Home Blog Page 281

બનાસકાંઠાના સાંસદ ગેનીબેન બગડ્યા, જાણો કોને લુખ્ખા તત્વો ગણાવ્યા

પાટણ ખાતે સદારામ કન્યા છાત્રાલયના ભૂમિ પૂજન પ્રસંગે બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરના આકરા તેવર જોવા મળ્યા હતા. સંબોધન દરમિયાન તેમણે લુખ્ખાઓને સ્ટેજ પર સ્થાન ન આપવા માટે અપીલ કરી હતી. ઉપરાંત સારા કાર્યોમાં રોડા નાખવાવાળા વ્યક્તિઓને ગેનીબેન ઠાકોરે લુખ્ખા તત્વો પણ ગણાવ્યા હતા.

સદારામ કન્યા છાત્રાલયના ભૂમિ પૂજન પ્રસંગે બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર આ ભગીરથ કાર્ય કરવા બદલ સમાજના આગેવાનોને અભિનંદન પાઠવ્યા હતા.ઉપરાંત સમાજમાં દીકરા દીકરીઓની વચ્ચે સંમતુલા જળવાઈ રહે તે માટે દીકરાઓને પણ શિક્ષિત કરવા આહવાન કર્યું હતું. તો બીજી તરફ અંધશ્રદ્ધા માંથી બહાર આવી મંદિરો પાછળ ખોટા ખર્ચાઓ કરવાને બદલે સરસ્વતીના મંદિરો ગામે ગામ બનાવવા સમાજના આગેવાનોને અપીલ કરી હતી.

સદારામ સેવા સમિતિ ગુજરાત દ્વારા સદારામ કન્યા હોસ્ટેલનું ભૂમિ પૂજન કાર્યક્રમ આજે પાટણ ખાતે યોજાયો હતો જેમાં કન્યા છાત્રાલયનું ભૂમિ પૂજન બાબાભાઈ ભરવાડ, સંત દાસરામ બાપુ સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. અધ્યતન સુવિધા સાથેનું આ સંકુલ બે વર્ષમાં કાર્યરત કરાશે.

હાલના સમયમાં જે મોટા સમાજો છે તેમાં શિક્ષણનું પ્રમાણ વધુ જોવા મળી રહ્યું છે. વિવિધ શહેરોમાં આ સમાજની હોસ્ટેલો અને સંકુલો કાર્યરત છે. ત્યારે ઠાકોર સમાજના દીકરા દીકરીઓ પણ વર્તમાન સમયમાં શિક્ષણથી વંચિત ન રહે તેવા ઊમદા આશયથી પાટણમાં સદારામ કન્યા હોસ્ટેલનું ભૂમિ પૂજન દાતાઓના દાનથી કરવામાં આવ્યું હતું. બક્ષીપંચ સમાજમાંથી આવતા બાબાભાઈ ભરવાડે મુખ્ય દાતા બની બે કરોડ 51લાખ રૂપિયા આપી આ છાત્રાલયનું ભૂમિ પૂજન કર્યું હતું. ભૂમિ પૂજન કાર્યક્રમ બાદ સિંધવાઈ માતા મંદિર ખાતે જાહેર કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ભાજપના અને કોંગ્રેસના રાજકીય અને સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

ઇન્ડોનેશિયાની મસ્જિદમાં જુમ્માની નમાજ દરમિયાન વિસ્ફોટ, 50થી વધુ લોકો ઘાયલ

ઇન્ડોનેશિયાની રાજધાની જકાર્તાના કેલાપા ગેડિંગ વિસ્તારમાં શુક્રવારે બપોરે એક શક્તિશાળી વિસ્ફોટ થયો. અહેવાલો અનુસાર, સ્ટેટ સિનિયર હાઇ સ્કૂલ 72 (SMA Negeri 72) ની મસ્જિદમાં શુક્રવારની નમાજ દરમિયાન વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટમાં ઓછામાં ઓછા 15 વિદ્યાર્થીઓ અને 5 શિક્ષકો ઘાયલ થયા હતા. શાળા નૌકાદળના કમ્પાઉન્ડની અંદર આવેલી હોવાથી, નૌકાદળના કર્મચારીઓ અને પોલીસ તાત્કાલિક ત્યાં પહોંચી ગયા હતા. વિસ્ફોટ બપોરે 12:30 વાગ્યાની આસપાસ થયો હતો.

