Home Blog Page 393

ગુજરાત: સચિવાલયમાં હવે પ્લાસ્ટિકની બોટલમાં પાણી નહીં અપાય

ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં સચિવાલય ખાતે હવે પ્લાસ્ટિકની બોટલમાં પાણી નહીં અપાય. સચિવાલયમાં મંત્રીઓ અને અધિકારીઓની કેબિનમાં કાચની બોટલમાં પાણી આપવામાં આવશે. સરકારે સખી મંડળને જવાબદારી સોંપી છે.

ઈન હાઉસ રિયુઝેબલ ગ્લાસ વોટર બોટલિંગ પ્લાન્ટ અને બોટલ રિયુઝ ઇકોસિસ્ટમનું CM ભૂપેન્દ્ર પટેલે લોકાર્પણ કર્યું છે. સચિવાલય સંકુલમાં દરરોજ અંદાજિત 8 હજાર પાણીની બોટલનો વપરાશ થાય છે. સરકારના આ નિર્ણયને પગલે, સચિવાલયમાં રોજની 8 હજાર પ્લાસ્ટિકની બોટલના વપરાશ પર લાગશે બ્રેક. પાણીના પેકિંગથી લઈ વિતરણ સુધીની પ્રક્રિયાનું સંચાલન સખી મંડળ દ્વારા કરાશે. સખી મંડળને રોજગારી મળશે અને સચિવાલય પ્લાસ્ટિક ફ્રી બનશે.

આ પ્રોજેક્ટમાં અપનાવવામાં આવેલી પર્યાવરણને અનુકૂળ ટેકનોલોજી વડોદરાની યુવા સ્ટાર્ટઅપ ટીમ દ્વારા પ્રતિક પટેલના નેતૃત્વમાં વિકસાવવામાં આવી હતી. વધુમાં, પ્રખ્યાત તિરુમાલા તિરુપતિ મંદિરમાં એક મોટા પાયે પાયલોટ પ્રોજેક્ટ પણ હાથ ધરવામાં આવ્યો છે, જેનો ઉદ્દેશ્ય પ્લાસ્ટિક બોટલના ભાવે કાચની બોટલોમાં પીવાનું પાણી પીરસવાનો છે.

સ્માર્ટ સુરતની સ્માર્ટ પહેલ: અલથાણમાં દેશમાં પ્રથમ સોલાર સંચાલિત બસ સ્ટેશન તૈયાર

સ્વચ્છ સિટી, સોલાર સિટી અને સ્માર્ટ સિટી તરીકે ઓળખાતા સુરતની યશકલગીમાં હવે વધુ એક ઉમેરો થવા જઇ રહ્યો છે. સ્માર્ટ સિટી સુરતના અલથાણ ખાતે સુરત મહાનગરપાલિકા દ્વારા રૂ.1.60 કરોડના ખર્ચે નવનિર્મિત દેશનું પ્રથમ ‘સ્માર્ટ બસ સ્ટેશન’ સુરતનું નવું નજરાણું બનશે. 100 કિલો વોટ ક્ષમતાનો રૂફટોપ સોલાર પ્લાન્ટ સમગ્ર દેશ માટે પ્રોત્સાહન અને આકર્ષણનું કેન્દ્ર બનશે.

દેશ સહિત રાજ્યભરમાં ગ્રીન એનર્જી અને સસ્ટેનેબલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની દિશામાં ઉત્તરોઉત્તર પ્રગતિ થઈ રહી છે. ત્યારે સુરત મહાનગરપાલિકા અને જર્મન સંસ્થા GIZ ના સહયોગથી તૈયાર થયેલા આ પ્રોજેક્ટ હેઠળ રૂફટોપ સોલાર પાવર પ્લાન્ટ અને સેકન્ડ લાઇફ બેટરી સ્ટોરેજ સિસ્ટમ દ્વારા બસો માટે 24*7 ગ્રીન ચાર્જિંગ સુવિધા સાથે Wi-Fi અને લાઈટિંગ જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ થશે.

