Home Blog Page 235

રાષ્ટ્રપતિ પુરસ્કાર વિજેતા IAS પર વિવાદ, ABVPના આરોપ બાદ બે વિદ્યાર્થીઓ જેલમાં

0

રાજસ્થાનના બાડમેર જિલ્લામાં આઈ.એ.એસ. (IAS) અધિકારી ટીના ડાબીને લઈને કરવામાં આવેલી એક ટિપ્પણીએ રાજકીય અને વહીવટીમાં ગરમાવો લાવી દીધો છે. ફી વધારાના વિરોધમાં ચાલી રહેલા પ્રદર્શન દરમિયાન કલેક્ટરને ‘રીલ સ્ટાર’ તરીકે સંબોધવામાં આવતા પોલીસ એક્શનમાં આવી હતી. આ ઘટનાને પગલે વિદ્યાર્થીનીઓએ પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો હતો, જેના કારણે સ્થાનિક વહીવટી તંત્ર અને વિદ્યાર્થી સંગઠનો સામસામે આવી ગયા છે.

બાડમેરની મુલ્તાનમલ ભીખચંદ છાજેડ મહિલા કોલેજ બહાર વિદ્યાર્થીનીઓ ફી વધારા સામે વિરોધ કરી રહી હતી. આ પ્રદર્શનમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) ના નેતાઓ પણ જોડાયા હતા. સૂત્રોચ્ચાર દરમિયાન કલેક્ટર ટીના ડાબી માટે ‘રીલ સ્ટાર’ શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો હતો. આ ઘટનાના થોડા સમય બાદ પોલીસે બે વિદ્યાર્થી નેતાઓને કસ્ટડીમાં લેતા મામલો બિચક્યો હતો. રોષે ભરાયેલી વિદ્યાર્થીનીઓએ પોલીસ સ્ટેશનમાં જ ધરણા શરૂ કરી દીધા હતા.

ધરણા પર બેઠેલી વિદ્યાર્થીનીઓનું કહેવું છે કે કલેક્ટરને ‘રીલ સ્ટાર’ કહેવામાં કંઈ ખોટું નથી, કારણ કે તેમની દરેક કામગીરીના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા હોય છે. વિદ્યાર્થીનીઓએ પ્રશાસનના ‘નવો બાડમેર’ અભિયાન પર પણ કટાક્ષ કરતા જણાવ્યું હતું કે કોલેજ પાસે કચરાના ઢગલા પડ્યા છે તેની કોઈને ચિંતા નથી. વિદ્યાર્થીનીઓએ આક્ષેપ કર્યો હતો કે પોલીસે માત્ર ટિપ્પણીને કારણે જ વિદ્યાર્થી નેતાઓની ધરપકડ કરી હતી.

આ વિવાદ અંગે જિલ્લા કલેક્ટર ટીના ડાબીએ જણાવ્યું હતું કે આ મામલાને ખોટી રીતે રજૂ કરવામાં આવી રહ્યો છે. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે પ્રદર્શન દરમિયાન અધિકારીઓ સાથે ગેરવર્તન કરવામાં આવ્યું હતું, જેના કારણે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે અટકાયત કરવામાં આવી હતી. પોલીસે કોઈ કેસ દાખલ કર્યા વગર જ બંને નેતાઓને મુક્ત કરી દીધા હતા. નેતાઓની મુક્તિ બાદ વિદ્યાર્થીનીઓએ પણ પોતાનું આંદોલન સમેટી લીધું હતું.

આ ઘટના બાદ સોશિયલ મીડિયા પર નવી ચર્ચા છેડાઈ છે. કેટલાક લોકો તેને વિદ્યાર્થીઓની અભિવ્યક્તિની આઝાદી માની રહ્યા છે, તો કેટલાક લોકો વહીવટી પદ પર બેઠેલા અધિકારીઓ પ્રત્યે માન જળવાવું જોઈએ તેવી દલીલ કરી રહ્યા છે. હાલમાં બાડમેરમાં સ્થિતિ સામાન્ય છે, પરંતુ ફી વધારાનો મુદ્દો હજુ પણ વણઉકેલ્યો હોવાથી વિદ્યાર્થીઓમાં છૂપો રોષ જોવા મળી રહ્યો છે.

