Home Blog Page 203

અમેરિકાના જ્યોર્જિયામાં પારિવારિક વિવાદમાં ગોળીબાર, ચાર ભારતીયોના મોત

0

અમેરિકાના જ્યોર્જિયા રાજ્યમાં કથિત પારિવારિક વિવાદને લગતી ગોળીબારની ઘટનામાં ચાર ભારતીય નાગરિકોના મોત થયા છે. એટલાન્ટામાં ભારતીય દૂતાવાસે આ માહિતી આપી છે. સ્થાનિક મીડિયા અહેવાલો અનુસાર, ગુરુવારે વહેલી સવારે લોરેન્સવિલે શહેરમાં થયેલા ગોળીબારમાં ચાર લોકોના મોત થયા છે, જ્યારે ઘટના સમયે ત્રણ બાળકો ઘરની અંદર હાજર હતા. એટલાન્ટામાં ભારતીય કોન્સ્યુલેટે ગોળીબારની ઘટના પર ઊંડો દુ:ખ વ્યક્ત કર્યો છે અને કહ્યું છે કે કથિત હુમલાખોરની ધરપકડ કરવામાં આવી છે અને પીડિત પરિવારને શક્ય તમામ સહાય પૂરી પાડવામાં આવી રહી છે.

ભારતીય કોન્સ્યુલેટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર પોસ્ટ કર્યું, “કથિત કૌટુંબિક વિવાદ સાથે સંકળાયેલી ગોળીબારની ઘટનાથી અમને ખૂબ જ દુઃખ થયું છે. કથિત હુમલાખોરની ધરપકડ કરવામાં આવી છે અને પીડિત પરિવારને તમામ શક્ય સહાય પૂરી પાડવામાં આવી રહી છે.” ફોક્સ5 એટલાન્ટાએ અહેવાલ આપ્યો છે કે શંકાસ્પદ વ્યક્તિની ઓળખ એટલાન્ટાના 51 વર્ષીય વિજય કુમાર તરીકે થઈ છે. ગ્વિનેટ કાઉન્ટી પોલીસના જણાવ્યા અનુસાર, મૃતકોની ઓળખ કુમારની પત્ની મીમુ ડોગરા (43), ગૌરવ કુમાર (33), નિધિ ચંદેર (37) અને હરીશ ચંદેર (38) તરીકે થઈ છે.

રિપોર્ટમાં જણાવાયું છે કે શંકાસ્પદ વ્યક્તિ પર ગંભીર હુમલો, હત્યા, દુર્ભાવનાપૂર્ણ ઈરાદાથી હત્યા અને બાળકો પ્રત્યે ક્રૂરતાનો આરોપ મૂકવામાં આવ્યો છે. પોલીસને ગુરુવારે સવારે 2:30 વાગ્યે બ્રુક આઇવી કોર્ટના 1000 બ્લોકમાંથી ફોન આવ્યો. રિપોર્ટ અનુસાર, ઘટનાસ્થળે પહોંચ્યા પછી, અધિકારીઓને ઘરની અંદર ચાર પુખ્ત વયના લોકોના મૃતદેહ મળ્યા, જે બધાને ગોળી વાગી હતી. પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે ગોળીબાર શરૂ થયો ત્યારે ત્રણ બાળકો હાજર હતા. બાળકો તેમની સલામતી માટે કબાટમાં છુપાઈ ગયા હતા. તપાસકર્તાઓએ જણાવ્યું હતું કે બાળકોમાંથી એકે કોઈક રીતે 911 પર ફોન કર્યો અને મહત્વપૂર્ણ માહિતી આપી, જેના પછી પોલીસ અધિકારીઓ થોડીવારમાં ઘટનાસ્થળે પહોંચ્યા. બાળકો સુરક્ષિત હતા અને બાદમાં પરિવારના એક સભ્ય દ્વારા તેમને લઈ જવામાં આવ્યા હતા.

