Home Blog Page 397

આદિત્ય ઠાકરેને મોટી રાહત, દિશા સલિયન મૃત્યુ કેસમાં મળી ક્લીનચીટ

0

મહારાષ્ટ્ર સરકારના વકીલોએ બોમ્બે હાઈકોર્ટમાં સ્પષ્ટ કર્યું કે દિશા સાલિયાનના મૃત્યુના કેસમાં કોઈ શંકાસ્પદ માહિતી નથી. આ આત્મહત્યાનો કેસ છે. ફિલ્મ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની ભૂતપૂર્વ મેનેજર દિશા સાલિયાનનું 9 જૂન, 2020 ના રોજ મલાડમાં એક ઇમારતના 12મા માળેથી પડી જવાથી મૃત્યુ થયું હતું.

દિશા સાલિયાનના પિતાએ આ સંદર્ભમાં બોમ્બે હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી અને માંગ કરી હતી કે આ કેસની તપાસ મુંબઈ પોલીસની SIT અથવા CBI દ્વારા કરવામાં આવે. હવે મહારાષ્ટ્ર સરકારે બોમ્બે હાઈકોર્ટને જણાવ્યું હતું કે દિશા સાલિયાન (28) ના મૃત્યુમાં કોઈપણ પ્રકારની શંકાને અવકાશ નથી. આ ઉપરાંત, આદિત્ય ઠાકરે પણ નિર્દોષ છે.

રાજકીય રીતે દબાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો – દિશા સાલિયાનના પિતા
દિશાના પિતા કહે છે કે તેમની પુત્રી પર ક્રૂરતાપૂર્વક બળાત્કાર કરવામાં આવ્યો હતો અને પછી તેની હત્યા કરવામાં આવી હતી અને તેને રાજકીય રીતે દબાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. બળાત્કાર અને હત્યામાં આદિત્ય ઠાકરેની પણ ભૂમિકા છે, તેથી તેમની સામે પણ FIR નોંધવી જોઈએ.

રાજ્ય સરકાર વતી, માલવણી પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર શૈલેન્દ્ર નાગરકરે જવાબ દાખલ કર્યો. તેમણે કહ્યું કે અરજીમાં લગાવવામાં આવેલા આરોપો પાયાવિહોણા અને ખોટા છે. તેમણે જણાવ્યું કે વૈજ્ઞાનિક તપાસ અને પોસ્ટમોર્ટમ રિપોર્ટના આધારે ક્લોઝર રિપોર્ટ દાખલ કરવામાં આવ્યો છે.

શું છે આખો મામલો?
તમને જણાવી દઈએ કે દિશા સાલિયાનના રહસ્યમય મૃત્યુનો મામલો હાઇ-પ્રોફાઇલ અને વિવાદાસ્પદ છે. આ મામલો 2022માં મહારાષ્ટ્ર વિધાનસભામાં પણ ઉઠાવવામાં આવ્યો હતો. શિવસેના (શિંદે જૂથ)ના ધારાસભ્ય ભરત ગોગાવલે અને ભાજપના ધારાસભ્ય નિતેશ રાણેએ દિશા સાલિયાનના મૃત્યુનો મુદ્દો ઉઠાવ્યો હતો અને તપાસની માંગણી કરી હતી. આ અંગે ગૃહમાં ધારાસભ્યોનો ઘણો હોબાળો થયો હતો.

આ કેસમાં, નિતેશ રાણેએ આદિત્ય ઠાકરેનો નાર્કો ટેસ્ટ કરાવવાની વાત પણ કરી હતી. વાસ્તવમાં, દિશા સાલિયાન એક સેલિબ્રિટી મેનેજર હતી. તેણીએ વરુણ શર્મા, સુશાંત સિંહ રાજપૂત, ભારતી સિંહ જેવા ઘણા પ્રખ્યાત કલાકારો સાથે કામ કર્યું હતું. તે ટીવી અભિનેતા રોહન રાયને ડેટ કરી રહી હતી અને તેના મૃત્યુના થોડા મહિના પહેલા તેની સગાઈ પણ થઈ હતી.

