Home Blog Page 481

મદરેસા શિક્ષકને 187 વર્ષની કેદની સજા, જાણો

0

કેરળના કન્નુરમાં પોક્સો કોર્ટે એક મદરેસા શિક્ષકને 187 વર્ષની કેદની સજા સંભળાવી છે. મદરેસામાં શિક્ષણ આપતા મૌલવી પર 13 વર્ષની સગીર બાળકીનું જાતીય શોષણ કરવાનો આરોપ હતો. કોવિડ લોકડાઉન દરમિયાન 41 વર્ષીય આરોપી મોહમ્મદ રફીએ વિદ્યાર્થિની પર અનેકવાર બળાત્કાર ગુજાર્યો હતો. આ પહેલાં 2018 માં પણ તેના પર સગીરા પર બળાત્કારનો આરોપ લાગ્યો હતો, અને તે તે કેસમાં પહેલેથી જ સજા ભોગવી રહ્યો છે.

વકીલે જણાવ્યું હતું કે 13 વર્ષની છોકરી મદરેસામાં ભણવા જતી હતી. થોડા દિવસોથી તેનું વર્તન બદલાતું રહ્યું. તેના માતાપિતા ચિંતા કરવા લાગ્યા. છોકરી પોતાના અભ્યાસ પર પણ ધ્યાન કેન્દ્રિત કરી શકતી ન હતી. જ્યારે માતા-પિતા તેને કાઉન્સેલર પાસે લઈ ગયા, ત્યારે છોકરીએ બધું સત્ય કહી દીધું. તેણે જણાવ્યું કે મદરેસાના મૌલવી તેનું જાતીય શોષણ કરતા હતા.

મળતી માહિતી મુજબ, વારંવાર ગુનાઓને કારણે, POCSO કોર્ટે આરોપી શિક્ષકને આટલી લાંબી સજા ફટકારી છે. તેને POCSO એક્ટની કલમ 5(T) હેઠળ 5 લાખ રૂપિયાનો દંડ અને પાંચ વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી. આ ઉપરાંત, કલમ 5 (F) હેઠળ વિશ્વાસ ભંગની સજા 35 વર્ષની જેલ અને 1 લાખ રૂપિયાનો દંડ છે. વારંવાર જાતીય શોષણ કરવા બદલ તેને 35 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી.

અંગદાનની જાગ્રતિ માટે સુરતની ટીમે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે 401 મીટર સાડી પ્રદર્શિત કરી

બ્રેઈનડેડ થવાના બનાવોમાં અંગદાતા પરિવાર દ્વારા સ્વજનના કિડની, લીવર, હૃદયના દાનથી હજારો જરૂરિયાતમંદ નાગરિકોને નવજીવન મળે છે, ત્યારે અંગદાન પ્રત્યે મહત્તમ લોકો જાગૃત્ત થાય એ ઉદ્દેશથી અંગદાન મહાદાન જનજાગરણ અભિયાનના પ્રણેતા દિલીપદાદા દેશમુખના માર્ગદર્શનમાં વિશ્વના અગ્રણી પ્રવાસન સ્થળ એવી વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સુરત નવી સિવિલ હોસ્પિટલની ટીમ દ્વારા અંગદાન જાગૃત્તિનો સંદેશ આપતી ૪૦૧ મીટર લાંબી સાડી તેમજ પોસ્ટરો, પ્લેકાર્ડસ અને બેનરો સાથે પ્રવાસીઓને અંગદાન પ્રત્યે જાગૃત્ત કરવામાં આવ્યા હતા.

