Home Blog Page 110

સુરત મનપામાં ભાજપની આગેકૂચ, 44માંથી 43 બેઠકો પર વિજય, વોર્ડ 12થી કોંગ્રેસનું કમબેક

સુરત મહાનગરપાલિકાની મતગણતરીમાં ભાજપે જબરદસ્ત આગેકૂચ દર્શાવી છે. અત્યાર સુધી જાહેર થયેલા 44 બેઠકોના પરિણામોમાંથી ભાજપે 43 બેઠકો પર વિજય મેળવી દબદબો સ્થાપ્યો છે. એક ટર્મના વિરામ બાદ કોંગ્રેસે વાપસી નોંધાવી છે, જેમાં વોર્ડ નંબર 12માં કોંગ્રેસના ઉમેદવાર અરશદ જરીવાલાએ જીત મેળવી છે. બીજી તરફ આમ આદમી પાર્ટી હજુ સુધી પોતાનું ખાતું ખોલવામાં સફળ થઈ નથી, જેના કારણે ચૂંટણીના પ્રારંભિક તબક્કામાં ભાજપનું પ્રભુત્વ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.

સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં 5 વર્ષ બાદ કોંગ્રેસે વાપસી નોંધાવી છે. વોર્ડ નં. 12માં કોંગ્રેસના ઉમેદવાર અરશદ જરીવાલાએ વિજય મેળવી પાર્ટીને મહત્વપૂર્ણ સફળતા અપાવી છે. આ જીત સાથે સુરત મનપામાં કોંગ્રેસનું ખાતું ખુલ્યું છે અને સમર્થકોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.

સુરત ગ્રામ્ય વિસ્તારમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામોમાં ભાજપે વિજયી પ્રારંભ કર્યો છે. અંબિકા તાલુકા પંચાયતની અનાવલ 1 અને 2 નંબર બેઠક પર ભાજપે જીત હાંસલ કરી છે, જ્યારે વલવાડા પુના બેઠક પર રેખાબેનનો વિજય જાહેર થયો છે.

મહુવા તાલુકા પંચાયતની દેદવાસણ બેઠક પર કોંગ્રેસે જીત નોંધાવી છે. બીજી તરફ ડુંગરી, ધોળીકુઈ 2, નિહાલી અને કાની બેઠકો પર ભાજપનો કબજો રહ્યો છે અને કેસરિયો લહેરાયો છે. ઉપરાંત કરચલિયા જિલ્લા પંચાયત બેઠક પર પણ ભાજપે વિજય મેળવ્યો છે, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ભાજપની મજબૂત સ્થિતિ જોવા મળી રહી છે.

ગણદેવી નગર પાલિકાની બે બેઠકની ચૂંટણીમાં વિજય સાથે ભાજપની ક્લિન સ્વીપ

ગણદેવી નગર પાલિકાની ચૂંટણીમાં 22 બેઠકો પર બિનહરીફ વિજય થયા બાદ બાકી રહેલી બે બેઠકો પર પણ ભાજપના ઉમેદવારોનો વિજય થતાં તમામ 24 બેઠકો પર ભાજપનો વિજય થયો છે.

આ સતત બીજી ચૂંટણીમાં ભાજપે ક્લિપ સ્વીપ કરી છે. પાંચ વર્ષ પહેલાં પણ તમામ 24 બેઠકો ભાજપે જીતી લીધી હતી.

આ ચૂંટણીમાં 18 બેઠકો પર કોંગ્રેસ તેમના ઉમેદવારોને સમયસર મેન્ડેડ પહોંચાડી ન શકી હતી. એ ઉપરાંત 4 અપક્ષ ઉમેદવારોએ ઉમેદવારીપત્ર પરત ખેંચી લેતા ચૂંટણી પહેલાં જ ભારતીય જનતા પાર્ટીને 22 બેઠકો બિનહરીફ મળી જતાં પાલિકા પર ભાજપનું શાસન નિશ્ચિત થઈ ગયું હતું. બાકીની બે બેઠકો માટે રવિવારે મતદાન થયા બાદ આજે મતગણતરી થતાં વોર્ડ નં 1 ભાજપના ઉમેદવાર રાજેશ પટેલને 1095 અને પ્રતિસ્પર્ધી અપક્ષ જયેશ ઢીંમરને 396 મત મળતાં ભાજપનો 663 મતે વિજય થયો હતો. જ્યારે વોર્ડ નં 4 માં ભાજપના નિલેશ શર્માને 858 મત અને તેમના પ્રતિસ્પર્ધી અપક્ષ જયેશ ઢીંમરને 601 મત મળતાં ભાજપનો 157 મતે વિજય થયો હતો. પરિણામ જાહેર થતાં વિજય રેલી નીકળી હતી.

