દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ લી જે મ્યુંગ અત્યારે ભારતના પ્રવાસે આવ્યાં છે. આજે રાષ્ટ્રપતિ ભવનમાં તેમને સ્વાગત કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દક્ષિણ કોરિયાથી આવેલા રાજ્ય મહેમાનોનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું છે. સૂત્રોના જણાવ્યાં પ્રમાણે કોરિયાઈ રાષ્ટ્રપતિ લી જે મ્યુંગ નવી દિલ્હી ખાતે આવેલા રાજઘાટે જઈને મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. રાષ્ટ્રપતિ લી જે મ્યુંગ સાથે દક્ષિણ કોરિયાની પ્રથમ મહિલા કિમ હી ક્યૂંગ પણ ભારત આવ્યાં છે.
ભારતીય વિદેશ મંત્રાયલ દ્વારા રાષ્ટ્રપતિની આ ભારત યાત્રાને ખૂબ જ મહત્વપૂર્ણ ગણાવી છે અને વ્યૂહાત્મક ભાગીદારીને આગળ વધારવામાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ ગણાવવામાં આવ્યું છે. આજે પીએમ મોદી રાષ્ટ્રપતિ લી સાથે દ્વિપક્ષીય બેઠક પણ કરવાના છે. આ બેઠક દરમિયાન જહાજ નિર્માણ, વેપાર, રોકાણ, એઆઈ અને સેમીકંડક્ટર અંગે ખાસ ચર્ચા કરવામાં આવશે તેવું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. આ સાથે અન્ય કેટલાક વિષયો પર પણ ચર્ચા થઈ શકે છે.
કોરિયાઈ રાષ્ટ્રપતિ ગઈકાલે રાતે ભારત પહોંચ્યાં હતા. તે દરમિયાન દિલ્હી એરપોર્ટ પર કેન્દ્રીય રાજ્ય પ્રધાન હર્ષ મલ્હોત્રાએ તેમનું સ્વાગત કર્યું હતું. તે પછી વિદેશ પ્રધાન એસ જયશંકર સાથે પણ મુલાકાત થઈ હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. ભારત અને કોરિયાના સંબંધો વધારે મજબૂત બને તે માટે આ યાત્રાને ખાસ ગણવામાં આવી રહી છે. આજે બપોરે પીએમ મોદી સાથે દક્ષિણ કોરિયાઈ રાષ્ટ્રપતિ ભોજન કરશે. તે પછી કોરિયાઈ રાષ્ટ્રપતિ ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ સાથે વાતચીત કરશે.
લુઇસિયાનાના શ્રેવપોર્ટમાં, એક વ્યક્તિએ ઘરેલુ ઝઘડાને કારણે આઠ બાળકોની ગોળી મારી હત્યા કરી હતી, તેમાંથી સાત બાળકો તેના પોતાના હતા. પોલીસે પીછો કર્યા પછી આરોપીને ગોળી મારીને મારી નાખ્યો હતો. આ ઘટનાએ સમગ્ર અમેરિકાને હચમચાવી નાખ્યું છે. આરોપીએ ત્રણ અલગ અલગ સ્થળોએ ગોળીબાર કર્યો હતો. પ્રારંભિક માહિતી મુજબ આ ઘટના ઘરેલુ હિંસા સાથે સંબંધિત છે, અને તેનું કારણ હજુ પણ તપાસ હેઠળ છે. આ ઘટનાને છેલ્લા બે વર્ષમાં અમેરિકામાં સૌથી ભયંકર સામૂહિક ગોળીબાર માનવામાં આવે છે. પોલીસે આરોપીની ઓળખ 31 વર્ષીય શમર એલ્કિન્સ તરીકે કરી છે. તેણે પહેલા તેના ઘરે અને પછી બે અન્ય સ્થળોએ બાળકોને નિશાન બનાવ્યા હતા. મૃતકોમાં ત્રણ થી 11 વર્ષની વયના બાળકોનો સમાવેશ થાય છે. બે મહિલાઓ પણ ગંભીર રીતે ઘાયલ થઈ હતી, જેમાંથી એક આ ઘટનામાં માર્યા ગયેલા બાળકોની માતા છે. ઘટનાની માહિતી આપતા પોલીસ અધિકારી ક્રિસ બોર્ડેલોને જણાવ્યું હતું કે પીછો કર્યા પછી, આરોપી વાહનમાંથી બહાર નીકળ્યો હતો, તેની પાસે શસ્ત્ર હતું, ત્યારબાદ પોલીસે ડેપ્યુટી પર ગોળીબાર કર્યો, જેના પરિણામે તેનું મોત નીપજ્યું હતું. પોલીસ માને છે કે આરોપીએ બધા ગોળીબાર એકલાએ જ કર્યા હતા. અધિકારીઓના જણાવ્યા અનુસાર, આરોપી પર 2019 માં અગાઉ ફાયરઆર્મ્સનો કેસ નોંધાયેલો હતો, જેમાં તેણે પોતાનો ગુનો કબૂલ્યો હતો. બીજા સ્થળે નવ બાળકો હાજર હતા, જેમાંથી એક ઘાયલ થયો હતો પરંતુ બચી ગયો હતો અને તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.
