જાપાનમાં આજે સવારે ફરી એકવાર જોરદાર ભૂકંપના આંચકા અનુભવાયા. 6.7ની તીવ્રતાનો ભૂકંપ એટલો શક્તિશાળી હતો કે તેણે દરિયાકાંઠાના વિસ્તારોથી દૂરના શહેરો સુધી જમીનને હચમચાવી દીધી. ભારતીય સમય મુજબ સવારે 8.14 વાગ્યે ભૂકંપ આવ્યો. તેની ઊંડાઈ 10.7 કિલોમીટર હતી, જેના કારણે તે ખતરનાક બની ગયું. ભૂકંપ દરિયાકાંઠાની નજીક આવ્યો હતો અને ભૂકંપની તીવ્રતાને કારણે ઘણી જગ્યાએ લોકો પોતાના ઘરોમાંથી દોડી આવ્યા હતા. દુકાનો અને ઓફિસોમાં એલાર્મ વગાડવામાં આવ્યા હતા.
ફાયર એન્ડ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એજન્સીએ આપેલી માહિતી મુજબ. ઓછામાં ઓછા 34 લોકો ઘાયલ થયા છે, જેમાંથી એકની હાલત ગંભીર છે. વડા પ્રધાન સનાઈ તકાઈચીએ જણાવ્યું હતું કે સ્થિતિની સમીક્ષા અને નુકસાનનું મૂલ્યાંકન કરવા માટે એક કટોકટી કાર્ય દળની રચના કરાઇ છે.
જાપાની મીડિયા આઉટલેટ્સ અનુસાર, જાપાન હવામાન એજન્સીએ ભૂકંપ પછી 1 મીટર ઊંચા મોજા ઉછળવાની ચેતવણી જાહેર કરી હતી. ઘણા દરિયાકાંઠાના વિસ્તારો બપોર સુધી સતત ચેતવણી હેઠળ રહ્યા હતા. અહેવાલો સૂચવે છે કે હોક્કાઇડોના સેન્ટ્રલ પેસિફિક કોસ્ટ, આઓમોરી પ્રીફેક્ચર, ઇવાટે પ્રીફેક્ચર અને મિયાગી પ્રીફેક્ચર માટે સુનામીની ચેતવણી જારી કરવામાં આવી છે. મોજા 1 મીટર ઊંચા સુધી પહોંચવાની ધારણા છે.
ઉપલેટા તાલુકાના રાજપરા ગામે એક સનસનાટીપૂર્ણ ઘટના સામે આવી છે. જેમાં ભત્રીજાએ પોતાના કાકાની કુહાડીના ઘા ઝીંકીને ઘાતકી હત્યા કરી નાખી હતી અને આ હત્યાને અકસ્માતમાં ખપાવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો પણ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં બોથડ પદાર્થ વડે માથામાં ઇજા થવાથી મૃત્યુ થયાનું સામે આવતા પોલીસે આખા પ્રકારણનું રહસ્ય ખોલી નાખ્યું હતું. આ કિસ્સામાં મૃતકના સગા પુત્રએ જ ઇઝરાયલ જવા માટે રૂ. 70 લાખની વીમા પોલિસી પકવવા કાવતરૂં રચ્યું હોવાનો ઘટસ્ફોટ પણ થયો છે.
પોલીસ સુત્રોના જણાવ્યા પ્રમાણે, ગઇ તા. 9ના રોજ રાજપરાથી ઢાંક ગામ તરફ જતા રસ્તે અકસ્માતમાં કાનાભાઈ મેરૂભાઈ જોગ (ઉં. 50)નું મૃત્યુ થયાની જાણ થતાં ભાયાવદર પોલીસ ટીમ ત્યાં પહોંચી તો મૃતક કાનાભાઇની લાશ અને બાઈક વાડીએ પડયા હતા અને ત્યાં સગો ભત્રીજો વિરમ ભૂતપભાઇ જોગ હાજર હતો, જેણે કાકાને અકસ્માત થતાં પોતે વાડીએ લાવ્યાનું કહ્યું, પણ પોલીસને શંકા ઉપજી હતી. બાદમાં કથિત અકસ્માત સ્થળે જઈને નિરીક્ષણ કરતા વાહન અકસ્માતને લગતા કોઇ નિશાન દેખાયા નહોતા.
આ શંકાસ્પદ બનાવ મામલે ભાયાવદરના પીઆઈ પરમારની આગેવાનીમાં અલગ અલગ ટીમો બનાવી તપાસ કરતા, આખરે હકીકત જણાઇ આવી કે, સગા ભત્રીજા વિરમ ભૂપતભાઇ જોગએ જ તેના કાકાની હત્યા કરી છે. જેથી આગવીઢબે પુછતાછ કરતા મૃતકના સગા દીકરા રામદે કાનાભાઇ જોગ સાથે મળીને કાવતરૂ રચી હત્યા બાદ તેને અકસ્માતમાં ખપાવી દેવાનો પ્રયાસ કર્યાની કબુલાત આપી હતી. પોલીસે બન્નેની ધરપકડ કરીને વધુ પુછપરછ કરતા કબુલ્યું કે, પુત્ર રામદેને ઇઝરાયેલ દેશમાં નોકરી કરવા માટે જવું હતું અને તેના માટે 16 લાખ રૂપિયા ખર્ચ થતો હોવાથી પૈસાની શોધમાં હતો.