અચાનક જોરદાર વિસ્ફોટ
સાક્ષીઓના જણાવ્યા મુજબ, મસ્જિદના મુખ્ય હોલના પાછળના ભાગમાંથી એક મોટો અવાજ આવ્યો અને ધુમાડો ફેલાઈ ગયો. ભક્તો ભાગવા લાગ્યા. ગણિતના શિક્ષક બુડી લક્સોનોએ જણાવ્યું, “ઉપદેશ શરૂ થયો જ હતો ત્યારે અચાનક એક જોરદાર વિસ્ફોટ થયો. રૂમ ધુમાડાથી ભરાઈ ગયો. બાળકો રડતા અને ચીસો પાડતા બહાર દોડી આવ્યા, કેટલાક નીચે પડી ગયા.” મોટાભાગના ઘાયલોને કાચના ટુકડાથી ઇજા થઈ હતી અથવા વિસ્ફોટથી કાનને નુકસાન થયું હતું. બધાને નજીકના કેલાપા ગેડિંગ ક્લિનિકમાં લઈ જવામાં આવ્યા હતા. તેમની હાલત ખતરાની બહાર છે.

નૌકાદળના જવાનો સ્થળ પર તૈનાત
વિસ્ફોટ પછી તરત જ, નૌકાદળના કર્મચારીઓ અને જકાર્તા પોલીસે વિસ્તારને ઘેરી લીધો. બોમ્બ સ્ક્વોડ દ્વારા મસ્જિદ અને આસપાસના વિસ્તારની સંપૂર્ણ તપાસ કરવામાં આવી. પોલીસે જણાવ્યું હતું કે, “પ્રારંભિક તપાસમાં વિસ્ફોટનું કારણ જાણી શકાયું નથી. તે ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટ અથવા ખામીયુક્ત ઇલેક્ટ્રોનિક ઉપકરણ હોઈ શકે છે. જોકે, ઘટનાસ્થળેથી કેટલીક શંકાસ્પદ વસ્તુઓ મળી આવી છે, જેમાં ઘરે બનાવેલા બોમ્બના ભાગો, રિમોટ કંટ્રોલ, એરસોફ્ટ ગન અને રિવોલ્વર જેવા હથિયારનો સમાવેશ થાય છે.”

ઘટનાની તપાસ ચાલુ
પોલીસે જણાવ્યું હતું કે વિસ્ફોટોની તપાસ ચાલુ છે. ફોરેન્સિક અને બોમ્બ ડિસ્પોઝલ નિષ્ણાતો બધી સામગ્રીની તપાસ કરશે. હાલમાં કોઈ નિષ્કર્ષ કાઢવો અકાળ ગણાશે. શાળા બંધ કરી દેવામાં આવી છે અને વિસ્તાર કડક સુરક્ષા હેઠળ છે. પોલીસ ટૂંક સમયમાં સંપૂર્ણ રિપોર્ટ જાહેર કરશે.

“RSSએ વંદે માતરમ ક્યારેય ન ગાયું”, ખડગેએ RSS-BJP પર નિશાન સાધ્યું

0

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ શુક્રવારે RSS અને BJP પર પ્રહાર કરતા કહ્યું કે આ સંગઠનોએ ક્યારેય તેમની શાખાઓ કે કાર્યાલયોમાં વંદે માતરમ કે આપણું રાષ્ટ્રગીત, જન ગણ મન ગાયું નથી. ખડગેએ સોશિયલ મીડિયા પોસ્ટમાં ભાજપ અને RSS પર પણ આકરા પ્રહારો કર્યા.

કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ X પર લખ્યું છે કે એ ખૂબ જ વિડંબના છે કે જેઓ આજે રાષ્ટ્રવાદના સ્વ-ઘોષિત રક્ષક હોવાનો દાવો કરે છે, RSS અને BJP, તેમણે ક્યારેય તેમની શાખાઓ કે કાર્યાલયોમાં વંદે માતરમ કે આપણું રાષ્ટ્રગીત, જન ગણ મન ગાયું નથી. તેના બદલે, તેઓ નમસ્તે સદા વાત્સલે ગાય છે, જે એક ગીત છે જે તેમના સંગઠનોનો મહિમા કરે છે, રાષ્ટ્રનો નહીં. 1925 માં તેની સ્થાપના થઈ ત્યારથી, RSS તેના સાર્વત્રિક આદર હોવા છતાં, વંદે માતરમને ટાળતું આવ્યું છે.

