Home Blog Page 202

ભુજમાં સાયબર ઠગાઈનો ખોફનાક ખેલ: વૃદ્ધાને બે મહિના સુધી ઘરમાં કેદ રાખી કરી રૂ.83.44 લાખની લૂંટ

ડિજિટલ એરેસ્ટ અને સાયબર ફ્રોડ અંગે જાગૃતિ લાવવા માટે સતત થઇ રહેલા પ્રયાસો છતાં પણ નાગરિકો સતત લૂંટાઈ રહ્યા છે તેવામાં ભુજમાં એકાંકી જીવન ગાળતાં ૬૦ વર્ષીય વૃદ્ધાને સતત બે મહિના સુધી ડિજિટલ એરેસ્ટ રાખીને સાયબર ક્રિમિનલોએ રૂ. ૮૩.૪૪ લાખ રૂપિયા પડાવી લીધાનો બનાવ બહાર આવતાં ભારે ચકચાર પ્રસરી છે.

શું છે મામલો
આ અંગે ભુજના કોડકી રોડ પર પ્રભુ પાર્ક પાસે વિનાયકી રેસિડેન્સીમાં રહેતા ૬૦ વર્ષીય રાજ્યલક્ષ્મી ચિદમ્બરમ્ જોશીએ દર્જ કરાવેલી ફરિયાદને ટાંકીને પી.આઈ કિંજલબેન રાઠોડે માહિતી આપતાં જણાવ્યું હતું કે, ગત ૨૬ નવેમ્બર ૨૦૨૫ના રોજ ‘તમારું સીમ કાર્ડ ગેરકાયદે પ્રવૃત્તિમાં સંકળાયેલું હોવાનું જાણવા મળ્યું છે અને થોડીકવારમાં બંધ થઈ જશે તેમ કહીને ટેલિકોમ રેગ્યુલેટરી ઓથરોટી ઑફ ઈન્ડિયા (TRAI)ના નામે ગઠિયાઓએ તેમને ડરાવ્યા હતા.

મની લોન્ડરિંગનો કેસ હોવાનું કહી કર્યા ડિજિટલ એરેસ્ટ
ત્યારબાદ મુંબઈના કોલાબા પોલીસ મથકના પોલીસ અધિકારી તરીકે ઓળખ આપનારા શખ્સે તેમને વિડીયો કોલ કરી વૃદ્ધાને તાત્કાલિક રૂબરૂ આવવાનું, તેમજ સીબીઆઈ ચીફ અને સુપ્રીમ કોર્ટના જજનો સ્વાંગ ધારણ કરીને વિડીયો કોલ મારફતે ખોટાં હુકમો બનાવીને વૃધ્ધાને વધુ ફફડતા કરી દીધા હતા. કેનેરા બેન્કમાં તેમના નામના ખાતામાં કરોડોની હેરફેર થઈ હોવાનું, મની લોન્ડરિંગનો કેસ હોવાનું કહીને ગઠિયાઓએ તેમને હાઉસ અરેસ્ટ એટલે કે ડિજિટલ એરેસ્ટ કર્યા હતા.

આ કેસના સેટલમેન્ટના નામે સાયબર ચીટરોએ પોતે જે બેન્ક ખાતાં. નંબર આપે તેમાં રૂપિયા ટ્રાન્સફર કરાવવા સૂચના આપી હતી. ગત ૨૮ નવેમ્બરના રોજ વૃદ્ધાએ નેવું હજાર રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા બાદ ટુકડે ટુકડે સાયબર ક્રિમિનલોની સૂચના મુજબ તેઓ જે બેન્ક ખાતાં નંબર આપે તેમાં રૂપિયા જમા કરાવતાં રહેતાં હતા.

ગુનાનો ભોગ બનનાર રાજ્યલક્ષ્મીબેને તેમની બહેન વિજયાલક્ષ્મી સાથે પોસ્ટ વિભાગમાં નેશનલ સેવિંગ સર્ટિફિકેટ્સનું એક જોઈન્ટ ખાતું ખોલાવ્યું હતું. જેમાં લાખો રૂપિયાની માતબર રકમ જમા હતી. સાયબર ચીટરોએ વૃદ્ધાને ડરાવી દેતાં રાજ્યલક્ષ્મીબેન તેમની મંજૂરીથી દિલ્હી જઈ બહેન વિજયાલક્ષ્મીને ભુજ તેડી લાવેલા અને ચીટરોને સૂચના મુજબ જોઈન્ટ ખાતાં પર ૪૦ લાખ રૂપિયાની ઓવરડ્રાફ્ટ લોન મેળવીને તેમના ખાતામાં જમા કરાવી હતી.

ચીટરો સતત તેમને વીડિયો કોલ કરીને રાઉન્ડ ઘી ક્લોક નજર રાખતા હતા. દરમિયાન, એકાંકી જીવન ગાળતાં રાજ્યલક્ષ્મી બેનને સાયબર માફિયાઓએ ડિજિટલ અરેસ્ટ કરી રાખ્યાં હોવાની વિગતો મળતાં ભુજ સાયબર ક્રાઈમ પોલીસ મથકની ટુકડીએ તેમનો સંપર્ક કરી, રૂબરૂ મળીને તેમને કથિત ડિજિટલ અરેસ્ટમાંથી મુક્ત કરાવ્યાં હતા.

