Home Blog Page 214

નવી સિવિલમાં માનવતાનું મહાદાન: 27 વર્ષીય સૌગંદકુમારના અંગદાનથી ત્રણને મળ્યો નવજીવન

0

સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં આજે વર્ષ 2026નું પ્રથમ અને કુલ 90મું સફળ અંગદાન થયું છે. મૂળ બિહારના 27 વર્ષીય બ્રેઈનડેડ સૌગંદકુમાર નકુલભાઈ લૈયાના પરિવારજનોએ માનવતાવાદી અભિગમ સાથે સ્વજનના અંગદાનનો નિર્ણય લઈને લીવર અને બે કિડનીનું દાન કર્યું હતું. જેના થકી ત્રણ જરૂરતમંદોને નવજીવન મળશે. આમ પણ પ્રાચીન કાળથી ઉત્તરાયણ પર્વમાં દાનનો વિશેષ મહિમા રહ્યો છે, ત્યારે શ્રમિક પરિવારે ઉત્તરાયણ પૂર્વે અંગદાન કરી દાનપૂણ્યને ઉજાળ્યું છે

પ્રાપ્ત વિગતો મુજબ મૂળ બિહારના બાંકા જિલ્લાના બલુઆતરી બૌસીના વતની સૌગંદકુમાર સુરતમાં ટેક્ષ્ટાઈલ વર્કર હતા. તા.9મી જાન્યુ.ના રોજ સવારે 11:30 વાગ્યે ભાટીયા ચેકપોસ્ટ, સારોલી પાસે રોડ પર બમ્પર આવતા બાઈક જમ્પ થતા રોડના ડિવાઈડર સાથે અથડાતા સૌગંદકુમાર અને મિત્ર પડી ગયાં હતાં. મિત્ર ગૌતમભાઈને પગમાં ઈજા થઈ હતી અને માથામાં ગંભીર ઈજા થતા સૌગંદકુમારને બેભાન હાલતમાં ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા નવી સિવિલમાં દાખલ કર્યા હતા. જ્યાં ગંભીર હાલત હોવાથી ઈમરજન્સીમાં દાખલ કર્યા અને ત્યારબાદ વધુ સારવાર માટે આઈસીયુમાં શિફ્ટ કરીને સારવાર શરૂ કરવામાં આવી. તા.૧૧મીએ રાત્રિએ આર.એમ.ઓ. ડો.કેતન નાયક, પ્લાસ્ટિક સર્જન ડો.નિલેશ કાછડીયા, ન્યુરોલોજિસ્ટ ડૉ.જય પટેલ તથા ન્યુરો સર્જન ડૉ.કેયુર પ્રજાપતિની ટીમે તેમને બ્રેઈનડેડ જાહેર કર્યા હતા.

ડૉ.નિલેશ કાછડીયા, ડૉ.કેતન નાયક, ગુજરાત નર્સિંગ કાઉન્સીલ ઉપાધ્યક્ષ ઈકબાલ કડીવાલાએ પત્ની, દિકરા અને ભાઈ તેમજ પરિવારના સભ્યોને અંગદાનનું મહત્વ સમજાવ્યું હતું.

પિતા નકુલભાઈએ કહ્યું કે, અંગદાનથી કોઈનું જીવન બચાવી શકાય અને કોઈને નવું જીવન મળે તેનાથી મોટું શું હોઈ શકે? આવી ભાવના સાથે ભારે હૈયે પરિવારજનોએ અંગદાનની સહમતિ આપી હતી. બ્રેઈનડેડ સૌગંદકુમારના લીવર અને બે કિડનીને અમદાવાદની એપોલો હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી.

નવી સિવિલના મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડો.ધારિત્રી પરમારના માર્ગદર્શન હેઠળ ડોક્ટરો, નર્સિંગ સ્ટાફ, સુરક્ષા કર્મચારીઓ તથા સ્વયંસેવકોએ આ અંગદાન પ્રક્રિયામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.

ભારત 2,000 થી વધુ જર્મન કંપનીઓનું ઘર છે: પીએમ મોદી

0

જર્મન ચાન્સેલર ફ્રેડરિક મેર્ઝ સાથેની વાતચીત બાદ સોમવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સંયુક્ત પત્રકાર પરિષદને સંબોધિત કરી હતી. આ પ્રસંગે બોલતા, પીએમએ કહ્યું કે અમારો દ્વિપક્ષીય વેપાર 50 અબજ ડોલરના આંકને વટાવીને અત્યાર સુધીના ઉચ્ચ સ્તરે પહોંચ્યો છે. 2,000 થી વધુ જર્મન કંપનીઓ લાંબા સમયથી ભારતમાં હાજર છે.

