Home Blog Page 246

Meesho IPO લિસ્ટિંગ પર પૈસાનો વરસાદ, 46 ટકા પ્રીમિયમ સાથે રોકાણકારોએ મળવ્યું જોરદાર રિટર્ન

0

આજે દલાલ સ્ટ્રીટ પર મીશોના શેર આખરે લિસ્ટ થયો છે. ઈ-કોમર્સ પ્લેટફોર્મના IPO એ શેરબજારમાં મજબૂત એન્ટ્રી કરી, રોકાણકારોને બમ્પર નફો આપ્યો. મીશોના શેર NSE પર ₹162.50 પર લિસ્ટ થયા, જે 46.39 ટકાનો વધારો દર્શાવે છે, જ્યારે BSE પર, તેઓ ₹161.20 પર લિસ્ટ થયા, જે 45.22 ટકાનો વધારો દર્શાવે છે.

કોટક મહિન્દ્રા કેપિટલ કંપનીએ બુક રનિંગ લીડ મેનેજર તરીકે કામ કર્યું. KFin ટેક્નોલોજીસે ઇશ્યૂ માટે રજિસ્ટ્રાર તરીકે કામ કર્યું.

એ નોંધવું જોઈએ કે લિસ્ટિંગ પહેલાં, કંપનીનો ગ્રે માર્કેટ પ્રીમિયમ (GMP) 4 ડિસેમ્બરે 44.6% થી ઘટીને 32% થયો હતો. IPO 3 ડિસેમ્બરે સબ્સ્ક્રિપ્શન માટે ખુલ્યો અને 5 ડિસેમ્બરે બંધ થયો.

કંપનીએ ₹4,250.00 કરોડમાં 38.29 કરોડ નવા શેર અને ₹1,171.20 કરોડમાં 10.55 કરોડ શેરના વેચાણ માટે ઓફર દ્વારા જાહેર જનતા પાસેથી ₹5,421.20 કરોડ એકત્ર કર્યા. મીશોએ પ્રતિ ઇક્વિટી શેર ₹105 થી ₹111 ની પ્રાઇસ બેન્ડ નક્કી કરી છે. શેરની ફાળવણી 8 ડિસેમ્બરે થઈ હતી.

અમદાવાદ એરપોર્ટ પર ઈન્ડિગોની 12 ફ્લાઇટ કેન્સલ, મુસાફરો ફરી મુશ્કેલીમાં

0

ઈન્ડિગોની ફ્લાઈટ કેન્સલ થવાનો સિલસિલો હજી પણ યથાવત જ છે. ત્યારે અમદાવાદ શહેરમાં આવેલ સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઇન્ડિગો એરલાઇન્સની 12 ફ્લાઇટ કેન્સલ થતા મુસાફરો ફરી એકવાર અટવાયા છે.

અમદાવાદ આવતી અને જતી ઇન્ડિગોની કુલ 12 ફ્લાઇટ રદ કરવામાં આવી છે. આ ફ્લાઇટો રદ થવા પાછળનું ચોક્કસ કારણ સ્પષ્ટ થયું નથી, પરંતુ આ સતત રદીકરણના કારણે અનેક મુસાફરોના પ્રવાસ કાર્યક્રમો ખોરવાયા છે. ફ્લાઇટ રદ થવાથી મુસાફરોને વૈકલ્પિક વ્યવસ્થા અને રિફંડ માટે લાંબી રાહ જોવી પડી રહી છે. ઇન્ડિગો તરફથી આ સમસ્યાના કાયમી ઉકેલ અંગે કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.

ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક સમયથી ઈન્ડિગોની ફ્લાઈટો રદ્દ થવાની માહિતી સામે આવી રહી છે. જેના કારણે મોટા ભાગના મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જયારે હજી પણ મોટા ભાગના એરપોર્ટ પર ફ્લાઈટ રદ્દ થવાનો સિલસિલો યથાવત જ રહ્યો છે.

અમેરિકાની કેન્ટકી સ્ટેટ યુનિવર્સિટીમાં ગોળીબાર, 1 વિદ્યાર્થીનું મોત

અમેરિકાની કેન્ટકી સ્ટેટ યુનિવર્સિટીના હોસ્ટેલ પરિસરમાં મંગળવારે મોડી રાત્રે ગોળીબારની ઘટના બની હતી. પોલીસ અધિકારીઓએ પુષ્ટિ કરી છે કે આ ગોળીબારમાં ઓછામાં ઓછા એક વિદ્યાર્થીનું મોત થયું છે અને અન્ય એક વિદ્યાર્થી ગંભીર રીતે ઘાયલ થયો છે. ઘટનાના પગલે પોલીસે એક શંકાસ્પદ હુમલાખોરને તાત્કાલિક કસ્ટડીમાં લઈ લીધો છે.

