Home Blog Page 4

ભેંસોના તબેલામાં સ્કૂલ હોવાનો દાવો, નિરીક્ષણ દરમિયાન બવાલ; આશુતોષ રાંકાએ ખોલ્યો આખો મામલો

0

જયપુરના બગરુમાં જર્જરિત સરકારી શાળાની હકીકત જાણવા પહોંચેલી કોકરોચ જનતા પાર્ટી (CJP)ની ટીમ સાથે કથિત મારામારીની ઘટના સામે આવી છે. CJPના કો-કન્વીનર આશુતોષ રાંકાએ આરોપ લગાવ્યો છે કે તેમની ટીમ પર હુમલો કરવામાં આવ્યો, તેમની શર્ટ ફાડી નાખવામાં આવી અને વાહનોના કાચ તોડી નાખવામાં આવ્યા હતા. ઘટનાને પગલે તેણે શિક્ષણ મંત્રી મદન દિલાવરને 48 કલાકનું અલ્ટીમેટમ આપતા કાર્યવાહી નહીં થાય તો સમગ્ર રાજસ્થાનમાં આંદોલનની ચેતવણી આપી હતી.

રિપોર્ટ મુજબ, રાંકા સહિત CJPના કાર્યકરો જયપુરના બગરુ વિસ્તારના રામપુરા-કનવરપુરા ગામમાં આવેલી પ્રાથમિક શાળાનું નિરીક્ષણ કરવા પહોંચ્યા હતા. CJPનો દાવો છે કે શાળા લાંબા સમયથી જર્જરિત હાલતમાં છે અને તેના પરિસરનો ઉપયોગ યોગ્ય રીતે થતો નથી.

રાંકાના જણાવ્યા અનુસાર, સ્થળ પર પહેલેથી કેટલાક લોકો હાજર હતા અને તેમની ટીમનો વિરોધ શરૂ થયો હતો. તેમણે આરોપ મૂક્યો કે કાર્યકરો સાથે મારામારી કરવામાં આવી, એક સ્વયંસેવકને ઇજા થઈ અને મહિલાઓ સાથે પણ દુર્વ્યવહાર કરવામાં આવ્યો હતો. રાંકાએ એવો પણ દાવો કર્યો કે તેમની ગાડીઓના કાચ તોડવામાં આવ્યા હતા.તેણે કહ્યું કે પોલીસને અગાઉથી જાણ કરવામાં આવી હોવા છતાં સ્થિતિ નિયંત્રિત કરવામાં પૂરતી કાર્યવાહી થઈ નહોતી.

રાંકાએ શિક્ષણ મંત્રી મદન દિલાવરને 48 કલાકમાં જવાબદાર લોકો સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે. તેનું કહેવું છે કે માંગ નહીં સ્વીકારાય તો CJP રાજસ્થાનભરમાં આંદોલન કરશે અને મંત્રીના રાજીનામાની માંગ પણ ઉઠાવશે.

પેલેટ ગન વિવાદમાં મોટો વળાંક! ઘાયલ વિદ્યાર્થીને લઈને રાહુલ ગાંધી થાણા બહાર ધરણા પર

0

દિલ્હીના જંતર-મંતર પર થયેલા CJP પ્રદર્શનનો પેલેટ ગન વિવાદ ફરી ગરમાયો છે. આજે, 21 ઓગસ્ટે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી 19 વર્ષીય ઘાયલ વિદ્યાર્થી સાહિલ લોચબને સાથે લઈને સંસદ માર્ગ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. અહીં તેમણે પેલેટથી થયેલી ઈજાના મામલે પોલીસ ફરિયાદ અને FIR નોંધવાની માંગ કરી હતી. અહેવાલો મુજબ, DCP કચેરી ખાતે ફરિયાદ બાદ રાહુલ ગાંધી ધરણા પર પણ બેઠા હતા.

