Home Blog Page 114

સુરતમાં સગીરાની છેડતી મામલે લોકોમાં ભારે રોષ, આરોપીનું રી-કન્સ્ટ્રક્શન કરાશે

સુરતના પોશ ગણાતા અલથાણ વિસ્તારમાં 12 વર્ષની સગીરાની છેડતીની ઘટનાએ સમગ્ર શહેરમાં ભારે રોષ જગાવ્યો છે. ટ્યુશનથી પરત ફરી રહેલી સગીરા સાથે મહંમદ અઝીઝ નામના શખ્સે કરેલી અડપલાંની ઘટના બાદ લોકોનો ગુસ્સો ફાટી નીકળ્યો હતો. સ્થિતિની ગંભીરતા જોતા પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને આજે આરોપીને સાથે રાખી ઘટનાનું રી-કન્સ્ટ્રક્શન કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

ઘટનાની વિગત મુજબ, સુરતના અલથાણ વિસ્તારમાં આવેલી એટલાન્ટા મોલ પાસે એક 12 વર્ષની પાટીદાર સગીરા સાંજે પોતાના ટ્યુશન ક્લાસ પૂર્ણ કરીને ઘરે પરત ફરી રહી હતી. આ દરમિયાન મહંમદ અઝીઝ નામના શખ્સે સગીરા પર નજર બગાડી તેની છેડતી કરી હતી. નિર્દોષ બાળકી સાથે થયેલી આ હરકતને પગલે વિસ્તારના રહીશોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. દીકરીઓની સુરક્ષાને લઈને સ્થાનિકોમાં ચિંતા અને ગુસ્સાનું મોજું ફરી વળ્યું છે.

ગઈકાલે આ ઘટનાની જાણ થતા જ હજારોની સંખ્યામાં લોકો અલથાણ પોલીસ સ્ટેશન ખાતે ઉમટી પડ્યા હતા. લોકોની માંગ હતી કે આરોપી વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે. ભીડ બેકાબૂ બનતા અને સ્થિતિ તંગ થતા પોલીસે પરિસ્થિતિ પર કાબૂ મેળવવા માટે લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી. મોડી રાત સુધી પોલીસ સ્ટેશન બહાર સૂત્રોચ્ચાર અને વિરોધ પ્રદર્શન ચાલ્યા હતા, જેના કારણે વાતાવરણ અત્યંત તંગ બની ગયું હતું.

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, પકડાયેલા આરોપી મહંમદ અઝીઝને આજે ઘટનાસ્થળે લઈ જવામાં આવશે. જે સ્થળે છેડતીની ઘટના બની હતી ત્યાં પોલીસ દ્વારા રી-કન્સ્ટ્રક્શન કરી પુરાવા એકત્રિત કરવામાં આવશે. આ પ્રક્રિયા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે આખા રૂટ પર પોલીસનો લોખંડી બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે. સ્થાનિક સંગઠનો અને સમાજના અગ્રણીઓ દ્વારા ન્યાયની માંગ સાથે શાંતિ જાળવવા પણ અપીલ કરવામાં આવી રહી છે.

સુરતમાં AAPના પ્રભારી સામે રૂપિયા લઈ ટિકિટ આપવાનો આરોપ

સુરતના સરથાણા પોલીસ સ્ટેશનમાં AAPના વોર્ડ નંબર 1-2 ના પ્રભારી ઓમ પ્રકાશ વિરુદ્ધ ગંભીર ફરિયાદ દાખલ કરવામાં આવી છે. તેમના પર 18 લાખ રૂપિયાના સોદાની વાટાઘાટો કરીને લાખો રૂપિયાની ખંડણી ઉઘરાવવાનો આરોપ છે.

ફરિયાદી નવનીત નવદિયાએ આરોપ લગાવ્યો છે કે પ્રભારીએ તેમની પત્ની માટે ટિકિટ મેળવવાના બહાને 18 લાખ રૂપિયાની માંગણી કરી હતી. બાદમાં 8 લાખ રૂપિયામાં સોદો નક્કી થયો હતો. સમગ્ર વાટાઘાટોનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. પોલીસે ફરિયાદ દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીના બે દિવસ પહેલા જ રાજકારણ ગરમાયું છે. દિલ્હીમાં આમ આદમી પાર્ટી સાથે સંકળાયેલા ઓમ પ્રકાશ વિરુદ્ધ ટિકિટના બદલામાં પૈસા માંગવાના ગંભીર આરોપો ધરાવતો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં, AAPના ભૂતપૂર્વ પ્રમુખ મહેન્દ્ર નવનીતના પિતરાઈ ભાઈ નવનીત નવદિયાએ આરોપ લગાવ્યો છે કે જ્યારે તેમણે તેમની પત્ની લિપ્સા માટે ટિકિટ માંગી ત્યારે પ્રભારીએ ₹18 લાખની માંગણી કરી હતી.