યુનિવર્સિટી દ્વારા આપવામાં આવેલા નિવેદન મુજબ, વ્હિટની એમ યંગ જૂનિયર હૉલમાં ગોળીનો ભોગ બનેલા બીજા વિદ્યાર્થીની હાલત ગંભીર છે, પરંતુ તે સ્થિર (Stable) છે. યુનિવર્સિટીએ ઘાયલ વિદ્યાર્થીનું નામ જાહેર કર્યું નથી. યુનિવર્સિટીએ કહ્યું છે કે તેઓ મૃતક અને ઘાયલ વિદ્યાર્થીના પરિવારો સાથે સંપર્કમાં છે અને તેમને શક્ય તમામ મદદ આપી રહ્યા છે, તેમજ કાઉન્સેલિંગ અને સપોર્ટ સર્વિસ પણ ઉપલબ્ધ છે.

કેમ્પસમાં લોકડાઉન અને સુરક્ષા વ્યવસ્થા
ગોળીબારની ઘટના બાદ ફ્રેન્કફર્ટ પોલીસ વિભાગે સમગ્ર કેમ્પસને લોકડાઉન કરી દીધું હતું. પોલીસના જણાવ્યા અનુસાર, હુમલાખોર પર કાર્યવાહી કરીને કેમ્પસને સુરક્ષિત કરી લેવામાં આવ્યું છે. ઘટના પછી સામે આવેલી તસવીરોમાં ડૉરમેટરીની બહાર અનેક પોલીસ વાહનો અને ક્રાઈમ સીન ટેપ જોવા મળ્યા હતા, જે પરિસ્થિતિની ગંભીરતા દર્શાવે છે. ગવર્નર એન્ડી બેશિયરે આ હુમલાની નિંદા કરી અને સોશિયલ મીડિયા પર લખ્યું કે હિંસા માટે કોઈ જગ્યા હોઈ શકે નહીં.

સુરતીઓની અતૂટ શ્રધ્ધાનું સ્થાનક ક્ષેત્રપાળ દાદાના 400 વર્ષ

0

400 વર્ષ પૂર્વે ક્ષેત્રપાળ દાદા, કાળભેરવ અને બટુક ભેરવ સ્વંયભૂ પ્રગટ થયા હતાઃ માત્ર સુરતીઓ જ નહીં સનદી અધિકારીઓ, રાજકીય, સામાજિક આગેવાનો, ઉદ્યોગ અગ્રણીઓ અને સેંકડો શ્રધ્ધાળુઓના દુઃખ દર્દ દૂર કરી ક્ષેત્રપાળ દાદાએ મનોકામના પૂર્ણ કરી છે

વિક્રમ સંવત 1682 અને ઇસવીસન 1625માં સ્વંયભૂ પ્રગટેલા ક્ષેત્રપાળ દાદાના ૪૦૦માં પ્રાગટ્ય દિવસની 12મી ડિસેમ્બર 2025ના રોજ ઉજવણી કરવામાં આવશે

ઓમ હૃીં ક્ષમ્ ક્ષેત્રપાલાય નમઃ આ મંત્રનો જાપ કરનારા સુરતમાં સંખ્યાબંધ લોકો મળશે. કારણ કે આ મંત્ર સુરતનું 400 વર્ષથી રખોપું કરતા ક્ષેત્રપાળ દાદાનો છે. સુરતના સગરામપુરામાં આવેલા આ ક્ષેત્રપાળ દાદાનો 400મો જન્મોત્સવ આગામી તા.12-12-2025ના રોજ ઉજવાશે. આ દિવસે અનેકવિધ ધાર્મિક-સેવાકીય કાર્યોનું આયોજન કરવામાં આવ્યું છે.

આજથી 400 વર્ષ પૂર્વેની આ વાત છે. એટલે કે વિક્રમ સંવંત 1682 ( અત્યારે વિક્રમ સંવંત 2082 ચાલી રહ્યું છે.) અને ઇસવીસન 1625 (અત્યારે ઇસવીસન 2025 ચાલી રહ્યું છે). પૂરા 400 વર્ષ પહેલા કારતક સુદ પાંચમના દિવસે કોઇ તાંત્રિકે પોતાની વિદ્યાના પ્રયોગથી ત્રણ જીવતાં વૃક્ષો આકાશમાં ઉડતા મૂક્યા હતા. આ ઘટનાથી એ વખતના પ્રકાંડ પંડિત ગૌરીશંકરભાઈનું હૃદય દ્રવી ઉઠ્યું. એમણે વિચાર્યું કે આ ત્રણેય વૃક્ષોની અવગતિ થશે. જેથી તેમણે પોતાની વિદ્યાનો ઉપયોગ કરવાનો નિર્ણય ત્વરિત ગતિએ કરી લીધો. મા ભગવતી પરામ્બા બાળા ત્રિપુરાસુંદરી તેમજ કાળભૈરવ દાદાનું આહ્વાન કરી આકાશમાં ઉડી રહેલાં ત્રણેય વૃક્ષોને જમીન પર ઉતાર્યાં હતાં.