દિલ્હી એરપોર્ટ પર પાયલોટે મુસાફરને માર મારી લોહીલુહાણ કર્યો, પાયલોટ સસ્પેન્ડ

0

દિલ્હી એરપોર્ટ પર એક વિચિત્ર ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં એરપોર્ટના ટર્મિનલ 1 પર એક મુસાફરે એર ઇન્ડિયા એક્સપ્રેસના પાયલોટ પર ગંભીર આરોપ લગાવ્યા છે. મુસાફર અંકિત દીવાનનો આક્ષેપ મુક્યો છે કે પાયલોટ કેપ્ટન વીરેન્દ્રએ તેમની સાથે ખરાબ વર્તન જ નહીં પરંતુ શારીરિક હુમલો પણ કર્યો હતો. જેના કારણે તે લોહીલુહાણ થયા છે. તેમજ આ ઘટના બાદ તેમની સાત વર્ષની પુત્રી હજુ પણ આઘાતમાં છે.આ ઘટના બાદ એર ઇન્ડિયા એક્સપ્રેસે એક નિવેદન જાહેર કરીને દુ:ખ વ્યક્ત કર્યું છે અને આરોપી પાયલોટને ફરજ પરથી તાત્કાલિક દુર કરવામાં આવ્યો છે.

સોશિયલ મીડિયા પર વીડિયો અને ફોટા વાઈરલ થયા છે. મુસાફરે સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું, “મારા પરિવારને સ્ટાફ દ્વારા ઉપયોગમાં લેવાતી સુરક્ષા ચેક લાઇન પર જવા માટે કહેવામાં આવ્યું કારણ કે અમારી સાથે સ્ટ્રોલરમાં 4 મહિનાનું બાળક હતું. સ્ટાફ મારી સામે લાઇન તોડી રહ્યો હતો. જ્યારે મેં વાંધો ઉઠાવ્યો, ત્યારે કેપ્ટન વીરેન્દ્ર ગુસ્સે થયા અને મને પૂછ્યું, શું તમે અભણ છો અને શું તમે આ સાઇન વાંચી શકતા નથી. આ એન્ટ્રી માત્ર સ્ટાફ માટે છે.

પાયલોટના શર્ટ પર મારું લોહી પડ્યું
જોકે, તેની બાદ વિવાદ વધ્યો હતો અને પાયલોટે મારી પણ હુમલો કર્યો હતો. જેના લીધે લોહી નીકળ્યું હતું. પાયલોટના શર્ટ પર મારું લોહી પડ્યું હતું. મારું વેકેશન બરબાદ થયું છે. તેમજ આ ઘટનાથી મારી સાત વર્ષની પુત્રી આઘાતમાં છે.

જયારે એર ઇન્ડિયા એક્સપ્રેસે પાયલોટના વર્તન બદલ દિલગીરી વ્યક્ત કરી અને એક સત્તાવાર નિવેદન બહાર પાડ્યું. એરલાઇને જણાવ્યું કે આરોપી કર્મચારીને તાત્કાલિક અસરથી તમામ સત્તાવાર જવાબદારીઓમાંથી દૂર કરવામાં આવ્યો છે અને આ મામલાની તપાસ ચાલી રહી છે.

મધ્ય પ્રદેશમાં રાજકીય ચર્ચાનો વિષય: ભાજપના ભૂતપૂર્વ મંત્રીએ કોંગ્રેસની મહિલા નેતા સાથે કર્યા લગ્ન

0

મધ્યપ્રદેશના રાજકારણમાં લાંબા સમય સુધી સક્રિય રહેલા પૂર્વ મંત્રી અને પૂર્વ મુખ્ય પ્રધાન સ્વ. કૈલાશ જોશીના પુત્ર દીપક જોશી ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે. આ વખતે તેમના ચર્ચામાં રહેવાનું કારણ તેનું કોઈ રાજકીય નિવેદન નહીં પરંતુ તેમનું અંગત જીવન છે. કારણ કે દીપક જોશીએ લગ્ન કર્યા છે તે મહિલા બીજું કોઈ નહિ પરંતુ કોંગ્રેસના પૂર્વ પ્રદેશ સચિવ પલ્લવી રાજ સક્સેના છે. સોશિયલ મીડિયા પર આ લગ્નની તસવીરો અને વીડિયો વાયરલ થતા રાજકીય વર્તુળોમાં ભારે આશ્ચર્ય ફેલાયું છે.