આ ભારતમાં તેમના અતૂટ વિશ્વાસ અને તે પ્રદાન કરે છે તે અપાર તકોને પ્રતિબિંબિત કરે છે. આજે સવારે ભારત-જર્મની સીઈઓ ફોરમમાં આ સ્પષ્ટપણે સ્પષ્ટ થયું. ભારત અને જર્મની વચ્ચે ટેકનોલોજી સહયોગ વર્ષ-દર-વર્ષ મજબૂત બન્યો છે, અને તેની અસર જમીન પર સ્પષ્ટપણે દેખાય છે. ભારત અને જર્મની નવીનીકરણીય ઊર્જાના ક્ષેત્રમાં સામાન્ય પ્રાથમિકતાઓ શેર કરે છે.

આ સહયોગને વધુ વધારવા માટે, અમે ભારત-જર્મની સેન્ટર ઓફ એક્સેલન્સ સ્થાપિત કરવાનું નક્કી કર્યું છે. આ જ્ઞાન, ટેકનોલોજી અને નવીનતા માટે એક સામાન્ય પ્લેટફોર્મ તરીકે સેવા આપશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, ભારત-જર્મની મિત્રતા મજબૂત
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, “અમે આબોહવા, ઉર્જા, શહેરી વિકાસ અને શહેરી ગતિશીલતા જેવા ક્ષેત્રોમાં નવા પ્રોજેક્ટ્સ પર સાથે મળીને કામ કરી રહ્યા છીએ. બંને દેશોની કંપનીઓ દ્વારા ગ્રીન હાઇડ્રોજનમાં એક નવો મેગા-પ્રોજેક્ટ ભવિષ્યની ઉર્જા માટે ગેમ-ચેન્જર સાબિત થશે. ભારત અને જર્મની સુરક્ષિત, વિશ્વસનીય અને મજબૂત સપ્લાય ચેઇન બનાવવા માટે સાથે મળીને કામ કરી રહ્યા છે.

આ બધા વિષયો પર આજે હસ્તાક્ષર કરાયેલા એમઓયુ આપણા સહયોગને નવી ગતિ અને શક્તિ આપશે. સંરક્ષણ અને સુરક્ષામાં વધતો સહયોગ આપણા પરસ્પર વિશ્વાસ અને સહિયારા દ્રષ્ટિકોણનું પ્રતીક છે. સંરક્ષણ વેપાર પ્રાથમિકતાઓને સરળ બનાવવા બદલ હું ચાન્સેલર મેર્ઝનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. અમે સંરક્ષણ ઉદ્યોગો વચ્ચે સહયોગ વધારવા માટે એક રોડમેપ પર પણ કામ કરીશું.”

મમતા બેનર્જી સામે ગંભીર આરોપો સાથે ED સુપ્રીમ કોર્ટ પહોંચી! જાણો શું છે મામલો

0

તાજેતરમાં પશ્ચિમ બંગાળમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ના દરોડા દરમિયાન હાઈ વોલ્ટેજ પોલિટીકલ ડ્રામા સર્જાયો હતો. કોલકાતામાં પોલિટિકલ કન્સલ્ટન્સી ફર્મ ઇન્ડિયન પોલિટિકલ એક્શન કમિટી (I-PAC) ની ઓફીસ અને કંપનીના ડિરેક્ટર પ્રતીક જૈનના નિવાસસ્થાન પર દરોડા દરમિયાન મુખ્ય પ્રધાન મમતા બેનર્જીએ હોબાળો મચાવ્યો હતો અને સુત્રોચ્ચાર કર્યા હતાં. હવે ED આ મામલે સુપ્રીમ કોર્ટ પહોંચી છે.

ED એ પશ્ચિમ બંગાળ સરકાર, મુખ્ય પ્રધાન મમતા બેનર્જી, રાજ્યના DGP રાજીવ કુમાર અને કોલકાતા પોલીસ કમિશનર મનોજ વર્મા વિરુદ્ધ CrPC ની કલમ 32 હેઠળ અરજી દાખલ કરી છે.

