Home Blog Page 215

આંતરરાષ્ટ્રીય કાઈટ ફેસ્ટીવલમાં વડાપ્રધાન મોદી બન્યા પતંગબાજ, જર્મન ચાન્સેલર સાથે ચગાવ્યો પતંગ

0

આ વર્ષેનો ગુજરાતનો સૌથી મોટો કાઈટ ફેસ્ટીવલ ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યો. આ વર્ષે આ આંતરરાષ્ટીય કાઈટ ફેસ્ટીવલનો વડાપ્રધાન મોદી અને અમદાવાદના મહેમાન બનેલા જર્મન ચાન્સેલર ફ્રેડરીક મેઝએ શુભારંભ કરાવ્યો છે. આ તકે વડાપ્રધાન મોદી પણ પતંગબાજ બન્યા અને તેમણે પણ જર્મન ચાન્સેલર સાથે પતંગ ચગાવ્યો હતો.

વડાપ્રધાન મોદી અને જર્મન ચાન્સેલર ફ્રેડરીક ગળામાં નયનરમ્ય કલાત્મક ડિઝાઈનનો દુપટ્ટો નાખેલો જોવા મળ્યા. જે ખાસ પાટણના પ્રખ્યાત પટોળામાંથી બનાવવામાં આવ્યો છે. જે જર્મન ચાન્સેલરને ભેટ આપવામાં આવ્યો છે. અમદાવાદના પતંગ મહોત્સવને જોઈને જર્મન ચાન્સેલર ઘણા ઉત્સાહિત જણાયા હતા.

અમદાવાદમાં પરંપરા, સંસ્કૃતિ અને વૈશ્વિક મિત્રતાનું અનોખું સંગમ જોવા મળ્યું છે. સાબરમતી રિવરફ્રન્ટ પર આયોજિત ઈન્ટરનેશનલ કાઈટ ફેસ્ટિવલનો ભવ્ય પ્રારંભ થઈ ગયો છે. ખાસ વાત એ છે કે આ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ જર્મનીના ચાન્સેલરે પોતાની ઉપસ્થિતિ આપી હતી. જેના કારણે આ ઉત્સવને વૈશ્વિક ઓળખ મળી છે.

રિવરફ્રન્ટ પર યોજાનારા આ પતંગ મહોત્સવમાં દુનિયાભરના પતંગબાજોએ ભાગ લીધો છે. કુલ 50 દેશોમાંથી 135 આંતરરાષ્ટ્રીય પતંગબાજો અમદાવાદ પહોંચ્યા છે, જ્યારે દેશના 13 રાજ્યોમાંથી 65 પતંગબાજો પણ ઉત્સવમાં સામેલ થયા છે. આ સાથે જ ગુજરાતના 16 જિલ્લાઓમાંથી 871 પતંગરસિયાઓ આ રંગીન મહોત્સવમાં ભાગ લઈ રહ્યા છે.

કલાત્મક ડિઝાઈન અને પરંપરાનું પ્રતિબિંબ
ઈન્ટરનેશનલ કાઈટ ફેસ્ટિવલ દરમિયાન અમદાવાદનું આકાશ દેશી-વિદેશી રંગબેરંગી અને અનોખા આકારના પતંગોથી શોભી ઉઠ્યું. પતંગોમાં વિવિધ સંસ્કૃતિઓ, કલાત્મક ડિઝાઈન અને પરંપરાનું પ્રતિબિંબ જોવા મળ્યું છે. આ મહોત્સવ માત્ર મનોરંજન પૂરતો નથી, પરંતુ ગુજરાતની સંસ્કૃતિ અને આત્મિયતાને વૈશ્વિક મંચ પર રજૂ કરવાની મહત્વની તક પણ છે.

જર્મન ચાન્સેલર ફ્રીડ્રિચ મેર્ઝની સાબરમતી આશ્રમ મુલાકાત, જાણો વિઝિટર બુકમાં શું લખ્યું ?

