Home Blog Page 5

ગુજરાતમાં આગામી કલાકો અગત્યના! જાણો કયા 6 જિલ્લામાં રેડ એલર્ટ

0

ગુજરાતમાં ચોમાસાની બીજી ઇનિંગે આજે ફરી જોર પકડ્યું છે અને કચ્છના માંડવીમાં મેઘરાજાએ એવી તોફાની બેટિંગ કરી કે થોડા જ કલાકોમાં શહેર પાણી-પાણી થઈ ગયું છે. માંડવીમાં છેલ્લા બે કલાકમાં લગભગ 5 ઇંચ વરસાદ ખાબકતાં બજારો અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે, જ્યારે નદી-નાળાં બે કાંઠે વહેવા લાગ્યા છે. આ ભારે વરસાદ વચ્ચે હવામાન વિભાગે તાજા Nowcastમાં આગામી કલાકો માટે કચ્છ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ અને ગીર સોમનાથમાં ભારે વરસાદની ચેતવણી આપી છે અને રેડ એલર્ટ જાહેર કર્યું છે.

આજે સવારે 6થી 10 વાગ્યા સુધીમાં રાજ્યના 42 તાલુકામાં વરસાદ નોંધાયો છે. માંડવીમાં ટૂંકા ગાળામાં પડેલા ભારે વરસાદે સ્થાનિક જનજીવનને અસર કરી છે. કચ્છ સહિત સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ સક્રિય બન્યો છે અને ભારે વરસાદને કારણે રસ્તાઓ તથા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ ઊભી થવાની શક્યતા છે.

છેલ્લા 24 કલાકના વરસાદી આંકડાઓ પર નજર કરીએ તો ગુજરાતના 259 તાલુકામાં વરસાદ નોંધાયો છે. કચ્છના અંજારમાં સૌથી વધુ 7.24 ઇંચ વરસાદ નોંધાયો હતો, જ્યારે ભાવનગરના વલ્લભીપુરમાં 6.10 ઇંચ વરસાદ પડ્યો હતો. રાજ્યના 14 તાલુકામાં 4 ઇંચથી વધુ અને 26 તાલુકામાં 3 ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો.

સોમવારે પડેલા ભારે વરસાદની અસર અમદાવાદ સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં જોવા મળી હતી. અમદાવાદમાં રસ્તાઓ અને અંડરપાસમાં પાણી ભરાતા વાહનવ્યવહારને અસર થઈ હતી. IMDના 15 સપ્ટેમ્બરના આગાહી અપડેટ મુજબ શહેરમાં આજે સામાન્ય રીતે વાદળછાયું વાતાવરણ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે, જ્યારે વરસાદની તીવ્રતા બુધવારથી ઘટવાની શક્યતા દર્શાવવામાં આવી છે.

સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદી સિસ્ટમ સક્રિય રહેવાની શક્યતા વચ્ચે સ્થાનિક સ્તરે ભારે વરસાદના ઝાપટાં પડી શકે છે. IMD આધારિત આગાહીમાં 15 સપ્ટેમ્બરે જામનગર, પોરબંદર, જૂનાગઢ, દેવભૂમિ દ્વારકા અને કચ્છ સહિતના વિસ્તારોમાં રેડ અલર્ટ દર્શાવવામાં આવી છે.બીજી તરફ દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદની શક્યતા યથાવત્ છે. IMD આધારિત આગાહીમાં સુરત સહિત દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં યેલ્લો એલર્ટ સાથે ભારે વરસાદની સંભાવના દર્શાવવામાં આવી છે.

ભારે વરસાદ બાદ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવા અને અચાનક પૂરની સ્થિતિનું જોખમ પણ રહે છે.હાલની સ્થિતિને જોતા કચ્છ અને સૌરાષ્ટ્રના અસરગ્રસ્ત વિસ્તારોમાં લોકોએ બિનજરૂરી મુસાફરી ટાળવી, નીચાણવાળા વિસ્તારોમાં સતર્ક રહેવું અને તંત્ર તથા હવામાન વિભાગની નવી સૂચનાઓ પર નજર રાખવી જરૂરી છે. આજે 15 સપ્ટેમ્બરે વરસાદી સિસ્ટમ સક્રિય હોવાથી આગામી કલાકો સ્થાનિક વિસ્તારો માટે મહત્વપૂર્ણ બની શકે છે.

