Home Blog Page 210

સુરત એરપોર્ટ પરથી DRIએ 6 કરોડના ડાયમંડ સાથે બેની ધરપકડ

સુરતમાં છેલ્લા ઘણા સમયથી ડાયમંડ અને ડોલર લઇ જવાના કિસ્સાઓ દિવસેને દિવસે વધી રહ્યા છે. તેવામાં સુરત એરપોર્ટ પરથી DRIએ 6 કરોડના ડાયમંડ સાથે બેની ધરપકડ કરવામાં આવી હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. સમગ્ર મામલે DRIએ મોટા વરાછા અને કામરેજના બંને યુવકોની ધરપકડને નાણાં કોણે આપ્યા અને કોને આપવાના હતા તે અંગે પૂછપરછ હાથ ધરવામાં આવી છે.

મળતી માહિતી મુજબ, સુરતથી બેંગકોક લઇ જવાના ફિરાકમાં DRIએ સુરત એરપોર્ટ પરથી 6 કરોડના ડાયમંડ અને 30 હજાર ડોલર લઈ જતા 2 શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા છે. છેલ્લા ઘણા સમયથી હવાલાથી વિદેશ નાણા મોકલવાને બદલે ડાયમંડ અને ડોલર લઈ જવાના કિસ્સાઓમાં વધારો થયો છે.

અગાઉ સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી વિદેશી ચલણની હેરાફેરીનું એક મોટું રેકેટ ઝડપાયું હતું. DRIએ બાતમીના આધારે કાર્યવાહી કરતા પાલ વિસ્તારના એક દંપતીને 1.34 લાખ અમેરિકન ડોલર સાથે ઝડપી પાડ્યું હતા. આ દંપતી સુરતથી દુબઈ જતી ફ્લાઈટમાં સવાર થવાનું હતું, પરંતુ ચેકિંગ દરમિયાન તેમની પાસેથી શંકાસ્પદ રીતે રાખવામાં આવેલા ડોલર મળી આવ્યા હતા.

અમદાવાદમાં GAPM 2026ની કોન્ફરન્સનું આયોજન

અમદાવાદમાં GAPM 2026ની કોન્ફરન્સનું આયોજન કરાયુ. કોન્ફરન્સમાં AI ટેકનોલોજીનો વધુ ઉપયોગ થાય તે અંગે ચર્ચા હાથ ધરાઈ. અદ્યતન ટેકનોલોજી અંગે માહિતીનું અદાન પ્રદાન કરાયું. GAPM 2026ની કોન્ફરન્સમાં GAPM પ્રેસિડેન્ટનો ચોંકાવનારો ખુલાસો થયો. રાજ્યમાં 12 હજાર ગેરકાયદે પેથોલોજી લેબ ધમધમતી હોવાનો આક્ષેપ કરાયો. રાજ્યમાં એકની સામે 10 ગેરકાયદે પેથોલોજી લેબ ધમધમતી હોવાનો દાવો કરાયો છે. દર્દીઓના આરોગ્ય સાથે ચેડાં થઈ રહ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ પણ આરોગ્ય વિભાગ નિષ્ક્રિય જણાઈ રહ્યુ છે. સરકાર પાસે ક્લિનિકલ એસ્ટાબ્લીસમેન્ટ એક્ટની કડક અમલવારીની માગ કરાઈ છે.

ગુજરાત એસોસિએશન ઓફ પેથોલોજીસ્ટ એન્ડ માઇક્રોબાયોલોજીસ્ટ દ્વારા યોજવામાં આવેલી આ કોન્ફરન્સમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. GAPM પ્રેસિડેન્ટનો દાવો છે કે રાજ્યમાં એકની સામે 10 ગેરકાયદે પેથોલોજી લેબ ધમધમી રહી છે. જેથી સરકારે ક્લિનિકલ એસ્ટાબ્લીસમેન્ટ એક્ટની કડક અમલવારીની કરવી જોઈએ. જેથી દર્દીઓના આરોગ્ય સાથે થતા ચેડાં રોકી શકાય.