આ વિષે વધુ વિગત આપતા લાઇટ એન્ડ એનર્જી એફિસેસિસ સેલના કાર્યપાલક ઇજનેરશ્રી પ્રકાશભાઇ પંડ્યાએ જણાવ્યું હતું કે, સુરતના અલથાણ વિસ્તારમાં તૈયાર કરાયેલા દેશનું પ્રથમ સૌર ઊર્જા આધારિત ઇલેક્ટ્રિક બસ ડેપો ખાતે 100 કિલોવોટ ક્ષમતા ધરાવતા રૂફટોપ સોલાર પાવર પ્લાન્ટ અને પ્રતિ કલાકે 224 કિલોવોટ ક્ષમતા ધરાવતી બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ (BESS) સ્થાપિત કરવામાં આવી છે. અંદાજિત રૂ. 1.60 કરોડના ખર્ચે બનેલો આ પ્રોજેક્ટ સંપૂર્ણ રીતે જર્મન સહાય સંસ્થા GIZના સહકારથી અમલમાં મૂકાયો છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, “આ પ્રોજેક્ટ અંતર્ગત દિવસ દરમિયાન સૌર ઊર્જાથી જનરેટ થતી વીજળી સેકન્ડ લાઈફ બેટરીમાં સંગ્રહિત થાય છે. રાત્રિ દરમિયાન ઇલેક્ટ્રિક બસોને ચાર્જ કરવા માટે ઉપયોગમાં લેવાય છે. પરિણામે ગ્રીડ પરનો ભાર ઘટે છે અને નવીનીકરણીય ઊર્જાનો વધુ પડતો ઉપયોગ શક્ય બન્યો છે.”

આ પ્રોજેક્ટનું મુખ્ય આકર્ષણ જણાવતા તેમણે કહ્યું કે, ઇલેક્ટ્રિક બસ ડેપો થકી વાર્ષિક અંદાજે 1 લાખ વીજ યુનિટનું ઉત્પાદન થશે અને આશરે રૂ.6.65 લાખની ઊર્જા બચત થશે. એટલે પર્યાવરણીય દ્રષ્ટિએ પણ આ પ્રોજેક્ટ ન માત્ર સુરત શહેર માટે પરંતુ સમગ્ર દેશ માટે શ્રેષ્ઠ ઉદાહરણરૂપ બનશે.

તેમણે કહ્યું કે, “આ માત્ર ટેકનોલોજીનો ઉપયોગ નથી, પણ પબ્લિક ટ્રાન્સપોર્ટને ગ્રીન અને સસ્ટેનેબલ બનાવવાનો પ્રયાસ છે. હાલ જે વપરાયેલી બેટરીઓને ફરી ઉપયોગમાં લેવામાં આવી રહી છે. એ વસ્તુઓનો પુનઃઉપયોગ કરીને વધુ ટકાઉ બનાવવાનો પ્રયાસ છે. જેથી આ પ્રોજેક્ટ સમગ્ર દેશ માટે રોલ મોડેલ સમાન સાબિત થશે. સુરત મહાનગરપાલિકા તરફથી નેટ ઝીરો એનર્જી અને સસ્ટેનેબલ એનર્જી માટેના લક્ષ્યાંકો હાંસલ કરવાની દિશામાં આ પ્રોજેક્ટ એક મહત્વપૂર્ણ કડી બનશે.”

સુરત મહાનગરપાલિકા દ્વારા અલથાણ વિસ્તારમાં અમલમાં મૂકાયેલો સૌર ઊર્જા આધારિત સ્માર્ટ બસ સ્ટોપ હવે રાષ્ટ્રીય સ્તરે ધ્યાન ખેંચી રહ્યો છે. Wi-Fi, મોબાઇલ ચાર્જિંગ, LED લાઇટ્સ, પંખા અને CCTV જેવી સુવિધાઓ સાથે સજ્જ આ બસ સ્ટોપ પબ્લિક ટ્રાન્સપોર્ટને હરિત અને ટેકનોલોજીકલ રીતે સમૃદ્ધ બનાવે છે. ઉર્જા બચત અને પર્યાવરણીય લાભો સાથે સંકળાયેલો આ પાયલોટ પ્રોજેક્ટ હવે દેશભરના શહેરો માટે પ્રેરણારૂપ મોડેલ બની રહ્યો છે.

સુરત: ઉધનાની એપી માર્કેટમાં ગેલેરી તૂટી પડતાં 2 શ્રમિક દટાયા, રેસ્ક્યૂ ઓપરેશન શરૂ

સુરતના ઉધનામાં આવેલા એપી માર્કેટમાં આજે બપોરે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. માર્કેટની ગેલેરીનો આખેઆખો ભાગ ધરાશાયી થતાં નાસભાગ મચી ગઈ હતી. આ દુર્ઘટનામાં રિપેરિંગ કરી રહેલા બે શ્રમિકો કાટમાળમાં દબાઈ ગયા હતા. ફાયર વિભાગ અને પાલિકાના અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને બચાવ કામગીરી હાથ ધરી હતી.

આ માર્કેટ જર્જરિત હાલતમાં હતું અને 2018માં સુરત મહાનગરપાલિકા દ્વારા તેને નોટિસ પણ આપવામાં આવી હતી. માર્કેટના ઉપરના બે સ્લેબ ઉતારવા માટે બે વખત નોટિસ આપવામાં આવી હોવા છતાં, આજે રિપેરિંગ કામ ચાલી રહ્યું હતું ત્યારે બીજા માળનો સ્લેબ પહેલા માળ પર પડ્યો હતો અને ત્યારબાદ વજન વધતા આ કાટમાળ સીધો નીચે પડ્યો હતો.

રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું
ઘટના બાદ તરત જ ફાયર વિભાગ અને પાલિકાની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. કાટમાળમાં દબાયેલા શ્રમિકોને બચાવવા માટે રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. બચાવ કામગીરીના હૃદયદ્રાવક દ્રશ્યો સામે આવ્યા હતા. એક શ્રમિક અડધો કાટમાળની બહાર દેખાતો હતો. ફાયર બ્રિગેડના જવાનોએ ભારે જહેમત બાદ કાટમાળ હટાવીને બંને શ્રમિકોને બહાર કાઢ્યા હતા.એક શ્રમિકને સામાન્ય ઈજા થઈ હતી, જ્યારે અન્ય શ્રમિકને ગંભીર ઈજા થતાં ઉધના પોલીસ પોતાના પીસીઆર વાનમાં તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ ગઈ હતી.

પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાને 6 મહિનાની જેલની સજા, કોર્ટના તિરસ્કારના દોષી જાહેર

બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડાપ્રધાન શેખ હસીનાની મુશ્કેલીઓમાં વધુ વધારો થયો છે. કોર્ટે તેમને અવમાનના કેસમાં દોષિત ઠેરવ્યા છે. બાંગ્લાદેશી મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેમને છ મહિનાની જેલની સજા ફટકારવામાં આવી છે. આંતરરાષ્ટ્રીય અપરાધ ટ્રિબ્યુનલે સજાનો નિર્ણય જાહેર કર્યો છે. બુધવારે, ત્રણ સભ્યોની બેન્ચે કેસની સુનાવણી દરમિયાન પોતાનો ચુકાદો આપ્યો.

ન્યાયાધીશ મોહમ્મદ ગુલામ મુર્તઝા મજુમદારે શેખ હસીનાના કેસની સુનાવણી કરી હતી. અહેવાલો અનુસાર, ગયા વર્ષે શેખ હસીનાની એક ઓડિયો ક્લિપ લીક થઈ હતી. લીક થયેલી ઓડિયો ક્લિપમાં શેખ હસીના કથિત રીતે ગોવિંદગંજ ઉપાધ્યક્ષ શકીલ બુલબુલ સાથે વાત કરી રહી હતી, જેમાં તેણીએ કહ્યું હતું કે, “મારી વિરુદ્ધ 227 કેસ નોંધાયેલા છે, તેથી મને આ લોકોને મારવાનું લાઇસન્સ મળી ગયું છે.”

શકીલ બુલબુલને કોર્ટ દ્વારા પહેલાથી જ સજા ફટકારવામાં આવી છે
શકીલ બુલબુલને કોર્ટના તિરસ્કારના કેસમાં બે મહિનાની જેલની સજા ફટકારવામાં આવી છે. બુલબુલ ઢાકામાં એક રાજકીય વ્યક્તિ છે અને તે બાંગ્લાદેશ છાત્ર લીગ (BCL) સાથે સંકળાયેલા છે, જે અવામી લીગની વિદ્યાર્થી પાંખ છે.

બાંગ્લાદેશમાં હિંસક વિરોધ પ્રદર્શનો થયા
ઓગસ્ટ 2024 માં શેખ હસીનાને પદ પરથી દૂર કરવામાં આવ્યા હતા, ત્યારબાદ બાંગ્લાદેશમાં સ્ટુડન્ટ્સ અગેઇન્સ્ટ ડિસ્ક્રિમિનેશન (SAD) દ્વારા હિંસક વિરોધ પ્રદર્શનો થયા હતા. સરકારી નોકરીઓમાં ક્વોટા સુધારાની માંગ સાથે આંદોલન શરૂ થયું હતું, પરંતુ તે ખૂબ જ હિંસક બન્યું હતું. સંયુક્ત રાષ્ટ્રના અહેવાલ મુજબ, જુલાઈના મધ્યથી ઓગસ્ટના મધ્ય સુધીમાં લગભગ 1,400 લોકો માર્યા ગયા હતા.

હિંસક વિરોધ પ્રદર્શનો દરમિયાન શેખ હસીના બાંગ્લાદેશ છોડીને ભારત ચાલ્યા ગયા. તેમના ઘણા ભૂતપૂર્વ મંત્રીઓ અને વરિષ્ઠ અધિકારીઓ હવે બળવા દરમિયાન થયેલા ઘાતક કાર્યવાહી માટે કાનૂની કાર્યવાહીનો સામનો કરી રહ્યા છે. શેખ હસીના ગયાના ત્રણ દિવસ પછી, મુહમ્મદ યુનુસને બાંગ્લાદેશના વચગાળાના વહીવટનું નેતૃત્વ કરવા માટે નિયુક્ત કરવામાં આવ્યા.

