Home Blog Page 63

ઓમાનના દરિયાકાંઠે ત્રીજી મોટી ઘટના: ભારતીય ક્રૂવાળા જહાજ પર હુમલો, 3 ભારતીયોના મોત

ઓમાનના દરિયાકાંઠે ગુરુવારે ભારતીય ક્રૂવાળા વેપારી જહાજ MT જલવીર પર હુમલો થવાની ઘટના સામે આવી છે. હુમલા બાદ જહાજમાં આગ લાગી ગઈ હતી, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ચિંતા ફેલાઈ ગઈ છે. જોકે, હુમલો કોણે કર્યો અને તેની પાછળનું કારણ શું છે તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી.

ઘટના બાદ ભારતીય દૂતાવાસે જણાવ્યું છે કે તે સ્થાનિક ઓમાની અધિકારીઓના સતત સંપર્કમાં છે અને સમગ્ર પરિસ્થિતિ પર ચાંપતી નજર રાખી રહ્યું છે. હાલ જહાજને થયેલા નુકસાન અને સંભવિત જાનહાનિ અંગેની વિગતોની રાહ જોવાઈ રહી છે.

‘સેત્તેબેલ્લો’ હુમલામાં ત્રણ ભારતીયોના મોતની પુષ્ટિ
આ ઘટના પહેલાં હોર્મુઝ સ્ટ્રેટ નજીક બુધવારે ઓઈલ ટેન્કર MT સેત્તેબેલ્લો પર થયેલા હુમલામાં ત્રણ ભારતીય નાવિકોના મોતની પુષ્ટિ થઈ હતી. કેન્દ્રીય મંત્રી સર્બાનંદ સોનોવાલે જણાવ્યું હતું કે ગુમ થયેલા ત્રણ ભારતીયોમાંથી બેના મૃતદેહો મળી આવ્યા છે, જ્યારે બાદમાં ત્રીજા વ્યક્તિના મોતની પણ પુષ્ટિ થઈ હતી.

અમેરિકી સેનાએ દાવો કર્યો હતો કે MT સેત્તેબેલ્લો ઈરાની તેલ લઈ જઈ રહ્યું હતું અને વારંવાર ચેતવણી આપવામાં છતાં જહાજે સૂચનાઓનું પાલન ન કરતાં કાર્યવાહી કરવામાં આવી હતી.

એક અઠવાડિયામાં ભારતીય ક્રૂવાળા જહાજો પર સતત હુમલાઓ
આ અઠવાડિયામાં ભારતીય ક્રૂવાળા જહાજો સાથે જોડાયેલી આ બીજી ગંભીર ઘટના છે. આ પહેલાં સોમવારે અમેરિકાએ ‘ધ મેરિવક્સ’ નામના ઓઈલ ટેન્કર પર હુમલો કર્યો હતો. તે જહાજમાં 24 ભારતીય નાવિકો સવાર હતા, જેમને ઓમાનની સેનાએ સફળતાપૂર્વક બચાવી લીધા હતા. છેલ્લા ત્રણ દિવસ દરમિયાન ઓમાનના દરિયાકાંઠે જહાજો સાથે જોડાયેલી આ ત્રીજી મોટી ઘટના બનતા આંતરરાષ્ટ્રીય શિપિંગ ક્ષેત્રમાં ચિંતાનું વાતાવરણ સર્જાયું છે.

ભારતીય દૂતાવાસ હાઈ એલર્ટ પર
પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ભારતીય દૂતાવાસ સંપૂર્ણ સતર્ક બન્યું છે. દૂતાવાસે સોશિયલ મીડિયા મારફતે માહિતી આપી હતી કે શિનસ પોર્ટ નજીક બનેલી ઘટનાની સતત મોનિટરિંગ કરવામાં આવી રહી છે અને સ્થાનિક સત્તાવાળાઓ સાથે સતત સંપર્ક જાળવી રાખવામાં આવ્યો છે. હાલમાં હુમલાની પ્રકૃતિ, જહાજને થયેલા નુકસાન અને ક્રૂ મેમ્બર્સની સ્થિતિ અંગે વધુ સત્તાવાર માહિતીની રાહ જોવાઈ રહી છે.

ભારતે અમેરિકી અધિકારી સમક્ષ નોંધાવ્યો વિરોધ
ગુરુવારે અગાઉ સામે આવેલી માહિતી મુજબ, પાલાઉના ધ્વજવાળા ઓઈલ ટેન્કર MT સેત્તેબેલ્લો પર થયેલા હુમલામાં ત્રણ ભારતીય ખલાસીઓના મોત થયા હતા. હુમલા બાદ 21 ભારતીયોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા હતા, જ્યારે ત્રણ ક્રૂ મેમ્બર્સ ગુમ થયા હતા અને બાદમાં તેમના મૃતદેહો મળી આવ્યા હતા. આ ઘટનાને લઈને ભારતે નવી દિલ્હીમાં અમેરિકાના ચાર્જ ડી’અફેર્સ જેસન મીક્સને તલબ કરીને સખત વિરોધ નોંધાવ્યો હતો અને ભારતીય નાગરિકોની સુરક્ષા અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી.