સુરતના બારડોલી વોર્ડ-3માં ભાજપની ક્લીન સ્વીપ, ચારેય ઉમેદવારો વિજેતા

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે આજે રાજ્યભરમાં મતગણતરીની પ્રક્રિયા શરૂ થઈ છે. સુરત જિલ્લામાં પણ ઉત્સુકતા વચ્ચે મતગણતરી ચાલી રહી છે. ત્યારે બારડોલી નગરપાલિકાની મતગણતરી શહેરમાં આવેલ BABC શાળા ખાતે કરવામાં આવી રહી છે, જ્યાં વહેલી સવારે જ પ્રક્રિયાની શરૂઆત થઈ હતી.

મતગણતરી વચ્ચે પ્રથમ મહત્વનું પરિણામ સામે આવ્યું છે, જેમાં બારડોલી નગરપાલિકાના વોર્ડ નંબર-3માં ભાજપની પેનલ વિજેતા જાહેર થઈ છે. આ વોર્ડમાં ભાજપના ચારેય ઉમેદવારોને મતદારોનો મજબૂત સમર્થન મળ્યો હતો.

વિજેતા ઉમેદવારોમાં ક્રિષ્ના હાર્દિક ચૌહાણ, કેજલ સુધીર વ્યાસ, જેનિષ ઈશ્વર ભંડારી અને તેજસ ચતુર પટેલનો સમાવેશ થાય છે. ચારેય ઉમેદવારોની જીત સાથે ભાજપે વોર્ડ નં. 3માં ક્લીન સ્વીપ કર્યો છે.

મતગણતરીના અન્ય રાઉન્ડ ચાલુ છે અને આગામી સમયમાં વધુ પરિણામો જાહેર થવાના છે. સમગ્ર બારડોલી શહેરમાં રાજકીય ઉત્સુકતા ચરમસીમાએ પહોંચી છે, જ્યારે ભાજપ કાર્યકરોમાં જીતને લઈને આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે.

સુરત વોર્ડ 4માં AAPને મોટો ઝટકો: મનોજ સોરઠીયા પરાજિત, ભાજપની સંપૂર્ણ પેનલ વિજેતા

સુરતવાસીઓ જે દિવસની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા, તે દિવસ ખરેખર આજે આવી ગયો છે. ગત 26 એપ્રિલના રોજ મતદાન બાદ આજે 28 એપ્રિલના રોજ સુરત મહાનગરપાલિકાની ચૂંટણીના પરિણામો જાહેર થવા જઈ રહ્યા છે. સુરત મહાનગરપાલિકાની 30 વોર્ડની 120 બેઠકો પર કુલ સરેરાશ 59.21% મતદાન નોંધાયું હતું.

ત્યારે આજે સુરતમાં ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ગાંધી એન્જિનિયરિંગ કોલેજ ખાતે મતગણતરી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. મતગણતરીમાં 2000થી વધારે અધિકારીઓ, કર્મચારીઓ અને ચૂંટણી એજન્ટો જોડાયા છે. મજુરા વિસ્તારમાં આવેલી ગાંધી એન્જિનિયરિંગ કોલેજની બહાર લોખંડી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ત્યારે સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં કોણ-કોણ બાજી મારશે?

તસ્વીર: ડિમ્પલ બંગડીવાળા

સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીની મતગણતરી શરૂ: ક્યાં કોણ આગળ, ક્યાં જીતનો પ્રથમ ઝંડો ફરક્યો!

ગુજરાતના મ્યુનિસિપલ કોર્પોરેશનો, નગરપાલિકાઓ, જિલ્લા પંચાયતો અને તાલુકા પંચાયતો માટે યોજાયેલી ચૂંટણીના પરિણામો આજે જાહેર થઈ રહ્યા છે. રાજ્યના 15 મ્યુનિસિપલ કોર્પોરેશનો, 84 નગરપાલિકાઓ, 34 જિલ્લા પંચાયતો અને 260 તાલુકા પંચાયતો માટે 4.18 કરોડથી વધુ મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. આ બધી બેઠકો માટે 26 એપ્રિલના રોજ મતદાન થયું હતું.

