Home Blog Page 491

આવતીકાલે સંસદમાં રજૂ થઈ શકે છે વકફ સંશોધન બિલ, જાણો AIMIMના વડાએ શું કહ્યું

0

વક્ફ સુધારા બિલ લોકસભામાં રજૂ થાય તે પહેલાં દેશમાં રાજકારણ ગરમાયું છે. ચંદ્રબાબુ નાયડુની તેલુગુ દેશમ પાર્ટીએ કહ્યું છે કે તે વક્ફ સુધારા બિલને સમર્થન આપશે. તે પહેલાં, સરકાર અને વિપક્ષ રાજનીતિનાં મેદાનમાં પોતપોતાની ફિલ્ડિંગ ગોઠવવામાં વ્યસ્ત છે. વિપક્ષને લાગી રહ્યું છે કે આ બિલને કોઈપણ રીતે રોકવું જોઈએ, તો સરકારનો દાવો છે કે NDA ના સાથી પક્ષો ઉપરાંત, કેટલાક અન્ય પક્ષો પણ તેનું સમર્થન કરી રહ્યા છે. આ બિલને લઈને JPCની બેઠકમાં ચર્ચા થઈ હતી. જો કે ભાજપ માટે તેના સાથી પક્ષો આ અંગે ચિંતા વધારી શકે કે કેમ તે પણ એક પ્રશ્ન છે.

સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ આજે ​​આ બિલ અંગે ભાજપના લોકસભાના દંડક સાથે બેઠક કરી છે. તે જ સમયે, આ બિલ મંજૂર થાય તે પહેલાં રાજકારણમાં પણ ગરમાવો આવ્યો છે. વકફ સુધારા બિલ પર, NDA ના સાથી પક્ષ JDUપર સંસદમાં શું સ્ટેન્ડ લેશે તે બાબતે કોઇ સ્પષ્ટતા નથી કરવામાં આવી, જો કે તેમણે વિપક્ષ પર મુસ્લિમોને ભ્રમિત કરવાનો આક્ષેપ કર્યો છે.

દરમિયાન, લોકસભામાં કોંગ્રેસના નાયબ નેતા ગૌરવ ગોગોઈએ જણાવ્યું હતું કે, વિપક્ષે BAC બેઠકમાંથી વોકઆઉટ કર્યું કારણ કે સરકાર પોતાનો એજન્ડા લાદી રહી છે. મતદાર ID અને આધાર કાર્ડને લિંક કરવાના મુદ્દા પર ચર્ચાની માંગ સ્વીકારવામાં આવી ન હતી.

AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું, મારો પક્ષ વકફ સુધારા બિલની ચર્ચામાં ભાગ લેશે, અમે સુધારા રજૂ કરીશું. અમે અમારી બધી દલીલો રજૂ કરીશું અને સમજાવીશું કે આ બિલ કેવી રીતે ગેરબંધારણીય છે અને તે મુસ્લિમોની ધાર્મિક સ્વતંત્રતાની વિરુદ્ધ કેવી રીતે જાય છે. ચંદ્રબાબુ નાયડુ, નીતીશ કુમાર, ચિરાગ પાસવાન અને જયંત ચૌધરી આ વાત સમજી રહ્યા નથી. જનતા તેમને ચૂંટણી સમયે સમજાવશે.

ભાજપના સાંસદ દિનેશ શર્માએ વકફ બિલ પર કહ્યું, “…વકફ ગરીબ મુસ્લિમો માટે એક સ્વપ્ન સાકાર થવા જેવું છે. આ તેમની દુર્દશા સુધારવા માટેનું બિલ છે. આ બિલમાં, ન તો સરકાર કે ન તો કોઈ અન્ય કોઈ વકફની એક ઇંચ જમીન લઈ રહ્યું છે. કોઈપણ વ્યક્તિને કોર્ટમાં પોતાનો દ્રષ્ટિકોણ રજૂ કરવાનો અધિકાર હશે, જો કોઈ આ સુધારાનો વિરોધ કરે છે, તો મને લાગે છે કે તે બંધારણની વિરુદ્ધ છે અને બી. આર. આંબેડકરનો વિરોધ કરે છે.”

દેશની સૌથી મોટી સરકારી બેંક SBIની સેવા ઠપ્પ! મોબાઈલ બેંકિંગ અને ATM કામ નથી કરતા

0

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)ની સેવાઓ મંગળવારે અચાનક ઠપ થઈ ગઈ હતી અને આ બેંકને મોટી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આ અચાનક સમસ્યાના કારણે યુઝર્સને પૈસા ટ્રાન્સફર કરવામાં, મોબાઈલ બેંકિંગ કરવામાં અને એટીએમ સર્વિસનો ઉપયોગ કરવામાં પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. કંપનીએ આ મામલે નિવેદન જાહેર કર્યું છે.

SBIએ પોતાના સત્તાવાર નિવેદનમાં આ સમસ્યાનો ઉલ્લેખ કર્યો છે. બેંકે માઇક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ પરના તેના એકાઉન્ટ પર જણાવ્યું હતું કે SBIએ કહ્યું છે કે જ્યારે તેની સેવાઓ 1 એપ્રિલથી પ્રભાવિત થશે, વપરાશકર્તાઓને સલાહ આપવામાં આવે છે કે તેઓ UPI લાઇટ અને ATMનો ઉપયોગ કરે.

ડાઉનડિક્ટેટર પર 800થી વધુ ફરિયાદો નોંધાઈ હતી. મોટાભાગના લોકો મોબાઈલ બેંકિંગ અને ફંડ ટ્રાન્સફરની સુવિધા ન મળવાને કારણે ચિંતિત હતા. કેટલાક ગ્રાહકોએ એવી પણ ફરિયાદ કરી છે કે UPI પેમેન્ટ્સ કરવામાં આવી રહ્યા નથી. આ બધા પર નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા, એટલે કે NPCI તરફથી એક અપડેટ આવ્યું છે.

NPCI એ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર માહિતી આપી છે કે કેટલીક બેંકોને નાણાકીય વર્ષના અંતે વ્યવહારોમાં સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. NPCIએ કહ્યું છે કે UPI સિસ્ટમ યોગ્ય રીતે કામ કરી રહી છે. આ સમસ્યાના ઉકેલ માટે તેઓ બેંકો સાથે કામ કરી રહ્યા છે. બીજી તરફ, SBI એ પણ તેના ગ્રાહકોને UPI સેવાઓમાં વિક્ષેપ વિશે માહિતી આપી છે. લોકોને UPI લાઈટ અથવા ATMનો ઉપયોગ કરવાનું કહેવામાં આવ્યું છે.

