Home Blog Page 8

ગુજરાત ભાજપની ધુંધવાતી યાદવાસ્થળીમા સૌથી વધુ નુકસાન સુરતે સહન કરવું પડશે

કેન્દ્રીય મંત્રી, ડેપ્યુટી મુખ્યમંત્રી, આરોગ્યમંત્રી, વિધાનસભા ઉપાધ્યક્ષ સહિત મંત્રીઓની અને નેતાઓની ફોજ છે, પરંતુ સુરતીઓના વાજબી પ્રશ્નોનો પણ ઉકેલ આવતો નથી

આંતરિક ગજગ્રાહમાં અહમ્ એટલી હદે હાવી થઈ ગયો છે કે, કારણ વગર કોઈ કોઈની સાથે વાત કરવા ઇચ્છતા નથી, એક સમયે આ જ લોકો એક ‌‌ડિશમાં નાસ્તો કરતા હતા

હર્ષ સંઘવીની રાજકીય પ્રગતિનો ગ્રાફ ખૂબ જ ઝડપથી ઉપર જઈ રહ્યો છે, પરંતુ હર્ષ ક્યારે અને કોની સાથે કઈ રીતે વર્તવું એ વાતથી બિલકુલ સભાન છે, કારણ હર્ષ સંઘવીએ હજુ ઘણી લાંબી મંજિલ કાપવાની બાકી છે

આ તરફ અનેક ચડતી-પડતીમાંથી પસાર થઈને સર્વોચ્ચ ટોચ ઉપર પહોંચેલા સી.આર. પાટિલની રાજકીય પીઢતા ઓછી આંકી શકાય તેમ નથી, ભૂતકાળમાં એક તબક્કે સી.આર. પાટિલ કોરાણે થઈ ગયા હતા અને પૂર્વ મંત્રી નરોત્તમ પટેલે તો ત્યાં સુધી કહ્યું હતું કે, કાશીરામના પેગડામા પગ ઘાલવાની સી.આર. પાટિલની તાકાત નથી, પરંતુ ત્યાર પછીની બદલાયેલી રાજકીય સ્થિતિનું સુરત સાક્ષી છે

આમ તો સુરતને ગુજરાતની આર્થિક રાજધાની,મિની ભારત, ડાયમંડ સિટી, ટેક્સટાઈલ સિટી, બ્રિજ સિટી વગેરે વગેરે ઘણા નામથી ઓળખવામાં આવે છે. તળસુરતીઓની વસ્તી ઘટીને કદાચ ૧૫ ટકા માંડ-માંડ બચી હશે. બીજી તરફ ૮૫ લાખની ફાટફાટ વસ્તીથી ઉભરાતા સુરત પાસે પોતીકા ૧૦ ધારાસભ્યો અને બે સાંસદ સભ્યો છે. આ પૈકી સી.આર. પાટિલ કેન્દ્રીય મંત્રી છે અને ભાજપના ખમતીધર ગણો કે મજબૂત ‘ધરી’ પણ છે. જ્યારે હર્ષ સંઘવી રાજ્યના મજબૂત અને યુવાન, ઉત્સાહી નાયબ મુખ્યમંત્રી છે. પ્રફુલ્લ પાનશેરિયા રાજ્યના આરોગ્ય મંત્રી છે. જ્યારે પૂર્ણેશ મોદી ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ છે. આ ઉપરાંત ત્રણ-ત્રણ ભૂતપૂર્વ મુખ્યમંત્રીઓ સુરતનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે.

પરંતુ પાછલા કેટલાક સમયથી સુરતનું જાણે કોઈ ધણીધોરી નથી. સી.આર. પાટિલને પ્રદેશ પ્રમુખપદેથી દૂર કર્યા બાદ જાણે આખું સુરત નેપથ્યમાં ધકેલાઈ ગયું છે. લાખો લોકોને રોજગારી આપનાર અને ભાજપના મજબૂત સમર્થક એવા સુરતના એટલી હદે બેહાલ થયા છે કે સુરતની સમસ્યા સાંભળનારું કોઈ નથી. કહેવા ખાતર કે દેખાવ ખાતર મંત્રીઓ, અધિકારીઓ આવન-જાવન કરે છે, પરંતુ સુરતની સમસ્યા, પ્રશ્નોની કોઈને પડી નથી. જાણે સુરત ગુજરાતનો હિસ્સો જ નથી.

ભાજપનો આંતરિક ગજગ્રાહ હવે ખાનગી રહ્યો નથી. સુરત ભાજપની હાલત એવી છે કે, ભાજપ કાર્યાલયમાં પેન્સિલ ખરીદવી હોય તો પ્રદેશ કાર્યાલયમાંથી મંજૂરી મેળવવી પડે છે. સુરત મહાપાલિકા, જિલ્લા પંચાયત કે તાલુકા પંચાયતની કામગીરીના એજન્ડા પ્રદેશ કાર્યાલયને મોકલવા પડે છે અને પ્રદેશમાંથી સૂચના મળે એ રીતે કામ કરવાનું રહે છે. દ‌‌િક્ષણ ગુજરાતની સહકારી સંસ્થાઓમાં પણ પ્રદેશના ઈશારે જ કામ કરવામાં આવે છે.
પરિણામે ક્રમશઃ લોકોના કામ થતાં નથી અને નેતાઓ પણ ગજગ્રાહને કારણે કોઈ એકબીજા સાથે વાત કરવા રાજી નથી. આટલી હદે સ્થિતિ વણસી જવાથી પ્રજા પીડાઈ રહી છે.