ED એ લગાવ્યા ગંભીર આરોપ:
ED એ આરોપ લગાવ્યો કે 8 જાન્યુઆરી, 2026 ના રોજ કાયદેસરના સર્ચ ઓપરેશન દરમિયાન ઇરાદાપૂર્વક વિઘ્ન ઉભું કરવામાં આવ્યું હતું, જેને કારણે તપાસ કરવામાં તકલીફ ઉભી થઇ હતી. EDએ પુરાવાનો નાશ કરવા અને પુરાવા સાથે છેડછાડ કરવામાંનો પણ આરોપ પણ લગાવ્યો.

ED એ સુપ્રીમ કોર્ટને જણાવ્યું બેનર્જી 100 થી વધુ પોલીસ અધિકારીઓ સાથે પ્રતીક જૈનના નિવાસસ્થાને પહોંચ્યા હતા અને સર્ચ ઓપરેશન દરમિયાન ED અધિકારીઓને રોકવાનો પ્રયાસ કર્યો હતો. ED દ્વારા જપ્ત કરવામાં આવેલા લેપટોપ, મોબાઇલ ફોન અને દસ્તાવેજો બળજબરીથી છીનવી લેવામાં આવ્યા હતા અને પુરાવા બે કલાક સુધી પોલીસ કસ્ટડીમાં રાખવામાં આવ્યા હતા

આ મામલે થઇ રહી છે તપાસ:
ED એ તેની ફરિયાદમાં જણાવ્યું હતું કે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) ની કલમ 17 હેઠળ કોલકાતાના પાર્ક સ્ટ્રીટ પર પ્રતીક જૈનના નિવાસસ્થાન અને બિધાનનગરના સેક્ટર V માં ઇન્ડિયન પોલિટિકલ એક્શન કમિટી કન્સલ્ટિંગ પ્રાઇવેટ લિમિટેડ (IPAC) ની ઓફિસ પર દરોડા પાડવામાં આવ્યા હતાં.

કોલસાની કથિત દાણચોરી અને મની લોન્ડરિંગ સાથે જીડાયેલા ₹2,742.32 કરોડના કૌભાંડ અંગે તપાસ કરવામાં આવી રહી છે. EDના જણાવ્યા મુજબ ₹20 કરોડથી વધુ રકમ હવાલા ચેનલો મારફતે IPAC ને મળી હતી.

નવી સિવિલમાં પતંગોત્સવ સાથે અંગદાન મહાદાનનો સંદેશ: 5000 પતંગો દ્વારા જનજાગૃતિ અભિયાન

0

ઉત્તરાયણ પર્વમાં પતંગની દોરીથી અબોલ પક્ષીઓ તેમજ વાહનચાલકો ઘાયલ થતા હોય છે. નિર્દોષ પક્ષીઓના રક્ષણ અને બચાવ માટે છેલ્લા 18 વર્ષથી નર્સિંગ એસોસિએશન અને સહસ્ત્રફણા પાર્શ્વનાથ ચેરિટેબલ ટ્રસ્ટ-ગોપીપુરા દ્વારા હેલ્પલાઈન સેવા શરૂ કરી નવી સિવિલ હોસ્પિટલમાં ઘાયલ પક્ષીઓની સારવાર માટે કેમ્પ યોજવામાં આવે છે. પક્ષીઓ માટે જીવદયા અને તબીબોની ટીમ તેમજ ઈજાગ્રસ્ત દર્દીઓની સારવાર માટે એમ્બ્યુલન્સ સેવા કાર્યરત રહે છે, ત્યારે આ વર્ષે પણ ઘાતક દોરીથી ઘવાયેલા પક્ષીઓ તેમજ ઈજાગ્રસ્ત નાગરિકો માટે નવી સિવિલમાં મેયર દક્ષેશભાઈ માવાણી અને યુથ ફોર ગુજરાતના પ્રમુખ જિજ્ઞેશ પાટીલની પ્રેરક ઉપસ્થિતિમાં હેલ્પલાઈન સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