હોર્મુઝમાં ત્રણ ભારતીયોના મોતની પુષ્ટિ

  • કેન્દ્રીય મંત્રી સર્બાનંદ સોનોવાલે જણાવ્યું કે એમટી સેટ્ટેબેલો ઓઈલ ટેન્કર પર બનેલી ઘટના અત્યંત દુઃખદ છે. તેમણે જણાવ્યું કે અગાઉ જે ત્રણ ભારતીય નાવિકોને ગુમ માનવામાં આવી રહ્યા હતા, હવે તેમના મોતની પુષ્ટિ થઈ ગઈ છે. તેમાંથી બેના મૃતદેહ પણ મળી ચૂક્યા છે.
  • સોનોવાલે કહ્યું કે આ માત્ર અસરગ્રસ્ત પરિવારો માટે જ નહીં, પરંતુ સમગ્ર ભારતીય દરિયાઈ સમુદાય માટે મોટી ક્ષતિ છે. તેમણે કહ્યું કે મોદી સરકાર આ મુશ્કેલ સમયમાં મૃતકોના પરિવારોની સાથે ઊભી છે અને તેમને દરેક જરૂરી મદદ પૂરી પાડવામાં આવશે.
  • તેમણે અધિકારીઓને નિર્દેશ આપ્યો છે કે બચાવવામાં આવેલા ભારતીય નાવિકોને જલદીથી જલદી ભારત પાછા લાવવામાં આવે. સાથે જ જે નાવિકોના મોત થયા છે, તેમના પાર્થિવ દેહ પણ જલદી ભારત પહોંચાડવામાં આવે જેથી પરિવારો અંતિમ સંસ્કાર કરી શકે.
  • આ દુર્ઘટનામાં આદિત્ય શર્મા, શિવાનંદ ચૌરસિયા અને પટનાલા સુરેશના મોત થયા છે. અગાઉ પટનાલા સુરેશ ગુમ હોવાનું જણાવાયું હતું, પરંતુ હવે તેમના પણ મોતની પુષ્ટિ થઈ ચૂકી છે. આ ઘટનાથી સમગ્ર દેશમાં શોકની લહેર છે.

અમેરિકા-ઈરાન તણાવથી વૈશ્વિક ચિંતા વધી: હોર્મુઝ સ્ટ્રેટ બંધ થતાં ભારત સહિત અનેક દેશો પર અસરની આશંકા

અમેરિકા અને ઈરાન વચ્ચે ફરી એકવાર તણાવ વધતા સમગ્ર મધ્ય પૂર્વમાં અનિશ્ચિતતાનું વાતાવરણ સર્જાયું છે. અમેરિકાએ ઈરાન પર હુમલો કર્યા બાદ ઈરાને પણ વળતો પ્રહાર કરીને કડક જવાબ આપ્યો હોવાનું સામે આવ્યું છે. બંને દેશો વચ્ચે વધતા સંઘર્ષની વચ્ચે ઈરાને વિશ્વના સૌથી મહત્વપૂર્ણ જળમાર્ગોમાંથી એક એવા હોર્મુઝ સ્ટ્રેટને ફરીથી બંધ કરવાનો નિર્ણય લીધો છે.

ઓઈલ સપ્લાયનો મહત્વનો માર્ગ બંધ
અમેરિકાના દબાણ અને ધમકીઓ વચ્ચે ઈરાને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થનારા કોઈપણ જહાજ પર હુમલો થઈ શકે છે. પરિણામે તેલ ટેન્કર અને અન્ય વ્યાવસાયિક જહાજોની અવરજવર પર ગંભીર અસર પડી છે.

હોર્મુઝ સ્ટ્રેટ વિશ્વના સૌથી વ્યસ્ત અને વ્યૂહાત્મક જળમાર્ગોમાંનો એક છે, જે ઓમાનની ખાડી અને અરબ સાગરને જોડે છે. વૈશ્વિક સ્તરે આશરે 20 ટકા તેલ અને ગેસનું પરિવહન આ જળમાર્ગ મારફતે થાય છે. સાઉદી અરેબિયા, ઈરાન, ઈરાક, કુવૈત, કતાર અને યુએઈ જેવા ખાડી દેશોમાંથી નિકાસ થતું ક્રૂડ ઓઈલ પણ મુખ્યત્વે આ માર્ગ દ્વારા જ વિશ્વના વિવિધ દેશોમાં પહોંચે છે.

ઓઈલ સપ્લાયનો ચેકપોઈન્ટ બંધ
ઈરાને સામી ધમકી આપતા કહ્યું કે, જે કોઈ જહાજ હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થશે એના પર હુમલો કરી દેવાશે. તેલ ટેન્કર અને કમર્શિયલ વ્હીકલ હોર્મુઝ સ્ટ્રેટને પાર કરી શકશે નહીં. હોર્મુઝ સ્ટ્રેટ ફરીવાર બંધ થઈ જતા ભારતની ચિંતા વધી ગઈ છે. સ્ટ્રેટ ઓફ હોર્મુઝ દુનિયાનો સૌથી વધુ મહત્ત્વ ધરાવતો જળમાર્ગ છે. સૌથી વધારે વ્યસ્ત રહેતો માર્ગ છે, જે ઓમાનની ખાડીને અરબ સાગર સાથે જોડે છે. ઓઈલ ચેકપોઈન્ટ તરીકે ઓળખાતા જળમાર્ગમાંથી દુનિયાના 20 ટકા જહાજ પસાર થાય છે. આ વોટરરૂટ હવે બંધ થઈ જતા ભારત સહિત અન્ય દેશની ચિંતા પણ રાતોરાત વધી છે. સાઉદી અરેબિયા, ઈરાન, ઈરાક, કુવૈત, કતાર અને દુબઈ જેવા મહત્ત્વના ખાડી દેશમાં પ્રોસેસ થતું ક્રૂડ પર આ જ જળમાર્ગ થકી બીજા દેશમાં જાય છે. તેથી આ દેશની ચિંતા પણ વધી છે.