મળતી વિગતો અનુસાર, આ લગ્ન ગત 4 ડિસેમ્બરના રોજ એક સાદા સમારોહમાં આર્ય સમાજ મંદિરમાં યોજાયા હતા. વાયરલ થયેલી તસવીરોમાં દીપક જોશી પલ્લવી રાજના માથામાં સેંથો ભરતા જોવા મળી રહ્યા છે. શરૂઆતમાં પલ્લવીએ આ તસવીરો પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરી હતી, પરંતુ બાદમાં તે ડિલીટ કરી દીધી હતી. જોકે, કોંગ્રેસ નેતા બ્રિજેન્દ્ર શુક્લાએ આ તસવીરો શેર કરી દીપક જોશીને અભિનંદન પાઠવતા આ લગ્નની વાત જાહેર ચર્ચાનો વિષય બની હતી.

દીપક જોશીના અંગત જીવનની વાત કરીએ તો, વર્ષ 2021માં કોરોના મહામારી દરમિયાન તેમની પ્રથમ પત્ની વિજયા જોશીનું અવસાન થયું હતું. પત્નીના અવસાન બાદ આ તેમના બીજા લગ્ન હોવાનું કહેવાય છે. દીપક જોશીની રાજકીય કારકિર્દી પણ ખૂબ જ ઉતાર-ચઢાવ વાળી રહી છે. વર્ષ 2013માં તેઓ દેવાસની હાટપિપલ્યા બેઠક પરથી જીતીને શિવરાજ સરકારમાં શિક્ષણ મંત્રી બન્યા હતા. જોકે, 2018માં હાર બાદ અને ત્યારબાદ બદલાયેલા રાજકીય સમીકરણોને કારણે તેઓ ભાજપથી નારાજ થયા હતા અને 2023માં કોંગ્રેસમાં જોડાયા હતા. જોકે, ટૂંકા સમય બાદ ગત નવેમ્બર 2024માં તેઓ ફરી એકવાર ભાજપમાં પરત ફર્યા છે.

સુપ્રીમ કોર્ટનો કડક અભિગમ: રાજસ્થાનની 10 ડેન્ટલ કોલેજોને 100 કરોડ રૂપિયાનો દંડ

0

સુપ્રીમ કોર્ટે રાજસ્થાનની 10 ખાનગી ડેન્ટલ કોલેજોને BDS પ્રવેશમાં નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ ₹10 કરોડનો ભારે દંડ ફટકાર્યો છે. ન્યાયાધીશ વિજય બિશ્નોઈ અને જેકે મહેશ્વરીની બનેલી બેન્ચે પણ આ મામલે રાજ્ય સરકારની બેદરકારી પર ભારે નારાજગી વ્યક્ત કરી હતી. કોર્ટે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે શિક્ષણની ગુણવત્તા સાથે ચેડાં કરવાને કોઈપણ કિંમતે સહન કરવામાં આવશે નહીં.

કોર્ટે શોધી કાઢ્યું કે 2016-17 શૈક્ષણિક વર્ષ દરમિયાન BDS પ્રવેશમાં નિયમોનું સ્પષ્ટ ઉલ્લંઘન થયું હતું. રાજસ્થાન સરકારે કોઈપણ સત્તા વિના NEET લઘુત્તમ પર્સેન્ટાઈલમાં 10% અને પછી 5% ઘટાડો કર્યો. આ છૂટ છતાં કોલેજોએ એવા વિદ્યાર્થીઓને પ્રવેશ આપ્યો જેઓ આ ઘટાડેલા માપદંડોને પણ પૂર્ણ કરતા ન હતા. સુપ્રીમ કોર્ટે રાજસ્થાન સરકારને નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ રાજસ્થાન રાજ્ય કાનૂની સેવા સત્તામંડળ (RSLSA) માં ₹10 લાખ જમા કરાવવાનો પણ આદેશ આપ્યો છે.

ડિગ્રી સુરક્ષિત રહેશે, પરંતુ વિદ્યાર્થીઓએ ‘વિશેષ’ સેવાઓ પૂરી પાડવી પડશે
જોકે, આ અન્યાયી પ્રક્રિયા દ્વારા પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓ માટે થોડી રાહત છે. સુપ્રીમ કોર્ટે કલમ 142 હેઠળ પોતાની વિશેષ સત્તાઓનો ઉપયોગ કરીને વિદ્યાર્થીઓની બીડીએસ ડિગ્રીઓને નિયમિત કરી છે. વકીલ ઋષભ સંચેતીના જણાવ્યા અનુસાર, રાહત મેળવનારા તમામ 59 વિદ્યાર્થીઓએ રાજસ્થાન હાઈકોર્ટમાં એક સોગંદનામું રજૂ કરવું પડશે જેના હેઠળ તેઓ ભવિષ્યમાં આપત્તિ, રોગચાળા અથવા કટોકટીના સમયમાં રાજ્યને પ્રો બોનો સેવાઓ પૂરી પાડશે.