જમ્મુ અને કાશ્મીરના ઉધમપુર જિલ્લાના રામનગર કાઘોટ વિસ્તારમાં એક પેસેન્જર બસ અકસ્માતગ્રસ્ત થઈ ગઈ. સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે અત્યાર સુધીમાં 10 લોકોના મોત થયાના અહેવાલ છે, જ્યારે ઘણા લોકો ઘાયલ થયા છે. અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને બચાવ અને રાહત પ્રયાસો ચાલી રહ્યા છે.
અહેવાલો અનુસાર, બસ રામનગરથી ઉધમપુર જઈ રહી હતી ત્યારે આ અકસ્માત થયો. પ્રારંભિક અહેવાલો દર્શાવે છે કે 10 થી વધુ લોકોના મોત થયા છે, જ્યારે ઘણા લોકો ઘાયલ થયા છે. હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ કે વિગતવાર નિવેદન જારી કરવામાં આવ્યું નથી.
કેન્દ્રીય મંત્રી ડૉ. જીતેન્દ્ર સિંહે સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં આ ઘટના વિશે માહિતી શેર કરી. તેમણે લખ્યું, “ઉધમપુરના ડીસી મિંગા શેરપા સાથે હમણાં જ વાત કરી. મને ખબર પડી કે એક કલાક કરતા પણ ઓછા સમય પહેલા કનોટ ગામમાં એક દુ:ખદ માર્ગ અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં રામનગરથી ઉધમપુર જતી જાહેર પરિવહન બસનો સમાવેશ થાય છે.
બચાવ કામગીરી તાત્કાલિક શરૂ કરવામાં આવી છે. અનેક જાનહાનિ થવાની આશંકા છે. શક્ય તેટલી બધી સહાય પૂરી પાડવામાં આવી રહી છે. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં મોકલવામાં આવશે. ગંભીર રીતે ઘાયલોને એરલિફ્ટ કરવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.
સુરતના ઉધના રેલવે સ્ટેશન પર મુસાફરોની ભારે ભીડ જોવા મળી રહી છે. ઉદ્યોગોમાં ગેસની અછત, કારખાનાઓમાં રજાઓ અને શાળાઓમાં ઉનાળુ વેકેશન શરૂ થતા મોટી સંખ્યામાં પરપ્રાંતીય લોકો પોતાના વતન તરફ રવાના થઈ રહ્યા છે. ખાસ કરીને ઉત્તર પ્રદેશ અને બિહાર જવા માટે મુસાફરો સ્ટેશન પર ઉમટી પડ્યા છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સ્ટેશન પર અંદાજે 7,000થી વધુ મુસાફરો ભેગા થઈ ગયા હતા, જ્યારે તેમની માટે માત્ર બે ટ્રેનો જ ઉપલબ્ધ હતી. પરિસ્થિતિ એટલી ગંભીર બની ગઈ કે સ્ટેશનની બહાર લગભગ ત્રણ કિલોમીટર લાંબી લાઈનો લાગી ગઈ. આ દરમિયાન કેટલાક લોકોએ લાઈન તોડીને આગળ વધવાનો પ્રયાસ કર્યો, જેના કારણે પરિસ્થિતિ વધુ બગડી. અંતે પોલીસ અને RPFના જવાનોએ ભીડને કાબૂમાં લેવા માટે હળવો લાઠીચાર્જ કરવો પડ્યો.
માહિતી મુજબ, ભારે ગરમીનો પણ મુસાફરો પર ખરાબ પ્રભાવ પડ્યો. લાઈનમાં ઉભેલા ઓછામાં ઓછા બે લોકો બેહોશ થઈ ગયા. વધતા તણાવ વચ્ચે રેલવે પોલીસ અને સુરક્ષાકર્મીઓ માટે વધતી ભીડને સંભાળવી મુશ્કેલ બની ગઈ. પીવાના પાણીની ભારે અછત વચ્ચે જ્યારે પાણીની બોટલો વહેંચવામાં આવી ત્યારે પરેશાન મુસાફરો તેને મેળવવા માટે એકબીજા સાથે ખેંચતાણ કરતા જોવા મળ્યા, જેના કારણે ત્યાં વધુ અફરાતફરી મચી ગઈ.