આ દરમિયાન તેને ખબર પડી કે, એકાદ વર્ષ પહેલા તેના પિતાએ વીમો ઉતરાવ્યો હતો, જેમાં મૃત્યુ થાય તો 60-70 લાખ રૂપિયા મળે તેમ હતા. વળી, હાલ બીજું વીમા પ્રિમિયમ ભરવાનો સમય પણ થઇ ગયો હતો. જેથી તેણે મોટા બાપુના દીકરા વિરમ ભૂપતભાઇ જોગને એક લાખ રૂપિયા આપવા અને તે જીવે ત્યાં સુધી ભોજન-ખર્ચ આપવાની લાલચ આપી હતી. વિરમના પાંચેક વર્ષ પહેલા છુટાછેડા થઇ ગયા હતા અને પોતે એકલો જ રહેતો હોવાથી કાકાની હત્યા માટે તૈયાર થઈ ગયો હતો અને બન્નેએ પૂર્વાયોજીત કાવતરું ઘડીને હત્યાને અંજામ આપ્યા બાદ અકસ્માતમાં ખપાવી દેવાનો પ્રયાસ કર્યો હતો.
કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ કેન્દ્રીય ગૃહમંત્રી શિવરાજ પાટિલનું 91 વર્ષની વયે અવસાન થયું છે. તેમણે શુક્રવારે સવારે 6:30 વાગ્યે તેમના નિવાસસ્થાને અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ ઘણા દિવસોથી બીમારી સામે ઝઝૂમી રહ્યા હતા અને ડોકટરોની દેખરેખ હેઠળ ઘરે સારવાર લઈ રહ્યા હતા.
શિવરાજ પાટિલના અવસાનથી રાજકીય વર્તુળોમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે, નેતાઓએ તેમને શ્રદ્ધાંજલિ આપી છે. માહિતી માટે, શિવરાજ પાટિલ માત્ર કોંગ્રેસના વરિષ્ઠ નેતા જ નહીં પરંતુ સાત વખત સાંસદ પણ રહ્યા હતા. તેઓ સતત લાતુરથી જીત્યા હતા. તેમને ઘણી વખત કેન્દ્રીય મંત્રી બનવાની તક પણ મળી હતી અને વિવિધ મંત્રાલયોમાં મહત્વપૂર્ણ જવાબદારીઓ પણ નિભાવી હતી.
2008ના મુંબઈ આતંકવાદી હુમલા સમયે શિવરાજ પાટિલ દેશના ગૃહમંત્રી હતા. સુરક્ષામાં ખામીઓ માટે તેમને જવાબદાર ઠેરવવામાં આવ્યા હતા અને તેમને તેમના પદ પરથી રાજીનામું આપવાની ફરજ પડી હતી. તેમણે એ પણ સ્વીકાર્યું હતું કે તેઓ હુમલાને રોકવામાં નિષ્ફળ રહ્યા હતા.
શિવરાજ પાટિલ કોંગ્રેસના ખૂબ જ અનુભવી નેતા હતા, જેમણે ઇન્દિરા ગાંધી અને રાજીવ ગાંધી સાથે કામ કર્યું હતું. તેમના અંગત જીવનની વાત કરીએ તો, તેમણે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાંથી વિજ્ઞાનમાં સ્નાતક થયા અને પછી મુંબઈ યુનિવર્સિટીમાંથી કાયદાનો અભ્યાસ પૂર્ણ કર્યો.
1980માં, તેમણે સૌપ્રથમ લાતુરથી લોકસભાની ચૂંટણી જીતીને સંસદમાં પ્રવેશ કર્યો અને 1999 સુધી જીતતા રહ્યા. તેમણે 1991 થી 1996સુધી લોકસભાના સ્પીકર તરીકે પણ સેવા આપી. તેમણે દેશ અને વિદેશમાં અનેક સંસદીય પરિષદોમાં ભારતનું નેતૃત્વ કર્યું હતું.
સ્વ. વિજય રૂપાણીની અડધી સરકાર ભંગ કરીને ભૂપેન્દ્ર પટેલને મુખ્યમંત્રીનો તાજ પહેરાવ્યો ત્યારે કોઇને કલ્પના પણ નહોતી કે ભૂપેન્દ્ર પટેલ એક ‘માઇલસ્ટોન’ પુરવાર થશે
તાજેતરમાં મંત્રી મંડળના વિસ્તરણ વખતે પણ હવા ચાલી હતી કે ભૂપેન્દ્ર પટેલને બદલવામાં આવશે, પરંતુ ભાજપના નેતૃત્વએ તેમને ફરી-ફરીને જાળવી રાખ્યા
એક વાત ચોક્કસ છે કે ભૂપેન્દ્ર પટેલને ‘સત્તા’ ગમતી નથી એવું નથી; પરંતુ સત્તાને વળગી રહેવાનો મોહ નથી તેઓ માને છે કે આ જગતમાં કોઈ ‘અમરપટ્ટો’ લખાવીને આવ્યું નથી
ભૂપેન્દ્ર પટેલ સરકારની સિદ્ધિઓ વચ્ચે એ પણ હકીકત છે કે ગુજરાતમાં ગુનાખોરી વકરી છે, આર્થિક સંકડામણને કારણે આપઘાતના પ્રમાણમાં વધારો થયો છે, વેપાર-ઉદ્યોગ, રોજગારમાં લોકોને સંતોષ નથી અને ભ્રષ્ટાચાર બેખોફ બની રહ્યો છે, ભૂપેન્દ્ર પટેલ આ મુદ્દે મક્કમ બનીને કોઈ ચોક્કસ પગલાં ભરશે તો લોકો વર્ષો પર્યન્ત ‘દાદા’ની સરકારને યાદ રાખશે
