સુરતમાં પોસ્ટ મારફતે ડ્રગ્સની હેરફેર કરવામાં આવતી હોવાનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવતા સુરક્ષા એજન્સીઓ સતર્ક બની ગઈ છે. અઠવા વિસ્તારની નાનપુરા પોસ્ટ ઓફિસ સાથે સંકળાયેલા આ કેસમાં મહત્વની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
માહિતી મુજબ, મદ્રાસ એરપોર્ટ પરથી ઝડપાયેલા એક ડ્રગ્સ પેડલરે પૂછપરછ દરમિયાન સુરતમાં પોસ્ટ દ્વારા ડ્રગ્સ મોકલવામાં આવતું હોવાની મહત્વપૂર્ણ માહિતી આપી હતી. આ બાતમીના આધારે મદ્રાસ પોલીસની એક ટીમ સુરત પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી.
તપાસ દરમિયાન પોલીસે જે વ્યક્તિના નામે પાર્સલ મંગાવવામાં આવ્યું હતું તેનો સંપર્ક કર્યો હતો. બાદમાં તેને નાનપુરા પોસ્ટ ઓફિસ ખાતે બોલાવવામાં આવ્યો હતો. આરોપી પોસ્ટ ઓફિસ પર પહોંચતા જ પોલીસે તેને કસ્ટડીમાં લઈ લીધો હતો.
આરોપીની મેડિકલ તપાસ સહિતની કાયદેસરની કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ તેને જેલ હવાલે કરવામાં આવ્યો હતો. હાલ પોલીસે સમગ્ર ડ્રગ્સ નેટવર્કના અન્ય કડીઓ શોધવા માટે વધુ તપાસ હાથ ધરી છે અને આ રેકેટમાં સંડોવાયેલા અન્ય લોકો સુધી પહોંચવાના પ્રયાસો શરૂ કર્યા છે.
ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ડુંગર પર આજે વહેલી સવારે એક મોટી અને અત્યંત દુઃખદ દુર્ઘટના સર્જાઈ છે. પંચમહાલ જિલ્લામાં વરસી રહેલા વરસાદને કારણે પાવાગઢ ડુંગર પર ભૂસ્ખલન જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. ડુંગર પરથી મોટા પથ્થરો ગબડતા કેટલાક યાત્રિકો દખાઈ ગયા છે, જેમાંથી બે મૃતદેહ મળી આવ્યા છે. આ ઘટનાને પગલે દર્શનાર્થીઓ અને ભકતોમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, આ દુર્ઘટના વહેલી સવારે 5 વાગ્યાના સુમારે બની, જ્યારે શ્રદ્ધાળુઓ માતાજીના દર્શન માટે ડુંગર ચઢી રહ્યા હતા. પાટિયાપુલ નજીક અચાનક ડુંગર પરથી પથ્થરો અને કાટમાળ ધસીને નીચે ગબડવા લાગ્યા હતા. સતત ભારે વરસાદને કારણે જમીન એકદમ પોચી પડી ગઈ હોવાથી પથ્થરો ઝડપથી નીચે પડી રહ્યા હતા. જેના કારણે નીચેથી પસાર થઈ રહેલા યાત્રિકોને બચવાની કોઈ તક મળી ન હતી.
અત્યાર સુધીમાં બે યાત્રિકોના મૃતદેડ મળ્યા પાવાગઢ ખાતે વહેલી સવારે સર્જાયેલી દુર્ઘટનામાં પડાડ પરથી ભારે પથ્થરો પડતા કેટલાક શ્રદ્ધાળુઓ આ દુર્ઘટનાનો ભોગ બન્યા છે. અત્યાર સુધી બે યાત્રિકોના મૃતદેહ મળ્યા છે, હજુ પણ કેટલાક લોકો પથ્થરો નીચે દબાયેલા હોવાની આશંકા છે. પ્રશાસન દ્વારા સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. ઘાયલોને હોસ્પિટલમાં ખસેડવાની કામગીરી ચાલુ છે.