તેમાં એક તાડનું વૃક્ષ હતું. જે જમીન પર નવસારીબજાર ઢેળતળાવડી પાળે ખેતરમાં ઉતર્યું હતું તે આજના ક્ષેત્રપાળ દાદા. તાડનું વૃક્ષ જમીન પર પડ્યું કે તુરંત જ ત્યાં ક્ષેત્રપાળ હનુમાનજી, કાળભૈરવજી અને બટુકભૈરવજીનું સ્વયંભૂ પ્રાગટ્ય થયું હતું. આ રીતે અધોગતિમાં જતાં વૃક્ષોને બચાવાયાં તેમાંથી ત્રણેય ભગવાનનું સ્વયંભૂ પ્રાગટ્ય થયું હતું. ત્યારથી સુરતીઓ માટે ક્ષેત્રપાળ હનુમાનજી મહારાજ આસ્થાનું કેન્દ્ર બન્યા છે. આજે પણ ભક્તોની શ્રધ્ધા અકબંધ છે. દર શનિ, રવિ અને મંગળવારે અહીં ભક્તોની ભીડ જામે છે.

મંદિરમાં યોજાતી વિશેષ પૂજા સંદર્ભે વર્તમાન પૂજારી મિત રાકેશ મહારાજ અધ્વર્યુએ કહ્યું હતું કે અહીં વર્ષ દરમિયાન દસ ઉત્સવો ઉજવવામાં આવે છે. જેમાં કારતક સુદ એકમ એટલે કે નૂતન વર્ષ, કારતક વદ આઠમ એટલે કે કાળભૈરવ જયંતી, માદશર વદ આઠમ એટલે કે ક્ષેત્રપાળ દાદાનો પ્રાગટ્ય દિવસ-જન્મ જયંતી, ચૈત્ર વદ તેરસ શિવરાત્રિ, ચૈત્ર સુદ પૂનમ હનુમાન જયંતી, અષાઢ સુદ પૂનમ ગુરુ પૂર્ણિમા, શ્રાવણ વદ અમાસ શિવપૂજા, આસો વદ તેરસ ધન તેરસ, આસો વદ ચૌદસ કાળી ચૌદસ અને આસો વદ અમાસ દિવાળીના તહેવારો અહીં ઉજવવામાં આવે છે. આ ઉપરાંત દર મહિનાની સુદ આઠમ દુર્ગાષ્ટમી અને વદ આઠમ કાલાષ્ટમીના દિવસે અહીં યજ્ઞનું આયોજન કરવામાં આવે છે.

તેમણે કહ્યું કે ભક્તગણ માટે મંગળવાર, શનિવાર, રવિવાર, આઠમ, અગિયારસ અને પૂનમ આ દિવસો વિશેષ મહત્ત્વના હોવાથી આ દિવસોમાં શ્રધ્ધાળુઓ મોટી સંખ્યામાં દર્શનાર્થે આવે છે.

મૂળ સુરતીઓની છેડાછેડી અહીં છોડવામાં આવે છે
મૂળ સુરતીઓ આજે પણ લગ્ન કર્યા બાદ છેડાછેડી છોડવા અહીં આવે છે. વર્ષો જૂની આ પરંપરા આજે પણ જળવાઈ રહી છે. પહેલાના સમયમાં તો મંદિર પરિસરની બહાર તપેલું ચડાવી ભોજનનો કાર્યક્રમ યોજાયો હતો. સમય જતાં આ જગ્યા મંદિર પરિસરમાં આવે જતા હવે તપેલું ચડાવવાની પરંપરા બંધ થઈ છે. પણ છેડાછેડી છોડવાની પરંપરા ચાલુ છે.

ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીને અપાર શ્રધ્ધા
ક્ષેત્રપાળ દાદાનાં ચરણોમાં માથું ટેકવનારા અનેક વરિષ્ઠ અધિકારીઓથી લઈ મોટા ગજાના ઉદ્યોગપતિઓ સહિત ઘણા લોકો છે. જેમાંના એક ગુજરાતના નાયબ મુખ્ય મંત્રી હર્ષ સંઘવી. ક્ષેત્રપાળ દાદામાં અપાર શ્રધ્ધા હોવાનું કહી પૂજારી મિત અધ્વર્યુએ કહ્યું કે પહેલી વખત ગૃહ મંત્રી બન્યા ત્યારે પોતાના ઘરેથી ક્ષેત્રપાળ દાદાના મંદિર સુધી પગપાળા આવ્યા હતા. જ્યારે નાયબ મુખ્યમંત્રી બન્યા ત્યારે પણ ક્ષેત્રપાળ દાદાનાં ચરણોમાં માથું ઝુંકાવવા આવ્યા હતા.