સાહિલ લોચબ 20 જુલાઈના CJPના ‘સંસદ ચલો’ માર્ચ દરમિયાન ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. પરિવાર અને વિવિધ અહેવાલો અનુસાર, તેની જમણી આંખમાં પેલેટ વાગવાથી દ્રષ્ટિ પર ગંભીર અસર થઈ હતી અને તેને AIIMS ટ્રોમા સેન્ટરમાં સારવાર તથા સર્જરી કરાવવી પડી હતી. પરિવારનું કહેવું હતું કે આંખની દ્રષ્ટિ પાછી આવવાની શક્યતા અત્યંત ઓછી છે.

પેલેટ ગનના ઉપયોગને લઈને દિલ્હી પોલીસે શરૂઆતમાં ફાયરિંગનો ઇનકાર કર્યો હતો. જોકે બાદમાં મીડિયા દ્વારા સામે આવેલી પોલીસની જનરલ ડાયરીની એન્ટ્રીમાં 20 જુલાઈની કાર્યવાહી દરમિયાન પ્લાસ્ટિક પેલેટના બે રાઉન્ડ ચલાવવાનો ઉલ્લેખ મળ્યો હતો.

આ મુદ્દે રાહુલ ગાંધી સંસદમાં પણ ગૃહમંત્રી અમિત શાહ સામે સવાલ ઉઠાવી ચૂક્યા છે. સરકારે તેમના આરોપોને આધારહીન ગણાવ્યા હતા. હવે FIRની માંગને લઈને રાહુલ ગાંધી સીધા પોલીસ સ્ટેશન પહોંચતા મામલો ફરી રાજકીય રીતે ગરમાયો છે.

Video: આરક્ષણના વિરોધમાં પ્રદર્શન, જંતર-મંતરને લઈને પોલીસનો મોટો નિર્ણય

0

દિલ્હીના જંતર-મંતર પર ફરી એક વાર આંદોલનની ચર્ચા સામે આવી રહી છે. આજે ‘આરક્ષણ હટાવો’ના નારા સાથે એકઠા થયેલા પ્રદર્શનકારીઓ સામે પોલીસે કાર્યવાહી શરૂ કરી છે. દિલ્હી પોલીસે જંતર-મંતર પર આ પ્રદર્શન માટે મંજૂરી ન આપી હોવાનું સ્પષ્ટ કરતાં પ્રદર્શનકારીઓને રામલીલા મેદાનમાં જવા માટે કહ્યું છે. આ મુદ્દે સોશિયલ મીડિયા પર ચાલી રહેલા દાવાઓ વચ્ચે પોલીસની કાર્યવાહીથી સમગ્ર મામલો ચર્ચામાં આવ્યો છે.

દિલ્હી પોલીસના જણાવ્યા મુજબ, 21 ઓગસ્ટે એટલે કે આજે જંતર-મંતર પર કોઈ વિરોધ પ્રદર્શન, રેલી કે લોકોના એકઠા થવાની મંજૂરી આપવામાં આવી નથી. નવી દિલ્હી જિલ્લામાં લાગુ પ્રતિબંધાત્મક નિયમોને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા સુરક્ષા અને ભીડ નિયંત્રણના પગલાં લેવામાં આવ્યા છે.

આજે સવારે કેટલાક પ્રદર્શનકારીઓ જંતર-મંતર પહોંચ્યા હતા. નવી દિલ્હી જિલ્લાના ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ સચિન શર્મા પણ સ્થળ પર પહોંચ્યા અને પ્રદર્શનકારીઓ સાથે વાતચીત કરી. પોલીસનું કહેવું છે કે તેઓ શાંતિપૂર્ણ રીતે પોતાની વાત રજૂ કરવા માંગતા હોય તો રામલીલા મેદાનમાં જઈ શકે છે.

જંતર-મંતર પર પ્રદર્શનો માટે અગાઉથી પણ સંખ્યાની મર્યાદા અને ભીડ નિયંત્રણ સંબંધિત નિયમો લાગુ છે. દિલ્હી પોલીસના સ્થાયી આદેશ મુજબ, જંતર-મંતર પર 1,000થી વધુ લોકોની ભીડ માટે રામલીલા મેદાન જેવા મોટા સ્થળનો ઉપયોગ કરી શકાય છે.