પૂર્વ મુખ્યમંત્રી સ્વ. કેશુબાપા આજે પણ લોકોના માનસપટ ઉપરથી ભુલાતા નથી; ભૂપેન્દ્ર પટેલ અને કેશુબાપા વચ્ચે ઘણું ઘણું સામ્ય છે. ભૂપેન્દ્ર પટેલ ઇચ્છે તો સ્વ. કેશુબાપાની હરોળમાં આવી શકશે
ગુજરાતના ‘નાથ’ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે તેમની સરકારના ત્રણ વર્ષ પૂરા કરશે. આ અગાઉ તેમના એક વર્ષના શાસનને જોડવામાં આવે તો ‘દાદા ભગવાન’ના માણસ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો મુખ્યમંત્રી તરીકેનો સમયકાળ ચાર વર્ષનો ગણી શકાય. સ્વ. મુખ્યમંત્રી વિજય રૂપાણી સરકાર અધવચ્ચેથી ભંગ કરીને ભૂપેન્દ્ર પટેલના માથે ગુજરાત સરકારની જવાબદારી સોંપવામાં આવી હતી. આ પૂર્વે ગુજરાત અને ભાજપના રાજકારણમાં ભૂપેન્દ્ર પટેલ ચર્ચાતો ચહેરો નહોતો, પરંતુ કંઇક નવું કરવાની હંમેશાં ખેવના ધરાવતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આશ્ચર્યજનક રીતે ભૂપેન્દ્ર પટેલની મુખ્યમંત્રી તરીકે પસંદગી કરીને ગુજરાતને અને ખુદ ભાજપના લોકોને અચંબામાં મૂકી દીધા હતા. વિજય રૂપાણીની વિદાય પૂર્વે મળેલી પક્ષના ધારાસભ્યોની બેઠકમાં મુખ્યમંત્રી તરીકે કોની પસંદગી કરવામાં આવશે એ વાતથી ખુદ ભાજપનું સ્થાનિક નેતૃત્વ અંધારામાં હતું અને અચાનક ભાજપની જાદુઇ ટોપલીમાંથી ભૂપેન્દ્રદાદા એટલે કે ભૂપેન્દ્ર પટેલના નામની જાહેરાત કરવામાં આવી ત્યારે ખુદ ભૂપેન્દ્ર પટેલ પણ અચંબો પામી ગયા હતા અને સ્વ. વિજય રૂપાણીએ કરેલી જાહેરાતની વારંવાર ખાતરી કર્યા બાદ વચ્ચેની હરોળમાંથી ઊભા થઇને મંચ ઉપર આવ્યા હતા.
ખેર, આ બધી જૂની અને આનંદ પમાડનારી અને વારંવાર વાગોળવા જેવી ઘટના છે કારણ કે રાજકારણમાં કોઇ ગુમનામ વ્યક્તિને અચાનક સર્વોચ્ચ શિખર ઉપર બેસાડી દેવામાં આવે એવી ગુજરાતના રાજકારણમાં કદાચ પ્રથમ ઘટના હતી.
પરંતુ સાવ એવું પણ નહોતું કે ભૂપેન્દ્ર પટેલ સાવ બિનઅનુભવી હતા. ધારાસભ્ય તરીકે ચૂંટાઇ આવ્યા એ પૂર્વે અમદાવાદ મહાનગરપાલિકાની ખૂબ જ મહત્ત્વની એવી સ્ટેિન્ડંગ સમિતિના ચેરમેન હતા અને ત્યાર બાદ ‘‘ઔડા’’ એટલે કે અમદાવાદ વિકાસ સત્તામંડળ ઓથોિરટીના ચેરમેન પણ હતા પરંતુ સ્થાનિક સંસ્થા અને સરકારના વહીવટ વચ્ચે ખૂબ મોટા તફાવત હોય છે, આ ઉપરાંત ખુદ ભાજપના ભૂગર્ભમાં ધુંધવાતા જૂથવાદમાં પણ બેલેન્સ કરીને ચાલવાનું હતું. પ્રારંભે એવું માનવામાં આવતું હતું કે ભૂપેન્દ્ર પટેલ પૂર્વ મુખ્યમંત્રી અને ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલના જુથના છે. આ તરફ રાજકીય ચોગઠાબાજી ગોઠવવામાં માહિર અને રાજકીય વ્યૂહરચનાકાર અમિત શાહ સાથે પણ તાલ મિલાવવાનો હતો. કારણ પાછલા ઘણાં વર્ષોથી એટલે કે નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા બાદ ગુજરાત સરકાર અને ગુજરાત ભાજપની ઘટનાઓ ઉપર અમિત શાહ સતત નજર રાખી રહ્યા છે. અત્યાર સુધી એવું માનવામાં આવતું હતું કે અમિત શાહ અને આનંદીબેન પટેલ વચ્ચે શીતયુદ્ધ ચાલી રહ્યું છે.
અલબત્ત સરવાળે આ બધી ભ્રમણાઓ હતી. બાહ્ય ચિત્ર ગમે તે હોય પરંતુ પક્ષના નિર્ણયમાં નરેન્દ્ર મોદી, આનંદીબેન પટેલ અને અમિત શાહનો સામૂહિક મત હોય છે. ઘણા એવું પણ માનતા હતા કે સ્વ. વિજય રૂપાણી આનંદીબેન પટેલ જૂથના હતા. આ વાત કે ભ્રમણા માત્ર હતી, જે સાચી હોત તો આનંદીબેન પટેલે સ્વ. વિજય રૂપાણીને મુખ્યમંત્રી પદેથી દૂર થવા દીધા ન હોત, આનાથી પણ આગળ વધીને વાત કરીએ તો ખુદ આનંદીબેન પટેલને પણ અડધી સરકારે ગાદી છોડવી પડી હતી.