રાજકોટમાં વડાપ્રધાનના આગમન પૂર્વ લોખંડી સુરક્ષા કવચ, રિહર્સલ યોજાઈ, DGP દ્વારા નિરીક્ષણ

આવતીકાલે મારવાડી યુનિવર્સીટીમાં વાઈબ્રન્ટ સમીટનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે થવા જઈ રહ્યું છે. જેમાં વડાપ્રધાનની સાથે કેન્દ્રીય મંત્રીઓ, રાજ્ય સરકારના મંત્રીઓ અને દેશ-વિદેશના ટોચના ઉદ્યોગપતિઓ રીજીયોનલ વાઇબ્રન્ટ કોન્ફ્રન્સમાં હાજરી આપનાર છે. જેને પગલે શહેર પોલીસ એલર્ટ મોડમાં આવી છે.

વડાપ્રધાનના આગમનને પગલે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. સુરક્ષા વ્યવસ્થાની કમાન એસપીજી કમાન્ડોએ સંભાળી લીધી છે અને આજે રાજ્યના ડીજીપી ડો. કે.એલ.એન. રાવ અને આઈબીના વડાએ પણ રાજકોટમાં ધામા નાખી આખે આખી સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરનાર છે.

આવતીકાલથી મારવાડી યુનિવર્સીટી કેમ્પસ ખાતે રીજીયોનલ વાઇબ્રન્ટ કોન્ફરન્સનું આયોજન થવા જઈ રહ્યું છે. જેમાં દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ખાસ હાજર રહેનાર છે. ઉપરાંત કેન્દ્રીય મંત્રીઓ, મુખ્યમંત્રી, રાજ્ય સરકારના મંત્રીઓ, દેશ-વિદેશના ટોચના ઉદ્યોગપતિઓ સહીતની મોટી સંખ્યામાં હાજરી રહેનાર છે.

ત્યારે વીવીઆઈપી મુવમેન્ટને પગલે શહેર પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા, રેન્જ આઇજી અશોક કુમાર યાદવ અને કચ્છ બોર્ડર એકમનાં રેન્જ આઇજીની અધ્યક્ષતામાં અભેદ્ય સુરક્ષા વ્યવસ્થાની સ્કીમ ઘડી કાઢવામાં આવી છે. બે રેન્જ આઇજીની અધ્યક્ષતામાં કુલ 4500 પોલીસ જવાનો સુરક્ષા વ્યવસ્થામાં તૈનાત રહેનાર છે. બીજી બાજુ એસપીજી કમાન્ડોએ સુરક્ષા વ્યવસ્થાની કમાન સંભાળી લીધી છે.

પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર આજે બપોરથી વડાપ્રધાનનું હેલિકોપ્ટર જયા લેન્ડ થશે તે બેડી યાર્ડ ખાતે બનાવવામાં આવેલ હેલિપેડ, રૂટ, મારવાડી યુનિવર્સીટી સહિતના સ્થળોએ સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરવા રિહર્સલ હાથ ધરવામાં આવ્યું હતું.

વડાપ્રધાનના આગમનને પગલે રાજ્ય પોલીસ વડા ડો.કે.એલ.એન. રાવ અને આઈબીના વડા બપોરે રાજકોટ પહોંચ્યા હતાં. તેઓ વડાપ્રધાન સહિતના નેતાઓના આગમનને પગલે ઘડાયેલી સુરક્ષા વ્યવસ્થાબિ સમીક્ષા કરી છે. તેઓ બંદોબસ્ત સ્કીમની આખેઆખી વિગતો મેળવી પરિસ્થિતિનો તાગ મેળવનાર છે.

વડાપ્રધાનના કાર્યક્રમ દરમિયાન અને બે દિવસ ચાલનાર વાઈબ્રન્ટ સમીટના આયોજનમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જેમાં રાજકોટ રેન્જ આઈજી અને બોર્ડર રેન્જ આઈજીના માર્ગદર્શન હેઠળ 11 ડીસીપી 30 એસીપી, 90 પીઆઈ, 235 પીએસઆઈ, 2560 પોલીસમેન અને સાથે હોમગાર્ડ, ટીઆરબીના જવાનો પણ સુરક્ષામાં ખડેપગે રહેશે. ઉપરાંત એસઆરપીની 3 કંપનીના 210 જવાનો પણ પણ સુરક્ષા વ્યવસ્થામાં સાથે રહેશે.

