુર્શિદાબાદમાં આશરે 66 ટકા અને માલદામાં 51 ટકા મુસ્લિમ વસ્તી છે. ભાજપ લાંબા સમયથી આ વિસ્તારોમાં બાંગ્લાદેશી ઘૂસણખોરીનો મુદ્દો ઉઠાવતી આવી છે. પાર્ટીનો આરોપ છે કે ગેરકાયદે ઘૂસણખોરોને ખોટા દસ્તાવેજો દ્વારા સ્થાનિક ઓળખ આપવામાં આવી રહી હતી.

તાજેતરમાં ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલા મતદાર યાદીના વિશેષ ગહન પુનરીક્ષણ (SIR)ના પ્રાથમિક આંકડાઓમાં પણ મુર્શિદાબાદ અને માલદા ચર્ચામાં રહ્યા હતા. અંદાજે 60 લાખથી વધુ બાકી રહેલા મતદારોમાંથી લગભગ એક તૃતીયાંશ માત્ર આ બે સરહદી જિલ્લાઓમાંથી હોવાનું સામે આવ્યું હતું. મુર્શિદાબાદમાં આવા મતદારોની સંખ્યા સૌથી વધુ 11.01 લાખ દર્શાવવામાં આવી હતી, જ્યારે માલદામાં આ આંકડો 8.28 લાખ હતો.

મુખ્યમંત્રીએ અગાઉની સરકાર પર લગાવ્યા આરોપ
મુખ્યમંત્રીએ અગાઉની સરકાર પર અસહકાર દ્વારા સરહદી સુરક્ષામાં અવરોધ ઉભો કરવાનો આરોપ લગાવ્યો. તેમણે કહ્યું કે સરહદ પર તારબંધી રાષ્ટ્રીય અને રાજ્ય સુરક્ષા માટે અત્યંત જરૂરી છે.

મુખ્યમંત્રીએ ઘૂસણખોરી, તસ્કરી, નકલી ચલણી નોટો, બળજબરીથી ધર્મ પરિવર્તન અને ગેરકાયદે રીતે પ્રવેશેલા બાંગ્લાદેશી નાગરિકો સાથે જોડાયેલા ગુનાઓનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે આ પડકારોનો સામનો કરવા માટે સરહદી સુરક્ષા મજબૂત કરવી અનિવાર્ય છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે આવનારા સમયમાં વધુ જમીન પણ BSFને સોંપવામાં આવશે. તેમણે જણાવ્યું કે સમગ્ર પ્રક્રિયાનો ખર્ચ કેન્દ્ર સરકાર અને BSF દ્વારા ઉઠાવવામાં આવશે.

ભારત સાથે પશ્ચિમ બંગાળ કેટલી સરહદ વહેંચે છે?
પશ્ચિમ બંગાળની બાંગ્લાદેશ સાથે આશરે 2,200 કિલોમીટર લાંબી સરહદ છે, જ્યારે ભારત-બાંગ્લાદેશની કુલ સરહદ લગભગ 4,000 કિલોમીટર લાંબી છે. તેમાંમાંથી લગભગ 1,600 કિલોમીટર વિસ્તારમાં પહેલેથી જ ફેન્સિંગ કરવામાં આવી ચૂકી છે, જ્યારે આશરે 600 કિલોમીટર વિસ્તાર હજુ પણ વાડ વગરનો છે.

સરકારે આ વખતે કુલ 27 કિલોમીટર વિસ્તાર માટે જમીન સોંપી છે. તેમાં 18 કિલોમીટર વિસ્તારમાં કાંટાળી તારની વાડ લગાવવામાં આવશે, જ્યારે 9 કિલોમીટર વિસ્તાર BSF ચોકીઓ અને અન્ય આધારભૂત માળખાંના નિર્માણ માટે ઉપયોગમાં લેવામાં આવશે.

BSFએ સરકારના નિર્ણયનું સ્વાગત કર્યું
BSFના મહાનિદેશક પ્રવીણ કુમારે રાજ્ય સરકારના નિર્ણયની પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું કે સરહદી સુરક્ષા અભિયાન માટે જે સહયોગની લાંબા સમયથી જરૂર હતી, તે હવે નવી સરકાર હેઠળ મળી રહ્યો છે.

1 કરોડના ઇનામી નક્સલીના બોડીગાર્ડ સહિત સહિત 27 નક્સલીઓનું આત્મસમર્પણ, જુઓ લિસ્ટ

0

ઝારખંડમાં નક્સલવાદને જડમૂળથી ખતમ કરવાની દિશામાં આજે એક મોટું પગલું ભરવામાં આવ્યું છે. રાંચીમાં ઝારખંડ પોલીસના DGP સમક્ષ 27 નક્સલીઓએ સરેન્ડર કરી દીધું છે।

આ રીતે હવે રાજ્યમાં નક્સલવાદ લગભગ ખતમ થવાની કગાર પર પહોંચી ગયો છે. નક્સલીઓએ હથિયારો અને ગોળીઓ સાથે આત્મસમર્પણ કર્યું છે. તેમાં અનેક મહિલા નક્સલીઓ પણ સામેલ છે. એક મહિલા નક્સલી તો પોતાના એક વર્ષના બાળક સાથે મંચ પર આત્મસમર્પણ કરવા પહોંચી હતી.

ઝારખંડમાં આજે 27 માઓવાદીઓએ આત્મસમર્પણ કર્યું. એક મહિલા નક્સલી જ્યારે સરેન્ડર કરવા આવી ત્યારે તેની ગોદમાં એક વર્ષથી પણ નાનું બાળક હતું. ઝારખંડમાં નક્સલવાદ હવે અંતિમ શ્વાસ લઈ રહ્યો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. તમામ 27 નક્સલીઓએ DGP સમક્ષ હથિયાર મૂકી દીધા છે.