ગબડતા પથ્થરોની ઝપેટમાં આવ્યા યાત્રિકો ડુંગર પરથી પડી રહેલા પથ્થરોની ઝપેટમાં કેટલાક યાત્રિકો આવી ગયા હતા. આ જીવલેણ ઘટનાને પગલે આસપાસના લોકોમાં ભારે ગભરાડટ અને દોડધામ મચી ગઈ હતી. આ કુદરતી હોનારતની જાણ થતાં જ વહીવટી તંત્ર અને પાવાગઢ પોલીસ તાત્કાલિક ઍલર્ટ થઈ ગયા હતા. પ્રાથમિક તપાસમાં વરસાદી પાણીના પ્રવાહને કારણે જમીનનું ધોવાણ થવાથી પથ્થરો ગબકયા હોવાનું અનુમાન છે.
તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે બચાવ કામગીરી સ્થિતિની ગંભીરતા અને જોખમને જોતા રોપ-વેની ટેકનિકલ ટીમ અને ડિઝાસ્ટર મૅનેજમેન્ટ ટીમને તાત્કાલિક ઘટનાસ્થળે રવાના કરવામાં આવી હતી. હાલમાં તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે બચાવ કામગીરી (Rescue operation) પૂરજોશમાં ચાલી રહી છે. પથ્થરો અને કાટમાળ નીચે અન્ય કોઈ યાત્રિક દબાયેલું છે કે કેમ, તે શોધવા અને ફસાયેલા લોકોને સુરક્ષિત બહાર કાઢવા માટે સતત અને સઘન પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
યાત્રિકોને સાવચેત રહેવા તંત્ર દ્વારા અપીલ વરસાદના કારણે પાવાગઢ ડુંગર પર ભૂસ્ખલનનું જોખમ રહેલું છે. તંત્ર દ્વારા સલામતીના ભાગરૂપે યાત્રિકોને ભારે વરસાદ દરમિયાન ડુંગર ચડતી વખતે સાવચેતી રાખવા અને તંત્રની સૂચનાઓનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે. આ ઘટનાને પગલે ભારે વરસાદને ધ્યાનમાં રાખીને સુરક્ષા એજન્સીઓ વધુ સતર્ક બની છે
સુરતના સચીન GIDC વિસ્તારમાં આવેલી એક ચાલીમાં તોડફોડ અને ધમકીનો બનાવ સામે આવ્યો છે. ચાલીના ગેટને નુકસાન પહોંચાડવા તેમજ રહેવાસીને જાનથી મારી નાખવાની ધમકી આપવાના આરોપસર ચાર અજાણ્યા શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. સચીન GIDC પોલીસે ભારતીય ન્યાય સંહિતા (BNS)-2023 અને ગુજરાત પોલીસ એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
ફરિયાદી રાજકુમાર મહેન્દ્રસિંગ જાટ (ઉંમર 45), જે વ્યવસાયે વેપારી છે અને લક્ષ્મીવિલા રેસીડેન્સીમાં રહે છે, તેમણે પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે 17 જૂન, 2026ના રોજ મધરાતે આશરે 12:15 વાગ્યે ચાર અજાણ્યા વ્યક્તિઓ છોટુ કાકાની વાડી ખાતે આવેલા પ્લોટ નં. 135 અને 136માં આવેલી “પ્રેમ નિવાસ” ચાલી પાસે પહોંચ્યા હતા.
આરોપીઓના હાથમાં લાકડાના ફટકા અને લોખંડના સળીયા હતા. તેમણે ચાલીના ગેટ અને ગ્રીલ પર આડેધડ પ્રહાર કરી નુકસાન પહોંચાડ્યું હતું. ફરિયાદ મુજબ ગ્રીલના નકુચાને નુકસાન થતાં અંદાજે રૂ. 500નું નુકસાન થયું છે.
ફરિયાદમાં વધુમાં જણાવાયું છે કે આરોપીઓએ જાહેરમાં અપશબ્દો બોલી ચાલીમાં રહેતા નિર્મલ મંડલને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ધમકી આપ્યા બાદ ચારેય શખ્સો સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા.
ઘટનાના અનુસંધાને સચીન GIDC પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ 324(3), 351(3), 296(બી), 54 તેમજ ગુજરાત પોલીસ એક્ટની કલમ 135(1) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. હાલ કેસની તપાસ પીએસઆઈ એચ.એચ. જાડેજા કરી રહ્યા છે. પોલીસ આસપાસના CCTV ફૂટેજ, સાક્ષીઓના નિવેદનો અને અન્ય પુરાવાઓના આધારે અજાણ્યા આરોપીઓની ઓળખ મેળવવા અને તેમની ધરપકડ કરવા માટે કાર્યવાહી હાથ ધરી રહી છે.