તાજેતરમાં સુરતમાં ખાડીના વિનાશક પૂરની ઘટના વખતે લગભગ દરેક નેતાએ પોતાનો અલગ અલગ ચોકો ઉભો કર્યો હતો. સી.આર. પાટિલ, હર્ષ સંઘવી પોતાની રીતે પૂર પીડિત વિસ્તારોની મુલાકાત લીધી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ સુરત આવ્યા હતા, પરંતુ તેની મુલાકાત માત્ર ઔપચારિક બની રહી હતી અને વહીવટી તંત્રને થોડી ઘણી સૂચનાઓ આપીને ફરજ પૂરી કરી હતી. સુરતે ભૂતકાળમાં તાપીની રેલ, ખાડીના પૂર, પ્લેગ, કોરોના જેવી મહામારી જોઈ હતી, પરંતુ એ દિવસોમાં ‘ભાજપ નામે એક’ થઈને કામ કરાતું હતું. ભાજપ કાર્યાલય કાર્યકરોથી ઉભરાતું રહેતું હતું. લોકોને મદદ પહોંચાડવા ભાજપના પદાધિકારીઓ, હોદ્દેદારો, કાર્યકરો કાદવ-કીચડ ખૂંદીને લોકો સુધી પહોંચતા હતા, પરંતુ હાલના બદલાયેલા સંજોગોમાં ભાજપમાં એકબીજાને પાડી દેવાનો કે હિસાબ ચૂકતે કરવાનો ખેલ ચાલી રહ્યો છે.

સુરતના ૧૦ ધારાસભ્યો પૈકી કુમાર કાનાણી, વિનુ મોર‌‌ડિયાનો અલગ ચોકો છે. જ્યારે બિચારા કાંતિ બલરને કોઈ પૂછવાવાળું નથી. અરવિંદ રાણા પાસે કોઈ લાંબા વિઝનની અપેક્ષા રાખી શકાય તેમ નથી. તેમના માટે ‘અશાંતધારો’ એકમાત્ર કામગીરી છે. આવી હાલત ઉધનાના ધારાસભ્ય મનુ પટેલની છે. મનુ પટેલ ભૂતકાળના કાપડ ઉદ્યોગના માથાભારે આગેવાન ગણાતા હતા, પરંતુ કોઈ ચમત્કારને કારણે તેઓ ધારાસભ્ય બની ગયા. પરંતુ તેમનું ધારાસભ્ય તરીકેનું કોઈ જ ‘કૌવત’ નથી. તેમની એવી કોઈ કામગીરી નથી કે જેની નોંધ લઈ શકાય.

આ બધાની વચ્ચે વિધાનસભાના ઉપાધ્યક્ષ પૂર્ણેશ મોદી, સંદીપ દેસાઈ, મંત્રી પ્રફુલ્લ પાનશેરિયા અને સંગીતા પાટિલ પોતપોતાના મતક્ષેત્રમાં પ્રભાવક રહ્યાં છે. સંગીતા પાટિલની એટલી ‘ધાક’ છે કે, તેમના મતક્ષેત્રમાં પગ મૂકવાની કોઈ હિંમત કરી શકતું નથી અને ભૂલેચૂકે કોઈએ હિંમત કરી તો તેનુ આવી બને. ચોર્યાસીના ધારાસભ્ય સંદીપ દેસાઈનો મત વિસ્તાર લિંબાયત બેઠકમાં પણ આવે છે, પરંતુ રીઢા રાજકારણી ગણાતા સંદીપ દેસાઈ પણ લિંબાયતમાં પગ મૂકતા ડરે છે. કેટલાંક લોકો સંગીતા પાટિલના મતવિસ્તારને કેન્દ્રશાસિત વિસ્તાર તરીકે ઓળખાવે છે. અલબત્ત, સંગીતા પાટિલની સતત અને સખત હાજરીને કારણે આજે પણ લિંબાયત મતક્ષેત્રમાં તેમની પકડ મજબૂત છે.

ભાજપને સંગઠનના માળખામાં અને સરકારના મંત્રી મંડળમાં ફેરબદલ બાદ પૂર્ણેશ મોદીએ પણ પોતાની જાતને સંકોરી લીધી છે. વિધાનસભાના ઉપાધ્યક્ષ જેવું મજબૂત પદ તેમની પાસે છે, પરંતુ આ પદનો સુરતની પ્રજાને કોઈ ફાયદો નથી. પૂર્ણેશ મોદી તેમનો મતવિસ્તાર (સુરત પશ્ચિમ) સાચવીને બેઠા છે. જાણે તેઓ લક્ષ્મણરેખાની બહાર આવવા ઇચ્છતા નથી. જ્યારે ઓલપાડના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી મુકેશ પટેલનું મંત્રીપદ ગયા બાદ જાણે તેઓ સાવ નિષ્ક્રિય બની ગયા છે. મુકેશ પટેલની હાલત ‘સૂડી વચ્ચે સોપારી’ જેવી છે. કયા જૂથમાં રહેવું કે જવું એ તેમના માટે મોટો પ્રશ્ન છે. સી.આર. પાટિલ ગ્રુપના ગણાતા મુકેશ પટેલ આજકાલ સી.આર. પાટિલના કાર્યાલયમાં પણ જોવા મળતા નથી. આ તરફ સમગ્ર ભારતમાં એકમાત્ર બિનહરિફ ચૂંટાઈ આવેલા સાંસદ મુકેશ દલાલ પોતાની મસ્તીમાં જીવી રહ્યા છે.