નર્મદા જિલ્લાના એકતાનગર સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટીના માધ્યમથી સમગ્ર રાજ્ય અને દેશમાં અંગદાન પ્રત્યે સમજ કેળવાય અને બ્રેઈનડેડ નાગરિકોમાં કિસ્સાઓમાં અવશ્ય ઓર્ગન ડોનેટ થાય એવો ઉમદા પ્રયાસના ભાગરૂપે નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ શ્રી ઈકબાલ કડીવાલાએ આયોજિત કરેલા પહેલરૂપ કાર્યક્રમમાં સુરતની નવી સિવિલની ટીમ, નર્સિંગ વિદ્યાર્થીઓ, નર્સિંગ સ્ટાફ, સ્થાનિક પોલીસ, આરોગ્યકર્મીઓના સહયોગથી 401 મીટર સાડી વડે દેશમાં પ્રથમવાર અંગદાન માટેની લોકજાગૃતિની વિશેષ પહેલ કરાઈ હતી. ઉપસ્થિત સૌએ સરદાર સાહેબની પ્રતિમા સામે અંગદાનની જ્યોતને ઘર-ઘર સુધી જલાવવા અને દેશભરમાં પ્રજ્વલિત કરવા સાથે બ્રેઈનડેડ થવાના કિસ્સાઓમાં અચૂક અંગદાન થાય એવા સામૂહિક સંકલ્પ ગ્રહણ કર્યા હતા.

નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ શ્રી ઈકબાલ કડીવાલાએ જણાવ્યું હતું કે, અંગદાન મહાદાન અભિયાનનો સંદેશ ઘર-ઘર સુધી સંદેશો પહોંચે અને તે જનઆંદોલનમાં પરિવર્તિત થાય, તેમજ બ્રેઈનડેડ થવાના બનાવોમાં અચૂક અંગદાન થાય એવો અમારો આ પ્રયાસ છે. કારણ કે બ્રેઈનડેડ વ્યક્તિના હૃદય, ફેફસાં સહિત ૨૫ અંગ અન્ય જરૂરિયાત લોકો માટે કામમાં આવે છે. એક બ્રેઈનડેડ વ્યક્તિના પરિજનો સ્વજનના અંગો દાન કરી એક સાથે નવ લોકોને જીવનદાન આપી શકે છે.

મુખ્યમંત્રી નિવાસ બહાર ઘેરાવ કરતાં કન્હૈયા કુમાર અને નેતાઓ સામે કાર્યવાહી

0

બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારના નિવાસ સ્થાને દેખાવો કરવા જઈ રહેલાં કોંગ્રેસ નેતા કન્હૈયા કુમારની પટણા પોલીસે અટકાયત કરી છે. પોલીસે કન્હૈયાની સાથે સાથે યુથ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ ઉદયભાન અને સ્ટેટ પ્રેસિડન્ટ ગરીબદાસ સહિત 30થી વધુ કોંગ્રેસ કાર્યકરોની અટકાયત કરી છે.

મુખ્યમંત્રી આવાસ પર દેખાવો કરવા જઈ રહેલાં કોંગ્રેસના કાર્યકરોને અટકાવવા માટે પોલીસે વોટર કેનનનો ઉપયોગ કર્યો હતો. પરંતુ કોંગ્રેસે પીછેહટ ન કરતાં પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ દ્વારા કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરાયા બાદ મામલો થાળે પડ્યો હતો.

કન્હૈયા કુમારના નેતૃત્વ હેઠળ કોંગ્રેસે 16 માર્ચથી પશ્ચિમી ચંપારણના ભિતિહરવાં સ્થિત ઐતિહાસિક ગાંધી આશ્રમથી ‘પલાયન રોકો, નોકરી દો’ સુત્રોચ્ચાર સાથે પદયાત્રાની શરૂઆત કરી હતી. જે આજે પટના પહોંચી પૂર્ણ થઈ હતી. ત્યારબાદ કન્હૈયા કુમાર કોંગ્રેસના કાર્યકરો સાથે મુખ્યમંત્રીના નિવાસ સ્થાને દેખાવો કરવા જઈ રહ્યા હતાં.