દેશની ટેક્સટાઈલ રાજધાની સુરતને ટૂંક સમયમાં વધુ એક વિશેષ ઓળખ મળવા જઈ રહી છે. શહેરના અબજો ડોલરના કાપડ ઉદ્યોગને સુરક્ષા અને કાનૂની સહાય પૂરી પાડવા માટે રાજ્ય સરકારે દેશમાં પ્રથમ સમર્પિત ટેક્સટાઈલ પોલીસ સ્ટેશન સ્થાપવાની મંજૂરી આપી છે. આ પોલીસ સ્ટેશન કાપડ ઉદ્યોગ સંબંધિત ગુનાઓ, છેતરપિંડી અને વ્યવસાયિક વિવાદોની તપાસ અને કાર્યવાહી કરશે.
અહેવાલો અનુસાર, સલાબતપુરા, મહિધરપુરા, વરાછા, પૂના, સારોલી, ગોડાદરા અને ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારોમાં કાપડના વેપારને લગતી બધી ફરિયાદો હવે આ ખાસ પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવશે. સરકાર આગામી એકથી બે વર્ષમાં આ પ્રોજેક્ટ પૂર્ણ કરવાની યોજના ધરાવે છે.
વેપારીઓ લાંબા સમયથી આ માંગણી કરી રહ્યા છે. ફેડરેશન ઓફ સુરત ટેક્સટાઇલ ટ્રેડર્સ એસોસિએશન (FOSTA) ના પ્રમુખ કૈલાશ હકીમ અને સેક્રેટરી દિનેશ કટારિયાએ જણાવ્યું હતું કે સંગઠન છેલ્લા ત્રણ વર્ષથી સરકાર સમક્ષ આ માંગણી ઉઠાવી રહ્યું છે. તેમનું કહેવું છે કે દેશના પ્રથમ ટેક્સટાઇલ પોલીસ સ્ટેશનની સ્થાપનાથી કાપડ વેપારીઓને નોંધપાત્ર રાહત મળશે અને છેતરપિંડીના કેસોમાં અસરકારક કાર્યવાહી શક્ય બનશે.
હાલની સિસ્ટમ શું છે? હાલમાં, કાપડ વેપારમાં છેતરપિંડીની ફરિયાદો અલગ અલગ પોલીસ સ્ટેશનમાં નોંધાય છે, જેના કારણે એક જ આરોપી સામે દાખલ થયેલા અનેક કેસોના રેકોર્ડ એકત્રિત કરવાનું મુશ્કેલ બને છે. નવું કાપડ પોલીસ સ્ટેશન બધી ફરિયાદોનો કેન્દ્રિય રેકોર્ડ રાખશે, ખાતરી કરશે કે કોઈપણ આરોપી સામે દાખલ થયેલા કેસોની સંપૂર્ણ માહિતી એક જ જગ્યાએ ઉપલબ્ધ હશે, જેનાથી કાર્યવાહી સરળ અને ઝડપી બનશે.
વેપારીઓ શું કહે છે? વેપારીઓ માને છે કે આનાથી છેતરપિંડી અને છેતરપિંડીના કેસોની તપાસ ઝડપી બનશે, ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવાનું સરળ બનશે અને વારંવાર ગુનેગારો પર અસરકારક રીતે દેખરેખ રાખવામાં આવશે. તેનાથી વેપારીઓનો સમય અને નાણાં પણ બચશે. કાપડ ઉદ્યોગના ખેલાડીઓ કહે છે કે આ પગલું સુરતના મોટા કાપડ ઉદ્યોગને વધુ સુરક્ષિત અને સંગઠિત બનાવવા તરફ એક મહત્વપૂર્ણ પગલું સાબિત થશે.
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતનો ત્રણ દિવસીય નવસારી પ્રવાસ આજે શરૂ થઈ રહ્યો છે. મુખ્યમંત્રી સાંજે અમદાવાદ-મુંબઈ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન દ્વારા નવસારી પહોંચશે. આ પ્રવાસ દરમિયાન તેઓ રાજ્યપાલ સાથે પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપતા વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેશે.