ખેર, આ બધાની વચ્ચે ચમત્કા‌‌રિક ગુજરાતના રાજકારણ અને સરકારમાં સર્વોચ્ચ પદ સુધી પહોંચી ગયેલ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી નાની ઉંમરમાં પીઢ રાજકારણી હોવાનો અહેસાસ કરાવી રહ્યા છે. હર્ષ સંઘવીએ હજુ ખૂબ લાંબી મંજિલ કાપવાની છે અને એટલે જ તેઓ કોઈ વિવાદમાં આવવા માંગતા નથી. કારણ, હર્ષ સંઘવીએ ગણતરીનાં વર્ષોના રાજકારણમાં ઘણા બદલાતા પ્રવાહો જોયા છે. હર્ષ સંઘવી યુવાન છે એટલે ઉત્સાહ અને તરવરાટ હોય શકે એ સ્વાભાવિક છે. પરંતુ આ તરવરાટ અને ઉત્સાહના અતિરેકમાં કોઈક ભૂલ કરવાથી તેમની પોઝિશન બદલાઈ શકે. આ બાબતે હર્ષ સંઘવી બિલકુલ સભાન છે. પરંતુ તેમનું રાજકીય વલણ બદલાયું છે, તેનો કોઈ જ ઈન્કાર કરી શકે તેમ છે.

આ બધાની વચ્ચે ફૂટપાથ ઉપરથી સીડીઓ ચડતા-ચડતા કેન્દ્રીય કેબિનેટ મંત્રીના સ્થાન સુધી પહોંચેલા સી.આર. પાટિલની રાજકીય તાકાતને અવગણી શકાય તેમ નથી. એક પોલીસ જવાનથી જીવનની કારકિર્દીની શરૂઆત કરનાર સી.આર. પાટિલે સામાજિક અને રાજકીય અનેક ચડતી-પડતી જોઈ છે. એક સમયે ભાજપના સુપ્રીમો ગણાતા કાશીરામ રાણા, ફકીર ચૌહાણનો સિતારો ચમકતો હતો ત્યારે સી.આર. પાટિલને ઘણાએ કોરાણે ઊભેલા જોયા હશે. એક સમયના ગુજરાત સરકારના મંત્રી નરોત્તમ પટેલ તો ત્યાં સુધી કહેતા હતા કે, કાશીરામ રાણાના પેગડામાં પગ મૂકવાની સી.આર. પાટિલની તાકાત નથી.

મતલબ નબળા સંજોગોમાં કોઈપણ ટપલીદાવ કરી જાય એ સી.આર. પાટિલ સારી રીતે જાણે છે, પરંતુ ટપલીદાવ કરનારની હાલત કેવી થઈ હતી તેનું આખું સુરત સાક્ષી રહ્યું છે. સી.આર. પાટિલનું જમા પાસું એ છે કે, એ કોઈના ખભાનો સહારો લેવાને બદલે પોતાની તાકાત ઉપર બાજી ખેલતા આવ્યા છે. ડાયમંડ જ્યુ‌‌બિલી બેંકકાંડ વખતે લગભગ બધાં જ એવુ માની રહ્યાં હતાં કે, સી.આર. પાટિલ હવે ફરી સક્રિય રાજકારણમાં નહીં આવે. પરંતુ વીતેલાં વર્ષોનો ઇતિહાસ સાક્ષી છે કે, સી.આર. પાટિલ પોતાનું રાજકીય સામ્રાજ્ય ઊભું કરવામાં સતત સફળ રહ્યાં છે. સી.આર. પાટિલ એક વખત પણ ચૂંટણી હાર્યા નથી. બલ્કે સ્થાનિક કોર્પોરેટર કે ધારાસભ્ય બન્યા વગર સીધા સાંસદ તરીકે ચૂંટાયા હતા અને ગુજરાતના પ્રદેશ પ્રમુખ સાથે કેન્દ્રીય કેબિનેટમાં વડાપ્રધાન મોદીના મંત્રી મંડળમાં મંત્રી બની ગયા છે.

સી.આર. પાટિલે વડાપ્રધાન મોદીનો વિશ્વાસ એટલી હદે સંપા‌‌િદત કર્યો છે કે, પ્રથમ હરોળના દસ મંત્રીઓમાં તેમનું સ્થાન છે અને હાલમાં વડાપ્રધાન મોદીનો મત વિસ્તાર વારાણસી તેઓ સંભાળી રહ્યા છે. સી.આર. પાટિલ માટે પક્ષમાં અને સમાજમાં ઘણી-ઘણી વાતો ચાલતી રહે છે. આ વાતમાં કદાચ તથ્ય પણ હોઈ શકે. પરંતુ એક વાત ચોક્કસ છે કે, સી.આર. પાટિલ કોઈનો પણ ફોન ઉઠાવવામાં અને જવાબ આપવાના હંમેશાં આગ્રહી રહ્યા છે. તેમના વિરોધીઓ પણ આ વાત સ્વીકારશે કે કદાચ મિસ કોલ કર્યો હોય તો પણ સી.આર. પાટિલનો વળતો ફોન આવે જ.


ગુજરાત ભાજપની વર્તમાન વ્યવસ્થામાં સી.આર. પાટિલ વધુ પડતા સક્રિય દેખાતા નથી. પરંતુ પોતે નક્કી કરેલા કામ કરાવવામાં પીછો છોડતા નથી. આજે પણ સુરત અને દક્ષિણ ગુજરાતના મુદ્દે રાજ્ય સરકારે કોઈ નિર્ણય કરવો હોય તો સી.આર. પાટિલનો મત હંમેશાં લેવો પડે છે. બલ્કે એવું કહી શકાય છે કે, ગુજરાત ભાજપમાં હજુ પણ સી.આર. પાટિલનો ‘ખૌફ’ છે. સુરત શહેર ભાજપના પ્રમુખ પરેશ પટેલ એક કોર્પોરેટ કંપનીના સીઈઓ જેવા છે અને સી.આર. પાટિલનો પડછાયો માનવામાં આવે છે. અલબત્ત, પરેશ પટેલ કે કોઈનો પણ વ્યક્તિગત સ્વભાવ બદલવો શક્ય નથી. ‘પ્રાણ અને પ્રકૃતિ’ને ક્યારેય પણ જુદા પાડી શકાય નહીં.

