Home Blog Page 5

600મા ટેસ્ટમાં ભારતનો ધમાકો! ગોલમાં શ્રીલંકાને 165 રને હરાવ્યું, માનવ સુથારનો 10 વિકેટનો કહેર

0

ભારતના ક્રિકેટ ઇતિહાસનો 600મો ટેસ્ટ યાદગાર બની ગયો છે. ગોલમાં શ્રીલંકા સામેની પ્રથમ ટેસ્ટમાં શુભમન ગિલની ટીમે યજમાનને 165 રને હરાવીને બે મેચની શ્રેણીમાં 1-0ની લીડ મેળવી હતી. મેચનો સૌથી મોટો હીરો બન્યો 24 વર્ષીય ડાબોડી સ્પિનર માનવ સુથાર, જેણે બંને ઈનિંગ્સમાં મળીને 10 વિકેટ ઝડપી ભારતને શાનદાર જીત અપાવી હતી. બીજી ઈનિંગ્સમાં તેણે 55 રનમાં 6 વિકેટ ઝડપી શ્રીલંકાની આખી બેટિંગ લાઇન-અપ તોડી નાખી હતી.

ભારતે પ્રથમ ઈનિંગમાં 462 રનનો મજબૂત સ્કોર ઊભો કર્યો હતો. દેવદત્ત પડિક્કલે શાનદાર 167 રન ફટકારી પોતાની પ્રથમ ટેસ્ટ સદી ઉપરાંત મોટી ઈનિંગ રમી હતી. કે.એલ. રાહુલે 82 અને ધ્રુવ જુરેલે 51 રનનું યોગદાન આપ્યું હતું. જવાબમાં શ્રીલંકાની પ્રથમ ઈનિંગ 284 રનમાં સમેટાઈ હતી, જેના કારણે ભારતને 178 રનની મહત્વપૂર્ણ લીડ મળી હતી.

ભારતે બીજી ઈનિંગમાં 193 રન બનાવ્યા અને શ્રીલંકા સામે 372 રનનું લક્ષ્યાંક મૂક્યું હતું. ઋષભ પંતે 66, પડિક્કલે 44 અને રાહુલે 35 રન બનાવ્યા હતા. શ્રીલંકાએ પાંચમા દિવસે 84/4થી આગળ રમત શરૂ કરી હતી, પરંતુ માનવ સુથાર અને ભારતીય બોલિંગ આક્રમણ સામે ટકી શક્યું નહીં. આખી શ્રીલંકન ટીમ 206 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. સુથાર સિવાય પ્રસિદ્ધ કૃષ્ણાએ બે અને રવિન્દ્ર જાડેજા તથા મોહમ્મદ સિરાજે એક-એક વિકેટ લીધી હતી.

શ્રીલંકા તરફથી સોનલ દિનુષાએ 84 અને કેપ્ટન ધનંજય ડી સિલ્વાએ 59 રન બનાવી સંઘર્ષ કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ લક્ષ્યાંક ઘણો મોટો હતો. ભારતની જીતમાં દેવદત્ત પડિક્કલના 167 અને 44 રનની ઈનિંગ્સ બદલ તેમને પ્લેયર ઓફ ધ મેચ પસંદ કરવામાં આવ્યા હતા.

માનવ સુથાર માટે આ માત્ર બીજી ટેસ્ટ મેચ હતી. જૂનમાં અફઘાનિસ્તાન સામે ટેસ્ટ ડેબ્યૂ કર્યા બાદ તેણે ગોલમાં પોતાની ક્ષમતા સાબિત કરી છે. હવે બીજી ટેસ્ટ 23 ઓગસ્ટથી કોલંબોમાં રમાશે, જ્યાં ભારત શ્રેણી જીતવાનો પ્રયાસ કરશે.

