Home Blog Page 13

પહાડ પર બનાવ્યો માત્ર એક વિડિયો અને મળી ₹7 લાખથી વધુની નોકરી! પહાડી પ્રેમીઓ માટે મોટી ખબર

સામાન્ય રીતે નોકરી માટે તો રિઝ્યૂમે મોકલવાનું હોય, ઈન્ટરવ્યૂ આપવાનો હોય અને કોઈ ઓફિસમાં બેસવાનું હોય પરંતુ આ નોકરી માટે માત્ર એક વીડિયો બનાવવાનો પ્રસ્તાવ અને પસંદગી થઈ જાય તો એક મહિના માટે લગભગ ₹7 લાખથી વધુનો પગાર મળે! ચીનના હેનાન પ્રાંતના પ્રસિદ્ધ લાઓજુંન પર્વત પર આવી જ અનોખી નોકરી માટે હજારો લોકો મેદાનમાં ઉતર્યા હતા. અંતે 22 વર્ષના કન્ટેન્ટ ક્રિએટર લી સિશેન, જે સોશિયલ મીડિયા પર ‘શિયાઓ ઝાઓ’ નામથી ઓળખાય છે, આ તક જીતી ગયા.

લાઓજુંન માઉન્ટેનના ‘ક્લાઉડ સી ઓબ્ઝર્વર’ માટે 3,587 અરજીઓ મળી હતી. ઉમેદવારોએ ચીનના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ Douyin પર ઓરિજિનલ વીડિયો પોસ્ટ કરવાનો હતો. પસંદગીમાં વીડિયો ક્વોલિટી, લાઇક્સ અને તેની પહોંચ જેવા માપદંડોને ધ્યાનમાં લેવામાં આવ્યા. લી સિશેને પોતાના માતા-પિતા સાથે રાત્રે લાઓજુંન પર્વત ચઢીને વીડિયો બનાવ્યો હતો. વીડિયોને 10 લાખથી વધુ વ્યૂઝ અને 1 લાખથી વધુ એન્ગેજમેન્ટ મળ્યા બાદ તેઓ પસંદ થયા.

16 જુલાઈથી 15 ઓગસ્ટ સુધી તેમને પર્વતની ટોચ પર રહીને દરરોજ વાદળોના બદલાતા નજારા રેકોર્ડ કરવા અને ઓછામાં ઓછો એક શોર્ટ વીડિયો પોસ્ટ કરવાનો છે. બદલામાં તેમને 60,000 યુઆન એટલે કે લગભગ ₹7 લાખથી વધુનું પ્રી-ટેક્સ મહેનતાણું મળશે, જ્યારે રહેવા-જમવાની વ્યવસ્થા પણ આપવામાં આવશે.

જોકે દેખાવમાં આ ‘ડ્રીમ જોબ’ જેવી લાગે છે, પરંતુ પર્વત પર સતત શૂટિંગ, બદલાતું હવામાન અને યોગ્ય શોટ મેળવવાની મહેનત તેને સરળ કામ રહેવા દેતી નથી.

આ નોકરીની લોકપ્રિયતા ચીનના યુવાનોની રોજગારની સ્થિતિને પણ દર્શાવે છે. નેશનલ બ્યુરો ઑફ સ્ટેટિસ્ટિક્સ અનુસાર, જૂન 2026માં 16થી 24 વર્ષની વયના યુવાનોનો બેરોજગારી દર 14.9% હતો. આ દરમિયાન 1.27 કરોડ વિદ્યાર્થીઓ ગ્રેજ્યુએશન બાદ રોજગાર બજારમાં પ્રવેશી રહ્યા છે.

સુરતમાં 12 ઓગસ્ટે પાણી કાપ માટે થઈ જજો તૈયાર! આ વિસ્તારોમાં કલાકો સુધી નહીં આવે પાણી

સુરતીઓ માટે મહત્વના સમાચાર છે. જો તમે વરાછા, અશ્વિનીકુમાર, ફુલપાડા, કાપોદ્રા કે શહેરના મધ્ય વિસ્તારમાં રહેતા હો, તો 12 ઓગસ્ટે પાણીની અછતનો સામનો કરવો પડી શકે છે. સુરત મહાનગરપાલિકા દ્વારા મુખ્ય પાણી વિતરણ લાઇનમાં લીકેજ રિપેરિંગની કામગીરી હાથ ધરવામાં આવનાર હોવાથી શહેરના અનેક વિસ્તારોમાં નિર્ધારિત સમયગાળા દરમિયાન પાણી પુરવઠો સંપૂર્ણપણે બંધ રહેશે.