મુખ્યમંત્રી અને રાજ્યપાલના આગમનને લઈને નવસારી જિલ્લામાં વહીવટી તંત્ર સંપૂર્ણપણે સજ્જ બન્યું છે. નવસારી મહાનગરપાલિકા, પોલીસ વિભાગ અને અન્ય સરકારી તંત્રોએ સુરક્ષા, સ્વચ્છતા અને ટ્રાફિક વ્યવસ્થાની તૈયારીઓને આખરી ઓપ આપ્યો છે. શહેરના મુખ્ય માર્ગો, જાહેર સ્થળો અને રેલવે સ્ટેશન આસપાસ વિશેષ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે સાંજે 5:25 વાગ્યે વંદે ભારત એક્સપ્રેસ મારફતે નવસારી રેલવે સ્ટેશન પર પહોંચશે. સામાન્ય મુસાફરોની જેમ ટ્રેનમાં પ્રવાસ કરવાના તેમના નિર્ણયને લોકો તરફથી સકારાત્મક પ્રતિસાદ મળી રહ્યો છે. સુરક્ષાની દૃષ્ટિએ રેલવે સ્ટેશન અને આસપાસના વિસ્તારોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
નવસારી આગમન બાદ મુખ્યમંત્રી ખેરગામ તાલુકાના પાણીખડક ગામે જશે. ત્યાં તેઓ ‘એક પેડ મા કે નામ’ અભિયાન તેમજ સ્વચ્છતા કાર્યક્રમમાં ભાગ લેશે. ઉપરાંત ગ્રામજનો સાથે સંવાદ કરશે અને રાત્રિ ગ્રામસભામાં હાજરી આપ્યા બાદ ગામમાં જ રોકાણ કરશે.
19 જૂને મુખ્યમંત્રી યોગાભ્યાસ કાર્યક્રમમાં સહભાગી બનશે. ત્યારબાદ ચીખલી તાલુકાના સુરખાઈ ગામે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સાથે ‘પ્રાકૃતિક કૃષિ સંવાદ’ અને ‘ગ્રામ કલ્યાણ’ કાર્યક્રમમાં હાજરી આપશે. આ પ્રસંગે તેઓ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અને કૃષિ વિકાસ અંગે માર્ગદર્શન આપશે.
પ્રવાસનો મુખ્ય ઉદ્દેશ્ય દક્ષિણ ગુજરાતમાં પ્રાકૃતિક અને ઝેરમુક્ત ખેતીને પ્રોત્સાહન આપવાનો છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત છેલ્લા ઘણા વર્ષોથી ખેડૂતોને રાસાયણિક ખેતી છોડીને પ્રાકૃતિક ખેતી અપનાવવા પ્રેરિત કરી રહ્યા છે. હવે મુખ્યમંત્રી પણ આ અભિયાન સાથે સક્રિય રીતે જોડાતા ખેડૂતોમાં નવી આશા જાગી છે.
સુરખાઈ ખાતે યોજાનારા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ખેડૂતો, ગ્રામજનો અને સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહેશે. કાર્યક્રમ દરમિયાન પ્રાકૃતિક ખેતીના ફાયદા, આધુનિક કૃષિ પદ્ધતિઓ અને ગ્રામ વિકાસ સંબંધિત વિવિધ મુદ્દાઓ પર માર્ગદર્શન આપવામાં આવશે.
ભૂતપૂર્વ વડા પ્રધાન ઇન્દરકુમાર ગુજરાલના પુત્ર નરેશકુમાર ગુજરાલ સાયબર કૌભાંડનો ભોગ બન્યા છે. છેતરપિંડી કરનારે તેમના કર્મચારીને તેમના ખાતામાં રૂપિયા 7.8 કરોડ ટ્રાન્સફર કરાવી લીધા. દિલ્હી પોલીસે આ રકમમાંથી રૂપિયા 4 કરોડ ફ્રીઝ કરી દીધા છે. દિલ્હી પોલીસે ભૂતપૂર્વ વડા પ્રધાનના પુત્ર સામે ઓનલાઈન છેતરપિંડીની તપાસ શરૂ કરી છે. પોલીસે મંગળવારે ઈ-એફઆઈઆર દાખલ કરી. પોલીસના જણાવ્યા અનુસાર, રૂપિયા 7.8 કરોડ (78 મિલિયન રૂપિયા)ની છેતરપિંડી કરવામાં આવી છે, અને આ રકમમાંથી આશરે રૂપિયા 4 કરોડ (40 મિલિયન રૂપિયા) ફ્રીઝ કરવામાં આવી છે.