પરંતુ આ બધાની વચ્ચે એટલું ચોક્કસ કહી શકાય કે ભૂપેન્દ્ર પટેલ પક્ષના શીર્ષ નેતૃત્વના હંમેશાં વિશ્વાસુ રહ્યા છે અને પોતે વિશ્વાસુ હોવાનું સાકાર કરી બતાવ્યું છે. થોડા સમય પહેલાં મંત્રીમંડળમાં ફેરફારો કરવામાં આવ્યા ત્યારે એવા અનુમાન વહેતા થયા હતા કે ભૂપેન્દ્ર પટેલને પણ મુખ્યમંત્રી પદેથી બદલવામાં આવશે. પરંતુ આવી કોઇ જ ઘટના બનવા પામી નહોતી, બલ્કે ખુદ વડાપ્રધાન મોદીએ ભૂપેન્દ્ર પટેલના ખભે હાથ મૂકીને કહ્યું હતું કે ચિંતા કર્યા વગર આગળ વધો અને તેમને મુખ્યમંત્રી પદે યથાવત્ જાળવી રાખ્યા હતા.વિતેલા તેમના શાસન કાળમાં ઘણી વિટંબણાઓ આવી. વિમાન દુર્ઘટના અતિવૃષ્ટિ જેવી ઘટનાઓ બનવા પામી ક્યારેક ભૂપેન્દ્ર પટેલ વિહવળ પણ થઇ ગયા હશે પરંતુ ભાજપના શીર્ષ નેતૃત્વનો ભૂપેન્દ્ર પટેલની કાર્યક્ષમતા ઉપરનો ભરોસો હજુ પણ અકબંધ છે. તેમના પુત્ર અનુજને આવેલા ‘બ્રેઇન સ્ટ્રોક’ વખતે ભૂપેન્દ્ર પટેલ હચમચી ગયા હતા અને એક તબક્કે તેમણે મુખ્યમંત્રી પદેથી હટી જવાનો નિર્ણય પણ કર્યો હતો. પરંતુ આવા કપરા સમયે ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ તેમની બરાબર પડખે ઊભા રહ્યા હતા અને પુત્રની સારવાર ચાલુ રાખવા અને મુખ્યમંત્રી પદે અડીખમ બનીને સરકાર ચલાવવા અનુરોધ સાથે ‘આદેશ’ પણ કર્યો હતો.એક તરફ દાદા ભગવાન ઉપર અતૂટ શ્રદ્ધા અને બીજી તરફ નરેન્દ્ર મોદી અને અમિત શાહના ભરોસાને કારણે ભૂપેન્દ્ર પટેલ માનસિક રીતે મજબૂત થઇ ગયા હતા અને બેધડક સરકારને દોડાવી હતી.
ભૂપેન્દ્ર પટેલ વડાપ્રધાન મોદીની માફક ધરતીના માણસ હોવાથી છેવાડાના પરિવારોની જરૂરિયાત અને વ્યથાને સમજી શકે છે અને એટલે જ તેમણે પાછલાં ચાર વર્ષ દરમિયાન લીધેલા પ્રત્યેક નિર્ણયમાં ગામડાના છેવાડાના માણસથી શરૂ કરીને મહાનગરોમાં વેપાર-ઉદ્યોગ અને રોજગારી કરતા લોકોની હંમેશાં ચિંતા કરી છે અને કરતા અાવ્યા છે. ભૂપેન્દ્ર પટેલનું એક જમા પાસું એ પણ છે કે તેઓએ ક્યારેય પણ વ્યક્તિગત જશ ખાટવાનો પ્રયાસ કર્યો નથી. કોઇપણ સારા પરિણામ માટે તેઓ હંમેશા યશના હકદાર વડાપ્રધાન મોદી, અમિત શાહ અને પક્ષના નેતૃત્વને ગણાવતા આવ્યા છે.તાજેતરમાં મંત્રીમંડળના વિસ્તરણ વખતે ઘણા લોકો એવું માનતા હતા કે ‘‘દાદા’’ સાથે અન્યાય થયો છે, પરંતુ વાસ્તવિકતા તેનાથી બિલકુલ વિપરીત છે. ગુજરાત સરકારમાં એકપણ નિર્ણય ભૂપેન્દ્ર પટેલની જાણ બહાર કે ઇચ્છા વિરૂદ્ધ કરાતો નથી. ભૂપેન્દ્ર પટેલ સ્વભાવગત ‘આ બધુ મેં કર્યુ’ એવું માનતા નથી, કારણ પોતે અત્યંત સંવેદનશીલ ઉપરાંત ધાર્મિક અને મૃદુ સ્વભાવના હોવાથી યશ, અપયશ બધું જ ‘દાદા ભગવાન’ની ઉપર છોડી દે છે. ભૂપેન્દ્ર પટેલ સ્પષ્ટ રીતે માને છે કે ‘મારી પાસે શું હતું અને કોણ લઇ ગયું!’ મને ક્યાં ખબર હતી કે હું ગુજરાતનો મુખ્યમંત્રી બનીશ. વળી આજે નહીં તો કાલે ગાદી ખાલી કરવાની જ છે. આ જગતમાં કોઇ ‘અમરપટ્ટો’ લખાવીને આવ્યું નથી.