આ અંગે એવો આરોપ છે કે સોદો આખરે ₹8 લાખમાં થયો હતો, જેમાં પૈસા હપ્તામાં ચૂકવવામાં આવ્યા હતા. જોકે, પૈસા મળ્યા છતાં તેમની પત્નીને નોમિનેટ ન કરવામાં આવ્યા હોવાથી છેતરપિંડીનો અનુભવ થતાં, નવનીત નવદિયાએ પ્રભારીનો વીડિયો શૂટ કર્યો અને તેને સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો.

સુરતના પુણા લેન્ડમાર્ક પાસે દુર્ઘટના: પત્ની સામે જ ટ્રક નીચે કચડાઈ પતિનું મોત

સુરતના પુણા-ડુંભાલ રોડ પર આવેલ લેન્ડમાર્ક ચાર રસ્તા પાસે એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો હતો, જેમાં એક ટ્રક ચાલકે બાઈક સવાર દંપતીને અડફેટે લીધું હતું. આ અકસ્માતમાં ટ્રકનું ટાયર માથા પરથી ફરી વળતા પતિનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે પત્નીને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી. પોતાની નજર સામે જ જીવનસાથીને ગુમાવતા પત્ની આઘાતમાં સરી પડ્યા હતા.

ઘટનાની વિગત મુજબ, મૂળ બિહારના બકસર જિલ્લાના વતની અને હાલ પલસાણાની ઊર્મિલાનગર સોસાયટીમાં રહેતા 46 વર્ષીય કમલેશકુમાર રામાશંકર પરમાર તેઓ ચાની કેન્ટીન ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા. ગુરુવારે બપોરે તેઓ 40 વર્ષીય પત્ની ચિંતાદેવી સાથે બાઈક પર પરવટ પાટિયા વિસ્તારની એક ખાનગી હોસ્પિટલમાં દવા લેવા માટે ગયા હતા. દવા લઈને પરત ઘરે ફરી રહ્યા હતા, તે દરમિયાન પુણા-ડુંભાલ લેન્ડમાર્ક ચાર રસ્તા પાસેથી પસાર થતી વખતે એક ટ્રક ચાલકે તેમની બાઈકને જોરદાર ટક્કર મારી હતી.

ટક્કર વાગતાની સાથે જ દંપતી રોડ પર પટકાયું હતું, આ દરમિયાન કમલેશકુમારના માથાના ભાગે ટ્રકનું ટાયર ફરી વળતા તેમનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. પત્ની ચિંતાદેવીને હાથ અને કમરના ભાગે ઈજાઓ પહોંચી હતી, પરંતુ પતિને લોહીલુહાણ હાલતમાં મૃત જોતા તેઓ આઘાતને કારણે બેભાન થઈ ગયા હતા. અકસ્માતને પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્ત મહિલાને 108 એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક સ્મીમેર હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

ઘટનાની જાણ થતા પુણા પોલીસનો કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે આ મામલે ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તેની ધરપકડ કરી છે અને અકસ્માત અંગે વધુ તપાસ શરૂ કરી છે. દંપતીને બે સંતાનો હોવાનું જાણવા મળ્યું છે, પિતાના અકાળે અવસાનથી પરિવાર પર આભ ફાટી પડ્યું છે.

કોઈ પણ કોર્ટ સગીરાને મરજી વિરુદ્ધ ગર્ભ રાખવા ફરજ પાડી શકે નહીંઃ સુપ્રીમ કોર્ટ

0

કોઈ પણ મહિલાને તથા ખાસ કરી સગીરાને પોતાની મરજી વિરુદ્ધ ગર્ભ રાખવાની ફરજ કોર્ટ દ્વારા પાડી શકાય નહીં, તેવા તારણ સાથે સુપ્રીમ કોર્ટે 15 વર્ષની સગીરાને ગર્ભપાત કરવા મંજૂરી આપી હતી. સાત માસનો ગર્ભ ધરાવતી સગીરાના કેસમાં સુપ્રીમ કોર્ટે અવલોકન કર્યું હતું કે, જે બાળકે હજુ જન્મ પણ લીધો નથી, તેની સરખામણીએ વધારે મહત્ત્વ ગર્ભસ્થ મહિલાની પસંદગીનું છે.