ભૂતપૂર્વ વડા પ્રધાન ઇન્દરકુમાર ગુજરાલના પુત્ર ભૂતપૂર્વ સાંસદ નરેશકુમાર ગુજરાલ સાથે છેતરપિંડી કરવામાં આવી છે. છેતરપિંડી કરનારે નરેશ ગુજરાલના ફોટાનો ઉપયોગ કરીને, તેમના કર્મચારીને નરેશ ગુજરાલ તરીકે એક વોટ્સએપ સંદેશ મોકલ્યો હતો. છેતરપિંડી કરનારે, એક મીટિંગમાં હોવાનો દાવો કરીને, RTGS દ્વારા એકાઉન્ટ નંબર પર પૈસા ટ્રાન્સફર કર્યા હતા. પોલીસ હાલમાં આ કેસની તપાસ કરી રહી છે. છેતરપિંડી કરનાર વિશે કોઈ માહિતી મળી નથી.
12 થી 16 જૂન વચ્ચે પૈસા થયા ટ્રાન્સફર છેતરપિંડી કરનારાઓએ નરેશ કુમાર ગુજરાલની સૌથી વિશ્વસનીય ફાઇનાન્સ ટીમના સભ્યને મેસેજ કર્યો. વોટ્સએપ મેસેજ મળ્યા પછી, કર્મચારીએ ચાર RTGS ટ્રાન્ઝેક્શન કર્યા. 12 થી 16 જૂન વચ્ચે કુલ વ્યવહારો આશરે આઠ કરોડ રૂપિયા હતા. આનાથી સાયબર ફ્રોડનો ખુલાસો થયો. નાણાકીય મૂલ્યની દ્રષ્ટિએ, આ તાજેતરના સમયમાં દિલ્હીમાં સૌથી મોટો સાયબર ફ્રોડ છે.
જ્યારે નરેશ ગુજરાલના કર્મચારીએ તેની પુત્રીને પૈસાના વ્યવહારો વિશે જાણ કરી, ત્યારે તેણે નરેશને ફોન કર્યો. નરેશે કહ્યું કે, તેણે આવા કોઈ આદેશ આપ્યા નથી. ત્યારબાદ, પરિવારને ખ્યાલ આવ્યો કે તેમની સાથે છેતરપિંડી થઈ રહી છે. નરેશની પુત્રી, દીક્ષાએ તરત જ સાયબર ફ્રોડ હેલ્પલાઇન 1930 પર ફોન કર્યો અને ઈ-એફઆઈઆર દાખલ કરી. અધિકારીઓએ ઝડપથી કાર્યવાહી કરી, છેતરપિંડીની રકમનો લગભગ 30% હિસ્સો ફ્રીઝ કર્યો. આનાથી નરેશ ગુજરાલનું નુકસાન નોંધપાત્ર રીતે ઓછું થયું. તેમણે અધિકારીઓની પણ પ્રશંસા કરી.
આજના ડિજિટલ યુગમાં જ્યાં બેંકો ગ્રાહકોને ઓનલાઈન ટ્રાન્ઝેક્શન, નેટ બેંકિંગ અને પેપરલેસ કામગીરી માટે પ્રોત્સાહિત કરી રહી છે, ત્યાં બીજી તરફ બેંકોનો સ્ટેશનરી પર થતો ખર્ચ આશ્ચર્યચકિત કરનારો છે. રોકાણ પ્લેટફોર્મ ગ્રોની FY25ની નવી રિપોર્ટ મુજબ, દેશની સૌથી મોટી સરકારી બેંક SBIએ એક જ વર્ષમાં પ્રિન્ટિંગ અને સ્ટેશનરી (પેન, કાગળ, ચેકબુક વગેરે) પર ₹986.4 કરોડ ખર્ચ્યા છે.