સુનિતાએ કેમ લીધી ડિવોરસની અરજી પાછી? ગોવિંદા-સુનિતાના સંબંધમાં આવ્યો ટ્વિસ્ટ

બોલિવૂડના દિગ્ગજ અભિનેતા ગોવિંદા અને સુનિતા અહુજાના સંબંધોને લઈને લાંબા સમયથી ચાલી રહેલી અટકળો વચ્ચે હવે મોટો વળાંક આવ્યો છે. સુનિતાએ ગોવિંદા સામે દાખલ કરેલી છૂટાછેડાની અરજી પાછી ખેંચી લીધી હોવાની પુષ્ટિ અભિનેતાના મેનેજર શશી સિંહાએ કરી છે. તેમણે આ સમાચારને “ખુશીની વાત” ગણાવી અને સ્પષ્ટ કહ્યું કે બંને વચ્ચે હવે કોઈ અલગાવ નથી રહ્યો.

શશી સિંહાના જણાવ્યા પ્રમાણે, સુનિતાએ પોતાનો નિર્ણય બદલીને કેસ પાછો ખેંચ્યો છે. તેમણે કહ્યું કે અગાઉ જે કંઈ કહેવામાં આવ્યું હતું તે તે સમયની પરિસ્થિતિ અને લાગણીઓના કારણે હતું. હવે મામલો ભૂતકાળ બની ગયો છે અને પરિવાર માટે આ સારો નિર્ણય છે. જોકે, તેમણે અફસોસ વ્યક્ત કર્યો કે દંપતીની અંગત વાત જાહેર ચર્ચાનો વિષય બની ગઈ છે.

રિપોર્ટ્સ અનુસાર, સુનિતાએ 5 ડિસેમ્બર 2024ના રોજ મુંબઈની બાંદ્રા ફેમિલી કોર્ટમાં અરજી દાખલ કરી હતી. અરજીમાં હિંદુ મેરેજ એક્ટ, 1955ની કલમ 13(1)(i), 13(1)(ia) અને 13(1)(ib) હેઠળ વ્યભિચાર, ક્રૂરતા અને ત્યાગને આધાર બનાવવામાં આવ્યા હતા. આ મામલો 2025માં જાહેર ચર્ચામાં આવ્યો હતો.

છેલ્લા કેટલાક દિવસોમાં ગોવિંદા અને સુનિતા ફરી વિવાદના કેન્દ્રમાં આવ્યા હતા. સુનિતાએ ગોવિંદાની આગામી ફિલ્મ ‘રૂપા’ની સહ-અભિનેત્રી કોમલ રાણી સ્વર્ણકાર સાથેની નિકટતા અંગે જાહેરમાં ટિપ્પણી કરી હતી. ગોવિંદાએ પણ જવાબ આપતાં સુનિતાને પોતાના નિવેદનો અંગે મર્યાદામાં રહેવાની સલાહ આપી હતી.

જોકે, હવે છૂટાછેડાની અરજી પાછી ખેંચાતા બંનેના સંબંધોમાં સમાધાનની શક્યતા વધુ મજબૂત બની છે. થોડા સમય પહેલાં પણ બંને તરફથી સંબંધ સુધરવાના સંકેતો મળ્યા હતા.

ધર્મ નહીં, જીવન મોટું! અમદાવાદમાં હિંદુ-મુસ્લિમ પરિવારોના અનોખા કિડની સ્વેપથી બે દર્દીઓને નવી જિંદગી

અમદાવાદમાં માનવતાની એવી કહાની સામે આવી છે, જેમાં ધર્મની ઓળખ પાછળ રહી ગઈ અને બે પરિવારો એકબીજાના દર્દીઓ માટે જીવનદાતા બન્યા હતા. સ્ટર્લિંગ હોસ્પિટલમાં થયેલા અનોખા ‘ઇન્ટરફેઇથ કિડની સ્વેપ ટ્રાન્સપ્લાન્ટ’માં એક હિંદુ મહિલાએ મુસ્લિમ દર્દીને પોતાની કિડની દાન કરી, જ્યારે મુસ્લિમ મહિલાએ હિંદુ દર્દીને કિડની આપી હતી. આ સફળ ટ્રાન્સપ્લાન્ટ બાદ બંને દર્દીઓને નવી જિંદગી મળી છે.

