Home Blog Page 357

દેવભૂમિ દ્વારકા, સુરત તથા વલસાડ જિલ્લામાં આગામી બે દિવસ અતિભારે વરસાદની આગાહી

SEOC-ગાંધીનગર ખાતે રાહત નિયામકશ્રીના અધ્યક્ષ સ્થાને વેધર વોચ ગ્રુપની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ભારતીય હવામાન વિભાગના અધિકારીશ્રી દ્વારા ગુજરાતમાં આગામી સપ્તાહ દરમિયાન વરસાદની સ્થિતિ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.

હવામાન વિભાગ દ્વારા આવતીકાલ તા. ૨૦ ઓગસ્ટના રોજ અમરેલી, ભાવનગર, સુરત, નવસારી તથા વલસાડ જિલ્લામાં તેમજ તા. ૨૧ ઓગસ્ટના રોજ કચ્છ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર તથા જૂનાગઢ જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત આગામી તા. ૨૫ ઓગસ્ટ સુધી સમગ્ર રાજ્યમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

બેઠકમાં NDRF અને SDRF અધિકારીશ્રીઓના જણાવ્યા મુજબ ચોમાસામાં દરમિયાન ઉપસ્થિત થતી કોઇપણ કટોકટીની પરિસ્થિતિને પહોંચી વળવા NDRFની કુલ ૧૨ ટીમ અને SDRFની ૨૦ ટીમ અલગ-અલગ જિલ્લાઓ ખાતે ડીપ્લોય કરવામાં આવી છે. આ ઉપરાંત NDRFની એક ટીમ રીઝર્વ રાખવામાં આવી છે. વધુમાં, સુરેન્દ્રનગર જિલ્લામાં આયોજિત તરણેતરના મેળા માટે પણ એક SDRF ટીમ ફાળવવા રાહત નિયામકશ્રીએ સૂચના આપી હતી.

સિંચાઇ વિભાગના અધિકારીશ્રી દ્વારા રિઝિયન વાઈઝ ડેમમાં પાણીના સ્ટોરેજની સ્થિતિ અંગે વિસ્તૃત માહિતી આપી ચર્ચા કરવામાં આવી હતી. તેમણે રાજ્યના ૨૦૬ જળાશયો પૈકી ૬૧ જળાશયો હાઇએલર્ટ, ૨૭ જળાશયો એલર્ટ તથા ૨૧ જળાશયો વોર્નિંગ લેવલ પર હોવાનું આ બેઠકમાં જણાવ્યું હતું. આ ઉપરાંત સરદાર સરોવર નર્મદા નિગમના અધિકારીશ્રી દ્વારા સરદાર સરોવર સ્ટોરેજ વિશે પણ માહિતી આપવામાં આવી હતી.

આ બેઠકમાં રાહત નિયામકશ્રી દ્વારા તમામ વિભાગના નોડલ અધિકારીશ્રીઓને જરૂરી માર્ગદર્શન તથા સૂચનાઓ પાઠવવામાં આવી હતી. સાથે જ, ચોમાસામાં સંભવિત ભારે વરસાદની પરિસ્થિતિને પહોંચી વળવા એલર્ટ રહેવા પણ જણાવ્યું હતું.

ઉકાઈ ડેમમાં મેગાવોટના સોલર પ્રોજેક્ટનો વિરોધ, પથ્થરમારમાં પોલીસ અધિકારીઓ ઘાયલ

તાપી જિલ્લાના સોનગઢ તાલુકામાં આવેલા ગોલણ ગામમાં આજે ભારે તણાવની સ્થિતિ સર્જાઈ હતી. ઉકાઈ ડેમમાં 1500 મેગાવોટના સોલર પ્રોજેક્ટ માટે સર્વે અને માપણી કરવા ગયેલી સરકારી ટીમનો સ્થાનિક લોકોએ ભારે વિરોધ કર્યો, જેના પરિણામે હિંસા ફાટી નીકળી.