નાની પતંગની મોટી ઉડાન: વડોદરાના નરેન્દ્ર શિંદે બનાવે છે 1 થી 7-8 ઇંચ સુધીના પતંગ

સુરતના રિવરફ્રન્ટ ખાતે યોજાયેલા આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ-2026માં વિવિધ રંગ, આકાર અને કદની પતંગો વચ્ચે વડોદરાના નરેન્દ્ર શિંદેની ૨.૫ ઈંચની પતંગ સૌના આકર્ષણનું કેન્દ્ર બની હતી. પ્રથમ વખત સુરત પતંગોત્સવમાં સહભાગી બનેલા નરેન્દ્ર શિંદેએ જણાવ્યું કે, તેઓ વર્ષ 2007થી નાની નાની પતંગો બનાવે છે. જેમાં તેમની પાસે 1 ઈંચથી લઈને 7-8 ઇંચ સુધીના પતંગોનો સમાવેશ થાય છે.

નાના પતંગોની ખાસિયત જણાવતાં તેમણે કહ્યું કે, મોટી પતંગો સૌ કોઈ બનાવે છે. એટલે બધાથી કંઈક વિશેષ કરવાની પ્રેરણાથી મેં નાની પતંગો બનાવવાની શરૂઆત કરી જેમાં ખર્ચ અને સાચવણી બંને ઓછું હોય છે. તેમજ વિશેષ પ્રસંગોએ નાના બાળકોને ભેટ આપવાથી તેઓ અત્યંદ આનંદિત થાય છે.

દ્વારકાના મકનપુર ગામે દરિયામાં નાહવા પડેલા 4 મિત્રો ડૂબ્યા, 3નો બચાવ

0

દેવભૂમિ દ્વારકાથી ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. દ્વારકાના મકનપુર ગામે દરિયામાં નાહવા પડેલા 4 મિત્રો ડૂબ્યા હોવાની માહિતી મળી રહી છે. મળતી માહિતી મુજબ દ્વારકાના મકનપુર ગામે 4 મિત્રો દરિયાકાંઠે નાહવા પડ્યા હતા. જેમાંથી 3 યુવાનોનો આબાદ બચાવ થયો છે,જ્યારે ચોથા યુવકની શોધખોળ ચાલુ છે.

મળતી માહિતી મુજબ આ 4 યુવકો રાજસ્થાનથી દ્વારકા ફરવા માટે આવ્યા હતા. અહીં દરિયાકાંઠે નાહવા પડતા 4 એ 4 મિત્રો ડૂબ્યા હતા. જોકે તેમાંથી 3નો આબાદ બચાવ થયો છે પણ હજુ એક મિત્રની શોધખોળ ચાલી રહી છે. ફાયર વિભાગની ટીમ યુવકની શોધખોળમાં લાગી છે.

રાજસ્થાનના આ યુવકો ગુજરાતમાં દ્વારકા નગરીમાં ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કરવા તેમજ ફરવા માટે આવ્યા હતા. ત્યારે દરિયામાં નાહવા પડતા 3 મિત્રો ડૂબતા ડૂબતા બચ્યા છે, ફાયર વિભાગની ટીમે 3ને બચાવી લીધા છે અને એક યુવકની હજુ શોધખોળ ચાલી રહી છે.

ગઈકાલે મોડી સાંજથી જ ફાયર બ્રિગેડની ટીમ સતત શોધખળ કરી રહી છે. દરિયામાં કરંટ હોવાના કારણે રેસ્ક્યુ કામગીરીમાં મુશ્કેલી પડી રહી છે. બીજી તરફ, રાજસ્થાનથી આવેલા આ પ્રવાસી મિત્રોમાં આ અકસ્માતને પગલે ભારે શોક અને ફફડાટ વ્યાપી ગયો છે.