સુરતના જુના પૂર્વ ઝોન (વરાછા-એ) વિસ્તારમાં વરાછા મેઇન રોડ પર બરોડા પ્રીસ્ટેજ જંકશન નજીક આવેલી 1219 મીમી વ્યાસની M.S. ડિસ્ટ્રીબ્યુશન લાઇનમાં લીકેજ રિપેરિંગનું કામ કરવામાં આવશે. આ લાઇન વરાછા તેમજ સેન્ટ્રલ ઝોનના વિવિધ વિસ્તારોમાં પાણી પહોંચાડવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.

મહાનગરપાલિકા મુજબ કામગીરી 11 ઓગસ્ટે રાત્રે 11 વાગ્યાથી શરૂ થઈને 12 ઓગસ્ટે સાંજે 6 વાગ્યા સુધી ચાલવાની શક્યતા છે. આ દરમિયાન અલગ-અલગ ઝોનમાં અલગ સમયગાળા માટે પાણી પુરવઠો બંધ રહેશે.

12 ઓગસ્ટે સવારે 5થી 8 વાગ્યા સુધી સેન્ટ્રલ ઝોનના દક્ષિણ વિભાગમાં પાણી પુરવઠો બંધ રહેશે. તેમાં રાજમાર્ગથી દક્ષિણ તરફના બેગમપુરા, સલાબતપુરા, ગોપીપુરા, સગરામપુરા, નાનપુરા, રૂદરપુરા, સોની ફળીયા તેમજ આસપાસના વિસ્તારોનો સમાવેશ થાય છે. રેલવે સ્ટેશન અને સુમુલ ડેરી વિસ્તાર પણ અસરગ્રસ્ત રહેશે.

પૂર્વ ઝોન-એ (વરાછા)માં બપોરે 12:30થી 3:45 વાગ્યા સુધી પાણી પુરવઠો બંધ રહેશે. રેલવે સ્ટેશન, સુમુલ ડેરી, અશ્વિનીકુમાર, ફુલપાડા, લંબે હનુમાન રોડ, ઉમરવાડા, નાના વરાછા, કરંજ, કાપોદ્રા, સીતારામ સોસાયટી અને આઇમાતા રોડ સહિત આસપાસના વિસ્તારોમાં તેની અસર પડશે.

રિપેરિંગ પૂર્ણ થયા બાદ 13 ઓગસ્ટે પણ કેટલાક વિસ્તારોમાં ઓછા પ્રેશરથી અથવા ઓછા જથ્થામાં પાણી મળવાની શક્યતા છે. પાલિકાએ નાગરિકોને અગાઉથી પાણીનો સંગ્રહ કરવા અને તેનો કરકસરપૂર્વક ઉપયોગ કરવાની અપીલ કરી છે. કામગીરી સમય પહેલાં પૂર્ણ થશે તો પાણી પુરવઠો વહેલી તકે સામાન્ય કરી દેવામાં આવશે.

સાપે ડંખ માર્યો તો ડરવાને બદલે યુવકે કર્યું કંઈક એવું, વાંચીને તમે પણ ચોંકી જશો

0

છત્તીસગઢના કાંકેર જિલ્લાના પખાંજુર વિસ્તારમાં એવું ચોંકાવનારું દૃશ્ય બન્યું જેની કોઈ કલ્પના પણ ના કરી શકે. સાંપ ના ડંખ મારતા યુવક અસહાય અને ભયભીત થવાને બદલે સાપને ગળામાં વીંટાળી બાઇક પર હોસ્પિટલ પહોંચી ગયો હતો જે હાલ ચર્ચાનો વિષય બન્યો છે.

મળતી માહિતી મુજબ, યુવક સાપને રેસ્ક્યૂ કરવાના કામ સાથે જોડાયેલો હતો. રેસ્ક્યૂ દરમિયાન સાપે તેને ડંખ માર્યો હતો. ત્યારબાદ સાપને છોડવાને બદલે યુવકે તેને પોતાના ગળામાં વીંટાળી લીધો અને સારવાર માટે હોસ્પિટલ જવા બાઇક ચલાવી હોવાનું સામે આવ્યું છે. અહેવાલો અનુસાર, તેણે લગભગ 14 કિલોમીટરનો રસ્તો આ રીતે કાપ્યો હતો.