વરસાદી આફત: કેદારનાથમાં 40 રેસ્ક્યુ, હિમાચલમાં વાદળ ફાટતાં 62ના મોત

0

ઉત્તરાખંડના રૂદ્રપ્રયાગ જિલ્લામાં કેદારનાથ ધામ પરથી પરત ફરી રહેલા 40 યાત્રાળુઓ સોનપ્રયાગ સ્લાઇડ ઝોનમાં ફસાયા હતા. જેમને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે. ભારે વરસાદના કારણે સોનપ્રયાગ નજીક સ્લાઇડ ઝોનમાં અચાનક ભૂસ્ખલન થયુ હતું. જેના લીધે 40 યાત્રાળુઓ ફસાઈ ગયા હતા.

દુર્ઘટનાની જાણકારી મળતાં જ તૈનાત SDRFના જવાન ઘટનાસ્થળે પહોંચ્યા હતાં. એસડીઆરએફની ટીમે યાત્રાળુઓ સુધી સુરક્ષિત માર્ગ બનાવી તેમને સફળતાપૂર્વક સ્લાઈડઝોનમાંથી બહાર કાઢ્યા હતાં. તમામ યાત્રાળુઓ મોડી રાત્રે 1- વાગ્યે સ્લાઈડ ઝોનમાં ફસાયા હતાં. ગત રવિવારે ભારે વરસાદ અને ભુસ્ખલનની આશંકા વચ્ચે ચારધામ યાત્રા એક દિવસ માટે અટકાવી દેવામાં આવી હતી. લોકોની સુરક્ષા માટે સાવચેતીના પગલાં લેવાયા હતા. બાદમાં સોમવારે યાત્રા ફરી શરૂ થઈ હતી. જેમાં ગઈકાલે ધોધમાર વરસાદ વરસતાં ઠેર-ઠેર ભુસ્ખલનની ઘટના બની હતી.

યમુનોત્રી રૂટ પર ફસાયેલા 250 થી વધુ મુસાફરોને બહાર કાઢવામાં આવ્યા
યમુનોત્રી હાઇવે પર વાદળ ફાટવાની ઘટનાના ચોથા દિવસે, સિલાઈ બંધથી આગળ વાહનોની અવરજવર ફરી શરૂ થઈ શકી નથી. ત્યાં રાહદારીઓની અવરજવર સરળ છે, પરંતુ ભય હજુ પણ છે. બુધવારે, સ્યાનચટ્ટી અને જાનકીચટ્ટી વચ્ચે ફસાયેલા લગભગ 254 મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. ઉપરાંત, ઘટનામાં ગુમ થયેલા સાત લોકોને શોધવા માટે NDRF દ્વારા સ્નિફર ડોગ્સની મદદ લેવામાં આવી હતી.

હિમાચલમાં આભ ફાટતાં 63ના મોત
હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદના કારણે જનજીવન ખોરવાઈ ગયું છે. રાજ્ય ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના ડેટા અનુસાર, 20 જૂનથી અત્યાર સુધીમાં હિમાચલ પ્રદેશમાં કુલ 63 લોકોએ જીવ ગુમાવ્યા છે અને 56 લોકો ગુમ છે. 103 લોકો ઈજાગ્રસ્ત થયા છે, 84 પશુઓ મૃત્યુ પામ્યા છે અને 223 ઘરોને નુકસાન થયું છે. મંડીમાં જ 13 લોકોના મોત થયા છે. જ્યારે 29 લોકો ગુમ છે. થુનાગમાં પાંચ, કરસોગમાં એક અને ગૌહરમાં સાત લોકોએ જીવ ગુમાવ્યા છે. આ સિવાય જોગિન્દ્રનગરના સ્યાંજમાંથી બે મૃતદેહો મળી આવ્યા છે.