સુરતના સચિન SEZમાં ભાગેડુ નિરવ મોદીની બંધ જવેલરી કંપનીની ઓફિસમાં શંકાસ્પદ આગ ભભૂકી

0

સુરતના સચિન રોડ પર આવેલી સ્પેશિયલ ઇકોનોમિક ઝોન (SEZ)માં ભાગેડુ નિરવ મોદીની બંધ હાલતમાં રહેલી જવેલરી કંપનીની ઓફિસમાં શંકાસ્પદ આગ લાગવાની ઘટના સામે આવી છે. ગ્રાઉન્ડ ફ્લોર પર લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા પહેલા માળને પણ ઝપેટમાં લીધો હતો. ફાયર બ્રિગેડની ટીમે સતત 6 કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. આગની ઘટનામાં મહત્વના દસ્તાવેજો સહિત ઓફિસમાં રહેલી તમામ સામગ્રી બળીને ખાખ થઈ ગઈ છે. જો કે આગ લાગવાને લઇને ઘણી શંકા-કુશંકા જોવા મળી રહી છે.

આ કંપનીને અગાઉ EDના દરોડા બાદ સીલ કરવામાં આવી હતી અને પાવર કનેક્શન પણ કટ કરી દેવામાં આવ્યા હતા, છતાં આગ લાગતા અનેક તર્ક-વિતર્કો ઉભા થયા છે. કંપનીમાં આગ સ્વયં લાગી કે કોઈએ આગ લગાડી તે બાબતે મોટો સવાલ ઉભો થયો છે. કંપનીમાં મોંઘી મશીનરી અને જવેલરી હોવાને કારણે ચોરીની આશંકા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે, તેમજ ચોરીને છુપાવવા માટે આગ લગાડવામાં આવી હોવાની ચર્ચા પણ તેજ બની છે. ઘટનાને લઈને પોલીસ અને સંબંધિત એજન્સીઓ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

શુક્રવાર ફરી આગ લાગતાં વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં ધુમાડાના ગોટાગોટા નીકળવા માંડ્યા હતા, જેના લીધે ત્યાંના હાજર લોકોમાં ભય ફેલાતાં અફરાતફરી અને દોડધામ થઈ જવા પામી હતી, જોકે પાલિકાના ફાયરબિગ્રેડને કોલ મળતાં લાશ્કરોનો કાફલો ઘટનાસ્થળે ધસી જઈને સતત પાણીનો છંટકાવ કરતાં છ કલાક સુધી ભારે જહેમત ઉઠાવી આગ પર કાબૂ મેળવ્યો હતો.

જર્વેલરીની કંપનીમાં ગુરુવારે રાતે આગ ફાટી નીકળી હતી, જેથી સચિન નોટિફાઇડ ફાયર જવાનો ત્યાં પહોચીને કામગીરી કરતાં આગ કાબૂમાં આવી હતી. બાદમાં શુક્રવારે ફરી ત્યાં આગ લાગતાં ત્યાંથી ફાયર ટીમ આગ બુઝાવી શક્યા નહીં, જેથી પાલિકાના ફાયર કાફલો ત્યાં પહોચીને છ કલાક સુધી કામગીરી કરતાં આગ કાબૂમાં આવી હતી.

અયોધ્યા રામ મંદિરમાં નમાઝ પઢવાનો પ્રયાસ, કાશ્મીરી યુવકની સુરક્ષાકર્મીઓએ કરી અટકાયત

0

અયોધ્યામાં રામ મંદિરની સુરક્ષામાં ભંગ થયો હોવાના અહેવાલ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, એક ચોક્કસ સમુદાયના એક યુવકે રામ મંદિર સંકુલમાં નમાજ અદા કરવાનો પ્રયાસ કર્યો. જ્યારે તેને રોકવામાં આવ્યો ત્યારે તેણે ચોક્કસ સમુદાયના સમર્થનમાં સૂત્રોચ્ચાર કર્યા. ઘટનાસ્થળે હાજર સુરક્ષા દળોએ યુવકની અટકાયત કરી છે. સુરક્ષા એજન્સીઓ તેની પૂછપરછ કરી રહી છે.

યુવક અને યુવતી રામ મંદિરના ગેટ D1થી પ્રવેશ્યા. ત્યારબાદ યુવક સીતા રસોઈ પાસે નમાજ પઢવા બેઠો. પોલીસે તેને આમ કરતા જોતાં જ તેની અટકાયત કરી લીધી. તે યુવક કાશ્મીરી પોશાક પહેરેલા હતા. એક પુરુષની ઓળખ કાશ્મીરના શોપિયાના રહેવાસી અબુ અહેમદ શેખ તરીકે થઈ છે. છોકરીની ઓળખ સોફિયા તરીકે થઈ છે. બીજા યુવકનું નામ હજુ સુધી જાણી શકાયું નથી.