ટ્રોફી ન સ્વીકાર્યા બાદ શું હતું મોહસિન નકવીનું રિએક્શન? BCCI અધિકારીએ કર્યો મોટો ખુલાસો

0

ભારતીય મહિલા ટીમે શ્રીલંકાને હરાવીને એશિયા કપનો ખિતાબ જીત્યો, પરંતુ મેચ બાદ ટ્રોફી સેરેમની કરતાં એક સવાલ વધુ ચર્ચામાં રહ્યો—મોહસિન નકવી પાસેથી ટ્રોફી લેવાનો ઇનકાર કર્યા બાદ તેમનું રિએક્શન શું હતું? હવે BCCIના ઉપાધ્યક્ષ રાજીવ શુક્લાએ આ સમગ્ર ઘટનાને લઈને મહત્વનો ખુલાસો કર્યો છે.

રાજીવ શુક્લાએ જણાવ્યું કે BCCIમાં આ મુદ્દે ચર્ચા કર્યા બાદ સામૂહિક રીતે નિર્ણય લેવામાં આવ્યો હતો કે ભારતીય ટીમ નકવીના હાથેથી ટ્રોફી સ્વીકારશે નહીં. ખાસ વાત એ છે કે શુક્લાના જણાવ્યા મુજબ, નકવીએ આ નિર્ણય સામે કોઈ વાંધો વ્યક્ત કર્યો નહોતો. તેમણે કહ્યું કે ભારતીય ટીમને પણ અગાઉથી આ નિર્ણયની જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ નકવી જરૂરી ઔપચારિકતા પૂર્ણ કરીને ત્યાંથી નીકળી ગયા હતા.

આ પહેલાં BCCI સેક્રેટરી દેવજીત સૈકિયાએ પણ સ્પષ્ટ કર્યું હતું કે ટ્રોફી સેરેમની અંગે ભારતીય બોર્ડનું વલણ ACCને પહેલેથી જ જણાવી દેવામાં આવ્યું હતું. એટલે આ નિર્ણય અચાનક લેવાયો નહોતો, પરંતુ અગાઉથી નક્કી કરવામાં આવ્યો હતો.

ફાઇનલ દરમિયાન સૈકિયા અને નકવી વચ્ચે વાતચીતના ફોટા સામે આવ્યા બાદ પણ સવાલો ઉઠ્યા હતા. તેના પર રાજીવ શુક્લાએ કહ્યું કે બંને વચ્ચેની વાતચીત સામાન્ય અને વ્યાવસાયિક હતી. મેચ દરમિયાન હાજર અધિકારીઓ એકબીજા સાથે વાત કરે તે સ્વાભાવિક છે અને તેને લઈને અનાવશ્યક ટીકા કરવાની જરૂર નથી.

ટ્રોફી વિવાદ વચ્ચે એક વાત સ્પષ્ટ છે કે ભારતીય ટીમે નકવી પાસેથી ટ્રોફી સ્વીકારી નહોતી, પરંતુ નકવી તરફથી આ નિર્ણય સામે કોઈ વિરોધ નોંધાયો નહોતો.

“મિચ્છામી દુક્કડમ” ક્ષમા માંગવા માટે નમ્રતા જોઇએ અને ક્ષમા આપવા વિશાળ હૃદય જોઇએ-શ્રેણિક વિદાણી

0

આજે સંવત્સરી એટલે મૈત્રીનું પર્વ. પર્યુષણ એ મૈત્રીનું પર્વ છે. જગતના સઘળા જીવો મારા મિત્રો છે અને તેઓએ મન, વચન, કાયાથી જરાપણ દુભાવ્યા હોય તો તેમની ક્ષમા માંગવાની વિરલ અને અજોડ પરંપરા જૈનોમાં છે. જે ક્ષમા માંગે છે અને જે ક્ષમા આપે છે તે જ આરાધક છે.