ઝારખંડનો સૌથી કુખ્યાત માનવામાં આવતો નક્સલી મિસિર બેસરાએ હજુ સુધી હથિયાર નાંખ્યા નથી. તેના પર 1 કરોડ રૂપિયાનું ઇનામ જાહેર છે. જોકે, આત્મસમર્પણ કરનારાઓમાં 25 કેન્દ્રીય કમિટી સભ્યો સામેલ છે. તેમાં બેસરા અને અસીમ મંડલની ટીમના ટોપ કમાન્ડર અને મારક દસ્તાના સભ્યો પણ સામેલ છે. જણાવવામાં આવી રહ્યું છે કે આ નક્સલીઓ કોલ્હાન અને સારંડાના જંગલોમાં સક્રિય હતા. સરેન્ડર કરનારાઓમાં 6 સબ ઝોનલ કમિટી સભ્યો, 6 એરિયા કમિટી સભ્યો અને 13 દસ્તા સભ્યોનો સમાવેશ થાય છે. વધુમાં માહિતી મળી છે કે JJMP સંગઠનના 2 નક્સલીઓએ ગુમલામાં પણ હથિયાર મૂકી દીધા છે.

માહિતી મુજબ સરેન્ડર કરનાર 8 નક્સલીઓના માથા પર કુલ 33 લાખ રૂપિયાનું ઇનામ જાહેર હતું. તાજેતરમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહએ દેશમાંથી નક્સલવાદ ખતમ થવાની જાહેરાત કરી હતી. કેન્દ્ર અને રાજ્ય સરકારની નીતિઓના કારણે પણ આ સફળતા મળી રહી હોવાનું માનવામાં આવી રહ્યું છે.

કયા-કયા હથિયારો સોંપવામાં આવ્યા?
નક્સલીઓએ આત્મસમર્પણ સાથે અનેક હથિયારો અને ગોળીઓ પણ સોંપી છે. જેમાં એક INSAS LMG, 4 INSAS રાઇફલ, દેશી પિસ્તોલ, 9 SLR, .303 રાઇફલ ઉપરાંત 2857 ગોળીઓ પણ સુરક્ષા દળોને સોંપવામાં આવી છે।

આ નક્સલીઓએ કર્યું આત્મસમર્પણ

ઓર્ડરનામ
કરણ ઉર્ફે ડાંગુર ટીયુ
ગાડી મુંડા ઉર્ફે ગુલશન
રામદયાલ મુંડા
વંદના ઉર્ફે શાંતિ
નાગેન્દ્ર મુંડા ઉર્ફે પ્રભાત મુન્હા ઉર્ફે મુખિયા
રેખા મુંડા ઉર્ફે જયંતિ
સાગૈન અંગારિયા
દર્શન ઉર્ફે બિંજ હંસદા
સુલેમાન હંસદા ઉર્ફે ચાંબ્રા
૧૦બૈજનાથ મુંડા
૧૧બાસુમતી જેરાઈ ઉર્ફે બાસુ
૧૨રઘુ કાયમ
૧૩કિશોર સિરકા ઉર્ફે દુર્ગા સિરકા
૧૪લાડુ તિરિયા
૧૫નીતિ માઈ ઉર્ફે નીતિ હબ્રમ
૧૬બુમલી તિયુ ઉર્ફે દામુ ચારણ તિયુ
૧૭નુઆસ
૧૮બિરસા કોડા ઉર્ફે હરિ સિંહ
૧૯સુસારી ઉર્ફે દસ્મા કાલુડિયા
૨૦સપના ઉર્ફે સુરુ કાલુન્ડિયા
૨૧અનીશા કોડા
૨૨મુનીરામ મુંડા
૨૩બસંતી દેવગમ
૨૪સુનિતા સરદાર ઉર્ફે બારી
૨૫ડાંગુર બોઈપાઈ ઉર્ફે મુકેશ

‘કૉકરોચ જનતા પાર્ટી’ સોશિયલ મીડિયા પર સુપરહિટ, કલાકોમાં જ લાખો યુવાનો જોડાયા

0

આજના સમયમાં સોશિયલ મીડિયાની શક્તિ કેટલી પ્રભાવશાળી બની ગઈ છે તેનું અનોખું ઉદાહરણ ‘કૉકરોચ જનતા પાર્ટી’ (CJP) બની છે. સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાંતે દેશના કેટલાક બેરોજગાર યુવાનોને લઈને ‘કૉકરોચ’ જેવી ટિપ્પણી કરી હતી. આ ટિપ્પણી બાદ એક યુવકે તેને સોશિયલ મીડિયા પર મુદ્દો બનાવી ઈન્સ્ટાગ્રામ પર @cockroachjantaparty નામથી હેન્ડલ શરૂ કર્યું, જેને થોડા જ સમયમાં જબરદસ્ત પ્રતિસાદ મળ્યો.

આ હેન્ડલના ફોલોઅર્સની સંખ્યા ઝડપથી વધી ગઈ અને તેણે ફોલોઅર્સના મામલે દેશની સૌથી મોટી રાજકીય પાર્ટી હોવાનો દાવો કરતી ભાજપને પણ પાછળ છોડી દીધી. હાલમાં ઈન્સ્ટાગ્રામ પર કૉકરોચ જનતા પાર્ટીના 12 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે, જ્યારે ભાજપના 8.7 મિલિયન, કોંગ્રેસના 13.3 મિલિયન અને આમ આદમી પાર્ટીના 1.3 મિલિયન ફોલોઅર્સ છે.

કોણ છે કૉકરોચ જનતા પાર્ટીના સ્થાપક?
કૉકરોચ જનતા પાર્ટીની સ્થાપના કરનાર યુવકનું નામ અભિજીત દીપકે છે. માત્ર 30 વર્ષીય અભિજીત દીપકે પાર્ટી માટે વેબસાઇટ પણ શરૂ કરી છે, જ્યાં અત્યાર સુધીમાં એક લાખથી વધુ લોકો જોડાઈ ચૂક્યા છે. પાર્ટીએ પોતાની વેબસાઇટ પર એક એન્થમ સોંગ પણ મૂક્યું છે. જોકે, પાર્ટીના સત્તાવાર રજીસ્ટ્રેશન વિશે હજુ સુધી કોઈ માહિતી સામે આવી નથી.