મળતી માહિતી મુજબ, અમદાવાદના ચાંદખેડામાં રહેતા હિંદુ દર્દીની કિડનીની સારવાર ચાલી રહી હતી. બીજી તરફ ઉદયપુરના મુસ્લિમ પરિવારના દર્દીને પણ કિડની ટ્રાન્સપ્લાન્ટની જરૂર હતી. બંને દર્દીઓના પોતાના પરિવારના સંભવિત ડોનર તબીબી રીતે સીધા ટ્રાન્સપ્લાન્ટ માટે યોગ્ય ન હોવાથી, તપાસ અને યોગ્ય મેચિંગ બાદ બંને પરિવારો વચ્ચે કિડની સ્વેપની પ્રક્રિયા હાથ ધરાઈ હતી.

હિંદુ દર્દી ઘનશ્યામભાઈએ મીડિયાને જણાવ્યું હતું કે તેઓ લાંબા સમયથી કિડનીની બીમારીથી પીડાતા હતા અને ડાયાબિટીસના કારણે તેમની કિડનીની કાર્યક્ષમતા ગંભીર રીતે ઘટી ગઈ હતી. ડાયાલિસિસ બાદ ટ્રાન્સપ્લાન્ટ જ તેમની માટે મુખ્ય વિકલ્પ રહ્યો હતો. મુસ્લિમ પરિવાર તરફથી કિડની મળવા અંગે તેમને કોઈ સંકોચ ન હતો. બીજી તરફ મુસ્લિમ મહિલા ડોનરે પણ આ નિર્ણયને બંને પરિવારો માટે આશીર્વાદ ગણાવ્યો.

ટ્રાન્સપ્લાન્ટ સર્જન ડો. કેતન શુક્લા અને સિનિયર કન્સલ્ટન્ટ ડો. જાવેદ વકીલના માર્ગદર્શન હેઠળ આ પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ થઈ હતી. સ્ટર્લિંગ હોસ્પિટલ અમદાવાદમાં કિડની ટ્રાન્સપ્લાન્ટ અને ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટની વિશેષ સેવાઓ ઉપલબ્ધ છે.

આ ઘટના માત્ર તબીબી સફળતા પૂરતી નથી. બે અલગ ધર્મના પરિવારો વચ્ચેનો વિશ્વાસ અને જીવન બચાવવાની ભાવના સમાજને એકતા, સહઅસ્તિત્વ અને માનવતાનો મજબૂત સંદેશ આપે છે.

Zepto યુઝર્સને ઝટકો! ફ્રી ડિલિવરી માટે હવે આટલા રૂપિયાનો ઓર્ડર ફરજિયાત

0

Zepto પરથી માત્ર એકાદ-બે જરૂરી વસ્તુઓ મંગાવવાની ટેવ ધરાવતા ગ્રાહકો માટે હવે બિલ થોડું વધી શકે છે. કંપનીએ ફ્રી ડિલિવરી મેળવવા માટેની ન્યૂનતમ ઓર્ડર વેલ્યુ ₹149થી વધારીને ₹199 કરી છે. એટલે કે હવે નાની ખરીદી પર ડિલિવરી ચાર્જ ટાળવા ગ્રાહકોએ વધુ વસ્તુઓ કાર્ટમાં ઉમેરવી પડી શકે છે. માર્ચ 2026ના અહેવાલો અનુસાર, Zepto અગાઉ ₹149ની મર્યાદા પર આવી ગયું હતું અને ત્યારબાદ ₹199ના થ્રેશોલ્ડ તરફ વધ્યું હતું.

આ બદલાવથી Zeptoની ફ્રી ડિલિવરી મર્યાદા Blinkit જેવી સેવાઓની ₹199 આસપાસની મર્યાદા સાથે આવી ગઈ છે. ખાસ કરીને પીક અવર્સ અથવા વધુ માંગના સમયગાળામાં Zepto કેટલીક જગ્યાએ ફ્રી ડિલિવરી માટેની મર્યાદા ₹299 સુધી વધારી શકે છે. કંપનીએ આ મોડલને રિયલ-ટાઈમ ડિમાન્ડ સાથે જોડવાનું શરૂ કર્યું છે, જેનો હેતુ ડિલિવરી ખર્ચ અને ઓર્ડર દીઠ આવક વચ્ચે વધુ સારું સંતુલન બનાવવાનો છે.