સ્ટેશન પર પીવાના પાણીની પણ ગંભીર અછત જોવા મળી છે. જ્યારે તંત્ર દ્વારા પાણી પહોંચાડવામાં આવ્યું ત્યારે તરસ્યા લોકો બોટલ મેળવવા માટે એકબીજા પર તૂટી પડ્યા હતા. આ દરમિયાન અનેક હૃદયદ્રાવક દ્રશ્યો પણ સામે આવ્યા છે. એક યુવક પોતાની પત્નીની અસ્થિઓ લઈને કલાકો સુધી ટ્રેનમાં ચઢવા માટે સંઘર્ષ કરતો રહ્યો હતો, જે દૃશ્યે ત્યાં હાજર લોકોને ભાવુક બનાવી દીધા હતા. આવી પરિસ્થિતિએ મુસાફરોની મુશ્કેલીઓ વધુ વધારી દીધી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા એ દિવસે જ ‘કોંગ્રેસમુક્ત ભારત’નો નારો આપી દીધો હતો અને લોકોની નજર સામે કોંગ્રેસ સાફ થઈ ગઈ
સ્થાનિક સ્વરાજ્યની મેગા ચૂંટણી છતાં કોંગ્રેસને ઉમેદવારો મળ્યા નહીં અને જે મળ્યા એમાંથી ઘણા બેસી ગયા, ઘણાએ ઉમેદવારી નોંધાવીને ફોર્મ પાછાં ખેંચી લીધાં હતાં!
જાહેરમાં માતાના દૂધના સોંગદખાનારા ‘આપ’ના અનેક ઊભરતા નેતાઓ ભાજપમાં આવી ગયા હતા, છેલ્લે ખમતીધર અને ઝનૂની ગણાતા ખેડૂત નેતા રાજુ કપરાડાએ પણ ભાજપનો કેસરિયો પહેરી લેતા ‘આપ’માં શૂન્યાવકાશ સર્જાયો હતો
પાટીદાર આંદોલનના બીજા સ્વરૂપમાં ગુજરાતમાં ઊભરી રહેલી ‘આમ આદમી પાર્ટી’ની ઘણા સમય પહેલાં ભાજપે આયોજનબદ્ધ હવા કાઢી નાંખી હતી
વીતેલા વર્ષોમાં સી.આર. પાટીલે ‘આપ’ના ઘણા યુવા ચહેરાઓના ગળામાં ભાજપની કંઠી બાંધીને ‘આપ’ની છાવણી ખાલી કરવાનું કામ કર્યું હતું, હવે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ‘આપ’ના બહુ બોલકા નેતાઓ સાથે બાથ ભીડીને બાકીનું કામ પૂરું કરી દેશે; હાર્દિક પટેલ, અલ્પેશ કથીરિયા, ધાર્મિક માલવિયા, રાજુ કરપડા જેવા ઘણા ચહેરા ‘આપ’ છોડીને ભાજપમાં આવી ગયા; હવે જાહેરમંચ ઉપરથી પડકાર ફેંકી શકે એવું ‘આપ’ પાસે કોઈ રહ્યું નથી
ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની એટલે કે મહાપાલિકાઓ, નગરપાલિકાઓ, જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીઓ છેક છેવાડાના ગામડાંઓને સ્પર્શતી હોવા છતાં રાજકીય ગરમાટો આવતો નથી. મહાનગરો અને નગરપાલિકાઓમાં ચૂંટણી હોય એવા માહોલનો અનુભવ થઈ રહ્યો છે, પરંતુ કોઈક અકળ કારણોસર રાજકીય પક્ષોના ટોચના ચહેરાઓ ચૂંટણીપ્રચારથી અલિપ્ત છે અથવા તો દૂર ભાગી રહ્યા છે. ખરેખર જોવા જઈએ તો સ્થાનિક ચૂંટણીઓનું મહત્ત્વ વધી જાય છે. હજારો ઉમેદવારો જ્યારે ચૂંટણીના મેદાનમાં હોય ત્યારે સ્વાભાવિક રાજ્યના પ્રત્યેક નાગરિક સુધી રાજકીય અસરો પહોંચવાની જ; પરંતુ આ વખતની ચૂંટણીમાં આમાનું કંઈ જ નથી. જાણે લોકોને ચૂંટણીમાં રસ નથી.
આમ થવા પાછળ એટલું ચોક્કસ માની શકાય કે વર્ષો સુધી શાસન કરનાર રાષ્ટ્રીય પક્ષ કોંગ્રેસનું ગુજરાતનું નેતૃત્વ લગભગ મરી પરવાર્યું છે. હજુ પણ ઘણા લોકો એવા છે કે, જે કોંગ્રેસની વિચારધારાને માને છે અને કોંગ્રેસનો ઉમેદવાર જીતે કે ન જીતે તોપણ કોંગ્રેસને મત આપતા આવ્યા છે. પરંતુ સામે પક્ષે કોંગ્રેસની નેતાગીરી પરવારી ચૂકી છે. જાણે કોંગ્રેસની આખી જમાતને ઊધઈનો ભરડો લાગી ગયો છે. આમ થવા પાછળ બીજું કોઈ નહીં, પરંતુ ખુદ કોંગ્રેસનું નેતૃત્વ જવાબદાર છે. બદલાતી પેઢી, બદલાતા સંજોગો અને લોકોની બદલાતી માનસિકતાની કોંગ્રેસ નેતાગીરીએ ક્યારેય પણ પરવા કરી નહોતી. ફળશ્રુતિરૂપે કોંગ્રેસ હવે ખોખલી થઈ ચૂકી હોવાથી લોકોની નજરમાંથી કોંગ્રેસનો ચહેરો ક્રમશઃ ભુંસાઈ રહ્યો છે. કદાચ એવું પણ બને કે આવનારી પેઢી કોંગ્રેસને ઓળખતી પણ નહીં હોય. કદાચ ઇતિહાસમાં ભણાવાતું હશે કે કોંગ્રેસ નામનો એક પક્ષ હતો.