યુવકનો હેતુ હોસ્પિટલમાં ડોક્ટરોને સાપની ઓળખ કરાવવામાં મદદ કરવાનો હોવાનું જણાવાય છે. રસ્તામાં આ અસામાન્ય દૃશ્ય જોઈ કોઈ વ્યક્તિએ વીડિયો બનાવ્યો હતો, જે બાદમાં સોશિયલ મીડિયા પર વાયરલ થયો.

જોકે, નિષ્ણાતોની સલાહ મુજબ સાપ કરડ્યા બાદ તેને પકડવો કે શરીર પાસે રાખવો અત્યંત જોખમી છે. આવી સ્થિતિમાં સાપથી દૂર રહી તેની તસવીર લેવી શક્ય હોય તો લઈ શકાય, પરંતુ જીવ જોખમમાં મૂકવો નહીં. પીડિતને શક્ય તેટલી ઝડપથી તબીબી સારવાર મળે તે સૌથી મહત્વપૂર્ણ છે.

રશિયાનું તેલ કે અમેરિકાનો 100% ટેરિફ? ભારત સામે આવી શકે છે મોટું સંકટ!

રશિયાથી સસ્તું ક્રૂડ ખરીદીને ભારતે પોતાની ઊર્જા સુરક્ષા મજબૂત કરી છે, પરંતુ હવે આ જ સોદો નવી મુશ્કેલી ઊભી કરી શકે છે. અમેરિકી સેનેટે રશિયન ઊર્જા ખરીદતા દેશો સામે 100% સુધી વધારાનો ટેરિફ લાદવાની સત્તા રાષ્ટ્રપતિને આપતા બિલને મંજૂરી આપી હતી. ભારત આ બિલની સીધી અસર ભોગવી શકે તેવા મુખ્ય દેશોમાં શામેલ છે.

આ બિલ સેનેટમાં 86-11 મતથી પસાર થયું અને હવે તે અમેરિકી હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સમાં જશે. કાયદો બન્યા બાદ રશિયન તેલ-ગેસની ખરીદી ચાલુ રાખનારા મુખ્ય દેશો સામે 100% સુધીનો ટેરિફ લગાવવાની સત્તા અમેરિકી રાષ્ટ્રપતિને મળી શકે છે.

ભારત માટે મામલો ગંભીર છે કારણ કે રશિયા દેશનો સૌથી મોટો ક્રૂડ સપ્લાયર છે. ગ્લોબલ ટ્રેડ રિસર્ચ ઈનીશીયેટીવે (GTRI) અનુસાર, નાણાકીય વર્ષ 2026માં ભારતે કુલ 134.7 અબજ ડોલરનું ક્રૂડ આયાત કર્યું હતું, જેમાં રશિયાનો હિસ્સો 40.8 અબજ ડોલર એટલે કે 30.3% હતો.

ગ્લોબલ ટ્રેડ રિસર્ચ ઈનીશીયેટીવેGTRIનું કહેવું છે કે સસ્તા રશિયન ક્રૂડથી ભારતનું આયાત બિલ ઘટાડવામાં, ઊર્જા સુરક્ષા જાળવવામાં અને મોંઘવારીને કાબૂમાં રાખવામાં મદદ મળી છે. સંસ્થાના ફાઉન્ડર અજય શ્રીવાસ્તવના જણાવ્યા મુજબ ભારતે અમેરિકી ટેરિફની ધમકીના આધારે પોતાની ઊર્જા નીતિ નક્કી ન કરવી જોઈએ.

ભારત માટે હવે પડકાર માત્ર રશિયન તેલ ખરીદવાનો નથી, પરંતુ ઊર્જા સુરક્ષા, વધતી આયાત કિંમત અને અમેરિકા સાથેના વ્યૂહાત્મક સંબંધો વચ્ચે સંતુલન જાળવવાનો છે.

CJP વિરોધ બાદ PM મોદીએ Gen Zને શું આપ્યો પ્રથમ જાહેર સંદેશ?