“મિચ્છામી દુક્કડમ” આ શબ્દો જૈન સંસ્કૃતિની અદભૂત આધ્યાત્મિક સંપત્તિ છે. તેનો ભાવ છે કે જાણતા કે અજાણતા, મન-વચન-કાયા થી કોઈને દુ:ખ પહોંચાડયું હોય તો ક્ષમા માંગુ છુ. અને મારા પ્રત્યે કોઈએ ભૂલ કરી હોય તો હું પણ તેને ક્ષમા કરું છું. ક્ષમા માંગવા માટે નમ્રતા જોઈએ અને ક્ષમા કરવા માટે વિશાળ હૃદય જોઈએ.

ક્ષમા વીરસ્ય ભૂષણમ. ક્ષમાં માંગવી કે ક્ષમા આપવી તેમાં બહુ વીરતા બતાવવી પડે છે. કોઈને મારપીટ કરી દેવી કે ગાળો આપવી કે ગુસ્સો કરવામાં જેટલી બહાદુરીની જરૂર છે તેના કરતાં કઈ ગણી બહાદુરી શાંત રહેવામાં, ક્ષમા આપવામાં કે સમતા રાખવામાં જોઈએ છે. પર્યુષણ પર્વનું એક જ એલાન છે. સંઘર્ષ નહીં પણ સમાધાન. આજે સમગ્ર વિશ્વમાં મિત્રતાનો ભાવ ઘટીને શત્રુતાનો ભાવ વધી રહ્યો છે. હરીફાઈ, અસંતોષ અને ઈર્ષ્યા, મહત્વકાંક્ષાના સંયોજનથી નાનકડું નિમિત્ત પણ વેરનું વાવાઝોડું ઉત્પન્ન કરી દે છે. વ્યક્તિ-વ્યક્તિ, કુટુંબ-કુટુંબ કે જ્ઞાતિ-જ્ઞાતિ વચ્ચે વર્ષોના વર્ષો સુધી વેરની આગ સળગ્યા કરે છે, તેને કોઈ શાંત કરી શકતું નથી. સિવાય કે પ્રેમના પાણીનો છંટકાવ થાય.

દુનિયા આજે યુદ્ધના ઉંબરે ઊભી છે. પરસ્પરનો વેર ભાવ ઓગાળી મૈત્રી ભાવ કેળવવાથી જ યુદ્ધની આગમાંથી ઉગરી શકાશે.

આજે આખું વિશ્વ યુધ્ધના ઊંબરે આવીને ઉભું છે પરસ્પરનો વેર ભાવ ઓગાળી મૈત્રીભાવ જ વિશ્વને યુધ્ધની આર્ગમાંથી ઉગારી શકશે

આજે નિર્ણય લેતા પહેલાં જાણી લો તમારી રાશિનું સંકેત, 15 સપ્ટેમ્બરનું રાશિફળ

🌟 15 સપ્ટેમ્બર 2026 — દૈનિક રાશિફળ

♈ મેષ: આજે કાર્યક્ષેત્રમાં નવી જવાબદારી મળી શકે છે. મહેનતનું યોગ્ય પરિણામ મળવાની શક્યતા છે. નાણાકીય બાબતોમાં સમજદારીથી નિર્ણય લેવો. પરિવાર અને જીવનસાથી સાથે વાતચીતમાં મધુરતા રાખશો તો સંબંધો વધુ મજબૂત બનશે.


♉ વૃષભ: આજે અટકેલા કામોમાં પ્રગતિ જોવા મળશે. વ્યવસાયમાં નવા સંપર્કો લાભદાયી સાબિત થઈ શકે છે. આવક વધારવાની તક મળી શકે, પરંતુ બિનજરૂરી ખર્ચ ટાળવો. પરિવાર તરફથી સહયોગ અને ખુશી મળશે.


♊ મિથુન: તમારી વાતચીત અને બુદ્ધિ આજે તમારી શક્તિ બનશે. કામકાજમાં નવી તક અથવા મહત્વપૂર્ણ સંપર્ક મળી શકે છે. નાની બાબતોમાં ઉતાવળથી નિર્ણય ન લેવો. પ્રેમજીવનમાં ખુલ્લી અને સ્પષ્ટ વાતચીતથી ગેરસમજ દૂર થશે.


♋ કર્ક: આજે આત્મવિશ્વાસમાં વધારો થશે અને મહત્વપૂર્ણ નિર્ણય લઈ શકશો. નોકરી અથવા વ્યવસાયમાં આગળ વધવાની તક મળી શકે છે. નાણાકીય સ્થિતિમાં સુધારો થવાની સંભાવના છે. પરિવારની કોઈ શુભ વાત મનને પ્રસન્ન કરશે.