મરજી વિરુદ્ધ ગર્ભને જાળવી રાખવાથી સગીરાના માનસિક આરોગ્યને લાંબા સમયની ક્ષતિ પહોંચી શકે છે. તેના શિક્ષણ અને સામાજિક દરજ્જા ઉપરાંત સર્વગ્રાહી વિકાસને ગર્ભ રાખવાથી વિપરિત અસર થવાનું જોખમ છે.

જસ્ટિસ બી વી નાગરત્ના અને ઉજ્જલ ભુયાનની બેન્ચે ઠરાવ્યુ હતું કે, જન્મ આપવા બાબતે મહિલાની ઈચ્છાને સૌથી વધુ મહત્ત્વ અપાવું જોઈએ. મહિલા પોતાની મરજી વિરુદ્ધ સગર્ભા થઈ હોય અને તેને ગર્ભ જાળવી રાખવાની પરજ પડાય તો તેનાથી મહિલાના બંધારણીય અધિકારનું હનન થશે. બંધારણની કલમ 21 અન્વયે જન્મ આપવાનો અધિકાર એ વ્યક્તિગત સ્વતંત્રતા અને ગોપનીયતાનો અભિન્ન ભાગ છે. મહિલાઓ અને ખાસ કરીને સગીરાને બિન-ઈચ્છિત ગર્ભ રાખવાની ફરજ પાડી તેના બંધારણીય અધિકારને પ્રભાવહીન બનાવી શકાય નહીં.

દેશની તમામ કોર્ટ માટે આ પ્રકારના કેસમાં નિર્દેશ આપતાં સુપ્રીમ કોર્ટે નોંધ્યુ હતું કે, કોઈ પણ કોર્ટે મહિલાને તથા સગીરાને તેની મરજી વિરુદ્ધ ગર્ભ રાખી સંતાનને જન્મ આપવા ફરજ પાડવી જોઈએ નહીં. આ પ્રકારની ફરજ રાખવાથી તેના મૂળભૂત અધિકારોનું અપમાન થાય છે અને તેને પારાવાર માનસિક-શારીરિક હેરાનગતિમાંથી પસાર થવું પડે છે.

બાળક ન જોઈતું હોય તો તેને જન્મ આપ્યા પછી કોઈને દત્તક આપી દેવું જોઈએ, તેવી સલાહ ઘણાં લોકો આપતા હોય છે. સુપ્રીમ કોર્ટે ઠરાવ્યુ હતું કે, આ પ્રકારની સલાહો આપવાનું સહેલું છે, પરંતુ પરિસ્થિતિ અને સંજોગોને ધ્યાને લેતાં બિન-ઈચ્છિત બાળકને જન્મ આપવાની ફરજ પડાય નહીં. આમ કરવાથી ગર્ભસ્થ શિશુ અને તેની માતા બંનેના માનસિક-શારીરિક સ્વાસ્થ્ય પર વિપરિત અસર પડે છે.

કાનપુર કોર્ટમાં હ્રદયદ્રાવક ઘટના: ફેસબુક સ્ટેટસ મૂકી વકીલે 5મી માળેથી કૂદીને આત્મહત્યા

0

ગુરુવારે ઉત્તર પ્રદેશના કાનપુરમાં એક 24 વર્ષીય વકીલે કોર્ટ બિલ્ડિંગના પાંચમા માળેથી કૂદીને આત્મહત્યા કરી લીધી. આત્મહત્યા કરતા પહેલા, તેણે બે પાનાની એક નોંધ લખી અને તેને તેના વોટ્સએપ સ્ટેટસ પર પોસ્ટ કરી, જેમાં લખ્યું, “મારી સાથે જે કંઈ બન્યું છે તે જોતાં, મને નથી લાગતું કે આ બેશરમીનું જીવન જીવવા યોગ્ય છે.”