શું છે ‘આરક્ષણ હટાવો’ આંદોલનની માંગ?

આ આંદોલન સાથે જોડાયેલા જૂથો આરક્ષણ વ્યવસ્થાની સમીક્ષા, જાતિ આધારિત ઓળખના જાહેર ઉપયોગમાં ફેરફાર અને સરકારી તથા શૈક્ષણિક પ્રક્રિયાઓમાં જાતિનો ઉલ્લેખ ફરજિયાત ન રાખવાની માંગ કરી રહ્યા છે. આંદોલનનું મુખ્ય સૂત્ર ‘One Nation, One Identity, Indian’ હોવાનું તેના સત્તાવાર પ્લેટફોર્મ પર જણાવાયું છે.

હાલમાં દિલ્હી પોલીસની મંજૂરી વગર જંતર-મંતર પર ભીડ એકઠી ન થાય તે માટે સુરક્ષા વ્યવસ્થા વધારવામાં આવી છે અને પ્રદર્શનકારીઓને વૈકલ્પિક સ્થળ તરીકે રામલીલા મેદાન સૂચવવામાં આવ્યું છે.

SIM કાર્ડ લેવા જશો તો અટકી શકે અરજી! જાણો સરકારનો નવો નિયમ

0

તમારા નામે કેટલા મોબાઇલ નંબર ચાલી રહ્યા છે? કદાચ તમે ભૂલી ગયા હો, પરંતુ હવે આ માહિતી તમારી માટે મહત્વની બની શકે છે. 24 ઓગસ્ટ 2026થી ટેલિકોમ કંપનીઓ મંજૂર મર્યાદા પૂર્ણ કરી ચૂકેલા ગ્રાહકોને વધારાનું નવું SIM કનેક્શન નહીં આપે. એટલે દરેક વ્યક્તિ માટે SIM બંધ થવાના નથી, પરંતુ મર્યાદા પહોંચી ગયેલા ગ્રાહકો પર હવે કડક ચકાસણી થશે.

ટેલિકોમ્યુનિકેશન વિભાગ (DoT)એ આ અંગે નિર્દેશમાં સામાન્ય વિસ્તારોમાં એક વ્યક્તિના નામે તમામ ટેલિકોમ કંપનીઓ મળીને વધુમાં વધુ 9 મોબાઇલ કનેક્શન રાખી શકાય છે. જ્યારે જમ્મુ-કાશ્મીર, આસામ અને ઉત્તર-પૂર્વના રાજ્યોમાં આ મર્યાદા 6 કનેક્શન છે.

નવા નિયમ હેઠળ 23 ઓગસ્ટથી મર્યાદા સુધી પહોંચી ગયેલા ગ્રાહકોની તસવીર આધારિત માહિતી Digital Intelligence Platform (DIP) પર ઉપલબ્ધ કરાવવામાં આવશે. 24 ઓગસ્ટથી ટેલિકોમ કંપનીઓ નવી SIM અરજી વખતે આ માહિતી સાથે ચકાસણી કરશે. મર્યાદા પૂર્ણ થઈ હોય તો વધારાનું કનેક્શન આપવામાં નહીં આવે. શરૂઆતમાં ચકાસણી પછીના દિવસે થઈ શકે છે, જ્યારે 30 નવેમ્બર સુધીમાં રિયલ-ટાઇમ ચકાસણીની વ્યવસ્થા ઊભી કરવાની છે.

મર્યાદા કરતાં વધુ કનેક્શન પહેલેથી હોય તો પાછળથી લીધેલા વધારાના નંબરને બંધ કરવામાં આવી શકે છે. આ પગલાનો હેતુ ફર્જી SIM, સાયબર ફ્રોડ અને ખાસ કરીને ‘ડિજિટલ અરેસ્ટ’ જેવી છેતરપિંડીમાં મોબાઇલ કનેક્શનના દુરુપયોગને રોકવાનો છે.