India’s Got Latent કેસમાં મોટો ટ્વિસ્ટ! જાણો સુપ્રીમ કોર્ટનો નિર્ણય

‘India’s Got Latent’ વિવાદમાં સમય રૈના અને રણવીર અલ્હાબાદિયાને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત મળી છે. વર્ષ 2025માં શરૂ થયેલો આ વિવાદ અનેક FIR, પોલીસ તપાસ અને સુપ્રીમ કોર્ટની કડક ટિપ્પણીઓ સુધી પહોંચ્યો હતો. હવે સુપ્રીમ કોર્ટે સંબંધિત FIR અને ફોજદારી કાર્યવાહી રદ કરવાનો આદેશ આપતા આ હાઈ-પ્રોફાઇલ કેસમાં મોટો કાનૂની વળાંક આવ્યો છે.

સુપ્રીમ કોર્ટે સમય રૈના અને અન્ય સામે દિવ્યાંગ વ્યક્તિઓ અંગે કરવામાં આવેલી કથિત અસંવેદનશીલ ટિપ્પણીઓ સાથે જોડાયેલી FIR રદ કરી છે. કોર્ટએ અગાઉ આપેલા નિર્દેશોના પાલનને પણ ધ્યાનમાં લીધું હતું. આ નિર્દેશોમાં દિવ્યાંગ વ્યક્તિઓ અંગે જાગૃતિ ફેલાવવી અને તેમના કલ્યાણ માટે ફંડ એકત્રિત કરવાના પ્રયાસો સામેલ હતા.

આ સમગ્ર વિવાદની શરૂઆત ‘India’s Got Latent’ના એક એપિસોડ બાદ થઈ હતી, જેમાં રણવીર અલ્હાબાદિયાની વાંધાજનક ટિપ્પણીઓ સામે ભારે વિરોધ થયો હતો. ત્યારબાદ તેમના વિરુદ્ધ અનેક FIR નોંધાઈ હતી. ફેબ્રુઆરી 2025માં સુપ્રીમ કોર્ટે અલ્હાબાદિયાને ધરપકડથી વચગાળાની સુરક્ષા આપી હતી અને મામલાની તપાસમાં સહકાર આપવા જણાવ્યું હતું. કોર્ટએ તેમની ટિપ્પણીઓને લઈને પણ કડક વલણ અપનાવ્યું હતું.

બીજી તરફ, દિવ્યાંગોને લઈને થયેલી ટિપ્પણીઓના કેસમાં સમય રૈના, વિપુલ ગોયલ, બલરાજ ઘાઈ, સોનાલી ઠક્કર અને નિશાંત તંવર સામે પણ કાર્યવાહી ચાલી રહી હતી. જુલાઈ 2026માં સુપ્રીમ કોર્ટે અગાઉના નિર્દેશોનું પાલન ન કરવા બદલ આ પાંચેય પર ₹3 લાખનો ખર્ચ ફટકાર્યો હતો.

હવે તાજા આદેશથી ‘India’s Got Latent’ સાથે જોડાયેલા લાંબા કાનૂની વિવાદને મોટો અંત મળ્યો છે. જોકે, કોર્ટની અગાઉની કડક ટિપ્પણીઓએ ઓનલાઈન કન્ટેન્ટ અને અભિવ્યક્તિની મર્યાદા અંગે મહત્વપૂર્ણ ચર્ચા પણ ઉભી કરી હતી.

પહેલીવાર ઓપરેશન સિંદૂર પર NSA અજિત ડોભાલનો ચોંકાવનારું નિવેદન

0

રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજિત ડોભાલે ઓપરેશન સિંદૂર અંગે પહેલી વખત આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું કે ભારતની ઉદારતા અને સહનશીલતાને નબળાઈ સમજવી મોટી ભૂલ હશે. તેમણે સ્પષ્ટ કર્યું કે રાષ્ટ્રીય સુરક્ષાની વાત આવે ત્યારે ભારત કડક નિર્ણય લેવા અને જરૂર પડે ત્યારે મોટું જોખમ ઉઠાવવાની ક્ષમતા ધરાવે છે.

ડોભાલના જણાવ્યા અનુસાર, ઓપરેશન સિંદૂરનો મુખ્ય હેતુ પહલગામ આતંકી હુમલા સાથે જોડાયેલા આતંકી કેમ્પો અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરને નિશાન બનાવવાનો હતો. ભારતે 7 મે, 2025ના રોજ પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત જમ્મુ-કાશ્મીર (PoK)માં આવેલા 9 આતંકી ઠેકાણાઓ પર ચોક્કસ હુમલા કર્યા હતા. સરકારે તેને નિયંત્રિત કાર્યવાહી ગણાવી હતી.

આ કાર્યવાહી 22 એપ્રિલ, 2025ના પહલગામ આતંકી હુમલા બાદ કરવામાં આવી હતી, જેમાં 26 લોકોનાં મોત થયા હતા. ત્યારબાદ ભારત-પાકિસ્તાન વચ્ચે સૈન્ય તણાવ વધ્યો અને 10 મે, 2025ના રોજ સાંજે 5 વાગ્યાથી જમીન, હવા અને સમુદ્રમાં સૈન્ય કાર્યવાહી રોકવા બંને દેશો વચ્ચે સહમતિ થઈ હતી.

ડોભાલનું નિવેદન સ્પષ્ટ કરે છે કે ભારતની નીતિમાં સંયમ છે, પરંતુ જરૂર પડે ત્યારે જવાબ આપવાની ક્ષમતા પણ એટલી જ મજબૂત છે.

