ભારત અને રશિયા વચ્ચેની જૂની અને વ્યૂહાત્મક રક્ષા ભાગીદારીમાં હવે વધુ એક મોટો અધ્યાય ઉમેરાઈ શકે છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના ભારત પ્રવાસ દરમિયાન 5મી પેઢીના Su-57 ફાઇટર જેટને લઈને ચર્ચાએ જોર પકડ્યું છે. ભારત પોતાની એર પાવરને આધુનિક બનાવવા માટે 5મી પેઢીના ફાઇટર જેટની ક્ષમતાઓ તરફ જોઈ રહ્યું છે, ત્યારે રશિયા ફરી એકવાર Su-57 સાથે ટેક્નોલોજી સહકાર અને સંભવિત સ્થાનિક ઉત્પાદનનો પ્રસ્તાવ આગળ ધપાવી રહ્યું છે.
અહેવાલો અનુસાર, આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પુતિન વચ્ચેની દ્વિપક્ષીય બેઠક દરમિયાન Su-57 અંગે ચર્ચા થવાની સંભાવના હતી અને આ મુદ્દો બંને દેશોના રક્ષા સહકારના મહત્વના વિષયોમાં સામેલ રહ્યો છે.
Su-57ને રશિયાની 5મી પેઢીની મલ્ટીરોલ સ્ટેલ્થ ફાઇટર તરીકે વિકસાવવામાં આવ્યું છે. તેમાં ઓછું રડાર સિગ્નેચર, આધુનિક સેન્સર, ઊંચી મેન્યુવેરેબિલિટી અને આંતરિક હથિયાર વહન કરવાની ક્ષમતા જેવી વિશેષતાઓ છે. રશિયા ભારતને આ વિમાન સાથે ટેક્નોલોજી ટ્રાન્સફર અને સ્થાનિક ઉત્પાદનની સંભાવનાઓ પણ બતાવી રહ્યું છે.
આ સમગ્ર ચર્ચામાં Product 177 એન્જિન પણ મહત્વનું બની શકે છે. રશિયાની સરકારી સંસ્થાના જણાવ્યા અનુસાર, આ એન્જિને 22 ડિસેમ્બર 2025ના રોજ Su-57 ટ્રાયલ વિમાન સાથે પ્રથમ ઉડાન ભરી હતી. જોકે એન્જિન હજી વિકાસ અને પરીક્ષણના તબક્કામાં હોવાથી તેની વિશ્વસનીયતા, લાઇફસાઇકલ ખર્ચ અને ટેક્નોલોજી ટ્રાન્સફરની વાસ્તવિક શરતો ભારત માટે મહત્વપૂર્ણ રહેશે.
બીજી તરફ, ભારત રશિયા પાસેથી વધુ પાંચ S-400 સ્ક્વોડ્રનની ખરીદી અંગે પણ પ્રક્રિયામાં છે.