તમારા નામે કેટલા SIM નોંધાયેલા છે તે સંચાર સાથી પોર્ટલ પરથી તપાસી શકાય છે અને અજાણ્યો નંબર હોય તો તેની જાણ પણ કરી શકાય છે.

Video: શ્રાવણમાં નીતિન નબીને નોન વેજ ખાધાના કોંગ્રેસના આક્ષેપથી ગરમાટો

0

શ્રાવણના પવિત્ર મહિનામાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નિતિન નબીન નૉનવેજ ખાઈ રહ્યા છે? સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોને લઈને આ સવાલોએ રાજકીય ચર્ચા જગાવી દીધી હતી. કોંગ્રેસના નેતાઓએ પણ વીડિયો શેર કરીને ભાજપ પર સવાલો ઉઠાવ્યા હતા. જોકે, વીડિયાની હકીકત સામે આવતા સમગ્ર મામલો જ અલગ હોવાનું બહાર આવ્યું છે.

વાયરલ વીડિયોમાં નિતિન નબીન ભોજન કરતા જોવા મળે છે. આ વીડિયો આધારિત દાવો કરવામાં આવ્યો કે તેઓ શ્રાવણ દરમિયાન નૉનવેજ ભોજન લઈ રહ્યા હતા. ઉત્તર પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ અજય રાયે પણ આ મુદ્દે ભાજપ પર નિશાન સાધ્યું અને કહ્યું હતું કે શ્રાવણ દરમિયાન નૉનવેજ ખાવાથી ભાજપના નેતાઓની કથિત બેવડી માનસિકતા સામે આવે છે.

પરંતુ ઉપલબ્ધ અહેવાલો અને ભાજપ તરફથી આપવામાં આવેલી સ્પષ્ટતા મુજબ વીડિયો આંધ્ર પ્રદેશના વિશાખાપટ્ટણમનો છે. નિતિન નબીન આંધ્ર પ્રદેશના પ્રવાસ દરમિયાન સ્થાનિક ભાજપ નેતાઓ સાથે પરંપરાગત ભોજન કરતા જોવા મળ્યા હતા.

છત્તીસગઢ ભાજપે સોશિયલ મીડિયા પર વીડિયો શેર કરીને વાયરલ દાવાને ખોટો ગણાવ્યો છે. પાર્ટીએ જણાવ્યું કે થાળીમાં દેખાતી વાનગી નૉનવેજ નહીં પરંતુ કાચા ફણસ એટલે કે કઠહલની મસાલેદાર શાકાહારી કરી હતી. આ વાનગી ઉત્તર આંધ્રના પરંપરાગત શાકાહારી ભોજનનો ભાગ હોવાનું ભાજપે જણાવ્યું હતું.

આ રીતે, નિતિન નબીન નૉનવેજ ખાઈ રહ્યા હોવાનો સોશિયલ મીડિયા દાવો ભ્રામક હોવાનું સામે આવ્યું છે.

સોનિયા ગાંધીની આત્મકથામાં કેટલાય રહસ્યો, રાજકીય વમળો સર્જશે

0

રાજીવ ગાંધીની જન્મજયંતિ પર રાહુલ ગાંધીનું એક નિવેદન માત્ર રાજકીય નહીં, પરંતુ અત્યંત વ્યક્તિગત લાગણીથી ભરેલું હતું. માતા સોનિયા ગાંધીની આવનારી આત્મકથાનો ઉલ્લેખ કરતાં રાહુલે કહ્યું કે પિતાના અવસાન બાદ તેમની માતાએ જે સંઘર્ષ કર્યો છે, તેની સાચી સાક્ષી તેઓ અને પ્રિયંકા જ છે. તેમણે કલ્પના વ્યક્ત કરી કે રાજીવ ગાંધી આજે ઉપરથી પોતાની ‘સુંદર સોનિયા’ને ગર્વથી જોઈ રહ્યા હશે.