0

જર્મન ચાન્સેલર ફ્રીડ્રિચ મેર્ઝે ઐતિહાસિક સાબરમતી આશ્રમની મુલાકાત લીધી હતી. આશ્રમ પહોંચતા જ વડા પ્રધાન મોદીએ તેમનું સ્વાગત કર્યું હતું. બંને નેતાઓએ મહાત્મા ગાંધીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાંસુમન પાઠવ્યા હતા. મુલાકાત દરમિયાન ચાન્સેલર મેર્ઝે ગાંધીજીના જીવન અને આદર્શો વિશે જાણકારી મેળવી હતી. તેમણે આશ્રમમાં મહાત્મા ગાંધી દ્વારા ઉપયોગમાં લેવાતા ચરખાને ખૂબ જ કુતૂહલપૂર્વક નિહાળ્યો હતો અને આ મુલાકાત અંગેના પોતાના અનુભવો વિઝિટર બુકમાં નોંધ્યા હતા.

જર્મન ચાન્સેલરે વિઝિટર બુકમાં લખ્યું, મહાત્મા ગાંધીજીનો આઝાદીની શક્તિ અને દરેક વ્યક્તિની ગરિમામાં જે દ્રઢ વિશ્વાસ હતો, તે આજે પણ આપણને પ્રેરણા આપે છે. તેમનો આ અમૂલ્ય વારસો આજે એવી દુનિયામાં ભારતીયો અને જર્મનોને એક કરે છે, જેને ગાંધીજીના વિચારોની પહેલા કરતાં આજે વધુ જરૂર છે.

ગાંધી આશ્રમની મુલાકાત બાદ બંને નેતાઓ સાબરમતી રિવરફ્રન્ટ પર પહોંચ્યા હતા. સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આયોજિત આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં આજે એક અનોખો નજારો જોવા મળ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જર્મનીના ચાન્સેલર ફ્રીડ્રિચ મેર્ઝે આ મહોત્સવમાં વિશેષ હાજરી આપી હતી. બંને નેતાઓએ રિવરફ્રન્ટ પર ઉમટી પડેલા પતંગબાજો અને નાગરિકોનું અભિવાદન ઝીલ્યું હતું અને આકાશમાં લહેરાતા રંગબેરંગી પતંગોના અદભૂત દ્રશ્યોને નિહાળ્યા હતા. મોદી અને જર્મન ચાન્સેલરે હર હર મોદી ઘર ઘર મોદી અને ભારત-જર્મનીની ફ્રેન્ડશીપનો પતંગ ચગાવ્યો હતો. બંને નેતાઓએ ખુલ્લી જીપમાં જઈને તમામ પતંગબાજોને મળીને તેમની સાથે પતંગ ચગાવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે સાબરમતી આશ્રમ ગાંધી આશ્રમ તરીકે પણ ઓળખાય છે, તેની સ્થાપના 1917માં મહાત્મા ગાંધી દ્વારા કરવામાં આવી હતી. 1917 થી 1930 સુધી તે ગાંધીજીનું નિવાસસ્થાન હતું અને ભારતની આઝાદીની લડતના મુખ્ય કેન્દ્રોમાંના એક તરીકે સેવા આપી હતી.

હિમાચલના સોલનમાં ભીષણ ગેસ બ્લાસ્ટ: આગમાં બાળકીનું કરુણ મોત, 8-9 મોતની આશંકા

0

હિમાચલ પ્રદેશના સોલન જિલ્લામાં રવિવારે એક કાળજું કંપાવનારી ઘટના સામે આવી છે. અર્કી બજાર વિસ્તારમાં મધરાતે આશરે 2:30 વાગ્યે ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થવાને કારણે ભીષણ આગ ફાટી નીકળી હતી, જેમાં એક બાળકી જીવતી સળગી ગઈ છે. તેમજ આ ભયાનક દુર્ઘટનામાં હજુ પણ 8-9 લોકોના મોતની આશંકા છે. આગ એટલી વિકરાળ હતી કે જોતજોતામાં તેણે આખા બજારને બાનમાં લીધું હતું, જેના કારણે 6થી વધુ મકાનો સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયા હતા અને અનેક દુકાનોને પણ ભારે નુકસાન પહોંચ્યું છે.