અંદાજે 400 લોકોના ટોળાએ સર્વે ટીમને કામ કરતા અટકાવ્યા અને વિરોધ ઉગ્ર બનતાં પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. ટોળા પાસે પથ્થર, લાકડાં અને દાતરડાં જેવાં હથિયારો પણ હતાં. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસે લાઠીચાર્જં કર્યો અને ટીયર ગેસના 12 શેલ છોડ્યા હતા અને ટોળાને વિખેરવાનો પ્રયાસ કર્યો હતો. ઉગ્ર વિરોધને ધ્યાનમાં રાખીને તંત્રએ તાત્કાલિક અસરથી સર્વેની કામગીરી બંધ કરી દીધી છે. પોલીસે આ ગંભીર બનાવ અંગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને ફરિયાદ નોંધવાની તજવીજ શરૂ કરવામાં આવી છે.

ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીમાં વિપક્ષનો દાવ: પૂર્વ સુપ્રીમકોર્ટ જજ બી. સુદર્શન રેડ્ડી ઉમેદવાર

0

ઇન્ડિયા ગઠબંધન દ્વારા ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવારના નામની જાહેરાત કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ બી.સુદર્શન રેડ્ડીને વિપક્ષે પોતાના ઉમેદવાર જાહેર કર્યા છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ નામની જાહેરાત કરતી વખતે કહ્યું કે સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ જસ્ટિસ બી.સુદર્શન રેડ્ડી અમારા ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર હશે.

સરકારના એડિશનલ સ્ટેન્ડિંગ કાઉન્સિલ
રેડ્ડીએ તેમના કરિયરની શરૂઆત નાગરિક અને બંધારણીય બાબતોમાં પ્રેક્ટિસ કરીને કરી હતી અને આંધ્ર પ્રદેશ હાઈકોર્ટના વરિષ્ઠ વકીલ કે. પ્રતાપ રેડ્ડી સાથે કામ કર્યું હતું. ત્યારબાદ 8 ઓગસ્ટ 1988ના રોજ તેમને આંધ્ર પ્રદેશ હાઈકોર્ટમાં સરકારી વકીલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા અને કેન્દ્ર સરકાર માટે એડિશનલ સ્ટેન્ડિંગ કાઉન્સિલ બન્યા હતા.

વર્ષ 1993 માં તેઓ આંધ્ર પ્રદેશ હાઈકોર્ટ એડવોકેટ્સ એસોસિએશનના પ્રમુખ તરીકે ચૂંટાયા અને ઓસ્માનિયા યુનિવર્સિટીના લીગલ એડવાઇઝર પણ હતા. તેમના લીગલ કરિયરમાં આગળ વધતા રેડ્ડીને 2 મે 1993ના રોજ આંધ્ર પ્રદેશ હાઈકોર્ટના વધારાના ન્યાયાધીશ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. આ પછી 5 ડિસેમ્બર 2005ના રોજ તેઓ ગુવાહાટી હાઈકોર્ટના ચીફ જજ બન્યા.

કોણ છે બી સુદર્શન રેડ્ડી?
બી. સુદર્શનનો જન્મ 8 જુલાઈ 1946ના રોજ આંધ્રપ્રદેશના અકુલા માયલારામ ગામમાં થયો હતો. તેમણે હૈદરાબાદમાં અભ્યાસ કર્યો અને 1971માં ઉસ્માનિયા યુનિવર્સિટીમાંથી કાયદાની ડિગ્રી મેળવી હતી. તેઓ 1971 માં જ એડવોકેટ તરીકે નામાંકિત હતા. તેમણે આંધ્રપ્રદેશ હાઈકોર્ટમાં રિટ અને સિવિલ કેસોની પ્રેક્ટિસ કરી છે. તેમણે 1988-90 દરમિયાન હાઇકોર્ટમાં સરકારી વકીલ તરીકે કામ કર્યું હતું.