ડેપ્યુટી પોલીસ કમિશનર સત્યજીત ગુપ્તાએ જણાવ્યું હતું કે પ્રિયાંશુ શ્રીવાસ્તવ નામના વકીલે ઇમારત પરથી કૂદી પડ્યો હતો. તેમને તાત્કાલિક ઉર્સુલા હોર્સમેન મેમોરિયલ (UHM) હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. ઘટના બાદ કોર્ટ પરિસરમાં અંધાધૂંધી ફેલાઈ ગઈ હતી અને મોટી સંખ્યામાં વકીલો ઘટનાસ્થળે એકઠા થઈ ગયા હતા. કોતવાલી પોલીસે પહોંચીને વિસ્તારને ઘેરી લીધો હતો.

2 પાનાની સુસાઇડ નોટમાં પ્રિયાંશુની દર્દનાક કહાની
ઘટનાના થોડા સમય પહેલા પ્રિયાંશુએ પોતાના વોટ્સએપ સ્ટેટસ પર બે પાનાની સુસાઇડ નોટ શેર કરી હતી. સુસાઇડ નોટમાં તેણે લખ્યું હતું કે, “મારી છેલ્લી ઇચ્છા છે કે દરેક વ્યક્તિ આ સુસાઇડ નોટને અંત સુધી વાંચે… હું પ્રિયાંશુ શ્રીવાસ્તવ છું, જે કાનપુરના બારા-8 સ્થિત વરુણ વિહારનો રહેવાસી છું. આજે, 23 એપ્રિલ, લગભગ 12:05 વાગ્યે, હું કોઈ પણ દબાણ કે બળજબરી વિના, મારી સંપૂર્ણ સમજશક્તિમાં આ સુસાઇડ નોટ લખીને આત્મહત્યા કરી રહ્યો છું. હું એક રજિસ્ટર્ડ એડવોકેટ છું જેણે 2025 માં કાનપુર નગરથી મારો કાયદાનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો. સમયના અભાવે, હું ઉત્તર પ્રદેશ, પ્રયાગરાજની બાર કાઉન્સિલ પાસેથી મારું રજીસ્ટ્રેશન મેળવી શક્યો નથી.”

“મારા પિતા મારા મૃતદેહને સ્પર્શ પણ ન કરી શકે.”
તેમણે આગળ લખ્યું, “આ વાર્તા મારા બાળપણમાં શરૂ થાય છે. જ્યારે હું લગભગ 6 વર્ષનો હતો, ત્યારે મેં ફ્રિજમાં રાખેલો કેરીનો રસ પીધો હતો અને તેને કપડાં ઉતારીને ઘરમાંથી કાઢી મૂકવામાં આવતો હતો. દર મિનિટે મને શંકાની નજરે જોતો હતો, દર મિનિટે ગણતરી કરતો હતો… આ માનસિક ત્રાસ છે. મારા હાઇસ્કૂલના પરિણામો જાહેર થાય તે પહેલાં, મારા પિતાએ ધમકી આપી હતી કે જો મને ઓછા માર્ક્સ મળશે, તો તેઓ મને કપડાં ઉતારીને ઘરમાંથી કાઢી મૂકશે. દરરોજ પીડાદાયક મૃત્યુ પામવા કરતાં એક દિવસ મરવું લાખ ગણું સારું છે. મારી બધા માતાપિતાને અપીલ છે કે તેઓ તેમના બાળકોને એટલું જ ત્રાસ આપે જેટલું તેઓ સહન કરી શકે. મારી વિનંતી છે કે મારા પિતા મારા મૃતદેહને સ્પર્શ પણ ન કરે. હું હારી ગયો, મારા પિતા જીતી ગયા. લવ યુ, મમ્મી…”

આત્મહત્યા કરતા પહેલા, પ્રિયાંશુએ બપોરે 12:05 વાગ્યે બે પાનાની સુસાઇડ નોટ લખી હતી. તેણે 21 મિનિટ પહેલા તેને તેના વોટ્સએપ સ્ટેટસ પર પોસ્ટ કરી હતી. તેણે તે નોટ તેના પિતા અને મિત્રોને પણ ફોરવર્ડ કરી હતી. જો કે, તેના પરિવાર અને મિત્રોએ નોટ જોઈ ત્યાં સુધીમાં તે આત્મહત્યા કરી ચૂક્યો હતો. પોલીસે તેનો મોબાઇલ ફોન જપ્ત કર્યો છે અને સુસાઇડ નોટ અને અન્ય ડિજિટલ પુરાવાઓની તપાસ કરી રહી છે. પોલીસ નજીકના વિસ્તારોના સીસીટીવી ફૂટેજની પણ તપાસ કરી રહી છે.