ગુજરાતમાં સીંગતેલના ભાવમાં ભારે ઉછાળો: એક મહિનામાં ₹200નો વધારો, વધુ ₹40 વધ્યા

0

ગુજરાતના મોંઘવારી સતત વધી રહી છે. તેમજ મોંઘવારીથી ત્રસ્ત મધ્યમ વર્ગ માટે જીવવું મુશ્કેલ બની રહ્યું છે. ત્યારે સીંગતેલના ભાવમાં એક જ દિવસમાં 40 રૂપિયાનો ધરખમ વધારો નોંધાયો હતો. આ સાથે એક મહિનામાં સીંગતેલના ડબ્બામાં રૂપિયા 200નો વધારો થયો છે. રાજ્યમાં મગફળીનું વિક્રમ જનક ઉત્પાદન છતાં ખાદ્યતેલના ભાવ સતત વધી રહ્યાં છે. આ વર્ષે મગફળીનું ઉત્પાદન 30 ટકા વધવા છતા જનતાને સીંગતેલના ભાવમાં કોઈ રાહત મળી નથી રહી. સીંગતેલના ભાવમાં એક મહિનાથી સતત વધારો થઈ રહ્યો છે. સરકાર પણ તેલિયા રાજાની મનમાની સામે લાચાર જણાઈ રહી છે.

એક મહિના પહેલા સિંગતેલના 15 કિલોના ડબ્બાનો ભાવ 2590 હતા જ્યારે હાલમાં સીંગતેલના ડબ્બાનો ભાવ 2785 થયા છે. સરકારી તંત્રની નિષ્ક્રિયતા અને નફાખોરીને કારણે ગ્રાહકોને મોંઘું તેલ ખરીદવાની ફરજ પડી રહી છે. માત્ર સીંગતેલ જ નહીં, અન્ય ખાદ્યતેલોમાં પણ ભાવવધારો જોવા મળ્યો છે. કપાસિયા તેલમાં એક મહિનામાં 115 રૂપિયાનો વધારો. પામતેલમાં એક મહિનામાં 105 રૂપિયાનો વધારો. રૅકોર્ડબ્રેક ઊંચાઈએ પહોંચેલા કોપરેલ તેલમાં મહિનામાં 500 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે.

શું ટ્રમ્પ ભારત પર લગાવેલો 25 ટકા ટેરિફ હટાવશે ?

0

અમેરિકા દ્વારા ભારત સહિત અનેક દેશો પર ટેરિફ લગાવવામાં આવ્યો હતો. આ દરમિયાન અમેરિકાના ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેંટે ભારત પર લગાવવામાં આવેલા 25 ટકા ટેરિફને લઈ મોટું નિવેદન આપ્યું છે. તેણે કહ્યું કે, ભારત પર લગાવવામાં આવેલો ટેરિફ ઘણા અંશે સરળ રહ્યો છે. ટેરિફ બાદ ભારત દ્વારા રશિયા પાસેથી ઓઈલ ખરીદીમાં મોટો ઘટાડો થયો છે. હાલ ટેરિફ લાગુ છે પરંતુ અમેરિકા તેને કાયમી નથી માનતું.

આગામી સમયમાં ભારત પર લગાવવામાં આવેલો 25 ટકા ટેરિફ હટાવવામાં પણ આવી શકે તેવો સંકેત તેમણે આપ્યો હતો. સ્કોટ બેસેંટે કહ્યું, મને લાગે છે કે હવે તેને હટાવવાનો એક રસ્તો બની શકે છે. જો હાલત અનુકૂળ રહે અને વાતચીત આગળ વધે તો અમેરિકા ભારતને ટેરિફમાં રાહત આપી શકે છે. વૈશ્વિક સ્તરે ઓઈલ વ્યાપાર અને રશિયા સાથે જોડાયેલા પ્રતિબંધોને લઈ સતત ચાલી રહેલી ચર્ચા વચ્ચે આ વાત સામે આ નિવેદન સામે આવ્યું છે.