બનાવ અંગે બોર્ડર રેન્જ સાયબર ક્રાઈમ પોલીસ મથકે વિવિધ કલમો તળે અજ્ઞાત સાયબર માફિયાઓ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. અત્રે નોંધનીય છે કે, આવા ઓનલાઈન છેતરપિંડીના બનાવમાં નાણાં જેના ખાતામાં ગયા હોય અને ત્યાંથી અનેક ઉથલપાથલ થાય તે પૂર્વે જ વહેલી તકે સાયબર ક્રાઈમ સેલનો સંપર્ક કરવામાં આવે તો નાણાં પરત મળવાની સંભાવના વધી જાય છે.

આતંકી સંગઠન સાથે જોડાયેલા વ્યક્તિની ધરપકડ, ગુજરાત ATSએ નવસારીથી પકડ્યો, હથિયાર પણ મળ્યા

0

ગુજરાત ATSએ મોટી કાર્યવાહી હાથ ધરી છે. આતંકી સંગઠન સાથે જોડાયેલા વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. નવસારીના ફૈઝાન શેખની ATSએ ધરપકડ કરી. ફૈઝાન જૈશ-એ-મહોમ્મદ અને અલ કાયદા સાથે જોડાયેલો છે. પકડાયેલ આરોપીની ઓળખ ફૈઝાન શેખ તરીકે થઈ છે, જે મૂળ ઉત્તરપ્રદેશના રામપુરનો વતની છે અને હાલ નવસારીમાં રહેતો હતો. આરોપી આતંકી જૂથોની વિચારધારાથી કટ્ટરપંથી બન્યો. ફૈઝાન શેખે આતંક અને ભય ફેલાવવા હથિયારો અને દારૂગોળો ખરીદ્યા. ગેરકાયદે હથિયાર અને દારૂગોળો ખરીદ્યા હોવાનો ખુલાસો થયો છે. ફૈઝાન મૂળ રામપુરામાં ડૂંડાવાળાનો વતની છે. ATSએ નવસારીના ચારપુલથી ધરપકડ કરી.

ATSની તપાસમાં સામે આવ્યું છે કે, ફૈઝાન શેખ પ્રતિબંધિત આતંકી સંગઠનો જૈશ-એ-મોહમ્મદ અને અલ-કાયદાની કટ્ટરપંથી વિચારધારાથી પ્રભાવિત થયો હતો. ઓનલાઈન માધ્યમો અને અન્ય રીતે રેડિકલાઈઝ થયા બાદ, તેણે સમાજમાં ભય ફેલાવવાના અને અરાજકતા ઊભી કરવાના હેતુથી ચોક્કસ જૂથના વ્યક્તિઓને ટાર્ગેટ બનાવ્યા હતા.

આતંકી કૃત્યને અંજામ આપવા માટે તેણે ગેરકાયદેસર રીતે હથિયાર પણ મેળવ્યા હતા. હાલ ATSએ આ મામલે આતંકીની ધરપકડ કરી તપાસ શરૂ કરી છે. હથિયારો કોણે પૂરા પાડ્યા અને અન્ય કોઈ તેની સાથે હતા કે કેમ તેની તપાસ ચાલી રહી છે.

તિરુમાલા લાડુ ઘી ભેળસેળ કેસમાં CBIની અંતિમ ચાર્જશીટ, 36 આરોપી નામજોગ

0

તિરુમાલા લાડુ ઘીમાં ભેળસેળ કેસમાં સીબીઆઇના નેતૃત્વવાળી એસઆઇટીએ નેલ્લોર એસીબી કોર્ટમાં અંતિમ ચાર્જશીટ દાખલ કરી છે. સીબીઆઇએ લગભગ 15 મહિનાની તપાસ બાદ ચાર્જશીટ દાખલ કરી છે. આ અંતિમ ચાર્જશીટમાં ભોલે બાબા ઓર્ગેનિક ડેરીના ડિરેક્ટર પોમિલ જૈન અને વિપિન જૈન સહિત 36 મુખ્ય આરોપીઓના નામ છે. જેમના પર નકલી ઘી બનાવવાનો આરોપ છે. ટીટીડીના નિવૃત્ત જનરલ મેનેજર અને મૂળ ફરિયાદી પ્રલય કાવેરી મુરલી કૃષ્ણનું નામ હવે આરોપી દાખલ કરવામાં આવ્યું છે.