સુરત: કોઝવે ભયજનક સપાટીએ પહોંચ્યો, સાવચેતીના પગલે વાહન વ્યવહાર માટે બંધ કરાયો

સુરત શહેરમાં આવેલો કોઝવે વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે. કોઝવે ભયજનક સપાટી પર આવી જતા કોઝવે બંધ કરવામાં આવ્યો છે. હવે ચંદ્રશેખર બ્રિજ અથવા જહાંગીરપુરા ડભોલી બ્રીજનો ઉપયોગ વાહન ચાલકોને કરવો પડશે.

હવામાન વિભાગની આગાહી મુજબ સુરત શહેરમાં છેલ્લા બે ત્રણ દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. શહેરમાં છૂટો છવાયો વરસાદ વરસ્યો હતો.

સુરતમાં આવેલો કોઝવે વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે. કોઝવે ચોમાસામાં ભયજનક સપાટીએ પહોચતા પહેલી વાર ગત 23 જૂનના રોજ બંધ કરવામાં આવ્યો હતો, ત્યારબાદ સપાટીમાં ઘટાડો થતાં 50 દિવસ બાદ 11 ઓગસ્ટના રોજ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો.

7 દિવસમાં ફરી એક વખત કોઝવેની સપાટી ભયજનક સપાટી સુધી પહોંચી છે. જેના પગલે હાલ વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે. આજે બપોરે 2 કલાકે કોઝવેની સપાટી 5.98 મીટર નોંધાઈ હતી. કોઝવેની ભયજનક સપાટી 6 મીટર છે, ઉલ્લેખનીય છે કે કોઝવે વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવતા વાહન ચાલકોને જહાંગીરપુરા ડભોલી બ્રીજ અથવા ચંદ્ર શેખર આઝાદ બ્રીજનો ઉપયોગ કરવો પડશે.

એપલનો મેગા લોન્ચ: iPhone 17, Watch Ultra 3 અને નવા AirPods સપ્ટેમ્બરમાં…

0

એપલનો સપ્ટેમ્બર લોન્ચ ઇવેન્ટ:
ટેક દિગ્ગજ એપલ આવતા મહિને તેના નવા iPhone 17 Series, Apple Watch Ultra 3, Series 11 અને Next Gen AirPods Pro 4 લોન્ચ કરવા જઈ રહ્યું છે. iPhone 17 Pro Maxમાં વધુ શક્તિશાળી પ્રોસેસર, 120Hz Display અને અદ્યતન કેમેરા સિસ્ટમ મળશે.

Apple Watch Ultra 3 અને Series 11માં Health Monitoring, Satellite Connectivity જેવી સુવિધાઓ ઉમેરાશે. નવા AirPods Pro 4માં વધુ સારી Noise Cancellation અને Clear Audio અનુભવ મળશે. વિશ્વભરના એપલ ચાહકો આ ઇવેન્ટની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે…

“ચાર રાષ્ટ્રપતિઓને નોબેલ મળ્યા, મને કેમ નહીં? – ટ્રમ્પનો દબાણભર્યો દાવો”

નોબેલ માટે ઉતાવળા બનેલા ટ્રમ્પ: નોર્વેના નાણાંમંત્રીને ફોન પર ધમકી, “પુરસ્કાર નહીં મળે તો ટેરિફ લગાવી દઈશ”

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ નોબેલ પુરસ્કાર મેળવવા માટે એટલા ઉત્સુક થઈ ગયા છે કે તેમણે નોર્વેના નાણાંમંત્રીને સીધો ફોન કરીને દબાણ કરવાનો પ્રયાસ કર્યો. નોર્વેના બિઝનેસ અખબાર ડેગેન્સ નેરિંગ્સલિવના અહેવાલ મુજબ, ટ્રમ્પે ફોન પર સ્પષ્ટ કહ્યું કે જો તેમને નોબેલ શાંતિ પુરસ્કાર નહીં આપવામાં આવે તો અમેરિકા નોર્વે પર વધુ ટેરિફ લાદશે.