આગામી પાંચ દિવસ સુધી ઉત્તર-પૂર્વોત્તર ભારતમાં ઝંઝાવાતી વરસાદની આગાહી

0

દેશના અનેક રાજ્યોમાં આગામી પાંચ દિવસ દરમિયાન હવામાનમાં મોટા ફેરફારની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ મુજબ ઉત્તર ભારત અને ઉત્તર-પૂર્વીય વિસ્તારોમાં ઝંઝાવાતી વરસાદ, વીજળી અને તેજ પવનની અસર જોવા મળી શકે છે. ખાસ કરીને જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં 24 થી 29 એપ્રિલ દરમિયાન છૂટાછવાયા હળવાથી મધ્યમ વરસાદ સાથે કેટલાક વિસ્તારોમાં બરફવર્ષાની પણ શક્યતા છે.

પંજાબ, હરિયાણા, ચંદીગઢ અને ઉત્તર પ્રદેશમાં પણ 26 થી 29 એપ્રિલ દરમિયાન વાવાઝોડા સાથે વરસાદ પડી શકે છે. આ દરમિયાન 30 થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે, જે સામાન્ય જનજીવનને અસર કરી શકે છે.

ઉત્તર-પૂર્વીય રાજ્યોમાં ખાસ કરીને આસામ, મેઘાલય અને અરુણાચલ પ્રદેશમાં 25 થી 29 એપ્રિલ દરમિયાન ભારે વરસાદની આગાહી છે. કેટલાક વિસ્તારોમાં 50 થી 70 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન સાથે વાવાઝોડા પણ આવી શકે છે. નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં પણ આ સમયગાળા દરમિયાન વીજળી અને ભારે વરસાદની શક્યતા છે.

પૂર્વીય ભારતના રાજ્યો જેમ કે બિહાર, પશ્ચિમ બંગાળ, ઓડિશા અને સિક્કિમમાં પણ 24 થી 29 એપ્રિલ દરમિયાન વાવાઝોડા અને વરસાદની અસર રહેશે. મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં પણ 26 અને 27 એપ્રિલે વીજળી સાથે વરસાદની શક્યતા છે.

દક્ષિણ ભારતના રાજ્યો કેરળ, માહે અને કર્ણાટકમાં પણ 24 થી 27 એપ્રિલ દરમિયાન વરસાદ અને વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે લોકોને સાવચેત રહેવા અને જરૂરી તકેદારી રાખવાની અપીલ કરી છે.

રાઘવ ચઢ્ઢા સહિત 7 સાંસદોના રાજીનામા પર કેજરીવાલ અને CM માનનો પ્રથમ રિએક્શન, જાણો શું કહ્યું

0

આમ આદમી પાર્ટીના કન્વીનર અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનની પહેલી પ્રતિક્રિયા રાઘવ ચઢ્ઢા સહિત સાત સાંસદોના આમ આદમી પાર્ટી છોડવા પર આવી છે. આ અંગે પ્રતિક્રિયા આપતા અરવિંદ કેજરીવાલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરી, જ્યારે મુખ્યમંત્રી ભગવંત માનએ પ્રેસ કોન્ફરન્સ કરી અને રાઘવ ચઢ્ઢા અને ભાજપ પર નિશાન સાધ્યું.

અરવિંદ કેજરીવાલે પોસ્ટ કર્યું, ‘ભાજપે ફરી એકવાર પંજાબીઓ સાથે દગો કર્યો છે.’

તે જ સમયે, પંજાબના સીએમ ભગવંત માને કહ્યું કે પાર્ટી મોટી હશે, સંગઠન મોટું છે, વ્યક્તિ મોટી નથી.