લિવરપૂલના સ્ટાર ફૂટબોલર ડિયોગો જોટાનું અકસ્માતમાં નિધન

0

લિવરપૂલ અને પોર્ટુગલના સ્ટાર ફૂટબોલર ડિયોગો જોટાનું ગુરુવારે ઉત્તરી સ્પેનમાં એક માર્ગ અકસ્માતમાં 28 વર્ષની વયે નિધન થયું છે. આ અકસ્માત ત્યારે થયો જ્યારે તેની લેમ્બોર્ગિની રસ્તા પર સ્લીપ ખાઇ ગઈ હતી. તેણે બે અઠવાડિયા પહેલા જ તેની બાળપણની પ્રેમિકા સાથે લગ્ન કર્યા હતા. કારમાં પોર્ટુગલના ફોરવર્ડના સાથી ફૂટબોલર અને ભાઈ આન્દ્રે સિલ્વા પણ હતા. આ દુર્ઘટનામાં 26 વર્ષીય આંદ્રેનું પણ મોત નીપજ્યું છે. જોટા પોર્ટુગલની રાષ્ટ્રીય ટીમ તરફથી પણ રમી ચૂક્યો હતો. સિલ્વા લોઅર ડિવિઝનમાં પોર્ટુગીઝ કલબ પેનાફેલ તરફથી રમી ચૂક્યો હતો.

ડેઇલી મેઇલના અહેવાલ મુજબ વલાડોલિડથી 70 માઇલ પશ્ચિમમાં એ-52 પર ઓવરટેક કરતી વખતે લેમ્બોર્ગિનીનું ટાયર ફાટ્યું હોવાનું માનવામાં આવે છે. કાર રોડ પરથી ઉતરીને પલટી ખાઇ ગઇ હતી, જેના કારણે તેમાં આગ લાગી હતી. જોટાએ તાજેતરમાં જ પોતાના ત્રણ બાળકોની માતા રુટ કાર્ડોસો સાથે લગ્ન કર્યા હતા. પહેલા રિલેશનશિપમાં રહેતા હતા.

પોર્ટુગલની ફૂટબોલ ટીમે વ્યક્ત કર્યું દુઃખ
આ ઘટના જમોરા પ્રાંતમાં એ-52 પર થઇ હતી. સ્પેનનો આ રસ્તો ઉત્તર પોર્ટુગલમાંથી બહાર નીકળવાનો મુખ્ય માર્ગ છે. કેસ્ટિલા અને લીઓન ક્ષેત્રમાં કટોકટી સેવાઓએ અકસ્માત અને બે ના મૃત્યુની પુષ્ટિ કરી છે. પોર્ટુગલની ફૂટબોલ ટીમે કહ્યું છે કે તેઓ લીવરપૂલના ફોરવર્ડ ખેલાડી ડિએગોના નિધનથી ‘અત્યંત દુઃખી’ છે. તેમણે કહ્યું હતું કે તે રાષ્ટ્રીય ટીમ માટે લગભગ 50 કેપ્સ સાથે એક અદભૂત ખેલાડી હોવાની સાથે-સાથે અસાધારણ વ્યક્તિ પણ હતો. તેનું સાથી અને વિરોધી ખેલાડીઓ સન્માન કરતા હતા.

ભારતમાં વાઘો પર સંકટ: અડધા વર્ષમાં 107 વાઘોનું જીવ ગુમાવવું પડ્યું

0

દેશમાં વર્ષ 2025ના પ્રથમ 6 મહિનામાં જ 107 વાઘના મોત થયા છે. આ આંકડો ગયા વર્ષના સમાન સમયગાળા કરતા 40 ટકા વધુ છે અને પાંચ વર્ષમાં સૌથી વધુ છે. આ 107 મોતમાં વાઘના 20 બચ્ચા પણ સામેલ છે, જે ભવિષ્યમાં વાઘની વસ્તી માટે ગંભીર ખતરાના સંકેત આપે છે. વર્ષ 2021થી અત્યાર સુધીમાં દેશમાં 666 વાઘ મૃત હાલતમાં મળી આવ્યા છે.

