- રાજકારણીઓ અને માલિકો માટે માથે કફન બાંધીને નીકળી પડતા રત્નકલાકારો યાદ રાખે તમારું સાંભળનારું કોઇ નથી
- રત્નકલાકારોના પરસેવાની કાળી મજૂરીને કારણે કરોડપતિ કારખાના માલિકોને હવે રત્નકલાકારોની જરૂર નથી, રોજેરોજ આપઘાતના બનાવો છતાં ચારે તરફ સંવેદનાઓ મરી પરવારી છે. કોઇ મરે કે જીવે તેથી કારખાનામાલિકે કે બની બેઠેલા સમાજસેવકો કે સરકારને કોઇ જ પડી નથી
- આ એ જ રત્નકલાકારો છે, જેનો વર્ષોથી રાજકીય ચૂંટણી જીતવા ઉપયોગ કરાતો આવ્યો છે. રેલી કાઢવી હોય કે જંગી સભા યોજવી હોય રત્નકલાકારો હાથવગા સાધન બરાબર હતા પરંતુ આજે સમય આવ્યે એક પણ રાજકારણી કે ઉદ્યોગનો આગેવાન રત્નકલાકારોના પ્રશ્ને બોલવા તૈયાર નથી
- એક સમય એવો પણ હતો કે રત્નકલાકારો ‘‘હીરાઘસુ’’ની ઓળખ ધરાવતા હતા કેટલાક કિસ્સાઓમાં હીરાની ઘંટી સાથે બાંધીને ગુલામની માફક મજુરી કરાવવામાં આવતી હતી. કારખાના માલિકો માલેતુજાર બન્યા પરંતુ રત્નકલાકારોની હાલત કદાચ વધુ બદતર બની હશે
- કેન્દ્રીય મંત્રી સુરત-નવસારીના સાંસદ, ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ રત્નકલાકારોની સમસ્યાથી વાકેફ છે પરંતુ કોઇક કારણોસર તેમણે પણ પોતાની જાતને સંકોરી લીધી છે
રાજ્યસભાના સાંસદ અને હીરાઉદ્યોગના આગેવાન ગોવિંદ ધોળકિયા, સુરતના બિનહરીફ સાંસદનો ઠેકો લઇને ફરતા મુકેશ દલાલ, રાજ્યના મંત્રી પ્રફુલ પાનસેરિયા, ધારાસભ્યો કુમાર કાનાણી, પ્રવીણ ઘોઘારી, કાંતિ બલર, વિનુ મોરડીયા સહિત ચૂંટાયેલા આગેવાનોની ફોજ હોવા છતાં રત્નકલાકારોએ આપઘાત જેવા અંતિમ પગલા ભરવા સુધી જવું પડે અને છતાં એક પણ આગેવાનનું રુંવાડુ પણ ફરકે નહીં એવી તે કઇ મજબૂરી હશે કે બધા લાગણી શૂન્ય બની ગયા હશે
સુરતને ડાયમંડ સિટીની ઓળખ આપનાર રત્નકલાકારોને પહેલા લોકો ‘હીરાઘસુ’ તરીકે ઓળખતા હતા પરંતુ પાંડુરંગ શાસ્ત્રી આઠવલેએ હીરાઘસુને ‘રત્નકલાકાર’ની નવી ઓળખ આપી હતી. ખરેખર તો પહેલેથી જ રત્નકલાકારોને સન્માનિય ઓળખ આપવાની જરૂર હતી. કારણ રફ ડાયમંડને ઘસીને કિંમતી ‘રત્ન’ બનાવનાર કારીગરની ‘રત્નકલાકાર’ તરીકે જ ઓળખ હોવી જોઇએ પરંતુ હીરાઘસુને હીરાઘસુ જ રાખવા માંગતા કારખાનામાલિકોએ હીરાઉદ્યોગના ઇતિહાસમાં ક્યારેય પણ અઢળક કમાણી રળી આપતા રત્નકલકારોના આર્થિક, સામાજિક કલ્યાણ માટે વિચાર્યુ નહોતું બલ્કે રત્નકલાકારોને પગની એડી હેઠળ જ દબાવી રાખવામાં આવતા હતા. ઘણા કિસ્સામાં તો ઘરના કામકાજ માટે પણ કારીગરોનો ઉપયોગ કરતા હતા.