આ ઉપરાંત ટીટીડીના ભૂતપૂર્વ ચેરમેન વાયવી સુબ્બા રેડ્ડીના અંગત સહાયક ચિન્ના અપ્પન્ના, ટીટીડીના પ્રોકયોરમેન્ટ જનરલ મેનેજર આરએસએસવીઆર સુબ્રમણ્યમની સપ્લાયર્સ સાથે સાંઠગાંઠ બદલ ધરપકડ કરવામાં આવી હતી, વૈષ્ણવી ડેરીના સીઈઓ સપ્લાયર અપૂર્વ વિનાયકંત ચાવડા, એઆર ડેરીના એમડી આર રાજશેખરન અને દિલ્હીના ઉદ્યોગપતિ અજય કુમાર સુગંધની ધરપકડ કરવામાં આવી હતી.જેમના પર નકલી ઘી બનાવવામાં વપરાતા રસાયણો સપ્લાય કરવાનો આરોપ છે.

તિરુમાલા શ્રીવરી લાડુ બનાવવામાં વપરાતા ભેળસેળયુક્ત ઘીના સપ્લાય સાથે સંકળાયેલા આ કેસની તપાસ શરૂઆતમાં રાજ્યની એસઆઇટી દ્વારા કરવામાં આવી હતી, પરંતુ બાદમાં સુપ્રીમ કોર્ટના નિર્દેશ બાદ સીબીઆઇની આગેવાની હેઠળની ટીમે સમગ્ર તપાસ હાથ ધરી હતી. આ તપાસમાં
12 રાજ્યોનો સમાવેશ થયો અને ટીટીડી ઘી કોન્ટ્રાક્ટ સંબંધિત સપ્લાય ચેઇન, પ્રોકયુરમેન્ટ રેકોર્ડ, લેબ રિપોર્ટ અને નાણાકીય પ્રવાહની બારીકાઈથી તપાસ કરવામાં આવી. એઆઇટીએ ઉત્તરાખંડ સ્થિત ભોલે બાબા ઓર્ગેનિક ડેરીને કથિત છેતરપિંડીનું કેન્દ્ર તરીકે ઓળખી કાઢ્યું અને તેના ડિરેક્ટરો, પોમિલ અને વિપિન જૈનને મુખ્ય કાવતરાખોર ગણાવ્યા છે.

ઉલ્લેખનીય છે કે, આ વિવાદ સપ્ટેમ્બર 2024 માં શરૂ થયો હતો જ્યારે સીએમ ચંદ્રબાબુ નાયડુએ પવિત્ર પર્વત મંદિરમાં લાડુના પ્રસાદમાં ભેળસેળયુક્ત ઘીના ઉપયોગનો પર્દાફાશ કર્યો હતો. જેની તપાસ બાદ પુરાવા દર્શાવે છે કે પામ તેલ અને રસાયણનો ઉપયોગ કરીને શુદ્ધ ઘી જેવું લાગે તેવું આશરે 68 લાખ કિલોગ્રામ ભેળસેળયુક્ત ઘી વર્ષ 2019 અને 2024 ની વચ્ચે ટીટીડી સપ્લાય ચેઇનમાં મોકલવામાં આવ્યું હતું. જેની અંદાજિત વ્યવહાર કિંમત આશરે રૂપિયા 250 કરોડ હતી. તપાસ દરમિયાન, SIT એ અનેક અગ્રણી વ્યક્તિઓની પૂછપરછ કરી હતી અથવા તેમને નોટિસ જારી કરી હતી, પરંતુ તેમને આરોપી તરીકે નામ આપવામાં આવ્યું નથી.

મધ્યપ્રદેશના શાજાપુરમાં માલગાડી પાટા પરથી ઉતરી, ટ્રેન બે ભાગમાં તૂટી

0

મધ્યપ્રદેશના શાજાપુરમાં એક માલગાડી અચાનક પાટા પરથી ઉતરી ગઈ અને બે ભાગમાં વિભાજીત થઈ ગઈ. આ અકસ્માતને કારણે આ રૂટ પર ટ્રેન વ્યવહાર ખોરવાઈ ગયો છે. કહેવાય છે કે શનિવારે શાજાપુર જિલ્લાના માકસી રેલ્વે સ્ટેશન નજીક એક માલગાડી અચાનક નિયંત્રણ બહાર ગઈ અને પાટા પરથી ઉતરી ગઈ. આ માલગાડી ઉજ્જૈનથી ગુના જઈ રહી હતી. આ અકસ્માતમાં માલગાડીના અનેક ડબ્બા પાટા પરથી ઉતરી ગયા, જેના કારણે ટ્રેન બે ભાગમાં વિભાજીત થઈ ગઈ. ઘટના બાદ રેલવે વિસ્તારમાં અફડાતફડીનો માહોલ સર્જાયો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર, અકસ્માતનું પ્રાથમિક કારણ ટ્રેક તૂટવાને માનવામાં આવે છે. ટ્રેક તૂટવાને કારણે માલગાડીનું સંતુલન ખોવાઈ ગયું હતું અને કોચ પાટા પરથી ઉતરી ગયા હતા. સદનસીબે, અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી.