ક્રૂડના ભાવમાં વધારો થવાના એંધાણ
હવે ઈરાન અમેરિકા વચ્ચે યુદ્ધના કારણે લાંબા સમય સુધી આ જળમાર્ગ બંધ રહ્યો તો આંતરરાષ્ટ્રીય સ્તર પર ગેસની કિંમતમાં તથા ક્રૂડની કિંમતમાં ફરીવાર મોટો વધારો જોવા મળશે. ભારતમાં આવતું 50 ટકા ક્રૂડ અને 70 ટકા ગેસ આ જ જળમાર્ગમાંથી થકી ભારત પહોંચે છે. પર્શિયન ગલ્ફને ઓમાનની ખાડી સાથે જોડતો આ જળમાર્ગ સંપૂર્ણ રીતે ઈરાનના કબજામાં છે, જે ભારતની ક્રૂડ તથા ગેસની સપ્લાયને સીધી રીતે અસર કરે છે. ભારત મિત્ર દેશની યાદીમાં આવે છે તેથી ભારતીય જહાજને અહીંયાથી પસાર થવાની પૂરી રીતે મંજૂરી છે. યુદ્ધની સ્થિતિ હોવા છતા ભારતીય જહાજને અહીંયાથી પસાર થવા દેવામાં આવે છે અને કોઈ હુમલો કરાશે પણ નહીં.

ઈરાનની ચાંપતી નજર રહેશે
ઈરાનો હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરતા એશિયાના બાકીના દેશની ચિંતામાં એકાએક વધારો થયો છે. આ પાછળનું કારણ એ છે કે,ઘણા જહાજ હોર્મુઝ સ્ટ્રેટ પાર કરવાની તૈયારીઓમાં હતા, એવામાં અમેરિકાએ હુમલો કરી દેતા અને ઈરાને એનો જવાબ આપતા ફરી હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરી દીધો છે. હવે હોર્મુઝ સ્ટ્રેટની આસપાસ અટવાયેલા જહાજની મુશ્કેલી વધી ગઈ છે. દિવસ કરતા રાત પસાર કરવી વસમી પડી રહી છે. ઈરાનના ગાર્ડ દ્વારા સમયાંતરે પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. ખાસ કરીને અમેરિકા બાજુ આગળ વધતા જહાજને લઈને ઈરાને ચાંપતી નજર રાખી છે.

અમદાવાદ: AI-171 ક્રેશ કેસમાં અમેરિકન વકીલોનો દાવો, દુર્ઘટના પાછળ ટેકનિકલ ખામી હોઈ શકે

0

અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં થયેલી એર ઈન્ડિયાની AI-171 વિમાન દુર્ઘટનાને એક વર્ષ પૂર્ણ થઈ ગયું છે, પરંતુ આ ભયાનક અકસ્માત પાછળનું ચોક્કસ કારણ હજુ સુધી જાહેર થયું નથી. આ દુર્ઘટનામાં વિમાનમાં સવાર માત્ર એક જ વ્યક્તિનો જીવ બચ્યો હતો, જ્યારે કુલ 260 લોકોએ જીવ ગુમાવ્યો હતો.

દુર્ઘટનાના એક મહિનાની અંદર જ અમેરિકાની બીઝલી એલન લો ફર્મના એવિએશન વકીલ માઈક એન્ડ્રુઝ આ કેસ સાથે જોડાયા હતા. તેઓ હાલમાં આશરે 160 પીડિત પરિવારોનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. એન્ડ્રુઝે જણાવ્યું હતું કે તેમની કાનૂની ટીમનું મુખ્ય ધ્યાન એ જાણવા પર કેન્દ્રિત છે કે આખરે કઈ ટેકનિકલ ખામીને કારણે આ અકસ્માત સર્જાયો.

RAT ડિવાઇસ સમય પહેલાં સક્રિય થયું હોવાની આશંકા
એન્ડ્રુઝના જણાવ્યા અનુસાર, ઉપલબ્ધ વીડિયો અને ફોટોગ્રાફિક પુરાવાઓના અભ્યાસ દરમિયાન એવું જણાય છે કે વિમાન રનવે પરથી ટેકઓફ કરે તે પહેલાં જ તેનું ઓક્સિલરી પાવર યુનિટ એટલે કે RAT (Ram Air Turbine) ડિવાઇસ બહાર આવી ગયું હતું અને કાર્યરત હતું. તેમના મતે આ ખૂબ જ મહત્વપૂર્ણ બાબત છે કારણ કે તે ફ્યુઅલ સ્વિચ ટ્રાન્ઝિશન પહેલાંની ઘટના છે.

તેમણે જણાવ્યું કે ફ્યુઅલ સિસ્ટમમાં કોઈ સમસ્યા સર્જાય તે પહેલાં RAT બહાર આવી જવું પ્રારંભિક તપાસમાં દર્શાવાયેલી ટાઈમલાઈનથી અલગ છે. તેથી તેમની ટીમ ટેકઓફ પહેલાં દેખાયેલા તમામ અસામાન્ય સંકેતોને સમજવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે.

ટેકનિકલ ખામીની શક્યતા વધુ મજબૂત બની
માઈક એન્ડ્રુઝે જણાવ્યું કે શરૂઆતથી જ તેમનું માનવું રહ્યું છે કે RAT સમય પહેલાં કેમ સક્રિય થયું તે જાણી શકાશે તો અકસ્માતનું સાચું કારણ પણ સામે આવી શકશે. તેમણે ઉમેર્યું કે આજે તેમની આ ધારણા પહેલા કરતાં વધુ મજબૂત બની છે કે વિમાનમાં સર્જાયેલી કોઈ ગંભીર ટેકનિકલ ખામી આ દુર્ઘટનાનું મૂળ કારણ હોઈ શકે છે.

તેમણે વધુમાં જણાવ્યું કે એવી માહિતી પણ સામે આવી છે કે ટેક્સિંગ દરમિયાન વિમાનનું ટ્રાન્સપોન્ડર થોડા સમય માટે બંધ થઈ ગયું હતું અને પછી ફરી કાર્યરત બન્યું હતું. જોકે, તે કામચલાઉ ખામી હતી કે પછી સિસ્ટમ ફેલ થઈને ફરી રીસેટ કરવામાં આવી હતી, તે હજી સુધી સ્પષ્ટ થઈ શક્યું નથી.