SBI એ તેના ગ્રાહકોને શું કહ્યું?
SBI એ તેના ગ્રાહકોને જાણ કરી છે કે તેની ડિજિટલ સેવાઓ 1 એપ્રિલ, 2025 ના રોજ બપોરે 1 થી 4 વાગ્યા સુધી બંધ રહેશે. એક પોસ્ટમાં SBI એ લખ્યું છે કે વાર્ષિક બંધને કારણે, અમારી ડિજિટલ સેવાઓ 1 એપ્રિલના રોજ સાંજે 4 વાગ્યા સુધી ગ્રાહકો માટે ઉપલબ્ધ રહેશે નહીં. તમને અવિરત સેવા માટે UPI Lite અને ATM નો ઉપયોગ કરવા વિનંતી છે.

પીએમ મોદી સાથે ચાલતા-ચાલતા કેમ રોકાઇ ગયા ચિલીના રાષ્ટ્રપતિ ?

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ચિલીના રાષ્ટ્રપતિ ગેબ્રિયલ બોરિક વચ્ચે મંગળવારે દિલ્હીના હૈદરાબાદ હાઉસ ખાતે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ. આ મુલાકાત ભારત અને ચિલી વચ્ચે દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવવા માટે યોજાઈ હતી. PM મોદીના આમંત્રણ પર, રાષ્ટ્રપતિ બોરિક 1થી 5 એપ્રિલ 2025 સુધી ભારતની રાજ્ય મુલાકાત પર આવ્યા છે. આ મુલાકાત દ્વિપક્ષીય વેપાર, આર્થિક વિકાસ અને સાંસ્કૃતિક સંબંધોને નવી દિશા આપશે.

ચિલીના રાષ્ટ્રપતિ સાથે આવેલા ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિ મંડળમાં મંત્રીઓ, સંસદના સભ્યો, વરિષ્ઠ અધિકારીઓ, તથા વિવિધ ક્ષેત્રોના પ્રતિનિધિઓનો સમાવેશ થાય છે. પીએમ મોદી અને રાષ્ટ્રપતિ બોરિક વચ્ચે વેપાર, ટેક્નોલોજી, પર્યાવરણ અને સામાજિક વિકાસ જેવા મુદ્દાઓ પર ચર્ચા થઈ. બંને દેશોએ પરસ્પર સહયોગ વધારવા માટે અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લીધા.

આ મુલાકાત દરમિયાન એક રસપ્રદ ઘટના બની. જ્યારે પીએમ મોદી અને રાષ્ટ્રપતિ બોરિક સાથે ચાલીને આગળ વધી રહ્યા હતા, ત્યારે બોરિક અચાનક અટકી ગયા અને ભારતીય રાષ્ટ્રધ્વજ વિશે પૂછવા લાગ્યા. આ ઘટનાનો વિડિયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થયો. ભારતીય રાષ્ટ્રધ્વજના રંગો અને અશોક ચક્ર વિશે જાણવા માટે રાષ્ટ્રપતિ બોરિકની ઉત્સુકતા જોઈને પીએમ મોદીએ તેમને ધ્વજની મહત્તા સમજાવી.

ભારતીય રાષ્ટ્રધ્વજ ત્રણ રંગોથી બનેલો છે – કેસરી, સફેદ અને લીલો. કેસરી રંગ બલિદાન અને ઉદ્દીપનનું પ્રતીક છે, સફેદ રંગ શાંતિ અને સત્યને દર્શાવે છે, જ્યારે લીલો રંગ કૃષિ અને વૃદ્ધિનું પ્રતીક છે. ધ્વજના કેન્દ્રમાં આવેલા અશોક ચક્રમાં 24 આરીઓ છે, જે જીવનના સતત ગતિશીલતાનું પ્રતીક છે. રાષ્ટ્રપતિ બોરિકે ધ્વજના આ અર્થ અને મહત્તાને ઉત્સાહપૂર્વક સમજ્યું અને તેની પ્રશંસા કરી.

ડીસામાં બ્લાસ્ટની દુર્ઘટનામાં 18 લોકોના મોત: ઋષિકેશ પટેલ

બનાસકાંઠાના ડીસામાં ફટાકડા ફેક્ટરીમાં બોઇલર ફાટ્યું હતું. ઘટનામાં અત્યાર સુધી 18 શ્રમિકોનાં મૃત્યુ થયા હતા. આગની ઘટના અંગે જાણ થતાં જ ડીસા નગરપાલિકાના ફાયર ફાઈટરો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને બચાવ કામગીરી શરૂ કરી હતી. ફાયર વિભાગના કર્મચારીઓ આગને કાબૂમાં લેવા માટે સતત પ્રયાસ કરી રહ્યા છે.

ફેક્ટરીમાં ફટાકડા બનાવવામાં આવી રહ્યા હતા. આ દરમિયાન વિસ્ફોટક પદાર્થમાં અચાનક ભડાકો થતાં આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન છે. માલિકે ફટાકડા બનાવવા માટેની પરમિશન લીધેલી છે કે નહિ તે હજુ જાણી શકાયું નથી. ઘટનામાં કેટલા મજૂરો હાજર હતા અને કેટલા સુરક્ષિત છે તેની સત્તાવાર માહિતી હજુ મળી નથી.

બીજી તરફ ડીસા બ્લાસ્ટ મુદ્દે પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે પણ નિવેદન આપ્યું છે. તેમને કહ્યું કે આ દુર્ઘટનામાં 18 લોકોના મોત થયા છે. ડીસામાં આ દુ:ખદ ઘટના બની છે. ફટાકડાના સ્ટોરેજ માટે આ ગોડાઉન હતા અને ડિસેમ્બર 2024માં લાયસન્સ રિન્યૂ માટે કહ્યું હતું અને સેફ્ટી અભાવથી પોલીસે નેગેટિવ અભિપ્રાય આપ્યો હતો. જો કે લોભ લાલચના કારણે કામ ચાલુ કરી દીધું હતું, જેના કારણે આ ઘટના બની છે. સગવડોના અભાવે લાયસન્સ રિન્યૂ નહોતું કર્યું, આ મામલે પોલીસ હાલ બે લોકોની ધરપકડ કરી લીધી છે અને માલિકો સામે પણ એક્શન લઈ પોલીસ કામ કરી રહી છે.