ઘટનાની માહિતી મળતાં, રેલ્વે અધિકારીઓ અને કર્મચારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને પરિસ્થિતિનું મૂલ્યાંકન કર્યું હતું. રેલ ટ્રાફિક પુનઃસ્થાપિત કરવામાં આવ્યો છે અને સમારકામનું કામ શરૂ કરવામાં આવ્યું છે. જોકે, ઘટનાસ્થળે હાજર અધિકારીઓએ ઘટના અંગે સ્પષ્ટ અને સત્તાવાર માહિતી આપવાનું ટાળ્યું હતું. અકસ્માતને કારણે રેલ વ્યવહાર અસ્થાયી રૂપે પ્રભાવિત થયો હતો, અને તેને ધીમે ધીમે પુનઃસ્થાપિત કરવાના પ્રયાસો ચાલી રહ્યા છે.

સ્ટેશન મેનેજર મુકેશ જૈને જણાવ્યું હતું કે પ્રથમ દ્રષ્ટિએ, ટ્રેકમાં ખામી અકસ્માતનું કારણ હોઈ શકે છે. ઉજ્જૈનથી એક રેલવે ટેકનિકલ ટીમ વિગતવાર તપાસ કરવા માટે ઘટનાસ્થળે પહોંચી રહી છે. તપાસ રિપોર્ટ આવ્યા પછી જ પરિસ્થિતિ સ્પષ્ટ થશે.

‘5 વર્કિંગ ડે’ની માંગને લઈ દેશવ્યાપી બેન્ક હડતાળ, રાજ્યમાંથી 10 હજારથી વધુ કર્મચારી જોડાશે

0

દેશભરની જાહેર અને ખાનગી બેન્કોમાં ‘5 વર્કિંગ ડે’ અમલી બનાવવાની લાંબા સમયથી ચાલી રહેલી માગણી હવે ઉગ્ર બની છે. સરકાર દ્વારા આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત ન કરવામાં આવતા, આગામી 27 જાન્યુઆરીના રોજ દેશવ્યાપી હડતાળનું એલાન આપવામાં આવ્યું છે. ‘યુનાઇટેડ ફોરમ ઓફ બેન્ક યુનિયન’ (UFBU) દ્વારા આપવામાં આવેલા હડતાળના એલાનને પગલે બેન્કિંગ સેવાઓ ખોરવાય તેવી શક્યતા છે. નવ યુનિયનોના બનેલા આ સંગઠને સરકાર સામે આરપારની લડાઈ શરૂ કરી છે.

બેન્ક યુનિયનો અને ઇન્ડિયન બેન્ક્સ એસોસિએશન (IBA) વચ્ચે અગાઉ થયેલી સમજૂતી મુજબ મહિનાના તમામ શનિવારે જાહેર રજા રાખવાની વાત કરવામાં આવી હતી. રજાના બદલામાં કર્મચારીઓ સોમવારથી શુક્રવાર દરમિયાન દરરોજ 40 મિનિટ વધુ કામ કરવા તૈયાર થયા હતા. પરંતુ, સરકાર દ્વારા આ સમજૂતીના અમલીકરણમાં વિલંબ કરવામાં આવતા હવે હડતાળનો રસ્તો અપનાવવામાં આવ્યો છે.

27મી જાન્યુઆરીએ આશરે 8 લાખ બેન્ક કર્મચારીઓ અને અધિકારીઓ આ આંદોલનમાં જોડાશે. ગુજરાતના અંદાજે 15,000 કર્મચારીઓ હડતાળ પર ઉતરશે. જેમાં સૌરાષ્ટ્ર અને કચ્છના 5,500 તેમજ એકલા રાજકોટ શહેરના 1,500 કર્મચારીઓ આ વિરોધ પ્રદર્શનમાં ભાગ લેશે.

ગુજરાત બેન્ક વર્કર્સ યુનિયનના મહામંત્રી જતિન ધોળકિયાએ હડતાળ અંગે મીડિયાને જણાવ્યું હતું કે, હાલમાં ઓનલાઇન અને ડિજિટલ પેમેન્ટના અનેક વિકલ્પો હોવાથી પાંચ દિવસનું સપ્તાહ કરવાથી ગ્રાહક સેવા પર મોટી અસર નહીં પડે. તેમ છતાં, હડતાળને કારણે ગ્રાહકોને પડનારી સંભવિત તકલીફો બદલ યુનિયને દિલગીરી વ્યક્ત કરી છે.

વસ્ત્રાપુર NRI ટાવર ફાયરિંગ કેસમાં મોટો ખુલાસો, યશ ગોહિલ સામે પત્નીની હત્યાની ફરિયાદ

અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલા NRI ટાવરમાં બનેલી ફાયરિંગની ઘટનાએ સમગ્ર શહેરમાં ચકચાર મચાવી દીધી છે. આ હૃદયદ્રાવક કિસ્સામાં હવે પોલીસ તપાસમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. શરૂઆતમાં જે ઘટના અકસ્માત લાગતી હતી, તે હવે હત્યા અને આત્મહત્યાનો ગંભીર ગુનો સાબિત થતી હોવાના અહેવાલ મળી રહ્યા છે.