હીરાઉદ્યોગનો ભૂતકાળ જોવા જઇએ તો કોલસાની ખાણમાં કામ કરતા ખાણીયા મજુરો કરતા રત્નકલાકારોની હાલત સારી નહોતી. કારણ હીરાના કારખાનામાં કામ કરતા મોટા ભાગના કારીગરો સૌરાષ્ટ્રના ઊંડાણના ગામડાઓમાંથી આવતા હતા અને બહુ મોટો વર્ગ અર્ધશિિક્ષત હતો. ૧૯૮૦ના દાયકામાં હીરાઉદ્યોગ તેજીની ચરમસીમા ઉપર હતો ત્યારે કારખાના માલિકો અઢળક કમાણી કરીને દેશ, વિદેશમાં ઓફિસો ખોલીને કરોડોનો વેપાર કરતા હતા કારણ ડાયમંડ ઉપર કોઇ ચોક્કસ કિંમત મૂકી શકાતી નથી. પોતાની આવડત અને પ્રભાવ ઉપર આંતરરાષ્ટ્રીય માર્કેટમાં મન ફાવે તેવા ભાવથી ડાયમંડનું વેચાણ થતું હતું આવું એક બે વર્ષ નહીં પરંતુ બે ત્રણ દાયકા સુધી ચાલ્યું હતું અને કારખાના માલિકો લાખો અને કરોડોપતિ બની ગયા હીરા ઉદ્યોગમાંથી કરેલી કમાણીથી જમીનોમાં ખૂબ મોટા પાયો રોકાણ કર્યુ અને બિલ્ડીંગ ઉદ્યોગમાં ઝંપલાવી લખલૂંટ કમાણી કરી, પરંતુ પોતાની કમાણીના મૂળમાં પરસેવો પાડનાર કારીગરોના સામાજિક આર્થિક, શૈક્ષણિક કલ્યાણ માટે એક રૂપિયાનો પણ ખર્ચ કર્યો નહોતો. પોતે શાળાઓ શરૂ કરી પરંતુ રત્નકલાકારોના સંતાનોનો આર્થિક ફાયદો થાય એવો કોઇને પણ વિચાર સુદ્ધાં આવ્યો નહોતો.
વર્ષો પહેલા હીરાના કારખાનામાં કામ કરતા કારીગરોને ‘બાકી’ એટલે કે એડવાન્સમાં રૂપિયા આપવાની પ્રથા હતી અને કારીગર ધીમે ધીમે પોતાના પગારમાંથી થોડા થોડા કરીને રૂપિયા જમા કરાવતો હતો પરંતુ જાણીને નવાઇ લાગશે કે કોઇ સંજોગોમાં કારીગર પૈસા ચૂકવવામાં કસુરવાર જણાય તો ગમે ત્યાંથી પકડીને હીરાની ઘંટી સાથે સાંકળથી બાંધીને કામ કરાવવામાં આવતું હતું બલ્કે કહી શકાય કે ગુલામી કાળના ‘વેઠિયા’ કરતા રત્નકલાકારોની હાલત ખરાબ હતી. વળી આજ પર્યન્ત હીરા ઘસવાનું કામ કરતા કારીગરને ફિક્સ પગાર ચૂકવવામાં આવતો નથી, જેટલા નંગ હીરા પોલીશ કરે એટલી જ મજૂરી ચૂકવવાની મતલબ હીરાના કારીગરની ચોક્કસ ઇન્કમ ક્યારે પણ નક્કી થઇ શકી નથી.
