ઓસ્ટ્રેલિયાના મહાન લેગ સ્પિનર શેન વોર્ને 1993માં ઈંગ્લેન્ડ સામે ‘બોલ ઓફ ધ સેન્ચુરી’ ફેંકી હતી. મેનચેસ્ટર ટેસ્ટમાં વોર્ને માઈક ગેટિંગને જે શાનદાર ટર્નિંગ બોલ પર ક્લીન બોલ્ડ કર્યો હતો, તેને મીડિયા અને ક્રિકેટ નિષ્ણાતોએ ‘બોલ ઓફ ધ સેન્ચુરી’નો ખિતાબ આપ્યો હતો. હવે કુલદીપ યાદવે કાઉન્ટી ક્રિકેટમાં યોર્કશાયર તરફથી રમતા કંઈક આવી જ ચમત્કારિક બોલિંગ કરી છે.
જે કુલદીપ યાદવને હેડ કોચ ગૌતમ ગંભીર ટીમમાં રાખવા છતાં દરેક મેચમાં રમાડવા યોગ્ય નથી માનતા, એ જ ‘ચાઈનામેન’ બોલર હવે કાઉન્ટી ક્રિકેટમાં ધૂમ મચાવી રહ્યો છે. યોર્કશાયર તરફથી રમતા આ ડાબોડી રિસ્ટ સ્પિનરે તાજેતરની મેચમાં 10 વિકેટ લેવાની શાનદાર સિદ્ધિ મેળવી છે. એસેક્સ સામેની પ્રથમ ઇનિંગ્સમાં તેણે 4 અને બીજી ઇનિંગ્સમાં 6 વિકેટ ઝડપી હતી.
બોલ ઓફ ધ સેન્ચુરી જેવી બોલિંગ કરી કુલદીપ યાદવે!
ક્રિકેટના ઈતિહાસમાં શેન વોર્નના 1993ના એ બોલને ‘બોલ ઓફ ધ સેન્ચુરી’ કહેવામાં આવે છે, જેના પર ઓસ્ટ્રેલિયાના આ મહાન લેગ સ્પિનરે ઈંગ્લેન્ડના માઈક ગેટિંગને ક્લીન બોલ્ડ કર્યો હતો. હવે કુલદીપ યાદવે પણ કંઈક આવી જ અદભૂત બોલ ફેંકી છે.
કુલદીપની આ બોલને ફ્રેમ-બાય-ફ્રેમ જોવામાં આવે તો તેની સરખામણી વોર્નની બોલ સાથે કરવી ખોટી નહીં ગણાય. બંને બોલે બેટ્સમેનને ચકમો આપ્યો, બોલને છોડવા માટે મજબૂર કર્યો અને ત્યારબાદ સીધા સ્ટમ્પ ઉખાડી નાખ્યા. જોકે બંને બોલમાં સ્પિનની દિશાનો તફાવત છે.
આટલો મોટો ટર્ન કેવી રીતે મળ્યો?
કુલદીપ યાદવે ઓફ સ્ટમ્પની લાઇન પર ગુડ લેન્થ બોલ ફેંક્યો. બોલને જોઈને બેટ્સમેનને લાગ્યું કે તે ઓફ સ્ટમ્પની બહારથી નીકળી જશે. પરંતુ અહીં જ રમત બદલાઈ ગઈ.
બોલમાં લેટ ડ્રિફ્ટ અને ડિપ જોવા મળ્યો. બોલ હવામાં લાંબા સમય સુધી ફ્લોટ થયો અને છેલ્લી ક્ષણે અચાનક નીચે પડ્યો. જેના કારણે બેટ્સમેનની ટાઈમિંગ અને બોલની જજમેન્ટ બંને બગડી ગયા.
પિચ પર પડ્યા બાદ બોલે ઓછામાં ઓછો એક ફૂટ જેટલો ટર્ન લીધો. બોલ બેટ્સમેનના પેડ અને બેટની વચ્ચેથી પસાર થઈને સીધો સ્ટમ્પમાં ઘૂસી ગયો. ગિલ્લીઓ હવામાં ઉછળી ગઈ અને બેટ્સમેન સહિત સૌ કોઈ ચોંકી ગયા.
શેન વોર્ન અને કુલદીપ યાદવમાં શું તફાવત છે?
શેન વોર્ને આ પ્રકારનો જાદુ લેગ-સાઈડ તરફથી કર્યો હતો, જ્યારે કુલદીપે ઓફ-સાઈડ તરફથી આ કારનામું કર્યું. કુલદીપ ડાબોડી રિસ્ટ સ્પિનર હોવાથી તેઓ બોલને વિપરીત દિશામાં ટર્ન કરાવે છે.
એટલે કે બોલ ઓફ-સાઈડ તરફથી જમણા હાથના બેટ્સમેન તરફ અંદરની તરફ આવે છે.
કુલદીપ યાદવની 10 વિકેટની ઘાતક બોલિંગના કારણે યોર્કશાયરે એસેક્સને એક ઇનિંગ્સ અને 106 રનના વિશાળ અંતરથી હરાવી દીધું.