વસ્ત્રાપુર પોલીસ મથકમાં એ ડિવિઝન એસીપી (ACP) જયેશ ડી. બ્રહ્મભટ્ટ પોતે ફરિયાદી બન્યા છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, યશ ગોહિલ ઉર્ફે યશકુમાર સિંહે પોતાની પત્ની રાજેશ્વરી ગોહિલની ઇરાદાપૂર્વક હત્યા કરી હતી. તપાસના આધારે યશ ગોહિલ સામે પત્નીની હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

PM રિપોર્ટ અને FSL તપાસનો ખુલાસો

  • આ કેસમાં સૌથી મહત્વનો વળાંક પોસ્ટમોર્ટમ (PM) રિપોર્ટ અને ફોરેન્સિક તપાસ બાદ આવ્યો છે.
  • હત્યાનો ઇરાદો: PM રિપોર્ટમાં સ્પષ્ટ થયું છે કે રાજેશ્વરીનું મોત માથાના ભાગે ખૂબ જ નજીકથી ગોળી વાગવાને કારણે થયું હતું.
  • અકસ્માતની શક્યતા નકારી: શરૂઆતમાં એવી અટકળો હતી કે રિવોલ્વર સાફ કરતી વખતે કે ભૂલથી ગોળી છૂટી ગઈ હશે. પરંતુ, બેલેસ્ટિક નિષ્ણાતો અને FSL તપાસમાં જાણવા મળ્યું છે કે આધુનિક રિવોલ્વરમાં આ રીતે આકસ્મિક રીતે ફાયર થવાની કોઈ શક્યતા નથી. ગોળી જાણી જોઈને ટ્રિગર દબાવીને ચલાવવામાં આવી હતી.
  • પુરાવા: ઘટનાસ્થળેથી મળેલી રિવોલ્વરમાં માત્ર બે જ કારતૂસ હતા અને બંનેનો ઉપયોગ થઈ ગયો હતો. યશે પત્નીને માર્યા બાદ તે જ રિવોલ્વરથી પોતે પણ આત્મહત્યા કરી લીધી હતી.

એસીપી જે.ડી. બ્રહ્મભટ્ટના જણાવ્યા અનુસાર, રિવોલ્વરને ફિંગરપ્રિન્ટ અને બેલેસ્ટિક તપાસ માટે મોકલી દેવામાં આવી છે. પોલીસ હવે એ પાસા પર તપાસ કરી રહી છે કે યશ પાસે આ રિવોલ્વર ક્યાંથી આવી અને તેની પાસે તેનું લાયસન્સ હતું કે નહીં. આ ઉપરાંત, આ દંપતી વચ્ચે એવા તે કેવા વિખવાદ હતા કે મામલો લોહિયાળ અંજામ સુધી પહોંચ્યો, તે જાણવા માટે પરિવારજનો અને આસપાસના લોકોના નિવેદનો લેવામાં આવી રહ્યા છે.

હરિયાણા: 4 વર્ષની દીકરીથી 50 સુધી ગણતરી ન લખાતાં પિતાએ નિર્દય હત્યા કરી

0

હરિયાણાના ફરીદાબાદમાંથી એક કાળજુ કંપાવનારો મામલો સામે આવ્યો છે. અહીં એક 4 વર્ષની દીકરી 50 સુધીની ગણતરી ન લખી શકી તો પિતાએ તેની ક્રૂરતાપૂર્વક હત્યા કરી નાખી. પોલીસે આરોપી કળિયુગી પિતાની ધરપકડ કરી લીધી છે.

પોલીસે આ મામલે જણાવ્યું કે, આરોપીએ ઘટના બાદ પત્નીને ગેરમાર્ગે દોરવા માટે એક મનઘડત કહાની બનાવી કે, બાળકી રમતી વખતે સીડી પરથી પડી ગઈ, પરંતુ જ્યારે બાળકીને હોસ્પિટલ લઈ જવામાં આવી ત્યારે સત્ય સામે આવ્યું.

જ્યારે માતા હોસ્પિટલ પહોંચી તો તેણે બાળકીના શરીર પર ઘણી ઈજા અને ચહેરા પર લીલા નિશાન જોયા. તેથી તેને શંકા ગઈ અને તેણે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. ફરિયાદના આધારે સેક્ટર-56 ક્રાઈમ બ્રાન્ચની ટીમે આ મામલે તપાસ હાથ ધરી.

ફરીદાબાદ પોલીસ પ્રવક્તા યશપાલે જણાવ્યું કે, ઉત્તર પ્રદેશના સોનભદ્ર જિલ્લાના ખરંટિયા ગામનો નિવાસી કૃષ્ણા જયસ્વાલ પોતાની પત્ની અને બાળકો સાથે ફરીદાબાદના ઝાડસેંતલી ગામમાં ભાડાના મકાનમાં રહેતો હતો. પતિ-પત્ની બંને પ્રાઈવેટ કંપનીમાં કામ કરે છે.