અહેવાલો મુજબ અભિજીત દીપકે પોલિટિકલ કમ્યુનિકેશન સ્ટ્રેટેજીસ્ટ તરીકે કાર્ય કરે છે. તેઓ નેરેટિવ બિલ્ડિંગ, પબ્લિક મેસેજિંગ અને ડિજિટલ મીડિયા પર રાજકીય વિચારોની અસરનું વિશ્લેષણ કરવામાં નિષ્ણાત માનવામાં આવે છે. તેમણે પુણેથી જર્નાલિઝમમાં અભ્યાસ કર્યો છે અને હાલમાં બોસ્ટન યુનિવર્સિટીમાં પબ્લિક રિલેશન્સનો અભ્યાસ કરી રહ્યા છે.

AAP સાથે પણ જોડાયેલા રહ્યા હતા અભિજીત દીપકે
માહિતી અનુસાર, અભિજીત દીપકે 2020 થી 2023 દરમિયાન અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીના સોશિયલ મીડિયા અને ચૂંટણી અભિયાનો સાથે પણ કામ કર્યું હતું. વર્ષ 2020માં દિલ્હીમાં આમ આદમી પાર્ટીની જીત દરમિયાન તેમણે મીમ આધારિત ડિજિટલ અભિયાન ચલાવ્યું હતું, જેના કારણે યુવાનોમાં પાર્ટીની લોકપ્રિયતા વધારવામાં મદદ મળી હતી.

કેમ શરૂ થઈ કૉકરોચ જનતા પાર્ટી?
15 મે, 2026ના રોજ સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાંતે કેટલાક બેરોજગાર યુવાનો અંગે ‘કૉકરોચ’ શબ્દનો ઉપયોગ કર્યો હતો. આ ટિપ્પણી બાદ અભિજીત દીપકેએ તેને એક સોશિયલ મૂવમેન્ટમાં ફેરવવાનો પ્રયાસ કર્યો અને ‘કૉકરોચ જનતા પાર્ટી’ની શરૂઆત કરી. પાર્ટીની વેબસાઇટ પર તેને બેરોજગાર અને અવગણાયેલા યુવાનોનો અવાજ ગણાવવામાં આવ્યો છે.

કૉકરોચ જનતા પાર્ટીનો મેનિફેસ્ટો પણ ચર્ચામાં
પાર્ટીના મેનિફેસ્ટોમાં અનેક ચોંકાવનારા વચનો આપવામાં આવ્યા છે. તેમાં જણાવાયું છે કે જો પાર્ટી સત્તામાં આવશે તો કોઈપણ ચીફ જસ્ટિસને નિવૃત્તિ બાદ રાજ્યસભામાં મોકલવામાં નહીં આવે.

તે ઉપરાંત જો મતદાર યાદીમાંથી કોઈ સાચા મતદારનું નામ કાપવામાં આવશે તો ચૂંટણી પંચ સામે કાર્યવાહી કરવાની અને UAPA હેઠળ ધરપકડ કરવાની વાત પણ મેનિફેસ્ટોમાં કરવામાં આવી છે.

પાર્ટીએ મહિલાઓને 50 ટકા અનામત આપવાનો પણ વાયદો કર્યો છે. સાથે જ બિઝનેસમેન સાથે જોડાયેલા મીડિયા હાઉસના લાયસન્સ રદ કરવાની અને પક્ષપલટો કરનારા ધારાસભ્ય અથવા સાંસદોને 20 વર્ષ સુધી ચૂંટણી લડવા પર પ્રતિબંધ મૂકવાની જાહેરાત પણ કરવામાં આવી છે.

પાર્ટીમાં જોડાવાની યોગ્યતા

  • બેરોજગારી
  • આલસી (લેઝી) હોવું ડલે રહેવું, પડે રહેવું
  • ઓનલાઈન રહેવાની લત
  • પ્રોફેશનલી ભડાસ નીકાળવાની ક્ષમતા

મેનિફેસ્ટોમાં 5 મુખ્ય વાદા

  • CJI સહિત કોઈપણ ન્યાયાધીશને રિટાયરમેન્ટ પછી રાજ્યસભા જેવું કોઈ ‘રિવાર્ડ’ નહીં મળે.
  • વોટ ડિલીટ થશે તો મુખ્ય ચૂંટણી કમિશનરને UAPA હેઠળ ગિરફ્તાર કરવામાં આવશે (વોટિંગ અધિકાર છીનવવું આતંકવાદ જેવું છે).
  • મહિલાઓ માટે 50% અનામત (33%ની જગ્યાએ), સંસદની સીટ વધાર્યા વિના અને કેબિનેટમાં પણ 50% અનામત.
  • અંબાણી અને અડાણીના તમામ મીડિયા સંસ્થાના લાઇસન્સ રદ્દ કરી ‘ગોદી મીડિયા’ પર અંકુશ.
  • દલબદલ કરનારા વિધાયક અથવા સાંસદને 20 વર્ષ સુધી કોઈ પદ નહીં મળે.

Modi Gift to Meloni: મોદીએ મેલોનીને ભેટમાં આપ્યો મૂગા સિલ્ક સ્ટોલ, જાણો તેની ખાસિયત અને કિંમત

0

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઇટાલીની મુલાકાત પૂર્ણ કરીને ભારત પરત ફર્યા છે. તેમની આ મુલાકાત દરમિયાન એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો હતો, જેમાં તેઓ ઇટાલીની પ્રધાનમંત્રી જ્યોર્જિયા મેલોનીને મેલોડી ટોફીનું પેકેટ ભેટમાં આપતા જોવા મળ્યા હતા. આ વીડિયો ખુદ મેલોનીએ પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કર્યો હતો. આ દરમિયાન મોદીએ ઇટાલીની પ્રધાનમંત્રીને મૂગા સિલ્કનો સ્ટોલ પણ ભેટમાં આપ્યો હતો. મૂગા સિલ્કને આસામનું ‘ગોલ્ડન સિલ્ક’ પણ કહેવાય છે. આવો જાણીએ તેની ખાસિયત અને કિંમત વિશે.