શહેરી સ્થાનિક સંસ્થાઓની સાથે, ગુજરાતમાં જિલ્લા અને તાલુકા પંચાયતોની ચૂંટણીઓને આગામી વિધાનસભા ચૂંટણીઓ માટે એક અગ્નિપરીક્ષા તરીકે જોવામાં આવી રહી છે. આ ચૂંટણીઓના પરિણામોને જનતાના મૂડને માપવાની તક તરીકે પણ જોવામાં આવી રહી છે. આ ચૂંટણીઓ માટે મત ગણતરી સવારે 9:00 વાગ્યાથી શરૂ થઈ ચૂકી છે. આ હેતુ માટે મત ગણતરી કેન્દ્રોની બહાર કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

ગુજરાતમાં મત ગણતરી શરૂ થઈ ગઈ છે. શહેરી સ્થાનિક સંસ્થાઓથી લઈને તાલુકા પંચાયતો સુધી, કડક સુરક્ષા વચ્ચે મત ગણતરી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. આ ચૂંટણીમાં 25,537 ઉમેદવારોનું ભાવિ નક્કી થશે છે. આ બેઠકો માટે ૨૬ એપ્રિલે મતદાન થયું હતું. આ ચૂંટણીમાં ભૂતપૂર્વ ધારાસભ્ય ભૂપેન્દ્ર ભાયાણી પણ ઉમેદવાર છે.

ગણદેવી નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીનો વિજયી દબદબો વોર્ડ નંબર 1માંથી રાજેશ પટેલ અને વોર્ડ નંબર 4માંથી નિલેશ શર્માનો વિજય ભાજપે બે બેઠકો પર વધુ જીત સાથે મજબૂત સ્થિતિ બનાવી. ગણદેવી નગરપાલિકાની કુલ 24 બેઠકોમાંથી 22 બેઠકો અગાઉથી બિનહરીફ જાહેર થઈ હતી. કાર્યકરોમાં ઉજવણીનો માહોલ, સમર્થકોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે.

  • સુરતમાં મોટો અપસેટ વોર્ડ નંબર-2માં કોંગ્રેસનાં ઉમેદવાર કાવ્યા પટેલ આગળ.
  • સુરતમાં AAPના મનોજ સોરઠિયા હાર તરફતરસાડી પાલિકામાં વોર્ડ-1માં ભાજપની જીત
  • તરસાડી નગરપાલિકા વોર્ડ 1 મા બીજેપીના ઉમેદવાર વિજેતા
  • વોર્ડ નંબર એકમાં બે બેઠક બિનહરીફ થઈ હતીવોર્ડ નંબર એકમાં ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે હતી ટક્કર
  • નવસારી જિલ્લાના ગણદેવી તાલુકોની તલોધ તાલુકા પંચાયત બેઠક પર ભાજપે ખાતું ખોલ્યું.
  • ભાજપના ઉમેદવાર વિપુલ જયેશ પટેલનો ભવ્ય વિજય
  • તલોધ તાલુકા પંચાયત બેઠક પર ભાજપ વિજેતા
  • ગણદેવી નગરપાલિકાની ચૂંટણીમાં માત્ર બે વોર્ડની ચૂંટણી યોજાઈ હતી જેમાં ભાજપની જીત થઈ હતી
  • ગાંધીનગર જિલ્લા પંચાયતની અડાલજ બેઠકમાં ભાજપનો 5500 મતથી વિજય
  • રાજકોટના વોર્ડ નંબર 16ની મત ગણતરી શરૂ. કોંગ્રેસ આગળરાજકોટ વોર્ડ-7 માં ભાજપ બેલેટ પેપરમાં આગળ
  • તાલાલા પાલિકા વોર્ડ નંબર 1ની ગણતરી પૂર્ણ ભાજપના 4 ઉમેદવારો ની જીતબેલેટ પેપરની ગણતરીની શરૂઆતમાં ભાજપ આગળ
  • વોર્ડ ન.7માં નેહલ શુકલની પેનલ આગળઉમરગામ નગર પાલિકા વોર્ડ ન. 1માં BJP પેનલ વિજેતા

મતગણતરી પહેલા જ જીતનો ડંકો: સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં અનેક ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા!