આ પ્રસંગે મેયર દક્ષેશભાઈ માવાણીએ જણાવ્યું હતું કે, નિર્દોષ અને અબોલ પક્ષીઓનું રક્ષણ કરવું એ આપણી સૌની નૈતિક ફરજ છે. રાજ્યમાં વર્ષ ૨૦૧૭થી ઉત્તરાયણ પર્વ દરમિયાન પતંગના દોરાથી ઘાયલ પક્ષીઓની સારવાર માટે દસ દિવસીય ‘કરુણા અભિયાન’ યોજવામાં આવે છે, જે માનવતા અને જીવદયાની ભાવનાને મજબૂત બનાવે છે. તેમણે ઉમેર્યું હતું કે, ‘અંગદાન મહાદાન’ અભિયાન પણ માનવ જીવન બચાવવાની સર્વોચ્ચ સેવા છે, જેમાં એક વ્યક્તિના અંગદાનથી અનેક લોકોને નવું જીવન મળી શકે છે. સમાજમાં જીવદયા અને માનવતાની આ ભાવના વધુ વિસ્તરે તે માટે આવા અભિયાનમાં નાગરિકોની સક્રિય ભાગીદારી અત્યંત જરૂરી છે.

મેયરએ નવી સિવિલ નર્સિંગ એસોસિએશન દ્વારા સતત 18 વર્ષથી હેલ્પલાઈન સેવાની જ્યોત પ્રજ્વલિત રાખવા બદલ પ્રશંસા વ્યક્ત કરી અને સુરતવાસીઓને પક્ષી સંરક્ષણ સાથે સાથે અંગદાન જેવા મહાન કાર્ય માટે પણ આગળ આવવા અપીલ કરી હતી.

આ પ્રસંગે યુથ ફોર ગુજરાતના પ્રમુખ શ્રી જિજ્ઞેશ પાટીલે જણાવ્યું હતું કે, ઉત્તરાયણ પર્વમાં પક્ષીઓના રક્ષણ-સારવારની સાથોસાથે અંગદાન-મહાદાન અભિયાનને જોડવામાં આવ્યું છે. અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટના પ્રણેતા દિલીપદાદા દેશમુખ દ્વારા નવી સિવિલમાં અંગદાન મહાનદાનના સ્લોગન અંકિત કરેલા 5000 પતંગોનું વિતરણ કરવામાં આવ્યું છે, સાથે જ દરેક લોકોને પંતગ આપી અંગદાનના મહત્વ વિશેની સમજ અપાઈ છે. અંગદાન મહાદાન અભિયાન થકી લોકોના જીવ બચાવવાનો ઈશ્વરીય હેતુ છે. મારા 34મા જન્મદિવસે ૩૫ લોકોએ અંગદાન કરવાનો સંકલ્પ કરી, ફોર્મ ભરી અંગદાનના અભિયાનને વેગ આપવાનું કાર્ય કર્યું છે, એવી જ રીતે દરેક યુવાનો અંગદાનના અભિયાન જોડાઈને સમાજહિત માટે આગળ આવવું જોઈએ.

નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ શ્રી ઈકબાલ કડીવાલાએ જણાવ્યું હતું કે, છેલ્લા 18 વર્ષથી પક્ષીઓ પ્રત્યે સંવેદનશીલતાથી કાર્યરત આ હેલ્પલાઈન સેવાનું સમગ્ર આયોજન કરીએ છીએ. ઉત્તરાયણના દિવસો દરમિયાન ઘાયલ પક્ષીઓ, ઈજાગ્રસ્ત દર્દીઓની સારવાર સેવા કરવામાં આવે છે. આ સાથે અંગદાન મહાદાનના અભિયાનને વેગવાન બનાવીશું. અંગદાનથી અનેક લોકોનો જીવ બચી શકે છે, જેથી આ મહત્વપૂર્ણ અભિયાનમાં સૌએ અવશ્ય જોડાવવું જોઈએ.

ઓલપાડના નાયબ મામલતદાર હિનીષા પટેલે કર્યો આપઘાત, કારણ અકબંધ

સુરતના રાંદેર વિસ્તારમાં આજે (12 જાન્યુઆરી 2026) એક અત્યંત હૃદયદ્રાવક ઘટના બની છે. ઓલપાડ પ્રાંત કચેરીમાં નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતા 36 વર્ષીય હિનીષા પટેલે પોતાના ઘરના બેડરૂમમાં દુપટ્ટા વડે ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, સવારે આશરે 10 વાગ્યાની આસપાસ તેઓ ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યા હતા. આ બાદ પરિવારજનો અને પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા, પરંતુ તેમને બચાવી શકાયા નહીં.