લેન્ડિંગ ગિયર અને ફ્યુઅલ સિસ્ટમ અંગે પણ સવાલો
એન્ડ્રુઝે જણાવ્યું કે ઉપલબ્ધ પુરાવાઓમાં એવું પણ જોવા મળે છે કે વિમાનનું લેન્ડિંગ ગિયર ઉપર જવાનું શરૂ થયું હતું, પરંતુ પછી તે પ્રક્રિયા અધવચ્ચે અટકી ગઈ હતી. તેમના મતે આ પણ એક મહત્વપૂર્ણ સંકેત છે.

ત્યારબાદ ફ્યુઅલ સિસ્ટમમાં સર્જાયેલી સમસ્યાઓને પણ અકસ્માત સાથે જોડીને જોવામાં આવી રહી છે. તેમની ટીમ આ તમામ લક્ષણો વચ્ચેની સંભવિત કડી શોધવાનો પ્રયાસ કરી રહી છે જેથી અકસ્માતનું સાચું કારણ જાણી શકાય.

AAIBના રિપોર્ટની આતુરતાથી રાહ
સૂત્રોના જણાવ્યા અનુસાર, હવે તમામની નજર એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) દ્વારા જાહેર થનારા ટેકનિકલ રિપોર્ટ પર છે. એન્ડ્રુઝે જણાવ્યું કે નિયમો અનુસાર અકસ્માતના એક વર્ષની અંદર વચગાળાનો અથવા અંતિમ રિપોર્ટ જાહેર થવો જોઈએ.

તેમણે આશા વ્યક્ત કરી કે આ રિપોર્ટ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. તેમના મતે આ રિપોર્ટમાં એવા મહત્વપૂર્ણ ટેકનિકલ અને કાનૂની મુદ્દાઓ હશે, જે જવાબદારી નક્કી કરવામાં અને કેસની આગળની કાનૂની પ્રક્રિયા માટે માર્ગદર્શક સાબિત થશે.

માહિતી અને સંકલન અંગે પણ ઉઠ્યા સવાલો
આ કેસ સાથે સંકળાયેલા કેટલાક અન્ય વકીલોએ માહિતીની ઉપલબ્ધતા અને સંસ્થાકીય સહયોગને લઈને પણ પ્રશ્નો ઉઠાવ્યા છે. તેમનું કહેવું છે કે આવા ગંભીર અકસ્માતોમાં એરલાઇન્સ સામાન્ય રીતે પીડિત પરિવારો માટે એક સંપર્ક અધિકારીની નિમણૂક કરે છે, પરંતુ આ કેસમાં સગા-સંબંધીઓની મૂંઝવણ અને માહિતી મેળવવાની મુશ્કેલીઓને ઓછી કરવા માટે વધુ અસરકારક વ્યવસ્થા થઈ શકી હોત.

મુઝફ્ફરાબાદમાં પાક આર્મીનું MI-17 હેલિકોપ્ટર ક્રેશ, ભયાનક વિસ્ફોટમાં 20 જવાનોના મોત

પાકિસ્તાન આર્મી એવિએશનને એક મોટો અને દુઃખદ ફટકો પડ્યો છે. મુઝફ્ફરાબાદ નજીક પાકિસ્તાની સેનાનું રશિયન નિર્મિત MI-17 હેલિકોપ્ટર ટેકઓફ દરમિયાન ભયાનક અકસ્માતનો ભોગ બન્યું હોવાનું સામે આવ્યું છે. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર હેલિકોપ્ટરે ઉડાન ભરતાની સાથે જ હવામાં સંતુલન ગુમાવ્યું હતું અને થોડી જ ક્ષણોમાં જમીન પર પટકાઈ ગયું હતું. અકસ્માત એટલો ગંભીર હતો કે જમીન સાથે અથડાતાં જ હેલિકોપ્ટરમાં જોરદાર વિસ્ફોટ થયો હતો અને સમગ્ર હેલિકોપ્ટર આગની જ્વાળાઓમાં ઘેરાઈ ગયું હતું.

પ્રાથમિક તપાસમાં ટેકનિકલ ખામીની આશંકા
પાકિસ્તાની સેનાના સત્તાવાર મીડિયા વિભાગ ઇન્ટર-સર્વિસિસ પબ્લિક રિલેશન્સ (ISPR) દ્વારા દુર્ઘટનાની પુષ્ટિ કરવામાં આવી છે. સેનાના જણાવ્યા અનુસાર પ્રાથમિક તપાસમાં હેલિકોપ્ટર ક્રેશનું કારણ ગંભીર ટેકનિકલ ખામી હોવાનું જણાઈ રહ્યું છે. દુર્ઘટના સમયે હેલિકોપ્ટરમાં ક્રૂ મેમ્બર્સ સહિત કુલ 20 સૈનિકો સવાર હતા.

તમામ જવાનોના મોતની પુષ્ટિ
પાકિસ્તાની સેનાએ સત્તાવાર નિવેદનમાં જણાવ્યું છે કે અકસ્માતમાં હેલિકોપ્ટરમાં સવાર કોઈપણ વ્યક્તિનો જીવ બચાવી શકાયો નથી. હેલિકોપ્ટરમાં રહેલા તમામ 20 જવાનોના ઘટનાસ્થળે જ મોત થયા હોવાનું જણાવવામાં આવ્યું છે. આ દુર્ઘટનાએ સમગ્ર સૈન્ય તંત્રને શોકમાં મૂકી દીધું છે.

રાહત અને બચાવ કામગીરી શરૂ
ઘટનાની જાણ થતાં જ આર્મીની વિશેષ બચાવ અને રાહત ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ટીમોએ સળગતા કાટમાળમાંથી મૃતદેહોને બહાર કાઢવાની કામગીરી હાથ ધરી હતી. સમગ્ર વિસ્તારને સુરક્ષા ઘેરામાં લઈ લશ્કરી નિયંત્રણ હેઠળ રાખવામાં આવ્યો છે.