કોંગ્રેસ અધ્યક્ષે વધુમાં લખ્યું છે કે રાષ્ટ્રીય ચળવળમાં ભારતીયો વિરુદ્ધ RSS અને સંઘ પરિવારે અંગ્રેજોને ટેકો આપ્યો, 52 વર્ષ સુધી રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો નહીં, ભારતીય બંધારણનો દુરુપયોગ કર્યો, બાપુ અને બાબાસાહેબ આંબેડકરના પુતળા બાળ્યા, અને સરદાર પટેલના શબ્દોમાં કહીએ તો, ગાંધીજીની હત્યામાં ભાગીદાર બન્યા. બીજી બાજુ, કોંગ્રેસ પાર્ટી વંદે માતરમ અને જન ગણ મન બંને પર ખૂબ ગર્વ અનુભવે છે. બંને ગીતો દરેક કોંગ્રેસ સંમેલન અને કાર્યક્રમમાં શ્રદ્ધા સાથે ગવાય છે, જે ભારતની એકતા અને ગૌરવનું પ્રતીક છે.

“દોષ છુપાવ્યો તો ઉમેદવારી રદ”, બિહાર ચૂંટણી વચ્ચે સુપ્રીમ કોર્ટનો કડક આદેશ

0

ચૂંટણી પ્રક્રિયામાં પારદર્શિતા સુનિશ્ચિત કરવા માટે સુપ્રીમ કોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપ્યો છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે કોઈપણ ઉમેદવાર જે તેમના ઉમેદવારી પત્રોમાં કોઈપણ ગુનાહિત દોષિતો જાહેર કરવામાં નિષ્ફળ જાય છે, ભલે તે સગીર હોય અને પછીથી હાઈકોર્ટ દ્વારા રદ કરવામાં આવે, તો તેને ચૂંટણી લડવા માટે ગેરલાયક ઠેરવવામાં આવશે. બિહાર વિધાનસભાની ચૂંટણીઓ વચ્ચે આવેલો આ નિર્ણય રાજકીય પક્ષો માટે મોટો ઝટકો સાબિત થઈ શકે છે.

આ કેસમાં કોર્ટે આ નિર્ણય આપ્યો
મધ્યપ્રદેશના ભીખાનગાંવના મ્યુનિસિપલ કાઉન્સિલર પૂનમના કિસ્સામાં આ નિર્ણય આવ્યો હતો, જેમને નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ એક્ટ (૧૮૮૧) ની કલમ ૧૩૮ હેઠળ ચેક બાઉન્સ થવા બદલ ટ્રાયલ કોર્ટે એક વર્ષની જેલની સજા ફટકારી હતી.

ઉમેદવારી પત્રોમાં સજાનો ઉલ્લેખ નહોતો.
જોકે બાદમાં હાઈકોર્ટે દોષિત ઠેરવવાની સજા રદ કરી હતી, પરંતુ પૂનમે તેના ઉમેદવારી પત્રોમાં તેનો ઉલ્લેખ કર્યો ન હતો. નીચલી અદાલતોએ તેની ઉમેદવારી રદ કરી હતી, જેના વિરુદ્ધ તેણે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી.

ન્યાયાધીશે શું કહ્યું ખબર છે?
ન્યાયાધીશ પી.એસ. નરસિંહા અને અતુલ એસ. ચાંદુરકરની બેન્ચે ગુરુવારે સ્પેશિયલ લીવ પિટિશન (SLP) ફગાવી દેતા કહ્યું કે, “નોમિનેશન પેપરમાં દોષિત જાહેર ન કરવો એ મતદારોના અધિકારોનું સીધું ઉલ્લંઘન છે. દોષિત જાહેર ન થયાની હકીકત ઉમેદવારને તેને છુપાવવાનો અધિકાર આપતી નથી.”