અમેરિકાએ ભારતથી આવતા સામાન પર કુલ મળીને 50 ટકા સુધી ટેક્સ લગાવ્યો છે. જેમાં આશરે 25 ટકા સામાન્ય ટેરિફ છે, જે ભારતના લગભગ 55 ટકા નિકાસ પર લાગુ છે. આ ઉપરાંત ઓગસ્ટ 2025થી વધારાનો 25 ટકા ટેરફિ લગાવ્યો હતો. જેના કારણે રશિયા પાસેથી ઓઈલ ખરીદવાને લઈ ભારત પર દબાણ આવ્યું હતું.

રશિયાના તેલને લઈને અમેરિકા, G7 અને યુરોપિયન દેશોએ એક પ્રાઈસ કેપ સિસ્ટમ લાગુ કરી છે. જાન્યુઆરી 2026 સુધી આ મર્યાદા આશરે 47.60 ડોલર પ્રતિ બેરલ છે, જેને 1 ફેબ્રુઆરી 2026થી ઘટાડીને 44.10 ડોલર કરવામાં આવશે. નિયમ એવો છે કે જો રશિયન ઓઈલ નક્કી કરેલી કિંમત કરતા વધુ ભાવે વેચવામાં આવશે, તો તેના પર વીમો, શિપિંગ અને ફાયનાન્સ જેવી સેવાઓ આપવામાં આવશે નહીં.

અમેરિકાનો દાવો છે કે આ દબાણ બાદ ભારતે રશિયન ઓઈલની ખરીદી ઘટાડી દીધી છે. અહેવાલો મુજબ, રિલાયન્સ જેવી મોટી ભારતીય રિફાઈનરીઓએ જાન્યુઆરી 2026 માં રશિયન ઓઈલ લેવાનું બંધ કરી દીધું છે. બીજી તરફ ભારતનું કહેવું છે કે તે તેની ઉર્જા જરૂરિયાતો રાષ્ટ્રીય હિત અને પોષાય તેવા ભાવના આધારે નક્કી કરે છે, પરંતુ 500 ટકા ટેરિફવાળા નવા અમેરિકન બિલ પર તે સતત નજર રાખી રહ્યું છે.

ગુજરાતમાં ફરી કડાકા ભરી ઠંડી, હવામાન વિભાગે વરસાદની આગાહી કરી

ગુજરાતમાં શીતલહેરનો પ્રભાવો ફરીથી દેખાઈ રહ્યો છે. રાજ્યભરમાં તાપમાનનો પારો ઘટી ગયો છે, જ્યારે ઠંડા પવન ફૂંકાતા લોકોએ કફ અને શીતલતાનો અનુભવ કર્યો. ઉત્તર ભારતમાં થયેલી હિમવર્ષાની અસર રાજ્યના લઘુત્તમ તાપમાનમાં 3-4 ડિગ્રીનો ઘટાડો લાવવામાં જોવા મળી. નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર બની રહ્યું છે, જ્યાં એકજ દિવસમાં તાપમાન 5.3 ડિગ્રી ઘટ્યું. અન્ય શહેરોમાં ડીસામાં 8.4, રાજકોટમાં 9.5, ભૂજમાં 9.8, પોરબંદરમાં 10.2 અને ગાંધીનગરમાં 11 ડિગ્રી નોંધાયું. અમદાવાદમાં તાપમાન 12.5 ડિગ્રી સુધી ઘટી ગયું છે, જેના કારણે ઠંડીનો કડાકો મહેસૂસ કરવામાં આવી રહ્યો છે.