ઉચ્ચ સ્તરીય તપાસ સમિતિની રચના
આટલી મોટી સંખ્યામાં સૈનિકોના મોતને પગલે પાકિસ્તાનના સંરક્ષણ મંત્રાલયમાં ખળભળાટ મચી ગયો છે. દુર્ઘટના પાછળ કોઈ ષડયંત્ર, બેદરકારી અથવા અન્ય કારણ જવાબદાર છે કે કેમ તેની તપાસ માટે ઉચ્ચ સ્તરીય તપાસ સમિતિની રચના કરવામાં આવી છે. સમિતિ સમગ્ર ઘટનાની ઝીણવટભરી તપાસ કરીને વિગતવાર અહેવાલ રજૂ કરશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સુશાસનના 12 વર્ષ નિમિત્તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પાઠવ્યાં અભિનંદન

0

વડાપ્રધાનના નેતૃત્વમાં દેશમાં ‘ઇઝ ઑફ લિવિંગ’ની સંકલ્પના સાકાર થયાનું મુખ્યમંત્રીએ કહ્યું,તો દેશની જનતાએ કહ્યું ‘મોદી હૈ તો મુમકીન હૈ’

ભારતના વડાપ્રધાન તરીકે શ્રી નરેન્દ્ર મોદીના જનકલ્યાણને સમર્પિત કાર્યકાળના 12 વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ થવાના અવસરે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના તમામ નાગરિકો વતી તેમને અભિનંદન પાઠવ્યા છે. મુખ્યમંત્રીશ્રીએ વડાપ્રધાનશ્રીને પત્ર લખીને આ ઐતિહાસિક અને ગૌરવપૂર્ણ સિદ્ધિ બદલ પોતાની શુભેચ્છાઓ વ્યક્ત કરી છે, તેમજ દેશના સર્વાંગી વિકાસ, સુશાસન અને લોકકલ્યાણ માટે તેમના સતત યોગદાનની પ્રશંસા કરી છે.

વિકાસની સ્પીડ અને સ્કેલ જોઇને જન-જન બોલ્યા ‘મોદી હૈ તો મુમકીન હૈ’

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના પત્રમાં જણાવ્યું છે કે, વડાપ્રધાનશ્રીનો 12 વર્ષનો કાર્યકાળ વિશ્વભરમાં ભારત અને ભારતીયોનું ગૌરવ વધારનાર રહ્યો છે. તેમના નેતૃત્વમાં સર્જિકલ સ્ટ્રાઇક, એર સ્ટ્રાઇક અને ઓપરેશન સિંદૂર જેવાં કડક પગલાંઓ થકી ભારતે આતંકવાદને જડબાતોડ જવાબ આપ્યો છે. વડાપ્રધાનશ્રીએ આપેલો ‘સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ’ નો કાર્યમંત્ર આજે રાષ્ટ્રીય સંકલ્પ બન્યો છે. વિકાસની અભૂતપૂર્વ સ્પીડ અને સ્કેલ જોઇને આદે દેશમાં જન-જન બોલી રહ્યાં છે કે ‘મોદી હૈ તો મુમકીન હૈ’. વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં કલ્યાણકારી યોજનાઓને સેચ્યુરેશન એપ્રોચ સાથે જન-જન સુધી પહોંચાડવામાં આવી છે. દેશમાં પહેલી વખત ‘ઇઝ ઑફ લિવિંગ’ની સંકલ્પના સાકાર થઈ છે.

ગુજરાતને મળ્યું ડબલ એન્જિન સરકારનું બળ

મુખ્યમંત્રીશ્રીએ પત્રમાં ગુજરાતને વડાપ્રધાનશ્રીના દ્રષ્ટિવંત નેતૃત્વને જે લાભ મળ્યો છે, તેનો પણ ઉલ્લેખ કર્યો છે. તેમણે જણાવ્યું છે કે, વડાપ્રધાનશ્રી તરીકેનું દાયિત્વ સંભાળતાની સાથે જ ગુજરાતને ડબલ એન્જિન સરકારનું બળ મળ્યું છે. વડાપ્રધાનશ્રીએ ગુજરાતને આ 12 વર્ષો દરમિયાન અનેક ઐતિહાસિક ભેટ આપી છે. વડાપ્રધાન બન્યાના માત્ર 17 જ દિવસમાં નર્મદા યોજના આડેના અવરોધો દૂર કરી ગેટ મૂકવાની પરવાનગી, વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઑફ યુનિટી, સાબરમતી રિવરફ્રન્ટ, ગિફ્ટ સિટી, કચ્છમાં સૌથી મોટો હાઇબ્રિડ રિન્યુએબલ એનર્જી પાર્ક, મોઢેરા સોલાર વિલેજ, સાણંદ ખાતે સેમિકન્ડક્ટર પ્લાન્ટ્સ, બુલેટ ટ્રેન પ્રોજેક્ટ, વગેરે જેવી ભેટ થકી ગુજરાત વિકાસના નવા આયામો સર કરી રહ્યું છે.

લોથલ મેરિટાઇમ હેરિટેડ કોમ્પ્લેક્સ, સોમનાથ સ્વાભિમાન પર્વ, દ્વારકા, સોમના, અંબાજી કોરિડોર, પાવાગઢ મહાકાળી ધામનો પુનઃવિકાસ અને વડનગર આર્કિયોલોજીકલ મ્યુઝિયમ થકી ગુજરાતમાં ‘વિકાસ ભી, વિરાસત ભી’ નો મંત્ર ચરિતાર્થ થયો છે.

મુખ્યમંત્રીશ્રીએ પત્રમાં જણાવ્યું છે કે, દેશ આજે જ્યારે ‘વિકસિત ભારત @2047’ના મહાસંકલ્પ સાથે આગળ વધી રહ્યો છે, ત્યારે વડાપ્રધાનશ્રીના દિશા દર્શનમાં ગુજરાત પણ “વિકસિત ગુજરાત”ના લક્ષ્યને સાકાર કરવા માટે સંપૂર્ણ પ્રતિબદ્ધ છે. વડાપ્રધાનશ્રીના દ્રષ્ટિવંત નેતૃત્વમાં ભારત વિશ્વગુરૂ બનવાનો સંકલ્પ સિદ્ધ કરે તેવી ભાવના સાથે મુખ્યમંત્રીશ્રીએ સહુ ગુજરાતીઓ વતી 12 વર્ષના સફળ સુશાસન માટે વડાપ્રધાનશ્રીને હાર્દિક અભિનંદન પાઠવ્યા.