કેનેડામાં ભારતીય વિદ્યાર્થીઓનો ડ્રીમ બન્યું મુશ્કિલ! વર્ક પરમિટ ન મળતાં હવે આ વિકલ્પો બાકી

કેનેડામાં અભ્યાસ પૂરો કરીને નોકરીના સપના જોતા ભારતીય વિદ્યાર્થીઓને મોટો ઝટકો લાગી શકે છે. અલ્બર્ટામાં Portage College સાથે જોડાયેલા અનેક આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓના પોસ્ટ ગ્રેજ્યુએશન વર્ક પરમિટ (PGWP) અરજીઓ નકારી કાઢવામાં આવતા વિદ્યાર્થીઓ વિરોધ કરી રહ્યા છે. તેમના મતે, અભ્યાસ દરમિયાન તેમને PGWP માટે પાત્ર હોવાની આશા હતી, પરંતુ બાદમાં કાર્યક્રમની પાત્રતા અંગે પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હતા.

ઇમિગ્રેશન,રેફઉજિસ એંડ સિટિઝનશીપ કેનેડા (IRCC)એ સ્પષ્ટ કર્યું છે કે PGWP માટે અભ્યાસક્રમ ડિગ્રી, ડિપ્લોમા અથવા સર્ટિફિકેટ તરફ દોરી જતો અને નિર્ધારિત શૈક્ષણિક સંસ્થા (DLI)માં પૂર્ણ કરેલો હોવો જરૂરી છે. ઇમિગ્રેશન,રેફઉજિસ એંડ સિટિઝનશીપ કેનેડાના જણાવ્યા અનુસાર, 2026માં નિયમોમાં મૂળભૂત ફેરફાર કરાયો નથી; જૂની પાત્રતા શરતોને વધુ સ્પષ્ટ કરવામાં આવી છે, ખાસ કરીને non-credit કાર્યક્રમો અંગે.

પોસ્ટ ગ્રેજ્યુએશન વર્ક પરમિટ (PGWP) અરજી રદ થયા પછી વિદ્યાર્થીઓએ સોશિયલ મીડિયા પર ફેલાતી “90 દિવસની આપમેળે રાહત” જેવી માહિતીથી સાવચેત રહેવું જરૂરી છે. 90 દિવસનો નિયમ સામાન્ય રીતે પહેલેથી ગુમાવેલા ટેમ્પરરી રેસિડન્ટ સ્ટેટસને પુનઃસ્થાપિત કરવા માટે લાગુ પડે છે; તે પોસ્ટ ગ્રેજ્યુએશન વર્ક પરમિટ (PGWP) રદ થયા પછી મળતી સ્વતંત્ર 90 દિવસની છૂટ નથી.

વિદ્યાર્થીઓએ સૌથી પહેલા પોતાનો હાલનો સ્ટડી પરમિટ અથવા અન્ય કાયદેસર સ્ટેટસ તપાસવો જોઈએ. પાત્રતા હોય તો status સ્ટેટસ રીસ્ટોરેશન માટે અરજી કરી શકાય છે. જે વિદ્યાર્થીઓને લાગે છે કે તેમનો પોસ્ટ ગ્રેજ્યુએશન વર્ક પરમિટ (PGWP) નિર્ણય કાયદેસર રીતે ખોટો છે, તેઓ અધિકૃત ઇમિગ્રેશન વકીલ અથવા Regulated Canadian Immigration Consultantની સલાહ લઈ શકે છે.

Video: સ્વતંત્રતા દિવસ પહેલાં આ રાજ્યમાં હાઈ એલર્ટ, 6 મહત્વના સ્થળોને બોમ્બથી ઉડાવવાની ધમકી

0

સ્વતંત્રતા દિવસની ઉજવણીને હવે ગણતરીના કલાકો બાકી છે અને એ જ સમયે દિલ્હીમાં એકસાથે અનેક મહત્વના સ્થળોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતાં રાજધાનીની સુરક્ષા વ્યવસ્થા ચકચારમાં આવી ગઈ છે. દિલ્હી હાઈકોર્ટથી લઈને IGI એરપોર્ટ સુધી ધમકી પહોંચતા સુરક્ષા એજન્સીઓએ તાત્કાલિક સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. જોકે અત્યાર સુધીની તપાસમાં કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી નથી.

મળતી માહિતી મુજબ, દિલ્હી હાઈકોર્ટને ઈ-મેલ મારફતે ધમકી આપવામાં આવી હતી. ધમકી બાદ બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને સ્નિફર ડોગ્સની મદદથી હાઈકોર્ટ પરિસરની સંપૂર્ણ તપાસ કરવામાં આવી રહી છે. હાઈકોર્ટના રજિસ્ટ્રાર જનરલ પણ દિલ્હી પોલીસ સાથે સતત સંપર્કમાં છે. હાઈકોર્ટના જોઈન્ટ સેક્રેટરી એડવોકેટ કુણાલે ધમકીને પ્રથમ નજરે ખોટી હોવાનું જણાવ્યું છે, જોકે સુરક્ષા પ્રક્રિયા મુજબ તપાસ ચાલુ રાખવામાં આવી છે.

દિલ્હી ફાયર સર્વિસ અનુસાર હાઈકોર્ટ ઉપરાંત જામનગર હાઉસ, ઝંડેવાલાન ફ્લેટેડ ફેક્ટરી કોમ્પ્લેક્સ, સાકેત સ્થિત ડીએમ કાર્યાલય, IGI એરપોર્ટના ટર્મિનલ-3 અને દિલ્હી કેન્ટના SDM કાર્યાલયને પણ બોમ્બની ધમકી મળી હતી. તમામ સ્થળોએ ફાયર ટેન્ડર અને સુરક્ષા ટીમો મોકલવામાં આવી હતી. અત્યાર સુધી કોઈ વિસ્ફોટક વસ્તુ મળી નથી.