આ સોનેરી પીળા રંગનું રેશમ ખાસ કરીને આસામની બ્રહ્મપુત્ર ઘાટીની દુર્લભ વારસાગત ઓળખ માનવામાં આવે છે. તે એન્થેરિયા આસામેન્સિસ નામના રેશમ કીડામાંથી મેળવવામાં આવે છે. આ રેશમના કીડા સોમ અને સોમાલ છોડના સુગંધિત પાંદડાઓ પર નિર્ભર રહે છે. આ રેશમ તૈયાર કરવામાં કોઈ આર્ટિફિશિયલ ડાઈનો ઉપયોગ થતો નથી, જેના કારણે તેને પર્યાવરણમિત્ર માનવામાં આવે છે. ભેજ શોષી લેવાની ક્ષમતા અને યુવી પ્રતિરોધક ગુણધર્મોને કારણે તેને દુનિયાના સૌથી મજબૂત ફાઈબર્સમાં ગણવામાં આવે છે.

કેટલી છે કિંમત?

મૂગા સિલ્કમાંથી સાડી, શોલ, સ્ટોલ સહિત અનેક પ્રકારની વસ્તુઓ બનાવવામાં આવે છે. હાલમાં મૂગા રેશમનો વેપાર અંદાજે 200 કરોડ રૂપિયાનો છે, પરંતુ તેમાં દસ ગણો વધારો થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મૂગા સિલ્ક શોલની કિંમત 3,500 રૂપિયાથી લઈને 38,000 રૂપિયા સુધી હોઈ શકે છે. તેની કિંમત તેમાં ઉપયોગમાં લેવાયેલા સિલ્કની શુદ્ધતા પર આધારિત હોય છે. બ્લેન્ડેડ મૂગા શોલની કિંમત ઓછી હોય છે, જ્યારે શુદ્ધ હેન્ડલૂમ મૂગા શોલની કિંમત ઘણી વધારે હોય છે.

પ્રધાનમંત્રી મોદીએ મૂગા સિલ્ક સ્ટોલ ઉપરાંત ઇટાલીની પ્રધાનમંત્રીને શિરુઈ લિલી સિલ્ક સ્ટોલ પણ ભેટમાં આપ્યો હતો. મોદીએ ઇટાલી સિવાય હોલેન્ડ, નોર્વે અને સ્વીડનની પણ મુલાકાત લીધી હતી. યુરોપ જતાં પહેલાં તેઓ થોડા કલાકો માટે યુએઈમાં પણ રોકાયા હતા. આ દરમિયાન તેમણે હોલેન્ડના રાજાને રાજસ્થાની બ્લૂ પોટરી, રાણીને મીનાકારી અને કુન્દન ઇયરરિંગ્સ તેમજ પ્રધાનમંત્રીને મધુબની પેઇન્ટિંગ ભેટમાં આપી હતી.

ઇબોલા વાયરસને લઈને દિલ્હી એરપોર્ટ પર એલર્ટ, વિદેશથી આવતા મુસાફરોની કડક તપાસ શરૂ

0

ઇબોલા વાયરસ (Ebola Virus)ના કેસોમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO)એ તેને વિશ્વની સૌથી મોટી હેલ્થ ઇમરજન્સી જાહેર કરી છે. આ વાયરસનો સૌથી વધુ પ્રકોપ આફ્રિકા ખંડમાં જોવા મળી રહ્યો છે.

રાહતની વાત એ છે કે ભારતમાં અત્યાર સુધી ઇબોલા વાયરસનો એકપણ કેસ નોંધાયો નથી. જોકે, સાવચેતીના ભાગરૂપે દિલ્હી સ્થિત ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ (IGI) એરપોર્ટ દ્વારા તે દેશોમાંથી આવતા મુસાફરો માટે કડક માર્ગદર્શિકા અને પેસેન્જર એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે, જ્યાં આ બીમારી ઝડપથી ફેલાઈ રહી છે. તેમાં ખાસ કરીને સાઉથ સુદાન અને યુગાન્ડા જેવા દેશોનો સમાવેશ થાય છે.

એરપોર્ટ પર સ્ક્રીનિંગ અને કડક નજર
આફ્રિકામાં સતત બગડતી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને દિલ્હી એરપોર્ટ પર વિદેશથી આવતા મુસાફરોની થર્મલ સ્ક્રીનિંગ અને કડક દેખરેખ શરૂ કરી દેવામાં આવી છે. ઘણા લોકો આ સંક્રમણ અને તેના જોખમો વિશે અજાણ હોવાના કારણે એરપોર્ટ પર જાગૃતિ અને ચેકિંગ બંનેમાં વધારો કરવામાં આવ્યો છે.

કોરોના જેવા જ છે શરૂઆતના લક્ષણો
ઇબોલા વાયરસના લક્ષણો ઘણી હદ સુધી કોરોના વાયરસ જેવા જ હોય છે. તેમાં તાવ, નબળાઈ, ઉલ્ટી, માથાનો દુખાવો જેવા લક્ષણો જોવા મળે છે. જેના કારણે ઘણા લોકો તેને સામાન્ય ફ્લૂ સમજી લેવાની ભૂલ કરી બેસે છે.

21 દિવસ સુધી નજર રાખવાની અપીલ
મુસાફરોને અપીલ કરવામાં આવી રહી છે કે અસરગ્રસ્ત દેશોમાંથી પરત ફર્યા બાદ 21 દિવસની અંદર જો ઉપર જણાવેલા કોઈપણ લક્ષણો દેખાય, તો તરત જ આરોગ્ય વિભાગને જાણ કરવી. જેથી આવા કેસમાં તાત્કાલિક સારવાર આપી શકાય અને બીમારીના ફેલાવાને રોકી શકાય.