મર્ચન્ટ નર્સિંગ કોલેજની હોસ્ટેલમાં નવસારીની વિદ્યાર્થિનીનો આપઘાત

મહેસાણા-વિસનગર રોડ પર આવેલી મર્ચન્ટ નર્સિંગ કોલેજમાં એક ઘટના સામે આવી છે.જેમાં હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવી લીધું છે. આ બનાવને પગલે શિક્ષણ જગતમાં અને વિદ્યાર્થીઓમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

મૃતક વિદ્યાર્થીની અસ્મિતા પટેલ નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના રૂપાલા ગામની વતની હતી અને તે BSC નર્સિંગના બીજા વર્ષમાં અભ્યાસ કરતી હતી. ઘટનાની વિગત મુજબ વિદ્યાર્થીની કોલેજની હોસ્ટેલમાં રૂમ નંબર A-208માં રહેતી હતી. નર્સિંગ કોલેજની પરીક્ષા ગઈકાલે જ પૂર્ણ થઈ હતી.જેના કારણે હોસ્ટેલના અન્ય વિદ્યાર્થીઓ પોતાના કામમાં વ્યસ્ત હતા અને રૂમમાં તે સમયે કોઈ હાજર નહોતું. આ તકનો લાભ લઈ વિદ્યાર્થીનીએ અગમ્ય કારણોસર રૂમમાં ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો હતો.

હોસ્ટેલનો સફાઈ કર્મીએ રૂમ સાફ કરવા માટે રૂમનો દરવાજો ખખડાવ્યો હતો. પરંતુ અંદરથી કોઈ જવાબ મળ્યો ન હતો. જેથી શંકા જતાં દરવાજો તોડીને અંદર જોયું તો યુવતી ગળે ફાંસો ખાધેલી હાલતમાં જોવા મળી હતી. આ દ્રશ્ય જોઈને સ્ટાફ સ્તબ્ધ થઈ ગયો હતો અને તુરંત જ કોલેજ સત્તાવાળાઓને જાણ કરવામાં આવી હતી.

ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે ઘટનાસ્થળની તપાસ કરીને મૃતદેહને નીચે ઉતાર્યો હતો. તેમજ આત્મહત્યાના કારણો જાણવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

બીજી તરફ આ કરુણ બનાવની જાણ મૃતકના નવસારી રહેતા પરિવારજનોને કરવામાં આવતા પરિવારમાં શોકનું વાતાવરણ છવાઈ ગયું છે અને તેઓ તાત્કાલિક મહેસાણા આવવા રવાના થયા છે. વિદ્યાર્થીનીએ આટલું મોટું પગલું શા માટે ભર્યું તે રહસ્ય પોલીસ તપાસ બાદ જ સ્પષ્ટ થશે.

બ્યાવરામાં ગેસ સિલિન્ડર વિસ્ફોટ: વૃદ્ધનું મોત, પત્ની ગંભીર હાલતમાં

0

જિલ્લાના બ્યાવરા શહેરમાં શુક્રવારે વહેલી સવારે દિલ દહોળી દેતી ઘટના સામે આવી છે, જેણે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી દીધી છે. શહેરના રાજગઢ બાયપાસ સ્થિત શિવધામ કોલોનીમાં સવારે લગભગ 5 વાગ્યે એક મકાનના રસોડામાં રાખેલા ગેસ સિલિન્ડરમાં અચાનક આગ લાગી અને બાદમાં જોરદાર વિસ્ફોટ થયો. ધડાકો એટલો ભયંકર હતો કે આસપાસના મકાનોમાં સૂતા લોકો પણ ગભરાઈને બહાર દોડી આવ્યા અને વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ.

મળતી માહિતી મુજબ, આ અકસ્માત સુરેન્દ્રસિંહ ભલ્લા (60 વર્ષ)ના ઘરે બન્યો હતો. ઘટના સમયે તેઓ પોતાની પત્ની પદ્મા ભલ્લા સાથે ઘરે હાજર હતા. કહેવાય છે કે રસોડામાં રાખેલા એલપીજી ગેસ સિલિન્ડરમાં અચાનક આગ ભભૂકી ઊઠી, જે થોડા જ પળોમાં વિકરાળ બની ગઈ અને જોરદાર ધડાકા સાથે સિલિન્ડર ફાટી ગયો. વિસ્ફોટની તીવ્રતા એટલી વધુ હતી કે મકાનનો એક ભાગ નુકસાન પામ્યો અને આગની જ્વાળાઓએ સમગ્ર રસોડાને ઝપેટમાં લઈ લીધું.