ક્વિક-કોમર્સ ક્ષેત્રમાં હવે ગ્રાહકોની સંખ્યા સાથે ઓર્ડરનો કદ અને નફાકારકતા પણ મહત્વના બની રહ્યા છે. Datum Intelligenceના Q4 FY26 ડેટા મુજબ Blinkitના સરેરાશ દૈનિક ઓર્ડર લગભગ 30.4 લાખ અને Zeptoના 23.3 લાખ હતા, જ્યારે Instamartના આશરે 12.5 લાખ ઓર્ડર નોંધાયા હતા.

બીજી તરફ, Zeptoનું IPO પણ ચર્ચામાં છે. કંપનીએ હાલ લિસ્ટિંગની યોજના મુલતવી રાખી છે અને 2-3 ક્વાર્ટર બાદ અપડેટેડ નાણાકીય આંકડા સાથે ફરીથી પ્રક્રિયા શરૂ કરવાની તૈયારી દર્શાવી છે. રોકાણકારોના અંદાજ મુજબ કંપનીનું IPO વેલ્યુએશન આશરે $2.5-3 અબજ સુધી આવી ગયું હતું, જે અગાઉના લગભગ $7 અબજના વેલ્યુએશન કરતાં ઘણું ઓછું છે.

આ સમગ્ર ફેરફાર દર્શાવે છે કે ક્વિક-કોમર્સ કંપનીઓ હવે માત્ર ઝડપથી ઓર્ડર વધારવા કરતાં દરેક ઓર્ડરમાં ખર્ચ અને આવકનું ગણિત વધુ કડક રીતે જોઈ રહી છે.

મધરાતે હોટલ બની મોતનું ઘર! ભીષણ આગમાં 9નાં મોત, 6 ઘાયલ

0

ઊંઘમાં જ ધુમાડાએ ગૂંગળાવી નાખ્યા અને બચવાનો મોકો પણ ન મળ્યો! પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં મંગળવારે મોડી રાત્રે લગભગ 2 વાગ્યે મિર્ઝા ગાલિબ સ્ટ્રીટ-ફ્રી સ્કૂલ સ્ટ્રીટ વિસ્તારમાં આવેલી હોટલમાં આગ લાગતા એક બાળક સહિત ઓછામાં ઓછા 9 લોકોના મોત થયા હતા, જ્યારે 6 લોકો ઘાયલ થયા હતા.

આગ લાગી ત્યારે હોટલના મોટાભાગના મહેમાનો ઊંઘમાં હતા. આગ સાથે ફેલાયેલા ગાઢ ધુમાડાના કારણે અનેક લોકો રૂમમાં જ ફસાઈ ગયા હતા અને ગૂંગળામણથી સ્થિતિ ગંભીર બની હતી. ફાયર બ્રિગેડ અને પોલીસની ટીમોએ તાત્કાલિક રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કરીને હોટલમાંથી અનેક લોકોને બહાર કાઢ્યા હતા. કેટલાક લોકોને બારીઓ તોડી બહાર લાવવામાં આવ્યા હતા. અહેવાલો અનુસાર લગભગ 28થી વધુ લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા.

મૃતકોમાં મહિલાઓ, પુરુષો અને એક બાળકનો સમાવેશ થયા હોવા સાથેજ કેટલાક મૃતકો બાંગ્લાદેશી નાગરિક હોવાનું અહેવાલોમાં જાણવા મળી રહ્યું છે. તેઓ સારવાર માટે કોલકાતા આવ્યા હોવાનું જાણવા મળે છે. જોકે, તમામ મૃતકોની નાગરિકતા અંગે સત્તાવાર રીતે સંપૂર્ણ વિગતો હજુ જાહેર થવાની બાકી છે.

આગ કયા કારણોસર લાગી તે અંગે તપાસ ચાલી રહી છે. પ્રાથમિક રીતે શોર્ટ સર્કિટની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે, પરંતુ સત્તાવાર કારણ તપાસ પૂર્ણ થયા બાદ જ સ્પષ્ટ થશે. આ ઘટના બાદ શહેરમાં હોટલોના ફાયર સેફ્ટી ધોરણો અંગે ફરી ગંભીર સવાલો ઊભા થયા છે.