સોનિયા ગાંધીની આત્મકથા ‘Belonging: A Journey of Love’ 10 નવેમ્બર, 2026ના રોજ અલ્ફ્રેડ એ. નોફ દ્વારા પ્રકાશિત થવાની છે. પુસ્તકમાં સોનિયા ગાંધી પોતાના ઇટાલીમાં વિતાવેલા બાળપણથી લઈને કેમ્બ્રિજમાં રાજીવ ગાંધી સાથેની મુલાકાત, લગ્ન બાદ નેહરુ-ગાંધી પરિવારનો હિસ્સો બનવા સુધીની સફર અને જીવનમાં આવેલા મોટા આઘાતોની વાત કરશે.

રાહુલ ગાંધીએ લખ્યું કે તેમણે માતા-પિતાને છેલ્લે 35 વર્ષથી વધુ સમય પહેલાં સાથે જોયા હતા. રાજીવ ગાંધીના નિધન બાદ સોનિયા ગાંધીએ દરેક મુશ્કેલીનો સામનો હિંમત અને ગૌરવ સાથે કર્યો હોવાનું તેમણે કહ્યું હતું. તેમણે ઉમેર્યું કે તેમની માતા જેવી અંગત જીવનને મહત્વ આપતી વ્યક્તિ માટે પોતાની જીવનકથા દુનિયા સામે મૂકવી સરળ ન રહી હશે.

આ આત્મકથામાં 1984માં ઇન્દિરા ગાંધીની હત્યા બાદ રાજીવ ગાંધીનું વડાપ્રધાન બનવું, 1991માં રાજીવ ગાંધીની હત્યા, ત્યારબાદ સોનિયા ગાંધીનું જાહેર જીવનમાં પ્રવેશવું અને 2004માં કોંગ્રેસની આગેવાની હેઠળ ગઠબંધનને જીત મળ્યા બાદ વડાપ્રધાન પદ સ્વીકારવાનો ઇનકાર જેવા મહત્વપૂર્ણ પ્રસંગોનો પણ સમાવેશ થશે.

સોનિયા ગાંધીએ પુસ્તક વિશે કહ્યું છે કે આ માત્ર રાજકીય સફર નહીં, પરંતુ પ્રેમ, વફાદારી, પરિવાર અને છ દાયકામાં તેમણે જોયેલા ભારતના સામાજિક-રાજકીય પરિવર્તનોની વ્યક્તિગત કહાની છે.

સુરત મેડિકલ કોલેજ રેગિંગ પ્રકરણ: પ્રોફેસર ડૉ. સુમૈયા મુલ્લા ૯૦ દિવસ માટે સસ્પેન્ડ

સુરતની સરકારી મેડિકલ કોલેજ ખાતે માઇક્રોબાયોલોજી વિભાગના પ્રથમ વર્ષના રેસિડેન્ટ ડૉક્ટર સ્વ. ડૉ. હર્ષ પડ્યાએ રેગિંગનો ભોગ બની આત્મહત્યા કરી લીધા બાદ આ ગંભીર ઘટનાને રોકવામાં તેમજ પોતાની શિસ્તબદ્ધ ક્ષમતા અને ફરજ બજાવવામાં ગંભીર નિષ્કાળજી દાખવવા બદલ, આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાની સૂચનાથી આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા માઇક્રોબાયોલોજી વિભાગના વર્ગ-૧ ના પ્રાધ્યાપક ડૉ. સુમૈયા મુલ્લાને તત્કાલ અસરથી 90 દિવસ માટે સેવામાંથી ફરજમોકૂફ (સસ્પેન્ડ) કરી દીધા છે.

આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, ગુજરાતની કોઈપણ શૈક્ષણિક કે તબીબી સંસ્થામાં રેગિંગ અથવા માનસિક ઉત્પીડન સાંખી લેવામાં આવશે નહીં. રેગિંગ સામે રાજ્ય સરકારની ‘ઝીરો ટોલરન્સ’ નીતિ રહી છે અને આગામી સમયમાં પણ રહેશે. વિદ્યાર્થીઓની સુરક્ષા સાથે રમત કરનાર કે પોતાની ફરજમાં ગંભીર નિષ્કાળજી દાખવનાર વ્યક્તિ ગમે તેટલા ઉચ્ચ હોદ્દા પર હશે, તેમની સામે કડકમાં કડક કાયદાકીય અને શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં રાજ્ય સરકાર સહેજ પણ બાંધછોડ કરશે નહીં.

આ ઉપરાંત આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું હતું કે, “ફરજમોકૂફી (સસ્પેન્શન)ના સમયગાળા દરમિયાન ડૉ. સુમૈયા મુલ્લાનું મુખ્ય મથક સરકારી મેડિકલ કોલેજ, વડોદરા રહેશે. આ સમય દરમિયાન સક્ષમ નિયંત્રક અધિકારીની લેખિત મંજૂરી વિના તેઓ વડોદરા સ્થિત મુખ્ય મથક છોડી શકશે નહીં. તદુપરાંત, ફરજમોકૂફી હેઠળ હોય ત્યાં સુધી તેઓ કોઈપણ પ્રકારની ખાનગી નોકરી કે વ્યાપાર-ધંધો કરી શકશે નહીં. જો આ શરતોનો અનાદર કે ભંગ કરવામાં આવશે, તો તેમને મળવાપાત્ર નિર્વાહ ભથ્થું અટકાવી દેવાશે અને તેમની સામે વધારાની કડક શિસ્તવિષયક કાર્યવાહી હાથ ધરાશે.

આ ઘટના બાદ આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ રાજ્યની તમામ સરકારી મેડિકલ કોલેજોને ‘એન્ટિ-રેગિંગ સમિતિ’ અને ‘એન્ટિ-રેગિંગ સ્ક્વોડ’ને તુરંત વધુ સક્રિય અને સુદ્રઢ કરવાના કડક આદેશ આપ્યા છે. તેમણે વધુમાં ભારપૂર્વક જણાવ્યું હતું કે, તમામ મેડિકલ કોલેજોએ પોતાના પરિસરમાં તબીબી વિદ્યાર્થીઓને સંપૂર્ણપણે સુરક્ષિત, શિસ્તબદ્ધ અને ભયમુક્ત વાતાવરણ પૂરું પાડવાનું રહેશે.

પાકિસ્તાનને ભારતનો જડબાતોડ ‘જવાબ’! પાક હાઈ કમિશનની બહાર બુલડોઝર ચલાવાયો, શું છે આખો મામલો?

0

ઈસ્લામાબાદમાં થયેલી કાર્યવાહી બાદ દિલ્હીમાં બનેલી આ ઘટનાને કારણે ભારત-પાકિસ્તાન વચ્ચેની રાજદ્વારી ખેંચતાણ ફરી ચર્ચામાં આવી છે. નવી દિલ્લીના શાંતિપથ પર આવેલા પાકિસ્તાની હાઈ કમિશનની બહાર હાઈ કમિશનની નિર્ધારિત સીમાની બહાર બનાવાયેલા અનધિકૃત બાંધકામો, બેરિકેડ અને ફેન્સિંગ હટાવવામાં આવ્યા હતા.

સંબંધિત એજન્સીઓએ ગુરુવારે જેસીબીની મદદથી બહારના ભાગમાં બનાવાયેલા માળખાં દૂર કર્યા હતા. સ્થળ પરથી લેવાયેલા દૃશ્યોમાં તૂટેલી ફેન્સિંગ, લોખંડના ફ્રેમ, છતના શીટ, ઈંટ અને કોંક્રિટનો કાટમાળ જોવા મળ્યો હતો. વિઝા વિભાગના સર્વિસ કાઉન્ટરો યથાવત રહ્યા હતા અને મુખ્ય ઇમારત કે મુખ્ય પ્રવેશદ્વારને નુકસાન પહોંચાડવામાં આવ્યું નહોતું.