રમેશ યાદવએ જણાવ્યું કે જ્યારે સુરક્ષા કર્મચારીઓએ યુવાનોને રોક્યા ત્યારે તેઓ નારા લગાવવા લાગ્યા. ઘટનાની માહિતી મળતા જ ગુપ્તચર એજન્સીઓ, સ્થાનિક પોલીસ અને વરિષ્ઠ વહીવટી અધિકારીઓ તાત્કાલિક સક્રિય થઈ ગયા હતા. જોકે, જિલ્લા વહીવટીતંત્રે હજુ સુધી આ બાબતે કોઈ સત્તાવાર નિવેદન જારી કર્યું નથી. રામ મંદિર ટ્રસ્ટે પણ સમગ્ર ઘટના પર મૌન ધારણ કર્યું છે.

અહેવાલો અનુસાર, આરોપી યુવક કાશ્મીરનો રહેવાસી છે અને તેનું નામ અહેમદ શેખ જણાવવામાં આવી રહ્યું છે. તે જમ્મુ અને કાશ્મીરના શોપિયાનો રહેવાસી છે. એવો આરોપ છે કે તે યુવક દક્ષિણ પાર્કોટ વિસ્તારમાં સીતા રસોઈ પાસે નમાજ અદા કરી રહ્યો હતો. સુરક્ષા એજન્સીઓએ તેની અટકાયત કરી છે અને તેની પૂછપરછ કરી રહી છે. પોલીસ તમામ પાસાઓથી કેસની તપાસ કરી રહી છે. સૂત્રોનું કહેવું છે કે કેસની સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીને, દરેક પાસાની તપાસ કરવામાં આવી રહી છે. આરોપી કેમ આવ્યો અને તેનો ઇરાદો શું હતો તે હજુ સુધી બહાર આવ્યું નથી.

ઓડિશામાં ભુવનેશ્વર જતું વિમાન ક્રેશ, પાઈલટ સહિત 6 લોકો સવાર હતા

0

ઓડિશાના રાઉરકેલાથી મોટા સમાચાર આવી રહ્યા છે. ભુવનેશ્વરથી રાઉરકેલા આવી રહેલ એક વિમાન ક્રેશ થયું છે. મળતી માહિતી મુજબ, વિમાન 9 સીટવાળું હતું, જેમાં કુલ 7 લોકો સવાર હતા. અકસ્માત સમયે, 6 મુસાફરો ઉપરાંત, એક પાયલોટ પણ સવાર હતો. હાલમાં, આ અકસ્માતમાં સામેલ તમામ લોકો ઘાયલ હોવાનું જાણવા મળે છે. તમામ ઘાયલોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. વિમાન ક્રેશ થવાના કારણ વિશે વધુ માહિતીની રાહ જોવાઈ રહી છે. ક્રેશ થવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.

ઉતરાણ પહેલાં અકસ્માત
ઓડિશાના રાઉરકેલામાં એક નાનું વિમાન ક્રેશ થયું હોવાના અહેવાલ છે. અહેવાલો અનુસાર, આ વિમાન નવ સીટવાળી ઇન્ડિયા વન એર ફ્લાઇટ હતી જે ભુવનેશ્વરથી રાઉરકેલા જઈ રહી હતી. વિમાનમાં છ મુસાફરો અને એક પાયલોટ સહિત સાત લોકો સવાર હતા. અકસ્માતનું કારણ હાલમાં અજ્ઞાત છે. એવું કહેવાય છે કે વિમાન રાઉરકેલાથી આશરે 10-15 કિલોમીટર દૂર ક્રેશ થયું હતું. ઘટનાની જાણ થતાં જ સંબંધિત વિભાગો હચમચી ગયા હતા.