સોગંદનામામાં દોષિત ઠેરવવાનો ફરજિયાત ઉલ્લેખ
કોર્ટે એ પણ ભાર મૂક્યો કે ચૂંટણી સોગંદનામામાં અગાઉની તમામ સજાઓનો ઉલ્લેખ કરવો ફરજિયાત છે, પછી ભલે ગુનો નાનો હોય અથવા સજા પાછળથી ઉલટાવી દેવામાં આવી હોય.

આરોગ્ય વિભાગે PMJAY હેઠળ ગેરરીતિ કરતી ખાનગી હોસ્પિટલ સામે કાર્યવાહી કરી

ગુજરાત આરોગ્ય વિભાગે PMJAY (પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના) અંતર્ગત ગેરરીતિ કરતી ચાર ખાનગી હોસ્પિટલ સામે કડક કાર્યવાહી હાથ ધરી છે. આરોગ્યપ્રધાન પ્રફૂલ પાનસેરિયાની સરપ્રાઈઝ વિઝિટ દરમિયાન બંને હોસ્પિટલોમાં ગેરરીતિની વિગતો સામે આવી હતી. કાર્યવાહી હેઠળ બે હોસ્પિટલોને સસ્પેન્ડ કરવામાં આવ્યું છે, જ્યારે બાકીના બે હોસ્પિટલને કારણદર્શક નોટિસ મોકલવામાં આવી છે. આરોગ્યપ્રધાન પાનસેરિયાએ હૂંફ આપી જણાવ્યું કે ગેરરીતિ પર કોઈ ક્ષમા નહી, અને ભવિષ્યમાં આવી ઘટનાઓ રોકવા સખ્ત પગલાં લેવામાં આવશે.

દીપ ચિલ્ડ્રન હોસ્પિટલ અને નીઓનેટલ કેર, ગોધરા, પંચમહાલ (HOSP24T130518)
સ્થિતિ: સસ્પેન્ડ
▪️PICU અને NICU માટે જરૂરી માપદંડોની પૂર્તતા નહોતી
▪️એક્સપાયર્ડ દવાઓ મળી
▪️MBBS ડોકટર હાજર નહોતા
▪️લાભાર્થીઓને યોજનાકીય માહિતી આપતું કિઓસ્ક સ્થાપિત નહોતું
▪️ઇન્ફેક્શન કંટ્રોલ માર્ગદર્શિકાનું પાલન નહોતું

કાશીમા હોસ્પિટલ, ભરુચ (HOSP24T170981)
સ્થિતિ: સસ્પેન્ડ
▪️PICU અને NICU માટેની માપદંડ પૂરા નહોતા
▪️ઇન્ફેક્શન કંટ્રોલ માર્ગદર્શિકાનું પાલન નહોતું
▪️લાભાર્થીઓને યોજનાકીય માહિતી આપતું કિઓસ્ક સ્થાપિત નહોતું
▪️નર્સિંગ સ્ટાફ કવોલીફાઈડ નહોતાં
▪️બપોરના ૧૨ વાગ્યા સુધી તબીબી અધિકારી હાજર નહોતા
▪️BU પરમીશન અને ફાયર NOC ઉપલબ્ધ નહોતાં

મા ચિલ્ડ્રન અને જનરલ હોસ્પિટલ, કાલોલ, પંચમહાલ (HOSP24T132829)
સ્થિતિ: કારણદર્શક નોટિસ આપવામાં આવેલ
▪️લાભાર્થીઓને યોજનાકીય માહિતી આપતું કિઓસ્ક સ્થાપિત નહોતું

મા ચિલ્ડ્રન અને નીઓનેટલ કેર, દેવગઢ બારિયા, દાહોદ (HOSP24T148571)
સ્થિતિ: કારણદર્શક નોટિસ આપવામાં આવેલ
▪️NICU માં એક્સપાયર્ડ દવાઓ મળી
▪️હોસ્પિટલ દ્વારા CCTV ફૂટેજ આપવા ઈનકાર કર્યો
▪️લાભાર્થીઓને યોજનાકીય માહિતી આપતું કિઓસ્ક સ્થાપિત નહોતું

    આ બાબતે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ મોડી રાત્રે નિવેદન આપતા જણાવ્યું કે “રાજ્ય સરકાર આરોગ્ય સેવાઓને વધુ સુચારૂ, પારદર્શક અને લોકહિતકારી બનાવવા સતત પ્રયત્નશીલ છે. મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ આરોગ્ય ક્ષેત્રે માનવતાને પ્રથમ સ્થાન આપવાનો સંકલ્પ છેપી.એમ.જે.એ.વાય.-મા યોજના એ ગરીબ અને જરૂરિયાતમંદ નાગરિકો માટે આશીર્વાદ સમાન છે, તેથી કોઈપણ પ્રકારની ગેરરીતિ કે માનવતા વિરોધી બેદરકારી સહન કરવામાં નહીં આવે.