ફટાકડા બનાવવાના દારૂગોળામાં પ્રચંડ વિસ્ફોટ થતા આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. વિસ્ફોટ એટલો પ્રચંડ હતો કે , આરસીસી વાળું ગોડાઉન ધરાશાયી થયું હતું અને કાટમાળ 200 મીટર દૂર સુધી ફેલાયો હતો. મજૂરો ફટાકડા બનાવી રહ્યા હતા ત્યારે અચાનક વિસ્ફોટ થતાં મજૂરોના માનવ અંગો પણ દૂર દૂર સુધી ફેંકાયા હતા. બાજુના ખેતરમાંથી પણ માંસના લોચા મળી આવ્યા હતા. ઘટનાસ્થળે ભારે અફરાતફરી મચી ગઈ હતી. ફાયર વિભાગના કર્મચારીઓ આગને કાબૂમાં લેવાના પ્રયાસો કરી રહ્યા છે.

સાતથી આઠ લાખના સમૂહની હૃદયદ્રાવક વેદના છતાં કોઇને ફરક પડતો નથી

  • રાજકારણીઓ અને માલિકો માટે માથે કફન બાંધીને નીકળી પડતા રત્નકલાકારો યાદ રાખે તમારું સાંભળનારું કોઇ નથી
  • રત્નકલાકારોના પરસેવાની કાળી મજૂરીને કારણે કરોડપતિ કારખાના માલિકોને હવે રત્નકલાકારોની જરૂર નથી, રોજેરોજ આપઘાતના બનાવો છતાં ચારે તરફ સંવેદનાઓ મરી પરવારી છે. કોઇ મરે કે જીવે તેથી કારખાનામાલિકે કે બની બેઠેલા સમાજસેવકો કે સરકારને કોઇ જ પડી નથી
  • આ એ જ રત્નકલાકારો છે, જેનો વર્ષોથી રાજકીય ચૂંટણી જીતવા ઉપયોગ કરાતો આવ્યો છે. રેલી કાઢવી હોય કે જંગી સભા યોજવી હોય રત્નકલાકારો હાથવગા સાધન બરાબર હતા પરંતુ આજે સમય આવ્યે એક પણ રાજકારણી કે ઉદ્યોગનો આગેવાન રત્નકલાકારોના પ્રશ્ને બોલવા તૈયાર નથી
  • એક સમય એવો પણ હતો કે રત્નકલાકારો ‘‘હીરાઘસુ’’ની ઓળખ ધરાવતા હતા કેટલાક કિસ્સાઓમાં હીરાની ઘંટી સાથે બાંધીને ગુલામની માફક મજુરી કરાવવામાં આવતી હતી. કારખાના માલિકો માલેતુજાર બન્યા પરંતુ રત્નકલાકારોની હાલત કદાચ વધુ બદતર બની હશે
  • કેન્દ્રીય મંત્રી સુરત-નવસારીના સાંસદ, ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ રત્નકલાકારોની સમસ્યાથી વાકેફ છે પરંતુ કોઇક કારણોસર તેમણે પણ પોતાની જાતને સંકોરી લીધી છે

રાજ્યસભાના સાંસદ અને હીરાઉદ્યોગના આગેવાન ગોવિંદ ધોળકિયા, સુરતના બિનહરીફ સાંસદનો ઠેકો લઇને ફરતા મુકેશ દલાલ, રાજ્યના મંત્રી પ્રફુલ પાનસેરિયા, ધારાસભ્યો કુમાર કાનાણી, પ્રવીણ ઘોઘારી, કાંતિ બલર, વિનુ મોરડીયા સહિત ચૂંટાયેલા આગેવાનોની ફોજ હોવા છતાં રત્નકલાકારોએ આપઘાત જેવા અંતિમ પગલા ભરવા સુધી જવું પડે અને છતાં એક પણ આગેવાનનું રુંવાડુ પણ ફરકે નહીં એવી તે કઇ મજબૂરી હશે કે બધા લાગણી શૂન્ય બની ગયા હશે

સુરતને ડાયમંડ સિટીની ઓળખ આપનાર રત્નકલાકારોને પહેલા લોકો ‘હીરાઘસુ’ તરીકે ઓળખતા હતા પરંતુ પાંડુરંગ શાસ્ત્રી આઠવલેએ હીરાઘસુને ‘રત્નકલાકાર’ની નવી ઓળખ આપી હતી. ખરેખર તો પહેલેથી જ રત્નકલાકારોને સન્માનિય ઓળખ આપવાની જરૂર હતી. કારણ રફ ડાયમંડને ઘસીને કિંમતી ‘રત્ન’ બનાવનાર કારીગરની ‘રત્નકલાકાર’ તરીકે જ ઓળખ હોવી જોઇએ પરંતુ હીરાઘસુને હીરાઘસુ જ રાખવા માંગતા કારખાનામાલિકોએ હીરાઉદ્યોગના ઇતિહાસમાં ક્યારેય પણ અઢળક કમાણી રળી આપતા રત્નકલકારોના આર્થિક, સામાજિક કલ્યાણ માટે વિચાર્યુ નહોતું બલ્કે રત્નકલાકારોને પગની એડી હેઠળ જ દબાવી રાખવામાં આવતા હતા. ઘણા કિસ્સામાં તો ઘરના કામકાજ માટે પણ કારીગરોનો ઉપયોગ કરતા હતા.