વડોદરા હોટેલમાં યુવકનું રહસ્યમય મોત: ડેટિંગ એપ પર મળેલા યુવક સાથે હોટેલ પહોંચ્યો હતો યુવક

વડોદરાના દાંડિયાબજાર વિસ્તારમાં આવેલી એક હોટેલમાં 29 વર્ષીય યુવકનું રહસ્યમય સંજોગોમાં મોત થતાં અનેક સવાલો ઊભા થયા છે. યુવક એક અન્ય વ્યક્તિ સાથે હોટેલમાં રોકાયો હતો અને પ્રાથમિક તપાસમાં બંને વચ્ચે ગે ડેટિંગ એપ તથા વોટ્સએપ મારફતે સંપર્ક થયો હોવાનું સામે આવ્યું છે.

મળતી માહિતી મુજબ, પાણીગેટ વિસ્તારમાં રહેતો 29 વર્ષીય ગુલામ મુસ્તફા ખુરશીદ અહેમદ નૈયર ભાયલીના એક યુવક સાથે દાંડિયાબજારની હોટેલ વિન્ટેજ ઈનમાં ગયો હતો. બંનેને શરૂઆતમાં રૂમ નંબર 304 આપવામાં આવ્યો હતો. જોકે, મોડી રાત્રે વીજ પુરવઠામાં ખામી સર્જાતા તેમને રૂમ નંબર 302માં ખસેડવામાં આવ્યા હતા.

ત્યારબાદ રૂમના શૌચાલયમાં યુવક પડી ગયો હોવાની માહિતી સામે આવી હતી. ઘટનામાં ગુલામ મુસ્તફાનું મોત નીપજ્યું હતું. મૃતકના સાથીએ જ હોટેલ સ્ટાફ અને પોલીસને જાણ કરી હતી. યુવકે કોઈ નશીલા પદાર્થનું સેવન કર્યું હતું કે નહીં તે અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે.

ઘટનાની જાણ થતાં ACP અશોક રાઠવા સહિત રાવપુરા પોલીસનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપ્યો છે. મૃતક સાથે રહેલા યુવકને કસ્ટડીમાં લઈને પૂછપરછ કરવામાં આવી રહી છે.

હાલ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. મોતનું ચોક્કસ કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ સ્પષ્ટ થશે. ઘટનાની જાણ થતાં રાવપુરા પોલીસે તપાસ શરૂ કરી હતી.

Video: યુવકને કૂતરાનો માસ્ક પહેરાવીને નગરપાલિકા કચેરી પહોંચ્યા વિપક્ષના નેતા, જનતાની સમસ્યાને લઈને અનોખો વિરોધ નોંધાવ્યો

0

મધ્યપ્રદેશના ખંડવામાં મંગળવારે યોજાયેલી જનસુનાવણી દરમિયાન એક અનોખું દૃશ્ય જોવા મળ્યું હતું. સામાન્ય અરજદારોની વચ્ચે એક યુવક કૂતરાની કોસ્ટ્યુમ પહેરીને કલેક્ટર કચેરી પહોંચતા લોકોનું ધ્યાન તેની તરફ ખેંચાયું હતું. ઘણા લોકોએ તેના ફોટા અને વીડિયો પણ બનાવ્યા હતા. જોકે, આ અનોખા વિરોધ પાછળ શહેરમાં વધતી આવારા શ્વાનોની સમસ્યા અને ડોગ બાઇટના બનાવો સામેનો ગંભીર મુદ્દો જોડાયેલો હતો.

ખંડવા નગરનિગમના વિપક્ષના નેતા મુલ્લુ રાઠોડે આ પ્રતીકાત્મક વિરોધ નોંધાવ્યો હતો. રાઠોડના દાવા મુજબ શહેરમાં આવારા શ્વાનોની સંખ્યા સતત વધી રહી છે, જેના કારણે બાળકો, મહિલાઓ અને વૃદ્ધોમાં ભયનો માહોલ સર્જાયો છે. તેમણે રજૂ કરેલી ફરિયાદ અનુસાર છેલ્લા ચાર વર્ષમાં અંદાજે 13,225 લોકો કૂતરાના કરડવાના બનાવોને કારણે સારવાર માટે હોસ્પિટલ પહોંચ્યા હતા.