♌ સિંહ: કાર્યક્ષેત્રમાં તમારી પ્રતિભા અને નેતૃત્વની પ્રશંસા થશે. નવી યોજના શરૂ કરવા માટે દિવસ અનુકૂળ છે. માન-સન્માનમાં વધારો થઈ શકે છે. સંબંધોમાં અહંકાર ટાળીને લાગણીઓને મહત્વ આપશો તો દિવસ વધુ સારો રહેશે.


♍ કન્યા: આજે આયોજન અને બુદ્ધિપૂર્વક કામ કરવાથી સારા પરિણામ મળશે. નોકરી-વ્યવસાયમાં કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લઈ શકો છો. નાણાકીય લાભની શક્યતા છે, પરંતુ બચત પર પણ ધ્યાન આપવું. અભ્યાસ અને નવી કુશળતા શીખવા માટે દિવસ સારો છે.


♎ તુલા: આજે ચંદ્ર અને શુક્રની અસરથી મન પ્રસન્ન અને સર્જનાત્મક રહેશે. પ્રેમ અને સંબંધોમાં મધુરતા વધશે. સામાજિક ક્ષેત્રે તમારી પ્રતિષ્ઠા વધવાની શક્યતા છે. નવી મુલાકાત અથવા સંપર્ક ભવિષ્યમાં લાભદાયી બની શકે છે.


♏ વૃશ્ચિક: આજે કામમાં જવાબદારી અને વ્યસ્તતા બંને વધશે. ધીરજ રાખશો તો મુશ્કેલ પરિસ્થિતિ પણ તમારા પક્ષમાં આવી શકે છે. નાણાંની લેવડદેવડમાં સાવચેતી રાખવી. કોઈ અંગત બાબત દરેક વ્યક્તિ સાથે શેર કરવાનું ટાળવું.


♐ ધન: આજે ભાગ્યનો સાથ મળવાથી અટકેલા કામ આગળ વધશે. કારકિર્દીમાં નવી દિશા અથવા તક મળી શકે છે. પ્રવાસ અથવા દૂરના સંપર્કથી લાભ થવાની શક્યતા છે. પ્રેમજીવનમાં સકારાત્મક વાતચીતથી સંબંધ વધુ મજબૂત બનશે.


♑ મકર: કાર્યક્ષેત્રમાં તમારી મહેનતનું પરિણામ ધીમે-ધીમે મળતું જશે. વડીલ અથવા અનુભવી વ્યક્તિની સલાહ ઉપયોગી સાબિત થશે. નાણાકીય બાબતમાં લાંબા ગાળાનું આયોજન કરવું. પરિવાર સાથે થોડો સમય વિતાવવાથી માનસિક શાંતિ મળશે.


♒ કુંભ: નવી યોજના અને વિચારોને અમલમાં મૂકવા માટે દિવસ અનુકૂળ છે. મિત્રો અથવા ઓળખીતાઓ દ્વારા કોઈ સારી તક મળી શકે છે. ખર્ચ વધવાની શક્યતા હોવાથી બજેટનું ધ્યાન રાખવું. મનની મૂંઝવણ દૂર કરવા શાંતિથી વિચાર કરવો.


♓ મીન: આજે જવાબદારીઓ વધારે લાગશે, પરંતુ ધીરજથી કામ કરશો તો સફળતા મળશે. જૂના અધૂરા કાર્યો પૂર્ણ કરવાની તક મળશે. સંબંધોમાં ગેરસમજ ટાળવા માટે સ્પષ્ટ વાતચીત કરવી. આરામ, ઊંઘ અને માનસિક શાંતિને પ્રાથમિકતા આપવી.

VIDEO:એક-બે નહીં, 1 કરોડ બંગડીઓ! બાપ્પાની આ ભવ્ય મૂર્તિ બની સૌના આકર્ષણનું કેન્દ્ર

0

ગણેશોત્સવમાં દર વર્ષે બાપ્પાને અનોખી રીતે સજાવવાની હોડ જોવા મળે છે, પરંતુ વિશાખાપટ્ટનમમાં ભગવાન ગણેશની વિશાળ મૂર્તિને ફૂલ-માળા કે લાઇટથી નહીં, પરંતુ લગભગ 1 કરોડ બંગડીઓથી સજાવવામાં આવી છે. દૂરથી જોતા બંગડીઓની આ સજાવટ મૂર્તિને એક અલગ જ ભવ્યતા આપે છે.