હીરાઉદ્યોગનો ભૂતકાળ જોવા જઇએ તો કોલસાની ખાણમાં કામ કરતા ખાણીયા મજુરો કરતા રત્નકલાકારોની હાલત સારી નહોતી. કારણ હીરાના કારખાનામાં કામ કરતા મોટા ભાગના કારીગરો સૌરાષ્ટ્રના ઊંડાણના ગામડાઓમાંથી આવતા હતા અને બહુ મોટો વર્ગ અર્ધશિ‌િક્ષત હતો. ૧૯૮૦ના દાયકામાં હીરાઉદ્યોગ તેજીની ચરમસીમા ઉપર હતો ત્યારે કારખાના માલિકો અઢળક કમાણી કરીને દેશ, વિદેશમાં ઓફિસો ખોલીને કરોડોનો વેપાર કરતા હતા કારણ ડાયમંડ ઉપર કોઇ ચોક્કસ કિંમત મૂકી શકાતી નથી. પોતાની આવડત અને પ્રભાવ ઉપર આંતરરાષ્ટ્રીય માર્કેટમાં મન ફાવે તેવા ભાવથી ડાયમંડનું વેચાણ થતું હતું આવું એક બે વર્ષ નહીં પરંતુ બે ત્રણ દાયકા સુધી ચાલ્યું હતું અને કારખાના માલિકો લાખો અને કરોડોપતિ બની ગયા હીરા ઉદ્યોગમાંથી કરેલી કમાણીથી જમીનોમાં ખૂબ મોટા પાયો રોકાણ કર્યુ અને બિલ્ડીંગ ઉદ્યોગમાં ઝંપલાવી લખલૂંટ કમાણી કરી, પરંતુ પોતાની કમાણીના મૂળમાં પરસેવો પાડનાર કારીગરોના સામાજિક આર્થિક, શૈક્ષણિક કલ્યાણ માટે એક રૂપિયાનો પણ ખર્ચ કર્યો નહોતો. પોતે શાળાઓ શરૂ કરી પરંતુ રત્નકલાકારોના સંતાનોનો આર્થિક ફાયદો થાય એવો કોઇને પણ વિચાર સુદ્ધાં આવ્યો નહોતો.

વર્ષો પહેલા હીરાના કારખાનામાં કામ કરતા કારીગરોને ‘બાકી’ એટલે કે એડવાન્સમાં રૂપિયા આપવાની પ્રથા હતી અને કારીગર ધીમે ધીમે પોતાના પગારમાંથી થોડા થોડા કરીને રૂપિયા જમા કરાવતો હતો પરંતુ જાણીને નવાઇ લાગશે કે કોઇ સંજોગોમાં કારીગર પૈસા ચૂકવવામાં કસુરવાર જણાય તો ગમે ત્યાંથી પકડીને હીરાની ઘંટી સાથે સાંકળથી બાંધીને કામ કરાવવામાં આવતું હતું બલ્કે કહી શકાય કે ગુલામી કાળના ‘વેઠિયા’ કરતા રત્નકલાકારોની હાલત ખરાબ હતી. વળી આજ પર્યન્ત હીરા ઘસવાનું કામ કરતા કારીગરને ફિક્સ પગાર ચૂકવવામાં આવતો નથી, જેટલા નંગ હીરા પોલીશ કરે એટલી જ મજૂરી ચૂકવવાની મતલબ હીરાના કારીગરની ચોક્કસ ઇન્કમ ક્યારે પણ નક્કી થઇ શકી નથી.

રત્નકલાકારો સાથેનો આર્થિક અન્યાય આજકાલનો નથી હીરા ઉદ્યોગનો પ્રારંભ થયો તે દિવસથી જ છે. પરંતુ કારીગરો અસંગઠિત અને નેતૃત્વ વગરના હોવાથી ક્યારેય પણ પોતાના આર્થિક મુદ્દાને લઇને અવાજ ઉઠાવી શક્યા નથી અને કોઇ એકલદોકલ કારીગર અવાજ ઉઠાવવાનો પ્રયાસ કરે તો તેની આર્થિક રીતે બેહાલી અને અન્ય રીતે પણ કનડગત કરવામાં આવતી હોવાથી કારખાનામાલિકો સામે અવાજ ઉઠાવનારા ભીડમાં ખોવાઇ જાય છે. વળી પાછલા કેટલાક વર્ષોમાં કારખાના માલિકો એટલી હદે સધ્ધર થઇ ગયા છે કે હવે હીરાના કારખાના બંધ કરીને તાળા મારી દે તો પણ વાંધો નથી.કારણ મોટાભાગના હીરાના ઉદ્યોગકારો જમીન, બિલ્ડીંગ, ટેકસટાઇલ, કેમિકલ્સ, પ્લાસ્ટીક, એન્જિિનયરીંગ ઉપરાંત જાણી શકાય નહીં એવા ઉદ્યોગો તરફ વળી ગયા છે પરંતુ આ બધાના મૂળમા હીરાનો ધંધો અને રત્નકલાકોરોનો પરસેવા સમાયેલો છે. પાછલા વર્ષો માની લઇએ મંદીમાં પસાર થયા પરંતુ એવું પણ નથી કે ધંધો સાવ પડી ભાંગ્યો હતો પરંતુ ઉદ્યોગના મોટા માથાઓ પહેલા રડવાની શરૂઆત કરી દેતા હોવાથી જાણે હીરાઉદ્યોગ સાવ મરી પરવાર્યો હોવાનું ચિત્ર ઊભ‌ું કરવામાં આવે છે અને કારીગર વર્ગ સામે નોકરીની અસલામતિ ઊભી કરીને ડરનો માહોલ ઊભો કરવામાં આવે છે.પરિવર્તન એ સમયની પ્રક્રિયા છે. લેબગ્રોન એટલે કે સીવીડી ડાયમંડના ઉદય પછી રીઅલ ડાયમંડના માર્કેટને ચોક્કસ અસર પહોંચી હશે પરંતુ ડાયમંડ પોલીશ કરવાની મજુરીના દરમાં કોઇ ફરક પડ્યો નથી રત્નકલાકાર રીઅલ ડાયમંડ પોલીશ કરે કે લેબગ્રોન ડાયમંડ પોલીશ કરે તેમની કામગીરી ભૂતકાળમાં હતી એની એ જ રહેવા પામી છે. રીઅલ અને લેબગ્રોન ડાયમંડ વચ્ચેની વ્યાપારી સ્પર્ધાને કારણે કારખાના માલિકો, અને વેપારીઓના નફાના ધોરણો ચોક્કસ બદલાયા હશે. હવે લખલૂંટ કમાણી કરવાનુ કદાચ શક્ય નહીં હોય પરંતુ આનાથી રત્નકલાકારનું શોષણ કરવામાં આવે એ ક‌ઇ રીતે વ્યાજબી ગણી શકાય? રત્નકલાકાર હવે એકલો નથી. તેના ઘરમાં પણ ત્રીજી પેઢી ઉછરી રહી છે. આવા સંજોગોમાં રત્નકલાકારોના પરસેવાની કમાણી ઉપર અઢળક સંપત્તિમાં રાચતા હીરા ઉદ્યોગના મોભીઓએ રત્નકલાકારોના આર્થિક, સામાજિક, ઉત્થાન માટે કંઇક કરીને પણ કમાણીનું ઋણ ચૂકવીને ઉદ્યોગના વાલી તરીકે ઉભરી આવવું જોઇએ પણ નવાઇની વાત એ છે કે એક પણ ‘‘માંધાતા’’ને રત્નકલાકારોની વેદનાનું દર્દ સ્પર્શી શક્તું નથી.વળી એ પણ ભૂલવું જોઇએ નહીં કે રાજકીય અને સામાજિક જીવનમાં ‘મોટાભા’ થઇને ફરતા આગેવાનોને જ્યારે પણ રાજકીય તાકાત બતાવવાની જરૂર પડી હતી ત્યારે ત્યારે આજ રત્નકલાકારો પોતાનો રોજગાર ગુમાવીને રેલી અને આંદોલનમાં જોડાતા આવ્યા છે. કારણ રત્નકલકારોનો ખૂબ મોટો વર્ગ કારખાના માલિકોને હજુ પણ પોતાના ‘‘હામી’’ માને છે. પરંતુ કારખાના માલિકો માટે રત્નકલાકારની કારીગરથી વધુ વિસાત નથી!