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ ગરમાયો છે અને આજે પરિણામ જાહેર થવાનું છે. પરિણામ પહેલા ઘણી બધી બેઠકના ઉમેદવારો જીતી ચૂક્યા છે. હવે તે કેવી રીતે તો તમને જણાવી દઈએ કે ચૂંટણીના મતદાન પહેલા જ ઘણી બધી સીટો બિનહરિફ જાહેર થઈ છે. ત્યારે તમને જાણીને નવાઈ લાગશે તે રાજ્યભરમાં કુલ 730 બેઠકો મતગણતરી પહેલા બિનહરીફ થઈને જીતી ચૂકી છે.

રવિવારે યોજાયેલા મતદાનમાં સરેરાશ 60 ટકા જેટલું મતદાન નોંધાયું હતું. આજે આ મતદાનનો નિર્ણય જાહેર થવાનો છે અને કયા પક્ષને સત્તા મળશે તે સ્પષ્ટ થશે. મતગણતરી માટે રાજ્યભરના કેન્દ્રો પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે, જેથી પ્રક્રિયા પારદર્શક અને શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય હતા.

જો કે પરિણામ પહેલા જ રાજ્યમાં મોટી સંખ્યામાં બેઠકો બિનહરીફ થતા ઉમેદવારો જીતી ચૂક્યા છે. કુલ 730 બેઠકો પર ઉમેદવારો બિનહરીફ વિજેતા બની ચૂક્યા છે. જેમાં 15 મનપાની 43 બેઠકો ભાજપે બિનહરીફ જીતી છે. ઉપરાંત 84 નગરપાલિકાઓમાં 385 બેઠકો બિનહરીફ જાહેર થઈ છે, જેમાંથી 370 ભાજપ, 12 કોંગ્રેસ અને 3 અપક્ષના ખાતામાં ગઈ છે.

ખાસ કરીને ઊંઝા, કડી, બાયડ અને ગણદેવી જેવી 4 નગરપાલિકાઓમાં ભાજપે સંપૂર્ણ બિનહરીફ જીત મેળવી છે. તાલુકા અને જિલ્લા સ્તરે પણ ભાજપનું પ્રભુત્વ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. 251 તાલુકા પંચાયતો અને 51 જિલ્લા પંચાયતોમાં ભાજપ પહેલેથી જ બિનહરીફ વિજેતા બની ચૂકી છે.હવે સૌની નજર આજે શરૂ થનારી મતગણતરી પર ટકી છે. બાકીની બેઠકોના પરિણામો રાજ્યના રાજકીય સમીકરણોને નવી દિશા આપશે અને આગામી સમય માટે સત્તાના સંતુલનને નક્કી કરશે.

મતગણતરી કેન્દ્રો પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત વચ્ચે આજે લોકશાહીના ‘મહા-ચુકાદો’નો દિવસ આવી પહોંચ્યો છે. આજનો સૂર્યોદય હાર-જીતના રોમાંચક સમીકરણો સાથે થયો છે અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના રણમેદાનમાં જંગ પૂરો થયા બાદ હવે ઉમેદવારોના હૃદયના ધબકારા તેજ બન્યા છે. થોડી જ ક્ષણોમાં મતગણતરી શરૂ થવાની છે અને પરિણામોની શરૂઆત સાથે જ રાજકીય ચિત્ર સ્પષ્ટ થવાનું છે. થોડા કલાકોમાં નક્કી થઈ જશે કે 15 મહાનગરપાલિકાઓ, 84 નગરપાલિકાઓ, 34 જિલ્લા પંચાયતો અને 260 તાલુકા પંચાયતોમાં જીતનો ‘તાજ’ આખરે કોના શિરે સજશે, જેને લઈને રાજ્યભરમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે.

અફઘાનિસ્તાન પર ફરી પાકિસ્તાની હુમલો: 7 લોકોના મોત, 75 ઘાયલ, યુનિવર્સિટી પણ નિશાન પર

0

અફઘાનિસ્તાનના પૂર્વીય કુનાર પ્રાંતમાંથી ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે, જ્યાં પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા કહેવાતા હુમલામાં ઓછામાં ઓછા 7 લોકોનાં મોત થયા છે અને 75થી વધુ લોકો ઘાયલ થયા છે. મળતી માહિતી અનુસાર, ઘાયલોમાં કુનાર યુનિવર્સિટીના અનેક વિદ્યાર્થીઓ અને એક પ્રોફેસરનો પણ સમાવેશ થાય છે. તાલિબાન સરકારનો દાવો છે કે ઘાયલોમાં આશરે 30 વિદ્યાર્થીઓ સામેલ છે, જેના કારણે ઘટનાની ગંભીરતા વધુ વધી છે.