વિમાનમાં સવાર બધા સુરક્ષિત
માહિતી મળતાં જ, બચાવ ટીમ ઘટનાસ્થળે પહોંચી. ઘાયલ મુસાફરો અને પાયલોટને હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા. ભુવનેશ્વરથી પ્રવાસન વિભાગની એક ટીમ પણ પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવા માટે ઘટનાસ્થળે પહોંચશે. તપાસ ચાલી રહી છે. પરિસ્થિતિ અને વિમાન કેવી રીતે ક્રેશ થયું તેની સત્તાવાર પુષ્ટિ તપાસ પછી જ થશે. હાલમાં, વહીવટીતંત્ર અને સંબંધિત એજન્સીઓ સતર્ક છે. સ્થાનિક સ્તરે સુરક્ષા અને સહાયની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. આટલી મોટી વિમાન દુર્ઘટનામાં દરેકનો સુરક્ષિત બચાવ એક ચમત્કાર માનવામાં આવી રહ્યો છે.

અડાજણ રિવરફ્રન્ટ પર આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજાયો

0

સુરત શહેરના અડાજણ રિવરફ્રન્ટ ખાતે ગુજરાત પ્રવાસન નિગમ લિ., સુરત મહાનગરપાલિકા અને જિલ્લા વહીવટીતંત્રના સંયુક્ત ઉપક્રમે સાંસદ મુકેશભાઈ દલાલના અધ્યક્ષસ્થાને ‘આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-2026’ યોજાયો હતો. જેમાં 21 દેશોના 45 અને ભારતના ચાર રાજ્યોના 20 તેમજ ગુજરાતના 29 મળી કુલ 94 પતંગબાજોએ અવનવા પતંગો ચગાવીને આકાશને રંગબેરંગી બનાવ્યું હતું. દેશ-વિદેશના પતંગબાજોએ ભાતીગળ પતંગો વડે કલા-કૌશલ્યથી ભરપૂર પતંગબાજી કરીને સુરતીઓને મોહી લીધા હતા. નિપુણ પતંગબાજોએ ટચુકડા, વિરાટકાય અને અવનવા રંગો-આકૃતિઓના પતંગો ઉડાડીને પ્રેક્ષક સમુદાયને રોમાંચિત કર્યો હતો.

સાંસદ મુકેશભાઈ દલાલે સુરતવાસીઓને મકરસંક્રાતિની શુભકામનાઓ પાઠવતા જણાવ્યું હતું કે, ભારતમાં ઉત્તરાયણના તહેવારનું વિશેષ ધાર્મિક તથા સાંસ્કૃતિક મહત્વ છે. પતંગ ટીમ વર્કનું શ્રેષ્ઠ ઉદાહરણ બની આપણને એકતાનું મહત્વ સમજાવે છે. જેમ પતંગને ઊંચે ઉડવા માટે પવનની યોગ્ય દિશાની જરૂર પડે છે, તેમ જીવનમાં સાચા માર્ગે આગળ વધવાથી પ્રગતિ નિશ્ચિત બને છે. વર્ષ 1998થી સુરત સહિત સમગ્ર રાજ્યમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે, જેના કારણે ખાદ્ય, ફૂલ ઉદ્યોગ સહિત અનેક ક્ષેત્રોમાં રોજગારીની નવી તકો સર્જાય છે.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, જનભાગીદારીથી ઉજવાતા પરંપરાગત તહેવારો સમાજમાં હકારાત્મક ઊર્જાનો સંચાર કરે છે. આપણી પ્રાચીન પરંપરા અને લોકસંસ્કૃતિને જીવંત રાખતા આવા ઉત્સવો ‘વિવિધતામાં એકતા’ની ભાવનાને વધુ મજબૂત બનાવે છે.

આ પ્રસંગે ધારાસભ્યશ્રી પુર્ણેશભાઈ મોદીએ જણાવ્યું હતું કે, સરકાર દ્વારા આયોજિત ઉત્સવો અને મેળાઓના કારણે દેશ-વિદેશના પ્રવાસીઓ મોટી સંખ્યામાં ગુજરાતના પ્રવાસન વૈભવનો આનંદ માણવા આવે છે. દક્ષિણ ભારતમાં પોંગલ, ઉત્તર ભારતમાં મકરસંક્રાતિના એક દિવસ પહેલાં લોહરી અને પશ્ચિમ બંગાળમાં ગંગાસાગર મેળો યોજાય છે. આ રીતે મકરસંક્રાતિ પર્વ સમગ્ર દેશને વિવિધતા વચ્ચે એકતાના સૂત્રમાં બાંધે છે.