એક મકાનમાં લાગેલી આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ લીધું
સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર, આગ એક રહેણાંક મકાનમાં આગી હતી, તેમજ ઘરમાં રાખેલા એલપીજી સિલિન્ડરો એક પછી એક ફાટવાને કારણે આગે રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું. સાંકડી ગલીઓ અને સતત થતા ધડાકાઓને કારણે ફાયર બ્રિગેડ માટે બચાવ કામગીરી કરવી અત્યંત પડકારજનક બની હતી. ગભરાયેલા રહીશો જીવ બચાવવા માટે ઘરની બહાર દોડી આવ્યા હતા. ફાયર ફાઈટરો, પોલીસ અને સ્થાનિક સ્વયંસેવકોની કલાકોની મહેનત બાદ આગ પર કાબૂ મેળવી શકાયો હતો, પરંતુ ત્યાં સુધીમાં બજારનો મોટો હિસ્સો રાખમાં ફેરવાઈ ગયો હતો.

સર્ચ ઓપરેશન તેજ
આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ જાણી શકાયું નથી, પરંતુ પ્રાથમિક તપાસમાં સિલિન્ડર બ્લાસ્ટ મુખ્ય કારણ જણાય છે. હાલમાં મૃત્યુ પામેલા લોકોને શોધવા માટે સર્ચ ઓપરેશન તેજ કરવામાં આવ્યું છે. આ દુર્ઘટનાને પગલે સમગ્ર અર્કી પંથકમાં શોક અને ભયનો માહોલ છે. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પીડિત પરિવારોને રાહત પહોંચાડવાની કામગીરી અને આ ઘટનાની ઉચ્ચસ્તરીય તપાસ શરૂ કરવામાં આવી છે.

ISROને મોટો ઝટકો: PSLV-C62 મિશન નિષ્ફળ, 16 ઉપગ્રહો અંતરિક્ષમાં ખોવાયા

0

ભારતીય અવકાશ સંશોધન સંગઠન (ISRO)ના વર્ષ 2026ના પ્રથમ અને અત્યંત મહત્વપૂર્ણ મિશનને મોટો ઝટકો લાગ્યો છે. PSLV-C62 રોકેટનું લોન્ચિંગ સફળતાપૂર્વક થયું હોવા છતાં, તે તેના મુખ્ય સેટેલાઇટ ‘અન્વેષા’ (EOS-N1)ને નિર્ધારિત ઓર્બિટમાં સ્થાપિત કરવામાં નિષ્ફળ રહ્યું છે. ત્રીજા તબક્કામાં આવેલી ખામીને કારણે રોકેટે તેની દિશા બદલી નાખી, જેના કારણે સમગ્ર મિશન નિષ્ફળ ગયું અને તમામ 16 ઉપગ્રહો અંતરિક્ષમાં ખોવાઈ ગયા.

આ મિશન 12 જાન્યુઆરીએ શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરના ફર્સ્ટ લોન્ચ પેડ પરથી લોન્ચ કરવામાં આવ્યું હતું. આ મિશનનો મુખ્ય ઉદ્દેશ્ય DRDO દ્વારા વિકસિત અત્યાધુનિક અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ ‘અન્વેષા’ને ઓર્બિટમાં સ્થાપિત કરવાનો હતો.

મિશનમાં ક્યાં આવી ખામી?
લોન્ચિંગના શરૂઆતના તબક્કાઓ સફળ રહ્યા હતા. જોકે, ત્રીજા સ્ટેજ (PS3)ના અંતમાં એક ગંભીર ખામી સર્જાઈ. આના કારણે લોન્ચનું ડેટા આવવામાં વિલંબ થવા લાગ્યો અને મિશન કંટ્રોલ સેન્ટરમાં સન્નાટો છવાઈ ગયો. ત્રીજા સ્ટેજ પછી, ચોથો સ્ટેજ શરૂ તો થયો પરંતુ તે પછી કોઈ અપડેટ મળ્યું નહીં અને સેટેલાઇટ રોકેટથી અલગ થઈ શક્યો નહીં.

મિશન નિષ્ફળ ગયા બાદ ISROના ચીફે એક નિવેદન જારી કરીને જણાવ્યું, “ત્રીજા સ્ટેજમાં સમસ્યા આવી અને દિશામાં પરિવર્તન થઈ ગયું. ડેટાનું વિશ્લેષણ કરવામાં આવી રહ્યું છે, જે પણ અપડેટ આવશે તે જણાવવામાં આવશે.” ISROએ સોશિયલ મીડિયા પર પણ પોસ્ટ કરીને જણાવ્યું કે, “PSLV-C62 મિશનમાં PS3 સ્ટેજના અંતમાં એક ગરબડ થઈ. તેની વિસ્તૃત તપાસ શરૂ કરી દેવામાં આવી છે.”