સુરત ચેમ્બર્સની આ વખતની ચૂંટણી વેરનાં બીજ રોપશે, રાજેન્દ્ર ચોખાવાળાનો ‌વિશ્વાસનો રથ નીચે આવી ગયો

  • ઉમેદવારની સર્વાનુમતે પસંદગી કરવાનાં નામે પૂર્વ પ્રમુખોના ટોળાએ આચરેલી ભૂ‌મિકા શંકાના ઘેરામાં, ઉદ્યોગજગતે અ‌વિશ્વાસનો આંચકો અનુભવ્યો
  • દર વર્ષે ચૂંટણી લગભગ ‌બિનહરીફ યોજાતી આવી છે અને વખતોવખત ‌વિશ્વાસનું પાલન પણ કરાય છે પરંતુ આ વખતે અપાયેલો ‌વિશ્વાસ, પ્રો‌મિસનું સરેઆમ નીલામ કરવામાં આવ્યું
  • પૂર્વ પ્રમુખોની ક‌મિ‌ટીની કોઇ જ કાયદેસરતા નથી, પરંતુ સમાધાનકારી ઉકેલ લાવવાની ભૂ‌મિકા ભજવે છે. વળી, મહાજનોની સંસ્થા માટે આ વ્યાજબી પણ છે પરંતુ આ વખતે પંચમાં બેઠેલા લોકોએ જ ‌વિશ્વાસની પરંપરાની કાળો ધબ્બો લગાડ્યો
  • ચેમ્બરની ચૂંટણીમાં ખરેખર ચાર ઉમેદવારો સ્પર્ધામાં હતા પરંતુ પૂર્વ પ્રમુખોની ફોરમે માત્ર બે જ ઉમેદવારો ‌મિતીશ મોદી અને ર‌વિરાજ દેસાઇને બોલાવીને ‌મિતીશ મોદીને દરવાજો દેખાડી દીધો
  • પૂર્વ પ્રમુખોની બેઠકમાં ઉમેદવારની પસંદગી કરવા મતદાન યોજવામાં આવ્યંુ પરંતુ કોને કેટલા મત મળ્યા એ જાહેર કર્યા વગર જ ‌મિતીશ મોદીને ‌રિજેક્ટ કરી દીધા! બેઠક ખરેખર પારદર્શી હતી તો મતદાનની ‌વિગતો કેમ જાહેર કરવામાં આવી નહીં?
  • નવાઇની વાત તો એ પણ છે કે પૂર્વ પ્રમુખોના ભરોસે આપેલ ઉમેદવારી પરત ખેંચતા ‘‌વિડ્રોઅલ’ લેટર પણ ‌મિતીશ મોદીના માંગવા છતાં પરત કર્યા વગર ચૂંટણી સ‌મિ‌‌તિને સુપ્રત કરીને તેમની ઉમેદવારી રદ્ કરાવી દીધી

સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સની આ ‍વર્ષની ચૂંટણી અનેક ‌વિવાદો કરતા સતત અન્યાય અને ‌વિશ્વાસઘાતથી ભરેલી છે. ચેમ્બરના ભૂતપૂર્વ પ્રમુખો લગભગ દર વર્ષે કોણ નવો પ્રે‌સિડેન્ટ બનશે એ નક્કી કરતા આવ્યા છે. કોઇપણ સંસ્થામાં ચૂંટણી રોકવી અને સમાધાન એટલે સર્વસંમ‌ત્તિથી નવા હોદ્દેદારોની વરણી કરવામાં આવે એ આવકાર્ય છે. ચેમ્બર્સની ચાલી આવતી પરંપરા મુજબ પૂર્વ પ્રમુખોનું જૂથ એટલે કે ક‌મિ‌ટી ઉમેદવારોને સાંભળીને કોને ચૂંટણી લડાવવી કે ‌બિનહરીફ વરણી કરવી એ નક્કી કરતા આવ્યા છે અને અપવાદરૂપ ઘટના બાદ કરતા અત્યાર સુધી સર્વસંમ‌ત્તિ સાધવા સાથે હોદ્દેદારોની ‌બિનહરીફ ‌નિમણૂંકો થતી આવી છે. દરેકને તેની લાયકાત, ‌સિ‌નિયો‌‌િરટી પ્રમાણે હોદ્દાઓ મળતા આવ્યા છે. પૂર્વ પ્રમુખોના ‌નિર્ણય સામે ક્યારેય પણ બળવો કરવાની ઘટના બનવા પામી નથી.

પરંતુ આ વખતે પૂર્વ પ્રમુખોએ કરેલો પક્ષપાત સ્પષ્ટ ઉઘાડો પડી ગયો હતો. પૂર્વ પ્રમુખનો ‌નિર્ણય એ બંધારણીય ‌નિર્ણય નથી પરંતુ એક એવી છાપ ઊભી કરવામાં આવી છે કે પૂર્વ પ્રમુખોના ‌નિર્ણયને ઉથલાવી શકવાનું શક્ય જ નથી કારણ કે પૂર્વ પ્રમુખની જડ છેક નીચે સુધી એટલી હદે મજબૂત કરવામાં આવી છે કે નાફરમાની કરીને દાવેદારી કરનારને ‘ભોં’ માં ભંડારી દેવામાં આવે છે. મતલબ નાફરમાની કરનારનું જીતવાનું શક્ય જ નથી. બીજા અર્થમાં કહીએ તો ચેમ્બર ઓફ કોમર્સના કારભારમાં સત્તાની બહાર રહીને પણ પૂર્વ પ્રમુખો પોતાનું ધાર્યું કરાવી શકે છે.

વળી પૂર્વ પ્રમુખોની ફોરમે એટલી સજ્જડ વ્યવસ્થા ગોઠવી છે કે ચૂંટણી લડવા માંગતા ઉમેદવારોને પૂર્વ પ્રમુખોનું ફોરમ સાંભળતા પહેલા ઉમેદવારો પાસેથી સૌથી પહેલા ઉમેદવારી પરત ખેંચી રહ્યા હોવાનો ‘‌વિડ્રોઅલ’ પત્ર પહેલા લખાવી લેવામાં આવે છે અને પછી જ પૂર્વ પ્રમુખો પોતાનો ‌નિર્ણય જાહેર કરે છે. મતલબ ઉમેદવાર ‘‌વિડ્રોઅલ’ પત્ર આપીને પૂર્વ પ્રમુખોના શરણે થઇ જાય છે અને ત્યાર બાદ પૂર્વ પ્રમુખો નક્કી કરે છે કે કોણ નવો પ્રમુખ બનશે? પરંતુ અત્યાર સુધીની મોટાભાગની ઘટનાઓમાં પૂર્વ પ્રમુખોનો ‌નિર્ણય ન્યાયના દાયરામાં કરાતો હતો અને ચૂંટણીમાં ખસી જનાર ઉમેદવારોને આપવામાં આવેલા વચનો, ખાતરીઓનું પાલન કરવામાં આવતું હતું. આ પરંપરા આજકાલથી નહીં વર્ષોથી ચાલી આવે છે.