ડિજિટલ બેંકિંગ છતાં કાગળ પર કરોડોનો ખર્ચ આજે મોટાભાગના લોકો મોબાઇલ એપ દ્વારા પૈસા ટ્રાન્સફર કરે છે, QR કોડ સ્કેન કરે છે અને માને છે કે બેંકિંગ હવે સંપૂર્ણપણે ડિજિટલ બની ગઈ છે. પરંતુ વાસ્તવિકતા થોડી અલગ છે. ભારતીય બેંકો આજે પણ ફોર્મ, પાસબુક, બેંક સ્ટેટમેન્ટ અને ચેકબુકની છપાઈ સહિતના કાગળ આધારિત કામકાજ પર દર વર્ષે સેંકડો કરોડ રૂપિયા ખર્ચી રહી છે. ગ્રોએ તાજેતરમાં નાણાકીય વર્ષ 2024-25 (FY25) દરમિયાન ભારતીય બેંકો દ્વારા પ્રિન્ટિંગ અને સ્ટેશનરી પર કરાયેલા ખર્ચના આંકડા જાહેર કર્યા છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર શેર કરાયેલી આ રિપોર્ટના આંકડા હાલમાં ભારે ચર્ચામાં છે.
SBIનો સ્ટેશનરી ખર્ચ સૌથી વધુ રિપોર્ટ મુજબ, દેશની સૌથી મોટી સરકારી બેંક State Bank of India સ્ટેશનરી ખર્ચમાં પ્રથમ સ્થાને છે. SBIએ એક વર્ષમાં પ્રિન્ટિંગ અને સ્ટેશનરી પર ₹986.4 કરોડ ખર્ચ્યા. જોકે આ રકમ મોટી લાગે છે, પરંતુ SBIના વિશાળ નેટ પ્રોફિટની સરખામણીએ તે તેના કુલ નફાના માત્ર 1.22% જેટલી છે.
HDFC Bank બીજા ક્રમે, ICICI Bank વધુ કરકસરવાળી SBI પછી દેશની સૌથી મોટી ખાનગી બેંક HDFC Bank આવે છે, જેણે સ્ટેશનરી પર ₹922.5 કરોડ (કુલ નફાના 1.26%) ખર્ચ્યા છે જ્યારે ICICI Bank આ મામલે વધુ કરકસરવાળી સાબિત થઈ છે. ICICI બેંકે માત્ર ₹318.5 કરોડ ખર્ચ્યા, જે તેના કુલ નફાના માત્ર 0.58% જેટલા છે.
IDFC First Bankએ નફાના પ્રમાણમાં બનાવ્યો રેકોર્ડ આ રિપોર્ટનો સૌથી ચોંકાવનારો આંકડો IDFC First Bank સાથે જોડાયેલો છે. કુલ ખર્ચની દ્રષ્ટિએ તે મોટી બેંકો કરતાં પાછળ છે, પરંતુ પોતાના નફાની સરખામણીએ સ્ટેશનરી પર સૌથી વધુ ખર્ચ કરનાર બેંક બની છે. IDFC First Bankએ એક વર્ષમાં સ્ટેશનરી પર ₹122.7 કરોડ ખર્ચ્યા. એટલે કે બેંકે પોતાના દરેક ₹100ના નેટ નફામાંથી આશરે ₹8.05 માત્ર પેન, કાગળ, પ્રિન્ટિંગ અને ફાઇલિંગ જેવા ખર્ચ પાછળ વાપર્યા. આ પ્રમાણ કોઈપણ મોટી લિસ્ટેડ બેંક કરતાં સૌથી વધુ છે.
મુખ્ય બેંકોનો સ્ટેશનરી ખર્ચ
SBI
₹986.4 કરોડ
HDFC Bank
₹922.5 કરોડ
ICICI Bank
₹318.5 કરોડ
IDFC First Bank
₹122.7 કરોડ
ડિજિટલ બેંકિંગના વધતા પ્રભાવ છતાં, આ આંકડાઓ દર્શાવે છે કે ભારતીય બેંકિંગ સિસ્ટમ હજુ પણ કાગળ આધારિત પ્રક્રિયાઓ પર નોંધપાત્ર રીતે નિર્ભર છે.
ન્યૂ રાણીપ વિસ્તારમાં વહેલી સવારે 17 વર્ષના વિદ્યાર્થીએ આત્મહત્યા કરી છે. વિધાર્થીએ ફલેટના છઠ્ઠા માળેથી કૂદીને આત્મહત્યા કરી છે. પોલીસ તપાસમાં મૃતક વિધાર્થી NEETની પરીક્ષાની તૈયારી કરતો હોવાનું સામે આવ્યું છે.