કેન્દ્રીય પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલય હેઠળ કામ કરતી નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી (NTCA)ના આંકડા મુજબ વર્ષ 2025ના પ્રથમ છ મહિનામાં 107 વાઘના મોત થયા હતા, જ્યારે ગયા વર્ષે આ જ સમયગાળામાં 76 વાઘના મોત થયા હતા. આ છ મહિનામાં સૌથી વધુ વાઘના મોત મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં નોંધાયા હોવાનું આંકડા દર્શાવે છે. મહારાષ્ટ્રમાં 28 વાઘના મોત થયા છે, જ્યારે મધ્ય પ્રદેશમાં 29 વાઘે જીવ ગુમાવ્યો છે.

મંત્રાલયે તપાસના આદેશ આપ્યા
કર્ણાટક અને આસામમાં 10-10 વાઘના મોત થયા છે, જ્યારે કેરળ અને ઉત્તરાખંડમાં 9 વાઘના મોત થયા છે. આ વર્ષે જે 107 વાઘના મોત થયા હતા, તેમા 20 વાઘના બચ્ચા હતા. આંકડાઓ અનુસાર, આ વર્ષે વન્યપ્રાણી અભયારણ્યોની બહાર 60 વાઘના મોત થયા છે જ્યારે 47 વાઘ અભયારણ્યની અંદર મૃત હાલતમાં મળી આવ્યા છે. 26 જૂને કર્ણાટકના એમએમ હિલ્સની હ્યુજિયમ રેન્જમાં એક માદા વાઘણ અને તેના ચાર બચ્ચા મૃત હાલતમાં મળી આવ્યા હતા. કેન્દ્રીય પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલયે આ ઘટનાની તપાસના આદેશ આપ્યા છે અને આ માટે સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ (SIT)ની રચના કરી છે.

તંત્રની નિષ્ફળતાનો કોંગ્રેસનો અનોખો વિરોધ: ખાડાઓમાં લટકાવ્યા ભાજપના ઝંડા

સુરત શહેરમાં પહેલા જ વરસાદે નગરપાલિકા તંત્રની કામગીરીની પોલ ખોલી નાખી છે. શહેરના અનેક વિસ્તારોમાં રસ્તાઓ પર પડેલા ખાડાઓ સામે હવે સ્થાનિક લોકોના સહેના બંધનો ટૂટી રહ્યાં છે. આ સ્થિતિ સામે યુથ કોંગ્રેસ દ્વારા અનોખો વિરોધ નોંધાવવામાં આવ્યો છે. રવિવારના રોજ યુથ કોંગ્રેસના કાર્યકરો મોટી સંખ્યામાં રસ્તા પર ઉતરી આવ્યા અને શહેરના વિવિધ વિસ્તારોમાં રસ્તા પર પડેલા વિશાળ ખાડાઓને ભાજપા શાસિત તંત્રની નિષ્ફળતા કહીને તેમાં ભાજપના ઝંડા લગાવ્યા હતા.

પહેલા વરસાદમાં રસ્તાઓનું ધોવાણ થયું! મસમોટા ખાડાઓથી લોકો હેરાન
સુરતમાં ખાબકેલા મુશળધાર વરસાદના કારણે ઠેર-ઠેર પાણી ભરાયા હતા. નીચાણવાળા વિસ્તારોમાં ઘરો અને દુકાનોમાં વરસાદી પાણી ઘૂસી જતાં ઘરવખરી અને માલ-સામાનને ભારે નુકસાન પહોંચ્યું છે. ત્યારે ખાડી વિસ્તારમાં પણ ધોધમાર વરસાદનાં કારણે પૂરની સ્થિતિ સર્જાઈ હતી. જ્યારે, વરસાદી પાણી ઓસર્યા બાદ ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું.