આ ઘટનામાં સુરેન્દ્રસિંહ અને તેમની પત્ની પદ્મા ભલ્લા ગંભીર રીતે દાઝી ગયા. સ્થાનિક લોકોએ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી બચાવ કામગીરી શરૂ કરી અને બંનેને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ બ્યાવરા ખસેડ્યા. પ્રાથમિક સારવાર બાદ તેમની ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખીને ડૉક્ટરોએ તેમને ભોપાલ રેફર કર્યા. પરંતુ દુર્ભાગ્યવશ, રસ્તામાં નરસિંહગઢ નજીક પહોંચતા જ સુરേന്ദ്രસિંહ ભલ્લાનું અવસાન થયું, જ્યારે તેમની પત્ની પદ્મા ભલ્લાની હાલત હજુ પણ નાજુક છે અને સારવાર ચાલુ છે.

ઘટના સમયે દંપતી ઘરમાં એકલા હતા, જેના કારણે સમયસર મદદ મળવામાં થોડો વિલંબ થયો. માહિતી મુજબ, ઘરમાં પીએનજી કનેક્શન સાથે એલપીજી સિલિન્ડર પણ હાજર હતો. પ્રાથમિક તપાસમાં આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે ગેસ લીકેજ અથવા ટેકનિકલ ખામીના કારણે આગ લાગી હોઈ શકે, જોકે ચોક્કસ કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી.

ઘટનાની જાણ થતાં જ પોલીસ અને વહીવટી તંત્રની ટીમ સ્થળ પર પહોંચી અને પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ બ્યાવરા મોકલી દીધો છે અને મામલાની તપાસ શરૂ કરી છે. ફોરેન્સિક ટીમ પણ સ્થળનું નિરીક્ષણ કરી રહી છે, જેથી વિસ્ફોટના ચોક્કસ કારણો જાણી શકાય.

કેજરીવાલને મોટો ઝટકો: રાઘવ ચઢ્ઢા, અશોક મિત્તલ અને સંદીપ પાઠક સહિત 7 સાંસદોએ AAP છોડી ભાજપમાં જોડાયા

0

દિલ્હીમાં યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં આમ આદમી પાર્ટીના સાંસદ રાઘવ ચઢ્ઢાએ પાર્ટી છોડવાની મોટી જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું કે રાજ્યસભામાં AAPના બે-તૃતીયાંશ સભ્યો સાથે તેઓ હવે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાનો નિર્ણય કરી રહ્યા છે. સંદીપ પાઠક અને અશોક મિત્તલ સાથે સંબોધન કરતા ચઢ્ઢાએ કહ્યું કે તેઓ બંધારણની જોગવાઈઓનો ઉપયોગ કરીને આ પગલું લઈ રહ્યા છે.રાઘવ ચઢ્ઢાએ સાત સાંસદોએ આપ સાથે છેડો ફાડ્યાનો દાવો કર્યો હતો.

ચઢ્ઢાએ પોતાના નિવેદનમાં જણાવ્યું કે તેમણે જે પાર્ટીને પોતાના લોહી-પરસેવાથી ઉભી કરી હતી, તે હવે પોતાના મૂળ લક્ષ્યોથી ભટકી ગઈ છે અને અંગત ફાયદા માટે કાર્ય કરી રહી છે. તેમના આ નિવેદનથી રાજકીય વર્તુળોમાં ચર્ચાનો માહોલ ઉભો થયો છે.

રાઘવ ચઢ્ઢા, અશોક કુમાર મિત્તલ અને સંદીપ પાઠક 2022થી આમ આદમી પાર્ટી (AAP) તરફથી રાજ્યસભાના સભ્ય તરીકે સેવા આપી રહ્યા છે.

રાઘવ ચઢ્ઢાએ દાવો કર્યો છે કે AAPના બે તૃતીયાંશ રાજ્યસભા સાંસદો તેમના સંપર્કમાં છે. જો રાઘવનો દાવો સાચો સાબિત થાય છે, તો પક્ષપલટા વિરોધી કાયદા હેઠળ આ સાંસદોની સભ્યપદને અસર થશે નહીં, અને આને તકનીકી રીતે કાનૂની વિલીનીકરણ ગણવામાં આવશે. રાઘવના મતે, આ યાદીમાં રાઘવ ચઢ્ઢા પોતે, અશોક મિત્તલ, સંદિપ પાઠક, સ્વાતિ માલીવાલ, હરભજન સિંહ, વિક્રમ સહાની અને રાજેન્દ્ર ગુપ્તા જેવા અગ્રણી નામોનો સમાવેશ થાય છે. જો કે સાતમું નામ હજુ બહાર આવ્યું નથી.