આત્મહત્યા કયા કારણથી કરી તે અંગે હજુ કોઈ કારણ સામે આવ્યું નથી. બનાવની જાણ થતા સાબરમતી પોલીસ સ્થળ પર પહોંચી હતી.પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવ અંગેની જાણ થતાં જ સાબરમતી પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો અને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી હતી. વિદ્યાર્થીએ કયા માનસિક દબાણ કે અન્ય કયા કારણસર આત્મહત્યા કરી તે હજી સુધી સ્પષ્ટ થઈ શક્યું નથી. હાલમાં પોલીસે સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે.
ન્યૂ રાણીપના એરિસ્ટો આનંદમ ફ્લેટ ખાતેનો બનાવ મળતી માહિતી મુજબ, આ કરુણ ઘટના આજે વહેલી સવારે ન્યૂ રાણીપના એરિસ્ટો આનંદમ ફ્લેટ ખાતે બની હતી. સવારના સમયે ફ્લેટની નીચે લોહીલુહાણ હાલતમાં વિદ્યાર્થીનો મૃતદેહ મળી આવ્યો હતો. સ્થાનિકોએ તાત્કાલિક આ અંગે પોલીસ કંટ્રોલ રૂમ અને પરિવારને જાણ કરી હતી. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે વિદ્યાર્થીએ ફ્લેટ પરથી અગમ્ય કારણોસર કૂદકો મારીને પોતાની જીવનલીલા સંકેલી લીધી છે.
આત્મહત્યાનું કારણ અકબંધ, તપાસ શરૂ ઘટનાની જાણ થતાં જ સાબરમતી પોલીસ સ્ટેશનનો કાફલો તાબડતોબ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ મોકલી આપીને અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે. વિદ્યાર્થીએ પરીક્ષાના ડિપ્રેશન કે સ્ટ્રેસના કારણે આ પગલું ભર્યું છે કે પછી કોઈ અન્ય અંગત કારણ જવાબદાર છે, તેનો ખુલાસો હજુ સુધી થઈ શક્યો નથી. ઘટનાસ્થળેથી કોઈ સુસાઈડ નોટ મળી છે કે કેમ તે અંગે પણ પોલીસ તપાસ ચલાવી રહી છે. આ ઘટનાને પગલે સોસાયટીના રહીશો અને અન્ય વિદ્યાર્થીઓમાં ભારે શોકનો માહોલ વ્યાપી ગયો છે.
વડોદરા શહેરને નશામુક્ત બનાવવા માટે પોલીસ કમિશનર નરસિંહમ કોમારે ડ્રગ્સ વિરોધી અભિયાનને વધુ અસરકારક બનાવવા નવી રણનીતિ અમલમાં મૂકી છે. યુવા પેઢીને નશાની લતથી બચાવવા માટે સર્ચ, સીઝર, તપાસ અને ચાર્જશીટ સુધીની સમગ્ર પ્રક્રિયા અંગે પોલીસ અધિકારીઓ અને સ્ટાફને વિશેષ તાલીમ આપવામાં આવી છે.
પ્રતાપનગર સ્થિત પોલીસ તાલીમ કેન્દ્ર ખાતે “નશામુક્ત વડોદરા અભિયાન” અંતર્ગત યોજાયેલી વર્કશોપમાં સંયુક્ત પોલીસ કમિશનર નિલેશ જાજડિયા, સેક્ટર હેડ ડો. સુધીર દેસાઈ સહિત તમામ ઝોનના ડીસીપી, એસીપી, પોલીસ ઇન્સ્પેક્ટર અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.
પોલીસ કમિશનર નરસિંહમ કોમારે જણાવ્યું હતું કે NDPS એક્ટ હેઠળના ગુનાઓમાં માત્ર કેસ નોંધવો પૂરતો નથી, પરંતુ સર્ચ, સીઝર, પુરાવા એકત્ર કરવાથી લઈને કોર્ટમાં ટકી શકે તેવી મજબૂત ચાર્જશીટ તૈયાર કરવી પણ એટલી જ જરૂરી છે. આ હેતુસર તમામ પોલીસ મથકોમાં ખાસ “NDPS ટીમ” બનાવવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.
વર્કશોપ દરમિયાન અધિકારીઓને NDPS એક્ટની વિવિધ કલમોની સમજ, કેસ સ્ટડી, ટેકનિકલ અને ડિજિટલ પુરાવા એકત્ર કરવાની પદ્ધતિ તેમજ તપાસમાં થતી સામાન્ય ભૂલો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ડ્રગ્સ નેટવર્કની કડીઓ સુધી પહોંચવા અને સપ્લાય ચેઇન તોડવા માટે પ્રોએક્ટિવ પોલીસિંગ પર ભાર મૂકવામાં આવ્યો હતો.