વિશાખાપટ્ટનમના ગાજુવાકા વિસ્તારમાં તૈયાર કરવામાં આવેલી આ ગણેશ મૂર્તિ હાલમાં ભક્તો માટે ખાસ આકર્ષણ બની છે. મૂર્તિ પર બંગડીઓનો ઉપયોગ કરીને અનોખી ડિઝાઇન બનાવવામાં આવી છે. તેના માટે પહેલા બંગડીઓને એકસાથે ગોઠવીને લાંબી લડીઓ તૈયાર કરવામાં આવે છે. ત્યારબાદ આ લડીઓને મૂર્તિના અલગ-અલગ ભાગો પર સાવધાનીપૂર્વક લગાવવામાં આવે છે.

આ કામ દેખાવમાં જેટલું સુંદર છે, એટલું જ મહેનતભર્યું પણ છે. અનેક લોકો સાથે મળીને બંગડીઓ ગોઠવવાથી લઈને તેને મૂર્તિ પર લગાવવાનું કામ કરી રહ્યા છે. આખી સજાવટ પૂર્ણ થયા બાદ બાપ્પાની પ્રતિમા વધુ ભવ્ય અને આકર્ષક દેખાઈ રહી છે.

ગણેશ ચતુર્થી નિમિત્તે દેશભરમાં ભવ્ય પંડાલો અને વિવિધ થીમ આધારિત મૂર્તિઓ તૈયાર કરવામાં આવી છે. તેમાં વિશાખાપટ્ટનમની 1 કરોડ બંગડીઓથી સજાવાયેલી ગણેશ મૂર્તિએ પોતાની અનોખી થીમને કારણે લોકોનું ખાસ ધ્યાન ખેંચ્યું છે.

આ સજાવટ પાછળ આયોજનકર્તાઓની લાંબા સમયથી ચાલી રહેલી મહેનત જોવા મળે છે. બાપ્પાની આ અનોખી ઝલકના વીડિયો પણ સોશિયલ મીડિયા પર લોકોમાં ચર્ચાનો વિષય બન્યા છે.

બંધ બંગલામાં ઘૂસવું પડ્યું ભારે, સ્ટીલની ગ્રીલમાં ફસાયો ચોર

સુરતમાં ચોરી કરવા ગયેલા એક શખ્સ સાથે એવું બન્યું કે તે ઘરમાંથી કંઈ લઈ જાય તે પહેલાં જ મુશ્કેલીમાં ફસાઈ ગયો! નાના વરાછાની રાજારામ નગર સોસાયટીમાં એક બંધ બંગલામાં ઘૂસવાનો પ્રયાસ કરતી વખતે યુવક સ્ટીલની ગ્રીલમાં ફસાઈ ગયો હતો. બાદમાં આસપાસના લોકો એકઠા થયા હતા અને યુવકની આકરી સરભરા કરવામાં આવી હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

વાયરલ વીડિયોમાં એક અજાણ્યો યુવક મકાનની બારીની સ્ટીલની ગ્રીલ વચ્ચે ફસાયેલો જોવા મળે છે. તે બહાર નીકળવા માટે પ્રયાસ કરતો હતો પરંતુ ગ્રીલમાંથી બહાર આવી શકતો નહતો. દરમિયાન ત્યાં લોકો ભેગા થઈ ગયા હતા અને યુવક સાથે મારપીટ કરતા જોવા મળે છે. આ વીડિયો સામે આવતા ઘટનાની ચર્ચા શરૂ થઈ હતી.
ઘટનાનો વીડિયો વાયરલ થતાં કાપોદ્રા પોલીસ પણ તપાસમાં લાગી હતી.

પોલીસ તપાસ દરમિયાન યુવકને કસ્ટડીમાં લેવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. જોકે, તેની ઓળખ અને ઘટનાની સમગ્ર પૃષ્ઠભૂમિ અંગે પોલીસ તપાસ આગળ ધપાવી રહી છે.