પૂર્વ પ્રમુખોના ફોરમની કોઇ બંધારણીય કાયદેસરતા નથી. તેમ છતાં આ ફોરમનો ‌નિર્ણય સર્વમાન્ય રાખવામાં આવે છે અને શક્ય હોય ત્યાં સુધી મતદાનની પ્ર‌ક્રિયા એટલે ચૂંટણી ટાળવામાં આવે છે. પરંતુ આ વખતે પૂર્વ પ્રમુખોએ કરેલો પક્ષપાત સ્પષ્ટ દેખાઇ આવતો હતો. વળી, પૂર્વ પ્રમુખોના હાજર રહેલા ૨૨ સભ્યોએ વોટીંગ કરીને ‌નિર્ણય કર્યો હતો. પરંતુ ‌નિર્ણય જાહેર કરાયા વગર જ ઉમેદવાર જાહેર કરી દેવાયો હતો! કોને કેટલા મત મળ્યા એ જાણવાનો બધાને લોકશાહી શાસનમાં દરેકને અ‌ધિકાર છે પરંતુ ક‌‌મિ‌ટી સભ્યોએ મતોની ‌વિગતો જાહેર કર્યા વગર જ બધાને જ અંધારામાં રાખીને પોતાને ગમતો ઉમેદવાર પસંદ કરી દીધો. પૂર્વ પ્રમુખની આ હરકત સામે સુરતની ઉદ્યોગ આલમે ભારે આંચકો અનુભવ્યો હતો અને સુરત ચેમ્બર્સની ચૂંટણી પૂર્વ પ્રમુખોની દાદાગીરીથી ઉમેદવાર ઠોકી બેસાડયો હતો.વાત અ‌હિંયાથી પૂરી થતી નથી. નાપસંદ કરાયેલ ઉમેદવારને ‘‌વિડ્રોઅલ’ નો પત્ર પણ પરત કર્યો નહોતો અને તેમની ઉમેદવારીને દફતરે કરી દીધી હતી!

ખેર, મૂળ વાત એ હતી કે ગત વર્ષની ચૂંટણી વખતે કેટલાક સમાધાન થયા હતા અને સમજૂતીના ભાગરૂપે સી.એ.‌મિતીશ મોદીએ ચૂંટણી લડવાનું માંડી વાળ્યું હતું અને રાજેન્દ્ર ચોખાવાલા સ‌હિત પૂર્વ પ્રમુખોની સમજાવટ ‌શિરોમાન્ય રાખીને પોતાની ઉમેદવારી પરત ખેંચી લીધી હતી અને ‌નિ‌ખિલ મદ્રાસીના પ્રમુખપદ માટે માર્ગ મોકળો કરી આપવા ઉપરાંત આખું વર્ષ ટ્રેઝરર તરીકેની પ્રસંશ‌નિય ફરજ બજાવી હતી. રાજેન્દ્ર ચોખાવાલા સ‌હિત અન્ય અગ્રણીઓ ‌મિતીશ મોદીને વર્ષ ૨૦૨૬-૨૭ માટે ઉપપ્રમ‌ુખ બનાવવાનો ‌વિશ્વાસ અપાવ્યો હતો. અલબત્ત ખૂબ જ અભ્યાસુ અને સી.એ.તરીકેનો અઢી દાયકાનો અનુભ‍વ ધરાવતા ‌મિ‌તીશ મોદી ચેમ્બરના ઉપપ્રમુખ માટે ખરેખર લાયક ઉમેદવાર હતા જ ઉપરાંત રાજેન્દ્ર ચોખાવાલાની પણ તેમને સમર્થન આપવાની નૈૈ‌તિક ફરજ હતી અને એકમાત્ર રાજેન્દ્ર ચોખાવાલાના કહેવાથી તેમણે ઉમેદવારી પરત ખેંચવાનો પત્ર ચેમ્બરને નહી પરંતુ રાજેન્દ્ર ચોખાવાલાના હાથમાં મૂક્યો હતો. ‘કોરા ચેક’ જેવો ‌વિડ્રોઅલ પત્ર રાજેન્દ્ર ચોખાવાલાના હાથમાં મૂકીને ‌મિતીશ મોદીએ ‌વિશ્વાસ સાથે ભૂલ કરી હતી. જોકે ‌નિયમ મુજબ કોઇ ત્રીજી વ્ય‌ક્તિ કોઇનો ‌‌વિડ્રોઅલ પત્ર આપે એટલે ઉમેદવારી રદ થઇ શકતી નથી પરંતુ ચેમ્બરના કારભારીઓ પણ મનઘડંત અર્થઘટન કરીને રાજેન્દ્ર ચોખાવાલા સ‌હિત અન્ય પૂર્વ પ્રમુખોએ ‌મિ‌‌તીશ મોદીનો ઉમેદવારી પત્ર ચેમ્બરમાં જમા કરાવીને ‌મિતીશ મોદીની ઉમેદવારી દફતરે કરાવી દીધી હતી!

બીજી વાસ્ત‌વિકતાએ પણ છે કે ચેમ્બર ઓફ કોમર્સ કોઇ જ રજીસ્ટર્ડ સંસ્થા નથી. અ‌હિંયા કરાતી આ‌ર્થિક, સામા‌જિક, ઔદ્યો‌ગિક પ્રગ‌તિની કોઇ જ કાયદેસરતા નથી. મતલબ ચેમ્બરની ચૂંટણીની ખરેખર કાયદેસરતા નથી પરંતુ ઉદ્યોગકારો, વેપારીઓનું સંગઠન હોવાથી એકબીજાના સહકારથી બધું ચાલ્યા કરે છે.ખેર, મૂળ વાત ઉપર આવીએ તો આ વખતે ઉપ્રમુખપદ માટે ચાર ઉમેદવારોના ‌મિતીશ મોદી, ર‌વિરાજ દેસાઇ, ‌મ‌નિષ કાપ‌‌િડયા અને ‌નિતીન ભરૂચા મેદાનમાં હતા.