વારાણસી એરપોર્ટ પર પગ મૂકતા જ પીએમ મોદી એક્શનમાં, માંગ્યો કમિશનર પાસે રિપોર્ટ, જાણો મામલો

0

વડા પ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે બાબતપુર એરપોર્ટ પર ઉતરતાની સાથે જ તેમને આવકારવા માટે રનવે પર હાજર વારાણસી પોલીસ કમિશનર, ડિવિઝનલ કમિશનર અને કલેક્ટર પાસેથી વારાણસી ગેંગ રેપ કેસ વિશે સંપૂર્ણ માહિતી લીધી. એરપોર્ટ પર, પીએમ મોદી ત્રણેય અધિકારીઓ સાથે આ કેસ અંગે અલગ-અલગ વાત કરતા જોવા મળ્યા. વારાણસીમાં, એક 19 વર્ષની છોકરી પર 23 છોકરાઓએ 6 દિવસ સુધી વારાફરતી અલગ અલગ જગ્યાએ બળાત્કાર ગુજાર્યો. 29 માર્ચે, છોકરીને તેનો એક મિત્ર લઈ ગયો હતો, જેને સૌથી પહેલા તેના પર બળાત્કાર ગુજાર્યો. ત્યારબાદ છોકરાઓ અને જગ્યાઓ બદલાતી રહી અને આગામી 6 દિવસ સુધી 23 છોકરાઓએ યુવતી સાથે ક્રૂરતા આચરી. પોલીસે 10 આરોપીઓની ધરપકડ કરી લીધી હતી.

PMએ સ્પષ્ટ સૂચના આપી કે આ ઘટનામાં સામેલ તમામ ગુનેગારોની ઓળખ કરવામાં આવે અને તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવે. તેમણે કહ્યું કે કાયદો અને વ્યવસ્થાને કોઈપણ કિંમતે નબળી પાડી શકાય નહીં. તેમણે અધિકારીઓને નિર્દેશ આપ્યો કે ભવિષ્યમાં આવી ઘટનાઓનું પુનરાવર્તન અટકાવવા માટે નક્કર અને અસરકારક વ્યવસ્થા કરવી પડશે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી વારાણસીથી પૂર્વાંચલને 44 વિકાસ યોજનાઓ ભેટ આપવા માટે આજે તેમના લોકસભા મતવિસ્તારની 50મી મુલાકાતે પહોંચ્યા છે. નિર્ધારિત સમય કરતાં 24 મિનિટ વહેલા કાશી પહોંચેલા પીએમ મોદીએ રનવે પર તેમનું સ્વાગત કરવા ઉભા રહેલા પોલીસ અને વહીવટીતંત્રના કમિશનર અને ડીએમ પાસેથી અલગથી આ કેસ વિશે માહિતી લીધી.

પાટણની કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, બોમ્બ સ્કવોડ પહોંચી

પાટણ જિલ્લાના કલેક્ટર કચેરીના મેલ આઈડી પર બોમ્બ મુકાયો હોવાનો ઇમેઇલ મળતાં હડકંપ મચી ગયો છે. ઇમેઇલમાં બપોરે ત્રણ વાગ્યા સુધીમાં કલેક્ટર કચેરીમાં બ્લાસ્ટ થવાની શક્યતા દર્શાવવામાં આવી છે. આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા છે.

જિલ્લા કલેક્ટરે તાત્કાલિક તમામ કચેરીઓ ખાલી કરાવવાનો આદેશ આપ્યો છે અને અધિકારીઓ તથા કર્મચારીઓને ઘરે મોકલી દેવામાં આવ્યા છે. આ સાથે, કચેરીના આસપાસની સુરક્ષા વધારવામાં આવી છે. બોમ્બ સ્કવોડ ઘટના સ્થળે દોડી ગઈ.

પાટણ કલેક્ટરના મેઇલ આઇડી પર બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. પાટણ કલેક્ટર ઓફિસમાં 3 વાગ્યે બોમ્બની ધમકી મળી હતી. પાટણમાં 200થી વધુ કર્મચારીઓને ઓફિસમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. IED બ્લાસ્ટ થવાની ધમકીને પગલે પોલીસનો કાફલો પણ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.