દૂર જવાની જરૂર નથી. આ વખતની સ્થાનિક ચૂંટણીમાં કોંગ્રેસને ઉમેદવાર તરીકે ઊભા રાખવા ચહેરા પણ મળતા નહોતા અને એટલે છેલ્લી ઘડી સુધી ઉમેદવારોની યાદી પણ જાહેર કરી શકાય નહોતી. આનાથી પણ આગળ કોંગ્રેસે જાહેર કરેલા ઉમેદવારો પણ પાણીમાં બેસી ગયા હતા. ઘણા લોકોએ તો ઉમેદવારી કર્યા પછી ફોર્મ પરત ખેંચી લીધાં હતાં! બલ્કે કોંગ્રેસ કરતા ‘આપ’વાળા વધુ મજબૂત નીકળ્યા હતા. પરંતુ આ વખતે ‘આપ’વાળા માટે ‘ખાટલે મોટી ખોડ’ છે કે આપ પાસે એક પણ મજબૂત નેતા રહ્યો નથી. ચૂંટણી પૂર્વે જ સુરતમાં મજબૂત ગણાતા અલ્પેશ કથીરિયા, ધાર્મિક માલવિયા જેવા યુવા અને ખમતીધર નેતાઓએ ‘આપ’ને રામ-રામ કરીને ભાજપની કંઠી પહેરી લીધી હોવાથી ભાજપના પ્રચાર સામે જડબાતોડ જવાબ આપી શકે એવો એક પણ નેતા ‘આપ’ પાસે બચ્યો નથી. સુરત મનપાની ગત ચૂંટણીમાં ‘આપ’ના ૨૭ કોર્પોરેટરો ચૂંટાયા હતા, પરંતુ આમાથી દસે ભાજપની વાટ પકડી લીધી હતી.
ગત ચૂંટણી વખતે સી.આર. પાટીલ ભાજપના પ્રદેશપ્રમુખ હતા અને તેમણે આમ આદમી પાર્ટીની કમ્મર તોડવામાં કંઈ બાકી રાખ્યું નહોતું. આ વખતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આમ આદમી પાર્ટી સાથે સીધી જ બાથ ભીડી છે અને જેવા સાથે તેવો જડબાતોડ જવાબ આપી રહ્યા છે અને ‘આપ’ પ્રભાવિત વિસ્તારોમાં ભાજપનો પ્રભાવક પ્રચાર કરી રહ્યા છે. હર્ષ સંઘવી યુવાન છે. ચૂંટણી જંગ જીતવાનું ઝનૂન પણ છે. વળી ભાજપે પણ હર્ષ સંઘવીને ચૂંટણીના મેદાનમાં ઉતારીને ‘આપ’ને પરાસ્ત કરવાનું બીડું સોંપ્યું છે.સામે પક્ષે ‘આપ’ના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા મેદાનમાં છે. ગોપાલ ઈટાલિયા ભૂતપૂર્વ પોલીસમેન તેમજ સરકારી ક્લાર્ક તરીકેનો અનુભવ ધરાવે છે અને હવે એડવોકેટ તરીકે પ્રેક્ટિસ કરી રહ્યા છે. મતલબ કાયદાના અને સરકારની રાજરમતના માહિતગાર છે. પરંતુ પાર્ટીના નેતૃત્વના સબળ પીઠબળના અભાવે ગોપાલ ઈટાલિયા ચૂંટણીનો આખો ભાર પોતાના ખભે લઈને ચાલી રહ્યા હોય એવું લાગી રહ્યું છે.
ગોપાલ ઈટાલિયાની ભાષા વાગી પડે એવી છે. પોતે કાયદાનો જાણકાર છે એટલે મર્યાદા નહીં ઓળંગે. પરંતુ ખાસ કરીને હર્ષ સંઘવી માટે કરવામાં આવતા શબ્દપ્રયોગ એક રાજનેતાને છાજે એવા નથી. ભૂતકાળમાં હાર્દિક પટેલ, ધાર્મિક માલવિયા, અલ્પેશ કથીરિયા જ્યારે પાટીદાર અનામત આંદોલન ‘પાસ’ના લડાયક ચહેરા હતા ત્યારે વાતવાતમાં ‘છઠ્ઠીનું ધાવણ’ યાદ કરાવી દેવાની ધમકીઓ આપતા ફરતા હતા. પરંતુ રાજકીય લડાઈને જનેતાના છઠ્ઠીના ધાવણને શું લેવા-દેવા છે? અને તેમ છતાં આ બહુ બોલકા યુવા નેતાઓ વાતવાતમાં ‘છઠ્ઠીના ધાવણ’ની વાત કરીને પડકાર ફેંકતા હતા અને લોકો પણ તળપદી ભાષાના પ્રયોગથી અંજાઈને આ યુવા નેતાઓની પાછળ દોટ મૂકતા હતા. પરંતુ પરિણામ શું આવ્યું કહેવાની જરૂર નથી.