‘અન્વેષા’ ઉપરાંત, આ મિશનમાં ભારતના ભવિષ્યના સ્પેસ પ્રોગ્રામ માટે અત્યંત મહત્વપૂર્ણ એવા અન્ય ઉપગ્રહો પણ હતા, જે આ નિષ્ફળતાને કારણે નષ્ટ થઈ ગયા.

આયુલસેટ (AayulSAT): જેને અવકાશમાં ‘પેટ્રોલ પંપ’ તરીકે ઓળખાવવામાં આવી રહ્યો હતો, તે ઓન-ઓર્બિટ રિફ્યુલિંગ ટેકનોલોજીનું પ્રદર્શન કરવાનો હતો.

MOI-1: ભારતની પ્રથમ ઓર્બિટલ AI-ઇમેજ લેબોરેટરી અને વિશ્વનો સૌથી હલકો સ્પેસ ટેલિસ્કોપ પણ આ મિશનનો ભાગ હતો.

આમ, ISROના 2026ના પ્રથમ મિશનની નિષ્ફળતા માત્ર એક સેટેલાઇટની નિષ્ફળતા નથી, પરંતુ તે ભવિષ્યની અનેક નવીન ટેકનોલોજીઓ માટે પણ એક મોટો આંચકો છે.

સુરત એરપોર્ટ પરથી DRIએ 6 કરોડના ડાયમંડ સાથે બેની ધરપકડ

સુરતમાં છેલ્લા ઘણા સમયથી ડાયમંડ અને ડોલર લઇ જવાના કિસ્સાઓ દિવસેને દિવસે વધી રહ્યા છે. તેવામાં સુરત એરપોર્ટ પરથી DRIએ 6 કરોડના ડાયમંડ સાથે બેની ધરપકડ કરવામાં આવી હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. સમગ્ર મામલે DRIએ મોટા વરાછા અને કામરેજના બંને યુવકોની ધરપકડને નાણાં કોણે આપ્યા અને કોને આપવાના હતા તે અંગે પૂછપરછ હાથ ધરવામાં આવી છે.

મળતી માહિતી મુજબ, સુરતથી બેંગકોક લઇ જવાના ફિરાકમાં DRIએ સુરત એરપોર્ટ પરથી 6 કરોડના ડાયમંડ અને 30 હજાર ડોલર લઈ જતા 2 શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા છે. છેલ્લા ઘણા સમયથી હવાલાથી વિદેશ નાણા મોકલવાને બદલે ડાયમંડ અને ડોલર લઈ જવાના કિસ્સાઓમાં વધારો થયો છે.

અગાઉ સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી વિદેશી ચલણની હેરાફેરીનું એક મોટું રેકેટ ઝડપાયું હતું. DRIએ બાતમીના આધારે કાર્યવાહી કરતા પાલ વિસ્તારના એક દંપતીને 1.34 લાખ અમેરિકન ડોલર સાથે ઝડપી પાડ્યું હતા. આ દંપતી સુરતથી દુબઈ જતી ફ્લાઈટમાં સવાર થવાનું હતું, પરંતુ ચેકિંગ દરમિયાન તેમની પાસેથી શંકાસ્પદ રીતે રાખવામાં આવેલા ડોલર મળી આવ્યા હતા.

અમદાવાદમાં GAPM 2026ની કોન્ફરન્સનું આયોજન

અમદાવાદમાં GAPM 2026ની કોન્ફરન્સનું આયોજન કરાયુ. કોન્ફરન્સમાં AI ટેકનોલોજીનો વધુ ઉપયોગ થાય તે અંગે ચર્ચા હાથ ધરાઈ. અદ્યતન ટેકનોલોજી અંગે માહિતીનું અદાન પ્રદાન કરાયું. GAPM 2026ની કોન્ફરન્સમાં GAPM પ્રેસિડેન્ટનો ચોંકાવનારો ખુલાસો થયો. રાજ્યમાં 12 હજાર ગેરકાયદે પેથોલોજી લેબ ધમધમતી હોવાનો આક્ષેપ કરાયો. રાજ્યમાં એકની સામે 10 ગેરકાયદે પેથોલોજી લેબ ધમધમતી હોવાનો દાવો કરાયો છે. દર્દીઓના આરોગ્ય સાથે ચેડાં થઈ રહ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ પણ આરોગ્ય વિભાગ નિષ્ક્રિય જણાઈ રહ્યુ છે. સરકાર પાસે ક્લિનિકલ એસ્ટાબ્લીસમેન્ટ એક્ટની કડક અમલવારીની માગ કરાઈ છે.