આ ઘટનાને લઈને ખાસ ચર્ચા એ છે કે ચોરીના ઇરાદે ઘૂસવાનો પ્રયાસ કરનાર શખ્સ પોતે જ બારીની ગ્રીલમાં ફસાઈ ગયો અને આખરે લોકોની નજરે ચડી ગયો હતો. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોને કારણે આ મામલો વધુ ચર્ચામાં આવ્યો છે.

VIDEO: બે ટાયરવાળી બાઇક નહીં આ તો છ ટાયરવાળું અચરજ!

0

રસ્તા પર સામાન્ય બાઇક નહીં, પરંતુ છ ટાયરવાળી અજીબોગરીબ મોટરસાઇકલ દોડતી જોઈને લોકો પણ થંભી ગયા! સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ વીડિયોમાં એક યુવક જમીનથી ઊંચે બેઠેલી અનોખી બાઇકને સહેજ પણ ગભરાયા વિના ચલાવતો જોવા મળે છે. બાઇકનું આ અનોખું મોડિફિકેશન અને યુવકનું બેલેન્સ જોઈને યુઝર્સના મનમાં એક જ સવાલ ઊભો થયો છે—આટલી ઊંચાઈ પર બાઇકને કાબૂમાં રાખવી કેવી રીતે શક્ય બની?

વાયરલ વીડિયોમાં સામાન્ય દેખાતી મોટરસાઇકલને લોખંડના ઊંચા અને લાંબા સ્ટ્રક્ચર પર ફિટ કરવામાં આવી હોવાનું જોવા મળે છે. બાઇકના મૂળ બે પૈડાં ઉપરાંત નીચે વધારાના ચાર પૈડાં લગાવવામાં આવ્યા છે. આ કારણે આખી બાઇક રસ્તાથી ઘણા ફૂટ ઉપર ચાલતી દેખાય છે. સૌથી આશ્ચર્યની વાત એ છે કે યુવક આ અજોડ વાહનને રસ્તા પર આત્મવિશ્વાસ સાથે ચલાવી રહ્યો છે.

આ વીડિયો X પર પરથી શેર કરવામાં આવ્યો જેમાં પોસ્ટના કેપ્શનમાં છ ટાયરવાળી બાઇકને લઈને મજાકિયા અંદાજમાં લખવામાં આવ્યું હતું કે તેને ખૂબ દિમાગ લગાવીને બનાવવામાં આવી છે. ત્યારબાદ વીડિયો અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પણ ચર્ચામાં આવ્યો હતો.

વીડિયો વાયરલ થતાં યુઝર્સે યુવકના જુગાડ અને બેલેન્સિંગની પ્રશંસા કરી, જ્યારે કેટલાક લોકોએ આ પ્રયોગને જોખમી ગણાવ્યો હતો. ઘણા લોકોના મનમાં એ પણ સવાલ છે કે બાઇક ઊભી કરવામાં આવે ત્યારે સવાર જમીન સુધી પગ કેવી રીતે પહોંચાડતો હશે.

કરોડોની મિલકતનો વારસદાર દીકરો નહીં, વાંદરો!

0

કરોડોની મિલકતનો વારસદાર કોઈ દીકરો કે દીકરી નહીં, પરંતુ એક વાંદરો છે! રાયબરેલીના આ દંપતીએ પોતાના લાડકા ‘ચુનમુન’ માટે જે કર્યું, તેની પાછળની કહાની જાણશો તો કદાચ આંખો ભીની થઈ જશે.

રાયબરેલીના એક ઘરમાં કોઈ માણસ નહીં, પરંતુ એક વાંદરાને પરિવારના ‘દીકરા’ જેટલું સ્થાન મળ્યું હતું. તેના માટે અલગ રૂમ, ગરમીમાં AC અને શિયાળામાં હીટરની વ્યવસ્થા હતી. એટલું જ નહીં, આ દંપતીએ પોતાના લાડકા ‘ચુનમુન’ના ભવિષ્યની ચિંતા કરીને પોતાની મિલકત અને બચત તેના નામે કરવાની યોજના બનાવી હતી. તેમની આ કહાની આજે પણ લોકોનું ધ્યાન ખેંચે છે.