પર્વત પાટિયા ખાતે શહેર કોંગ્રેસ દ્વારા ‘ખાડા મહોત્સવ’ નું આયોજન
પહેલા જ વરસાદમાં રસ્તાઓ ઉબડ-ખાબડ બન્યા છે જે લોકો માટે માથાનો દુઃખાવો સાબિત થયા છે. તાત્કાલિક રસ્તાઓનું સમારકામ કરવા વાહન ચાલકોએ માગ ઉચ્ચારી છે. ત્યારે હવે, આ મામલે કોંગ્રેસનાં નેતાઓ અને કાર્યકર્તાઓએ અનોખો વિરોધ નોંધાવ્યો છે.

પર્વત પાટિયા ખાતે શહેર કોંગ્રેસ દ્વારા ‘ખાડા મહોત્સવ’ નું આયોજન કરવામાં આવ્યું છે. ઢોલ-નગારા સાથે કોંગ્રેસ દ્વારા ‘ખાડા મહોત્સવ’ નું આયોજન કરી વિરોધ નોંધાવ્યો છે. કોંગ્રેસી કાર્યકરોએ ખાડા વચ્ચે ગરબા ગાઈને અને એકબીજાને મીઠાઈ ખવડાવી ‘ખાડા મહોત્સવ’ની ઉજવણી કરી વિરોધ નોંધાવ્યો છે. કોંગ્રેસ નેતાએ જણાવ્યું કે, સુરતનાં રસ્તાઓ પર પડેલા ખાડાઓથી જનતા હેરાન-પરેશાન છે. તંત્રનાં બહેરા કાને આવાજ પહોંચાડવા ઢોલ નગારા સાથે ‘ખાડા મહોત્સવ’નું આયોજન કર્યું છે.

ઇન્ડોનેશિયાના બાલીમાં 65 લોકોને લઈ જતી બોટ ડૂબી જતાં 4 લોકોના મોત, 43 ગુમ

ઈન્ડોનેશિયાના એક મહત્ત્વપૂર્ણ પર્યટન સ્થળ બાલી નજીક એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. બુધવારે (02 જુલાઈ) રાત્રે લગભગ 65 પર્યટકોને ટાપુ પર લઈ જતી એક બોટ પલટી ગઈ હતી. આ દુર્ઘટનામાં ચારના મૃત્યુ નીપજ્યાં છે, 38 ગુમ છે અને 23 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. જ્યારે ગુમ થયેલા લોકોની શોધખોળ ચાલુ છે.

બોટમાં કુલ 53 મુસાફરો અને 12 ક્રૂ સભ્યો હતા
અહેવાલો અનુસાર, બોટના મેનિફેસ્ટ ડેટામાં કુલ 53 મુસાફરો અને 12 ક્રૂ સભ્યો હતા. સુરાબાયા સર્ચ એન્ડ રેસ્ક્યુ એજન્સીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે બુધવારે રાત્રે લગભગ 11:20 વાગ્યે ઈન્ડોનેશિયાના મુખ્ય ટાપુ જાવાથી દૂર લોકપ્રિય રજા સ્થળ તરફ જતી વખતે બોટ બાલી સ્ટ્રેટમાં ડૂબી ગઈ હતી. આ બોટમાં 14 ટ્રક સહિત 12 વાહનો પણ હતા.

ગુજરાતમાં મેઘરાજાનું આગમન: આજે 12 જિલ્લામાં ધમાકેદાર વરસાદની આગાહી

ગુજરાતમાં ચોમાસું જામી રહ્યું છે. રોજે રોજ રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. ગુજરાતમાં ચોમાસું આગળ વધી રહ્યું છે તેમ વરસાદ પણ પોતાનો રંગ બતાવી રહ્યો છે. આવી સ્થિતિ વચ્ચે હવામાન વિભાગે આજે ગુરુવારના દિવસે રાજ્યના 12 જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. આ વિસ્તારોમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.