પાટણના કલેક્ટર અરવિંદ વિજયનના ઇમેઇલ આઇડી પર બોમ્બથી ઉડાવી દેવાની ધમકીનો મેઇલ આવ્યો હતો. પાટણ જિલ્લા પોલીસ કમિશનરની ટીમનો કાફલો કલેક્ટર કચેરીએ પહોંચી ગયો હતો. પાટણ કલેક્ટર કચેરીના કેમ્પસમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. આ ધમકી ભરેલો મેઇલ મજાક મસ્તીમાં કરવામાં આવ્યો છે કે કેમ તેને લઇને પણ તપાસ કરવામાં આવી રહી છે.

મુંબઈ હુમલાથી લઈને આતંકવાદી તહવ્વુર રાણાના રિમાન્ડ સુધી, વાંચો…….

0

મુંબઈ હુમલાના આરોપી આતંકવાદી તહવ્વુર રાણાને દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે 18 દિવસના NIAએ રિમાન્ડ પર મોકલ્યો છે. આતંકવાદી તહવ્વુર રાણાને અમેરિકાથી પ્રત્યાર્પણ કરીને ભારત લાવવામાં આવ્યો હતો. ભારત આવતાની સાથે જ તેની ધરપકડ કરવામાં આવી. તેને પાલમ એરપોર્ટના ગેટ નંબર 4 પરથી પટિયાલા કોર્ટમાં લઈ જવામાં આવ્યો હતો. તહવ્વુર રાણાના રિમાન્ડ અંગેની સુનાવણી સ્પેશિયલ એનઆઇએ જજ ચંદ્રજીત સિંહની કોર્ટમાં થઈ હતી. જોકે,એનઆઇએએ કોર્ટ પાસેથી તહવ્વુર રાણાના 20 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. એનઆઇએ એ તહવ્વુર રાણા વિરુદ્ધ કોર્ટમાં તમામ પુરાવા રજૂ કર્યા હતા.

  • 26 નવેમ્બર 2008: આતંકવાદીઓ દરિયાઈ માર્ગે મુંબઈ પહોંચ્યા અને મુખ્ય સ્થળોએ હુમલો કર્યો. અજમલ અમીર કસાબની મુંબઈ પોલીસે ધરપકડ કરી હતી
  • 5 ફેબ્રુઆરી, 2009: કેસમાં ચાર્જશીટ દાખલ
  • 27 ઓક્ટોબર 2009: તહવ્વુર હુસૈન રાણા અને ડેવિડ કોલમેન હેડલીની યુએસમાં એફબીઆઈ દ્વારા ધરપકડ
  • નવેમ્બર 11, 2009: NIAએ દિલ્હીમાં હેડલી, રાણા અને અન્યો સામે કેસ નોંધ્યો
  • 6 મે 2010: મુંબઈની વિશેષ અદાલતે કસાબને ફાંસીની સજા સંભળાવી
  • 9 જાન્યુઆરી 2011: રાણાને યુએસ ડિસ્ટ્રિક્ટ કોર્ટે 14 વર્ષની જેલની સજા ફટકારી હતી
  • 21 નવેમ્બર 2012: કસાબને પુણેની યરવડા જેલમાં ફાંસી આપવામાં આવી.