આ કાર્યવાહી 17 ઓગસ્ટની આસપાસ ઈસ્લામાબાદમાં ભારતીય હાઈ કમિશનની બહારથી પાકિસ્તાની સત્તાવાળાઓએ સુરક્ષા બેરિકેડ અને પાર્કિંગ પોલ હટાવ્યા બાદ થઈ હતી. બંને ઘટનાઓ વચ્ચેનો સમયગાળો ત્રણ દિવસનો હોવાથી મીડિયા અહેવાલોમાં તેને પરસ્પર કાર્યવાહી તરીકે જોવામાં આવી રહી હતી. જોકે, દિલ્હીની કાર્યવાહી અંગે સત્તાવાર કારણ તરીકે અનધિકૃત રીતે બનાવાયેલા માળખાંની વાત કરવામાં આવી હતી.

બીજી તરફ, જમ્મુ-કાશ્મીરને લઈને પણ બંને દેશો વચ્ચે તણાવ વધ્યો છે. અમેરિકી રાજદૂત સર્જિયો ગોરે 19 ઓગસ્ટે શ્રીનગરમાં જમ્મુ-કાશ્મીરને ભારતનો મહત્વપૂર્ણ ભાગ ગણાવ્યો હતો. આ નિવેદન સામે પાકિસ્તાને અમેરિકી ચાર્જ ડી’અફેયર્સ નતાલી બેકરને બોલાવી વિરોધ નોંધાવ્યો હતો.

ભારત અને પાકિસ્તાન બંને કોમનવેલ્થના સભ્ય હોવાથી તેમના રાજદ્વારી મિશનને ‘હાઈ કમિશન’ કહેવામાં આવે છે, જ્યારે અન્ય દેશોમાં સામાન્ય રીતે ‘એમ્બેસી’ શબ્દ વપરાય છે.

કંગના ભડકી! બાબા રામદેવને સોશિયલ મીડિયા પર આપ્યો એવો જવાબ કે વિવાદ વધ્યો

ગટર જનરેશન’ના નિવેદનથી શરૂ થયેલો વિવાદ હવે કંગના રનૌત અને બાબા રામદેવ વચ્ચે વ્યક્તિગત ટકરાવ સુધી પહોંચી ગયો છે. રામદેવે કંગનાના નિવેદનની ટીકા કરતાં તેના બાળપણ, જવાની અને ભૂતકાળ પર સવાલો ઉઠાવ્યા હતા. તેના જવાબમાં કંગનાએ સોશિયલ મીડિયા પર આકરો પલટવાર કર્યો છે.

કંગનાએ ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં લખ્યું કે, બાબાજીએ તેની જવાની અને બેડરૂમ અંગે ‘દિવાસ્વપ્ન’ જોવાનું બંધ કરવું જોઈએ. તેણે આગળ રામદેવને કહ્યું કે અફવા કે પંચાતના આધારે કોઈ વ્યક્તિ વિશે ધારણા બાંધવી યોગ્ય નથી.

કંગના રનૌતની ઈન્સ્ટા સ્ટોરીમાંથી લીધેલો સ્ક્રીનશોટ

કંગનાએ આ સાથે પતંજલિ સાથે જોડાયેલા વિવાદોનો ઉલ્લેખ પણ કર્યો હતો. તેણે દાવો કર્યો કે તેને ક્યારેય નકલી અથવા ભ્રામક તબીબી દાવાઓને લઈને સુપ્રીમ કોર્ટની ફટકારનો સામનો કરવો પડ્યો નથી અને તેથી તેને ચારિત્ર્ય અંગે ઉપદેશ ન આપવામાં આવે.