પૂર્વ પોલીસ કમિશનર રાકેશ અસ્થાના સહિત અનેક અધિકારીઓ આજે પણ દર્શનાર્થે આવે છે
સુરત શહેરના પોલીસ કમિશનર તરીકે દીર્ઘકાલીન સૌથી વધુ પોણા પાંચ વર્ષ ફરજ બજાવનારા રાકેશ અસ્થાના હજુ પણ જ્યારે સુરત આવે ત્યારે અહીં દર્શન કરવા અવશ્ય આવે છે. આ ઉપરાંત હાલના પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત પણ દર શનિવારે અચૂક દર્શનાર્થે આવે છે. આ ઉપરાંત સુરતમાં ફરજ બજાવી અન્ય સ્થળે ફરજ બજાવનારા અનેક વરિષ્ઠ અધિકારીઓ સુરતમાં આવે ત્યારે અહીં આવે છે.

ક્ષેત્રપાલ દાદાનો સાલગીરી મહોત્સવ
મહોત્સવ તા. ૧૨/૧૨/૨૦૨૫ માગશર વદ આઠમના શુક્રવારે આવે છે. આ પ્રસંગ નિમિતે અનેક ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

-: કાર્યક્રમ :-

  • સવારે :- ૬.૦૦ કલાકે આરતી, ત્યારબાદ વેદોના મંત્રઘોષથી મંત્રપુષ્પાંજલિ
  • સવારે :- ૧૧.૦૦ કલાકે યજ્ઞ પ્રારંભ થશે,
  • બપોરે :- ૩.૦૦ કલાકે શ્રી ક્ષેત્રપાલ દાદાના અન્નકૂટના દર્શન થશે,
  • સાંજે :- ૫.૦૦ કલાકે યજ્ઞની પુર્ણાહુતી કરવામાં આવશે
  • સાંજે :- ૭.૩૦ કલાકે સાર્ય આરતી, ત્યારબાદ વેદોના મંત્રઘોષથી મંત્રપુષ્પાંજલિ
  • રાત્રે :- ૮.૩૦ કલાકે ભજન સંધ્યા કાર્યક્રમ શરૂ

નિજ મંદિર ને જાત જાતના ફુલોથી અને રંગબેરંગી લાઇટોથી સજાવવામાં આવશે. આ ઉત્સવ નિમિતે દરેક ધર્મપ્રેમી ભક્તોએ “શ્રી ક્ષેત્રપાલ દાદાના” શણગાર,દર્શન અને મહાભોગનો લાભ લેવા આમંત્રિત કરીએ છીએ.

ગુજરાતમાં નિર્ભયા જેવી ઘટના: 7 વર્ષની બાળકી બની નરાધમનો શિકાર, પ્રાઇવેટ પાર્ટમાં નાખ્યો સળિયો…

0

દિલ્હીના નિર્ભયાકાંડ જેવી જ ઘટના રાજકોટ જિલ્લામાં બનતા ચકચાર મચી છે. જસદણના આટકોટમાં 7 વર્ષની બાળકી પર દુષ્કર્મનો પ્રયાસ અને ગુપ્તાંગમાં લોખંડનો સળીયો ઘુસાડી ઇજા પહોંચાડવાની ઘટના સામે આવી છે. રૂરલ પોલીસે આરોપીની ગણતરીની કલાકોમાં જ ધરપકડ કરી છે. નરાધમ શખ્સ સામે પોલીસે પોકસો અને BNSની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

૧૦૦ શંકાસ્પદોની પૂછપરછ કર્યા બાદ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.
અહેવાલો અનુસાર, એક મજૂર પરિવારનો બાળક ખેતરમાં રમી રહ્યો હતો જ્યારે આરોપીએ આ જઘન્ય કૃત્ય કર્યું. રામ સિંહ તેને ખેતરની નજીકના એકાંત વિસ્તારમાં લઈ ગયો અને તેના પર જાતીય હુમલો કર્યો. આ ઘટના 4 ડિસેમ્બરના રોજ બની હતી. પોલીસે 100 શંકાસ્પદોની પૂછપરછ કરીને કેસ ઉકેલ્યો. પોલીસે મુખ્ય આરોપી રામ સિંહ તેરસિંહની ઓળખ કરી અને ઘટનાસ્થળની બાજુમાં આવેલા ખેતરમાંથી તેની ધરપકડ કરી.