ખેર, ભૂપેન્દ્ર પટેલની વીતેલા ચાર વર્ષની સરકારે કરેલા સેંકડો નિર્ણયમાં એક પણ એવો નિર્ણય નહીં હોય કે જેને વખોડવો પડ્યો હોય, ભૂલ કરી હોય તો સુધારી લેવા માટે હંમેશા તત્પર રહેતા આવ્યા છે. ઘણી એવી પણ ઘટનાઓ બનવા પામી હશે કે પ્રથમ નજરે એવું લાગે કે ભૂપેન્દ્ર પટેલ સક્ષમ નથી, પરંતુ દૂર સુધી નજર દોડાવવામાં આવે તો વિચાર બદલીને કહેવું પડે કે ‘ભૂપેન્દ્ર પટેલ જ બરાબર છે’’ કારણ, નિઃસ્પૃહી વ્યક્તિત્વને કારણે ભૂપેન્દ્ર પટેલ કોઇને ‘કઠયા’ નથી અને રસ્તો આપી દેવામાં માનતા ભૂપેન્દ્ર પટેલે ક્યારેય કોઇને રોકવાની કોશિશ પણ કરી નથી. પરિણામે ભૂપેન્દ્ર પટેલ ‘અજાતશત્રુ’ હોવાથી તેમની વિરૂદ્ધ વાત કરનારનું મન પણ છેલ્લી ઘડીએ બદલાઇ ગયું હોવાની અનેક ઘટનાઓ ગુજરાતના પાછલા વર્ષના ઇતિહાસમાં સાક્ષી છે.ગુજરાતમાં આજકાલ કોંગ્રેસ કરતા ‘આમ આદમી પાર્ટી’ વિપક્ષ તરીકે વધુ આક્રમક માનવામાં આવે છે. ‘આપ’ના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા, ચૈતર વસાવા બોલવામાં બેબાક છે. પરંતુ ક્યારેય પણ ભૂપેન્દ્ર પટેલ માટે હલકો શબ્દપ્રયોગ કર્યો નથી. કોંગ્રેસના જિગ્નેશ મેવાણી પણ નિવેદન કરવામાં આકરા છે. પરંતુ જિગ્નેશ મેવાણીએ પણ ભૂૂપેન્દ્ર પટેલ માટે ઘસાતો શબ્દપ્રયોગ કર્યો હોવાનું યાદ નથી.
આ વરવી વાસ્તવિકતાના મુદ્દે ભૂપેન્દ્ર પટેલ કોઇ ચોક્કસ નિર્ણય લઇ શકશે તો તેમના ‘બેદાગ’ અને મક્કમ પ્રજાભિમુખ વહીવટને લોકો દાયકાઓ સુધી યાદ રાખશે. પૂર્વ મુખ્યમંત્રી સ્વ. કેશુબાપા આજે પણ લોકોના માનસપટ ઉપરથી ભુલાતા નથી. રાજકીય, સામાજિક કે દુઃખદ ઘટના હોય એકઠા થયેલા લોકોમાંથી હંમેશા ‘કેશુબાપા’નું નામ અચૂક સાંભળવા મળે જ મતલબ ‘કેશુબાપા’ લોકમાનસમાં ‘અમર’ થઇ ગયા છે.ભૂપેન્દ્ર પટેલનો સ્વભાવ અને વહેવાર કેશુબાપાની સાથે મળતા આવે છે. મૃદુ હાસ્ય વેરતા ભૂપેન્દ્ર પટેલ સહુ કોઇને પોતીકા માણસ લાગે છે. વીતેલા ચાર વર્ષમાં અનેક રાજકીય ઘટનાઓ બની, કુદરતી આફતો આવી અને ગઇ પરંતુ હંમેશા ‘માઇલસ્ટોન’ જેવા ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી પદે ચાર વર્ષ પૂરા કર્યા પછી આજે પણ જ્યાં ઊભા હતા ત્યાં જ ઊભા છે. તેમના સ્વભાવમાં કોઇ જ પરિવર્તન આવ્યું નથી. મહત્ત્વાકાંક્ષામાં કોઇ જ વધારો નથી અને મુખ્યમંત્રી નહી હોય ત્યારે ફૂટપાથ ઉપર ઊભા રહીને ગપ્પા મારવામાં તેમને કોઇ જ અફસોસ નહીં હોય.
સુરત શહેરના કતારગામ GIDC વિસ્તરણ વિસ્તારમાં શુક્રવારે સવારે મંડપ સામગ્રીના એક મોટા ગોડાઉનમાં અચાનક ભીષણ આગ લાગી હતી. આગ એટલી ઝડપી રીતે ફેલાઈ કે થોડા જ સમયમાં આખું ગોડાઉન આગની જ્વાળાઓની ચપેટમાં આવી ગયું. આગનું વિકરાળ સ્વરૂપ એવું હતું કે 10 કિલોમીટર દૂરથી પણ કાળા ધુમાડાનો ઘાટો ગૂબારો આકાશમાં સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો.
મળી રહેલી માહિતી મુજબ, ગોડાઉનમાં લગ્ન-વિવાહ અને મોટા કાર્યક્રમોમાં ઉપયોગ થાય તેવું કપડાનું સજાવટ સામાન, પડદા, મંડપની ડેકોરેશનની વસ્તુઓ, પ્લાસ્ટિક સામગ્રી અને અન્ય જ્વલનશીલ સામાન મોટી માત્રામાં રાખવામાં આવ્યો હતો. જેના કારણે આગ ઝડપથી ફેલાતી ગઈ અને થોડા જ મિનિટોમાં પરિસ્થિતિ ગંભીર બની ગઈ.
સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે આગ બાદ ગોડાઉનમાંથી અનેક જોરદાર અવાજો સંભળાયા હતા, જેના આધારે અનુમાન લાગી રહ્યું છે કે અંદર રાખેલા ઇલેક્ટ્રિક ઉપકરણો, ગેસ સિલિન્ડર અથવા અન્ય જ્વલનશીલ સામગ્રી આગને વધુ વિકરાળ બનાવવા જવાબદાર હોઈ શકે છે. જોકે, આગ લાગવાનું ચોક્કસ કારણ હજી સુધી બહાર આવ્યું નથી.
આગની જાણ થતાં જ ફાયર બ્રિગેડની 10થી વધુ ગાડીઓ સ્થળ પર પહોંચી ગઈ હતી અને આગ પર કાબૂ મેળવવાના સતત પ્રયાસો ચાલી રહ્યા છે. ગોડાઉનની અંદર મોટી માત્રામાં સામગ્રી હોવાથી આગને કાબૂમાં લેવામાં મુશ્કેલી પડી રહી છે અને તેને સંપૂર્ણ રીતે બુઝાવવા માટે વધુ સમય લાગી શકે છે.
ફાયર અધિકારીઓએ આસપાસના વિસ્તારોમાં રહેતા લોકોને સુરક્ષાને ધ્યાનમાં રાખીને સ્થળથી દૂર રહેવાની સલાહ આપી છે. બીજી તરફ, પ્રશાસન દ્વારા સ્થળ પર પહોંચીને નુકસાનનું પ્રાથમિક મૂલ્યાંકન શરૂ કરી દેવાયું છે. આગથી કેટલા કરોડનું નુકસાન થયું છે તે વિગતવાર તપાસ બાદ જ જાણવા મળશે.
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા ડિસેમ્બર-૨૦૨૫ થી જાન્યુઆરી-૨૦૨૬ દરમિયાન બહુવિધ રાષ્ટ્રીય-સાંસ્કૃતિક, શૈક્ષણિક કાર્યક્રમો અને ખેલકૂદ સ્પર્ધાઓ યોજાશે. કુલપતિ ડો.કિશોરસિંહ ચાવડા અને રજિસ્ટ્રાર ડો.આર.સી.ગઢવીએ વિગતો આપતા જણાવ્યું હતું કે, તા. ૧૬ થી ૧૯ ડિસે. દરમિયાન ગર્લ્સ ટેબલટેનિસ ટુર્નામેન્ટ યોજાશે, તા.૨૦ થી ૨૩ ડિસે. દરમિયાન રાણી અબક્કા દેવી પરમો યુવા મહોત્સવ યોજાશે, જેમાં યુવાનોની પ્રતિભા અને સાંસ્કૃતિક અભિવ્યક્તિને વેગ મળશે. જેમાં યુવા છાત્રો વિવિધ સ્પર્ધાઓ અને પ્રસ્તુતિઓ રજૂ કરશે.
તા. ૨૧ થી ૨૭ ડિસે. દરમિયાન સાંસ્કૃતિક અને જનજાતીય સંસ્કૃતિ પ્રદર્શન મેળો યોજાશે, જેમાં જનજાતિ સંસ્કૃતિ, હસ્તકલા, વાનગીઓ અને પરંપરાનો અનોખો સંગમ જોવા મળશે. ગુજરાત ગ્લોબલ એક્સ્પો – એક મેગા એક્ઝિબિશન
૨૨ થી ૨૪ ડિસે. દરમિયાન પરિચિત ફાઉન્ડેશનના સહયોગથી ગુજરાત ગ્લોબલ એક્સ્પો યોજાશે. તા.૨૬ થી ૨૮ ડિસે. દરમિયાન શિક્ષા સંસ્કૃતિ ઉત્થાન ન્યાસ દ્વારા રાષ્ટ્રીય સેમિનારમાં રાષ્ટ્રીય સ્તરના શિક્ષણ, સંસ્કૃતિ અને સંશોધન સંબંધિત વિષયો પર માર્ગદર્શક સત્રો યોજાશે જેમાં નિષ્ણાતોની ઉપસ્થિતિ રહેશે.
તા.૩૧ ડિસે.ના રોજ શ્રી રામમંદિર પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સવ દિવસની ઉજવણી કરાશે. તા.૨૯ થી તા.૩૧ જાન્યુ. અને ૧ ફેબ્રુ.૨૦૨૬ ડિસે. દરમિયાન સરદાર વલ્લભભાઈ પટેલ અને ભગવાન બિરસા મુંડા ૫૨મો સ્પોર્ટ્સ ફેસ્ટ યોજાશે.
સેવન સિસ્ટર ગણાતા રાજ્યો પૈકીના એક અરુણાચલ પ્રદેશમાં એક મોટી દુર્ઘટના સામે આવી છે. આ દુર્ઘટના ભારત-ચીનની બોર્ડર પર ઘટી છે, જેમાં એક ટ્રક ઊંડી ખીણમાં ખાબકી હતી, જેમાં 17થી વધુ શ્રમિકનાં મોત થયા છે, જ્યારે બચાવ કામગીરી પણ હાથ ધરવામાં આવ્યું છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.