    વધુમાં આરોગ્ય મંત્રીએ જણાવ્યું કે – “ભવિષ્યમાં પણ સરકારી યોજનામાં માનવ સેવા વિરુદ્ધ વર્તન કરનાર હોસ્પિટલ સામે રાજ્ય સરકાર કડકથી કડક પગલાં લેતી રહેશે.”

    સુરતના ભેસ્તાનમાં બંધ ફ્લેટમાંથી મળ્યો નઝીર અહમદનો મૃતદેહ, હત્યા કે આત્મહત્યા અંગે ઉઠ્યા અનેક સવાલો

    સુરત શહેરના ભેસ્તાન વિસ્તારમાં એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. ભેસ્તાનના એક બંધ ફ્લેટમાંથી નઝીર અહમદ નામના વ્યક્તિનો મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગયો છે. મૃતદેહ મળી આવતાની સાથે જ ભેસ્તાન પોલીસને જાણ કરવામાં આવી હતી. જેના પગલે પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. નઝીર અહમદનો મૃતદેહ જે રીતે બંધ ફ્લેટમાંથી રહસ્યમય સંજોગોમાં મળી આવ્યો છે તેના કારણે આ બનાવ હત્યાનો છે કે આત્મહત્યાનો તે અંગે અનેક સવાલો ઊભા થયા છે.

    બંધ ફલેટમાંથી નઝીરનો મૃતદેહ મળતા ચકચાર
    ઘટનાની ગંભીરતા જોતાં ભેસ્તાન પોલીસ સહિત ઉચ્ચકક્ષાના અધિકારીઓ પણ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા. પોલીસે સૌપ્રથમ મૃતદેહનો કબજો મેળવીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. વધુમાં પુરાવાઓ એકઠા કરવા અને મૃત્યુના ચોક્કસ કારણો જાણવા માટે ફોરેન્સિક વિભાગની ટીમ પણ બોલાવવામાં આવી હતી. ફોરેન્સિક ટીમે સ્થળ પરથી જરૂરી સેમ્પલો એકત્ર કરીને તપાસ શરૂ કરી છે.

    પોલીસે મૃતદેહનો કબજો મેળવી તપાસ હાથ ધરી
    ભેસ્તાન પોલીસે હાલ બે મુખ્ય દિશામાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે, શું કોઈએ નઝીર અહમદની હત્યા કરી છે? કે પછી નઝીર અહમદે કોઈ કારણોસર આત્મહત્યા કરી છે? પોલીસે મૃતકના નજીકના સગા-સંબંધીઓ અને મિત્રોની પૂછપરછ શરૂ કરી છે. તેમજ મૃતકનો વ્યવસાય અને છેલ્લી પ્રવૃત્તિઓ અંગે પણ માહિતી મેળવી રહી છે.

    100 કરોડની જમીન 15 કરોડમાં! જમીન સોદાના નામે 12 કરોડની છેતરપિંડી, 3 ઠગોની ધરપકડ

    સુરતમાં સરકારી જમીનની ફાળવણીના નામે એક મોટા કૌભાંડનો પર્દાફાશ થયો છે. અહીં એક વેપારીને રૂ. 100 કરોડની કિંમતની સરકારી જમીન માત્ર રૂ. ૧૫ કરોડમાં અપાવવાની લાલચ આપીને તેમની પાસેથી રૂ. 12 કરોડ રૂપિયાની ઠગાઈ કરવામાં આવી હતી. આ ગંભીર મામલે સુરત પોલીસની આર્થિક ગુના નિવારણ શાખાએ છ લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધી છે, જેમાંથી ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ ઠગ ટોળકીએ વિશ્વાસ કેળવવા માટે સરકારી વિભાગો અને એક મંત્રીના પીએના નામના બોગસ લેટરપેડ નો ઉપયોગ કર્યો હતો.