ભાજપ અને કોંગ્રેસ નેતાગીરીને પેટ ભરીને ગાળો ભાંડનારા આ એના એ જ લોકો કોંગ્રેસ અને ભાજપમાં ભરાઈ ચૂક્યા છે. હાર્દિક પટેલ કોંગ્રેસમાંથી ચૂંટાયો હતો અને હવે પક્ષપલટો કરીને ભાજપની છાવણીમાં ભરાઈ ગયો છે. હાર્દિક જેવા ઘણા યુવા ચહેરાઓ પાટીદાર અનામત આંદોલનને કારણે પેદા થયા હતા. પરંતુ આ યુવા ચહેરાઓને એ ખબર નહોતી કે તેમના ઝનૂનને કોણ વાપરી રહ્યું છે!
પાટીદાર અનામતનો પ્રશ્ન હતો જ કારણ કે, સામાન્ય વર્ગમાં આવતા પાટીદાર સમાજના સંતાનોને પૂરતા પ્રમાણમાં ટકાવારી હોવા છતાં મેડિકલ, ઈજનેરી કોલેજોમાં એડમિશન મળતા નહોતા. આ જ કારણોસર પાટીદાર યુવાનોને ‘અનામત’ના ચશ્માં પહેરાવી દેવાયાં હતાં. પરંતુ હકીકતમાં ખુદ ભાજપના અસંતુષ્ટ નેતાઓ એક કાંકરે બે પક્ષી મારવા માંગતા હતા. ખુદ ભાજપના અસંતુષ્ટ નેતાઓના મનમાં મુખ્યમંત્રી બનવાની ઇચ્છા હતી અને તેઓ યેનકેન પ્રકારે આનંદીબેન પટેલને ઉથલાવવા માંગતા હતા. આ કામ પાટીદાર અનામત આંદોલનની આડમાં પાર પાડવામાં સફળતા મળી હતી અને આનંદીબેન શાસનનો ‘કસમયે’ અંત આવ્યો હતો.
ખેર, ભાજપની આંતરિક લડાઈની પરાકાષ્ઠાની ઘણી બધી વાર્તાઓ છે. પરંતુ પાટીદાર આંદોલનને કારણે હાર્દિક, અલ્પેશ, ધાર્મિક જેવા ઘણા ચહેરાઓ સાંપ્રત રાજકારણમાં આવી ગયા હતા અને મંત્રી બનવાની ઇચ્છાઓ પ્રબળ બની હતી. સૌપ્રથમ હાર્દિક પટેલે કોંગ્રેસની કંઠી બાંધી હતી અને કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રચારકોમાં સ્થાન મેળવી લીધું હતું! ખરેખર હાર્દિકમાં કેટલું ‘હીર’ છે એ પરખવામાં કોંગ્રેસની નેતાગીરી નિષ્ફળ નીવડી હતી. કેન્દ્રીય નેતાગીરી કાગળના વાઘને અસલી વાઘ માની બેઠી હતી અને કનૈયાની હરોળનો નેતા બનાવી દીધો હતો. પરંતુ પોતાનું ‘હીર’ પુરવાર કરવામાં અલ્પજીવી નીવડેલો હાર્દિક ઉઘાડો પડી ગયો હતો. આ તરફ ‘રાજદ્રોહ’ સહિતના ગુનાઓનો સામનો કરી રહેલા હાર્દિકે ચુપચાપ ભાજપમાં જોડાવું વધુ મુનાિસબ માન્યું હતું. આમ કરવાથી હાર્દિક ગુનાઓમાંથી દોષમુક્ત થઈ જવા સાથે શાસક પક્ષનો ધારાસભ્ય બની ગયો હતો. ભાજપની છાવણીમાં હાર્દિકનું હાલમાં કેટલું વર્ચસ્વ છે એ કહેવાની જરૂર નથી. પરંતુ ભાજપની છત્રછાયામાં નિરાંતના દિવસો પસાર કરી રહ્યો છે. મંત્રીપદુ મળે કે ન મળે, પરંતુ ભાજપનું ધારાસભ્યપદ મળવાથી સંતોષ માનવા સિવાય હાર્દિક માટે કોઈ કિનારો કે વિકલ્પ નથી.
ખેર, મૂળ વાત ઉપર આવીએ તો હાર્દિક પટેલ પછી પણ અનેક જાણીતા ચહેરાઓએ કોંગ્રેસ અને ‘આપ’નો સાથ છોડીને ભાજપનો ભગવો ધારણ કરી લીધો હતો. કોંગ્રેસને ધુરંધર અને ટોચના નેતા અર્જુન મોઢવડિયા, ચિરાગ પટેલ, અરવિંદ લાડાણી, ઈન્દ્રજીત ઠાકોર, કુંવરજી બાવળિયા, ડૉ.વિપુલ પટેલ, સી.જે. ચાવડા જેવા પક્ષના સર્વોપિર નેતાઓએ રામ-રામ કરી ભાજપનો ભગવો પહેરી લીધો હતો. આમ કરવા પાછળ ઘસાતી જતી કોંગ્રેસ અને સત્તામાં રહેવાની લાલસાએ પક્ષાંતર કરવા મજબૂર કર્યા હતા. મતલબ રાજકીય પક્ષના મૂલ્યની અહીંયા કોઈ જ કિંમત નહોતી.