0

દિલ્હીના જંતર-મંતર પર થયેલા યુવા આંદોલન બાદ હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સીધો દેશની નવી પેઢી તરફ વિશ્વાસનો હાથ લંબાવ્યો છે. IIT દિલ્હીના 57મા દીક્ષાંત સમારોહમાં તેમણે યુવાનોને માત્ર નોકરી કે કરિયરની દોડ પૂરતી નહીં, પરંતુ આગામી દાયકાઓમાં દેશના વિકાસની જવાબદારી સંભાળવા તૈયાર રહેવાનો સંદેશ આપ્યો છે.

નવી દિલ્હીમાં આજે IIT દિલ્હીના દીક્ષાંત સમારોહને સંબોધતા PM મોદીએ કહ્યું કે દરેક પેઢી સામે પોતાના સમયના પડકારો હોય છે અને તેની સાથે રાષ્ટ્ર પ્રત્યેની જવાબદારી પણ હોય છે. તેમણે યુવાનોને પોતાના નિર્ણયો લેતી વખતે એ વિચારવાની અપીલ કરી કે તેમના કામથી દેશને શું લાભ થઈ શકે છે.

PM મોદીએ કહ્યું કે આગામી 30થી 35 વર્ષ યુવાનોના જીવન માટે મહત્વપૂર્ણ રહેશે અને આ સમયગાળો ભારતને ‘વિકસિત ભારત’ બનાવવાની યાત્રા પર પણ અસર કરશે. તેમણે ઝડપથી બદલાતી ટેક્નોલોજી અને વૈશ્વિક પરિસ્થિતિ વચ્ચે સતત નવી વસ્તુઓ શીખતા રહેવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે.

યુવાનો સાથે સીધું જોડાણ બનાવતા PM મોદીએ ભારતના સ્પેસ સેક્ટરનું ઉદાહરણ આપ્યું છે. તાજેતરમાં ખાનગી કંપની સ્કાયરૂટ એરોસ્પેસે વિકસાવેલા વિક્રમ-1 રોકેટની સફળતા તરફ ઈશારો કરતાં તેમણે જણાવ્યું કે આજે યુવાનો માટે નવા ક્ષેત્રો ખુલ્યા છે. વિક્રમ-1 ભારતનું પ્રથમ ખાનગી રીતે વિકસાવાયેલ ઓર્બિટલ રોકેટ બન્યું છે અને તેની સફળતાને દેશના ખાનગી સ્પેસ સેક્ટર માટે મહત્વપૂર્ણ સિદ્ધિ માનવામાં આવી છે.

PM મોદીએ Gen Zની ભાષાનો ઉપયોગ કરતાં એવી કલ્પના રજૂ કરી કે ભારતનો કોઈ યુવાન આજે કહી રહ્યો હશે—‘મારી વંશપરંપરામાં રોકેટ બનાવનાર પ્રથમ વ્યક્તિ હું છું.’ તેમણે ડ્રોન ક્ષેત્રના વિસ્તરણનો પણ ઉલ્લેખ કર્યો અને જણાવ્યું કે તેનો ઉપયોગ રાષ્ટ્રીય સુરક્ષા ઉપરાંત દવાઓ પહોંચાડવા જેવા કામોમાં થઈ રહ્યો છે.

PM મોદીના આ સંબોધનનું મહત્વ એટલા માટે પણ વધ્યું છે કે જંતર-મંતર પર CJPના નેતૃત્વમાં થયેલા NEET-UG 2026 પેપર લીક વિરોધી આંદોલન બાદ શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને 25 જુલાઈએ રાજીનામું આપ્યું હતું. પ્રધાનનું રાજીનામું વિરોધ કરી રહેલા યુવાનોની મુખ્ય માંગોમાંનું એક હતું.

આ સમગ્ર પૃષ્ઠભૂમિમાં PM મોદીનો સંદેશ સ્પષ્ટ હતો—યુવાનો દેશનું ભવિષ્ય જ નહીં, પરંતુ વર્તમાન પરિવર્તનના મુખ્ય ભાગીદાર પણ છે.

હવે હવામાંથી બનશે પીવાનું પાણી! જાણો નોઇડાની આ ટેક્નોલોજીનો કમાલ

પાણી માટે નળ, બોરિંગ કે ભૂગર્ભજળ પર નિર્ભર રહેવાનો સમય કદાચ ધીમે ધીમે બદલાઈ શકે છે. નોઈડામાં રજૂ થયેલી એક નવી ટેક્નોલોજી હવામાં રહેલા ભેજમાંથી પીવાનું પાણી તૈયાર કરવાનો દાવો કરી રહી છે. જો આ ટેક્નોલોજી મોટા પાયે સફળ થાય, તો પાણીની અછત ધરાવતા વિસ્તારો માટે તે મહત્વપૂર્ણ વિકલ્પ બની શકે છે.