દંડની રકમનું શું થશે?
સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે કોલેજો પાસેથી વસૂલવામાં આવેલા કુલ 100 કરોડ રૂપિયાના દંડનો ઉપયોગ રાજ્ય કલ્યાણ કાર્યક્રમો પર કરવામાં આવશે. આ રકમ જે 8 અઠવાડિયાની અંદર જમા કરાવવાની રહેશે તેનો ઉપયોગ વન સ્ટોપ સેન્ટર્સ, નારી નિકેતન, વૃદ્ધાશ્રમ અને બાળ સંભાળ સંસ્થાઓ માટે કરવામાં આવશે.

અમદાવાદમાં મહિલાને લાફો ઝીંકનાર પોલીસ કોન્સ્ટેબલ પર DCPએ શું લીધા એક્શન?

0

અમદાવાદમાં પ્રજા સાથે રસ્તા પર દાદાગીરી કરતો એક વીડિયો સોશિયલ મીડિયામાં ઘણો વાયરલ થયો હતો. આ વીડિયોમાં એક હેડ કોન્સ્ટેબલ મહિલાને જાહેરમાં લાફાં ઝીંકી દે છે. જેથી આ મામલાની ગંભીરતા લઈ હેડ કોન્સ્ટેબલને ફરજ પરથી તાત્કાલિક મોકૂફ કરી દેવામાં આવ્યો છે અને તેની સામે ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે.

આ બનાવની મળતી માહિતી પ્રમાણે, શહેરના પાલડી પોલીસ સ્ટેશનમાં જયંતી ઝાલા નામનો હેડ કોન્સ્ટેબલ ફરજ બજાવતો હતા. ત્યારે તે બંદોબસ્તમાં હતો તે વેળા એક મહિલાના આઈડી કાર્ડની આપ-લે કરતી વખતે આઈડી કાર્ડ નીચે પડી ગયું હતું. સામાન્ય બાબતે પોલીસકર્મી જયંતી ઝાલાએ પોતાનો પિત્તો ગુમાવ્યો હતો અને ખાખી વર્દીનો પાવર બતાવીને મહિલા સાથે દાદાગીરી શરૂ કરી હતી. વાત એટલી હદે વણસી ગઈ હતી કે પોલીસકર્મીએ મહિલાનું સન્માન જાળવવાને બદલે તેના પર હાથ ઉઠાવી દીધો હતો.

ડીસીપીએ આ અંગે મીડિયા સાથે વાતચીત કરી જણાવ્યું કે, આ ઘટનાને ગંભીરતાથી લઈ તાત્કાલિક અસરથી હેડ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે. પોલીસ વિભાગ દ્વારા શિસ્તભંગના કિસ્સામાં કોઈ પણ પ્રકારની બાંધછોડ કરવામાં આવશે નહીં તેવો સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે.

ત્યારે આ મામલે મહિલા સામે પણ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. મહિલાએ ટ્રાફિક નિયમનમાં અડચણ ઊભી કરવા બદલ તેમની સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. એટલું જ નહીં, મહિલાએ ભૂતકાળમાં આવું વર્તન કર્યું છે કે કેમ, તે અંગે પણ પોલીસ તપાસ કરી રહી છે.

DCP ભાવનાબેન પટેલે સ્વીકાર્યું કે, ‘પોલીસ કોન્સ્ટેબલની થોડી ઘણી ભૂલ છે એ હું માનું છું.’ તેમણે વધુમાં ઉમેર્યું હતું કે પોલીસ પ્રજાનો મિત્ર છે અને પોલીસે હંમેશા નાગરિકો સાથે પ્રેમ અને શાંતિથી વર્તવું જોઈએ.’ આ ઘટના ગૃહ મંત્રાલય સુધી પહોંચતાં કડક કાર્યવાહીના આદેશ આપવામાં આવ્યા છે. જો કે, હાલ રાજયમાં આ વીડિયો એટલો વાયરલ થયો છે કે ચારેબાજુ આ ઘટનાની ટીકા પણ કરવામાં આવી રહી છે.