અમદાવાદમાં 14.8 ડિગ્રી, અમરેલીમાં 14.8 ડિગ્રી, ગાંધીનગરમાં 13.7 ડિગ્રી, કંડલામાં 14.2 ડિગ્રી, કેશોદમાં 14.1 ડિગ્રી, રાજકોટમાં 15.3 ડિગ્રી, ડીસામાં 14.5 ડિગ્રી, ગાંધીનગરમાં 15 ડિગ્રી, પોરબંદરમાં 16.2 ડિગ્રી, ઓખામાં 16.8 ડિગ્રી

ઉત્તર પ્રદેશ, હરિયાણામાં ભારે વરસાદની આગાહી IMD દ્વારા કરવામાં આવી છે, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશમાં વરસાદની આગાહી કરવામાં આવી છે અને જમ્મુ અને કાશ્મીર, લદ્દાખમાં વરસાદની આગાહી સાથે સાથે તમિલનાડુ અને કેરળમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 55થી 60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે અને 26 જાન્યુ.એ હિમાચલમાં ભારે વરસાદની ચેતવણી કરવામાં આવી છે

ધાર્મિક સ્થળની મિલકત પર પૂજારીનો હક નથી: ગુજરાત હાઈકોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો

0

ગુજરાત હાઈકોર્ટે એક અત્યંત મહત્વપૂર્ણ ચુકાદો આપતા સ્પષ્ટ કર્યું છે કે, કોઈ પણ ધાર્મિક સ્થળના પૂજારી તે મિલકત પર માલિકી હક ધરાવી શકતા નથી. પૂજારી એ માત્ર ભગવાનના સેવક છે. હાઈકોર્ટે આ ટિપ્પણી સાથે મંદિરના પૂજારી રમેશભાઈ શર્મા દ્વારા દાખલ કરવામાં આવેલી બીજી અપીલને ફગાવી દીધી છે. આ ચુકાદાને પગલે જાહેર રોડ પર અવરોધરૂપ બનેલા ગણેશ મંદિરના ગેરકાયદે બાંધકામને હટાવવાનો માર્ગ મોકળો થયો હતો.

મળતી વિગતો અનુસાર, આ વિવાદની શરૂઆત આશાબેન કે. મોદી દ્વારા દાખલ કરવામાં આવેલા દિવાની દાવાથી થઈ હતી. તેમણે આક્ષેપ કર્યો હતો કે તેમની જમીન પાસેના જાહેર માર્ગ પર સત્તાધિકારીઓની મંજૂરી વિના ગણેશ મંદિર બનાવવામાં આવ્યું છે, જે તેમના પ્રોપર્ટીમાં આવવા-જવાના કાયદેસરના રસ્તામાં અવરોધ ઊભો કરે છે. અગાઉ નીચલી અદાલત અને પ્રથમ એપેલેટ કોર્ટે પણ આશાબેનની તરફેણમાં ચુકાદો આપીને મંદિરનું બાંધકામ હટાવવાનો આદેશ આપ્યો હતો, જેને પૂજારીએ હાઈકોર્ટમાં પડકાર્યો હતો.

જસ્ટિસ જે. સી. દોશીએ આ કેસની સુનાવણી દરમિયાન પૂજારીના ‘એડવર્સ પઝેશન’ (કબજા હક) ના દાવાને સદંતર નકારી કાઢ્યો હતો. પૂજારીની દલીલ હતી કે તેઓ ૧૨ વર્ષથી વધુ સમયથી ત્યાં રહીને ધાર્મિક વિધિઓ કરે છે, તેથી તેમને કાયદેસરનો હક મળે છે. જોકે, કોર્ટે સ્પષ્ટતા કરી કે કબજા હક સાબિત કરવા માટે માલિકની વિરુદ્ધમાં શત્રુતાપૂર્ણ અને અવિરત કબજો સાબિત કરવો પડે. કોર્ટે અવલોકન કર્યું હતું કે પ્રતિવાદી માત્ર એક પૂજારી હતા, તેઓ માલિક નથી. પૂજારી તરીકેનો તેમનો દરજ્જો ભગવાનના સેવક તરીકેનો છે, મિલકતના માલિક તરીકેનો નહીં.