GSTમાં મોટી છૂટછાટ: 12% ટેક્સ સ્લેબ હટાવવાની તૈયારી

સરકાર GSTમાં મોટા ફેરફાર કરવાની તૈયારીમાં છે. સરકાર GST દરોમાં બદલાવને લઈને ગંભીરતાથી વિચારી રહી છે. ખાસ કરીને 12 ટકા વાળા સ્લેબને પૂરી રીતે દૂર થવાની શક્યતા છે. એ સાથે જ 12 ટકા સ્લેબમાં આવતો કેટલીક આવશ્યક ચીજવસ્તુઓને પાંચ ટકા સ્લેબમાં લાવવાનો વિચાર ચાલી રહ્યો છે. ચાલુ મહિને GST કાઉન્સિલની બેઠક યોજાઈ શકે છે, જેમાં આ પ્રસ્તાવ પર ચર્ચા થવાની સંભાવના છે. GST 1 જુલાઈ, 2017થી લાગુ કરવામાં આવ્યો હતો.

શું 12 ટકાના સ્લેબને જ નાબૂદ કરવામાં આવશે?
સરકાર GSTના 12 ટકાના સ્લેબમાં યાદીમાં રહેલી મોટાભાગની વસ્તુઓને 5 ટકાના સ્લેબમાં મુકવાનો અથવા તો આ વસ્તુઓ પરના 12 ટકાના સ્લેબને જ નાબૂદ કરવા પર વિચાર કરી રહી છે. જ સમાન્ય લોકો માટે ઘણી ફાયદાકારક વાત સાબિત થવાની છે. સામાન્ય લોકો દ્વારા રોજિંદા ઉપયોગમાં લેવાતી મોટાભાગની વસ્તુઓ આ જ શ્રેણી એટલે કે 12 ટકાના સ્લેબમાં આવે છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે GST કાઉન્સિલની આગામી બેઠકમાં આ અંગે નિર્ણય લેવામાં આવી શકે છે. જો કે, આ મામલે હજી સત્તાવાર રીતે કોઈ જાહેરાત કરવામાં આવી નથી પરંતુ વિશ્વસનીય સૂત્રો દ્વારા આ જાણકારી મળી રહી છે.

8 વર્ષ બાદ ફરી સરકાર એક નવો ફેરફાર કરવા માટે કરશે વિચારણા
ભારતમાં રહેતા દરેક વ્યક્તિને જીએસટી ભરવો પડે. GST એટલે કે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સને દેશભરમાં એક જ કર પ્રણાલી તરીકે રજૂ કરવામાં આવ્યો હતો. જેથી વિવિધ કરને એકસાથે જોડી શકાય. મહત્વની વાત એ છે કે, હવે 8 વર્ષ બાદ ફરી સરકાર એક નવો ફેરફાર કરવા માટે વિચારણા કરી રહી છે. જેના કારણે મધ્યમ વર્ગના લોકોને મોટો ફાયદો થવાનો છે. સરકાર દ્વારા જીએસટીમાં જે ફેરફાર કરવામાં આવશે તેના કારણે સામાન્ય વર્ગમાં આવતા દરેક પરિવારો પરથી ખર્ચનું ભારણ ઓછું થઈ જવાનું છે.

ભારતમાં હાલ 5%, 12%, 18% અને 28% ચાર GST સ્લેબ છે
જો કે, આ ટેક્સ સ્લેબના કેટલીક વસ્તુઓ સસ્તી થશે તો સામે કેટલીક વસ્તુઓ મોંઘી પણ થવાની છે. જેમાં તંબાકુ, પાન મસાલા, કોલ્ડ ડ્રિંક્સ જેવી વસ્તુઓના ભાવમાં વધારો થઈ શકે છે. ભારતમાં GST વર્ષ 2017 માં લાગુ કરવામાં આવ્યો હતો અને છેલ્લા કાર્યકારી દિવસે, 1 જુલાઈના રોજ તેને આઠ વર્ષ પૂર્ણ થયા છે. GST દરો જીએસટી કાઉન્સિલ દ્વારા નક્કી કરવામાં આવે છે અને રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના પ્રતિનિધિઓ પણ તેમને બદલવાના કોઈપણ નિર્ણયમાં સામેલ હોય છે. ભારતમાં હાલમાં ચાર GST સ્લેબ છે. 5%, 12%, 18% અને 28%. જેમાં અનાજ, ખાદ્ય તેલ, ખાંડ, નાસ્તો અને મીઠાઈઓ ઉપરાંત, સોના-ચાંદી અને અન્ય તમામ ચીજવસ્તુઓને વિવિધ શ્રેણીઓ અનુસાર આ ટેક્સ સ્લેબમાં રાખવામાં આવ્યા છે.