Gujarat weather forecast: ક્યાં પહોંચ્યુ ચોમાસુ? જાણો કયા રાજ્યોમાં થશે વરસાદની એન્ટ્રી

હવામાન વિભાગે ગુજરાતમાં આગામી 7 દિવસ માટે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગ મુજબ, અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં વાતાવરણમાં મોટો ફેરફાર જોવા મળશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદ થવાની શક્યતા છે. આ આગાહી બાદ રાજ્યમાં હવે સત્તાવાર રીતે ચોમાસુ જામવાની શરૂઆત થઈ રહી છે. આ સમાચારની સાથે સાથે લોકોને વરસાદ ગરમીમાંથી પણ રાહત આપશે.

દક્ષિણ ગુજરાતમાં વરસાદનું આગમન
હવામાન વિભાગની માહિતી મુજબ આજથી એટલે કે, 10 થી 16 જૂન સુધી દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે. અહીંના અનેક વિસ્તારોમાં મેઘરાજા મહેર કરી શકે છે. દક્ષિણ ગુજરાતમાં વરસાદનું પ્રમાણ વધુ રહેવાની શક્યતા છે. સ્થાનિક વાતાવરણમાં પલટો આવતા ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે. આ વરસાદ ખેતી માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

તારીખ 14 થી 16 જૂન દરમિયાન સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદ પડશે. આ સમયગાળા દરમિયાન સૌરાષ્ટ્રના ખેડૂતો માટે રાહતભર્યા સમાચાર મળ્યા છે. રાજ્યમાં ચોમાસાના આગમન સાથે વાતાવરણમાં ઠંડક પ્રસરી જશે. વરસાદના એંધાણની સાથે જ ખેડૂતોએ વાવણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. રાજ્યના અન્ય ભાગોમાં પણ વરસાદનું આગમન થવાની પૂરી સંભાવના છે.

વરસાદની આગાહીને પગલે ખેડૂતોમાં રાહત જોવા મળી છે. લાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતોમાં હવે આશા જાગી છે કે, પાકને પાણીની જરૂરિયાત પૂરી થશે. આગામી દિવસોમાં રાજ્યના વાતાવરણમાં મોટો ફેરફાર નોંધાઈ શકે છે. ચોમાસુ જામતા વાતાવરણમાં સકારાત્મક બદલાવ આવશે. તમામ લોકો હવે મેઘરાજાના વધામણાં કરવાની તૈયારીમાં છે.

દીકરીઓ માટે અસુરક્ષિત બન્યું શિક્ષણધામ! શિક્ષકની હેવાનિયત સામે આવતા ચકચાર

રાજકોટ જિલ્લાના ઉપલેટામાં આવેલી એક સરકારી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી સિનિયર કે.જી.ની પાંચ વિદ્યાર્થીનીઓ સાથે 55 વર્ષીય શિક્ષક દ્વારા કથિત રીતે શારીરિક અડપલાં અને યૌન શોષણ કરવામાં આવ્યું હોવાનો ગંભીર મામલો સામે આવ્યો છે. ફરિયાદ નોંધાતા પાટણવાવ પોલીસે આરોપી શિક્ષક દેવાણંદ બેરાની ધરપકડ કરી છે.

નાની ઉંમર અને નિર્દોષતાનો લાભ લઈ કરતો અડપલાં
પ્રાપ્ત માહિતી મુજબ, આરોપી શિક્ષક દેવાણંદ બેરાએ 28 જૂન 2025થી 2 મે 2026 દરમિયાન શાળાના વર્ગખંડમાં અભ્યાસ કરતી નાની બાળકીઓ સાથે અયોગ્ય શારીરિક વર્તન કર્યું હતું. આરોપીએ વિદ્યાર્થીનીઓની નાની ઉંમર અને નિર્દોષતાનો લાભ લઈ તેમની સાથે અડપલાં કર્યા હોવાનું તેમજ કેટલાક કિસ્સાઓમાં ગંભીર પ્રકારના યૌન શોષણના આક્ષેપો પણ સામે આવ્યા છે.

વિદ્યાર્થીનીએ માતા-પિતાને કરી જાણ
મામલો ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે એક વિદ્યાર્થીનીએ પોતાના માતા-પિતાને ‘બેડ ટચ’ અંગે જાણ કરી હતી. ત્યારબાદ વાલીઓએ અન્ય વિદ્યાર્થીનીઓ સાથે વાતચીત કરતાં વધુ ચાર બાળકીઓ પણ આ ઘટનાનો ભોગ બની હોવાનું બહાર આવ્યું હતું. ઘટનાની જાણ થતાં જ વાલીઓ અને સ્થાનિક લોકોમાં ભારે રોષ ફેલાયો હતો.

આરોપીની કરાઈ ધરપકડ
એક વિદ્યાર્થીનીની 32 વર્ષીય માતાએ 8 જૂન, 2026ના રોજ રાજકોટ ગ્રામ્યના પાટણવાવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમ 75(2), 351(2), 64(2) તેમજ પોક્સો એક્ટની કલમ 6, 8 અને 10 હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. ત્યારબાદ 9 જૂને આરોપી શિક્ષક દેવાણંદ બેરાની ધરપકડ કરવામાં આવી હતી.

પોલીસ સમગ્ર મામલે વધુ તપાસ કરી રહી છે અને અન્ય કોઈ વિદ્યાર્થી આ ઘટનાનો ભોગ બન્યો છે કે કેમ તે દિશામાં પણ તપાસ શરૂ કરવામાં આવી છે.