    છેતરપિંડી કરનારા આરોપીઓએ ફરિયાદી વેપારીનો વિશ્વાસ જીતવા માટે સુરત અને ગાંધીનગરની સરકારી કચેરીઓના નકલી દસ્તાવેજોનો ઉપયોગ કર્યો હતો. તેમણે વેપારીને ખાતરી આપી હતી કે તેઓ મહેસૂલ વિભાગથી લઈને શહેરી વિકાસ વિભાગ સુધીની તમામ સરકારી પ્રક્રિયાઓ પૂરી કરાવી દેશે અને આ પ્રક્રિયા પેટે રૂ. 15 કરોડમાં જમીન વેપારીના નામે થઈ જશે. આ ખોટા ભરોસાના આધારે વેપારીએ તબક્કાવાર કુલ રૂ. 12 કરોડ રૂપિયા આરોપીઓને ચૂકવી દીધા હતા. જોકે, લાંબા સમય સુધી જમીનનો કરાર આગળ ન વધ્યો અને કોઈપણ સરકારી અધિકારીનો સંપર્ક ન થતાં વેપારીને શંકા ગઈ હતી. બાદમાં તપાસમાં બહાર આવ્યું કે રજૂ કરાયેલા તમામ લેટરપેડ અને દસ્તાવેજો સંપૂર્ણપણે નકલી અને બનાવટી હતા.

    સુરત પોલીસે આ મામલે ત્વરિત કાર્યવાહી કરીને ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે. ડીસીપી કરણરાજ વાઘેલાએ માહિતી આપતાં જણાવ્યું હતું કે, ધરપકડ કરાયેલા આરોપીઓમાં રતન સિંહ ઠાકોર, સંગ્રામ સિંહ અને સંજય સિંહ ઠાકોરનો સમાવેશ થાય છે. આ ત્રણેય આરોપીઓ ગાંધીનગરના દહેગામ ગામના રહેવાસી છે અને એકબીજાના સગાં-સંબંધી છે. જોકે, અન્ય ત્રણ આરોપીઓ હાલ ફરાર છે અને તેમને પકડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

    પોલીસે પકડાયેલા ત્રણેય આરોપીઓના બે દિવસના રિમાન્ડ મેળવ્યા છે અને હાલ પૂછપરછ ચાલી રહી છે. પોલીસ દ્વારા એ દિશામાં તપાસ કરવામાં આવી રહી છે કે છેતરપિંડી કરીને મેળવેલા રૂ. ૧૨ કરોડ રૂપિયાનો ઉપયોગ ક્યાં કરવામાં આવ્યો છે અને આ કૌભાંડમાં અન્ય કોઈ મોટા માથાંની સંડોવણી છે કે કેમ.

    સુરત નેચર પાર્કને દિવાળી વેકેશન ફળ્યું, 1.53 લાખ લોકોએ મુલાકાત લીધી, 42.85 લાખની આવક થઇ

    સુરત શહેરના મુખ્ય આકર્ષણોમાંના એક એવા સરથાણા નેચર પાર્ક માટે દિવાળીનું વેકેશન ખૂબ જ લાભદાયી સાબિત થયું છે. જાહેર રજાઓ અને તહેવારોની સિઝનમાં સહેલાણીઓની ભારે ભીડ ઉમટી પડતાં 42,85 લાખ રૂપિયાની આવક થઇ હતી.

    પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતના સરથાણા વિસ્તારમાં આવેલા મનપા સંચાલિત ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જી ઝૂઓલોજિકલ ગાર્ડન સરથાણા નેચર પાર્ક ને દિવાળી વેકેશન ફળ્યું છે, તા. 16-10-2025 થી 6-11-2025 સુધીના લગભગ 21 દિવસના સમયગાળા દરમિયાન, મોટી સંખ્યામાં લોકોએ આ પ્રાણી સંગ્રહાલયની મુલાકાત લીધી હતી. આ 21 દિવસના ગાળામાં કુલ 1,53,705 લોકોએ નેચર પાર્કની મુલાકાત લીધી હતી, જે એક નોંધપાત્ર આંકડો છે.