દેશભરમાં મુશળધાર વરસાદ, પૂર અને ભૂસ્ખલનથી તબાહી મચી, મંડીમાં 10 લોકોના મોત

0

દેશભરમાં ચોમાસાની ગતિ વધી હોવાથી હવામાને ભયંકર સ્વરૂપ ધારણ કર્યું છે. હિમાચલ પ્રદેશ, ઓડિશા, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ અને મધ્ય પ્રદેશ સહિત ઘણા રાજ્યોમાં મુશળધાર વરસાદ, વાદળ ફાટવા અને પૂરના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. હિમાચલ પ્રદેશના મંડી જિલ્લામાં સૌથી વધુ અસર જોવા મળી હતી, જ્યાં વાદળ ફાટવા અને અચાનક પૂરને કારણે 10 લોકો મૃત્યુ પામ્યા છે અને ઘણા લોકો ગુમ છે. NDRF, SDRF અને સ્થાનિક પોલીસ બચાવ કાર્ય માટે સતત કામગીરી કરી રહી છે. ભારે વરસાદને કારણે બિયાસ નદીમાં પૂર આવ્યું છે અને રાજ્યમાં રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.

ભારે વરસાદના કારણે મંડી જિલ્લો ભારે તબાહી
આ ઉપરાંત છેલ્લા 11 દિવસમાં ભારે વરસાદના કારણે રાજ્યમાં કુલ 356.67 કરોડનું નુકસાન થયું છે. તેમજ વરસાદના કારણે સૂબેના મંડી જિલ્લામાં ભારે તબાહી સર્જાઈ છે. મંડીમાં છેલ્લા 32 કલાકમાં રેસ્ક્યુ ઓપરેશનમાં 316 લોકોને બચાવવામાં આવ્યા છે. સત્તાવાર અહેવાલો અનુસાર, મંડીમાં વાદળ ફાટવાની કુલ 10 ઘટનાઓ નોંધાઈ છે, જેના કારણે ભારે વિનાશ, જાનહાનિ અને માળખાગત સુવિધાઓને નુકસાન પહોંચ્યું છે.

અસરગ્રસ્ત વિસ્તારોમાં શાળાઓ અને શૈક્ષણિક સંસ્થાઓ બે દિવસ માટે બંધ
આ ઉપરાંત રાજ્યમાં અચાનક પૂરના કારણે અસરગ્રસ્ત વિસ્તારોમાં બધી શાળાઓ અને શૈક્ષણિક સંસ્થાઓ બે દિવસ માટે બંધ રાખવામાં આવી છે. ઘણી જગ્યાએ ભૂસ્ખલન પણ થયું છે. આથી કટોકટી સેવાઓ દ્વારા બચાવ અને રાહત કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં 287થી વધુ લોકોને બચાવી લેવામાં આવ્યા છે. જેમાં મંડીમાં 233થી વધુ, હમીરપુરમાં 51 અને ચંબામાં ત્રણ લોકોને બચાવી લેવામાં આવ્યા છે. આ ઉપરાંત પશુઓ અને ગૌશાળાઓને પણ નુકસાન થયું છે.

ભારતીય હવામાન વિભાગે 2 જુલાઈના રોજ પૂર્વી રાજસ્થાન, ગુજરાત ક્ષેત્ર, હિમાચલ પ્રદેશ, ઓડિશા, ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાં અલગ અલગ સ્થળોએ ભારે વરસાદની આગાહી કરી છે. તેમજ પૂર્વી અને પશ્ચિમી ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને પૂર્વી રાજસ્થાન સહિત ઘણા વિસ્તારોમાં ઑરેન્જ ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

સેન્સેક્સ 500 પોઇન્ટ તૂટ્યો, નિફ્ટી 25400 નીચે, બજાજ ફાઇનાન્સમાં વેચવાલી

શેરબજાર સેન્સેક્સ નિફ્ટી એશિયન બજારોના મજબૂત સંકેતના પગલે વધીને ખુલ્યા હતા. સેન્સેક્સ ખુલ્યા બાદ 200 પોઇન્ટ અને નિફ્ટી 70 પોઇન્ટ જેટલો વધ્યો હતો. શેરબજારમાં સુધારાનું કારણ આઇટી સ્ટોકમાં તેજી છે. ગિફ્ટ નિફ્ટી ઇન્ડેક્સ પણ મજબૂત ટ્રેડ કરી રહ્યો છે. અમેરિકાની સંસદમાં ટ્રમ્પનું ટેક્સ અને ખર્ચ બિલ પાસ થતા શેરબજારોએ રાહતનો શ્વાસ લીધો છે. જો કે યુએસ બોન્ડની યીલ્ડ વધીને 4.25 ટકા એ પહોંચી ગઇ છે.