આ મામલે પાકિસ્તાનના માહિતી મંત્રાલયે તમામ આરોપોને નકારી કાઢ્યા છે. તેમનું કહેવું છે કે કોઈ યુનિવર્સિટી કે રહેણાંક વિસ્તારોને નિશાન બનાવવામાં આવ્યા નથી અને આવી માહિતી સંપૂર્ણપણે ખોટી છે. જોકે તાલિબાન સરકારના જણાવ્યા મુજબ હુમલામાં મોર્ટાર અને રોકેટનો ઉપયોગ થયો હતો, જ્યારે કેટલાક સૂત્રો જેટ વિમાનો અને ડ્રોનના ઉપયોગની પણ વાત કરે છે. યુનિવર્સિટીના એક પ્રોફેસરે જણાવ્યું કે સમગ્ર કેમ્પસમાં જોરદાર વિસ્ફોટોના અવાજો સંભળાતા જ અફરાતફરી મચી ગઈ હતી.

સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, અસદાબાદ શહેરમાં બપોરના સમયે બોમ્બબારીના અવાજો સંભળાતા લોકો ગભરાઈ ગયા હતા અને પોતાનો જીવ બચાવવા માટે શહેરના કેન્દ્રમાંથી ભાગતા જોવા મળ્યા હતા. અનેક નાગરિકો ઘાયલ હાલતમાં હોસ્પિટલ પહોંચ્યા હતા. આ હુમલામાં કુનાર યુનિવર્સિટીની ઇમારતો અને આસપાસના વિસ્તારોને ભારે નુકસાન થયું હોવાનું અફઘાનિસ્તાનના ઉચ્ચ શિક્ષણ મંત્રાલયે પુષ્ટિ કરી છે.

આ ઘટનાને લઈને તાલિબાન સરકારે કડક પ્રતિક્રિયા આપી છે અને તેને ગંભીર તથા અક્ષમ્ય યુદ્ધ અપરાધ ગણાવ્યો છે. ઉપ-પ્રવક્તા હમદુલ્લાહ ફિતરતે આ ઘટનાને ક્રૂરતા અને ઉશ્કેરણીજનક કાર્યવાહી તરીકે વર્ણવી છે. બીજી તરફ, પાકિસ્તાનનો દાવો છે કે તે આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવે છે અને તેનો આરોપ છે કે તાલિબાન સરકાર પાકિસ્તાન તાલિબાન (TTP)ને આશ્રય આપી રહી છે. છેલ્લા કેટલાક સમયથી બંને દેશો વચ્ચે સરહદી તણાવ વધતો જઈ રહ્યો છે, જેના કારણે આવી ઘટનાઓમાં વધારો નોંધાઈ રહ્યો છે.

જસદણના આલણસાગર તળાવમાં ડૂબી જવાથી ચાર બાળકોના કરુણ મોત

જસદણ તાલુકામાં આજે એક અત્યંત દુઃખદ ઘટના સામે આવી છે, જેમાં રાજકોટ જિલ્લાના જસદણ નજીક આવેલા બાખલવડ ગામના આલણસાગર તળાવમાં ડૂબી જવાથી ચાર કિશોરોના કરુણ મોત નિપજ્યા છે. રજાના દિવસે ઘરે કોઈને જાણ કર્યા વગર ન્હાવા ગયેલા આ બાળકોને પાણીની ઊંડાઈનો અંદાજ ન આવતા તેઓ જીવ ગુમાવી બેઠા હતા.

મળતી માહિતી મુજબ, જસદણના વિંછીયા રોડ વિસ્તારમાં રહેતા શ્રમિક પરિવારના ચાર મિત્રો મોજ-મસ્તી કરવા માટે તળાવ પર ગયા હતા. તેઓએ ઘરે કોઈને જાણ કરી નહોતી. તળાવમાં ઉતર્યા બાદ પાણી વધુ ઊંડું હોવાને કારણે ચારેય મિત્રો એક પછી એક પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. તળાવની પાળ પાસે બાળકોની સાયકલો અને કપડાં લાંબા સમય સુધી બિનવારસી હાલતમાં પડેલા જોઈ સ્થાનિક લોકોને શંકા ગઈ હતી. ત્યારબાદ તપાસ કરતા બાળકો ડૂબી ગયા હોવાની આશંકા ઉભી થઈ અને તંત્રને જાણ કરવામાં આવી.