બાંધકામ સંપૂર્ણપણે ગેરકાયદેસર હાઈકોર્ટે ભારપૂર્વક જણાવ્યું હતું કે પૂજારી હોવાને નાતે મિલકત પર કોઈ સ્વતંત્ર અધિકાર મળતો નથી. આ કેસમાં કાયદાનો કોઈ પાયાનો પ્રશ્ન ન જણાતા કોર્ટે અપીલ ફગાવી દીધી હતી. હાઈકોર્ટે અંતમાં જણાવ્યું હતું કે જાહેર માર્ગ પર કરવામાં આવેલું આવું કોઈપણ બાંધકામ “સંપૂર્ણપણે ગેરકાયદેસર અને અનધિકૃત” છે. આ ચુકાદાથી સ્પષ્ટ થાય છે કે ધર્મના નામે જાહેર જમીનો કે રસ્તાઓ પર કરવામાં આવેલા દબાણોને કાયદાકીય રક્ષણ મળી શકે નહીં.

24 કલાકમાં ગુજરાતમાં ત્રીજો પોલીસકર્મીનો આપઘાત, ગાંધીનગરમાં હેડ કોન્સ્ટેબલનું મોત

0

ગુજરાત પોલીસ વિભાગ માટે છેલ્લા 24 કલાક અત્યંત દુઃખદ અને ચિંતાજનક રહ્યા છે. ભરૂચ અને ભાવનગરમાં પોલીસકર્મીઓના આપઘાતની ઘટનાની શાહી સુકાઈ નથી, ત્યાં હવે પાટનગર ગાંધીનગરમાં વધુ એક પોલીસ હેડ કોન્સ્ટેબલે ગળેફાંસો ખાઈને આપઘાત કરી લેતા સમગ્ર પોલીસ બેડામાં સોંપો પડી ગયો છે. 24 કલાકની અંદર રાજ્યમાં પોલીસકર્મીના આપઘાતની આ ત્રીજી ઘટના છે.

મળતી માહિતી મુજબ, ગાંધીનગરના સેક્ટર-7 પોલીસ ચોકીમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા ઉપેન્દ્રસિંહ અમરસિંહ વાઘેલાએ આજે સવારે પોતાના જ ઘરમાં ઉપરના માળે પંખા સાથે ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવી લીધું હતું. ઘટનાની જાણ થતાં જ પરિવારજનો અને સ્થાનિકોમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.

પોલીસે ઘટનાસ્થળે પહોંચીને મૃતદેહને નીચે ઉતારી પોસ્ટમોર્ટમ અર્થે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવાની તજવીજ હાથ ધરી છે. ઉપેન્દ્ર સિંહ વાઘેલા પેથાપુરના રહેવાશી હતા. તેઓ સીક લીવ લઈને રજા પર હતા. હાલમાં તેમના પરિવારમાં માતા, બે બાળકો અને પત્ની છે. આ મામલે સેક્ટર 7ના પોલીસ ઈન્સપેક્ટર ગોહિલે આપી હતી. હાલમાં મૃતક ઉપેન્દ્ર સિંહ વાઘેલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો છે.

પોલીસની પ્રાથમિક તપાસમાં આપઘાત પાછળનું કોઈ ચોક્કસ કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી. પોલીસે આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. આપઘાત પાછળના કારણ સુધી પહોંચવા માટે પરિવારજનો અને સાથે ફરજ બજાવતા સહકર્મીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે.

રાજ્યમાં કમોસમી વરસાદ અને પવનની આગાહી: અંબાલાલ પટેલ

ગુજરાતના જાણીતા મોસમી વિજ્ઞાનિ અંબાલાલ પટેલે રાજ્યના વાતાવરણ અંગે મહત્વપૂર્ણ આગાહી કરી છે. તેમનું કહેવું છે કે 25 અને 26 જાન્યુઆરીના રોજ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના અસરકારક પ્રવાહને કારણે રાજ્યમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ પડી શકે છે. આ વચ્ચે, જાન્યુઆરી મહિનાના અંત સુધી રાજ્યમાં વાદળછાયું વાતાવરણ યથાવત રહેશે.