Surat: VNSGU ખાતે શિક્ષકો માટે BKS ઓરિએન્ટેશન પ્રોગ્રામ યોજાયો

VNSGU ખાતે ભારતીય જ્ઞાન પરંપરા શીખવતા શિક્ષકો માટે BKS ઓરિએન્ટેશન પ્રોગ્રામ યોજાયો હતો. જેનો મુખ્ય ઉદ્દેશ શિક્ષકોમાં ભારતીય જ્ઞાન પરંપરા (BKS) વિશે ઊંડી સમજ વિકસાવવાનો અને તેને યુનિવર્સિટીના અભ્યાસક્રમ તથા શિક્ષણ પ્રક્રિયામાં અસરકારક રીતે સમાવવામાં મદદ કરવાનો હતો.

આ પ્રસંગે યુનિવર્સિટીના કુલપતિ ડૉ.કિશોરસિંહ ચાવડાએ જણાવ્યું કે, BKS (ભારતીય નોલેજ સિસ્ટમ) ફક્ત ભૂતકાળની સ્મૃતિ નથી, પરંતુ એક જીવંત ચેતના છે જે વર્તમાન અને ભવિષ્યની દિશા નક્કી કરે છે. તેમણે યુનિવર્સિટીના અભ્યાસક્રમમાં ભારતીય દર્શન, જીવન મૂલ્યો અને લોક શાણપણને અસરકારક રીતે સમાવિષ્ટ કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.

યુનિવર્સિટીના રજિસ્ટ્રારશ્રી રમેશ દાન ગઢવીએ જણાવ્યું કે, BKSમાં નિર્દિષ્ટ લોકો, પ્રકૃતિ અને સમાજ વચ્ચેનું સંતુલન આજના વૈશ્વિક સંદર્ભમાં ખૂબ જ સુસંગત છે. તેમણે BKS સાથે સંકળાયેલા શિક્ષકો પાસેથી આ પરંપરાને શૈક્ષણિક શિસ્ત તેમજ સામાજિક ચેતના સાથે સાંકળવાની અપેક્ષા વ્યક્ત કરી હતી.

આ અવસરે પ્રાસંગિક ઉદબોધન આપતા હિન્દુ અધ્યયન પ્રતિષ્ઠાનના સંયોજક ડૉ. ભરત ઠાકોરે પોતાના વક્તવ્યમાં જણાવ્યું કે, અભિગમનો અર્થ ફક્ત ભૌતિક પ્રગતિ જ નથી પરંતુ સમાજ, સંસ્કૃતિ અને ચેતનાનો સંકલિત વિકાસ પણ છે. ભારતીય દ્રષ્ટિકોણમાં, સ્થાનિક જ્ઞાન, આદિવાસી અનુભવો, લોક પરંપરાઓ અને સાંસ્કૃતિક મૂલ્યોને જાળવી રાખીને વિકાસ આગળ વધવો જોઈએ.

દિલ્હી બ્લાસ્ટ કેસમાં NIAની મોટી કાર્યવાહી, વધુ એક આતંકી યાસિર ડારની ધરપકડ

0

દેશની રાજધાની દિલ્હીના ઐતિહાસિક લાલ કિલ્લા વિસ્તારમાં થયેલા ભયાનક બોમ્બ વિસ્ફોટના મામલે તપાસ એજન્સી NIA (નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી)એ એક મોટી સફળતા હાંસલ કરી છે.

ગયા મહિને થયેલા આ કાર બોમ્બ બ્લાસ્ટમાં 11 લોકોએ જીવ ગુમાવ્યા હતા, ત્યારથી સુરક્ષા એજન્સી આ આતંકી કાવતરાના મૂળ કડી સુધી પહોંચવા માટે રાત-દિવસ એક કરી રહી છે. આ કેસની કડીઓ જોડતા હવે તપાસનો વ્યાપ દિલ્હીથી લઈને જમ્મુ-કાશ્મીર અને ઉત્તર પ્રદેશ સુધી પહોંચ્યો છે, જેમાં વધુ એક આતંકીની ધરપકડ કરવામાં આવી છે..

NIAએ આ કેસમાં નવમી ધરપકડ તરીકે યાસિર અહમદ ડારને નવી દિલ્હીથી ઝડપી પાડ્યો છે. મૂળ જમ્મુ-કાશ્મીરના શ્રીનગર સ્થિત શોપિયાં વિસ્તારનો રહેવાસી યાસિર આ સમગ્ર ષડયંત્રનો મુખ્ય હિસ્સો છે. તપાસમાં બહાર આવ્યું છે કે 10 નવેમ્બરના દિલ્હીમાં થયેલા કાર બોમ્બ ધડાકાની યોજનામાં તેની સક્રિય ભૂમિકા હતી. તેની સામે ગેરકાયદે પ્રવૃત્તિઓ નિવારણ અધિનિયમ (UAPA) અને ભારતીય ન્યાય સંહિતાની વિવિધ ગંભીર ધારાઓ હેઠળ ગુનો નોંધવામાં આવ્યા છે.