આરોપીઓને પકડવા માટે 10 પોલીસ ટીમો તૈનાત કરવામાં આવી હતી.
પોલીસ અધિક્ષક વિજય સિંહ ગુર્જરે જણાવ્યું હતું કે 12 વર્ષની છોકરીનો પરિવાર ‘ભાગ્યુ’ (ભાગ્યુ) તરીકે ખેતરોમાં ખેતી કરે છે. આ મજૂર પરિવાર મૂળ દાહોદ જિલ્લાનો છે. આરોપીએ છોકરી પર બળાત્કાર કરવાનો પ્રયાસ કર્યો હતો. જ્યારે પ્રયાસ નિષ્ફળ ગયો, ત્યારે આરોપીએ છોકરીના ગુપ્તાંગને ઇજા પહોંચાડી. પોલીસને માહિતી મળતા જ, છોકરીને રાજકોટ મહિલા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી. પોલીસે આરોપીને પકડવા માટે 10 અલગ-અલગ ટીમો બનાવી. પોલીસે શંકાસ્પદોની પૂછપરછ કરી અને નજીકના ગામડાઓના સીસીટીવી ફૂટેજ પણ તપાસ્યા. આરોપી મધ્યપ્રદેશનો રહેવાસી છે. આરોપી પણ પરિણીત છે અને બાજુના ખેતરમાં ‘ભાગ્યુ’ ખેતી કરતો હતો.

છોકરીની હાલત સ્થિર છે.
પોલીસે જણાવ્યું હતું કે 4 ડિસેમ્બરના રોજ, છોકરી ખેતરમાં રમી રહી હતી જ્યારે તેના માતાપિતા નજીકમાં કામ કરી રહ્યા હતા. એક અજાણ્યા વ્યક્તિએ તેનું અપહરણ કરીને તેના પર બળાત્કાર કરવાનો પ્રયાસ કર્યો હોવાનો આરોપ છે. જ્યારે છોકરીએ ચીસો પાડી, ત્યારે હુમલાખોરે તેના ગુપ્તાંગમાં ધાતુનો સળિયો ઘુસાડ્યો હતો, જેના કારણે ભારે રક્તસ્ત્રાવ થયો હતો અને તે ઘટનાસ્થળેથી ભાગી ગયો હતો. હોસ્પિટલના સૂત્રોના જણાવ્યા અનુસાર, તેની હાલત હાલમાં સ્થિર છે અને આગામી બે થી ત્રણ દિવસમાં તેને રજા આપવામાં આવે તેવી અપેક્ષા છે.

સુરતની રાજ ટેક્સટાઇલ માર્કેટમાં ભીષણ આગ, 25 ફાયરની ગાડીઓ ઘટનાસ્થળે હાજર

સુરત શહેરના પર્વત પાટિયા વિસ્તારમાં આવેલા રાજ ટેક્સટાઇલ માર્કેટમાં આજે ભીષણ આગ ફાટી નીકળી છે. માર્કેટના સાતમા માળે આગ લાગવાની ઘટના બની છે. આગ પર કાબૂ મેળવવા માટે ફાયર બ્રિગેડની 25 જેટલી ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી છે અને સતત પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ ચાલી રહ્યો છે.

શું હતી ઘટના?
મળતી માહિતી મુજબ, બુધવારે (10 ડિસેમ્બર) સુરતના પર્વત પાટિયા વિસ્તારમાં આવેલા રાજ ટેક્સ્ટાઇલ માર્કેટમાં ભીષણ આગ લાગી હતી. માર્કેટના 7માં અને 8માં માળે આગ લાગી છે. આગની જાણકારી થતા ફાયર અને પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. હાલ ઘટનાસ્થળે 25થી વધુ ફાયરની ગાડીઓ હાજર છે અને બે કલાકથી વધુના સમયથી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

ફાયર અધિકારી ઇશ્વર પટેલના જણાવ્યા અનુસાર, પ્રાથમિક દ્રષ્ટિએ આગ લાગવાનું કારણ વાયરિંગનો કોઈ પ્રોબ્લેમ હોવાનું જાણવા મળી રહ્યું છે. જોકે, ચોક્કસ માહિતી આગ પર સંપૂર્ણ કાબૂ મેળવ્યા બાદ જ થશે. હાલ 25 જેટલી ફાયરની ગાડીઓ સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરી રહી છે. સદ્ભાગ્યે હજું સુધી કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી.

માર્કેટમાં કાપડનો જથ્થો અને તેમાં પણ મોટા ભાગનો સિન્થેટિક કાપડનો જથ્થો હોવાને કારણે આગ વધુને વધુ વિકરાળ બની રહી છે. સિન્થેટિક કાપડના કારણે આગ પર કાબૂ મેળવવામાં ફાયર બ્રિગેડના જવાનોને ભારે જહેમત કરવી પડી રહી છે.