પ્રત્યાર્પણ અને કાનૂની કાર્યવાહી

  • 24 ડિસેમ્બર 2011: NIAએ રાણાના પ્રત્યાર્પણ માટે યુએસને વિનંતી મોકલી
  • 21 જાન્યુઆરી 2025: યુએસ સુપ્રીમ કોર્ટે રાણાની અરજી સાંભળવાનો ઇનકાર કર્યો
  • 13 ફેબ્રુઆરી 2025: યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે રાણાના પ્રત્યાર્પણની જાહેરાત કરી
  • 27 ફેબ્રુઆરી 2025: રાણાએ યુએસ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી, જે માર્ચમાં નકારી કાઢવામાં આવી
  • 7 એપ્રિલ 2025: યુએસ સુપ્રીમ કોર્ટે રાણાની સમીક્ષા અરજી ફગાવી
  • 10 એપ્રિલ 2025: રાણાનું યુએસમાંથી પ્રત્યાર્પણ
  • 11 એપ્રિલ 2025: NIAએ કોર્ટમાં રાણાના 20 દિવસના રિમાન્ડની માંગણી કરી, જે આંશિક રીતે સ્વીકારવામાં આવી અને તેને 18 દિવસના રિમાન્ડ પર મોકલવામાં આવ્યો. હવે રાણાને NIA હેડક્વાર્ટરમાં રાખવામાં આવ્યા છે.

પાલમ એરપોર્ટ પર પહોંચ્યા પછી, રાણાને ભારત લાવવા સંબંધિત કેટલાક કાગળની કાર્યવાહી લાંબા સમય સુધી કરવામાં આવી હતી. NIAની ટીમે કોર્ટ પાસે તહવ્વુર રાણાની કસ્ટડીની માંગણી કરી હતી. કોર્ટની મંજૂરી બાદ તેને NIA ઓફિસ લઈ જવામાં આવ્યો હતો. હવે NIAની ટીમ તહવ્વુર રાણાની 18 દિવસ સુધી પૂછપરછ કરશે.

NIAએ કોર્ટમાં શું કહ્યું?
NIAએ પોલીસ કસ્ટડીની માંગ કરતી વખતે ઈમેલ સહિતના મજબૂત પુરાવા ટાંક્યા છે. NIAએ કોર્ટને કહ્યું છે કે ષડયંત્રનો પર્દાફાશ કરવા માટે આરોપીની કસ્ટોડિયલ પૂછપરછ જરૂરી છે. NIAએ એમ પણ કહ્યું છે કે રાણાએ અન્ય કાવતરાખોરો સાથે મળીને આતંકવાદી કૃત્યો કરવા માટે ગુનાહિત કાવતરું ઘડ્યું હતું. કોર્ટે રાણાને એમ પણ પૂછ્યું હતું કે શું તે પોતાના વકીલને રાખવા માંગે છે કે પછી કોર્ટે તેમને કાનૂની સહાય પૂરી પાડવી જોઈએ.

NIAએ સત્તાવાર નિવેદનમાં શું કહ્યું
મુંબઈ આતંકી હુમલાના આરોપી તહવ્વુર રાણાને અમેરિકાથી ભારત લાવવામાં આવ્યા બાદ પાલમ એરપોર્ટ પર ઉતરતાની સાથે જ NIA દ્વારા તેની ધરપકડ કરવામાં આવી હતી. આ ધરપકડને લઈને NIAનું સત્તાવાર નિવેદન બહાર આવ્યું છે. જેમાં NIAએ માહિતી આપી હતી કે 26/11ના માસ્ટરમાઇન્ડ તહવ્વુર રાણાની NIA દ્વારા દિલ્હી એરપોર્ટ પરથી ધરપકડ કરવામાં આવી છે.

તહવ્વુર રાણાના વકીલે શું કહ્યું?
મુંબઈ હુમલાના આરોપી તહવ્વુર રાણાને 18 દિવસની NIA કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે. તહવ્વુર રાણાના વકીલ, દિલ્હી સ્ટેટ લીગલ સર્વિસીસ ઓથોરિટીએ જણાવ્યું હતું કે NIAએ 20 દિવસની કસ્ટડી માંગી હતી અને ઘણી વિચાર-વિમર્શ બાદ કોર્ટે 18 દિવસની કસ્ટડી મંજૂર કરી હતી. જો NIAને વધુ સમયની જરૂર હોય તો તેમણે અરજી કરવી જોઈએ.