વિતેલા ભૂતકાળને છોડો પરંતુ હાલમાં વરાછા, કતારગામ સહિતના હીરાઉદ્યોગથી પ્રભાવિત વિસ્તારમાં એક બે નહીં ચાર ચાર ધારાસભ્યો એક સાંસદ અને એક રાજ્યસભાના સાંસદ ભાજપના જ છે અને રાજ્ય અને કેન્દ્રમાં ભાજપની જ સરકાર છે છતાં રત્નકલાકારોની હાલત બદતર છે. સુરતના પાંચ ધારાસભ્યો અને બે સાંસદને એ વાતનો ચોક્કસ ખ્યાલ હશે કે કેટલા રત્નકલાકારોએ આર્થિક સંકડામણને કારણે આપઘાત કરી લીધા છે. પરંતુ એક પણ લોકપ્રતિનિધિએ ભાગ્યે જ પીડિત પરિવારની મુલાકાત લીધી હશે.વરાછાના ધારાસભ્ય કિશોર કાનાણી ઘણી વખત રત્નકલાકારો સહિત અન્ય પ્રશ્નોને લઇને સરકારને અકળામણ થાય એવું નિવેદન કરતા સાંભળવા મળે છે પરંતુ કાનાણી ‘બોલકા’ હોવાથી પક્ષની નેતાગીરી કે સરકાર તેમના નિવેદનને ગંભીરતાથી લેતી નથી. બાકી રાજ્યકક્ષાના શિક્ષણમંત્રી અને કામરેજ બેઠકના ધારાસભ્ય પ્રફુલ્લ પાનસેરિયા વાત વાતમાં રત્નકલાકારો કે અન્ય પ્રસંગોએ સંવેદના પ્રગટ કરતા આવ્યા છે પરંતુ તેમની સંવેદનાના આંસુ હજુ સુધી કોઇ પરિણામ લાવી શક્યા નથી, જ્યારે સુરત ઉત્તર બેઠકના ધારાસભ્ય કાંતિ બલર પાસે કે કરંજના ધારાસભ્ય પ્રવીણ ઘોઘારી પાસે કોઇ અપેક્ષા રાખવી નકામી છે. એ બે ધારાસભ્યો એવા છે જેના રાજકીય અ‌િસ્તત્વનો પણ લોકોને ખ્યાલ નહીં હોય લોકો ભાજપને મત આપતા આવ્યા હોવાથી કાંતિ બલર અને પ્રવીણ ઘોઘારી નસીબના બળિયા પુરવાર થતા આવ્યા છે.

જ્યારે કતારગામના ધારાસભ્ય વિનુ મોરડીયા ચોક્કસ પાણીદાર છે, પરંતુ પક્ષની આંતરિક જુથબંધીમાં તેમને કોરાણે કરી દેવામાં આવ્યા છે મતલબ કે વિનુ મોરડીયા ઇચ્છે તો પણ રત્નકલાકારોના કે અન્ય જાહેર પ્રશ્નોનો નિકાલ લાવી શકે એવી સ્થિતિ‌માં નથી. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ વ્યક્તિગત રીતે વિનુ મોરડીયાની સાથે હશે પણ વિનુ મોરડીયા ભલામણ કરે એવું કોઇ પણ કામ કરી આપવાની ખુદ મુખ્યમંત્રી પણ ક્ષમતા ધરાવતા નથી.બાકી બચેલા સમગ્ર દેશમાં એકમાત્ર બિનહરીફ ચૂંટાઇ આવેલા નખશીખ ‘સુરતી’ સાંસદ મુકેશ દલાલે થોડા દિવસ પહેલા લોકસભામાં રત્નકલાકારોના પ્રશ્ને વાચા આપવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ લોકસભામાં મુકેશ દલાલના પ્રયાસોની નોંધ લીધી હોવાનું જણાતું નથી. જ્યારે રાજ્યસભામાં ચૂંટાયેલા સાંસદ ગોવિંદ ધોળકિયા આજકાલ મહાભારતના ‘‘સહદેવ’’ની ભૂમિકામાં છે. સમગ્ર હીરા ઉદ્યોગની કઠણાઇથી ગોવિંકકાકા વાકેફ છે પરંતુ કોઇક અગમ્ય કારણોસર હીરાઉદ્યોગના સવાલો, સમસ્યાને સરકાર સમક્ષ ઉઠાવી શકતા નથી.