અંબાલાલ પટેલે જણાવ્યું કે, કમોસમી વરસાદના પગલે રાજ્યના અનેક ભાગોમાં ઠંડીનો ચમકારો નોંધાશે અને લોકોમાં ઠંડીની અસર વધુ અનુભવાઈ શકે છે. તેમ સાથે, ફેબ્રુઆરી મહિનામાં પણ વાતાવરણમાં પલટો આવી શકે છે, જે કમોસમી વરસાદ અને પવનની વધુ કામગીરીનો સંકેત છે.

હવામાન વિભાગની આગાહીને પગલે ગુરુવારે સાંજે કચ્છના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો હતો. જેમાં નારાયણ સરોવર, વર્માનગર, ગુહર સહિતના વિસ્તારોમાં માવઠું થયું છે. આમ, પાકિસ્તાન ઉપર સર્જાયેલા કોલ્ડ ફ્રન્ટ કચ્છ તરફ આવતા વરસાદી માહોલ છવાયો છે. કમોસમી વરસાદના કારણે ઠંડીએ જોર પડ્યું છે.

આ બાજુ બનાસકાંઠા, પાટણ સહિતના ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં કમોસમી વરસાદને લઈને હવામાન વિભાગ આગાહી કરી હતી. જેમાં મહેસાણા શહેરમાં સાંજના સમયે અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. શહેરની કેટલીક જગ્યાએ અચાનક કમોસમી વરસાદ વરસ્યો થયો હતો. કમોસમી વરસાદના કારણે ખેડૂતોના રવિ પાકને નુકસાન પહોંચ્યું હોવાની શક્યતા છે.

ભરૂચમાં મહિલા પોલીસ કોન્સ્ટેબલનો આપઘાત, હેડક્વાર્ટરના રૂમમાં ગળા ફાંસો ખાઈ લીધો

0

ભરૂચ શહેરમાં એક મહિલા પોલીસ કોન્સ્ટેબલે આપઘાત કરી લેતા પોલીસ તંત્રમાં હાહાકાર મચી ગયો છે. ગઈ કાલે રાતના સમયે ભરૂચ હેડક્વાર્ટર ખાતે આવેલા પોતાના રહેણાંક રૂમમાં યુવતીએ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી છે.

આપઘાતનું કારણ હજુ અકબંધ
મૂળ ભાવનગરની 27 વર્ષીય પ્રીતિ ઉદેસિંહ પરમારના આપઘાતનું કારણ હજુ અકબંધ છે. ઘટનાની જાણ થતા જ પોલીસના ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા. બી ડિવિઝન પોલીસની મદદથી મૃતદેહને નીચે ઉતારવામાં આવ્યો હતો. ત્યાર બાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

આ મામલે બી ડિવિઝન પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ દ્વારા આપઘાત પાછળનું સાચું કારણ જાણવા માટે મૃતકના પરિવારજનો અને સહકર્મીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે.

અમદાવાદની 15 જેટલી શાળાઓને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

0

અમદાવાદ શહેરની સાત જેટલી સ્કૂલને આજે (23મી જાન્યુઆરી) વહેલી સવારે ઈમેલ દ્વારા બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. જેમાં સંત કબીર સ્કૂલની 3 બ્રાન્ચ, બોપલમા આવેલી ડીપીએસ નવરંગપુરાની સેન્ટ ઝેવિયર્સ લોયોલા, ઘાટલોડિયાની કેલોરેક્ષ સ્કૂલ તથા વસ્ત્રાપુર સ્વયંમ સ્કૂલને નિશાન બનાવીને આ ધમકીભર્યો ઈમેલ મોકલવામાં આવ્યો હતો. ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ તાત્કાલિક પોલીસ, બોમ્બ સ્ક્વોડ અને ક્રાઈમ બ્રાન્ચની ટીમો કાર્યરત થઈ ગઈ છે.