પોલીસે જણાવ્યું કે, દિવસ દરમિયાન કૃષ્ણા ઘરે રહીને બાળકોની સંભાળ રાખતો હતો અને રાત્રે ડ્યૂટી પર જતો હતો. તે પોતાની દીકરીને ઘરે જ ભણાવતો હતો. 21 જાન્યુઆરીના રોજ તેણે પોતાની 4 વર્ષની દીકરીને 50 સુધીની ગણતરી લખવા કહ્યું. જ્યારે તે ગણતરી ન લખી શકી, તો તે રોષે ભરાયો અને તેણે માસૂમ બાળકીને વેલણથી ખૂબ માર માર માર્યો. કળિયુગી પિતા દ્વારા ઢોર માર મારવાના કારણે બાળકી બેભાન થઈ ગઈ. ત્યારબાદ કૃષ્ણા તેને સરકારી હોસ્પિટલમાં લઈ ગયો, જ્યાં ડોક્ટર્સે તેને મૃત જાહેર કરી. ત્યારબાદ તેણે પત્નીને ફોન કરીને બોલાવી અને કહ્યું કે, બાળકી સીડી પરથી પડી ગઈ હતી.

માતાની ફરિયાદ બાદ પોલીસે કૃષ્ણાને કસ્ટડીમાં લીધો. સખત પૂછપરછ કરતા આરોપીએ દીકરીને માર મારવાની કબૂલાત કરી. તેણે જણાવ્યું કે, દીકરી શાળાએ નહોતી જતી અને હું તેને ઘરે જ ભણાવતો હતો. જ્યારે તે ગણતરી ન લખી શકી તો મેં પિત્તો ગુમાવ્યો અને તેને ખૂબ માર માર્યો, જેના કારણે તેનું મોત થઈ ગયું.

ઇન્ડોનેશિયાના જાવા ટાપુ પર ભયાનક ભૂસ્ખલન, 21નાં મોત અને 80થી વધુ લાપતા

ઇન્ડોનેશિયાના જાવા ટાપુ પર એક વિશાળ ભૂસ્ખલન થયું છે. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં 21 લોકોના મોત થયા છે. બુધવારે બચાવ કાર્યકરોએ શોધખોળ કામગીરી ફરી શરૂ કર્યા બાદ વધુ ચાર મૃતદેહ બહાર કાઢ્યા છે, જેના કારણે જાવા ટાપુ પર પૂર અને ભૂસ્ખલનથી મૃત્યુઆંક 21 થયો છે. સોમવારે મુશળધાર વરસાદ પછી, મધ્ય જાવા પ્રાંતના પેકાલોંગન રીજન્સીમાં નવ ગામોમાંથી નદીઓનું પાણી પસાર થયું હતું, જ્યારે પહાડી ગામોમાં ભૂસ્ખલન થયું હતું.

રાષ્ટ્રીય શોધ અને બચાવ એજન્સી દ્વારા બહાર પાડવામાં આવેલા વિડિઓઝ અને ફોટામાં કામદારો ગામડાઓમાં ખોદકામ કરી રહ્યા હોવાનું દર્શાવવામાં આવ્યું છે, જ્યાં રસ્તાઓ અને લીલાછમ ટેરેસવાળા ખેતરો ઘેરા ભૂરા કાદવમાં ફેરવાઈ ગયા હતા. ગામડાઓ જાડા કાદવ, ખડકો અને ઉખડી ગયેલા વૃક્ષોથી ઢંકાઈ ગયા હતા. રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન એજન્સીના પ્રવક્તા અબ્દુલ મુહારીએ જણાવ્યું હતું કે પૂરને કારણે પેટુંગક્રિઓનો રિસોર્ટ વિસ્તારમાં ભૂસ્ખલન થયું હતું, જેમાં બે ઘરો અને એક કાફે દટાઈ ગયા હતા. આ આફતોમાં કુલ 25 ઘરો, એક ડેમ અને ગામોને જોડતા ત્રણ મુખ્ય પુલ નાશ પામ્યા હતા. ઓછામાં ઓછા 13 લોકો ઘાયલ થયા હતા, અને લગભગ 300 લોકોને સરકારી કામચલાઉ આશ્રયસ્થાનોમાં આશરો લેવાની ફરજ પડી હતી.

વરસાદ અને પૂર પછી ભૂસ્ખલન
આ ઘટના ઇન્ડોનેશિયામાં મોસમી ભારે વરસાદ દરમિયાન વારંવાર બનતા પૂર અને ભૂસ્ખલનની શ્રેણીનો એક ભાગ છે, જ્યાં લાખો લોકો પર્વતીય વિસ્તારોમાં અથવા પૂરગ્રસ્ત મેદાનોની નજીક રહે છે. શનિવારે ભૂસ્ખલનમાં ઓછામાં ઓછા આઠ લોકો માર્યા ગયા હતા અને 82 અન્ય ગુમ થયા હતા. બચાવ કાર્યકરો ઊંડા કાદવમાં ફસાયેલા બચી ગયેલા લોકોને શોધી રહ્યા છે. પશ્ચિમ જાવા પ્રાંતના પશ્ચિમ બાંદુંગ જિલ્લાના પાસિર લાંગુ ગામમાં દિવસો સુધી ભારે વરસાદથી નદીઓ ઉભરાઈ ગઈ હતી. કાદવ, ખડકો અને વૃક્ષો ટેકરી પરથી નીચે પડી ગયા હતા, જેના કારણે લગભગ 34 ઘરો દટાઈ ગયા હતા.