આ તરફ કેન્દ્રીય મંત્રી ભાજપના પ્રદેશ અધ્યક્ષ અને ‘‘સર્વશક્તિમાન’’ સી.આર.પાટીલ ઇચ્છે તો રત્નકલાકારોની સમસ્યાનો ઉકેલ આવી શકે તેમ છે પરંતુ પાછલા કેટલાક સમયથી કોઇક કારણોસર સી.આર. પાટીલે ખાસ કરીને સૌરાષ્ટ્રવાસીઓ અને હીરાઉદ્યોગ પ્રત્યેથી પોતાની જાતને દૂર કરી લીધી છે બની શકે કે સી.આર.પાટીલને કડવા અનુભવો થયા હોયઅન્યથા જાહેર સમસ્યાઓનો ઉકેલ લાવવાના આગ્રહી સી.આર. પાટીલ કોઇ સમસ્યાથી દૂર ભાગે એવા સ્વભાવના નથી.ખેર, સુરતમાં લગભગ સાતથી આઠ લાખ રત્નકલાકાર પરિવારો હશે. આ એક એવો સમૂહ છે કે જેણે વખતો વખત ભાજપને જીતાડવા ગાંઠના ખર્ચીને પરસેવો પાડ્યો છે. પરંતુ આર્થિક કટોકટીના સમયે સરકાર કે સામાજિક આગેવાનો કોઇપણ રત્નકલાકારોની પડખે નથી!!

હીરા ઉદ્યોગમાંથી ક્રમશઃ સૌરાષ્ટ્રવાસી કારીગરોનું પ્રમાણ ઘટી રહ્યું. હવેની પેઢીના યુવાનો હીરા ઉદ્યોગમાં આવવા માંગતા નથી બલ્કે યુ.પી, બિહાર, મધ્યપ્રદેશ, ઓરિસ્સા જેવા રાજ્યોના યુવાનો હીરા ઘસવાના ઉદ્યોગમાં આવી રહ્યા છે. બની શકે કે આગામી સમયમાં યુનિયન પ્રવૃત્તિને વેગ મળશે તો હીરાના કારખાના ચલાવવાનું મુશ્કેલ થઇ પડશે.અત્રે એ પણ ઉલ્લેખનિય છે કે ઘણા કારખાના આધુનિક બન્યા છે. રત્નકલાકારોને બપોરના સમયે જમવાનું પણ આપે છે. વળી કેટલાક કારખાના એરકન્ડીશન્ડ પણ છે. પરંતુ રત્નકલાકારોને ફિક્સ પગાર કે ભવિષ્યનુ પેન્શન નથી મતલબ કારીગરે કોઇક કારણોસર નોકરી છોડવી પડે તો તેમણે બચાવેલી મૂડી સિવાય કંઇજ હાથમાં રહેતું નથી.

રાજ્યમાં હીટવેવ અને કમોસમી વરસાદની અંબાલાલ પટેલે કરી આગાહી

રાજ્યમાં કમોસમી વરસાદ ખેડૂતો માટે આફત બનશે. હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે માવઠાની આગાહી કરી છે. કમોસમી વરસાદ ખેડૂતોની ચિંતા વધારી શકે છે. જેમાં રાજ્યમાં આવનારા પાંચ દિવસમાં હવામાનમાં પલટો આવશે. અમદાવાદમાં તાપમાન 40 ડિગ્રી પહોંચી ગયું હતું. રાજ્યમાં મોટાભાગના વિસ્તારમાં 38 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું. રાજ્યમાં બે દિવસ હીટવેવ વચ્ચે કમોસમી વરસાદની આગાહી કરી હતી.

14 એપ્રિલથી બંગાળના ઉપસાગરમાં વાવાઝોડાની સિસ્ટમ તૈયાર થશે. તેમજ 4 જૂન સુધીમાં રોહિણી નક્ષત્રનો વરસાદ કેટલાક ભાગોમાં થવાની શક્યતા છે. રાજ્યમાં મૌસમે મિજાજ બદલ્યો છે. ક્યાંક માવઠું તો ક્યાંક ગરમીની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં બેવડી ઋતુની અસર રહેશે. આજે કેટલાક જિલ્લામાં ગરમીનો પારો 38 થી 39 રહેશે તો બીજી તરફ રાજયમાં કમોસમી માવઠાની આગાહી છે. રાજ્યમાં 2 એપ્રિલ સુધી માવઠાની આગાહી છે. તેમજ આજે નર્મદા અને તાપીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

ગુજરાતમાં અપ્રિલ મહિનાની શરુઆત થઈ ગઈ છે ત્યારે ગરમી વધવાની સાથે વાતાવરણમાં ફેરફાર પણ થયો છે. અત્યારે ક્યાંક ગરમી પડી રહી છે તો ક્યાંક માવઠાની શક્યતાઓ પણ સેવાઈ રહી છે. રાજ્યમાં બેવડી ઋતુના માહોલ વચ્ચે હીટવેવ અને કમોસમી વરસાદની બેવડી આગાહી હવામાન વિભાગે કરી છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી બે દિવસ સૌરાષ્ટ્રના પોરબંદર, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં હીટવેવની આગાહી કરી હતી. જ્યારે ત્યારબાદ દક્ષિણ ગુજરાતમાં નર્મદા,વડોદરા,છોટાઉદેપુર, સુરત, તાપી અને ડાંગમાં વાવાઝોડા સાથે કમોસમી વરાસદ પડવાની શક્યતા છે.

બનાસકાંઠાના ડીસામાં ફટાકડા ફેક્ટરીમાં બોઇલર ફાટ્યું, 7 શ્રમિકોનાં મોત

બનાસકાંઠાના ડીસામાં ફટાકડા ફેક્ટરીમાં બોઇલર ફાટ્યું હતું. ઘટનામાં 7 શ્રમિકોનાં મૃત્યુ થયા હતા. આગની ઘટના અંગે જાણ થતાં જ ડીસા નગરપાલિકાના ફાયર ફાઈટરો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને બચાવ કામગીરી શરૂ કરી હતી. ફાયર વિભાગના કર્મચારીઓ આગને કાબૂમાં લેવા માટે સતત પ્રયાસ કરી રહ્યા છે.

ફેક્ટરીમાં ફટાકડા બનાવવામાં આવી રહ્યા હતા. આ દરમિયાન વિસ્ફોટક પદાર્થમાં અચાનક ભડાકો થતાં આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન છે. માલિકે ફટાકડા બનાવવા માટેની પરમિશન લીધેલી છે કે નહિ તે હજુ જાણી શકાયું નથી. ઘટનામાં કેટલા મજૂરો હાજર હતા અને કેટલા સુરક્ષિત છે તેની સત્તાવાર માહિતી હજુ મળી નથી.