રત્નકલાકારો સાથેનો આર્થિક અન્યાય આજકાલનો નથી હીરા ઉદ્યોગનો પ્રારંભ થયો તે દિવસથી જ છે. પરંતુ કારીગરો અસંગઠિત અને નેતૃત્વ વગરના હોવાથી ક્યારેય પણ પોતાના આર્થિક મુદ્દાને લઇને અવાજ ઉઠાવી શક્યા નથી અને કોઇ એકલદોકલ કારીગર અવાજ ઉઠાવવાનો પ્રયાસ કરે તો તેની આર્થિક રીતે બેહાલી અને અન્ય રીતે પણ કનડગત કરવામાં આવતી હોવાથી કારખાનામાલિકો સામે અવાજ ઉઠાવનારા ભીડમાં ખોવાઇ જાય છે. વળી પાછલા કેટલાક વર્ષોમાં કારખાના માલિકો એટલી હદે સધ્ધર થઇ ગયા છે કે હવે હીરાના કારખાના બંધ કરીને તાળા મારી દે તો પણ વાંધો નથી.કારણ મોટાભાગના હીરાના ઉદ્યોગકારો જમીન, બિલ્ડીંગ, ટેકસટાઇલ, કેમિકલ્સ, પ્લાસ્ટીક, એન્જિિનયરીંગ ઉપરાંત જાણી શકાય નહીં એવા ઉદ્યોગો તરફ વળી ગયા છે પરંતુ આ બધાના મૂળમા હીરાનો ધંધો અને રત્નકલાકોરોનો પરસેવા સમાયેલો છે. પાછલા વર્ષો માની લઇએ મંદીમાં પસાર થયા પરંતુ એવું પણ નથી કે ધંધો સાવ પડી ભાંગ્યો હતો પરંતુ ઉદ્યોગના મોટા માથાઓ પહેલા રડવાની શરૂઆત કરી દેતા હોવાથી જાણે હીરાઉદ્યોગ સાવ મરી પરવાર્યો હોવાનું ચિત્ર ઊભું કરવામાં આવે છે અને કારીગર વર્ગ સામે નોકરીની અસલામતિ ઊભી કરીને ડરનો માહોલ ઊભો કરવામાં આવે છે.પરિવર્તન એ સમયની પ્રક્રિયા છે. લેબગ્રોન એટલે કે સીવીડી ડાયમંડના ઉદય પછી રીઅલ ડાયમંડના માર્કેટને ચોક્કસ અસર પહોંચી હશે પરંતુ ડાયમંડ પોલીશ કરવાની મજુરીના દરમાં કોઇ ફરક પડ્યો નથી રત્નકલાકાર રીઅલ ડાયમંડ પોલીશ કરે કે લેબગ્રોન ડાયમંડ પોલીશ કરે તેમની કામગીરી ભૂતકાળમાં હતી એની એ જ રહેવા પામી છે. રીઅલ અને લેબગ્રોન ડાયમંડ વચ્ચેની વ્યાપારી સ્પર્ધાને કારણે કારખાના માલિકો, અને વેપારીઓના નફાના ધોરણો ચોક્કસ બદલાયા હશે. હવે લખલૂંટ કમાણી કરવાનુ કદાચ શક્ય નહીં હોય પરંતુ આનાથી રત્નકલાકારનું શોષણ કરવામાં આવે એ કઇ રીતે વ્યાજબી ગણી શકાય? રત્નકલાકાર હવે એકલો નથી. તેના ઘરમાં પણ ત્રીજી પેઢી ઉછરી રહી છે. આવા સંજોગોમાં રત્નકલાકારોના પરસેવાની કમાણી ઉપર અઢળક સંપત્તિમાં રાચતા હીરા ઉદ્યોગના મોભીઓએ રત્નકલાકારોના આર્થિક, સામાજિક, ઉત્થાન માટે કંઇક કરીને પણ કમાણીનું ઋણ ચૂકવીને ઉદ્યોગના વાલી તરીકે ઉભરી આવવું જોઇએ પણ નવાઇની વાત એ છે કે એક પણ ‘‘માંધાતા’’ને રત્નકલાકારોની વેદનાનું દર્દ સ્પર્શી શક્તું નથી.વળી એ પણ ભૂલવું જોઇએ નહીં કે રાજકીય અને સામાજિક જીવનમાં ‘મોટાભા’ થઇને ફરતા આગેવાનોને જ્યારે પણ રાજકીય તાકાત બતાવવાની જરૂર પડી હતી ત્યારે ત્યારે આજ રત્નકલાકારો પોતાનો રોજગાર ગુમાવીને રેલી અને આંદોલનમાં જોડાતા આવ્યા છે. કારણ રત્નકલકારોનો ખૂબ મોટો વર્ગ કારખાના માલિકોને હજુ પણ પોતાના ‘‘હામી’’ માને છે. પરંતુ કારખાના માલિકો માટે રત્નકલાકારની કારીગરથી વધુ વિસાત નથી!