    મુલાકાતીઓની આ ભારે સંખ્યાના કારણે નેચર પાર્કને સારો એવો આર્થિક ફાયદો થયો છે. આ સમયગાળા દરમિયાન ટિકિટ વેચાણ મારફતે રૂપિયા 42,85,930 રૂપિયાની જંગી આવક નોંધાઈ છે. ઉનાળુ વેકેશન, દિવાળી વેકેશન અને જાહેર રજાઓમાં નેચર પાર્કમાં સામાન્ય રીતે ભારે ભીડ જોવા મળતી હોય છે. ખાસ કરીને દિવાળી, ભાઈ બીજથી લઈને લાભ પાંચમ સુધીના દિવસોમાં પરિવાર સાથે ફરવા આવેલા મુલાકાતીઓની સંખ્યામાં જબરજસ્ત ઉછાળો જોવા મળ્યો હતો, નેચર પાર્કમાં વાઘ સિંડ, દીપડા સહિતના પ્રાણીઓ આકર્ષણનું કેન્દ્ર બને.

    જમ્મુ-કાશ્મીરમાં મોટું આતંકવાદી ષડયંત્ર નિષ્ફળ, ત્રણ આતંકવાદીઓની ધરપકડ

    0

    રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓ સામે નિર્ણાયક પ્રહાર કરતા, શ્રીનગર પોલીસે ગુરુવારે રાત્રે મમતા ચોક, કોનાખાન, ડલગેટ પાસે ત્રણ વ્યક્તિઓને ધરપકડ કરી. આનાથી એક આતંકવાદી હુમલાની ષડયંત્ર નિષ્ફળ થઈ ગઈ. આ ઘટના નિયમિત વાહન તપાસ દરમિયાન બની, જ્યારે નોંધણી વિનાની કાળી રોયલ એન્ફિલ્ડ મોટરસાઇકલને પોલીસે રોકવાનો ઇશારો કર્યો. આ દરમિયાન બાઇક સવાર અને બીજા બે વ્યક્તિઓએ ભાગવાનો પ્રયાસ કર્યો, પરંતુ ડ્યુટી પર રહેલા સજાગ અધિકારીઓએ તેમને તરત જ રોકી લીધા.

    ધરપકડ કરાયેલા વ્યક્તિઓની ઓળખ
    પોલીસ દ્વારા ધરપકડ કરાયેલા ત્રણ સંદેહિતોની ઓળખ શાહ મુતાયબ (કુલીપોરા ખાનયાર), કમરાન હસન શાહ (કુલીપોરા ખાનયાર) અને મોહમ્મદ નદીમ (મેરઠ, હાલમાં ખાનયારના કાવા મોહલ્લામાં) તરીકે થઈ છે. તપાસ દરમિયાન તેમની પાસેથી એક દેશી કટ્ટા અને 9 જીવંત કારતુસ મળ્યા, જેનાથી એક આયોજિત આતંકવાદી વારદાતની આશંકા મજબૂત થઈ.

    આતંકી ષડયંત્રનો પર્દાફાશ
    ઘટના પછી ખાનયાર પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટ, UAPA અને મોટર વ્હીકલ એક્ટની કલમો હેઠળ FIR નોંધાઈ છે (FIR નં. 51/2025). પ્રારંભિક તપાસથી જાણવા મળ્યું છે કે ત્રણેય વ્યક્તિઓએ મળેલા હથિયાર અને ગોળાબારૂદનો ઉપયોગ કરીને આતંકી હુમલાની યોજના બનાવી હતી. અધિકારીઓ હવે સંદેહિતોના નેટવર્ક, સહયોગીઓ અને કોઈ પણ વ્યાપક આતંકી સંબંધની તપાસ કરી રહ્યા છે. શ્રીનગર પોલીસની ઝડપી પ્રતિક્રિયા અને અસરકારક કાર્યવાહીએ એક મોટા હુમલાને ટાળી દીધો, જેમાંથી શહેરની શાંતિ અને સુરક્ષા પ્રત્યે તેમની પ્રતિબદ્ધતા ઉજાગર થઈ. અધિકારીઓએ તેમના કર્મચારીઓની વ્યાવસાયિક કુશળતાની પ્રશંસા કરી અને વિધ્વંસક તત્વોને નિષ્ફળ બનાવવા માટે સતત સજાગતા જરૂરી છે તેના પર ભાર મૂક્યો.