અરુણાચલ પ્રદેશના સરહદી જિલ્લા અંજાવ ખાતે બોર્ડર રોડ નિર્માણનું કામ ચાલી રહ્યું છે, જ્યાં 8 ડિસેમ્બરના એક મોટી દુર્ઘટના ઘટી હતી. હૈયુલિયાંગ-ચગલાગામ ઇન્ડો-ચીન બોર્ડરના પહાડી રસ્તે 21 મજૂરને લઈ જતી એક ટ્રક પસાર થઈ રહી હતી ત્યારે રસ્તો સાંકડો અને ઢાળવાળો હોવાને કારણે ટ્રકે બેલેન્સ ગુમાવ્યું હતું, પરિણામે ટ્રક ખીણમાં ખાબકી હતી. આ દુર્ઘટનામાં ટ્રકનો કચ્ચરઘાણ વળી ગયો હતો, જ્યારે ટ્રકમાં સવાર શ્રમિકો અકસ્માતનો શિકાર બન્યા છે.
દુર્ઘટનાને પગલે જિલ્લા વહીવટીતંત્રે તાત્કાલિક રાહત અને બચાવ ટુકડી મોકલી હતી. આસપાસના લોકો પણ રેસ્ક્યૂ કામગીરીમાં જોડાયા હતા. ખીણ બહુ ઊંડી હોવાને કારણે બચાવ કાર્ય મુશ્કેલ હતું. ઘણા મજૂરો ખીણમાં ફસાયેલા હતા. જેમની સુધી પહોંચવામાં ઘણો સમય લાગ્યો હતો. ઘણા મજૂરોના શરીર ખરાબ રીતે ઈજાગ્રસ્ત થયા હતા. ઇન્ડો-ચીન બોર્ડર પર થયેલા આ અકસ્માતમાં 17 મજૂરના મોત થયા છે, જ્યારે બાકીના મજૂરોની શોધખોળ ચાલી રહી છે. પીડિત મજદૂરો તિનસુકિયાના ગેલાપુખુરી ટી એસ્ટેટના હતા અને બાંધકામની કામગીરી માટે હયુલિયાંગ જઈ રહ્યા હતા. ટ્રક પહાડી વિસ્તારમાંથી પસાર થઈ રહી હતી ત્યારે અકસ્માતનો ભોગ બની હતી. આ અકસ્માત પછી સ્થાનિક લોકો પણ ઘટનાસ્થળે પહોંચ્યા છે.
ઉલ્લેખનીય છે કે, ઇન્ડો-ચીન બોર્ડર પર કામ કરનાર મજૂરો દરરોજ જીવના જોખમે કામ કરી રહ્યા છે. અહીં ખરાબ હવામાન, ભૂસ્ખલન, સાંકડા રસ્તાને કારણે અકસ્માત જેવી ઘટનાઓ અવારનવાર બનતી રહે છે. તાજેતરમાં થયેલા અકસ્માતને સાંકડા રસ્તાને કારણે અથવા ટ્રકની ઝડપના કારણે થયો એ અંગે તપાસ કરવામાં આવશે. વહીવટીતંત્રે મૃતકોના પરિવારોને પૂરતી મદદ કરવાનું આશ્વાસન આપ્યું છે.
સુરતમાં ઔદ્યોગિક વિસ્તાર સચિન જીઆઈડીસી નજીક આવેલી ગુરુકૃપા સોસાયટીમાં ગંભીર દુર્ઘટના ઘટના ઘટી હતી. બરફની ફેક્ટરી પાસેના એક રહેણાંક મકાનમાં ગેસ સિલિન્ડર લીકેજ થતાં ફ્લેશ ફાયર થયું હતું. જેમાં બે યુવતીઓ એક મહિલા અને એક પુરુષ સહિત કુલ ચાર લોકો ગંભીર રીતે દાઝ્યા હતા. જે બાદ ચારેય લોકોને સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા જેમાંથી આજે ૨ લોકોના મોત થયા છે.
દાઝી ગયેલા લોકોમાં રિન્કી હરિભાઈ પોલાઇ (ઉ.વ. ૧૯), ભાગ્યશ્રી હરિભાઈ પોલાઈ (ઉ.વ. ૨૨) અને ૨૬ વર્ષના સાલુબેન રામકુમાર મોહન તેમજ હરિઓમ સુરેન્દ્ર યાદવ હતા, જેમાંથી સાલુબેન અને રિન્કીબેન જિંદગીને અલવિદા કહ્યું છે. પરિવારજનોમાં આક્રંદ સાથે યોગ્ય તપાસની માંગ કરી રહ્યા છે. સચિન પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ફાયર વિભાગ પણ તપાસમાં જોતરાયું છે.
મળતી માહિતી અનુસાર ગુરુકૃપા સોસાયટીમાં આવેલા એક મકાનમાં ગેસ સિલિન્ડર લીકેજના કારણોસર ફ્લેશ ફાયર થયું હતું. જોત જોતામાં આગે એટલું વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું કે ઘરના સભ્યોને બહાર નીકળવાનો મોકો મળ્યો ન હતો.
અને આગની લપેટમાં ચાર લોકો અત્યંત ગંભીર રીતે દાઝી ગયા હતા. જે બાદ ઘાયલ લોકોને સમયસર સારવાર મળી રહે તે માટે તુરંત જ ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે તેમને સિવલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જેમાંથી બે યુવતીના કરુંણ મોત થયા છે. જ્યારે અન્ય બે માંથી એક જીવન મરણ વચ્ચે ઝોલાં ખાઈ રહ્યા છે.