રાઠોડે આવારા શ્વાનોની નસબંધી યોજનાને લઈને પણ સવાલો ઉઠાવ્યા હતા. તેમના જણાવ્યા મુજબ વર્ષ 2024 દરમિયાન 3,168 શ્વાનોની નસબંધી માટે લગભગ રૂ. 33.20 લાખનો ખર્ચ કરવામાં આવ્યો હતો. આ મુજબ એક શ્વાનની નસબંધી પાછળ સરેરાશ રૂ. 1,048 જેટલો ખર્ચ દર્શાવવામાં આવ્યો હતો. તેમ છતાં શ્વાનોની સંખ્યા અને ડોગ બાઇટના બનાવોમાં કોઈ નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો નથી તેવો તેમણે આક્ષેપ કર્યો હતો.

તેમણે નસબંધી પ્રક્રિયાના ટેન્ડર, સંબંધિત કંપનીની પાત્રતા, દસ્તાવેજો અને વાસ્તવિક કામગીરીની તપાસ કરવાની માંગ કરી હતી. સાથે જ નસબંધી કરાયેલા શ્વાનોની સંખ્યા અને ઓળખચિહ્નોની ભૌતિક ચકાસણી કરીને ગેરરીતિ સાબિત થાય તો જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર સામે FIR નોંધવાની પણ માંગ કરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે 2025માં પણ મુલ્લુ રાઠોડે આવારા શ્વાનોના મુદ્દે કૂતરાના પ્રતીકાત્મક વેશ સાથે વિરોધ નોંધાવ્યો હતો. આ વખતે મામલો જનસુનાવણી સુધી પહોંચતા અધિક કલેક્ટર કાશીરામ બડોલેએ ફરિયાદની તપાસ કરાવી જરૂરી કાયદેસરની કાર્યવાહી કરવાની ખાતરી આપી છે. શહેરમાં આવારા શ્વાનોનો મુદ્દો ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે.

ભાવનગર લઠ્ઠાકાંડથી ખળભળાટ! ડુપ્લિકેટ દારૂ પીધા બાદ એકનું મોત, 4 બુટલેગર ડિટેઈન

ભાવનગરના ખરકડી ગામમાં દારૂની પાર્ટી બાદ સર્જાયેલી ઘટનાએ સમગ્ર જિલ્લામાં ચકચાર મચાવી દીધી છે. શંકાસ્પદ ડુપ્લિકેટ ‘રોયલ સ્ટેગ’ દારૂ પીધા બાદ એક યુવકનું સારવાર દરમિયાન મોત થયું હતું, જ્યારે અન્ય લોકોની તબિયત લથડતાં તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની ગંભીરતા જોતા પોલીસે નકલી દારૂના સપ્લાય સુધી પહોંચવા તપાસ તેજ કરી છે.

મળતી માહિતી મુજબ, ઘોઘા તાલુકાના ખરકડી ગામમાં 16 ઓગસ્ટની રાત્રે કેટલાક મિત્રો દારૂની પાર્ટી માટે ભેગા થયા હતા. દારૂના સેવન બાદ ઉપેન્દ્રસિંહ ગોહિલ સહિત કેટલાક લોકોને ઉલટી, ઉબકા અને અન્ય તકલીફો શરૂ થઈ હતી. ઉપેન્દ્રસિંહને સારવાર માટે સર ટી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમનું મોત થયું હતું. અન્ય અસરગ્રસ્તોની વિવિધ હોસ્પિટલોમાં સારવાર ચાલી રહી છે અને હાલ તેમની સ્થિતિ નિયંત્રણમાં હોવાનું સામે આવ્યું છે.