આ ઘટનાને ધ્યાનમાં રાખીને 15 ઓગસ્ટ પહેલાં દિલ્હીના સંવેદનશીલ સ્થળો, સરકારી ઇમારતો, જાહેર વિસ્તારો અને ટ્રાન્સપોર્ટ હબ પર સુરક્ષા વધારી દેવામાં આવી છે. પોલીસે તપાસ અને પેટ્રોલિંગ વધુ કડક બનાવ્યું છે.

રાહુલ ગાંધી સામેનો સાવરકર માનહાનિ કેસ કેમ થયો રદ? સુપ્રીમ કોર્ટે આપ્યું મોટું કારણ

0

રાહુલ ગાંધીની સાવરકર અંગેની ટિપ્પણીનો મામલો હવે સુપ્રીમ કોર્ટમાં જ સમાપ્ત થઈ ગયો છે. ઉત્તર પ્રદેશ સરકારે જરૂરી મંજૂરી જ આપી ન હોવાના કારણે સર્વોચ્ચ અદાલતે લખનઉની અદાલતમાં ચાલી રહેલી ફોજદારી માનહાનિની કાર્યવાહી અને સમન્સ બંને રદ કરી દીધાં છે. આ ચુકાદાથી કોંગ્રેસ નેતાને મોટી કાનૂની રાહત મળી છે.

આજે જસ્ટિસ દીપાંકર દત્તા અને જસ્ટિસ શીલ નાગુની બેન્ચે સ્પષ્ટ કર્યું કે આરોપી સામે કાર્યવાહી કરવા માટે જરૂરી સરકારી મંજૂરી આપી હોવાનું ઉત્તર પ્રદેશ સરકારના એફિડેવિટમાં દર્શાવવામાં આવ્યું નથી. કોર્ટે નોંધ્યું કે મંજૂરી વિના શરૂ થયેલી કાર્યવાહી કાયદેસર રીતે આગળ વધી શકે નહીં અને તેથી ફરિયાદ તથા મેજિસ્ટ્રેટનો આદેશ રદ કરવામાં આવે છે.

આ કેસની શરૂઆત વકીલ નૃપેન્દ્ર પાંડેની ખાનગી ફરિયાદથી થઈ હતી. ફરિયાદમાં આરોપ મૂકાયો હતો કે 2022માં મહારાષ્ટ્રમાં ભારત જોડો યાત્રા દરમિયાન રાહુલ ગાંધીએ વી.ડી. સાવરકર અંગે બ્રિટિશ સરકાર સાથે જોડાયેલી ટિપ્પણીઓ કરી હતી. લખનઉની અદાલતે ત્યારબાદ તેમને સમન્સ પાઠવ્યું હતું. રાહુલ ગાંધીએ આ કાર્યવાહી વિરુદ્ધ અલ્હાબાદ હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો, પરંતુ 4 એપ્રિલ 2025ના રોજ રાહત મળી નહોતી. ત્યારબાદ તેઓ સુપ્રીમ કોર્ટ પહોંચ્યા હતા.

એપ્રિલ 2025માં સુપ્રીમ કોર્ટે કાર્યવાહી પર રોક લગાવતી વખતે રાહુલ ગાંધીની ટિપ્પણીઓ અંગે કડક નારાજગી વ્યક્ત કરી હતી અને સ્વાતંત્ર્ય સેનાનીઓ અંગે જવાબદારીપૂર્વક નિવેદન આપવા ચેતવણી આપી હતી. જોકે હવે જરૂરી મંજૂરીના અભાવે સમગ્ર ફરિયાદ જ રદ થતાં મામલો કાયદાકીય રીતે સમાપ્ત થયો છે.

લાલ કિલ્લા ખાતે 80મો સ્વતંત્રતા દિવસ બનશે ઐતિહાસિક,જાણો આ વર્ષની ઉજવણીમાં શું હશે ખાસ?

0

15 ઓગસ્ટ 2026ના રોજ દેશ જ્યારે સ્વતંત્રતાના 80 વર્ષ પૂર્ણ થવાનો ગૌરવપૂર્ણ અવસર ઉજવશે. આ વર્ષની ઉજવણીમાં ખાસ આકર્ષણ ‘વંદે માતરમ’ના 150 વર્ષના ઐતિહાસિક વારસાને કેન્દ્રસ્થાને રાખવામાં આવ્યું છે. કેન્દ્ર સરકારે 7 નવેમ્બર 2025થી 7 નવેમ્બર 2026 સુધી ‘વંદે માતરમ’ની 150મી વર્ષગાંઠનું વર્ષભરનું રાષ્ટ્રીય સ્મરણોત્સવ પણ શરૂ કર્યું છે.

લાલ કિલ્લા ખાતે પ્રધાનમંત્રીના આગમન બાદ ઇન્ટર-સર્વિસિસ અને દિલ્હી પોલીસનો સંયુક્ત ગાર્ડ તેમને જનરલ સેલ્યુટ આપશે અને ત્યારબાદ ગાર્ડ ઓફ ઓનરનું નિરીક્ષણ કરવામાં આવશે. સ્વતંત્રતા દિવસની પરંપરા મુજબ સશસ્ત્ર દળોની સંયુક્ત હાજરી વચ્ચે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવશે અને 21 તોપોની ઔપચારિક સલામી આપવામાં આવશે. અગાઉના સત્તાવાર કાર્યક્રમોમાં 1721 ફિલ્ડ બેટરી દ્વારા સ્વદેશી 105 મિમી લાઇટ ફિલ્ડ ગન્સથી આ સલામી આપવામાં આવી હતી.

ધ્વજવંદન બાદ ભારતીય વાયુસેનાના Mi-17 હેલિકોપ્ટર દ્વારા ફૂલવર્ષા પણ કાર્યક્રમનો આકર્ષક ભાગ બનશે. ત્યારબાદ પ્રધાનમંત્રી દેશને સંબોધિત કરશે. ઉજવણીમાં યુવાનોની ભાગીદારીને વિશેષ મહત્વ આપવામાં આવી રહ્યું છે અને ‘માય ભારત’ તથા NCCના કેડેટ્સ દ્વારા રાષ્ટ્રીય ગીત તથા દેશભક્તિપૂર્ણ કાર્યક્રમો રજૂ કરવાની યોજના છે.