આ વિવાદની શરૂઆત જુલાઈમાં થઈ હતી. જંતર-મંતર સહિતના વિરોધ પ્રદર્શનો અંગે કંગનાએ કેટલાક પ્રદર્શનકારીઓને ‘ગટર જનરેશન’ કહીને ટીકા કરી હતી. બાદમાં તેણે સ્પષ્ટતા કરી હતી કે તેનો ઈશારો સમગ્ર Gen Z તરફ નહોતો.

રામદેવે કંગનાની ટિપ્પણીને વાંધાજનક ગણાવી હતી અને કહ્યું હતું કે દેશના યુવાનોને ‘ગટર’ કહેવું વિકૃત માનસિકતાની નિશાની છે. હવે બંનેના આક્ષેપ-પ્રત્યાક્ષેપે રાજકીય અને સોશિયલ મીડિયા ચર્ચાને વધુ ગરમાવી દીધી છે.

Video: વડોદરામાં 7 વર્ષના બાળકનું રહસ્યમય મોત: બસના દરવાજામાં ગળું કેવી રીતે ફસાયું? 15 મિનિટના CCTV ગાયબ

વડોદરામાં 7 વર્ષના માસૂમ બાળકના મોતની ઘટનાએ અનેક સવાલો ઊભા કર્યા છે. પ્રસાદ લેવા ઘરેથી નીકળેલા દિવ્યેશનું સૂર્યનગર-તરસાલી બાયપાસ નજીક રિપેરિંગ માટે ઊભેલી લક્ઝરી બસના ઓટોમેટિક દરવાજામાં ગળું ફસાઈ જતાં મોત થયું હતું. ઘટના કેવી રીતે બની તે હજુ સ્પષ્ટ નથી. સૌથી ચોંકાવનારી બાબત એ છે કે બનાવના સમયના લગભગ 15 મિનિટના CCTV ફૂટેજ ઉપલબ્ધ ન હોવાથી પોલીસની તપાસ વધુ મહત્વપૂર્ણ બની છે.

પ્રાપ્ત વિગતો મુજબ, દિવ્યેશના પિતા રાકેશભાઈ રાઠવા મૂળ છોટાઉદેપુર જિલ્લાના જેતપુર પાવી તાલુકાના રહેવાસી છે અને હાલ તરસાલી બાયપાસ નજીક આવેલી એસ.આર. બાયોગેસ કંપનીમાં નોકરી કરે છે. દિવ્યેશ તરસાલી-2ની ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામ પ્રાથમિક શાળામાં ધોરણ-2માં અભ્યાસ કરતો હતો.

પરિવારના જણાવ્યા મુજબ, દિવ્યેશ પ્રસાદ લેવા ઘરેથી બહાર જતાં જ થોડા સમય બાદ પરિવારને બાળક સાથે અકસ્માત થયો હોવાની જાણ કરવામાં આવી હતી. ઘટનાસ્થળેથી તેને 108 એમ્બ્યુલન્સ દ્વારા સયાજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, પરંતુ તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.

ઘટનાની જાણ થતાં કપુરાઈ પોલીસની ટીમ હોસ્પિટલ પહોંચી હતી અને મૃતદેહનું પંચનામું કરી પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી.

પોલીસની પ્રાથમિક તપાસમાં ઘટનાના સમય પહેલાં અને પછીના CCTV ફૂટેજ મળ્યા હોવાનું સામે આવ્યું છે, જ્યારે ઘટનાના સમયગાળાના 15 મિનિટના ફૂટેજ ગાયબ છે. વીજળી ગુલ થવાને કારણે આ સમયગાળાનું રેકોર્ડિંગ થયું ન હોવાનું પ્રાથમિક રીતે સામે આવ્યું છે. જોકે, બાળક બસના દરવાજામાં કયા સંજોગોમાં ફસાયું તે જાણવા પોલીસે CCTV, ટેકનિકલ પુરાવા અને અન્ય પાસાઓની તપાસ શરૂ કરી છે. પરિવારજનો પણ સમગ્ર ઘટનાની સચોટ તપાસ અને ન્યાયની માંગ કરી રહ્યા છે.