ગ્રેટર નોઈડાના India Expo Centre & Mart ખાતે યોજાયેલા India International Hospitality Expo 2026માં નોઈડા સ્થિત WAE કંપનીએ Atmospheric Water Generator (AWG) રજૂ કર્યું હતું. આ મશીન વાતાવરણની ભેજને કન્ડેન્સેશન પ્રક્રિયા દ્વારા પાણીમાં ફેરવે છે અને ત્યારબાદ ફિલ્ટરેશન તથા શુદ્ધિકરણ પ્રક્રિયા મારફતે તેને પીવાલાયક બનાવવામાં આવે છે.

કંપનીના જણાવ્યા અનુસાર, આ ટેક્નોલોજીનો ઉપયોગ ઘર ઉપરાંત હોટેલ, એરપોર્ટ, હોસ્પિટલ, ઓફિસ અને અન્ય સંસ્થાઓમાં થઈ શકે છે. WAE સાથે જોડાયેલી શિવિકા સિંહે પણ પાણીના વિકલ્પો અને સસ્ટેનેબલ વોટર મેનેજમેન્ટ અંગે કામ કર્યું છે.

જોકે નિષ્ણાતોના અભ્યાસ મુજબ AWGથી મળતા પાણીનું પ્રમાણ હવામાં રહેલી ભેજ અને તાપમાન પર ઘણું નિર્ભર રહે છે. તેથી ઓછા ભેજવાળા વિસ્તારોમાં તેની કાર્યક્ષમતા અલગ હોઈ શકે છે.

સરળ ભાષામાં કહીએ તો, આ ટેક્નોલોજી ‘હવામાંથી પાણી’ મેળવવાની સંભાવનાને વાસ્તવિક ઉપયોગ તરફ લઈ જતી દિશામાં એક રસપ્રદ પગલું છે.

આસામના પૂરમાં અદભૂત દૃશ્ય! બધું વહેતું રહ્યું, હનુમાનજીની મૂર્તિ રહી અડીખમ

0

આસામમાં પૂરનું પાણી જ્યાં ઘર, રસ્તા અને આસપાસની અનેક વસ્તુઓને પોતાની સાથે વહાવી રહ્યું છે, ત્યાં સોશિયલ મીડિયા પર સામે આવેલો એક વીડિયો લોકોનું ધ્યાન ખેંચી રહ્યો છે. વીડિયોમાં પાણી અને કાદવથી ઘેરાયેલા વિસ્તારમાં હનુમાનજીની મૂર્તિ અડીખમ ઊભેલી જોવા મળે છે. આ વીડિયો સિમસાગર જિલ્લાના બામુનપુખુરી વિસ્તારનો હોવાનું સોશિયલ મીડિયા પર જણાવાઈ રહ્યું છે.

સ્થળ પર નુકસાનના નિશાન વચ્ચે હનુમાનજીની પ્રતિમા પોતાની જગ્યાએ ઊભી જોવા મળતાં લોકો ભાવુક થઈ રહ્યા છે. કેટલાક સોશિયલ મીડિયા યુઝર્સ તેને ‘બજરંગબલીનો ચમત્કાર’ ગણાવી રહ્યા છે, જ્યારે અન્ય લોકો તેને મુશ્કેલીના સમયમાં આસ્થા અને હિંમતના પ્રતીક તરીકે જોઈ રહ્યા છે. વીડિયોમાં કેટલાક લોકો મૂર્તિ સમક્ષ નતમસ્તક થતા પણ જોવા મળે છે.

આ વીડિયો એવા સમયે વાયરલ થયો છે જ્યારે આસામમાં પૂરનું સંકટ ગંભીર છે. 8 ઓગસ્ટના સત્તાવાર આંકડા મુજબ રાજ્યના 13 જિલ્લાઓમાં આશરે 1.55 લાખ લોકો પૂરથી પ્રભાવિત થયા છે. આ વર્ષે પૂર અને સંબંધિત ઘટનાઓમાં મૃત્યુઆંક 98 પર પહોંચી ગયો છે.