આ કેસમાં કરૂણતા એ છે કે મૃતક હિનીષા પટેલ અને તેમના પતિ બંને મહેસૂલ વિભાગમાં નાયબ મામલતદાર તરીકે કાર્યરત છે. પતિ પણ ઓલપાડ પ્રાંત કચેરીમાં જ ફરજ બજાવે છે. બંને સાથે જ રહેતા હતા અને એક હસતો રમતો પરિવાર હતો. તેવામાં કયા કારણથી મહિલા અધિકારીએ આત્મહત્યા કરી તે મહેસૂલ વિભાગમાં ચર્ચાનો વિષય બન્યો છે.

હાલમાં આત્મહત્યા પાછળનું ચોક્કસ કારણ જાણી શકાયુ નથી. પ્રાથમિક તપાસમાં પારિવારિક તણાવ, કાર્યસ્થળનું દબાણ કે અન્ય માનસિક કારણો હોવાની શક્યતા તપાસવામાં આવી રહી છે. રાંદેર પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો છે અને અકસ્માતે મોતનો ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. પતિ તથા અન્ય પરિવારજનોના નિવેદન લેવાની કાર્યવાહી ચાલુ છે. આ ઘટનાથી સમગ્ર વહીવટી તંત્ર અને મહેસૂલ વિભાગમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

પોલીસ સબ ઈન્સ્પેકટર અને લોકરક્ષક કેડરની પરીક્ષા પાસ ઉમેદવારો માટે શારીરિક પરીક્ષા શરૂ

0

ગુજરાતમાં પોલીસ સબ ઈન્સ્પેકટર અને લોકરક્ષક કેડરની શારીરિક પરીક્ષા, આગામી 21 જાન્યુઆરીથી શરૂ થનાર છે. પોલીસ સબ ઈન્સ્પેકટર અને લોકરક્ષક કેડરની શારીરિક પરીક્ષા માટેના કોલ લેટર ડાઉનલોડ કરવાની પ્રક્રિયા, Ojas વેબસાઇટ https://ojas.gujarat.gov.in ઉપર શરૂ થયેલ છે.

અમદાવાદના મેમકો બ્રિજ પાસે લાકડાના ગોડાઉનમાં ભીષણ આગ, બે લોકો ગંભીર રીતે દાઝ્યા

0

શહેરના મેમકો બ્રિજ નીચે આવેલા અંબિકા એસ્ટેટમાં આજે બપોરના સમયે એક લાકડાના ગોડાઉનમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. આ દુર્ઘટનામાં ગોડાઉનમાં હાજર બે વ્યક્તિઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ છે.

ઘટનાની વિગત અને ફાયર વિભાગની કામગીરી
અમદાવાદ ચીફ ફાયર ઓફિસરે આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, “અમને અંબિકા એસ્ટેટની એક ત્રણ માળની ઇમારતમાં આગ લાગી હોવાનો ઇમરજન્સી કોલ મળ્યો હતો. આગની ગંભીરતાને ધ્યાને રાખીને ફાયર બ્રિગેડની ૧૦ ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે રવાના કરવામાં આવી હતી. ગોડાઉનમાં લાકડાનો જથ્થો હોવાને કારણે આગે ઝડપથી વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. ફાયર ફાઇટરોની ભારે જહેમત બાદ હાલ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લેવામાં આવ્યો છે.”

ગોડાઉન સંચાલકનું નિવેદન
ગોડાઉન સંચાલકે આ અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે, તેઓ છેલ્લા પાંચ વર્ષથી આ એકમ ભાડે રાખીને ચલાવે છે. અંબિકા એસ્ટેટ અંદાજે ૪૦ વર્ષ જૂનું છે. બ્રિજેશ મહેતાએ વધુમાં ઉમેર્યું હતું કે, “હું બે દિવસ પહેલા મારા એસ્ટેટના કામ અર્થે દિલ્હીના સહરાનપુર ગયો હતો. મારા કામના સિલસિલામાં બે વ્યક્તિઓ શનિવારે જ અમદાવાદ આવ્યા હતા. બપોરના સમયે જ્યારે તેઓ ગોડાઉનમાં આરામ કરી રહ્યા હતા, ત્યારે જ આગ લાગવાની આ દુર્ઘટના ઘટી હતી.”