ગાંધીનગર સહિત 12 જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ
હવામાન વિભાગે આજે 3 જુલાઈ 2025, ગુરુવારના દિવસ માટે ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે. આગાહી પ્રમાણે આજે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, દાહોદ, મહિસગાર, ડાંગ, તાપી, સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે.

ગુજરાતમાં અહીં કડાકા ભડાકા સાથે વરસાદ પડશે
હવામાન વિભાગે ઉત્તર ગુજરાતના જિલ્લાઓ સહિત ગાંધીનગર, અમદાવાદ, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, છોટા ઉદેપુર, વડોદરા, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ પડશે.

ફાર્મસી કાઉન્સિલના અધ્યક્ષના બંગલો પર CBIની રેડ: ભ્રષ્ટાચાર અને લાંચના આરોપો

0

સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશનએ ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના અધ્યક્ષ મોન્ટુ પટેલના ઝુંડાલ સ્થિત બંગલો પર રેડ કરી છે. આ રેડ અમાન્ય કોલેજો અને અન્ય ગોટાળાઓને લઈને કરવામાં આવી છે. તેમના પર દિલ્હીની ઓફિસ તથા ઘરે લાંચ લેવાનો આક્ષેપ છે.

મોન્ટુ પર કોલેજની માન્યતા બદલ લાંચ લેવાનો પણ આક્ષેપ છે. આ કાર્યવાહીને લઈ મહારાષ્ટ્ર સહિતના રાજ્યોમાં કોલેજોની માન્યતામાં આચરેલી ગેરરીતિની પણ તપાસ કરવામાં આવશે.

મોન્ટુ પટેલ અને તેના સહયોગીઓ પર PCIમાં નકલી ઇનવર્ડ નંબર, બેકડેટ એન્ટ્રીઝ અને GPSCની ફાઇલોમાં હેરાફેરી કરીને પોતાને અને પોતાના સાથીઓને મોટા પદ પર બેસાડવાના આક્ષેપો પણ થઈ ચૂક્યા છે.

બાબા બાગેશ્વરના જન્મદિવસના મંડપનો ભાગ ધરાશાયી થતાં એકનું મોત, 10 ઘાયલ

0

મધ્યપ્રદેશના છત્તરપુર જિલ્લાના ગરહા ગામમાં સ્થિત બાગેશ્વર ધામમાં મોટી દુર્ઘટના બની છે. બાબા બાગેશ્વરના જન્મદિવસની ઉજવણી માટે બાંધેલો મંડપ અચાનક ધરાશાયી થતાં એક વ્યક્તિનું મોત થયુ છે. જ્યારે અન્ય 10 ઘાયલ થયા છે. મંડપનો લોખંડનો પાઈપ માથા પર વાગતાં એક શ્રદ્ધાળુનું કમકમાટીભર્યું મોત થયુ હતું.

ગુરૂવારે સવારે સાત વાગ્યે મંગળા આરતી પૂર્ણ થયા બાદ વરસાદ આવતો હોવાથી શ્રદ્ધાળુઓ મંડપ નીચે ઉભા હતાં. ત્યાં અચાનક મંડપ ધરાશાયી થતાં એક શ્રદ્ધાળુના માથા પર લોખંડનો પાઈપ વાગ્યો હતો. મૃતક શ્યામલાલ કૌશલ ઉત્તરપ્રદેશના અયોધ્યાનો રહેવાસી હતો.

આખરે શું થયું?
બાગેશ્વર ધામ અકસ્માતમાં ઘાયલ થયેલા લોકો યુપીથી આવ્યા હતા. એક ભક્ત જણાવ્યું કે યુપીથી મોટી સંખ્યામાં ભક્તો બાગેશ્વર ધામ પહોંચ્યા હતા. સવારની આરતી પછી અચાનક વરસાદ શરૂ થયો, તેથી ભક્તો પોતાને બચાવવા માટે પંડાલ નીચે ભેગા થયા. તંબુ જેવા પંડાલ પર ઘણું પાણી જમા થઈ ગયું અને તે નીચે પડી ગયું. પંડાલની રચનામાંથી એક લોખંડનો ખૂણો એક ભક્તના માથામાં વાગ્યો, જેના કારણે તેનું મૃત્યુ થયું. અન્ય એક ભક્તને પણ ગંભીર ઈજા થઈ. તેનું સીટી સ્કેન કરવામાં આવ્યું છે. આ અકસ્માતમાં 12 લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે.