ફાયર બ્રિગેડના અધિકારીઓ અને જવાનો આગને અન્ય દુકાનો અને માળખામાં ફેલાતી અટકાવવા માટે યુદ્ધના ધોરણે કામગીરી કરી રહ્યા છે અને આગને કાબૂમાં લેવાના પ્રયાસો ચાલી રહ્યા છે

SpaceX 2026માં લાવશે વિશ્વનો સૌથી મોટો IPO? 30 અબજ ડોલર કરતાં પણ મોટો!

0

એલોન મસ્ક, દુનિયાના સૌથી અમીર અને કંઇક નવું કરવામાં માને છે. સ્પેસએક્સ કંપની દ્વારા અવકાશમાં પણ અનોખી સિદ્ધિ પ્રાપ્ત કર્યા બાદ તે શેર બજારમાં પણ મોટી સફળતા માટે આગળ વધી રહ્યા છે. એવું કહેવાય છે કે તે 2026 માં સ્પેસએક્સ આઇપીઓ લાવી રહ્યા છે. જે દુનિયાનો સૌથી મોટો આઇપીઓ હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.

બ્લૂમબર્ગ ન્યૂઝ અનુસાર, એલોન મસ્કનું સ્પેસએક્સ પ્રારંભિક જાહેર ઓફરની યોજનાઓ સાથે આગળ વધી રહ્યું છે અને કંપનીનો આઇપીઓ લાવી રહ્યું છે. જે 30 બિલિયન ડોલરથી વધુ ફંડ એકત્ર કરવાનો અને લગભગ 1.5 ટ્રિલિયન ડોલરના મૂલ્યાંકનનું લક્ષ્ય રાખશે.

આ અહેવાલમાં વધુ જણાવાયું છે કે સ્પેસએક્સના મેનેજમેન્ટ અને સલાહકારો 2026 ના મધ્યથી અંત સુધીમાં આખી કંપની માટે લિસ્ટિંગ શરૂ કરવા માટે પ્રયાસ કરી રહ્યા છે. બજારની સ્થિતિ અને અન્ય પરિબળોના આધારે IPO નો સમય બદલાઈ શકે છે, અને એક વ્યક્તિએ કહ્યું કે તે 2027 સુધી પણ જઇ શકે છે.

ટેકનોક્રેટ એલોન મસ્કે 2020 માં કહ્યું હતું કે સ્પેસએક્સ ભવિષ્યમાં સ્ટારલિંકને ઘણા વર્ષો સુધી સૂચિબદ્ધ કરવાની યોજના ધરાવે છે કે કંપનીની આવક વૃદ્ધિ મજબૂત અને સરળ ન થઇ જાય.

રિપોર્ટ અનુસાર, સ્પેસએક્સ સૌથી મોટા આઇપીઓ દ્વારા એકત્ર કરાનાર ભંડોળનો ઉપયોગ અવકાશ-આધારિત ડેટા સેન્ટરો વિકસાવવા માટે કરવા માંગે છે, જેમાં તેમને ચલાવવા માટે જરૂરી ચિપ્સ ખરીદવાનો પણ સમાવેશ થાય છે, આ વિચારમાં મસ્કે બેરોન કેપિટલ સાથેના તાજેતરના કાર્યક્રમ દરમિયાન રસ પણ દર્શાવ્યો હતો.

સ્પેસએક્સ આવક 24 બિલિયન ડોલર!
બ્લૂમબર્ગના અહેવાલ મુજબ, કંપની 2025 માં લગભગ 15 બિલિયન ડોલરની આવક કરશે તેવી અપેક્ષા છે, જે 2026 માં વધીને 22 બિલિયન ડોલરથી 24 બિલિયન ડોલરની વચ્ચે થશે, જેમાં મોટાભાગનો હિસ્સો સ્ટારલિંક તરફથી આવશે.

શું એલોન મસ્ક OpenAI ને ટક્કર આપશે?
મીડિયા અહેવાલોમાં જણાવાયું હતું કે રોકેટ નિર્માતા કંપની સેકન્ડરી શેર વેચાણ શરૂ કરી રહી છે જેનું મૂલ્ય 800 બિલિયન ડોલર થશે, જે તેને સૌથી મૂલ્યવાન ખાનગી કંપનીના બિરુદ માટે OpenAI સામે ટક્કર આપશે. જોકે, મસ્કે શનિવારે આ અહેવાલોને ખોટા ગણાવીને ફગાવી દીધા હતા.

મહિલાઓ પર વાંધાજનક ટિપ્પણીથી અનિરુદ્ધાચાર્ય મુશ્કેલીમાં, કોર્ટમાં કેસ દાખલ

0

કથાવાચક અનિરુદ્ધાચાર્યએ મહિલાઓ વિશે વાંધાજનક ટિપ્પણી કરી હતી જેના કારણે તેમની મુશ્કેલીઓ વધી ગઈ છે. હવે આ મામલે તેમની સામે કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવ્યો છે. ચાલો જાણીએ શું છે સંપૂર્ણ કહાની.