ફ્લેશ ફાયર એ અચાનક, તીવ્ર આગ છે જે હવાના મિશ્રણ અને વિખરાયેલા જ્વલનશીલ પદાર્થ જેવા કે ઘન ( ધૂળ સહિત), જ્વલનશીલ અથવા જ્વલનશીલ પ્રવાહી (જેમ કે એરોસોલ અથવા ફાઇન મિસ્ટ) અથવા જ્વલનશીલ ગેસના મિશ્રણને કારણે થાય છે.
તે ઉચ્ચ તાપમાન, ટૂંકા ગાળા અને ઝડપથી આગળ વધી પ્રચંડ આગના ગોળામાં પરિવર્તિત થાય છે. ફ્લેશ ફાયર અટકાવવા માટે ગેસ લીકેજ થાય ત્યારે તરત જ બારી-બારણાં ખોલવા, ઇલેક્ટ્રિક સ્વીચોને અડકવું નહીં અને તાત્કાલિક બહાર નીકળી જવું હિતાવહ છે.
અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટ પરથી આવતી અને જતી ઈન્ડિગોની કુલ 24 ફ્લાઈટ કેન્સલ થઈ છે. રદ થયેલ ફલાઈટમાં, 12 ફ્લાઈટ અમદાવાદ આવતી અને 12 ફ્લાઈટ અમદાવાદથી અન્યત્ર જતી હતી. જો કે, આજે અમદાવાદ એરપોર્ટ પરથી બપોરના 2 વાગ્યા સુધીમાં કુલ 63 ફ્લાઈટનુ સંચાલન કરવામાં આવ્યું છે. જેમાં 28 ફ્લાઈટ અમદાવાદ એરપોર્ટ ખાતે આવી હતી. જ્યારે 35 ફ્લાઈટ અમદાવાદ એરપોર્ટથી અન્યત્ર ગઈ હતી.
745 કરોડ પરત કરવામાં આવ્યા સરકારના જણાવ્યા અનુસાર, આ સમયગાળા દરમિયાન રદ કરાયેલા 730,655 PNR માટે મુસાફરોને ₹745 કરોડ પરત કરવામાં આવ્યા છે. એરલાઇન પાસે રહેલી આશરે 9,000 બેગમાંથી, 6,000 બેગ મુસાફરોને પહોંચાડવામાં આવી છે, બાકીની બેગ મંગળવાર સુધીમાં પહોંચાડવાનું લક્ષ્ય છે. કેન્દ્રીય મંત્રી રામમોહન નાયડુ આવતીકાલે બપોરે 12 વાગ્યે લોકસભામાં ઇન્ડિગો કટોકટીનો જવાબ આપશે.
પેન્સિલવેનિયાના એક્સટનમાં એક ડિપાર્ટમેન્ટલ સ્ટોરમાંથી ચોરી કરવાના આરોપમાં 46 વર્ષીય ગુજરાતી મહિલાની ધરપકડ કરવામાં આવી છે. આરોપીનું નામ ગાયત્રી મોહન પટેલ હોવાનું જણાવાયું છે જેમની વેસ્ટ લિંકન હાઈવે પર આવેલા કોલ્સ ડિપાર્ટમેન્ટ સ્ટોરમાંથી ચોરી કરવાના આરોપમાં ધરપકડ કરાઈ હોવાનું વેસ્ટ વ્હાઈટલેન્ડ ટાઉનશિપ પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા જણાવાયું છે.
પોલીસને આ સ્ટોર પરથી જ કોલ કરવામાં આવ્યો હતો, સ્ટોરના મેનેજરે પોલીસને જણાવ્યું હતું કે ગાયત્રી પટેલ અમુક વસ્તુઓ લીધા બાદ પૈસા આપ્યા વિના જ સ્ટોરમાંથી નીકળી ગયા હતા અને આ વસ્તુઓ તેમની પાસેથી જ મળી આવી હતી જે તેમણે ચોરી કરી હોય તેવી આશંકા છે.
પોલીસે ગાયત્રી પટેલ પર રિટેલ થેફટ અને ચોરીનો સામાન રિસીવ કરવાનો આરોપ લગાવ્યો છે. જોકે, તેમણે જે સામાન ચોર્યો હોવાનો આરોપ છે તેની વેલ્યૂ કેટલી થતી હતી તેની કોઈ વિગતો જાહેર કરવામાં નથી આવી. પોલીસે હાલ માત્ર એટલું જ જણાવ્યું છે કે હાલ આ કેસની તપાસ ચાલુ છે.
લૉ એન્ફોર્સમેન્ટ એજન્સીએ એવું પણ કહ્યું છે કે ગાયત્રી પટેલને ડિસેમ્બર 03ના રોજ અરેસ્ટ કરવામાં આવ્યા હતા અને કોર્ટ પ્રોસિડિંગ્સને લગતી કોઈ વિગતો હાલ નથી જણાવાઈ કે ના તો ગાયત્રી પટેલના ઈમિગ્રેશન સ્ટેટસની કોઈ વિગતો ઈન્વેસ્ટિગેશન એજન્સી દ્વારા શેર કરાઈ છે. જે સ્ટોરમાંથી ગાયત્રી પટેલે ચોરી કરી હોવાનો આક્ષેપ કરાયો છે તે જ સ્ટોરમાંથી હાલના દિવસોમાં જ બીજા બે ઈન્ડિયન્સે પણ કથિત ચોરી કરી હતી.