ઘટનાની જાણ થતા જ જસદણ પોલીસ, ફાયર વિભાગ અને સ્થાનિક તરવૈયાઓ તરત જ સ્થળ પર પહોંચી ગયા હતા અને શોધખોળ શરૂ કરી હતી. સતત પ્રયાસો બાદ ચારેય બાળકોના મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતા.

મૃતકોમાં રાજવીર સામતભાઈ રાઠોડ (15 વર્ષ), કિશન મનસુખભાઈ રાઠોડ (15 વર્ષ), રામુ ભાયાભાઈ રાઠોડ (14 વર્ષ) અને કાળુ ભરતભાઈ રાઠોડ (10 વર્ષ)નો સમાવેશ થાય છે.

જ્યારે ચારેય બાળકોના મૃતદેહોને જસદણ સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા, ત્યારે પરિવારજનો અને સગા-સંબંધીઓના હૈયાફાટ રુદનથી સમગ્ર વાતાવરણ શોકમય બની ગયું હતું. એકસાથે ચાર બાળકોના મોતથી જસદણ પંથકમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે. પોલીસ દ્વારા અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

સ્થાનિક સ્વરાજ ચૂંટણી 2026: રાજ્યભરમાં મતગણતરી શરૂ, ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ પંચાલની અગ્નિ પરીક્ષા

રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનું મતદાન પૂર્ણ થયા બાદ આજે મતગણતરીનો દિવસ છે ત્યારે રાજ્યમાં ખૂબજ ઉત્સુકતાનો માહોલ જોવા મળી રહયો છે.રાજ્યમાં આ વખતની ચુંટણીઓ કઈક અલગ અંદાજમાં રહી છે અને મારામારી,ઝપાઝપી, બળજબરીથી ફોર્મ પરત ખેંચાવવા જેવી શરમ જનક ઘટનાઓ વચ્ચે મહેસાણામાં એક મર્ડર પણ થયું.

આ બધા વચ્ચે ભાજપ તેની જે સીટો હતી તે યથાવત રાખવામાં સફળ રહેશે કે વધશે કે ઘટશે તેની ઉપર સૌની નજર છે.આજે 15 મનપા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયત માટે યોજાયેલી ચૂંટણીની મતગણતરી હાથ ધરાશે.

કુલ 10 હજાર 5 સીટમાંથી 736 સીટ બિન હરીફ થઈ ચૂકી છે એટલે 9269 સીટના પરિણામ આવશે.મહત્વનું છે કે રાજ્યમાં અમદાવાદ-રાજકોટમાં 20 વર્ષ અને સુરત, વડોદરા, રાજકોટ અને જામનગરમાં 30 વર્ષથી ભાજપનો સતત કબ્જો રહ્યો છે ત્યારે આ વખતની ચૂંટણીમાં ભાજપ પોતાનો દબદબો જાળવી રાખવામાં સફળ રહે છે કે કેમ ? તે બપોર સુધીમાં નક્કી થઈ જશે. 6 જૂની મહાનગરપાલિકા સિવાય જે નવી 9 મહાનગરપાલિકા બની છે તેના પરિણામ પણ મહત્વના બની રહેવાના છે. મહાનગરપાલિકાઓમાં સવારે 9 વાગ્યાથી મતગણતરીનો પ્રારંભ થશે અને બપોર કે તે પછીના સમયગાળામાં આજે લગભગ મહાનગરપાલિકાઓનું ચિત્ર સ્પષ્ટ થઈ જશે.

ઉમેદવારો અને કાર્યકરોમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.અત્રે ઉલ્લેખનીય છે કે 15 મહાનગરપાલિકાની ચૂંટણીમાં 11 મનપામાં ભાજપના 43 ઉમેદવારો બિનહરીફ થઈ ચૂક્યા છે,જેમાં આણંદમાં 12, પોરંબદરમાં 11, મહેસાણા 5, અમદાવાદ 2, સુરેન્દ્રનગર 3,જામનગર 1, નડિયાદ 3, વડોદરા 2, નવસારી 2, ગાંધીધામ 1 અને વાપી મનપામાં ભાજપનો 1 ઉમેદવાર બિનહરીફ રહ્યા છે.અત્રે ઉલ્લેખનીય છે કે 2021ની ચૂંટણીઓ દરમિયાન તત્કાલીન ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે 61 વર્ષના ઇતિહાસમાં પ્રથમવાર 90 ટકા બેઠકો ભાજપ માટે જીતી બતાવી હતી.