ગુજરાત: 7 વર્ષીય છોકરીની હત્યાનો ભેદ ઓરિયોનો સુગંધાળુ પ્રયાસથી ઉકેલાયો!

અમદાવાદના ચાંગોદરમાં 7 વર્ષીય છોકરીની હત્યાના આરોપીની પોલીસે ધરપકડ કરી છે. ચાંગોદર પોલીસે હત્યારા સુધી પહોંચવા માટે FSL અને ડોગ સ્ક્વોડની પણ મદદ લીધી હતી. ડોગ સ્ક્વોડના ઓરિયો નામના કૂતરાએ પોલીસને માત્ર 14 કલાકમાં હત્યારા સુધી પહોંચવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.

ચાંગોદર પોલીસે જણાવ્યું કે, હત્યારા સુધી પહોંચવા માટે 6 ટીમો બનાવવામાં આવી હતી અને 40થી વધુ CCTV ફૂટેજની તપાસ કરવામાં આવી હતી. બાવળા-સરખેજ હાઈવે પર રસમધુર કંપનીની જગ્યામાં પાતરાના શેડમાં રહેતા 100થી વધુ કામદારોની અટકાયત કરીને પૂછપરછ કરવામાં આવી હતી. FSL સાથે ડોગ સ્ક્વોડ ટીમ પણ તપાસમાં જોડાઈ હતી. ત્યારબાદમાં, ડોગ સ્ક્વોડના ઓરિયો નામના શ્વાને છોકરી પાસે મળેલા એક કાપડની ગંધની મદદથી પોલીસને 30 વર્ષીય આરોપી રવિન્દ્ર મોજિસાવ સુધી પહોંચાડવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. જ્યારે ઓરિયોએ જ્યારે પોલીસને રવિન્દ્ર પાસે પહોંચાડી તો તે પોલીસના સવાલોથી પોતાને બચાવી ન શક્યો અને તેણે પોતે જ છોકરીની હત્યા કર્યાની કબૂલાત કરી.

આરોપી રવિન્દ્ર મૂળ બિહારના ગયાનો રહેવાસી છે. રવિન્દ્ર 2 મહિના અગાઉ જ અમદાવાદ આવ્યો હતો. આરોપી રવિન્દ્રનો પરિવાર બિહારના ગયામાં રહે છે. રવિન્દ્ર અમદાવાદ આવ્યો અને મજૂર તરીકે કામ જ કરતો હતો. આરોપીએ 7 એપ્રિલના રોજ છોકરીની હત્યા કરી હતી. આ અગાઉ, તેણે પોતાના ઘરની નજીક છોકરીને એકલી રમતી જોઈ, તો છોકરીને બિસ્કિટ આપવાના બહાને, તેણે છોકરીને પોતાની પાસે બોલાવી અને તેના પર બળાત્કાર કરવાનો પ્રયાસ કર્યો. પરંતુ જ્યારે છોકરી રડવા લાગી અને ચીસો પાડવા લાગી, ત્યારે રવિન્દ્ર ડરી ગયો અને તેણે માસૂમ છોકરીના માથા પર ઈંટ મારીને તેની હત્યા કરી દીધી હતી.

અમેરિકામાં ફરી હેલિકોપ્ટર ક્રેશ, પાઈલટ સહિત 6ના મોત

ગુરુવારે અમેરિકાના ન્યૂ યોર્ક શહેરના મેનહટન ખાતે હડસન નદીમાં એક દુઃખદ હેલિકોપ્ટર અકસ્માત સર્જાયો હતો, જેમાં સવાર તમામ 6 વ્યક્તિઓના જીવ ગયા હતા. આ ઘટના લોઅર મેનહટન અને જર્સી સિટીની વચ્ચે બની હતી, જેના કારણે બંને વિસ્તારોમાં ઇમરજન્સી સેવાઓ તાત્કાલિક સક્રિય થઈ ગઈ હતી. સ્થાનિક સમાચાર માધ્યમોએ અધિકારીઓના હવાલાથી જણાવ્યું કે આ અકસ્માત બપોરના સમયે થયો હતો.