ચાઈનીઝ દોરીનો 2.67 કરોડનો મુદ્દામાલ જપ્ત, 409 FIR અને 477ની ધરપકડ, હાઈકોર્ટમાં સોગંદનામું

ઉત્તરાયણ પર્વ દરમિયાન જાહેર સુરક્ષાને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે ચાઈનીઝ દોરી અને ઘાતક તુક્કલ પરના પ્રતિબંધ અંગે ગુજરાત હાઈકોર્ટમાં મહત્વનું સોગંદનામું રજૂ કર્યું છે. ગૃહ વિભાગના પ્રિન્સીપાલ સેક્રેટરી દ્વારા રજૂ કરવામાં આવેલી આ વિગતોમાં જણાવવામાં આવ્યું છે કે રાજ્યભરમાં સિન્થેટીક, નાયલોન અને ચાઈનીઝ દોરીના ઉત્પાદન, વેચાણ, સંગ્રહ અને વપરાશ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકતું જાહેરનામું અમલી છે અને તેની કડક અમલવારી કરવામાં આવી રહી છે.

સરકાર દ્વારા રજૂ કરાયેલા આંકડાઓ મુજબ, પ્રતિબંધિત દોરીઓના ગેરકાયદેસર વેચાણ અને વપરાશના કિસ્સામાં અત્યાર સુધીમાં કુલ 409 એફઆઈઆર (FIR) દાખલ કરવામાં આવી છે. પોલીસની વિવિધ ટીમો દ્વારા હાથ ધરવામાં આવેલા દરોડામાં ચાઈનીઝ દોરીના અંદાજે 71,819 જેટલા રીલ (ટેલર) જપ્ત કરવામાં આવ્યા છે, જેની બજાર કિંમત આશરે 2.67 કરોડ રૂપિયા જેટલી થવા જાય છે. આ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સંડોવાયેલા કુલ 477 લોકોની અત્યાર સુધીમાં ધરપકડ કરવામાં આવી હોવાનું પણ સરકાર પક્ષે હાઈકોર્ટને જણાવ્યું હતું.

કાયદાકીય કાર્યવાહીની સાથે સાથે જનજાગૃતિ ફેલાવવા માટે પણ વહીવટી તંત્ર સક્રિય બન્યું છે. પ્રતિબંધિત દોરીના જોખમો વિશે લોકોને માહિતગાર કરવા માટે 37થી વધુ સત્તાવાર જાહેરાતો અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર 683થી વધુ પોસ્ટ દ્વારા જાગૃતિ અભિયાન ચલાવવામાં આવ્યું છે.

નોંધનીય છે કે પોલીસ તંત્રને આ બાબતે વિશેષ સત્તાઓ સોંપવામાં આવી છે. જાહેરનામાનો ભંગ કરનારા તત્વો વિરુદ્ધ હવે કોઈપણ પોલીસ કર્મચારી સીધી ફરિયાદ દાખલ કરી શકે છે. ઓનલાઇન પ્લેટફોર્મ પર થતા વેચાણ અંગે પણ સાયબર ક્રાઈમ અને સ્થાનિક પોલીસ દ્વારા બાજ નજર રાખવામાં આવી રહી છે.

પાડોશી રાજ્યોમાંથી આવી ઘાતક દોરીઓની આયાત અટકાવવા માટે સરહદી જિલ્લાઓના પોલીસ વડાઓને સરહદ પર કડક ચેકિંગના આદેશો આપવામાં આવ્યા છે. નાગરિકોની સુવિધા માટે સીટી અને ડિસ્ટ્રીકટ પોલીસ કંટ્રોલ રૂમ ખાતે ખાસ ‘ઉત્તરાયણ હેલ્પડેસ્ક’ કાર્યરત કરવામાં આવ્યું છે. કોઈપણ નાગરિક 112 નંબર પર ફોન કરીને ગેરકાયદેસર દોરીના વેચાણ કે સંગ્રહ વિશે માહિતી આપી શકે છે. આ ફરિયાદોની નોંધણી માટે અલગ રજિસ્ટર રાખવા અને 24 કલાક ફરજ પર રહેલા અધિકારીઓને તાત્કાલિક કાર્યવાહી કરવાના કડક નિર્દેશ પણ જારી કરાયા છે.