કથાવાચક અનિરુદ્ધાચાર્ય મહિલાઓ વિશે વાંધાજનક ટિપ્પણી કરવા બદલ મુશ્કેલીમાં મુકાયા છે. ભારત હિન્દુ મહાસભા, આગ્રાના જિલ્લા પ્રમુખ મીરા રાઠોડે તેમની વિરુદ્ધ સીજેએમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. સીજેએમ ઉત્સવ રાજ ગૌરવની કોર્ટે તેને સ્વીકારી લીધી છે. કથાકારે હવે કોર્ટમાં જવાબ આપવો પડશે. આ કેસમાં આગામી સુનાવણી 1 જાન્યુઆરી, 2026 ના રોજ થશે.

કોણ છે કથાકાર અનિરુદ્ધાચાર્ય ?
અનિરુદ્ધાચાર્ય આજના સૌથી પ્રખ્યાત સંતો અને કથાકારોમાંના એક છે. તેઓ ભાગવત કથા અને ધાર્મિક પ્રવચનો માટે જાણીતા છે. અનિરુદ્ધાચાર્ય વૃંદાવનમાં ગૌરી ગોપાલ આશ્રમના સ્થાપક છે. તેઓ તેમના આશ્રમમાં વૃદ્ધોની સંભાળ, ભોજન વિતરણ અને પ્રાણીઓના કલ્યાણને પ્રોત્સાહન આપવા જેવા સામાજિક કાર્યો કરે છે. તેમનું બાળપણનું નામ અનિરુદ્ધ રામ તિવારી છે. અનિરુદ્ધાચાર્ય મધ્યપ્રદેશના દમોહ જિલ્લાના રિનવાઝા ગામના વતની છે.

શું છે આખો મામલો ?
થોડા સમય પહેલા તેમનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જેમાં તેઓ દીકરીઓ વિશે અપમાનજનક ટિપ્પણી કરી રહ્યા હતા. તેમણે કહ્યું હતુ કે આજકાલ, દીકરીઓના લગ્ન 25 વર્ષની ઉંમરે થાય છે, ત્યાં સુધીમાં તો, તેઓ ઘણી જગ્યાએ મોઢું મારી ચૂકી હોય છે. આ નિવેદનનો ભારે વિરોધ થયો હતો, અને હવે આ મામલે કેસ દાખલ કરવામાં આવ્યો છે.

લોકોએ આ વિવાદાસ્પદ ટિપ્પણીને મહિલાઓનું અપમાન ગણાવી અને તેનો વિરોધ કર્યો. વિવાદ બાદ, અનિરુદ્ધાચાર્યે સ્પષ્ટતા કરી કે તેઓ મહિલાઓનું સન્માન કરે છે અને તેમના નિવેદનને તોડી-મરોડીને રજૂ કરવામાં આવી રહ્યું છે. આ મામલે હવે કાનૂની કાર્યવાહી કરવામાં આવી છે, અને કોર્ટ આગળ કાર્યવાહી કરશે. આગામી સુનાવણી જાન્યુઆરી 2026 માં થશે.

કથાકાર અનિરુદ્ધાચાર્ય અનેક વખત વિવાદ અને ચર્ચાનોમાં આવી ચુક્યા છે. તેઓ અનેક વખત સોશિયલ મીડિયા પર મજાકનો વિષય બન્યા છે. તેમણે એક વખત ઓસ્ટ્રેલિયાને રામાયણ સાથે જોડીને એક શસ્ત્રાગાર તરીકે વર્ણવ્યું હતું, અને તેના માટે તેમની મજાક ઉડાવવામાં આવી હતી. આ સિવાય તેમણે બિસ્કિટને ઝેરી કીટ કહી હતી. જો કે, આ કિસ્સામાં, તેમણે બિસ્કિટમાં રહેલા તેલ, લોટ અને ખાંડને હાનિકારક ગણાવ્યા હતા. લિવ-ઇન રિલેશનશિપ પરની તેમની ટિપ્પણીઓ માટે પણ તેમણે વિવાદ ઉભો કર્યો હતો.

સીકરમાં બસ-ટ્રક અકસ્માત, વૈષ્ણોદેવીથી પરત ફરી રહેલા ગુજરાતના 3 યાત્રાળુઓના મોત, 18 ઘાયલ

0

રાજસ્થાનના સીકર જિલ્લામાં સોમવારે રાત્રે જયપુર-બિકાનેર રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર એક મોટો અકસ્માત થયો. ફતેહપુર નજીક સ્લીપર બસ અને ટ્રક વચ્ચે સામસામે ટકરાઈ જેમાં ત્રણ લોકોના મોત અને 18 મુસાફરો ઘાયલ થયા હતા. તેમાંથી સાતની હાલત ગંભીર છે. મૃતકો અને મુસાફર ગુજરાતના વલસાડ હોવાનું માનવામાં આવી રહ્યું છે.