સિમસાગર સહિત અપર આસામના અનેક વિસ્તારોમાં પૂરથી સામાન્ય જનજીવન પ્રભાવિત થયું છે. સિમસાગર જિલ્લાના સત્તાવાર ફ્લડ કન્ટિજેન્સી પ્લાનમાં બામુનપુખુરી બાગીચા સહિત અનેક વિસ્તારોને પૂર માટે સંવેદનશીલ તરીકે દર્શાવવામાં આવ્યા છે.

હનુમાનજીની મૂર્તિ સાથે જોડાયેલો વીડિયો લોકોમાં ભાવનાત્મક ચર્ચાનો વિષય બન્યો છે અને મુશ્કેલીના સમયમાં વિશ્વાસ તથા હિંમતનો સંદેશ આપી રહ્યો છે.

મોબાઈલ સ્નેચિંગ બન્યું મોતનું કારણ! ચાલુ ટ્રેનમાંથી પટકાયો મુસાફર, CCTVમાં કેદ થઈ ચોંકાવનારી ઘટના

0

મોબાઈલ ફોનની એક ઝૂંટાઝૂંટે 32 વર્ષીય મુસાફરની જિંદગી છીનવી લીધી હતી. અંકલેશ્વરના પાનોલી રેલવે સ્ટેશન નજીક ચાલુ ટ્રેનમાંથી પટકાયેલા અશોક ગુર્જર ગંભીર રીતે ઘવાયો અને સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા બાદ સમગ્ર બનાવની ભયાનકતા સામે આવી છે.

મૂળ રાજસ્થાનનો અશોક ગુર્જર રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતો હતો. 6 ઓગસ્ટે તેઓ જયપુર-બાંદ્રા સુપરફાસ્ટ ટ્રેન નંબર 12980માં સવાઈ માધવપુરથી સુરત તરફ મુસાફરી કરી રહ્યો હતો. તે જનરલ કોચના દરવાજા નજીક બેઠો હતો.

ટ્રેન પાનોલી સ્ટેશન પાસેથી પસાર થઈ રહી હતી ત્યારે પ્લેટફોર્મ પર સૂતેલો એક શખસ અચાનક દોડી આવ્યો અને અશોકનો મોબાઈલ ઝૂંટવી લીધો હતો. અચાનક થયેલા આંચકામાં અશોક ટ્રેનમાંથી નીચે પડકાયો હતો. પકડ છૂટી જતાં તે પ્લેટફોર્મ પર પડ્યો અને આશરે 100 મીટર સુધી ઢસડાયા બાદ ટ્રેનની નીચે આવી ગયો હતો.

CCTVમાં શંકાસ્પદ શખસ મોબાઈલ લઈને ભાગતો દેખાય છે. બાદમાં તે સાથી સાથે પરત આવી વસ્તુઓ ઉઠાવી ફરાર થયો હોવાનું સામે આવ્યું છે. ભરૂચ રેલવે પોલીસે બે શંકાસ્પદોની શોધખોળ શરૂ કરી છે.

NEET-UG 2026 પેપર લીક મુદ્દા પર સીબીઆઇનો નવો દાવો : NTAના 3 વિષય નિષ્ણાતો પર ગંભીર આરોપ

0

NEET-UG 2026 પેપર લીક કેસમાં CBIની ચાર્જશીટે પરીક્ષા વ્યવસ્થાને લઈને અનેક સવાલો ઊભા કર્યા છે. તપાસ એજન્સીના જણાવ્યા અનુસાર, કથિત પેપર લીક પાછળ સુવ્યવસ્થિત નેટવર્ક હતું, જેમાં NTA સાથે જોડાયેલા ત્રણ વિષય નિષ્ણાતો, કોચિંગ સેન્ટર સાથે સંકળાયેલા લોકો, મધ્યસ્થીઓ અને કેટલાક ઉમેદવારો શામેલ હતા. જોકે, આ તમામ આરોપો છે અને કેસમાં અંતિમ નિર્ણય કોર્ટનો રહેશે.

CBIએ 28 જુલાઈએ વિશેષ કોર્ટમાં કુલ 13 આરોપીઓ સામે ચાર્જશીટ દાખલ કરી હતી. આરોપીઓ સામે ભારતીય ન્યાય સંહિતા (BNS), ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ અને Public Examinations (Prevention of Unfair Means) Act, 2024 હેઠળ વિવિધ કલમો લગાવવામાં આવી છે.