આ અવસર પર દેશભરના વિવિધ વર્ગોમાંથી આશરે 5,000 વિશેષ મહેમાનોને આમંત્રિત કરવાની પરંપરા પણ ચાલુ રહેશે. ખેડૂત, મહિલા ઉદ્યોગસાહસિકો, સ્ટાર્ટઅપ્સ, ઇનોવેટર્સ, સ્વચ્છતા કર્મચારીઓ, કારીગરો, યુવાનો અને વિવિધ સરકારી યોજનાઓના લાભાર્થીઓને આવા કાર્યક્રમોમાં સ્થાન આપવામાં આવે છે.

આ વર્ષની ઉજવણીનો સંદેશ માત્ર સ્વતંત્રતાની ઉજવણી પૂરતો નહીં, પરંતુ 2047 સુધી ‘વિકસિત ભારત’ના લક્ષ્યમાં યુવા શક્તિ અને નાગરિક ભાગીદારીની ભૂમિકાને ઉજાગર કરવાનો પણ રહેશે. ‘વંદે માતરમ’ની 150 વર્ષની ગાથા સાથે જોડાયેલી આ ઉજવણી સ્વતંત્રતા, રાષ્ટ્રભાવના અને નવા ભારતના સંકલ્પને એક જ મંચ પર રજૂ કરશે.

15 ઑગસ્ટે ભારત જ નહીં, વિદેશમાં પણ લહેરાશે તિરંગો; જાણો અમેરિકાના કયા શહેરોએ જાહેર કર્યો ‘India Day’

ભારતના 80મા સ્વતંત્રતા દિવસની ધૂમ હવે માત્ર દેશની સરહદો સુધી સીમિત નથી રહી. અમેરિકા સહિત વિશ્વના અનેક દેશોમાં ભારતીય દૂતાવાસો અને કોન્સ્યુલેટ્સે તિરંગા, સાંસ્કૃતિક કાર્યક્રમો અને વિશેષ સમારોહ દ્વારા ભારતના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી શરૂ કરી દીધી છે. ભારતીય સમુદાય પણ આ ઉજવણીમાં ઉત્સાહપૂર્વક જોડાયો છે.

અમેરિકાના વિવિધ શહેરોમાં 15 ઑગસ્ટને ‘ઇન્ડિયા ડે’ તરીકે ઉજવવા માટે સત્તાવાર ઘોષણાઓ કરવામાં આવી છે. સિએટલ અને નેબ્રાસ્કામાં ભારતીય-અમેરિકન સમુદાયના યોગદાનને ઉજાગર કરવામાં આવ્યું છે. શિકાગોમાં ઐતિહાસિક કલ્ચરલ સેન્ટરમાં વિશેષ કાર્યક્રમ યોજાયો, જ્યારે ન્યૂયોર્ક અને એટલાન્ટામાં પણ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ અને ‘હર ઘર તિરંગા’ અભિયાન દ્વારા ઉજવણી કરવામાં આવી રહી છે.

આ દરમિયાન નવી દિલ્હીના લાલ કિલ્લા પર 15 ઑગસ્ટે યોજાનારી મુખ્ય ઉજવણી માટે પણ તૈયારીઓ પૂર્ણ થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 80મા સ્વતંત્રતા દિવસના કાર્યક્રમનું નેતૃત્વ કરશે. આ વર્ષની ઉજવણીમાં ‘વંદે માતરમ’ના 150 વર્ષ અને ‘યુવા શક્તિ’ની ભૂમિકાને વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે. સત્તાવાર માહિતી અનુસાર વિવિધ ક્ષેત્રોના આશરે 5,000 વિશેષ મહેમાનોને પણ સમારોહમાં આમંત્રણ આપવામાં આવ્યું છે.

હિમાચલમાં ચોમાસાનું તાંડવ યથાવત, કરોડોનું નુકસાન; શિમલાના રહેવાસીઓમાં ડર કેમ?

0

હિમાચલ પ્રદેશમાં ચોમાસાની તીવ્ર અસર હજુ પણ યથાવત છે. ભારે વરસાદ, ભૂસ્ખલન અને અન્ય કુદરતી આફતોના કારણે રાજ્યમાં જાનમાલનું મોટું નુકસાન થયું છે. છેલ્લા દોઢ મહિનાથી ચાલતા વરસાદી તાંડવે રાજ્યના અનેક વિસ્તારોને પ્રભાવિત કર્યા છે, જ્યારે શિમલાના કેટલાક વિસ્તારોમાં ભૂ-ધસાવની આશંકાએ સ્થાનિક લોકોની ચિંતા વધારી દીધી છે.

રાજ્ય આપદા વ્યવસ્થાપન સત્તામંડળના આંકડા મુજબ 30 જૂનથી 13 ઑગસ્ટ દરમિયાન કુદરતી આફતો અને માર્ગ અકસ્માતોની વિવિધ ઘટનાઓમાં 177થી વધુ લોકોના મોત થયા છે. આ સમયગાળા દરમિયાન જાહેર અને ખાનગી સંપત્તિને મળીને અંદાજે ₹955.52 કરોડથી વધુનું નુકસાન નોંધાયું છે. ભારે વરસાદ અને ભૂસ્ખલનના કારણે રાજ્યભરમાં 136 જેટલા માર્ગો અવરોધિત થયા છે, જેના કારણે વાહન વ્યવહાર અને જનજીવન પ્રભાવિત બન્યું છે.