હવે 2026માં નવા પ્રદેશ પ્રમુખ જગદીશ પંચાલ એ સિલસિલો જાળવી રાખશે કે કેમ?તેનો પણ આજે ફેંસલો થવાનો છે.એટલેજ આ વખતે જો 2021ના પરિણામો કરતા નબળું પરિણામ આવશેતો 2027ની ચૂંટણી પહેલા સંગઠન-સરકારમાં મોટા ફેરફાર થઈ શકે છે.જગદીશન પંચાલની આ એક અગ્નિપરીક્ષા છે,તેમાં તેઓ કેટલા સફળ રહેશે તેની આજે ખબર પડી જવાની છે,જેથી ભારે ઉત્સુકતાનો માહોલ પ્રવર્તી રહ્યો છે.

ઓડિશામાં સનસ્ટ્રોકથી વસ્તી ગણતરીની ફરજ પર બે શિક્ષકોના મોત, દબાણના આક્ષેપો

0

પાંચ વર્ષના વિલંબ બાદ ભારતમાં વસ્તી ગણતરીની પ્રક્રિયા શરૂ થઈ છે, પરંતુ દેશના અનેક વિસ્તારોમાં હીટવેવની તીવ્ર અસર વચ્ચે ચિંતાજનક ઘટનાઓ સામે આવી રહી છે. ઓડિશામાં માત્ર બે દિવસમાં વસ્તી ગણતરીની ફરજ પર રહેલા બે શિક્ષકોના મોત થયાના અહેવાલો સામે આવ્યા છે, જેમના મોતનું મુખ્ય કારણ સનસ્ટ્રોક માનવામાં આવી રહ્યું છે. મયુરભંજ અને સુંદરગઢ જિલ્લામાં આ દુઃખદ બનાવો નોંધાયા છે, જ્યારે રાજ્યમાં આ પ્રકારના કુલ ત્રણ મોત નોંધાઈ ચૂક્યા છે.

મયુરભંજ જિલ્લાના બેટનોટી બ્લોક હેઠળ આવેલી વૈદ્યનાથ હાઇસ્કૂલના શિક્ષક રાજકપુર હેમ્બ્રમ ઘર-ઘર જઈને વસ્તી ગણતરીનું કામ કરી રહ્યા હતા. દિવસભરનું કામ પૂર્ણ કર્યા બાદ તેઓ ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે અચાનક બેભાન થઈ ગયા. તેમને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા, પરંતુ રવિવારે સાંજે બારીપાડાની હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. મૃતકના પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે તેમની તબિયત ખરાબ હોવા છતાં અધિકારીઓ દ્વારા ફરજ પર હાજર રહેવા માટે દબાણ કરવામાં આવી રહ્યું હતું.

સુંદરગઢ જિલ્લામાં પણ આવી જ એક ઘટના બની હતી, જ્યાં ગુરુંડિયા બ્લોકના જરાડા સરકારી હાઇસ્કૂલના શિક્ષક અનુરાગ એક્કા વસ્તી ગણતરી દરમિયાન બેભાન થઈ ગયા હતા. તેમને પહેલા ગુરુંડિયા કમ્યુનિટી હેલ્થ સેન્ટરમાં લઈ જવાયા અને ત્યારબાદ હાલત ગંભીર બનતા જિલ્લા મુખ્યાલયની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા, જ્યાં શનિવારે સાંજે તેમનું અવસાન થયું હતું.

આ બંને ઘટનાઓ બાદ જિલ્લા કલેક્ટરોએ તપાસ શરૂ કરી છે અને અધિકારીઓ પાસેથી અહેવાલો મળ્યા પછી મોતનું ચોક્કસ કારણ સ્પષ્ટ થશે. ઉલ્લેખનીય છે કે, અગાઉ 21 એપ્રિલે સોનેપુર જિલ્લામાં પણ વસ્તી ગણતરી દરમિયાન ફરજ પર રહેલા એક અધિકારીનું હૃદયરોગના હુમલાથી મોત થયું હતું, જેનાથી સમગ્ર પ્રક્રીયા પર પ્રશ્નચિન્હ ઉભું થયું છે.