તપાસ દરમિયાન CBIએ 360 સાક્ષીઓ, 422 દસ્તાવેજો અને 43 ભૌતિક પુરાવાઓનો સમાવેશ કર્યો છે. એજન્સીએ ડિજિટલ ફોરેન્સિક, હસ્તલેખન અને શૈક્ષણિક નિષ્ણાતોના રિપોર્ટનો પણ સહારો લીધો છે. CBIનો દાવો છે કે આ પુરાવાઓથી પરીક્ષા પહેલાં કથિત લીક થયેલા પ્રશ્નોના પ્રસાર સાથે આરોપીઓની કડી સામે આવી છે.

NEET-UG 2026ની 3 મેની પરીક્ષા પેપર લીકના આરોપો વચ્ચે રદ કરવામાં આવી હતી અને ત્યારબાદ 21 જૂને પુનઃપરીક્ષા યોજાઈ હતી.

થાઈલેન્ડની સ્કૂલમાં ફાયરિંગથી ચકચાર, 9મા ધોરણના વિદ્યાર્થીએ મચાવ્યો મોતનો તાંડવ

થાઈલેન્ડમાં સ્કૂલની સામાન્ય સવાર અચાનક ગોળીઓના ધડાકાથી દહેશતમાં ફેરવાઈ ગઈ હતી. બેંગકોક નજીક નોનથાબુરીના ડેબસિરિન નોનથાબુરી સ્કૂલમાં એક કિશોર વિદ્યાર્થીએ ગોળીબાર કરતાં અનેક લોકોના મોત થયા અને 20થી વધુ લોકો ઘાયલ થયા છે. ઘટનાએ ફરી એકવાર થાઈલેન્ડમાં હથિયારોની ઉપલબ્ધતા અને સ્કૂલની સુરક્ષા અંગે ગંભીર સવાલો ઊભા કર્યા છે.

14 વર્ષના વિદ્યાર્થીએ સ્કૂલ પહોંચતા પહેલાં પોતાના દાદા-દાદીની પણ ગોળી મારી હત્યા કરી હતી. ત્યારબાદ તે ડેબસિરિન નોનથાબુરી સ્કૂલ પહોંચ્યો અને ગોળીબાર કર્યો હતો. સ્કૂલમાં થયેલા હુમલામાં 5 શિક્ષકો અને સ્ટાફના સભ્યોના મોત થયા હતા. હુમલાખોરે બાદમાં પોતાને પણ ગોળી મારી હતી. આમ, હુમલાખોર સહિત કુલ આઠ લોકોના મોત થયા છે.

પોલીસના જણાવ્યા મુજબ હુમલાખોરે ઓછામાં ઓછી 26 ગોળીઓ ચલાવી હતી. તેની પાસે વધુ 34 કારતૂસ પણ મળી આવ્યા હતા. ઉપયોગમાં લેવાયેલી બંદૂક તેના દાદાના નામે નોંધાયેલી હતી. હુમલાખોરે પોતાને ગોળી માર્યા બાદ ઈમરજન્સી ટીમે તેને બચાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેનું મોત થયું હતું.

ઘટના સમયે સ્કૂલમાં અફરાતફરી મચી ગઈ હતી. એક 18 વર્ષીય વિદ્યાર્થીએ જણાવ્યું કે શરૂઆતમાં તેને ગોળીબારના અવાજ ફટાકડા ફૂટતા હોય તેવો લાગ્યો હતો. જોકે, સતત અનેક ધડાકા થયા બાદ સ્થિતિની ગંભીરતા સમજાઈ હતી.

આ હુમલામાં 23 લોકો ઘાયલ થયા હોવાનું તાજેતરના રિપોર્ટમાં જણાવાયું છે. ઘટનાનું કારણ જાણવા પોલીસ તપાસ કરી રહી છે. શિક્ષણ મંત્રાલયે પણ મામલાની તપાસ શરૂ કરી છે.

થાઈલેન્ડમાં હથિયારોના કાયદા કડક હોવા છતાં દેશમાં નાગરિકો પાસે મોટી સંખ્યામાં બંદૂકો હોવાને કારણે ગન હિંસા લાંબા સમયથી ચિંતાનો વિષય છે. ફેબ્રુઆરી 2026માં પણ દક્ષિણ થાઈલેન્ડની એક સ્કૂલમાં ગોળીબારની ઘટના બની હતી.