શિમલા ગ્રામ્ય વિસ્તારના શકરાલા-મલ્યાણા વિસ્તારમાં ભૂ-ધસાવની આશંકાએ સ્થાનિક રહેવાસીઓમાં ભયનો માહોલ સર્જ્યો છે. સ્થાનિકોનું કહેવું છે કે વિસ્તારમાં 100થી વધુ મકાનો આવેલાં છે અને કેટલાક મકાનોમાં વારંવાર તિરાડો જોવા મળી રહી છે. જોકે પ્રશાસનના પ્રાથમિક નિરીક્ષણમાં હાલમાં માત્ર ત્રણ મકાનોમાં હળવી તિરાડો નોંધાઈ હોવાનું જણાવાયું છે. તંત્ર દ્વારા સમગ્ર વિસ્તાર પર સતત નજર રાખવામાં આવી રહી છે.

આ દરમિયાન કિન્નૌર જિલ્લાના રૂપી પંચાયત વિસ્તારમાં વીજળી પડતાં એક પશુપાલકના અંદાજે 150 ઘેટાં-બકરાંના મોત થયા હતા. ધર્મશાલા અને અન્ય વિસ્તારોમાં વરસાદી પાણી ઘરો અને દુકાનોમાં ઘૂસતાં નુકસાનના અહેવાલો પણ સામે આવ્યા છે.

ભૂ-ધસાવના સંભવિત કારણોની તપાસ માટે નિષ્ણાતો દ્વારા વૈજ્ઞાનિક અભ્યાસ શરૂ કરવામાં આવ્યો છે. જમીનની સ્થિતિ, પાણીની નિકાસ વ્યવસ્થા અને ભૌગોલિક પરિસ્થિતિઓના અભ્યાસ બાદ જ સ્થિતિનું સ્પષ્ટ ચિત્ર સામે આવશે. રાજ્યમાં આગામી દિવસોમાં પણ વરસાદની શક્યતા હોવાથી પ્રશાસન દ્વારા લોકોને સાવચેતી રાખવાની અપીલ કરવામાં આવી છે.

હોર્મુઝ બન્યું અમેરિકા માટે ‘બર્મુડા ટ્રાએંગલ’? અમેરિકાના કરોડો ડોલરના ડ્રોન થયા નિષ્ફળ

0

અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલેલા લાંબા સૈન્ય સંઘર્ષ દરમિયાન હોર્મુઝ જળમાર્ગ અમેરિકાના અદ્યતન ડ્રોન માટે જાણે ‘બર્મુડા ટ્રાએંગલ’ સાબિત થયો હોય તેવી ચર્ચા તેજ બની છે. અમેરિકાએ પોતાના સૌથી મહત્વપૂર્ણ MQ-9 રીપર ડ્રોનમાંથી ઓછામાં ઓછા 45 ગુમાવ્યા છે. આ નુકસાન માત્ર સૈન્ય શક્તિ માટે જ નહીં, પરંતુ આર્થિક રીતે પણ અમેરિકાને ભારે પડ્યું હોવાનું માનવામાં આવે છે. ડ્રોનના નુકસાન પાછળ ઈરાનની હવાઈ સુરક્ષા ક્ષમતા અને ટેકનિકલ પડકારો બંને જવાબદાર હોવાનું જણાવવામાં આવે છે.

યુદ્ધની શરૂઆત વખતે અમેરિકી સેનાના કાફલામાં કુલ 185 MQ-9 રીપર ડ્રોન હતા. તેમાંના લગભગ એક ચોથા ભાગ જેટલા ડ્રોન હવે ગુમાવવામાં આવ્યા હોવાનું કહેવાય છે. આ તમામ ડ્રોનની અંદાજિત કિંમત 1.3 અબજ ડોલરથી વધુ હોવાનું માનવામાં આવે છે, જે ભારતીય ચલણમાં આશરે 1.2 લાખ કરોડ રૂપિયાથી વધુ થાય છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર ઘણા ડ્રોન હોર્મુઝ જળમાર્ગ ઉપર મિશન દરમિયાન નિશાન બન્યા હતા. કેટલાક કિસ્સાઓમાં ઈરાનની સુરક્ષા વ્યવસ્થાએ ડ્રોનને સફળતાપૂર્વક પાડી દીધા હોવાનું કહેવાય છે. જોકે તમામ નુકસાન શત્રુ હુમલાના કારણે થયું નથી. કેટલાક ડ્રોનનો તેમના ઓપરેટરો સાથેનો સંચાર તૂટી જતાં તેઓ ક્રેશ થયા હોવાનું પણ જણાવાયું છે.

MQ-9 રીપર અમેરિકાની સૌથી મહત્વપૂર્ણ માનવરહિત હવાઈ પ્રણાલીઓમાંનું એક ગણાય છે. આ ડ્રોન લાંબા સમય સુધી દેખરેખ રાખવા, ગુપ્તચર માહિતી એકત્ર કરવા અને જરૂર પડે ત્યારે ચોક્કસ હુમલા કરવા માટે ઉપયોગમાં લેવાય છે. 2007થી અમેરિકી સેનામાં સામેલ આ પ્લેટફોર્મનો ઉપયોગ અફઘાનિસ્તાન, ઇરાક અને પશ્ચિમ એશિયાના અનેક અભિયાનોમાં થયો છે.

ડ્રોનના આ મોટા નુકસાનથી અમેરિકાના સૈન્ય ભંડાર પર વધતા દબાણ અંગે પણ ચર્ચા શરૂ થઈ છે. રક્ષણ નિષ્ણાતો માને છે કે ગુમાવાયેલા ડ્રોન, મિસાઇલ અને અન્ય સૈન્ય સાધનોની ભરપાઈ કરવામાં વર્ષો લાગી શકે છે, જેના કારણે ભવિષ્યની વ્યૂહરચનાઓ પર પણ અસર પડી શકે છે.