જાણકારી મુજબ, સ્લીપર બસ બીકાનેરથી જયપુર જતી હતી. જયપુર-બીકાનેર નેશનલ હાઈવે પર મંગળવારે રાત્રે 10.40 કલાક આપસાપસ બંને વાહનોની સામ સામે ટક્કર થઈ હતી. અકસ્માત એટલો ભીષણ હતો કે ટ્ર્ક અને બસના આગળના ભાગનો કચ્ચરઘાણ વળી ગયો હતો. અનેક મુસાફરો સીટમાં ફસાઈ ગયા હતા. ટ્રક ઝુનઝુનૂ તરફથી બીકાનેર જઈ રહ્યો હતો અને બસ બીકાનેર તરફથી જયપુર તરફ આવી રહી હતી.ટક્કર એટલી ભયાનક હતી કે બસનો આગળનો ભાગ લગભગ 15-20 ફૂટ સુધી ટ્રકની અંદર ઘૂસી ગયો હતો.

આ અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા હતા અને 18 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. જે પૈકી 10 લોકોને સીકર રિફર કરવામાં આવ્યા હતા. અકસ્માત થતાં જ હાઇવે પરથી પસાર થઈ રહેલાં વાહનો થોભી ગયા હતા અને સ્થાનિક લોકોએ તરત જ પોલીસ અને એમ્બ્યુલન્સને જાણ કરી હતી. થોડીવારમાં પોલીસ અને બચાવ ટીમો ઘટનાસ્થળે પહોંચી અને બચાવ કામગીરી શરૂ કરી હતી. બસમાં ફસાયેલા મુસાફરોને બહાર કાઢવા માટે ભારે જહેમત ઉઠાવવી પડી હતી.

પોલીસના જણાવ્યા પ્રમાણે, બસમાં સવાર મોટા ભાગના મુસાફરો ગુજરાતના રહેવાસી હતા. આ બધા જમ્મુ સ્થિત વૈષ્ણો દેવીના દર્શન કરીને પાછા ફરી રહ્યા હતા અને યાત્રા દરમિયાન ખાટુ શ્યામજી મંદિરમાં દર્શન માટે જઈ રહ્યા હતા. આ દરમિયાન ફતેહપુરમાં આ અકસ્માત થયો હતો. દુર્ઘટનાનું કારણ જાણવા વધુ તપાસ ચાલી રહી છે.

ગોડાદરાના રાજ ટેક્સટાઇલમાં ભીષણ આગ, 15 ફાયરની ગાડીઓ ઘટના સ્થળે

સુરત શહેરના ગોદાદરા વિસ્તારમાં આવેલી રાજ ટેક્સટાઇલ માર્કેટમાં બુધવારની સવારે અચાનક આગ ભભૂકી ઊઠતાં સમગ્ર વિસ્તારમાં ભય અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. માર્કેટની બિલ્ડિંગમાંથી ઘાટો ધુમાડો નીકળવા લાગતા વેપારીઓ અને કામદારો તાત્કાલિક બહાર દોડી આવ્યા, જેના કારણે મોટી જાનહાનિ ટળી ગઈ.

ઘટના અંગે જાણ થતાં જ ફાયર વિભાગ સક્રિય બન્યો અને ચાર જુદા જુદા ફાયર સ્ટેશનમાંથી કુલ 15 ફાયર ફાઇટર ગાડીઓ સ્થળ પર પહોંચી ગઈ. આગ બિલ્ડિંગના 11મા માળે લાગી હોવાની માહિતી મળી છે, જ્યાં કપડાના ગોદામ અને વિવિધ વ્યાપારી ઓફિસો આવેલાં છે. ઊંચા માળે લાગી આવેલી આગને કાબૂમાં લેવા માટે ફાયરકર્મીઓને હાઇડ્રોલિક પ્લેટફોર્મ અને વિશેષ સાધનોની મદદથી કઠિન પ્રયાસો કરવા પડી રહ્યા છે.

હાલ સુધી મળેલી માહિતી અનુસાર કોઈ જાનહાનિ નથી, જે રાહતનો મુદ્દો છે. પરંતુ આગને કારણે વેપારીઓને ભારે આર્થિક નુકસાન થવાની શક્યતા છે. અનેક દુકાનો અને ગોદામમાં રાખેલો કપડાનો સ્ટોક બળી ગયો હોવાની આશંકા છે.