સેન્સેક્સ નિફ્ટી વધીને ખુલ્યા બાદ ફ્લેટ
સેન્સેક્સ બુધવારે 93 પોઇન્ટ વધી 83790 ખુલ્યો હતો. આજે આઈટી અને ઓટો શેરમાં તેજીથી સેન્સેક્સ 220 પોઇન્ટ જેટલો વધીને 83935 ઉપર સુધી પહોંચ્યો હતો. મંગળવારે 91 પોઇન્ટ વધીને 83697 લેવલ પર બંધ થયો હતો. તો એનએસઇ નિફ્ટી ઉંચા ગેપમાં 25588 ખુલીને 70 પોઇન્ટ વધી 25608 સુધી ગયો હતો.

શું કોરોના વેક્સિનના કારણે થઈ રહી છે અચાનક મૌત? ICMR-AIIMS સંશોધનનો દાવો

0

પાર્ટીઓમાં નાચતી વખતે, લગ્નમાં જયમાલ દરમિયાન, જીમમાં ટ્રેડવેલ પર દોડતી વખતે, ડમ્બેલ્સ ઉપાડતી વખતે લોકોને હૃદયરોગનો હુમલો આવ્યો છે અને તરત જ મૃત્યુ પામ્યા છે. આવા ઘણા કિસ્સાઓ બન્યા છે જેણે લોકોને આશ્ચર્યચકિત કર્યા છે. તાજેતરમાં કર્ણાટકના હસન જિલ્લામાં 40 દિવસમાં 20 થી વધુ લોકો હૃદયરોગના હુમલાથી મૃત્યુ પામ્યા હતા. આ અંગે ચર્ચા વચ્ચે કર્ણાટક સરકારે કોરોના રસીને દોષી ઠેરવી હતી. હવે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય તરફથી એક નિવેદન આવ્યું છે અને સંશોધનના આધારે રસીને કારણે હૃદયરોગના હુમલાના દાવાઓને ફગાવી દેવામાં આવ્યા છે.

હકીકતમાં સિદ્ધારમૈયા સરકારે દાવો કર્યો હતો કે કોરોનાવાયરસ રસીને કારણે હૃદયરોગના હુમલાના કેસોમાં વધારો થયો છે. આ અંગે, કોરોના રસી અને હૃદયરોગના હુમલા વચ્ચેના જોડાણ અંગે નવેસરથી ચર્ચા શરૂ થઈ છે, શું આ દાવો સાચો છે કે નહીં? આવી સ્થિતિમાં ભારત સરકારના આરોગ્ય મંત્રાલયે ICMR અને AIIMSના સંશોધનને ટાંકીને કહ્યું કે હૃદયરોગના હુમલાનો કોરોના રસી સાથે કોઈ સંબંધ નથી.

સરકારે બધા દાવાઓને પાયાવિહોણા ગણાવ્યા
હકીકતમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે સ્પષ્ટતા કરી છે કે યુવાનોમાં હાર્ટ એટેકના વધતા જતા કેસ અને કોરોના રસી વચ્ચે કોઈ પણ પ્રકારનો સંબંધ નથી. સરકારે કહ્યું કે ICMR દ્વારા હાથ ધરવામાં આવેલા અભ્યાસોમાં આ દાવાની પુષ્ટિ થઈ નથી. તેથી રસી વિશે કરવામાં આવેલા બધા દાવા સંપૂર્ણપણે પાયાવિહોણા છે.

ICMR અભ્યાસ અંગે કેન્દ્ર સરકારે કહ્યું કે આ સંશોધન મે અને ઓગસ્ટ 2023 વચ્ચે દેશના 19 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 47 હોસ્પિટલોમાં કરવામાં આવ્યું હતું. આ અભ્યાસ એવા લોકો પર કરવામાં આવ્યો હતો જેઓ સંપૂર્ણપણે સ્વસ્થ હતા પરંતુ 2021 થી માર્ચ 2023 વચ્ચે અચાનક મૃત્યુ પામ્યા હતા. અભ્યાસમાં દર્શાવવામાં આવ્યું હતું કે કોરોના રસીથી યુવાનોમાં હાર્ટ એટેકનું જોખમ વધ્યું નથી, અને આ સમસ્યાનો રસી સાથે કોઈ સંબંધ નથી.