પોલીસની પ્રાથમિક તપાસમાં ‘રોયલ સ્ટેગ’ બ્રાન્ડની બોટલોમાં ડુપ્લિકેટ દારૂ ભરીને વેચવામાં આવતો હોવાની માહિતી સામે આવી છે. પોલીસે મુખ્ય સપ્લાયર સહિત 4થી 5 શખ્સોને અટકાયતમાં લીધા છે અને નકલી દારૂનો મોટો જથ્થો જપ્ત કર્યો હોવાનું અહેવાલોમાં જણાવાયું છે. જપ્ત કરાયેલા સેમ્પલો FSL અને વૈજ્ઞાનિક તપાસ માટે મોકલવામાં આવ્યા છે.

મૃતકના ભાઈએ દારૂમાં ઝેરી પદાર્થ હોવાની આશંકા વ્યક્ત કરી છે. જોકે, આ વાતની સત્તાવાર પુષ્ટિ હજુ થઈ નથી. ઉપેન્દ્રસિંહના મોતનું ચોક્કસ કારણ ફોરેન્સિક પોસ્ટમોર્ટમ અને FSL રિપોર્ટ બાદ જ સ્પષ્ટ થશે. પોલીસે બાકી સંડોવાયેલા લોકો તથા આ જથ્થો કોને-કોને વેચાયો તેની તપાસ શરૂ કરી છે.

આહવા-ડાંગમાં 184થી 193 હનુમંત સંકલ્પ સેન્ટરોના ભવ્ય લોકાર્પણ મહોત્સવનું આયોજન

આહવા, ડાંગ: લેન્ડમાર્ક કોર્પોરેશનના માધવજીભાઈ માંગુકિયા પરિવાર દ્વારા શ્રી રામકૃષ્ણા વેલફેર ટ્રસ્ટના ગોવિંદકાકા ધોળકિયાના સહયોગથી ડાંગના આહવા ખાતે 1111 હનુમંત સંકલ્પ યાત્રા અંતર્ગત મહાલપાડા ખાતે 192મા હનુમાન મંદિર અને હનુમંત સંકલ્પ સેન્ટરનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

શ્રી રામકૃષ્ણા વેલફેર ટ્રસ્ટ અને ગોવિંદકાકા ધોળકિયાના માર્ગદર્શન હેઠળ ડાંગના વિવિધ વિસ્તારોમાં 184થી 193 હનુમંત સંકલ્પ સેન્ટરોના લોકાર્પણ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. તા. 15 અને 16 ઓગસ્ટ, 2026 દરમિયાન આહવા તાલુકાના ગડદ, ભવાનદગડ, મહાલપાડા સહિતના વિવિધ સ્થળોએ કાર્યક્રમો યોજાયા હતા.

મહાલપાડા ખાતે 192મા હનુમંત સંકલ્પ સેન્ટરના લોકાર્પણ પ્રસંગે ઢોલ-નગારાના નાદ, નૃત્ય અને ભક્તિમય માહોલ વચ્ચે સમગ્ર કાર્યક્રમ ધામધૂમથી સંપન્ન થયો હતો. સ્થાનિક ગ્રામજનોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમમાં ભાગ લીધો હતો અને ભક્તિભાવ તથા ઉત્સાહ સાથે આ પ્રસંગની ઉજવણી કરી હતી.

આ પ્રસંગે ડાંગના પરમ પૂજ્ય પી.પી. સ્વામી, પૂજ્ય શ્રી ભક્તિબાપુ – માનવમંદિર, સાવરકુંડલા, પ્રમુખસ્થાને શ્રી સાંવરપ્રસાદ બુધિયા (ચેરમેન, સ્ટીમહાઉસ) તેમજ સમારોહના મુખ્ય મહેમાન શ્રી ભરતભાઈ દેવજીભાઈ સુખડીયા (દેવજી કન્સ્ટ્રક્શન) સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમ દરમિયાન સેવાકીય દાતા તરીકે લેન્ડમાર્ક કોર્પોરેશનના માધવજીભાઈ પટેલ, ઉષાબેન, નિલમબેન, ધ્રુવિનભાઈ, ઓ.ડી. માંગુકિયા સહિતના દાતાઓ તથા અન્ય મહાનુભાવોનું સન્માન કરવામાં આવ્યું હતું.