સામે પક્ષે કોંગ્રેસને નેસ્તનાબૂદ કરવાની ભાજપની યોજના લગભગ સફળ પુરવાર થતી આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા તે દિવસે તેમણે ‘કોંગ્રેસમુક્ત’ ભારતનો નારો આપ્યો હતો અને કોંગ્રેસને કોઈપણ ભોગે નૈતિક કે અનૈતિક રીતે પણ નેસ્તનાબૂદ કરવાનું મિશન હાથમાં લીધું હતું અને સફળતા મળી હતી.ગુજરાતની સ્થાનિક ચૂંટણીઓમાં આ વખતે ભાજપને કોંગ્રેસનો કોઈ જ ભય નથી. કારણ, કોંગ્રેસની નેતાગીરી જ નહીં, પરંતુ કોંગ્રેસને કમિટેડ ગણાતા મતદારોની વિચારધારા બદલવામાં ભાજપને ધારી સફળતા મળી છે. સાથે એક રાજકીય પક્ષ તરીકે કોઈ હરીફ પેદા થતો રોકવો એ પણ એટલું જ મહત્ત્વનું હોવાથી આ વખતની ચૂંટણીમાં ‘આમ આદમી પાર્ટી’નો સફાયો બોલાવવાનું ભાજપનું લક્ષ છે. ચૂંટણી પૂર્વે આમ આદમી પાર્ટીના બહુ બોલકા ગણાતા અને લોકોના પ્રશ્નો લઈને ચાલતા યુવા ચહેરાઓને ભાજપે પહેલા પોતાના પક્ષમાં કરી લેવાની વ્યૂહરચના સફળતાપૂર્વક પાર પાડી છે.
સુરતના અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયાને પક્ષમાં લઈ લીધા બાદ બોટાદની ખેતીવાડી માર્કેટના ‘કડદાકાંડ’માં ખેડૂતોનું જબરજસ્ત નેતૃત્વ કરનાર રાજુ કપરાડાને યેનકેન પ્રકારે ભાજપમાં સમાવી લેવા ઉપરાંત તાલુકા પંચાયતમાં ટિકિટ આપીને ભાજપે સૌરાષ્ટ્રમાં ઊભા થઈ રહેલા ‘આમ આદમી પાર્ટી’ના નેતૃત્વને શરૂઆતના તબક્કામાં જ ડામી દીધું હતું. વળી, રાજુ કપરાડાની ધરપકડ અને જેલવાસ દરમિયાન ‘આપ’ના રાષ્ટ્રીય નેતા અરવિંદ કેજરીવાલ અને ગુજરાત પ્રમુખ ઈસુદાન ગઢવી અસરકારક પુરવાર થયા નહોતા. આમ પણ ઈસુદાન ગઢવી પત્રકાર મટીને રાજકારણી બન્યા હોવાથી એક રીઢા રાજકારણી જેવી તેમની પાસે અપેક્ષા રાખી શકાય નહીં. એક પત્રકાર તરીકે રાજનેતાઓને સવાલ પુછનારને રાજનેતાની ખુરશીમાં બેસાડી દેવામાં આવે તો સ્વાભાવિક અપેિક્ષત પરિણામ મળી શકે નહીં.‘આપ’ની વર્તમાન હાલત જોવામાં આવે તો એકમાત્ર ગોપાલ ઈટાલિયા બોલકા નેતા ગણી શકાય. બીજા ચૈતર વસાવા છે, પરંતુ તેઓ માત્ર આિદવાસીપટ્ટીમાં પ્રભાવ ઊભો કરી શકે. હમણાં થોડા દિવસ પહેલા જ ગોપાલ ઈટાલિયાએ માતાના ધાવણની વાત કરીને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સામે પડકાર ફેંક્યો હતો અને તાકાત હોય તો ધરપકડ કરવાની વાત કરી હતી. સામે પક્ષે હર્ષ સંઘવીએ પણ પહેલા રીઢા ગુનેગારોને સાફ કર્યા. હવે રીઢા નેતાઓને સાફ કરવાની વાત કરીને વળતો પડકાર ફેંક્યો હતો.સરેરાશ જોવા જઈએ તો આ વખતની ચૂંટણીમાં તક હોવા છતાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ગુમાવવાનું જ રહેશે. કારણ, બંને પક્ષોમાં મૂલ્યોનું ધોવાણ થવા સાથે કાયદાકીય સામનો કરવાનો ભય હોવાથી હજુ ઘણા નેતાઓ કોંગ્રેસ અને ‘આપ’ છોડીને ભાજપમાં જોડાઈ જશે અથવા રાજકારણનો રસ્તો ભૂલી જશે. કારણ, આ વખતે ચૂંટણી પહેલા જ ભાજપના સંખ્યાબંધ ઉમેદવારો બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા. આ ઘટનાઓ પુરવાર કરે છે કે, ભાજપની વ્યૂહરચના જ સ્થાનિક ચૂંટણીઓમાં ભાજપને વિજય અપાવશે. પછી જીત પાછળના ગણિત ભલે ગમે તે હોય. ચૂંટણીના રાજકારણમાં જીત હાંસલ કરવી એજ સર્વોપરિ મુદ્દો છે.