ઈજાગ્રસ્તોની સ્થિતિ
આગ લાગતા જ ગોડાઉનમાં રહેલા બંને વ્યક્તિઓ તેની ઝપેટમાં આવી ગયા હતા અને ગંભીર રીતે દાઝી ગયા હતા. તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. હાલમાં આગ લાગવાનું પ્રાથમિક કારણ શોર્ટ સર્કિટ હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે, જોકે એફએસએલ (FSL) ની તપાસ બાદ જ સાચું કારણ જાણી શકાશે.

સુરતમાં SOGની મોટી કાર્યવાહી: નકલી ચલણી નોટો સાથે સુરતનો રત્નકલાકાર ઝડપાયો

સુરત SOG પોલીસ ટીમે ભારતીય ચલણની બનાવટી ચલણી નોટો સાથે એક રત્નકલાકારને ઝડપી પાડયો છે. પોલીસે તેની પાસેથી રૂપિયા 5 લાખની કિંમતની ડુપ્લિકેટ નોટો (Duplicate notes) જપ્ત કરી છે. પ્રાથમિક તપાસમાં છેલ્લા 1 વર્ષમાં આરોપી 25 લાખની બનાવટી ચલણી નોટો વટાવી ચૂક્યો હોવાનું જાણવા મળ્યું હતું.

નકલી નોટો સાથે યુવક ઝડપાયો
મળતી માહિતી મુજબ સુરતમાં SOG પોલીસની ટીમે વરાછા રોડ સાધના ચેમ્બર્સ પાસેથી 27 વર્ષીય આરોપી પરેશભાઈ પુનાભાઈ ડડિયાને ઝડપી પાડયો હતો. આરોપી અમરેલી જિલ્લાનો વતની છે, અને સુરતમાં પુણાગામ વિસ્તારમાં રહી રત્ન કલાકાર તરીકે કામ કરે છે. પોલીસે આરોપી પાસેથી 5 લાખ રૂપિયા કિંમતની ભારતીય ચલણી બનાવટી નોટો (Counterfeit notes) જપ્ત કરી હતી.

પોલીસે આરોપી પાસેથી 5,03,500ની નકલી નોટો, એક મોટોરોલા કંપનીનો મોબાઈલ ફોન અને ગુનામાં વપરાયેલ હોન્ડા સાઈન મોટરસાયકલ (GJ05LU5480)નો સમાવેશ થાય છે. પોલીસ નકલી નોટોનો જથ્થો આરોપી કયાંથી લાવતો હતો અને તેની સાથે અન્ય કેટલા શખ્સો સંડોવાયેલા એ દિશામાં તપાસ કરી રહી છે.

આશ્ચર્યની વાત એ છે કે, આરોપી છેલ્લા 10 વર્ષથી પોતાના પરિવાર સાથે સુરતમાં સ્થાયી થયો હતો અને સામાન્ય રત્નકલાકાર તરીકે જીવન જીવતો હતો. પરંતુ વધુ પૈસા કમાવવાની લાલચે તેને ગુનાહિત પ્રવૃત્તિ તરફ ધકેલી દીધો હતો. છેલ્લા એક વર્ષથી તે સતત પોલીસની નજરથી બચીને આ પ્રવૃતિ કરી રહ્યો હતો, પરંતુ અંતે તે કાયદાના શિકંજામાં આવી ગયો છે.

DCP રાજદિપસિંહ નકુમે જણાવ્યું હતું કે, પોલીસ ટીમે નકલી નોટો બનાવવાનું રેકેટ ઝડપી પાડયું છે. આરોપી પરેશ હડિયાને વરાછા મીની બજાર વિસ્તારમાંથી 5 લાખની નકલી નોટો સાથે ઝડપી પાડવામાં આવ્યો છે. પૂછપરછમાં સામે આવ્યું કે આરોપી બીજા પાર્ટનર રાજુ વાઘમશી પાસેથી આ નોટો લાવતો હતો.
લ્યો! નકલી નોટોની પણ ઝેરોક્ષ કરી.