    કાશ્મીરમાં આતંકવાદીઓની નવી લામબંધી
    જણાવી દઈએ કે ભારતીય સુરક્ષા દળોના ‘ઓપરેશન સિંદુર’થી પહલગામમાં આતંકવાદી માળખાને નબળું પાડ્યા પછી છ મહિના પછી, તાજી ખુફિયા માહિતી જમ્મુ-કાશ્મીરમાં પાકિસ્તાન સમર્થિત આતંકવાદી સંગઠનોના ફરી સંગઠિત થવાના સંકેતો આપી રહી છે. પાકિસ્તાન આધારિત લશ્કર-એ-તૈબા (LeT) અને જૈશ-એ-મોહમ્મદ (JeM), ISI અને તેના વિશેષ SSG કમાન્ડોના સક્રિય સમર્થનથી, આખા વિસ્તારમાં સંકલિત હુમલાઓની તૈયારી કરી રહ્યા છે. આ પગલાંને ઉગ્રવાદી નેટવર્કને પુનઃજીવિત કરવા અને વર્ષની શરૂઆતમાં થયેલા નુકસાનનો બદલો લેવાના પ્રયાસો તરીકે જોવામાં આવી રહ્યા છે.

    મહિલા RFOને માથામાં ગોળી વાગી, કામરેજ નજીક કારમાંથી લોહીલુહાણ હાલતમાં મળી આવ્યા

    સુરતમાં વન વિભાગમાં ફરજ બજાવતા મહિલા ફોરેસ્ટ ઑફિસર (RFO)ને માથામાં ગોળી વાગી હોવાનો બનાવ સામે આવ્યો છે. હાલ તો તેમને લોહીલુહાણ હાલતમાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

    સુરત વન વિભાગના ફરજ બજાવતા મહિલા RFO સોનલ સોલંકી કામરેજ-જોખા રોડ પર પોતાની કારમાંથી માથામાં ગોળી વાગેલી હાલતમાં લોહીલુહાણ મળી આવ્યા હતા.

    સોનલ સોલંકીને ગોળી કંઈ રીતે વાગી? તે હજુ સુધી જાણી શકાયું નથી. જ્યારે હોસ્પિટલમાં તબીબોએ સિટી સ્કેન કર્યો, ત્યારે મગજમાં ગોળી હોવાનું માલૂમ પડ્યું હતુ. આથી તબીબોએ તાત્કાલિક સર્જરી કરીને ગોળી કાઢી લીધી છે. બીજી તરફ આ બનાવની જાણ થતાં જિલ્લા પોલીસ વડા સહિત ઉચ્ચ અધિકારીઓનો કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. FSLની ટીમને પણ ઘટના સ્થળે બોલાવીને પુરાવા એકત્ર કરવામાં આવી રહ્યા છે.

    આ અંગે સુરત જિલ્લા એસ.પી. રાજેશ ગઢીયાએ જણાવ્યું કે, સવારે કામરેજ પોલીસ સ્ટેશનમાં એક વર્દી મળી હતી. જેમાં જોખાવાવ રોડ પર એક ઝાડ સાથે ગાડી અથડાઈને અકસ્માત થયો હોવાનું જણાવાયું હતુ. આથી પોલીસની ટીમ ત્યાં પહોચી હતી. જેમાં RFO તરીકે ફરજ બજાવતા સોનલ સોલંકી લોહીલુહાણ મળી આવ્યા હતા. જેમને સુરત સીટીમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા એટલે પોલીસ ત્યાં પહોચી હતી ડોકટરે આગળની કાર્યવાહી ચાલુ કરી ત્યારે ડોક્ટરને અંદાજ આવ્યો કે કઈ શંકાસ્પદ છે અને એમના માથામાંથી બુલેટ મળી છે.

    હાલ સોનલબેન સોલંકી હોસ્પિટલમાં એડમીટ છે અને તેમની સારવાર ચાલી રહી છે. આ ખૂબ જ ગંભીર મામલો છે એટલે એફએસએલ અધિકારી માઈક્રો લેવલે ચેક કરી રહ્યા છે.