મળતી માહિતી અનુસાર, આજે સવારે અમદાવાદની સંત કબીર સ્કૂલની 3 બ્રાન્ચ, બોપલમા આવેલી ડીપીએસ નવરંગપુરાની સેન્ટ ઝેવિયર્સ લોયોલા, ઘાટલોડિયાની કેલોરેક્ષ સ્કૂલ તથા વસ્ત્રાપુરની સ્વયંમ સ્કૂલ શરૂ થયાના ગણતરીના સમયમાં જ સ્કૂલ વહીવટી તંત્રને બોમ્બ અંગેનો ઈમેલ મળ્યો હતો. સ્કૂલ મેનેજમેન્ટે વિલંબ કર્યા વગર તુરંત જ પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરી હતી. ધમકી મળતા જ સાવચેતીના ભાગરૂપે બંને સ્કૂલ દ્વારા વાલીઓને મેસેજ અને ફોન દ્વારા તાત્કાલિક જાણ કરવામાં આવી હતી કે તેઓ પોતાના બાળકોને ઘરે લઈ જાય. અચાનક શાળાએથી તેડવા માટેનો મેસેજ મળતા જ વાલીઓ મોટી સંખ્યામાં સ્કૂલએ પહોંચ્યા હતા.

બોપલમાં આવેલી DPS સ્કૂલ દ્વારા વાલીઓને મેસેજ દ્વારા જાણ કરવામાં આવી હતી કે, તમારા બાળકને લઈ જાવ. આ પછી વાલીઓ અહીં પહોંચતા સંમતિ ફોર્મ ભરવામાં આવ્યું હતું અને વાલીઓ અહીં હેરાન થયા હતા. બોમ્બ મળ્યાની ધમકી હોવા છતાં આ રીતની કાર્યવાહીથી વાલીઓ પણ પેનિકમાં આવી ગયા હતા.

વાલીએ જણાવ્યું હતું કે, દુઃખદ બાબત કહેવાય આ પ્રકારની ધમકી ભર્યો મેલ મળવો, આવું થવું જ ન જોઈએ. અવારનવાર આ સમાચાર મળે છે તે સારી બાબત નથી. જેથી કડક પગલાં ભરવા જોઈએ. આના કારણે વિદ્યાર્થીઓનો અભ્યાસ પણ બગડી રહ્યો છે. મેસેજ મળતા દરેક વાલીઓમાં ડરનો માહોલ ફેલાઈ જાય છે. બીજી-ત્રીજી વખત આવું બન્યું છે, ગમે ત્યારે લેવા માટે આવી જવું પડતું હોય છે.

એક મહિના અગાઉ અમદાવાદ, ગાંધીનગર, કલોલ શહેરની અલગ અલગ સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. ઝેબર ,ઝાયડસ, અગ્રસેન અને DAV ઇન્ટરનેશનલ સ્કૂલ સહિત 26 જેટલી સ્કૂલોને ધમકીભર્યા ઈ-મેલ મળ્યા હતા. ધમકી મળતા જ સ્કૂલોમાં તપાસ શરૂ કરાઈ હતી. પોલીસ, ફાયર વિભાગ અને બોમ્બ-ડોગ સ્કવોડની ટીમ દ્વારા સ્કૂલોમાં તપાસ કરાઈ હતી. તમામ સ્કૂલોમાંથી કોઈપણ સ્કૂલમાંથી સંદિગ્ધ વસ્તુ ન મળતા તપાસ પૂર્ણ કરાઈ હતી.