ઉત્તર પ્રદેશના રાયબરેલીના બ્રજેશ શ્રીવાસ્તવ અને તેમની પત્ની શબિસ્તાને સંતાન નહોતું. અહેવાલો અનુસાર, દંપતીએ વર્ષ 2004-05 દરમિયાન ચુનમુનને પોતાના ઘરમાં લાવ્યો હતો. તેની માતાના મૃત્યુ બાદ આ નાનકડા વાંદરાની સંભાળ લઈને તેને પોતાના બાળકની જેમ ઉછેરવામાં આવ્યો હતો.

ચુનમુન માટે ઘરમાં ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી. તેના રૂમમાં AC અને હીટર હતો અને તેને ખાસ ખોરાક આપવામાં આવતો હતો. વર્ષ 2010માં તેના લગ્ન ‘બિટ્ટી’ નામની માદા વાંદરી સાથે કરાવવામાં આવ્યા હોવાનું પણ અહેવાલોમાં જણાવાયું છે. લગ્નની વર્ષગાંઠે દંપતી ખાસ કાર્યક્રમ યોજાઇ છે.

દંપતીનું માનવું હતું કે ચુનમુન તેમના જીવનમાં આવ્યા બાદ તેમના વ્યવસાય અને આર્થિક સ્થિતિમાં સુધારો થયો હતો. તેને ધ્યાનમાં રાખીને તેમણે ચુનમુનના નામે ટ્રસ્ટ બનાવવાની અને ઘર, જમીન તથા બચત જેવી સંપત્તિ તેના ભવિષ્ય માટે રાખવાની યોજના બનાવી હતી. ટ્રસ્ટ દ્વારા વાંદરાઓના કલ્યાણ માટે પણ કામ કરવાની વાત કરવામાં આવી હતી.

આ કહાનીમાં સૌથી સ્પર્શી જાય તેવી વાત એ છે કે દંપતી માટે ચુનમુન માત્ર પાળતુ પ્રાણી નહોતું, પરંતુ પરિવારનો સભ્ય અને દીકરો હતો.

6 વર્ષ બાદ દિશા સાલિયાનના કેસમાં ઉદ્ધવ અને આદિત્ય ઠાકરેના નામ કેમ તપાસના દાયરામાં?

0

દિશા સાલિયાનના મોતને છ વર્ષ બાદ ફરી એકવાર મોટો વળાંક મળ્યો છે.આજે CBIએ આ મામલે FIR નોંધાવી છે. આ FIR બાદ મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે અને તેમના પુત્ર આદિત્ય ઠાકરે સહિત ડિનો મોરિયા, રિયા ચક્રવર્તી, સૂરજ પંચોલી અને અન્ય કેટલાંક લોકોના નામ તપાસના સંદર્ભમાં સામે આવ્યા છે અને આખો મામલો હવે CBIની તપાસ હેઠળ છે.

દિશા સાલિયાન દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની પૂર્વ મેનેજર હતી. 8 જૂન 2020ના રોજ મુંબઈના માલાડ વિસ્તારમાં એક ઊંચી ઇમારત પરથી પડી જવાથી તેમનું મોત થયું હતું. શરૂઆતમાં મુંબઈ પોલીસે આ ઘટનાને અકસ્માતજન્ય મૃત્યુની તપાસ તરીકે હાથ ધરી હતી. બાદમાં પરિવાર તરફથી દિશાના મોતની પરિસ્થિતિ અંગે ગંભીર સવાલો ઉઠાવવામાં આવ્યા અને વધુ તપાસની માંગ કરવામાં આવી હતી.

બોમ્બે હાઈકોર્ટે 2 સપ્ટેમ્બર 2026ના પોતાના આદેશમાં CBIને તપાસ સોંપી હતી. કોર્ટે CBIના મુંબઈ ક્ષેત્રના અધિકારીને અનુભવી અને વરિષ્ઠ તપાસ અધિકારી નિયુક્ત કરવા, દિશાના પિતા સતીશ સાલિયાનનું નિવેદન નોંધવા અને FIR દાખલ કરીને સમગ્ર ઘટનાની તપાસ કરવાનો નિર્દેશ આપ્યો હતો. કોર્ટે અગાઉની તપાસને પર્યાપ્ત ન ગણાતી હોવાનું નોંધ્યું હતું.