ન્યૂ યોર્કના મેયર એરિક એડમ્સે આ ઘટના અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, એક પ્રવાસી હેલિકોપ્ટર, જે ન્યૂ યોર્કના નજારાનો આનંદ માણવા માટે ઉડાન ભરી રહ્યું હતું, તે હડસન નદીમાં ક્રેશ થયું હતું. આ દુર્ઘટનામાં 3 બાળકો સહિત કુલ 6 લોકોના મોત થયા હતા. મૃતકોમાં હેલિકોપ્ટરનો પાયલોટ અને 5 મુસાફરોનો સમાવેશ થાય છે, જેઓ એક સ્પેનિશ પરિવારના સભ્યો હતા. હેલિકોપ્ટરે બપોરે 2:59 વાગ્યે ઉડાન ભરી હતી, પરંતુ થોડી જ વારમાં તેણે નિયંત્રણ ગુમાવ્યું હતું. બપોરે લગભગ 3:15 વાગ્યે તે લોઅર મેનહટન નજીક નદીમાં પટકાયું અને સંપૂર્ણપણે પાણીમાં ડૂબી ગયું.

ન્યૂ યોર્ક પોલીસ વિભાગ (NYPD) એ આ ઘટના અંગે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર માહિતી શેર કરી હતી. તેમણે જણાવ્યું કે હેલિકોપ્ટર વેસ્ટ સાઇડ હાઇવે અને સ્પ્રિંગ સ્ટ્રીટની નજીક હડસન નદીમાં ક્રેશ થયું હતું. આ વિસ્તારમાં ઇમરજન્સી વાહનોની અવરજવર અને ટ્રાફિકની ભીડની શક્યતા રહેલી હોવાનું પણ તેમણે ઉલ્લેખ્યું હતું. ઘટના બપોરે 3:15 વાગ્યાની આસપાસ બની હતી, જે વેસ્ટ હ્યુસ્ટન સ્ટ્રીટ અને વેસ્ટ સ્ટ્રીટના આંતરછેદ નજીક, પિયર 40ની આસપાસના વિસ્તારમાં થઈ હતી.

અમરનાથ યાત્રાના સર્ટીફિકેટ મેળવવા સુરતની સિવિલ હોસ્પિટલમાં ભારેભીડ, પોલીસને દોડવું પડ્યું

સુરત નવી સિવિલ હોસ્પિટલ આજથી અમરનાથજી યાત્રા માટે મેડીકલ ફીટનેસ સર્ટીફિકેટ આપવાની કામગીરી શરૂ કરાઇ હતી. સિવિલ કેમ્પસના જુના એમ.આઇ.સી.યુ. બિલ્ડીંગનાં ગ્રાઉન્ડ ફ્લોર ખાતે મોટી સંખ્યામાં લોકોની ભીડ ઉમટી પડી હતી. સવારે 6 વાગ્યાથી લોકો સર્ટી માટે લાઈનમાં ઉભા રહી ગયા હતા. ભમ ભમ ભોલે અને હર હર મહાદેવ ના નારાની ગુંજ સાથે લોકોએ ભક્તિમય વાતાવરણ બનાવી દીધું હતું. જોકે મોટી સંખ્યામાં આવેલા ભક્તોને લઈ અફરા તફરીનો માહોલ સર્જાતા લોકો એક સાથે ભીડમાં MICU માં ઘૂસવાનો પ્રયાસ કરતા શટલ ની જાળી તૂટી ગઈ હતી. જોકે ઘટનાની જાણ બાદ પોલીસ દોડી આવતા માહોલ શાંત થઈ ગયો હતો.ત્યારબાદ ફરી સર્ટીની કામગીરી શરૂ કરાઇ હતી.