સુરત નેશનલ હાઈવે 48 પર સાવા બ્રિજ પાસે આજે એક હૃદયદ્રાવક ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો. એક કન્ટેનર ડિવાઈડર કૂદીને રોંગ સાઈડમાં ઘૂસી જતાં સામેથી આવતા ટેલર અને લક્ઝરી બસ સાથે ધડાકાભેર અથડાયું હતું. આ ભયાનક અકસ્માતમાં ટેલર ચાલકનું કરૂણ મોત નીપજ્યું છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, નેશનલ હાઈવે 48 પર સાવા બ્રિજ પરથી પસાર થયેલા એક કન્ટેનર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા કન્ટેનર ડિવાઈડર કૂદીને સામેના ટ્રેક પર આવી ગયું હતું. આ દરમિયાન સામેથી આવી રહેલા એક ટેલર સાથે તેની ટક્કર થઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે, ટેલરની પાછળ આવી રહેલી એક ખાનગી લક્ઝરી બસ પણ આ વાહનો સાથે અથડાઈ હતી.
આ ટ્રિપલ અકસ્માત એટલો ભયાનક હતો કે, ટેલરના કેબિનનો કચ્ચરઘાણ વળી ગયો હતો. કેબિનમાં ફસાયેલા ચાલકને ગંભીર ઈજાઓ પહોંચતા તેનું મોત નીપજ્યું હતું. બીજી તરફ, ખાનગી લક્ઝરી બસમાં સવાર મુસાફરોમાં પણ ચીસાચીસ મચી ગઈ હતી. કેટલાક મુસાફરોને પણ ઈજાઓ પહોંચી હતી, અકસ્માતમાં ઘાયલ થયેલા મુસાફરોને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું હતું.
હાઈવે પર વાહનોની લાંબી કતારો, પોલીસ કાફલો ઘટનાસ્થળે
અકસ્માતને પગલે હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા અને વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ સુરત જિલ્લા ટ્રાફિક પોલીસની ટીમ સ્થળ પર દોડી ગઈ હતી. પોલીસે તાત્કાલિક ક્રેન મંગાવી અકસ્માતગ્રસ્ત વાહનોને રોડ પરથી દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી. લાંબી જહેમત બાદ વાહનવ્યવહાર પૂર્વવત કરવામાં આવ્યો હતો. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
આજે મળેલી કેન્દ્રીય કેબીનેટની બેઠકમાં કેન્દ્રના કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થામાં 2%નો વધારો કરાયો છે. જાન્યુ-જૂન-2026ના છ માસના ગાળા માટે હવે 60% મોંઘવારી ભથ્થુ મળશે.
એક તરફ કેન્દ્ર સરકારે આઠમા પગાર પંચની રચના કરી છે જેનો અમલ 1 જાન્યુ. 2026થી જ થનાર છે પણ પંચનો અહેવાલ આવે અને તેના પર આખરી નિર્ણય લેવાય ત્યાં સુધી સાતમા પગારપંચની જે જોગવાઈઓ છે તે લાગુ રહેશે. જે મુજબ વર્ષમાં બે વખત કેન્દ્રના કર્મચારીઓના પગારમાં મોંઘવારી ભથ્થામાં ફેરફાર થાય છે.
જે હવે બેઝીક પગારના 58% મળતુ હતું તે વધીને 60% થઈ જશે. આગામી માસના પગારમાં તેની અસર અપાશે અને ત્રણ માસનું એરિયર્સ પણ ચુકવાય તેવી ધારણા છે. આજે મળેલી કેન્દ્રીય કેબીનેટે રૂા.13000 કરોડના મેરીટાઈમ સોવેર્જીયન ફંડને પણ મંજુરી આપી છે.
જેનો ઉપયોગ યુદ્ધ સહિતની કટોકટીના સમયમાં ભારતીય વ્યાપારી જહાજોને વધતા વિમા પ્રિમીયમમાં રાહત કરવામાં ખર્ચ કરાશે. જયારે પ્રધાનમંત્રી ગ્રામ્ય સડક યોજનામાં રૂા.3000 કરોડનું વધારાનું ભંડોળ આપવામાં આવ્યું છે.