અહેવાલ મુજબ, આ ફોન કૉલ ત્યારે આવ્યો હતો જ્યારે નોર્વેના નાણાંમંત્રી ઓસ્લોની સડકો પર વોક માટે નીકળ્યા હતા. અમેરિકી અને નોર્વેજીયન અધિકારીઓ વચ્ચે ટેરિફ અને આર્થિક સહકાર અંગે ચર્ચા ચાલી રહી હતી, ત્યારે અચાનક ટ્રમ્પે નોબેલ પુરસ્કાર અંગે વાત શરૂ કરી હતી.

ગત મહિને અમેરિકા દ્વારા નોર્વેની આયાત પર 15% ટેરિફ લાદવામાં આવ્યા હતા, જેના પગલે બંને દેશો વચ્ચે ચર્ચા ચાલી રહી હતી. આ દરમિયાન ટ્રમ્પે દલીલ કરી હતી કે તેમણે મધ્ય પૂર્વ, ભારત-પાકિસ્તાન અને કંબોડિયા જેવા દેશોમાં શાંતિ કરારો અને યુદ્ધવિરામમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.

ટ્રમ્પે પોતાનું મંતવ્ય વ્યક્ત કરતાં જણાવ્યું કે, “ચાર અમેરિકન રાષ્ટ્રપતિઓને નોબેલ મળ્યો છે, તો પછી મને કેમ નહીં મળે?” ઉલ્લેખનીય છે કે ઇઝરાયલ, પાકિસ્તાન અને કંબોડિયા સહિત અનેક દેશોએ ડોનાલ્ડ ટ્રમ્પનું નોબેલ શાંતિ પુરસ્કાર માટે નામાંકન કર્યું છે. તેમ છતાં, અંતિમ નિર્ણય નોર્વેની નોબેલ સમિતિ લે છે કે આ પ્રતિષ્ઠિત સન્માન કોને મળશે

બળાત્કારના દોષિત આસારામને મેડિકલ ચેકઅપ માટે સિવિલ હોસ્પિટલ લવાયા, તબિયત ગંભીર

સુરત અને જોધપુરના દુષ્કર્મ કેસમાં દોષિત અને આજીવન કેદની સજા ભોગવી રહેલા 86 વર્ષીય આસારામની તબિયત ગંભીર થતાં તેમને મેડિકલ ચેકઅપ માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા છે. હોસ્પિટલમાં તેમનું મેડિકલ એક્ઝામિનેશન શરૂ કરવામાં આવ્યું છે, જેના કારણે સુરક્ષાને ધ્યાનમાં રાખીને ઓપીડીમાં લોકોનો પ્રવેશ બંધ કરી દેવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, અગાઉ તેઓ ઈન્દોરની જ્યુપિટર હોસ્પિટલના આઈસીયુમાં દાખલ હતા.

આસારામની ગંભીર તબિયતને ધ્યાનમાં રાખીને ગુજરાત અને રાજસ્થાન હાઈકોર્ટ દ્વારા તેમના વચગાળાના જામીન લંબાવવામાં આવ્યા છે. રાજસ્થાન હાઈકોર્ટે 8 ઓગસ્ટે સુનાવણી કરીને તેમના જામીન 29 ઓગસ્ટ સુધી લંબાવ્યા હતા, જ્યારે ગુજરાત હાઈકોર્ટે સુરત કેસમાં 7 ઓગસ્ટે જામીન 21 ઓગસ્ટ સુધી લંબાવ્યા છે. આસારામે તબીબી કારણોસર જામીન લંબાવવાની માંગ કરી હતી અને હોસ્પિટલ તેમજ ડોક્ટરોના સર્ટિફિકેટ રજૂ કર્યા હતા. ગુજરાત હાઈકોર્ટે ત્રીજી વખત તેમના જામીન લંબાવ્યા છે, અને આ મામલે 21 ઓગસ્ટે વધુ સુનાવણી યોજાશે.