ગુમ થયેલા લોકોની શોધ ચાલુ છે
રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન એજન્સીના પ્રવક્તા અબ્દુલ મુહારીએ જણાવ્યું હતું કે બચાવ ટીમો કાદવ અને કાટમાળ નીચે દટાયેલા 82 રહેવાસીઓને શોધી રહી છે, જ્યારે 24 લોકો આ દુર્ઘટનામાંથી બચી જવામાં સફળ રહ્યા છે. સવારે 3 વાગ્યે થયેલા ભૂસ્ખલનથી સૌથી વધુ અસરગ્રસ્ત પાસિર કુનિંગ ગામમાંથી આઠ મૃતદેહો મળી આવ્યા છે, જ્યાં ઘરો અને લોકો તણાઈ ગયા હતા. ટીવી ચેનલોએ પાસિર લંગુમાં કામદારો અને રહેવાસીઓ દ્વારા કરવામાં આવેલા ખોદકામના ફૂટેજ બતાવ્યા હતા, જ્યાં રસ્તાઓ અને લીલાછમ ટેરેસવાળા ખેતરો ઘેરા ભૂરા કાદવમાં ફેરવાઈ ગયા હતા. ગામ જાડા કાદવ, ખડકો અને ઉખડી ગયેલા વૃક્ષોથી ઢંકાયેલું હતું.

“અસ્થિર માટી અને ભારે વરસાદ શોધ અને બચાવ કામગીરીને જટિલ બનાવી રહ્યા છે,” પશ્ચિમ જાવા ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓફિસના વડા તેતેન અલી મુંગકુ એન્ગકુને જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે સ્થાનિક અધિકારીઓએ ભૂસ્ખલન પછી તરત જ નુકસાનનું મૂલ્યાંકન કર્યું અને કટોકટી પ્રતિભાવ ટીમો તૈનાત કરી. ભૂસ્ખલન વિસ્તારના 100 મીટર (યાર્ડ) ની અંદર રહેતા પરિવારોને વધુ ઢોળાવ તૂટી પડવાના ભયથી ખાલી કરાવવામાં આવ્યા હતા.

પાકિસ્તાનમાં લગ્ન સમારોહમાં આત્મઘાતી હુમલો, 5 લોકોના મોત, 10 ઈજાગ્રસ્ત

0

પાકિસ્તાનના ઉતર પશ્ચિમી વિસ્તાર ખૈબર પખ્તુનખ્વામાં એક શાંતિ સમિતિ સદસ્યના ઘરે લગ્ન સમારંભ દરમિયાન એક આત્મઘાતી હુમલો થયો, આ હુમલામાં 5 લોકોના મોત થયા જ્યારે 10થી વધુ લોકો ઘાયલ થયા, ડેરા ઈસ્માઈલ ખાન જિલ્લાના પોલીસ અધિકારીએ પુષ્ટિ કરી કે, ‘આ એક આત્મઘાતી બોમ્બ હુમલો હતો, જે કુરેશી મોડ પાસે શાંતિ સમિતિના પ્રમુખ નૂર આલમ મહેસુદના ઘરે લગ્ન પ્રસંગ દરમિયાન થયો. હુમલા સમયે મહેમાનો નાચગાન કરી રહ્યા હતા. વિસ્ફોટ એટલો ભયાનક હતો કે રૂમની છત તૂટી પડી હતી, જેના કારણે બચાવકાર્ય મુશ્કેલ બન્યું હતું. ઘણા લોકો તેની નીચે દબાયેલા હતા. જિલ્લાની મુખ્ય હોસ્પિટલમાં ઈમરજન્સીની ઘોષણા કરી દેવામાં આવી હતી.’

ખૈબર પખ્તુનખ્વા રેસ્ક્યૂ 1122ના પ્રવક્તાએ કહ્યું છે કે 5 મૃતદેહ અને 10 ઘાયલોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. તેમણે જણાવ્યું કે ઘટનાની સૂચના મળતા જ સાત એમ્બ્યુલન્સ અને એક ફાયર વિભાગની ટીમ રવાના કરી દેવામાં આવી હતી. બચાવકાર્ય હાલ પ્રગતિ પર છે. અધિકારીઓએ વિસ્તારને ઘેરી લીધો છે તેમજ ગહન તપાસ શરૂ કરી દેવામાં આવી છે. પ્રાથમિક તપાસ મુજબ શાંતિ સમિતિના નેતા મૃતકોમાં વહિદુલ્લા મહેસૂદ ઉર્ફે જીગરી મહેસૂદનો પણ સમાવેશ થાય છે.