આ પૈકી ‌મ‌નિષ કાપ‌‌િડયા અને ની‌તિન ભરૂચાને ચેમ્બરના કારભારીઓએ બોલાવ્યા પણ નહોતા. માત્ર ર‌વિરાજ દેસાઇ અને ‌મિ‌‌તીશ મોદીના ઉમેદવારી પરત ખંેચતા ‘‌વિડ્રોઅલ’ પત્રો લઇને પૂર્વ પ્રમુખોની બેઠકમાં બોલાવ્યા હતા. આ બેઠકમાં ગણીને ૨૪ પૂર્વ પ્રમુખો હાજર હતા.વળી ચેમ્બરના કારભારીઓની દાનત ખરેખર સર્વાનુમતે ઉમેદવાર પસંદ કરવાની હતી જ તો અન્ય ઉમેદવારો ‌મ‌નિષ કાપ‌ડિયા અને ‌નિતીન ભરૂચાને કેમ બોલાવવામાં આવ્યા નહીં? આ પણ મહત્વનો પ્રશ્ન છે. પરંતુ ચેમ્બરના કારભારીઓને ખાતરી હતી કે એકમાત્ર ‌‌મિતીશ મોદી ઉપપ્રમુખપદ માટે સક્ષમ ઉમેદવાર હતા અને ‌મિતીશ મોદીનો કાંટો કાઢવા માટે પૂર્વ પ્રમુખોનું ફોરમ હાથવગું સાધન હતું.

ઉમેદવારની મતદાન કરીને પસંદગી કરવાની વાત આવતા પૂર્વ પ્રમુખ ‌નિલેશ માંડલેવાલા અને રો‌હિત મહેતા બેઠક છોડીને જતા રહ્યા હતા કારણ કે આ બન્ને અગ્રણીઓ સર્વાનુમતના આગ્રહી હતા. વળી સમાધાન કરવા માટે એકઠા થયેલા આગેવાનો મતદાનની વાત કરે એ પણ કેટલા અંશે વ્યાજબી ગણી શકાય પરંતુ આગોતરો ‌નિર્ણય કરીને બેઠેલા લોકોએ મતદાન કરીને આખો ખેલ પાડી દીધો હતો અને ‌મિતીશ મોદીને બાજુમાં ધકેલીને ર‌વિરાજ દેસાઇની ઉમેદવાર તરીકે પસંદગી કરી હતી!

નવાઇની વાત તો એ છે કે ગણીને ભેગા થયેલા ૨૨ પૂર્વ પ્રમુખોએ કરેલા મતદાનની ‌વિગતો પણ જાહેર કરવામાં આવી નહોતી! લોકશાહીને વરેલા ભારત દેશના રાષ્ટ્રપ‌તિની ચૂંટણીનાં મતદાનની ‌વિગતો જાહેર કરવામાં આવતી હોય તો સુરત ચેમ્બર કઇ મોટી આંતરરાષ્ટ્રીય કે જાસૂસી સંસ્થા છે કે જેના મતદાનની ‌વિગતો છુપાવવામાં આવી રહી છે. મતલબ ચેમ્બરના પૂર્વ પ્રમુખોની નૈ‌તિકતા સામે જ સવાલ ઉઠી રહ્યા છે અને કોઇ પાપ છુપાવવા માટે આખી ‌વિગતો છુપાવવામાં આવી રહી છે, એવું ‌ચિત્ર ઉભરી રહ્યું છે.

આ બધાની વચ્ચે સુરત શહેરના જાહેર જીવનમાં મુઠ્ઠી ઉંચેરું અને આદરપાત્ર સ્થાન ધરાવતા રાજેન્દ્ર ચોખાવાલાની તટસ્થતા અને પારદ‌‌ર્શિતા સામે આંગળી ઉઠી રહી છે. ‌મિતીશ મોદીનું જે થવાનું હશે તે થશે પરંતુ રાજેન્દ્ર ચોખાવાળાનો ‌વિશ્વાસનો રથ નીચે આવી ગયો છે. રાજેન્દ્ર ચોખાવાળાની કોઇક મજબૂરી હતી તો તેમણે સમગ્ર પ્ર‌ક્રિયાથી દૂર રહેવાની જરૂર હતી પરંતુ ન્યાયની ખુરશીમાં બેસીને અન્યાય કરવાથી લોકો રાજેન્દ્ર ચોખાવાળાની નૈ‌તિકતા સામે સવાલો ઉઠાવી રહ્યા છે અને કહી રહ્યા છે કે ‘રાજેન્દ્ર ચોખાવાળાઅે આવું કર્યું?’ કારણ કે પાછલા વર્ષની ચૂંટણી વખતે રાજેન્દ્ર ચોખાવાલાના કહેવાથી જ ‌મિતીશ મોદી ચૂંટણીની સ્પર્ધામાંથી દૂર થઇ ગયા હતા.

ખેર, હવે એક વાત ચોક્કસ પુરવાર થઇ ચૂકી છે કે, મહારાજનોની સંસ્થા ચેમ્બર ઓફ કોમર્સમાં પણ ‘ઉજળું એટલું દૂધ નથી.’ કોઇક ખૂણામાં ચોક્કસ કાળુધોળુ થતું હશે એવી શંકા કરવાના કારણો મળી રહ્યા છે. આમ પણ ચેમ્બર્સની મા‌લિકીનાં ગણાતાં ‘ટ્રસ્ટ’નાં વહેવારો સામે પણ લોકોને હવે શંકા કરવાને સ્થાન મળશે. ચેમ્બરના ઉપપ્રમુખની એક નાનકડી ચૂંટણીમાં રોપાયેલા ‘વેર’ અને ‘અન્યાયનાં બીજ’ ભ‌વિષ્યમાં કાંટા બનીને પણ ભોંકાઇ શકવાનો ભય દેખાઇ રહ્યો છે.