શુભેન્દુ સરકારના નવા મંત્રીઓને ખાતાની ફાળવણી, જાણો કોને કયો વિભાગ સોંપાયો

0

પશ્ચિમ બંગાળ સરકારે મંગળવારે મંત્રીઓમાં વિભાગોનું ઔપચારિક વિતરણ કરતી એક નવી સૂચના બહાર પાડી. રાજ્યપાલ દ્વારા જારી કરાયેલા આદેશ મુજબ, મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારીને ગૃહ અને પહાડી બાબતો, જમીન અને જમીન સુધારણા, શરણાર્થી રાહત અને પુનર્વસન, વીજળી, માહિતી અને સંસ્કૃતિ, અને કર્મચારી અને વહીવટી સુધારા જેવા મુખ્ય વિભાગો સોંપવામાં આવ્યા છે. વધુમાં, મુખ્યમંત્રી અન્ય મંત્રીઓને ફાળવવામાં ન આવેલા વિભાગો જાળવી રાખશે.

નિશીથ પ્રમાણિક આ વિભાગો સંભાળશે
કેબિનેટ મંત્રીઓમાં, નિશીથ પ્રમાણિકને ઉત્તર બંગાળ વિકાસ અને જળ સંસાધન તપાસ અને વિકાસ વિભાગ, અશોક કીર્તનિયાને ખાદ્ય અને પુરવઠા અને સહકાર વિભાગ, દિલીપ ઘોષને પંચાયત અને ગ્રામીણ વિકાસ અને કૃષિ માર્કેટિંગ વિભાગ સોંપવામાં આવ્યો છે. જ્યારે ખુદીરામ ટુડુને આદિજાતિ વિકાસ, લઘુમતી બાબતો અને મદરેસા શિક્ષણ વિભાગની જવાબદારી સોંપવામાં આવી છે. અગ્નિમિત્ર પાલને શહેરી વિકાસ અને મ્યુનિસિપલ બાબતો વિભાગ સોંપવામાં આવ્યો છે.

કોને કયો વિભાગ મળ્યો?
રાજ્ય સરકારે દીપક બર્મનને શાળા શિક્ષણ, આવાસ તેમજ સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ વિભાગની જવાબદારી સોંપી છે. તાપસ રોયને ઉદ્યોગ, વાણિજ્ય અને ઉદ્યોગસાહસ, જાહેર ઉપક્રમો અને ઔદ્યોગિક પુનર્નિર્માણ તેમજ બિનપરંપરાગત અને નવીનીકરણીય ઊર્જા વિભાગોની જવાબદારી સોંપવામાં આવી છે.

શંકર ઘોષને પ્રવાસન અને સંસદીય બાબતો વિભાગનો હવાલો આપવામાં આવ્યો છે. જ્યારે મનોજ કુમાર ઉરાંવ વન અને પર્યાવરણ વિભાગ સંભાળશે, તેમજ અર્જુન સિંહને શ્રમ અને પરિવહન વિભાગની જવાબદારી સોંપવામાં આવી છે.

કેબિનેટના અન્ય મંત્રીઓમાં જગન્નાથ ચટ્ટોપાધ્યાયને ઉચ્ચ શિક્ષણ, ટેકનિકલ શિક્ષણ, તાલીમ અને કૌશલ્ય વિકાસ વિભાગ આપવામાં આવ્યો છે. સ્વપન દાસગુપ્તા નાણાં વિભાગની જવાબદારી સંભાળશે. કલ્યાણ ચક્રવર્તીને માહિતી ટેકનોલોજી અને ઇલેક્ટ્રોનિક્સ, વિજ્ઞાન અને ટેકનોલોજી, બાયોટેકનોલોજી તેમજ ફૂડ પ્રોસેસિંગ અને બાગાયત વિભાગો સોંપવામાં આવ્યા છે.

આ ઉપરાંત શરદવત મુખર્જી આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગનો કાર્યભાર સંભાળશે, જ્યારે અરુપ કુમાર દાસને સિંચાઈ અને જળમાર્ગ વિભાગ તેમજ અજય કુમાર પોદ્દારને જાહેર આરોગ્ય એન્જિનિયરિંગ અને જાહેર બાંધકામ વિભાગની જવાબદારી સોંપવામાં આવી છે. જ્યારે દૂધ કુમાર મંડલને કૃષિ વિભાગનો હવાલો આપવામાં આવ્યો છે.

બિહારમાં જળ જીવન મિશન 2.0નો પ્રારંભ: હવે દરેક ઘરમાં સતત અને શુદ્ધ પાણી પહોંચાડવા પર ભાર

0

કેન્દ્ર સરકારના જળ શક્તિ મંત્રાલય અને બિહાર સરકાર વચ્ચે ‘જળ જીવન મિશન 2.0’ માટે મહત્વપૂર્ણ સમજૂતી કરાર (MoU) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ બિહારમાં 96 ટકા ગ્રામીણ પરિવારો સુધી નળ દ્વારા પાણી પહોંચાડવાની નોંધપાત્ર સફળતા બાદ હવે યોજનાના બીજા તબક્કામાં પાણીની સતત ઉપલબ્ધતા અને વ્યવસ્થાના અસરકારક સંચાલન પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.

બિહારમાં જળ જીવન મિશન 2.0: પાણીની સાતત્યતા પર ભાર
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ, સબકા પ્રયાસ’ના મંત્રને સાકાર કરતા બિહારના ગ્રામીણ વિસ્તારોમાં વિકાસની દિશામાં વધુ એક મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. નવા કરારનો મુખ્ય હેતુ અત્યાર સુધી પ્રાપ્ત થયેલી સિદ્ધિઓને જાળવી રાખવાનો અને પીવાના પાણીની સુવિધાને વધુ મજબૂત બનાવવાનો છે.