તપાસમાં સૌથી ચોંકાવનારો ખુલાસો એ થયો છે કે યાસિર ડાર માત્ર મદદગાર નહોતો, પરંતુ તે આત્મઘાતી હુમલો કરવા માટે તૈયાર હતો અને તેણે આ કામ કરવા માટે શપથ પણ લીધા હતા. તે સતત આ કેસના અન્ય મુખ્ય આરોપીઓ અને મૃતક આતંકી ઉમર ઉન નબી તેમજ મુફ્તી ઇરફાનના સંપર્કમાં હતો. આ આખું જૂથ એક સંગઠિત નેટવર્ક તરીકે કામ કરી રહ્યું હતું, જેનો હેતુ દિલ્હીના ભીડભાડવાળા વિસ્તારોને નિશાન બનાવીને મોટી જાનહાનિ કરવા માગતો હતો.

NIA આ કેસના તમામ પાસાઓને ઉજાગર કરવા માટે કેન્દ્રીય અને રાજ્ય સુરક્ષા એજન્સી સાથે મળીને કામ કરી રહી છે. જમ્મુ-કાશ્મીર અને ઉત્તર પ્રદેશમાં શંકાસ્પદ સ્થાનો પર દરોડા પાડવામાં આવ્યા હતા, જ્યાંથી મોટી માત્રામાં ડિજિટલ ઉપકરણો અને વાંધાજનક સામગ્રી મળી આવી છે.

આ પહેલા હરિયાણાના ફરીદાબાદમાં આવેલી અલ ફલાહ યુનિવર્સિટી પરિસરમાં પણ તપાસ કરવામાં આવી હતી, જ્યાં મુખ્ય આરોપીઓ ડો. મુઝમ્મિલ શકીલ અને ડો. શાહીન સઈદના ઠેકાણાઓ પર સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું.

ધરપકડ બાદ યાસિર ડારને પટિયાલા હાઉસ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાં કોર્ટે તેને 26 ડિસેમ્બર સુધી NIAની કસ્ટડીમાં મોકલવાનો આદેશ આપ્યો છે. હવે તપાસ એજન્સી તેની પૂછપરછ કરીને એ જાણવાનો પ્રયાસ કરશે કે આ આતંકી નેટવર્કને ફંડિંગ ક્યાંથી મળતું હતું અને આગામી સમયમાં તેના અન્ય કયા સ્થળો નિશાન પર હતા. NIA મુજબ તપાસ હાલ ખૂબ જ ઝડપથી આગળ વધી રહી છે અને ટૂંક સમયમાં અન્ય મોટા ખુલાસા થઈ શકે છે.

યુવરાજ સિંહ, ઉથપ્પા અને સોનુ સુદની સંપત્તિ જપ્ત, સટ્ટાબાજી કેસમાં ઈડીની કાર્યવાહી

0

ઓનલાઈન બેટિંગ એપ કેસમાં EDએ ભારતના મોટા સ્ટાર્સ વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી છે. પૂર્વ ક્રિકેટર યુવરાજ સિંહ, રોબિન ઉથપ્પા, અભિનેતા સોનુ સુદ, અભિનેત્રી નેહા શર્મા, ઉર્વશી રૌતેલા, TMCના પૂર્વ સાંસદ મિમી ચક્રવર્તી, અને બંગાળી અભિનેતા અંકુશ હાઝરાની સંપત્તિ જપ્ત કરી છે.

સુરતમાં ‘ફીટ ઈન્ડિયા, ફીટ મીડિયા’ અંતર્ગત બે દિવસીય નિઃશુલ્ક હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો

રાજ્ય સરકારના માહિતી વિભાગ અને ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી-ગુજરાતના સંયુક્ત ઉપક્રમે સુરતમાં બે દિવસીય ‘ફીટ ઈન્ડીયા, ફીટ મીડિયા’ અંતર્ગત નિ:શુલ્ક હેલ્થ ચેકઅપ કેમ્પ’ યોજાયો હતો.