ગુજરાત એસોસિએશન ઓફ પેથોલોજીસ્ટ એન્ડ માઇક્રોબાયોલોજીસ્ટ દ્વારા યોજવામાં આવેલી આ કોન્ફરન્સમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. GAPM પ્રેસિડેન્ટનો દાવો છે કે રાજ્યમાં એકની સામે 10 ગેરકાયદે પેથોલોજી લેબ ધમધમી રહી છે. જેથી સરકારે ક્લિનિકલ એસ્ટાબ્લીસમેન્ટ એક્ટની કડક અમલવારીની કરવી જોઈએ. જેથી દર્દીઓના આરોગ્ય સાથે થતા ચેડાં રોકી શકાય.

રાજકોટમાં વડાપ્રધાનના આગમન પૂર્વ લોખંડી સુરક્ષા કવચ, રિહર્સલ યોજાઈ, DGP દ્વારા નિરીક્ષણ

આવતીકાલે મારવાડી યુનિવર્સીટીમાં વાઈબ્રન્ટ સમીટનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે થવા જઈ રહ્યું છે. જેમાં વડાપ્રધાનની સાથે કેન્દ્રીય મંત્રીઓ, રાજ્ય સરકારના મંત્રીઓ અને દેશ-વિદેશના ટોચના ઉદ્યોગપતિઓ રીજીયોનલ વાઇબ્રન્ટ કોન્ફ્રન્સમાં હાજરી આપનાર છે. જેને પગલે શહેર પોલીસ એલર્ટ મોડમાં આવી છે.

વડાપ્રધાનના આગમનને પગલે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. સુરક્ષા વ્યવસ્થાની કમાન એસપીજી કમાન્ડોએ સંભાળી લીધી છે અને આજે રાજ્યના ડીજીપી ડો. કે.એલ.એન. રાવ અને આઈબીના વડાએ પણ રાજકોટમાં ધામા નાખી આખે આખી સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરનાર છે.

આવતીકાલથી મારવાડી યુનિવર્સીટી કેમ્પસ ખાતે રીજીયોનલ વાઇબ્રન્ટ કોન્ફરન્સનું આયોજન થવા જઈ રહ્યું છે. જેમાં દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ખાસ હાજર રહેનાર છે. ઉપરાંત કેન્દ્રીય મંત્રીઓ, મુખ્યમંત્રી, રાજ્ય સરકારના મંત્રીઓ, દેશ-વિદેશના ટોચના ઉદ્યોગપતિઓ સહીતની મોટી સંખ્યામાં હાજરી રહેનાર છે.

ત્યારે વીવીઆઈપી મુવમેન્ટને પગલે શહેર પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા, રેન્જ આઇજી અશોક કુમાર યાદવ અને કચ્છ બોર્ડર એકમનાં રેન્જ આઇજીની અધ્યક્ષતામાં અભેદ્ય સુરક્ષા વ્યવસ્થાની સ્કીમ ઘડી કાઢવામાં આવી છે. બે રેન્જ આઇજીની અધ્યક્ષતામાં કુલ 4500 પોલીસ જવાનો સુરક્ષા વ્યવસ્થામાં તૈનાત રહેનાર છે. બીજી બાજુ એસપીજી કમાન્ડોએ સુરક્ષા વ્યવસ્થાની કમાન સંભાળી લીધી છે.

પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર આજે બપોરથી વડાપ્રધાનનું હેલિકોપ્ટર જયા લેન્ડ થશે તે બેડી યાર્ડ ખાતે બનાવવામાં આવેલ હેલિપેડ, રૂટ, મારવાડી યુનિવર્સીટી સહિતના સ્થળોએ સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરવા રિહર્સલ હાથ ધરવામાં આવ્યું હતું.