ડિસાના ફટાકડાના ગોડાઉનમાં બોઈલર ફાટવાના કારણે આ આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. આગ એટલી ભયાનક હતી કે, ઘટનાસ્થળે ભારે અફરાતફરી મચી ગઈ હતી. ફાયર વિભાગના કર્મચારીઓ આગને કાબૂમાં લેવાના પ્રયાસો કરી રહ્યા છે. આ ઘટનામાં કેટલા મજૂરો હાજર હતા અને કેટલા મજૂરો સુરક્ષિત છે તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી પ્રાપ્ત થઈ નથી.

મળતી માહિતી અનુસાર, દિપક ટેડર્સ નામની ફેક્ટરીમાં ફટાકડા બનાવવામાં આવી રહ્યા હતા. આ દરમિયાન વિસ્ફોટક પદાર્થમાં અચાનક ભડાકો થતાં આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લગાડવામાં આવી રહ્યું છે. જોકે, ફેક્ટરી માલિકે ફટાકડા બનાવવા માટેની પરમિશન લીધી છે કે, નહીં તે હજુ જાણી શકાયું નથી. તો બીજી તરફ, નાયબ મામલતદાર સહિત ચીફ ઓફિસર પણ ઘટનાસ્થળે પહોચ્યા હતા. સાથે જ સ્થાનિક પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા ઘટના અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

નવા નાણાકીય વર્ષના પ્રથમ દિવસે જ રાહત, LPG સિલિન્ડરની કિંમતમાં ઘટાડો

0

આજે એપ્રિલ મહિનાની શરૂઆત સાથે જ LPG ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો થયો છે. નવા નાણાકીય વર્ષના પ્રથમ મહિનાની શરૂઆતમાં LPG ગેસના ભાવમાં ઘટાડો પણ મોટા ફેરફારો પૈકી એક છે. ઓઈલ કંપનીઓએ LPG સિલિન્ડરના નવા દર જાહેર કર્યા છે. નવા દર પ્રમાણે સિલિન્ડરના ભાવમાં રૂ. 45નો ઘટાડો થયો છે. જો કે, આ ઘટાડો માત્ર 19 કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં આવ્યો છે.

ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ 19 કિલોગ્રામના કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં 41 રૂપિયાનો ઘટાડો કર્યો છે. આ નિર્ણયથી હોટલ, રેસ્ટોરન્ટ અને ઢાબા જેવા વ્યવસાયોને સીધો ફાયદો થશે. નવા દરો 1 એપ્રિલ 2025થી અમલમાં આવી ગયા છે, અને તેની સત્તાવાર જાહેરાત પણ કરવામાં આવી છે. જોકે, 14 કિલોગ્રામના ઘરેલુ LPG સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. ઘરેલુ સિલિન્ડરની કિંમત 1 ઓગસ્ટ 2024થી સ્થિર છે અને તેમાં હાલ કોઈ ઘટાડો કે વધારો કરવાની યોજના નથી. આનો અર્થ એ થયો કે સામાન્ય ગ્રાહકોને આ રાહતનો લાભ નહીં મળે, પરંતુ વ્યાપારી ગ્રાહકો માટે આ નિર્ણય ખૂબ ફાયદાકારક સાબિત થશે.

આ ભાવ ઘટાડાનો સૌથી મોટો ફાયદો વ્યાપારી ગ્રાહકોને થશે, જેમાં ખાસ કરીને ઢાબા, રેસ્ટોરન્ટ, હોટલ અને અન્ય ખાદ્ય ઉદ્યોગોનો સમાવેશ થાય છે. આ સ્થળોએ રસોઈ માટે 19 કિલોગ્રામના કોમર્શિયલ LPG સિલિન્ડરનો ઉપયોગ થાય છે, અને ભાવમાં ઘટાડો થતાં તેમના ઉત્પાદન ખર્ચમાં નોંધપાત્ર બચત થશે. આનાથી નાના અને મધ્યમ ઉદ્યોગોને પણ આર્થિક રીતે થોડી રાહત મળી શકે છે. જોકે, સામાન્ય ઘરોમાં ઉપયોગમાં લેવાતા 14 કિલોગ્રામના સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર ન થતાં સામાન્ય ગ્રાહકોને આ લાભ મળશે નહીં. ઘરેલુ સિલિન્ડરના ભાવ ગયા વર્ષના ઓગસ્ટ મહિનાથી સ્થિર છે અને તેમાં હજુ સુધી કોઈ બદલાવની જાહેરાત થઈ નથી.

ઝારખંડમાં મોટો રેલ અકસ્માત, બે માલગાડીઓ અથડાયા, ટ્રેનના બે ડ્રાઇવર સહિત 3 ના મોત

0

ઝારખંડના સાહિબગંજમાં એક મોટો ટ્રેન અકસ્માત થયો છે. અહીં બે માલગાડીઓ વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી, જેના કારણે લોકો પાઈલટ સહિત 3 લોકોના મોત થયા હતા. આ દુર્ઘટનામાં CISFના ચાર જવાનો ઘાયલ થયાના પણ સમાચાર છે. બારહેત ખાતે એક ટ્રેન ઊભી હતી, જ્યારે કોલસાથી ભરેલી માલગાડી આવી ત્યારે બંને ટ્રેનો કોલસાથી ભરેલી હતી. અથડામણ બાદ તે ટ્રેનોમાં જોરદાર આગ ફાટી નીકળી હતી.

મળતી માહિતી મુજબ, ફરક્કાના લાલમટિયા જતી માલગાડી બારહેત ખાતે ઉભી હતી, ત્યારે લાલમટિયાથી ફરક્કા તરફ કોલસો લઈને જતી માલગાડીએ તેને ટક્કર મારી હતી. મીડિયા રિપોર્ટ્સમાં જાણવા મળ્યું છે કે માલગાડીઓ વચ્ચેની ટક્કર એટલી ગંભીર હતી કે બંનેના એન્જિનને નુકસાન થયું હતું.

અકસ્માત કેવી રીતે થયો?
વાસ્તવમાં, આ સમગ્ર ઘટના સાહિબગંજ જિલ્લાના બરહેત પોલીસ સ્ટેશન વિસ્તારમાં સ્થિત ફરક્કા-લાલમટિયા એમજીઆર રેલવે લાઇન પર બની હતી. મળતી માહિતી મુજબ, ફરક્કાથી આવી રહેલી ખાલી માલગાડી બરહેત એમટી પર ઉભી હતી ત્યારે લાલમટિયા તરફ જતી કોલસા ભરેલી થ્રુપાસ માલગાડીએ તેને જોરદાર ટક્કર મારી. આ ઘટના સવારે 3:30 વાગ્યે બની હોવાનું કહેવાય છે.