તા.18-19 ડિસેમ્બર આ બે દિવસ દિવ્યાંગ સ્કૂલ, ડિસેબલ વેલફેર ટ્રસ્ટ, શારદાયતન સ્કૂલની બાજુમાં, ઉમરા ખાતે આયોજિત કેમ્પમાં કુલ 114 મીડિયાકર્મીઓએ લાભ લીધો હતો. હેલ્થ ચેકઅપ કાર્યક્રમમાં બ્લડ કાઉન્ટ, લીવર ફંક્શન, લિપિડ પ્રોફાઈલ, કિડની ફંકશન ટેસ્ટ, સાંધા માટે યુરિક એસિડ ટેસ્ટ, હાડકા માટે કેલ્શિયમ વગેરે ટેસ્ટ, થાઇરોઇડ માટે હાર્મોનલ ટેસ્ટ (TSH). આ ઉપરાંત વિટામિન બી12, વિટામીન ડી3, ડાયાબિટીસ માટેના ટેસ્ટ, 50 થી વધુ ઉંમરના પુરૂષો માટે પ્રોસ્ટેટ ટેસ્ટ, ૩૫ થી વધુ ઉમરના માટે ચેસ્ટ એક્સ રે (PA view) અને ઈસીજી (ECG)ના પરીક્ષણો કરવામાં આવ્યા હતા.

રેડક્રોસના માનદ્દ મંત્રી ડો.મુકેશ જગીવાલા, રેડક્રોસ-સુરત બ્રાંચના ચેરમેન જિગ્નેશ શાહ, નાયબ માહિતી નિયામકશ્રી યુ.બી.બાવીસા, રેડક્રોસ ટીમના ભાવના સારંગ, અભિષેક પરમાર, જલ્પા મિસ્ત્રી સહિત માહિતી વિભાગ અને રેડક્રોસના અધિકારીઓ, પ્રિન્ટ-ઇલેક્ટ્રોનિક મીડિયાના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.

સુરત બન્યું ડિજિટલ શહેર: જમીન માપણીથી લઈ બિન-ખેતી પ્રક્રિયા સુધી પારદર્શિતા

ગુજરાતના આર્થિક પાટનગર અને વિકાસના ફાસ્ટટ્રેક પર દોડી રહેલા સુરત શહેરે હંમેશા આધુનિકતાને આવકારી છે. પરંતુ આધુનિકતા ત્યારે જ સાર્થક ગણાય જ્યારે વહીવટીતંત્રની સેવાઓ સામાન્ય નાગરિક સુધી સરળતાથી પહોંચે. દેશના પૂર્વ વડાપ્રધાન સ્વ. અટલબિહારી વાજપેયીજીની જન્મજયંતિ નિમિત્તે ઉજવાતા ‘સુશાસન દિવસ’ ના અવસરે સુરત જિલ્લા વહીવટીતંત્રએ મહેસૂલી સુધારા ક્ષેત્રે એક નવી મિસાલ કાયમ કરી છે. સુરત હવે ડિજીટલ સુરત બન્યું છે. જમીન માપણી, દસ્તાવેજ અને બિન-ખેતી (NA) તેમજ બિનખેતી પ્રીમિયમની પ્રક્રિયામાં આવી પારદર્શિતા આવી છે. i-ORA પોર્ટલથી સરળ અને સુગમ જનસેવા પૂરી પાડી જિલ્લા વહીવટીતંત્રએ ‘સ્માર્ટ’ મહેસૂલ ક્ષેત્રે નવા ડગ માંડ્યા છે.

૨૫મી ડિસેમ્બરના રોજ પૂર્વ વડાપ્રધાન સ્વ.અટલબિહારી વાજપેયીજીના જન્મદિવસ નિમિત્તે ઉજવાતા ‘સુશાસન સપ્તાહ’ને અનુલક્ષીને સુરત જિલ્લા કલેક્ટર ડો. સૌરભ પારધીએ વહીવટી તંત્રની કાર્યક્ષમતા અને પારદર્શિતા પર ભાર મૂક્યો છે. ‘સુશાસન સપ્તાહ’ અંતર્ગત તા.૨૦મી ડિસેમ્બરના રોજ મહેસૂલી સુધારણા દિવસની ઉજવણી કરવામાં આવે છે, ત્યારે કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું કે, અમારો લક્ષ્યાંક ‘મિનિમમ ગવર્મેન્ટ, મેક્સિમમ ગવર્નન્સ’ છે. ટેકનોલોજીના ઉપયોગથી અમે મહેસૂલી પ્રક્રિયાને એટલી સરળ બનાવી દીધી છે કે અરજદારે પોતાની અરજીની સ્થિતિ જાણવા માટે પણ કચેરીએ આવવું પડતું નથી.