અમેરિકાના ઉટાહમાં ઇસ્કોન મંદિરને ગોળીબારમાં નિશાન બનાવાયું

અમેરિકામાં ફરી એકવાર ઇસ્કોન મંદિર પર હુમલો થયો હોવાનું પ્રકાશમાં આવ્યું છે. આ પહેલા પણ અમેરિકામાં હિંદુ મંદિર પર હુમલો કરવામાં આવ્યો હતો. કેટલાક લોકોએ ઉટાહના સ્પેનિશ ફોર્કમાં ઇસ્કોન શ્રી શ્રી રાધા કૃષ્ણ મંદિરને નિશાન બનાવ્યું અને અનેક રાઉન્ડ ગોળીબાર કર્યો હોવાનું જાણવા મળ્યું છે. શું અમેરિકામાં કાયદો અને વ્યવસ્થાનો અપરાધીઓને કોઈ ડર જ નથી? અમેરિકામાં વારંવાર કેમ હિંદુ મંદિરને ટાર્ગેટ કરવામાં આવે છે? આ મંદિરમાં મોડી રાત્રે ગોળીબાર થયો હોવાનું પ્રકાશમાં આવ્યું છે.

રાત્રે મંદિરના પરિસરમાં 20થી 30 રાઉન્ડ ગોળીબાર થયો
આ મંદિરમાં દર વર્ષે વાર્ષિક હોળીની ઉજવણી કરવામાં આવે છે તેના કારણે તે વિશ્વ પ્રસિદ્ધ છે. ગઈ રાત્રે મોડી રાત્રે મંદિરના પરિસરમાં 20થી 30 રાઉન્ડ ગોળીબાર થયો હતો. જેથી મંદિરને ઘણું નુકસાન થયું છે. આ ગોળીબાર મામલે ઇસ્કોન મંદિરે એક્સ પર પોસ્ટ કરીને વિગતે જાણકારી આપી છે.

એક્સ પર પોસ્ટ કરતા ઇસ્કોન મંદિરે લખ્યું કે, હોળીના તહેવાર માટે વિશ્વ વિખ્યાત, ઉટાહ (યુએસએ) ના સ્પેનિશ ફોર્કમાં આવેલા ઇસ્કોન શ્રી શ્રી રાધા કૃષ્ણ મંદિર પર તાજેતરમાં શંકાસ્પદ લોકો દ્વારા હુમલો કરવામાં આવ્યો છે. છેલ્લા કેટલાક દિવસોમાં, મંદિરની ઇમારત અને આસપાસની મિલકત પર 20-30 ગોળીઓ ચલાવવામાં આવી હતી. આ ઘટનાઓ રાત્રિના સમયે બની હતી, જ્યારે ભક્તો અને મહેમાનો અંદર હાજર હતા, અને તેના પરિણામે મંદિરના હાથથી કોતરેલા કમાનો સહિત હજારો ડોલર નુકસાન થયું છે’.

મંદિરમાં થયેલ ગોળીબારની ઘટનાની સખત નિંદા કરવામાં આવી
આ સમગ્ર ઘટના ખૂબ જ નિંદનીય છે. જેના કારણે સાન ફ્રાન્સિસ્કોમાં ભારતના કોન્સ્યુલેટ જનરલે X પર પોસ્ટ કરતા લખ્યું કે, ‘અમે સ્પેનિશ ફોર્ક, ઉટાહમાં ઇસ્કોન શ્રી શ્રી રાધા કૃષ્ણ મંદિરમાં તાજેતરમાં થયેલી ગોળીબારની ઘટનાની સખત નિંદા કરીએ છીએ. કોન્સ્યુલેટ તમામ ભક્તો અને સમુદાયને પોતાનો સંપૂર્ણ સમર્થન આપે છે અને સ્થાનિક અધિકારીઓને ગુનેગારોને ન્યાય અપાવવા માટે ઝડપી પગલાં લેવા વિનંતી કરે છે’. આ ઘટનામાં સામેલ દરેક લોકો સામે કાર્યવાહી કરવા માટે માંગણી કરવામાં આવી છે. કારણ કે, આવી ઘટનાઓ વારંવાર બની રહી છે. 20થી 30 રાઉન્ડ ગોળીબાર થયો અને અમેરિકામાં કઈ નાની વાત નથી. જેથી સત્વરે આરોપીઓ સામે કાર્યવાહી કરવામાં આવે તે જરૂર છે.