પોલીસ કમિશનરે વધુમાં જણાવ્યું કે ડ્રગ્સ સામેની લડત માત્ર કાયદાકીય કાર્યવાહી સુધી મર્યાદિત નહીં રહે. શાળા-કોલેજોમાં જાગૃતિ કાર્યક્રમો, યુવાનો સાથે સીધો સંવાદ અને સમાજના વિવિધ વર્ગોને જોડીને નશા વિરોધી અભિયાનને વ્યાપક બનાવવામાં આવશે.
આંકડાઓ મુજબ, વર્ષ 2025 દરમિયાન વડોદરા શહેરમાં NDPS એક્ટ હેઠળ કુલ 42 ગુનાઓ નોંધાયા હતા, જ્યારે વર્ષ 2026માં અત્યાર સુધી 11 ગુનાઓ નોંધાયા છે. પોલીસનું માનવું છે કે તાલીમબદ્ધ NDPS ટીમો અને સુનિયોજિત કાર્યવાહી દ્વારા ડ્રગ્સ સંબંધિત પ્રવૃત્તિઓ પર વધુ અસરકારક નિયંત્રણ મેળવી શકાશે.
પોલીસ તંત્રના જણાવ્યા મુજબ, ડ્રગ્સના વધતા જોખમ સામે કડક અમલવારી સાથે જનજાગૃતિ બંનેને સમાન મહત્વ આપવામાં આવશે જેથી યુવા પેઢીને નશાની ગર્તામાં ધકેલાતી અટકાવી શકાય.
સુરતના ગોડાદરા પોલીસ સ્ટેશનમાં રોકાણ પર નફાની લાલચ આપી લાખો રૂપિયાની છેતરપિંડી કરવાના આરોપસર એક વ્યક્તિ સામે ગુનો નોંધવામાં આવ્યો છે. ફરિયાદી પાસેથી લીધેલી રકમ પરત ન આપતા પોલીસે ભારતીય ન્યાય સંહિતા (BNS)-2023 હેઠળ કાર્યવાહી શરૂ કરી છે.
ફરિયાદી સુશીલકુમાર બંશીધર શર્મા (ઉ.વ. 41), દેવધ ગામ સ્થિત આનંદી હાઇટ્સમાં રહે છે અને પુજારી તરીકે કાર્ય કરે છે. તેમની ફરિયાદ મુજબ, આરોપી શેખર જુગલકિશોર શર્મા, જે એસ.એસ. ગ્રેનિટો સ્ટોનવર્લ્ડ પ્રા. લિ.ના ડાયરેક્ટર હોવાનું જણાવાય છે, તેણે માર્બલના વ્યવસાયમાં રોકાણ કરવાથી સારો નફો મળશે તેવી લોભામણી વાતો કરી હતી.
ફરિયાદ અનુસાર, 20 ઓક્ટોબર 2024થી 4 મે 2025 દરમિયાન આરોપીએ ફરિયાદી પાસેથી કુલ ₹6,16,000 રોકાણ તરીકે મેળવ્યા હતા. જોકે બાદમાં માત્ર ₹1,45,000 પરત આપ્યા હતા અને બાકીના ₹4,71,000 પરત આપ્યા નહોતા.
ફરિયાદમાં વધુમાં જણાવાયું છે કે રૂપિયા પરત માંગતા આરોપીએ ગાળો આપી હતી અને અંદાજે એક મહિના અગાઉ પોતાનું મકાન ખાલી કરીને અન્યત્ર ચાલ્યો ગયો હતો. જેના કારણે પોતાની સાથે નાણાકીય છેતરપિંડી થઈ હોવાની ફરિયાદી દ્વારા પોલીસમાં રજૂઆત કરવામાં આવી છે.
આ મામલે ગોડાદરા પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 318(4) અને 352 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. કેસની તપાસ એએસઆઈ ચેતનભાઈ બટુકભાઈ કરી રહ્યા છે. પોલીસે આરોપી અને તપાસ દરમિયાન સામે આવનારા અન્ય સંડોવાયેલા વ્યક્તિઓની ભૂમિકા અંગે તપાસ શરૂ કરી છે.