11 સપ્ટેમ્બરે દિશાના પિતા સતીશ સાલિયાને CBI સમક્ષ નિવેદન નોંધાવ્યું હતું. તેમના વકીલ નિલેશ ઓઝાએ મીડિયા સમક્ષ દિશા સાથે ગેંગરેપ અને હત્યા થઈ હોવાના ગંભીર આક્ષેપો કર્યા હતા અને પુરાવા સાથે ચેડાં તથા કવર-અપની પણ તપાસની માંગ કરી હતી. સતીશ સાલિયાને પોતાના નિવેદનમાં મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે અને તેમના પુત્ર આદિત્ય ઠાકરે, ડિનો મોરિયા, સૂરજ પંચોલી, રિયા અને શોવિક ચક્રવર્તી, સચિન વાઝે, પરમબીર સિંહ સહિત અનેક નામોનો ઉલ્લેખ કર્યો હોવાનું અહેવાલોમાં જણાવાયું છે.

FIRમાં પોલીસ અધિકારીઓ, ફોરેન્સિક અધિકારીઓ, ડૉક્ટરો અને અન્ય સંબંધિત લોકોનો પણ ઉલ્લેખ થયો હોવાનું અહેવાલ છે. હવે CBI ઘટનાસ્થળ, અગાઉના તપાસ રેકોર્ડ અને ઉપલબ્ધ પુરાવાઓના આધારે સમગ્ર ઘટનાક્રમની તપાસ કરશે.

CBI તપાસમાંથી શું બહાર આવે છે તેના પર હવે સૌની નજર છે.

અમદાવાદમાં તૂટી પડ્યું મકાન, કાટમાળમાંથી આટલા લોકોને બહાર કઢાયા

0

અમદાવાદના ખાડિયા વિસ્તારમાં રવિવારે બપોરે અચાનક બે માળનું જૂનું મકાન ધરાશાયી થતાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. મકાનનો કાટમાળ ધસી પડતાં ચાર લોકો તેની નીચે ફસાઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક સ્થળે પહોંચી હતી અને રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરીને કાટમાળમાં દટાયેલા તમામ ચાર લોકોને બહાર કાઢ્યા હતા. જોકે, હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવેલી 45 વર્ષીય સોનલ રાણાનું મોત થયું હતું. અન્ય ત્રણ ઇજાગ્રસ્તોની સારવાર ચાલી રહી છે.

મળતી માહિતી મુજબ, આ ઘટના ખાડિયા વિસ્તારમાં આવેલી એક સાંકડી ગલીમાં બની હતી. જૂનું બે માળનું મકાન અચાનક ધરાશાયી થતાં આસપાસના વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી. ઘટનાની ગંભીરતા જોતા ફાયર વિભાગની ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી અને કાટમાળ હટાવવાની કામગીરી શરૂ કરી હતી.

રેસ્ક્યૂ દરમિયાન ફાયરકર્મીઓએ શરૂઆતમાં બે લોકોને કાટમાળમાંથી બહાર કાઢ્યા હતા. ત્યારબાદ વધુ તપાસ અને કાટમાળ દૂર કરવાની કામગીરી કરીને બે મહિલાઓને પણ બહાર કાઢવામાં આવી હતી. બચાવાયેલા ચારેય લોકોને એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

હાદસામાં 45 વર્ષીય સોનલ રાણા, 27 વર્ષીય જાનવી રાણા, 23 વર્ષીય પાર્થ રાણા અને 42 વર્ષીય આશાબેન કાટમાળ નીચે દટાયા હતા. સોનલ રાણાને સારવાર માટે એલજી હોસ્પિટલમાં લઈ જવાયા હતા, જ્યાં તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. હોસ્પિટલના રેસિડેન્ટ મેડિકલ ઓફિસર આલાપ શાહે તેમના મૃત્યુની પુષ્ટિ કરી હતી. જાનવી રાણા, પાર્થ રાણા અને આશાબેનને ઈજાઓ થતાં તેમની સારવાર ચાલી રહી છે.

હાલ સુધી મકાન ધરાશાયી થવાનું ચોક્કસ કારણ સામે આવ્યું નથી. સંબંધિત અધિકારીઓ દ્વારા ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે. તપાસ બાદ જ મકાન અચાનક કેમ ધરાશાયી થયું તેની સત્તાવાર માહિતી સ્પષ્ટ થશે.