અમરનાથ યાત્રા: LG મનોજ સિન્હાએ બતાવી લીલી ઝંડી, પહેલો જથ્થો જમ્મુથી થયો રવાના

0

અમરનાથ યાત્રા માટે લોકો આજે જમ્મુથી રવાના થઈ રહ્યા છે. ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ ભગવતી નગર બેઝ કેમ્પથી યાત્રાને લીલી ઝંડી આપી છે. યાત્રીઓ બપોર બાદ કાશ્મીર ઘાટી પહોંચશે, જોકે, મોટાભાગના લોકોની યાત્રાની શરૂઆત કાલથી થશે. 38 દિવસ ચાલનારી આ યાત્રા પહલગામ અને બાલાટાલ બંને રૂટથી થશે. જમ્મુ-શ્રીનગર રાષ્ટ્રીય રાજમાર્ગ (NH-44) સહિતના રૂટ પર સુરક્ષા વધારી દેવામાં આવી છે. યાત્રાનું સમાપન 9 ઓગસ્ટે રક્ષાબંધનના દિવસથી થશે.

કોઈ પણ જોખમ ભક્તોની શ્રદ્ધાને ડગમગાવી નહીં શકે: LG
જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હા, જેમણે જમ્મુના તાવી રિવરફ્રન્ટ ખાતે ‘તાવી આરતી’માં ભાગ લીધો હતો, તેમણે મંગળવારે કહ્યું કે, આજે આખી દુનિયા અમરનાથ યાત્રા પર નજર રાખી રહી છે અને કોઈ પણ જોખમ ભક્તોની શ્રદ્ધાને ડગમગાવી નહીં શકે.’ LG સિન્હાએ દાવો કર્યો હતો કે આ વર્ષની અમરનાથ યાત્રા પાછલા બધા વર્ષો કરતાં વધુ ઐતિહાસિક હશે અને તેમના માટે તે જમ્મુ અને કાશ્મીરના પ્રાચીન ગૌરવને પુનઃસ્થાપિત કરવાની તક છે.

યાત્રામાં ગુજરાતીઓની સંખ્યામાં ઘટાડો
બાબા બર્ફાનીના દર્શન માટે અમરનાથ યાત્રાનો આગામી 3 જુલાઈથી પ્રારંભ થવા જઈ રહ્યો છે. પહલગામમાં થયેલા આતંકી હુમલા તેમજ આ વખથી હેલિકોપ્ટર સુવિધા બંધ રાખવામાં આવી હોવાથી ગુજરાતથી યાત્રાળુઓમાં 8 ગણાથી વધુનો ઘટાડો નોંધાયો છે. ગુજરાતમાંથી આ વખતે પાંચ હજાર જેટલા જ શ્રદ્ધાળુઓ અમરનાથમાં દર્શન કરવા જાય તેવી સંભાવના છે.

પહલગામ હુમલાને લઈને ઘટ્યું રજિસ્ટ્રેશન
9 ઓગસ્ટ સુધી યોજાનારી અમરનાથ યાત્રામાં 3.50 લાખથી શ્રદ્ધાળુઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. પરંતુ, એપ્રિલમાં પહલગામ પ્રવાસીઓ પરના આતંકી હુમલા બાદ અમરનાથ માટે રજિસ્ટ્રેશન કરાવનારા યાત્રાળુઓની સંખ્યા ઘટીને 85 હજાર થઈ ગઈ છે. ગત વર્ષે અમરનાથ યાત્રામાં 5.10 લાખથી વધુ શ્રદ્ધાળુઓ નોંધાયા હતા, જે છેલ્લાં એક દાયકામાં સૌથી વધુ હતા. સામાન્ય રીતે વિવિધ સંઘો ગુજરાતથી અમરનાથ યાત્રાએ જતા હોય છે. આ વખતે આવા સંઘોમાં પણ ઘટાડો નોંધાયો છે.

કડક સુરક્ષા વ્યવસ્થા
પહેલગામમાં તાજેતરમાં થયેલા આતંકવાદી હુમલા અને ‘ઓપરેશન સિંદૂર’ બાદ આ વર્ષની યાત્રા માટે સુરક્ષા વ્યવસ્થા અત્યંત કડક કરવામાં આવી છે. જમ્મુ-કાશ્મીર પોલીસ, CRPF, SSB, ITBP અને ભારતીય સેનાની ટુકડીઓ યાત્રા માર્ગ પર તૈનાત કરાઈ છે. ગયા વર્ષે 514 પેરા-મિલિટરી કંપનીઓ તૈનાત હતી, જ્યારે આ વર્ષે આ સંખ્યા વધારીને 581 કરવામાં આવી છે, જેમાં CRPFની 221 કંપનીઓ અને અન્ય કેન્દ્રીય પોલીસ દળોની 360 કંપનીઓનો સમાવેશ થાય છે. જમ્મુથી બાલટાલ અને પહેલગામ જતા રૂટની સુરક્ષા માટે CRPF ને જવાબદારી સોંપવામાં આવી છે, જ્યારે પવિત્ર ગુફાની સુરક્ષા ITBP સંભાળે છે. આ ઉપરાંત, સેના અને પોલીસની વિશેષ ટુકડીઓ પણ દરેક સ્થળે તૈનાત છે.