વડાપ્રધાનના આગમનને પગલે રાજ્ય પોલીસ વડા ડો.કે.એલ.એન. રાવ અને આઈબીના વડા બપોરે રાજકોટ પહોંચ્યા હતાં. તેઓ વડાપ્રધાન સહિતના નેતાઓના આગમનને પગલે ઘડાયેલી સુરક્ષા વ્યવસ્થાબિ સમીક્ષા કરી છે. તેઓ બંદોબસ્ત સ્કીમની આખેઆખી વિગતો મેળવી પરિસ્થિતિનો તાગ મેળવનાર છે.

વડાપ્રધાનના કાર્યક્રમ દરમિયાન અને બે દિવસ ચાલનાર વાઈબ્રન્ટ સમીટના આયોજનમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જેમાં રાજકોટ રેન્જ આઈજી અને બોર્ડર રેન્જ આઈજીના માર્ગદર્શન હેઠળ 11 ડીસીપી 30 એસીપી, 90 પીઆઈ, 235 પીએસઆઈ, 2560 પોલીસમેન અને સાથે હોમગાર્ડ, ટીઆરબીના જવાનો પણ સુરક્ષામાં ખડેપગે રહેશે. ઉપરાંત એસઆરપીની 3 કંપનીના 210 જવાનો પણ પણ સુરક્ષા વ્યવસ્થામાં સાથે રહેશે.

નાની પતંગની મોટી ઉડાન: વડોદરાના નરેન્દ્ર શિંદે બનાવે છે 1 થી 7-8 ઇંચ સુધીના પતંગ

સુરતના રિવરફ્રન્ટ ખાતે યોજાયેલા આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ-2026માં વિવિધ રંગ, આકાર અને કદની પતંગો વચ્ચે વડોદરાના નરેન્દ્ર શિંદેની ૨.૫ ઈંચની પતંગ સૌના આકર્ષણનું કેન્દ્ર બની હતી. પ્રથમ વખત સુરત પતંગોત્સવમાં સહભાગી બનેલા નરેન્દ્ર શિંદેએ જણાવ્યું કે, તેઓ વર્ષ 2007થી નાની નાની પતંગો બનાવે છે. જેમાં તેમની પાસે 1 ઈંચથી લઈને 7-8 ઇંચ સુધીના પતંગોનો સમાવેશ થાય છે.

નાના પતંગોની ખાસિયત જણાવતાં તેમણે કહ્યું કે, મોટી પતંગો સૌ કોઈ બનાવે છે. એટલે બધાથી કંઈક વિશેષ કરવાની પ્રેરણાથી મેં નાની પતંગો બનાવવાની શરૂઆત કરી જેમાં ખર્ચ અને સાચવણી બંને ઓછું હોય છે. તેમજ વિશેષ પ્રસંગોએ નાના બાળકોને ભેટ આપવાથી તેઓ અત્યંદ આનંદિત થાય છે.

દ્વારકાના મકનપુર ગામે દરિયામાં નાહવા પડેલા 4 મિત્રો ડૂબ્યા, 3નો બચાવ

0

દેવભૂમિ દ્વારકાથી ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. દ્વારકાના મકનપુર ગામે દરિયામાં નાહવા પડેલા 4 મિત્રો ડૂબ્યા હોવાની માહિતી મળી રહી છે. મળતી માહિતી મુજબ દ્વારકાના મકનપુર ગામે 4 મિત્રો દરિયાકાંઠે નાહવા પડ્યા હતા. જેમાંથી 3 યુવાનોનો આબાદ બચાવ થયો છે,જ્યારે ચોથા યુવકની શોધખોળ ચાલુ છે.

મળતી માહિતી મુજબ આ 4 યુવકો રાજસ્થાનથી દ્વારકા ફરવા માટે આવ્યા હતા. અહીં દરિયાકાંઠે નાહવા પડતા 4 એ 4 મિત્રો ડૂબ્યા હતા. જોકે તેમાંથી 3નો આબાદ બચાવ થયો છે પણ હજુ એક મિત્રની શોધખોળ ચાલી રહી છે. ફાયર વિભાગની ટીમ યુવકની શોધખોળમાં લાગી છે.