બે લોકો પાઇલટનું દુઃખદ મૃત્યુ થયું
ઝારખંડના સાહિબગંજમાં થયેલા આ ભયાનક રેલ અકસ્માતમાં બે લોકો પાઇલટ સહિત ત્રણ લોકોના દુઃખદ મોત થયા છે. તે જ સમયે, આ અકસ્માતમાં ચારથી પાંચ રેલ્વે કર્મચારીઓ ઘાયલ થયા હોવાનું કહેવાય છે. મળતી માહિતી મુજબ, તમામ ઘાયલો હાલમાં બરહાટના સામુદાયિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર હેઠળ છે. ઘટના બાદ, વહીવટી ટીમ ઘટનાસ્થળે પહોંચી અને દરેક લિંકને એક પછી એક જોડીને કેસની તપાસ શરૂ કરી.

૧ એપ્રિલ, ૨૦૨૫ / આ રાશિના જાતકોને આજે સમાજમાં માન-પ્રતિષ્ઠામાં વધારો થશે, આર્થિક સ્થિતિમાં સુધારો થશે સ્વાસ્થ્ય સંબંધિત સાવચેતી રાખો. જાણો આજનુ રાશિ ભવિષ્ય

મેષઃ

આવકમાં વધારો થતો જણાય. આર્થિક પાસુ મજબૂત બને. પરિવારમાં પરસ્પર પ્રેમની ભાવના પેદા થાય. કાર્યક્ષેત્રે સફળતાનો અનુભવ કરી શકો. નવા રોકાણોથી લાભ શક્ય બને. આરોગ્ય જળવાય. ધ‌ાર્મિક ભાવના વધે.

વૃષભઃ

માનસિક અસ્વસ્થતાનો અનુભવ થાય. ખર્ચના પ્રમાણમાં આવકનું પ્રમાણ ઘટે. પરિવારમાં આનંદનું વાતાવરણ રહે. કાર્યક્ષેત્રે સાનુકુળતા. માતા સાથે મતભેદની શક્યતા. અપચન, પેટની તકલીફ રહે.

મિથુનઃ

મનોબળ મજબૂત બને. કરેલા કાર્ય સફળ થતા જણાય. આર્થિક બાબતોનું આયોજન સુંદર રીતે કરી શકાય. યશ-પ્રતિષ્‍ઠા વધે. સ્ત્રીવર્ગથી ફાયદો મળે. જીવનસાથી સાથે મતભેદ ટાળવા. સ્વાસ્થ્ય સારૂં રહેશે.

કર્કઃ

દિવસ દરમ્યાન આનંદનો અનુભવ થાય. આવક વધતાં બેંક બેલેન્સ વધે. પરિવારમાં સુખ શાંતિ વર્તાય. શેરબજારથી લાભ. માતૃપક્ષ તરફથી સારા સમાચાર પ્રાપ્ત થાય. ગળાના રોગોથી સાચવવું. નોકરી-ધંધામાં પ્રગતિ.

સિંહઃ

માનસિક શાંતિ રહેશે. નાણાંકીય વ્યવહારોમાં લાભ. આવક વધે. પરિવારમાં મોજ શોખમાં ખર્ચ રહે. સ્થાવર-જંગમ મિલકતના વ્યવહારોમાં લાભ. માતા-પિતાના આરોગ્યનું ધ્યાન રાખવું. સંતાન સુખ સારૂ.

કન્યાઃ

વાણી દ્વારા કાર્યમાં સફળતા મળતી જણાય. આવક વધતી જણાય. માતા સાથે મતભેદની શક્યતા તથા માતાની તબિયત સાચવવી. મિત્રોથી સાચવવું. મિત્રોની સલાહ ઉપર આંધળો ભરોસો ન કરવો.

તુલાઃ

આનંદ-ઉત્સાહ વધતો જણાય. આર્થિક બાબતોમાં સફળતા મળે. પરિવારમાં અસંતોષ વધે તથા ધાર્યા પ્રમાણેના કાર્ય કરવામાં અસમર્થતા પેદા થાય. નવા રોકાણો ટાળવા. સરકારી કામકાજમાં સાવધાની રાખવી જરૂરી.

વ‌ૃશ્ચિકઃ

મોજશોખનું પ્રમાણ વધશે. આથી વ્યસનમાં ન પડાય એનું ધ્યાન રાખવું. આવકનું સ્તર સામાન્ય રહેતું જણાય. કાર્યમાં સફળતા મળતી અનુભવાય. આરોગ્ય સાચવવું. ચામડીના રોગોનો ઉપદ્રવ થાય.

ધનઃ

દિવસ દરમ્યાન આવક જળવાય. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. પરિવારમાં ગુસ્સો ટાળી, શાંતિથી કામ લેવું. રોકાણો ક્ષેત્રે જૈસે થે ની સ્થિતિ સર્જાય. દામ્પત્ય જીવનમાં ગુસ્સાભર્યું વાતાવરણ રહે.

મકરઃ

માનસિક સ્વસ્થતા જળવાશે. નાણાંની આવક રહેશે પરંતુ બગાડ અટકાવવો. ભાઇ-બહેન સાથે વિખવાદ થવાના યોગ છે. વાહન સુખ મળશે. નવી મિલકત કે વાહનની ખરીદી શક્ય બને. સંતાનની પ્રગતિથી હર્ષ.

કુંભઃ

જો ગુસ્સા ઉપર કાબુ રાખી શકો, તો આત્મવિશ્વાસમાં વધારાને કારણે અગત્યના કાર્યો કરી શકાય. આર્થિક બાબતો અંગે શુભફળ મળે. પરિવારમાં અત્યંત પ્રસન્નતાનો અનુભવ કરી શકશો. આરોગ્ય સાચવવું.

મીનઃ

ઉદારતા તથા અન્યને મદદ કરી શકવાને કારણે મનમાં શાંતિ રહે તથા યશ-પ્રતિષ્‍ઠા વધે. આવકમાં વૃધ્ધિ આવતી અનુભવી શકાય. સ્ત્રી વર્ગથી લાભ. નોકરીયાતને શાંતિ તથા ધંધાર્થીને અસંતોષ રહે. પિતાની તબિયત સાચવવી.