બિહાર સરકારે અગાઉના જળ જીવન મિશન અંતર્ગત રાજ્યના 96 ટકા ગ્રામીણ ઘરોમાં નળ કનેક્શન પહોંચાડીને એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી હતી. હવે જળ જીવન મિશન 2.0 હેઠળ સરકારનું ધ્યાન માત્ર નવા કનેક્શન આપવા પર નહીં, પરંતુ પાણીની ગુણવત્તા, નિયમિત પુરવઠો અને પાઈપલાઈન સહિતની સમગ્ર ઓપરેશન અને મેન્ટેનન્સ (O&M) વ્યવસ્થાને વધુ સશક્ત બનાવવા પર રહેશે.

આ MoU પર હસ્તાક્ષર કાર્યક્રમ દરમિયાન કેન્દ્રીય જળ શક્તિ રાજ્ય મંત્રી ડો. રાજભૂષણ ચૌધરી, બિહારના PHED મંત્રી સંજય કુમાર સિંહ અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ હાજર રહ્યા હતા. આ કરાર દ્વારા ભવિષ્યમાં ગ્રામીણ પાણી પુરવઠા વ્યવસ્થાને વધુ આધુનિક અને કાર્યક્ષમ બનાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવશે, જેથી દરેક પરિવાર સુધી શુદ્ધ, સુરક્ષિત અને સતત પીવાનું પાણી પહોંચતું રહે.

નાસીરનગર ડિમોલિશન મામલે મનપા એક્શનમાં: કર્મચારીઓની ભૂમિકા તપાસવા કમિટી રચાઈ

સુરતના નાસીરનગરમાં ભૂતિયા ડિમોલિશનન મામલે આજે કોંગ્રેસ દ્વારા અસરગ્રસ્તોની સાથે રહીને મનપાની મુખ્ય કચેરી તાપી ભવન બહાર ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતુ. પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ 3 દિવસનું અલ્ટિમેટમ આપી ઉગ્ર આંદોલનની ચિમકી ઉચ્ચારતા મનપા તંત્ર હરકતમાં આવ્યું છે. હાલ તો સમગ્ર કાર્યવાહીની તપાસ માટે ડેપ્યુટી કમિશનરની અધ્યક્ષતામાં કમિટીની રચના કરવામાં આવી છે.

આ અંગે શહેર કોંગ્રેસ પ્રમુખ વિપુલ ઉધનાવાલાએ જણાવ્યું કે, દિનદડાડે યુનિફોર્મ પહેરીને સરકારી મશીનરી લાવી 500 જેટલા પરિવારોના મકાનો પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે. આજે 10 દિવસ થવા છતાં કોઈ કાર્યવાડી નથી કરવામાં આવી, આ જંગલરાજ નહીં તો બીજુ શુ છે?

વરસાદ માથા પર છે ત્યારે પહેરેલા કપડે આ લોકો રોડ ઉપર આવી ગયા છે. એમને હજુ ન્યાય નથી મળ્યો. અમે મનપા કમિશ્નર પાસે તાત્કાલિક આ લોકોને ઘર બનાવી આપવામાં આવે અને રહેવાની વ્યવસ્થા કરવામાં આવે એવી માંગ કરી છે. જો જરુર પડશે તો અમે આ વિસ્થાપિત લોકોને લઈને મનપા કમિશ્નર અને પોલીસ કમિશ્નરના બંગલા પર રહેવા જઈશું, આ લોકોને ન્યાય નહી મળે ત્યાં સુધી અમારું આંદોલન શરુ રહેશે.

કોંગ્રેસના વોર્ડ નંબર 12ના કોર્પોરેટર અર્શદ જરીવાલાએ જણાવ્યું કે, જેટલા પણ અધિકારી છે તેમના મોઢા પર દેખાય છે કે તેમણે પાપ કર્યું છે, અમે જયારે રજૂઆત કરવા જઈએ છીએ ત્યારે રજૂઆત શાંતિથી સાંભળે છે અને માત્ર તપાસ ચાલુ છે તેમ કહે છે પણ કેટલા દિવસ તપાસ થવાની અને કેટલા પુરાવા આપવાના, બધા પુરાવા આપ્યા છે, પણ એ લોકોને પુરાવા જોઈતા જ નથી અને ન્યાય આપવો જ નથી.

ન્યાય આપવો જ હોય તો 12 દિવસથી આ લોકો ખાધા પીધા વગર બેઠા છે, આ લોકોનું શું વાંક છે. આ લોકો 40 થી 50 વર્ષથી ત્યાં વસવાટ કરે છે, આ લોકોને ન્યાય ઈશ્વર આપશે અને ઈશ્વર કોઈને છોડતો નથી. સમગ્ર કોંગ્રેસ આ લોકોની સાથે છે અને ગુજરાત પ્રદેશના બધા જ નેતાઓ અહિયાં રોડ પર ઉતરવાના છે.

સુરતના નાસીરનગરમાં ભૂતિયા ડિમોલિશન મામલે સ્થાનિક રહીશો અને શહેર કોંગ્રેસ દ્વારા મનપા કચેરી બાદ મનપા કમિશ્નરના બંગલે પણ ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જોકે, મ્યુનિસિપલ કમિશનરના બંગલા પર વિરોધ કરવા માટે ભેગા થયેલા નાસીરનગરના લોકો અને કોંગ્રેસ નેતા અને કાર્યકરોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી.

આ દરમિયાન ACP મલ્હોત્રાએ ધરણા પર બેસેલા કોંગ્રેસના નેતાઓને ત્યાં વિરોધ ન કરવા જણાવવામાં આવ્યું ડતું અને ડીટેઈન કરી લેવાની વાત કરી, ત્યારે પૂર્વ કોર્પોરેટર અસ્લમ સાયકલ વાલાએ કહ્યું કે તમે અમને ગોળી મારી દો અમે ગોળી ખાવા તૈયાર છીએ.