વિતેલા ભૂતકાળને છોડો પરંતુ હાલમાં વરાછા, કતારગામ સહિતના હીરાઉદ્યોગથી પ્રભાવિત વિસ્તારમાં એક બે નહીં ચાર ચાર ધારાસભ્યો એક સાંસદ અને એક રાજ્યસભાના સાંસદ ભાજપના જ છે અને રાજ્ય અને કેન્દ્રમાં ભાજપની જ સરકાર છે છતાં રત્નકલાકારોની હાલત બદતર છે. સુરતના પાંચ ધારાસભ્યો અને બે સાંસદને એ વાતનો ચોક્કસ ખ્યાલ હશે કે કેટલા રત્નકલાકારોએ આર્થિક સંકડામણને કારણે આપઘાત કરી લીધા છે. પરંતુ એક પણ લોકપ્રતિનિધિએ ભાગ્યે જ પીડિત પરિવારની મુલાકાત લીધી હશે.વરાછાના ધારાસભ્ય કિશોર કાનાણી ઘણી વખત રત્નકલાકારો સહિત અન્ય પ્રશ્નોને લઇને સરકારને અકળામણ થાય એવું નિવેદન કરતા સાંભળવા મળે છે પરંતુ કાનાણી ‘બોલકા’ હોવાથી પક્ષની નેતાગીરી કે સરકાર તેમના નિવેદનને ગંભીરતાથી લેતી નથી. બાકી રાજ્યકક્ષાના શિક્ષણમંત્રી અને કામરેજ બેઠકના ધારાસભ્ય પ્રફુલ્લ પાનસેરિયા વાત વાતમાં રત્નકલાકારો કે અન્ય પ્રસંગોએ સંવેદના પ્રગટ કરતા આવ્યા છે પરંતુ તેમની સંવેદનાના આંસુ હજુ સુધી કોઇ પરિણામ લાવી શક્યા નથી, જ્યારે સુરત ઉત્તર બેઠકના ધારાસભ્ય કાંતિ બલર પાસે કે કરંજના ધારાસભ્ય પ્રવીણ ઘોઘારી પાસે કોઇ અપેક્ષા રાખવી નકામી છે. એ બે ધારાસભ્યો એવા છે જેના રાજકીય અિસ્તત્વનો પણ લોકોને ખ્યાલ નહીં હોય લોકો ભાજપને મત આપતા આવ્યા હોવાથી કાંતિ બલર અને પ્રવીણ ઘોઘારી નસીબના બળિયા પુરવાર થતા આવ્યા છે.