લ્યો! નકલી નોટોની પણ ઝેરોક્ષ કરી
આ હાઈ ક્વોલિટી પ્રિન્ટિંગ વાળી નકલી નોટો છે, અને એક જ સીરીઝ નંબર વાળી છે. એટલે આરોપી નોટની ઝેરોક્ષ કરીને બજારમાં ભીડભાડ વાળી જગ્યા, પાનના ગલ્લા, શાકભાજીની લારી અને ખાણીપીણીની દુકાનો પર જ્યાં ભીડ હોય ત્યાં વટાવતો હતો. મોટાભાગે વરાછા, કાપોદ્રા, સરથાણા વિસ્તારમાં નોટો વટાવવાનું કામ કરતો હતો.

આગામી 20-30 વર્ષમાં ભારત હિંદુ રાષ્ટ્ર બનશે: RSS પ્રમુખ મોહન ભાગવત

0

આગામી 20-30 વર્ષોમાં ભારત વિશ્વ ગુરુ બનશે અને એક હિન્દુ રાષ્ટ્ર બનશે, એમ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) સરસંઘચાલક મોહન ભાગવતે જણાવ્યું હતું. મોહન ભાગવતે વૃંદાવનમાં સુદામા કુટી આશ્રમ દ્ધારા રામાનંદી સંપ્રદાયના સ્થાપક રામાનંદાચાર્યની 726મી જન્મજયંતિ અને સુદામા કુટીના સ્થાપક સંત સુદામા દાસના વૃંદાવનમાં આગમનની શતાબ્દી નિમિત્તે આયોજિત એક કાર્યક્રમમાં આ નિવેદન આપ્યું હતું.

તેમણે હિન્દુઓમાં વિભાજન સામે પણ ચેતવણી આપી હતી. તેમણે કહ્યું હતું કે હિન્દુઓમાં વિભાજનના કારણે જ પરાજય થાય છે. ભારતની ભક્તિ પરંપરાનો ઉલ્લેખ કરતા મોહન ભાગવતે કહ્યું હતું કે ભારતમાં ભક્તિમાંથી પ્રાપ્ત અમૃતની શક્તિ છે અને રાક્ષસો અને રાજાઓની શક્તિઓ તેને નુકસાન પહોંચાડી શકતી નથી. તૈયારીના અભાવે સમસ્યાઓ ઊભી થાય છે.

મોહન ભાગવતે વધુમાં કહ્યું હતું કે, “હિન્દુઓ ક્યારેય દુશ્મનની બહાદુરી, વીરતા અથવા શક્તિને કારણે હાર્યા નથી. જ્યારે પણ તેઓ હાર્યા છે, ત્યારે તે ફક્ત આંતરિક વિખવાદને કારણે હાર્યા છે, પરંતુ તે ચિંતા કરવાની કોઈ વાત નથી. આપણે ચારથી પાંચસો વર્ષ સુધી મુઘલોના અત્યાચાર સહન કર્યા છે. છતાં સનાતન ધર્મ નબળો પડ્યો નથી. બધી તકલીફો સહન કરવા છતાં તે ફરીથી મજબૂત બનીને ઉભરી આવ્યો છે.

ભાગવતે કહ્યું હતું કે, “એટલા માટે જ હું કહું છું કે આગામી વીસથી ત્રીસ વર્ષોમાં ભારત એક વિશ્વ ગુરુ બનીને સુખ-શાંતિથી જીવન જીવનારો રાષ્ટ્ર બનશે, હિન્દુ રાષ્ટ્ર બનીને ઉભરશે. ભારતનો જન્મ આ જ કારણસર થયો હતો અને આ હેતુ આપણી સમક્ષ હાજર છે. આપણે તેની તૈયારી કરવામાં થોડા મોડા પડ્યા છીએ. આપણે તેના માટે એક થવું જોઈએ.”

ભાગવતે કહ્યું હતું કે આપણી વિરુદ્ધ કામ કરતી આ શક્તિઓ આપણને નુકસાન પહોંચાડી શકતી નથી. જોકે, તેમણે તૈયારીના અભાવ તરફ પણ ધ્યાન દોર્યું હતું કે આપણે જે રીતે તૈયારી કરવી જોઈએ તે રીતે તૈયારી કરી નથી.
ઇતિહાસનો ઉલ્લેખ કરતા આરએસએસના વડાએ કહ્યું હતું કે આપણે આક્રમણકારો અને સુલતાનોના જુલમ વચ્ચે બલિદાન દ્વારા આપણી શક્તિ જાળવી રાખી છે. આ શક્તિ ભક્તિમાંથી પ્રાપ્ત થાય છે અને તે હંમેશા કાર્ય કરે છે.