ઘાનાનાં રાષ્ટ્રીય સન્માનથી સન્માનિત થયા વડાપ્રધાન નરેન્દ્ર મોદી

વડા પ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે બે દિવસીય પશ્ચિમ આફ્રિકાના દેશ ઘાના પહોંચ્યા. આ તેમની ઘાનાની પ્રથમ દ્વિપક્ષીય મુલાકાત છે, જે ભારત અને ઘાનાના સંબંધોને નવી ઊંચાઈએ લઈ જવાની દિશામાં મહત્વનું પગલું છે. અકરાના કોટોકા આંતરરાષ્ટ્રીય હવાઈ મથક પર તેમનું ભવ્ય સ્વાગત થયું, આ ઉપરાંત ઘાનાના રાષ્ટ્ર પ્રમુખ જૉન મહામાએ તેમને દેશના બીજા સર્વોચ્ચ નાગરિક સન્માનથી નવાજ્યા.

વડા પ્રધાન મોદીનું ઘાનામાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું, જ્યાં કોટોકા ઈન્ટરનેશનલ એરપોર્ટ પર તેમનું સ્વાગત 21 તોપોની સલામી સાથે કરવામાં આવ્યું. રાષ્ટ્ર પ્રમુખ મહામાએ તેમને ‘ઑફિસર ઑફ ધ ઑર્ડર ઑફ ધ સ્ટાર ઑફ ઘાના’ એવોર્ડથી સન્માનિત કર્યા. મોદીએ આ સન્માનને 1.4 અબજ ભારતીયોના નામે સ્વીકાર્યું અને ઘાનાના લોકોનો આભાર માન્યો. તેમણે આ સન્માનને ભારતની સાંસ્કૃતિક વિવિધતા, યુવાઓની આકાંક્ષાઓ અને બંને દેશોના ઐતિહાસિક સંબંધોને સમર્પિત કર્યું.

ઘાનાની ધરતી પર મળેલા ઉષ્માભર્યા સ્વાગત બદલ આભાર વ્યક્ત કર્યો
જણાવી દઈએ કે આ પહેલા પીએમ મોદીએ ઘાનાની ધરતી પર મળેલા ઉષ્માભર્યા સ્વાગત બદલ આભાર વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે, રાષ્ટ્રપતિ પોતે એરપોર્ટ પર આવ્યા તે તેમના માટે ખૂબ જ સન્માનની વાત છે. સંયુક્ત નિવેદન દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે, ભારત-ઘાના મિત્રતાનાં કેન્દ્રમાં આપણા સહિયારા મૂલ્યો, સંઘર્ષ અને સમાવિષ્ટ ભવિષ્ય માટેનાં સહિયારા સપના છે, જેણે અન્ય દેશોને પણ પ્રેરણા આપી છે.

ભારતનું આમંત્રણ અને ભવિષ્યની યોજના
પીએમ મોદીએ રાષ્ટ્રપતિ મહામાને ભારતની મુલાકાત લેવાનું આમંત્રણ આપ્યું અને ભારતીય સમુદાય સાથેની મુલાકાત માટે ઉત્સાહ વ્યક્ત કર્યો. તેમણે ઘાનાને પશ્ચિમ આફ્રિકામાં લોકશાહીની ‘આશાની કિરણ’ ગણાવી અને બંને દેશોના સામાન્ય મૂલ્યો અને સપનાઓ પર ભાર મૂક્યો. આ યાત્રા બંને દેશો વચ્ચેના સંબંધોને વધુ મજબૂત કરશે.