જમ્મુ-કાશ્મીરના ડોડામાં સેનાનું વાહન ખીણમાં ખાબકતા 10 જવાન શહીદ

0

પહાડી વિસ્તારોમાં અવારનવાર અકસ્માતો થતા રહે છે. જમ્મુ-કાશ્મીરના ડોડા જિલ્લામાં સેનાના એક વાહન સાથે મોટી દુર્ઘટના ઘટી છે. આજે બપોરે જમ્મુ-કાશ્મીરના ડોડા જિલ્લામાં એક અત્યંત દુખદ અકસ્માત સર્જાયો છે. ભારતીય સેનાના જવાનોને લઈ જઈ રહેલા એક વાહને અચાનક કાબૂ ગુમાવતા તે ઊંડી ખીણમાં ખાબક્યું હતું. આ ગમખ્વાર અકસ્માતમાં સેનાના 10 જેટલા જવાન શહીદ થયા છે, જ્યારે અન્ય 7 જવાનો ઈજાગ્રસ્ત થયા છે.

સેનાના અધિકારીઓ પાસેથી મળતી માહિતી મુજબ આ અકસ્માત ડોડાના પહાડી વિસ્તારમાં સર્જાયો હતો. સેનાના 17 જવાનોને બેસાડીને એક ગાડી પહાડી વિસ્તારમાં આવેલી ચેક પોસ્ટ પર જઈ રહી હતી. ત્યારે ડ્રાઈવરે કંટ્રોલ ગુમાવતા ગાડી 200 ફૂટ ઊંડી ખાઈમાં ખાબકી હતી.

દુર્ઘટના બાદ તુરંત જ સ્થાનિક લોકો અને સેનાની અન્ય ટુકડીઓ દ્વારા બચાવ કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી હતી. ઈજાગ્રસ્ત જવાનોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. જોકે, ઈજાગ્રસ્ત જવાનમાં ત્રણની હાલત ગંભીર હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. આ ત્રણ જવાનોને એરલિફ્ટ કરવામાં આવ્યા છે.

જમ્મુ-કાશ્મીરમાં થયેલી આ દુર્ઘટનાના સમાચાર વાયુવેગે પ્રસરી ચૂક્યા છે. જેને લઈને સમગ્ર દેશમાં અને સેનાના છાવણીઓમાં શોકનું મોજું ફરી વળ્યું છે. પહાડી રસ્તાઓ પર બરફ અથવા લપસણી હોવાને કારણે કે અન્ય કોઈ ટેકનિકલ ખામીને લીધે વાહન ખાઈમાં પડ્યું છે કે કેમ, તે અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

આર્મીના અધિકારીએ કહ્યું કે આ બનાવ ભદ્રવાહ-ચંબા ઈન્ટરસ્ટેટ ખાતેની ખન્ની ટોપ ખાતે બન્યો હતો. ખાઈમાં ખાબકેલી ગાડી બુલેટ પ્રુફ છે, જેમાં 17 જવાન સવાર હતા. ઊંચાઈ પરની પર્વતીય પોસ્ટ ખાતે વાહન જઈ રહ્યું હતું ત્યારે ડ્રાઈવરે કંટ્રોલ ગુમાવ્યો હતો, જેથી 200 ફૂટ ઊંડી ખાઈમાં ખાબક્યું હતું. આ બનાવની તપાસ હાથ ધરવાનો નિર્દેશ આપ્યો છે, જ્યારે મૃતકના પરિવારને પણ જાણ કરવામાં આવી હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.

રાજ્યના રાજ્યપાલ મનોજ સિંહાએ ડોડા અકસ્માતમાં શહીદ જવાન પ્રત્યે શોક વ્યક્ત કર્યો છે. એક્સ પર પોસ્ટ મૂકીને લખ્યું છે કે સેનાના 10 બહાદુર જવાનની શહીદીથી બહુ દુખ થયું છે. દેશ તેમની શ્રેષ્ઠ સેવા અને સર્વોચ્ચ બલિદાન હંમેશા યાદ રાખશે. દરમિયાન ઘાયલ સૈનિકોને ઝડપથી એરલિફ્ટ કરીને હોસ્પિટલ પહોંચાડવાની સાથે શ્રેષ્ઠ મેડિકલ સર્વિસ પૂરી પાડવાનો પ્રયાસ કરવાનું પણ જણાવ્યું છે.