બેન્કિંગમાં કરિયર બનાવવાની સુવર્ણ તક: SBI અને BOBમાં 12 હજારથી વધુ ભરતી

0

બેન્કિંગ ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા ઇચ્છતા યુવાનો માટે મોટી તક સામે આવી છે. ખાસ કરીને નવા ઉમેદવારો માટે એપ્રેન્ટિસશીપ એક ઉત્તમ વિકલ્પ માનવામાં આવે છે, જ્યાં બેન્કિંગ ક્ષેત્રનું પ્રેક્ટિકલ જ્ઞાન અને અનુભવ મળે છે. તાજેતરમાં State Bank of India અને Bank of Baroda દ્વારા 12 હજારથી વધુ એપ્રેન્ટિસ પદો માટે ભરતી જાહેર કરવામાં આવી છે.

શું છે બેન્ક એપ્રેન્ટિસશીપ?
બેન્ક એપ્રેન્ટિસશીપ એક પ્રકારનો તાલીમ કાર્યક્રમ છે, જેમાં પસંદ કરાયેલા ઉમેદવારોને બેન્કિંગ સંબંધિત વિવિધ કાર્યો શીખવવામાં આવે છે. આ કોઈ કાયમી નોકરી નથી, પરંતુ બેન્કિંગ સિસ્ટમની મૂળભૂત સમજ મેળવવા માટેનો ટ્રેનિંગ પ્રોગ્રામ છે. તાલીમ દરમિયાન ઉમેદવારોને દસ્તાવેજ ચકાસણી, ખાતા સંબંધિત કામગીરી, ગ્રાહકો સાથે વાતચીત અને બેન્કની આંતરિક પ્રક્રિયાઓ અંગે પ્રેક્ટિકલ અનુભવ મળે છે.

એપ્રેન્ટિસ તરીકે શું કામ કરવું પડે?
એપ્રેન્ટિસ તરીકે પસંદગી થયા બાદ ઉમેદવારોને ગ્રાહકોને ખાતું ખોલવામાં મદદ કરવી, ફોર્મ ભરાવવું, દસ્તાવેજોની ચકાસણી કરવી અને બેન્કિંગ પ્રક્રિયામાં સહયોગ આપવો પડે છે. ઉપરાંત રોકડ કાઉન્ટર, ટોકન સિસ્ટમ, KYC પ્રક્રિયા, ડેટા એન્ટ્રી અને ઓનલાઈન બેન્કિંગ સિસ્ટમની મૂળભૂત કામગીરી અંગે પણ તાલીમ આપવામાં આવે છે. ગ્રાહક સેવા સંબંધિત પ્રશ્નોના જવાબ આપવાનું કામ પણ એપ્રેન્ટિસની ફરજોમાં સામેલ હોય છે.

પાત્રતા અને પસંદગી પ્રક્રિયા
બેન્ક એપ્રેન્ટિસશીપ માટે ઉમેદવાર પાસે માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતકની ડિગ્રી હોવી જરૂરી છે. સામાન્ય રીતે અગાઉના કામના અનુભવની જરૂર પડતી નથી. ઉમેદવારોની ઉંમર ઓછામાં ઓછી 20 વર્ષ અને વધુમાં વધુ 28 વર્ષ હોવી જોઈએ. અનામત વર્ગના ઉમેદવારોને નિયમો મુજબ ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે.

કેટલો મળશે પગાર?
એપ્રેન્ટિસશીપ દરમિયાન ઉમેદવારોને દર મહિને સ્ટાઈપેન્ડ આપવામાં આવે છે. સામાન્ય રીતે બેન્ક દ્વારા દર મહિને આશરે ₹15,000 સુધીનું સ્ટાઈપેન્ડ ચૂકવવામાં આવે છે. જોકે અન્ય કોઈ ભથ્થું કે સુવિધા આપવામાં આવતી નથી. બેન્કની જરૂરિયાત અને શાખાના સ્થાન મુજબ સ્ટાઈપેન્ડમાં ફેરફાર થઈ શકે છે.

BOB એપ્રેન્ટિસ ભરતી 2026
Bank of Baroda દ્વારા 5,000 એપ્રેન્ટિસ પદો માટે ભરતી જાહેર કરવામાં આવી છે. ઉમેદવારો NAPS અને NATS પોર્ટલ મારફતે અરજી કરી શકે છે.

  • ખાલી જગ્યાઓ : 5000
  • તાલીમ સમયગાળો : 12 મહિના
  • વય મર્યાદા : 20 થી 28 વર્ષ
  • અરજી શરૂ : 19 મે 2026
  • છેલ્લી તારીખ : 8 જૂન 2026

SBI એપ્રેન્ટિસ ભરતી 2026

State Bank of India એ પણ 7,150 એપ્રેન્ટિસ પદો માટે ભરતીની જાહેરાત કરી છે. હાલમાં ટૂંકી સૂચના બહાર પાડવામાં આવી છે અને ટૂંક સમયમાં વિગતવાર નોટિફિકેશન જાહેર થશે.

  • ખાલી જગ્યાઓ : 7150
  • તાલીમ સમયગાળો : 1 વર્ષ
  • ઓનલાઈન અરજી શરૂ : 19 મે 2026
  • છેલ્લી તારીખ : 8 જૂન 2026

આ રીતે થશે પસંદગી
એપ્રેન્ટિસશીપ માટે ઉમેદવારોની પસંદગી ઓનલાઈન પરીક્ષા, દસ્તાવેજ ચકાસણી અને સ્થાનિક ભાષા પરીક્ષણના આધારે કરવામાં આવશે. કેટલીક બેન્કો મેરિટ આધારિત પસંદગી પ્રક્રિયા પણ અપનાવે છે, જેના વિશેની સંપૂર્ણ માહિતી સત્તાવાર નોટિફિકેશનમાં આપવામાં આવશે.