કોર્ટમાં રજૂ કરવામાં આવેલા મેડિકલ રિપોર્ટમાં આસારામની હાલત અત્યંત નાજુક હોવાનું જણાવાયું છે. તેમના વકીલ નિશાંત બોરડાએ કોર્ટને જણાવ્યું હતું કે, આસારામનું ‘ટ્રોપોનિન લેવલ’ ખૂબ જ ઊંચું છે, જે ચિંતાજનક છે. તેમની સારવાર કરી રહેલા ડોક્ટરના મતે તેમની હાલત ગંભીર છે. આ મેડિકલ રિપોર્ટના આધારે જ બંને હાઈકોર્ટે તેમને વચગાળાના જામીન આપ્યા છે. આ ઘટનાએ ફરી એકવાર ચર્ચાનો વિષય બનાવ્યો છે.

મહારાષ્ટ્ર: અહિલ્યાનગરમાં ફર્નિચરની દુકાનમાં આગ લાગવાથી એક જ પરિવારના 5 લોકોના મોત

0

મહારાષ્ટ્રના અહિલ્યાનગરમાં નેવાસા ફાટા ખાતે આવેલી, એક ફર્નિચરની દુકાનમાં આગ લાગવાથી એક જ પરિવારના 5 લોકોના મોત થયા છે. આગ લાગવાની માહિતી મળતા જ ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આગ પર કાબુ મેળવ્યો હતો. અહિલ્યાનગર પોલીસની ટીમ અહીં આગ લાગવાના કારણની તપાસ કરી રહી છે.

ઘટનાની તપાસ કરી રહેલા એક પોલીસ અધિકારીએ સોમવારે જણાવ્યું હતું કે,” ગઈકાલે રાત્રે લગભગ 1 વાગ્યે અહિલ્યાનગરના નેવાસામાં, મયુર ફર્નિચર નામની દુકાનમાં આગ લાગી હતી. આ ઘટનાની માહિતી મળતા જ ફાયર બ્રિગેડ અને પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફર્નિચરની દુકાનમાં જ્વલનશીલ પદાર્થ હોવાથી આગ પર ઝડપથી કાબુ મેળવી શકાયો ન હતો.

“આ કારણે દુકાનમાં સૂતા એક જ પરિવારના 5 લોકોના મોત થયા હતા. મૃતકોની ઓળખ મયુર અરુણ રસાને (45), પાયલ મયુર રસાને (38), અંશ મયુર રસાને (10), ચૈતન્ય મયુર રસાને (7) અને એક વૃદ્ધ મહિલા તરીકે થઈ છે. ફાયર બ્રિગેડની ટીમે આજે સવાર સુધીમાં આગ પર કાબુ મેળવ્યો હતો. પોલીસ ઘટનાસ્થળે આગ લાગવાના કારણની તપાસ કરી રહી છે.

સુરતમાં ડી. કે. એન્ડ સન્સ કંપનીમાં કરોડોના હીરાની ચોરી થઈ હોવાની પોલીસ ફરિયાદ

સુરતમાં તિજોરી કટરથી કાપી કરોડોના હીરાની ચોરીની ઘટના સામે આવી છે. ડી.કે એન્ડ સન્સ ડાયમંડ કંપનીમાં તસ્કરો ત્રાટક્યા હતા. તસ્કરો CCTV-DVR લઈ સાથે ગયા છે. આ ઘટનાની જાણ થતા પોલીસ અને શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમ દોડી આવી હતી. DCP, ACP, FSLની ટીમ ઘટનાસ્થળે પહોંચી છે. આ ઘટનાને કારણે હીરા ઉદ્યોગમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો છે. આ ચોરીનો આકડો ચોક્કસ બહાર આવ્યો નથી.