‘ડિજીટલ સુરત’ના સંકલ્પ સાથે મહેસૂલી સેવાઓને ફેસલેસ અને ઝડપી બનાવવામાં આવી છે એમ જણાવતા કલેકટર ડો. પારધીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ સુરત વહીવટીતંત્રએ ઘણી પહેલ કરી છે. મહેસૂલી વિભાગમાં કેટલીક સેવાઓ માટે અરજદારોને મુશ્કેલી ન પડે અને સમયનો વ્યય ન થયે માટે ડિજીટલ ટેકનોલોજીના માધ્યમથી ઘણી સેવાઓ ઓનલાઈન કરી છે. પરિણામે અરજદારો ઘરેબેઠા આંગળીના ટેરવે વિવિધ સેવાઓનો ઝડપી અને પારદર્શી રીતે લાભ મેળવી રહ્યા છે.

AnyRoR પોર્ટલમાં જમીનને લગતી તમામ માહિતી; જેમ કે, ૭/૧૨ ના ઉતારા અને હક્ક પત્રક નં.-૬ ની વિગતો હવે ડિજીટલ સ્ક્રીન પર ઉપલબ્ધ છે. i-ORA (Integrated Online Revenue Applications) પ્લેટફોર્મ દ્વારા બિનખેતી (NA), પ્રીમિયમની ચૂકવણી અને લેન્ડ ગ્રેબિંગ જેવી મહત્વની અરજીઓ ઓનલાઈન કરી શકાય છે. સાથે સાથે સિટી સર્વે, પ્રોપર્ટી કાર્ડ અને જંત્રી સહિતની કામગીરી હવે ઓટો મ્યુટેશન દ્વારા ઓનલાઈન થાય છે.

વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, ડિજીટલ સુરતના ભાગરૂપે અરજીઓનો નિકાલ માત્ર ૧૫ થી ૪૫ દિવસમાં નિકાલ થઈ રહ્યો છે. સાથોસાથ 7/12 નોંધો ડિજિટલાઈઝ કરવામાં આવતા જાહેર જનતાને સરળતાથી પ્રાપ્ત થઈ રહી છે. મહેસૂલી તંત્રમાં પારદર્શિતાથી ફેસલેસ ટ્રાન્ઝેક્શન થઈ શકે તે માટે વિશેષ ભાર મૂક્યો છે.

આમ, સુરતના મહેસૂલી તંત્રએ ‘ફેસલેસ’ અને ‘પેપરલેસ’ વહીવટ તરફ ગતિ કરી સંપૂર્ણ પારદર્શિતા સાથે જનસેવાનો માર્ગ અખત્યાર કર્યો છે. સેવા સેતુ, મહેસૂલ મેળા, જિલ્લા અને તાલુકા સ્વાગત કાર્યક્રમ જેવા આયોજનો દ્વારા પ્રજાના પ્રશ્નોનું સ્થળ પર જ નિરાકરણ લાવવાની પદ્ધતિ અપનાવી છે. સામાન્ય માણસના સમય તેમજ ઉર્જાની બચત કરી સાચા અર્થમાં ‘લોકાભિમુખ શાસન’ સ્થાપિત કર્યું છે.

રાજ્ય સરકારે જનહિતના અભિગમ સાથે મહેસૂલી કચેરીઓમાં ફાઈલોના ખડકલા, લાંબી પ્રતિક્ષાને ભૂતકાળ બનાવી સમયસર, ડિજીટલ અને ઝડપી સેવાનો મંત્ર અપનાવ્યો છે. મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ સુરત કલેક્ટર કચેરીએ ‘ડિજીટલ સુરત’ સંકલ્પને સાકાર કરતા જમીન માપણી, દસ્તાવેજ નોંધણી અને બિન-ખેતી (NA), મહેસૂલી ટાઇટલ અને કાયદેસર કબજેદાર પ્રમાણપત્ર, હયાતીમાં હક્ક દાખલ, ખેડૂત ખરાઇ પ્રમાણપત્ર, વારસાઈ, ક્ષતિ સુધારણા તેમજ ગુજરાત જમીન પચાવવા પર (પ્રતિબંધ) અધિનિયમ ૨૦૨૦ (લેન્ડ ગ્રેબિંગ) સહિત જટિલ પ્રક્રિયાઓને i-ORA પોર્ટલના માધ્યમથી સંપૂર્ણપણે ઓનલાઈન અને પારદર્શક બનાવી છે.