જ્યારે કતારગામના ધારાસભ્ય વિનુ મોરડીયા ચોક્કસ પાણીદાર છે, પરંતુ પક્ષની આંતરિક જુથબંધીમાં તેમને કોરાણે કરી દેવામાં આવ્યા છે મતલબ કે વિનુ મોરડીયા ઇચ્છે તો પણ રત્નકલાકારોના કે અન્ય જાહેર પ્રશ્નોનો નિકાલ લાવી શકે એવી સ્થિતિમાં નથી. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ વ્યક્તિગત રીતે વિનુ મોરડીયાની સાથે હશે પણ વિનુ મોરડીયા ભલામણ કરે એવું કોઇ પણ કામ કરી આપવાની ખુદ મુખ્યમંત્રી પણ ક્ષમતા ધરાવતા નથી.બાકી બચેલા સમગ્ર દેશમાં એકમાત્ર બિનહરીફ ચૂંટાઇ આવેલા નખશીખ ‘સુરતી’ સાંસદ મુકેશ દલાલે થોડા દિવસ પહેલા લોકસભામાં રત્નકલાકારોના પ્રશ્ને વાચા આપવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ લોકસભામાં મુકેશ દલાલના પ્રયાસોની નોંધ લીધી હોવાનું જણાતું નથી. જ્યારે રાજ્યસભામાં ચૂંટાયેલા સાંસદ ગોવિંદ ધોળકિયા આજકાલ મહાભારતના ‘‘સહદેવ’’ની ભૂમિકામાં છે. સમગ્ર હીરા ઉદ્યોગની કઠણાઇથી ગોવિંકકાકા વાકેફ છે પરંતુ કોઇક અગમ્ય કારણોસર હીરાઉદ્યોગના સવાલો, સમસ્યાને સરકાર સમક્ષ ઉઠાવી શકતા નથી.
આ તરફ કેન્દ્રીય મંત્રી ભાજપના પ્રદેશ અધ્યક્ષ અને ‘‘સર્વશક્તિમાન’’ સી.આર.પાટીલ ઇચ્છે તો રત્નકલાકારોની સમસ્યાનો ઉકેલ આવી શકે તેમ છે પરંતુ પાછલા કેટલાક સમયથી કોઇક કારણોસર સી.આર. પાટીલે ખાસ કરીને સૌરાષ્ટ્રવાસીઓ અને હીરાઉદ્યોગ પ્રત્યેથી પોતાની જાતને દૂર કરી લીધી છે બની શકે કે સી.આર.પાટીલને કડવા અનુભવો થયા હોયઅન્યથા જાહેર સમસ્યાઓનો ઉકેલ લાવવાના આગ્રહી સી.આર. પાટીલ કોઇ સમસ્યાથી દૂર ભાગે એવા સ્વભાવના નથી.ખેર, સુરતમાં લગભગ સાતથી આઠ લાખ રત્નકલાકાર પરિવારો હશે. આ એક એવો સમૂહ છે કે જેણે વખતો વખત ભાજપને જીતાડવા ગાંઠના ખર્ચીને પરસેવો પાડ્યો છે. પરંતુ આર્થિક કટોકટીના સમયે સરકાર કે સામાજિક આગેવાનો કોઇપણ રત્નકલાકારોની પડખે નથી!!
હીરા ઉદ્યોગમાંથી ક્રમશઃ સૌરાષ્ટ્રવાસી કારીગરોનું પ્રમાણ ઘટી રહ્યું. હવેની પેઢીના યુવાનો હીરા ઉદ્યોગમાં આવવા માંગતા નથી બલ્કે યુ.પી, બિહાર, મધ્યપ્રદેશ, ઓરિસ્સા જેવા રાજ્યોના યુવાનો હીરા ઘસવાના ઉદ્યોગમાં આવી રહ્યા છે. બની શકે કે આગામી સમયમાં યુનિયન પ્રવૃત્તિને વેગ મળશે તો હીરાના કારખાના ચલાવવાનું મુશ્કેલ થઇ પડશે.અત્રે એ પણ ઉલ્લેખનિય છે કે ઘણા કારખાના આધુનિક બન્યા છે. રત્નકલાકારોને બપોરના સમયે જમવાનું પણ આપે છે. વળી કેટલાક કારખાના એરકન્ડીશન્ડ પણ છે. પરંતુ રત્નકલાકારોને ફિક્સ પગાર કે ભવિષ્યનુ પેન્શન નથી મતલબ કારીગરે કોઇક કારણોસર નોકરી છોડવી પડે તો તેમણે બચાવેલી મૂડી સિવાય કંઇજ હાથમાં રહેતું નથી.