1111 હનુમંત સંકલ્પ યાત્રા અંતર્ગત ડાંગના વિવિધ વિસ્તારોમાં ધાર્મિક આસ્થા સાથે લોકસહભાગિતા અને સેવાભાવને પ્રોત્સાહન આપતા કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. મહાલપાડા ખાતે 192મા હનુમંત સંકલ્પ સેન્ટરના લોકાર્પણ પ્રસંગે ગ્રામજનોની મોટી હાજરી અને ઉત્સાહ વિશેષ આકર્ષણ બન્યો હતો.


PM CARES ફંડનો ડેટા જાહેર: એક વર્ષમાં ₹1,279 કરોડનો વધારો, જાણો હાલ કેટલું છે બેલેન્સ

0

PM CARES Fundમાં એક જ વર્ષમાં કરોડો રૂપિયાનો વધારો થયો છે. તાજા ઓડિટેડ હિસાબો મુજબ માર્ચ 2025 સુધીમાં ફંડનું કુલ બેલેન્સ વધીને ₹8,452.07 કરોડ થઈ ગયું છે. એક વર્ષ પહેલાં આ રકમ ₹7,173.03 કરોડ હતી. દરમિયાન ફંડમાં દાન, વ્યાજ અને રિફંડ સહિતની આવક થઈ હતી, જ્યારે ખર્ચ માત્ર ₹87.85 લાખ રહ્યો હતો.

ઓડિટેડ વિગતો પ્રમાણે ફંડની કુલ રકમમાંથી લગભગ 92.8 ટકા એટલે કે ₹7,846.66 કરોડ શેડ્યૂલ્ડ બેંકોમાં ફિક્સ્ડ ડિપોઝિટ તરીકે રાખવામાં આવ્યા હતા. 2024-25 દરમિયાન ફિક્સ્ડ ડિપોઝિટમાંથી ફંડને ₹469.38 કરોડનું વ્યાજ મળ્યું હતું. જ્યારે સેવિંગ્સ બેંક ખાતામાંથી ₹5.77 કરોડનું વ્યાજ મળ્યું હતું.

આ સમયગાળા દરમિયાન ફંડને ₹479.04 કરોડનું ઘરેલુ દાન મળ્યું હતું. વિદેશી દાન તરીકે ₹92.83 લાખ મળ્યા હતા. આ ઉપરાંત અમલીકરણ એજન્સીઓ પાસેથી ₹324.66 કરોડ રિફંડ તરીકે મળ્યા હતા. ફિક્સ્ડ ડિપોઝિટના વ્યાજ પર TDSના રિફંડ તરીકે પણ ₹13.49 લાખ મળ્યા હતા.

PM CARES Fundની સ્થાપના 27 માર્ચ 2020ના રોજ COVID-19 મહામારી જેવી કટોકટીની સ્થિતિમાં રાહત અને સહાય માટે પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ તરીકે કરવામાં આવી હતી. 2020-21માં ફંડનો મોટાપાયે ઉપયોગ કોરોના સંબંધિત કામગીરી માટે થયો હતો. આ દરમિયાન ઓક્સિજન પ્લાન્ટ, ઓક્સિજન કન્સન્ટ્રેટર, કોવિડ હોસ્પિટલ અને અન્ય તબીબી સાધનો માટે ખર્ચ કરવામાં આવ્યો હતો.

2021-22માં ફંડનું ક્લોઝિંગ બેલેન્સ ₹5,415.66 કરોડ રહ્યું હતું. ત્યારબાદ 2022-23માં તે વધીને ₹6,283.68 કરોડ અને 2023-24માં ₹7,173.03 કરોડ થયું હતું. હવે માર્ચ 2025 સુધીમાં બેલેન્સ ₹8,452.07 કરોડ પર પહોંચી ગયું છે.

આંકડાઓ દર્શાવે છે કે કોરોના મહામારી બાદ ફંડનો ખર્ચ નોંધપાત્ર રીતે ઘટ્યો છે, જ્યારે બેલેન્સમાં સતત વધારો નોંધાયો છે.