સુરતમાં તિજોરી કટરથી કાપી કરોડોના હીરાની ચોરી

શહેરમાં આવેલી ડી કે એન્ડ સન્સ ડાયમંડ કંપનીમાંથી ચોરો તિજોરી કાપી કરોડોના હીરા અને રોકડ ચોરી કરી ફરાર થઈ ગયા છે. હમણાં તેહવારોના લીધે કંપનીમાં રજાનો માહોલ હોવાથી આ તકનો લાભ ચોરોએ ઉઠાવી લીધો હતો. જોકે આ મામલે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. ચોરોએ કંપની ના સીસીટીવી કેમેરા પણ તોડી નાખ્યા છે, અને તસ્કરો CCTV-DVR લઈ ગયા છે. ચોરો પૂરાવાનો નાશ કરતા ગયા છે.

DCP, ACP સહિતની ટીમો અને FSLની ટીમ દ્વારા તપાસ

તસ્કરોએ તહેવારનો લાભ લઈને ઘટનાને અંજામ આપ્યો હતો. આ ઘટનાને કારણે હીરા ઉદ્યોગમાં ચિંતા જોવા મળી રહી છે. આ સમગ્ર મામલે પોલીસ અધિકારીએ જણાવ્યું કે ચોરો ક્યારે આવ્યા અને ચોરી કરીને જતા રહ્યાં છે તે દિશામાં તપાસ કરવામાં આવી રહી છે. હાલ ઘટના સ્થળે DCP, ACP સહિતની ટીમો અને FSLની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.

દિલ્હીમાં ત્રણ શાળાઓ અને એક કોલેજને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, સર્ચ ઓપરેશન શરૂ

0

દિલ્હીમાં ફરી એકવાર શાળાઓ અને કોલેજોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. અગાઉ પણ દિલ્હીની ઘણી શાળાઓને ધમકીભર્યા ઈમેલ મળ્યા છે. ઘણી વખત આ નકલી કોલ સાબિત થયા છે. સોમવારે દિલ્હી પબ્લિક સ્કૂલ (DPS) દ્વારકા, મોર્ડન કોન્વેન્ટ સ્કૂલ દ્વારકા અને ગ્રેટર કૈલાશમાં બ્લુ બેલ્સ સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. હવે સમાચાર એ છે કે એક કોલેજને ધમકીભર્યો ઈમેલ મળ્યો છે.

જે બાદ શાળા પરિસર ખાલી કરાવવામાં આવ્યું છે. સર્ચ ઓપરેશન ચાલુ છે. બોમ્બની માહિતી મળતાની સાથે જ પોલીસ, બોમ્બ સ્ક્વોડ અને ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. દિલ્હી ફાયર સર્વિસે આ માહિતી આપી છે. માહિતી માટે, અમે તમને જણાવી દઈએ કે આજે સવારે 7:24 વાગ્યે કંટ્રોલ રૂમને જાણ કરવામાં આવી હતી.

બોમ્બની માહિતી પર, એક વાલીએ કહ્યું કે અમને બાળકોને શાળામાંથી પાછા લઈ જવાનો સંદેશ મળ્યો હતો. તેઓએ કારણ જણાવ્યું ન હતું. તેથી જ અમે અમારા બાળકને પાછા લઈ જવા આવ્યા છીએ. અગાઉ, જુલાઈમાં, દિલ્હીની 20 થી વધુ શાળાઓને ઈમેલ દ્વારા બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, દિલ્હીના પશ્ચિમ વિહારમાં આવેલી રિચમંડ ગ્લોબલ સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. બોમ્બથી ઉડાવી દેવાની ધમકીની માહિતી મળતાં જ ફાયર વિભાગ અને દિલ્હી પોલીસની એક ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ.

માત્ર શાળાઓ જ નહીં, કોલેજોને પણ ધમકીભર્યા ઈમેલ મળ્યા હતા

શાળાઓ ઉપરાંત, દિલ્હીની આઈપી કોલેજ ફોર વુમન, હિન્દુ કોલેજ અને શ્રી રામ કોલેજ ઓફ કોમર્સને પણ ઈમેલ દ્વારા બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. પરંતુ તપાસ બાદ, બધી ધમકીઓ ખોટી નીકળી.