સામાજિક એકતા પર ભાર મૂકતા મોહન ભાગવતે એમ પણ કહ્યું કે હિન્દુ સમાજ વિભાજનને કારણે પરાજિત થાય છે. શક્તિ નબળાઓ પર જુલમ કરે છે. તે નબળાઓ પર વધુ જુલમ કરે છે. જ્યારે શક્તિ હોય છે ત્યારે તે સમગ્ર વિશ્વ પર જુલમ કરે છે, પરંતુ ભારતનો ઇતિહાસ આવો નથી. આપણી પાસે અમૃતની શક્તિ છે.

આંતરરાષ્ટ્રીય કાઈટ ફેસ્ટીવલમાં વડાપ્રધાન મોદી બન્યા પતંગબાજ, જર્મન ચાન્સેલર સાથે ચગાવ્યો પતંગ

0

આ વર્ષેનો ગુજરાતનો સૌથી મોટો કાઈટ ફેસ્ટીવલ ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યો. આ વર્ષે આ આંતરરાષ્ટીય કાઈટ ફેસ્ટીવલનો વડાપ્રધાન મોદી અને અમદાવાદના મહેમાન બનેલા જર્મન ચાન્સેલર ફ્રેડરીક મેઝએ શુભારંભ કરાવ્યો છે. આ તકે વડાપ્રધાન મોદી પણ પતંગબાજ બન્યા અને તેમણે પણ જર્મન ચાન્સેલર સાથે પતંગ ચગાવ્યો હતો.

વડાપ્રધાન મોદી અને જર્મન ચાન્સેલર ફ્રેડરીક ગળામાં નયનરમ્ય કલાત્મક ડિઝાઈનનો દુપટ્ટો નાખેલો જોવા મળ્યા. જે ખાસ પાટણના પ્રખ્યાત પટોળામાંથી બનાવવામાં આવ્યો છે. જે જર્મન ચાન્સેલરને ભેટ આપવામાં આવ્યો છે. અમદાવાદના પતંગ મહોત્સવને જોઈને જર્મન ચાન્સેલર ઘણા ઉત્સાહિત જણાયા હતા.

અમદાવાદમાં પરંપરા, સંસ્કૃતિ અને વૈશ્વિક મિત્રતાનું અનોખું સંગમ જોવા મળ્યું છે. સાબરમતી રિવરફ્રન્ટ પર આયોજિત ઈન્ટરનેશનલ કાઈટ ફેસ્ટિવલનો ભવ્ય પ્રારંભ થઈ ગયો છે. ખાસ વાત એ છે કે આ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ જર્મનીના ચાન્સેલરે પોતાની ઉપસ્થિતિ આપી હતી. જેના કારણે આ ઉત્સવને વૈશ્વિક ઓળખ મળી છે.

રિવરફ્રન્ટ પર યોજાનારા આ પતંગ મહોત્સવમાં દુનિયાભરના પતંગબાજોએ ભાગ લીધો છે. કુલ 50 દેશોમાંથી 135 આંતરરાષ્ટ્રીય પતંગબાજો અમદાવાદ પહોંચ્યા છે, જ્યારે દેશના 13 રાજ્યોમાંથી 65 પતંગબાજો પણ ઉત્સવમાં સામેલ થયા છે. આ સાથે જ ગુજરાતના 16 જિલ્લાઓમાંથી 871 પતંગરસિયાઓ આ રંગીન મહોત્સવમાં ભાગ લઈ રહ્યા છે.

કલાત્મક ડિઝાઈન અને પરંપરાનું પ્રતિબિંબ
ઈન્ટરનેશનલ કાઈટ ફેસ્ટિવલ દરમિયાન અમદાવાદનું આકાશ દેશી-વિદેશી રંગબેરંગી અને અનોખા આકારના પતંગોથી શોભી ઉઠ્યું. પતંગોમાં વિવિધ સંસ્કૃતિઓ, કલાત્મક ડિઝાઈન અને પરંપરાનું પ્રતિબિંબ જોવા મળ્યું છે. આ મહોત્સવ માત્ર મનોરંજન પૂરતો નથી, પરંતુ ગુજરાતની સંસ્કૃતિ અને આત્મિયતાને વૈશ્વિક મંચ પર રજૂ કરવાની મહત્વની તક પણ છે.