યાત્રીઓને અગવડતા ન રહે તે હેતુ એ કેસબારી, તબીબો, લેબોરેટરી રૂમ તથા ઇ.સી.જી. ની અલાયદી વ્યવસ્થા અને એક છત નીચે તમામ સુવિધા ઉભી કરવામાં આવી છે. શ્રી અમરનાથજી યાત્રાએ જનારા યાત્રાળુએ પોતાની સાથે નંગ-4(ચાર) પાસપોર્ટ સાઇઝ ફોટા, આઇ.ડી. પ્રૂફ (આધાર કાર્ડ, પાન કાર્ડ, વોટીંગ કાર્ડ, ડ્રાઇવીંગ લાઇસન્સ પૈકી કોઇપણ એક) અસલ તથા ઝેરોક્ષ નકલ તેમજ કમ્પલસરી હેલ્થ સર્ટીફિકેટ ફોર્મ (બે નકલમાં) સાથે રૂબરૂમાં આવવાનું રહેશે.

સરકારના પ્રવર્તમાન પરિપત્ર/ગાઇડલાઇન અનુસાર 13 વર્ષથી નીચેનાં અને 70 વર્ષ ઉપરનાં વ્યક્તિઓ, ગર્ભવતી મહિલાઓ, હૃદયની બાયપાસ સર્જરી અને સ્ટેન્ટ મુકવામાં આવેલ હોય તેવા વ્યક્તિઓને મેડીકલ સર્ટીફિકેટ ઇસ્યુ કરવામાં આવશે નહીં. તેમ નવી સિવિલ હોસ્પિટલના તબીબી અધીક્ષકની યાદીમાં જણાવાયું છે.

વેસુ ખાતે હેપ્પી એક્સલેન્સિયાના 7મા માળે લાગેલી આગ 3 માળ સુધી ફેલાઈ, ગૃહ રાજ્યમંત્રી ઘટના સ્થળે

સુરતના વેસુમાં લક્ઝુરિયસ ફ્લેટમાં આગ લાગી છે. હેપ્પી એક્સલેન્સિયા બિલ્ડિંગના સાતમાં માળે અચાનક આગ લાગી હતી અને તે પ્રસરીને ઉપરના અન્ય બે માળમાં પણ ફેલાઈ ગઈ હતી. આગે વિકરાળ રૂપ ધારણ કરતા બિલ્ડિંગમાં રહેતા લોકોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો. ઘટનાની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા 5 ફાયર સ્ટેશનની ટીમને ઘટનાસ્થળે રવાના કરાઈ હતી. હાલમાં ફાયર વિભાગની ટીમો દ્વારા આગને કાબૂમાં લેવાના પ્રયાસ થઈ રહ્યા છે. આગને બુઝાવવાની કામગીરી સમયે એક ફાયર જવાનનો હાથ દાઝ્યો છે.

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું ઘર પણ આ બિલ્ડિંગની સામે જ આવેલું હોવાથી તેઓને જાણ થતાં ઘટનાસ્થળે દોડી આવ્યાં હતાં. હાજર અધિકારીઓ પાસેથી માહિતી મેળવી તેમની નજર હેઠળ હાલ આગને કાબુમાં લેવાની કામગીરી ચાલી રહી છે. બિલ્ડિંગમાં રહેતાં લોકોને તાત્કાલિક સહી સલામત બહાર કાઢી લેવામાં આવ્યાં હતાં.

ફાયર વિભાગ પાસેથી મળતી માહિતી પ્રમાણે, વેસુ વિસ્તારમાં આવેલી હેપ્પી એક્સલેન્સિયા નામની રેસિડેન્સીમાં આગ લાગવાનો ફાયર વિભાગને કોલ મળ્યો હતો. રેસિડેન્સીમાં આગ લાગી હોવાને પગલે ગંભીરતાથી પાંચ ફાયર સ્ટેશનની 10 જેટલી ગાડીઓ મોકલવામાં આવી છે. હાલ ફાયર વિભાગના જવાનો દ્વારા પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.