રાજસ્થાનના આ યુવકો ગુજરાતમાં દ્વારકા નગરીમાં ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કરવા તેમજ ફરવા માટે આવ્યા હતા. ત્યારે દરિયામાં નાહવા પડતા 3 મિત્રો ડૂબતા ડૂબતા બચ્યા છે, ફાયર વિભાગની ટીમે 3ને બચાવી લીધા છે અને એક યુવકની હજુ શોધખોળ ચાલી રહી છે.

ગઈકાલે મોડી સાંજથી જ ફાયર બ્રિગેડની ટીમ સતત શોધખળ કરી રહી છે. દરિયામાં કરંટ હોવાના કારણે રેસ્ક્યુ કામગીરીમાં મુશ્કેલી પડી રહી છે. બીજી તરફ, રાજસ્થાનથી આવેલા આ પ્રવાસી મિત્રોમાં આ અકસ્માતને પગલે ભારે શોક અને ફફડાટ વ્યાપી ગયો છે.

સુરતના સચિન SEZમાં ભાગેડુ નિરવ મોદીની બંધ જવેલરી કંપનીની ઓફિસમાં શંકાસ્પદ આગ ભભૂકી

0

સુરતના સચિન રોડ પર આવેલી સ્પેશિયલ ઇકોનોમિક ઝોન (SEZ)માં ભાગેડુ નિરવ મોદીની બંધ હાલતમાં રહેલી જવેલરી કંપનીની ઓફિસમાં શંકાસ્પદ આગ લાગવાની ઘટના સામે આવી છે. ગ્રાઉન્ડ ફ્લોર પર લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા પહેલા માળને પણ ઝપેટમાં લીધો હતો. ફાયર બ્રિગેડની ટીમે સતત 6 કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. આગની ઘટનામાં મહત્વના દસ્તાવેજો સહિત ઓફિસમાં રહેલી તમામ સામગ્રી બળીને ખાખ થઈ ગઈ છે. જો કે આગ લાગવાને લઇને ઘણી શંકા-કુશંકા જોવા મળી રહી છે.

આ કંપનીને અગાઉ EDના દરોડા બાદ સીલ કરવામાં આવી હતી અને પાવર કનેક્શન પણ કટ કરી દેવામાં આવ્યા હતા, છતાં આગ લાગતા અનેક તર્ક-વિતર્કો ઉભા થયા છે. કંપનીમાં આગ સ્વયં લાગી કે કોઈએ આગ લગાડી તે બાબતે મોટો સવાલ ઉભો થયો છે. કંપનીમાં મોંઘી મશીનરી અને જવેલરી હોવાને કારણે ચોરીની આશંકા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે, તેમજ ચોરીને છુપાવવા માટે આગ લગાડવામાં આવી હોવાની ચર્ચા પણ તેજ બની છે. ઘટનાને લઈને પોલીસ અને સંબંધિત એજન્સીઓ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

શુક્રવાર ફરી આગ લાગતાં વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં ધુમાડાના ગોટાગોટા નીકળવા માંડ્યા હતા, જેના લીધે ત્યાંના હાજર લોકોમાં ભય ફેલાતાં અફરાતફરી અને દોડધામ થઈ જવા પામી હતી, જોકે પાલિકાના ફાયરબિગ્રેડને કોલ મળતાં લાશ્કરોનો કાફલો ઘટનાસ્થળે ધસી જઈને સતત પાણીનો છંટકાવ કરતાં છ કલાક સુધી ભારે જહેમત ઉઠાવી આગ પર કાબૂ મેળવ્યો હતો.

જર્વેલરીની કંપનીમાં ગુરુવારે રાતે આગ ફાટી નીકળી હતી, જેથી સચિન નોટિફાઇડ ફાયર જવાનો ત્યાં પહોચીને કામગીરી કરતાં આગ કાબૂમાં આવી હતી. બાદમાં શુક્રવારે ફરી ત્યાં આગ લાગતાં ત્યાંથી ફાયર ટીમ આગ બુઝાવી શક્યા નહીં, જેથી પાલિકાના ફાયર કાફલો ત્યાં પહોચીને છ કલાક સુધી કામગીરી કરતાં આગ કાબૂમાં આવી હતી.