જમ્મુ-કાશ્મીરમાં શનિવારે વહેલી સવારે ભૂકંપના આંચકા અનુભવાતા લોકોમાં ગભરાટ ફેલાયો હતો. કાશ્મીર ઘાટીના અનેક વિસ્તારોમાં ભૂકંપના હળવા આંચકા અનુભવાયા હતા, જેના કારણે લોકો સાવચેતીના ભાગરૂપે પોતાના ઘરો અને ઓફિસોમાંથી બહાર ખુલ્લા મેદાનમાં દોડી આવ્યા હતા.
નેશનલ સેન્ટર ફોર સીસ્મોલોજીના જણાવ્યા અનુસાર, શનિવારે સવારે આશરે 8:24 વાગ્યે આ આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 5.0 માપવામાં આવી હતી. આ ભૂકંપનું કેન્દ્રબિંદુ અફઘાનિસ્તાનના બદખ્શાન ક્ષેત્રના ઝાયબક પાસે જમીનથી 190 કિલોમીટરની ઊંડાઈએ નોંધાયું હતું.
રાહતની વાત એ છે કે અત્યાર સુધી આ ભૂકંપને કારણે કોઈ જાનહાનિ કે મિલકતને નુકસાન થયાના સમાચાર મળ્યા નથી. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, આંચકા અનુભવાયા બાદ લોકો લાંબા સમય સુધી ઘરની બહાર ઉભા રહ્યા હતા અને સ્થિતિ સામાન્ય જણાયા બાદ જ ફરી ઘરમાં પ્રવેશ કર્યો હતો.
ભારત દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે રાત્રે 8:30 વાગ્યે દેશને સંબોધન કરશે. આ સંબોધનમાં તેઓ ઘણા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર વાત કરશે તેવી સંભાવના છે, જેમાં મહિલાઓના આરક્ષણ જેવા મહત્વના વિષયનો પણ સમાવેશ થઈ શકે છે. સમગ્ર દેશની નજર આ સંબોધન પર કેન્દ્રિત છે.
સુરત મહાનગરપાલિકાની ચૂંટણી નજીક આવતા શહેરમાં રાજકીય ગરમાવો દિવસેને દિવસે વધી રહ્યો છે. ખાસ કરીને લિંબાયત વિસ્તારમાં પ્રચાર દરમિયાન એક હાઈવોલ્ટેજ વિવાદ સામે આવ્યો છે, જેને સ્થાનિક રાજકારણમાં ભારે ચર્ચાનો વિષય બનાવી દીધો છે.
માહિતી મુજબ, મદનપુરા વિસ્તારમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા શેરી મીટિંગ યોજાઈ હતી, જેમાં ઉમેદવારો મતદારોને પોતાની તરફ આકર્ષવાનો પ્રયાસ કરી રહ્યા હતા.આ દરમિયાન અચાનક ભારતીય જનતા પાર્ટીનો એક કાર્યકર્તા ત્યાં પહોંચ્યો અને મહિલા ઉમેદવારને પ્રશ્ન કર્યો કે છેલ્લા પાંચ વર્ષ દરમિયાન તેઓ ક્યાં હતા. આ સવાલને પગલે મીટિંગમાં તંગદિલી સર્જાઈ અને બંને પક્ષ વચ્ચે શાબ્દિક અથડામણ શરૂ થઈ ગઈ.
પરિસ્થિતિ ત્યારે વધુ ગરમાઈ ગઈ જ્યારે ભાજપના કાર્યકર્તાએ ‘જય શ્રી રામ’ના નારા લગાવવાનું શરૂ કર્યું. અન્ય કાર્યકર્તાઓ પણ તેમાં જોડાતા સમગ્ર વાતાવરણ ઉગ્ર બન્યું. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થયો છે, જેના કારણે બંને પક્ષો વચ્ચે આરોપ-પ્રત્યારોપનો દોર શરૂ થયો છે. ભાજપે કોંગ્રેસ પર ચૂંટણી સમયે જ સક્રિય થવાનો આરોપ લગાવ્યો છે, જ્યારે કોંગ્રેસે ભાજપ પર પ્રચારમાં ખલેલ પહોંચાડવાનો આક્ષેપ કર્યો છે.
લિંબાયત ઉપરાંત વરાછા અને કતારગામ જેવા વિસ્તારોમાં પણ રાજકીય સ્પર્ધા તેજ બની રહી છે. આ ઘટનાને પગલે પોલીસ અને ચૂંટણી તંત્ર સતર્ક બન્યું છે. સ્થાનિક સ્તરે લોકોમાં પણ મતભેદ જોવા મળી રહ્યા છે-કેટલાક લોકો ભાજપના કાર્યકર્તાના સવાલને યોગ્ય ગણાવે છે, જ્યારે કેટલાક લોકો પ્રચારમાં વિક્ષેપને અયોગ્ય માને છે.
આ સમગ્ર ઘટનાએ સ્પષ્ટ કર્યું છે કે ચૂંટણી માત્ર મુદ્દાઓની લડાઈ નથી રહી, પરંતુ ભાવનાત્મક અને રાજકીય ધ્રુવીકરણ પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે. હવે જોવાનું એ રહેશે કે આ વિવાદ મતદાન પર કેવી અસર કરે છે.