ખૈબર પખ્તુનખ્વાના મુખ્યમંત્રી સોહેલ આફ્રિદીએ વિસ્ફોટની ઘટનાને વખોડી કાઢી કેપીના પોલીસ અધિકારીઓ પાસે તાત્કાલિક રિપોર્ટ આપવા આદેશ કર્યો છે. તેમજ કહ્યું છે કે હુમલામાં સામેલ ગુનેગારોને ન્યાયના કઠેડામાં લાવવામાં આવશે.

જણાવી દઈએ કે આ મહિનાની શરૂઆતમાં ખૈબર પખ્તુનખ્વામાં હથિયારધારી હુમલાખોરોએ શાંતિ સમિતિના ચાર સભ્યોની હત્યા કરી હતી, નવેમ્બર 2025માં ખૈબર પખ્તુનખ્વાના બન્નું જિલ્લામાં એક શાંતિ સમિતિના કાર્યાલય પર હુમલો કરવામાં આવ્યો હતો જેમાં સાત લોકો માર્યા ગયા હતા. ત્યારે પોલીસ અધિકારીઓએ કહ્યું હતું કે મૃતકોમાં એક ગુડ તાલિબાન પણ સામેલ હતો. જે રાજ્યના સમક્ષ આત્મસમર્પણ કરનાર પૂર્વ આતંકવાદી હતો બાકીના તેના સંબંધીઓ હતા.

અમેરિકાના જ્યોર્જિયામાં પારિવારિક વિવાદમાં ગોળીબાર, ચાર ભારતીયોના મોત

0

અમેરિકાના જ્યોર્જિયા રાજ્યમાં કથિત પારિવારિક વિવાદને લગતી ગોળીબારની ઘટનામાં ચાર ભારતીય નાગરિકોના મોત થયા છે. એટલાન્ટામાં ભારતીય દૂતાવાસે આ માહિતી આપી છે. સ્થાનિક મીડિયા અહેવાલો અનુસાર, ગુરુવારે વહેલી સવારે લોરેન્સવિલે શહેરમાં થયેલા ગોળીબારમાં ચાર લોકોના મોત થયા છે, જ્યારે ઘટના સમયે ત્રણ બાળકો ઘરની અંદર હાજર હતા. એટલાન્ટામાં ભારતીય કોન્સ્યુલેટે ગોળીબારની ઘટના પર ઊંડો દુ:ખ વ્યક્ત કર્યો છે અને કહ્યું છે કે કથિત હુમલાખોરની ધરપકડ કરવામાં આવી છે અને પીડિત પરિવારને શક્ય તમામ સહાય પૂરી પાડવામાં આવી રહી છે.

ભારતીય કોન્સ્યુલેટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર પોસ્ટ કર્યું, “કથિત કૌટુંબિક વિવાદ સાથે સંકળાયેલી ગોળીબારની ઘટનાથી અમને ખૂબ જ દુઃખ થયું છે. કથિત હુમલાખોરની ધરપકડ કરવામાં આવી છે અને પીડિત પરિવારને તમામ શક્ય સહાય પૂરી પાડવામાં આવી રહી છે.” ફોક્સ5 એટલાન્ટાએ અહેવાલ આપ્યો છે કે શંકાસ્પદ વ્યક્તિની ઓળખ એટલાન્ટાના 51 વર્ષીય વિજય કુમાર તરીકે થઈ છે. ગ્વિનેટ કાઉન્ટી પોલીસના જણાવ્યા અનુસાર, મૃતકોની ઓળખ કુમારની પત્ની મીમુ ડોગરા (43), ગૌરવ કુમાર (33), નિધિ ચંદેર (37) અને હરીશ ચંદેર (38) તરીકે થઈ છે.

રિપોર્ટમાં જણાવાયું છે કે શંકાસ્પદ વ્યક્તિ પર ગંભીર હુમલો, હત્યા, દુર્ભાવનાપૂર્ણ ઈરાદાથી હત્યા અને બાળકો પ્રત્યે ક્રૂરતાનો આરોપ મૂકવામાં આવ્યો છે. પોલીસને ગુરુવારે સવારે 2:30 વાગ્યે બ્રુક આઇવી કોર્ટના 1000 બ્લોકમાંથી ફોન આવ્યો. રિપોર્ટ અનુસાર, ઘટનાસ્થળે પહોંચ્યા પછી, અધિકારીઓને ઘરની અંદર ચાર પુખ્ત વયના લોકોના મૃતદેહ મળ્યા, જે બધાને ગોળી વાગી હતી. પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે ગોળીબાર શરૂ થયો ત્યારે ત્રણ બાળકો હાજર હતા. બાળકો તેમની સલામતી માટે કબાટમાં છુપાઈ ગયા હતા. તપાસકર્તાઓએ જણાવ્યું હતું કે બાળકોમાંથી એકે કોઈક રીતે 911 પર ફોન કર્યો અને મહત્વપૂર્ણ માહિતી આપી, જેના પછી પોલીસ અધિકારીઓ થોડીવારમાં ઘટનાસ્થળે પહોંચ્યા. બાળકો સુરક્ષિત હતા અને બાદમાં પરિવારના એક સભ્ય દ્વારા તેમને લઈ જવામાં આવ્યા હતા.