Sunday, Sep 14, 2025

કરણી સેના પ્રમુખ સુખદેવસિંહ ગોગામેડીની હત્યા, લોરેન્સ બિશ્નોઇ ગેંગે લીધી હત્યાની જવાબદારી

2 Min Read

રાજસ્થાનની રાજધાની જયપુરમાં શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના અધ્યક્ષ સુખદેવ સિંહ ગોગામેડીની તેમના ઘરમાં જ ગોળી મારીને હત્યા કરાઈ છે. ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે, જેમાં હત્યારા ગોગામેડી સાથે સોફા પર બેઠેલા જોવા મળે છે અને તે અચાનક ગોગામેડી અને તેની સાથેના લોકો પર ધડાધડ ફાયરિંગ કરવા લાગે છે. ઘટનાને લઈને રાજસ્થાન અને સમગ્ર દેશમાં હડકંપ મચી ગયો છે. હુમલાખોરોની શોધખોળ ચાલી રહી છે. લોરેન્સ બિશ્નોઈ ગેંગના ગેંગસ્ટર રોહિત ગોદારા અને ગોલ્ડી બરારે સુખદેવ સિંહ ગોગામેડીની હત્યાની જવાબદારી લીધી છે.

ગેંગસ્ટર રોહિત ગોદારાએ ટ્વીટ કરીને કહ્યું કે, રામ રામ તમામ ભાઈઓને. હું રોહિત ગોદારા કપૂરીસર, ગોલ્ડી બરાર. ભાઈઓ આજે જે આ સુખદેવ સિંહ ગોગામેડીની હત્યા થઈ છે. તેની સંપૂર્ણ જવાબદારી અમે લઈએ છીએ. આ હત્યા અમે કરાવી છે. ભાઈઓ તમને જણાવવા માંગું છું કે, આ અમારા દુશ્મનો સાથે મળીને તેમને સહયોગ કરતો હતો. તેને પૂર્ણ રીતે મજબૂત કરવાનું કામ કરતો હતો અને રહી વાત અમારા દુશ્મનોની તો તેઓ પોતાના ઘરના અર્થી તૈયાર રાખે. જલ્દી જ તેમની સાથે પણ મુલાકાત થશે.

રાજસ્થાનના જયપુરમાં કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ સુખદેવ સિંહ ગોગામેડી હત્યાથી રાજપૂત સમાજમાં રોષ છે. કેન્દ્રીય મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવતે ટ્વિટ કરીને કહ્યું કે, શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી સુખદેવ સિંહ ગોગામેડીજીની હત્યાના સમાચારથી સ્તબ્ધ છું. આ સંદર્ભમાં પોલીસ કમિશનર પાસેથી માહિતી લીધી છે અને આરોપીઓની જલ્દીથી ધરપકડ કરવા કહ્યું છે. સમાજના લોકોને શાંતિ અને ધીરજ રાખવી પડશે. ભાજપ સરકારે શપથ લેતા જ રાજ્યને ગુનામુક્ત કરવું અમારી પ્રાથમિકતામાં છે. ગોગામેડીજીની આત્માને પ્રભુ શાંતિ આપે. પરિવારજનો અને સમર્થકો-શુભચિંતકોને હિંમત મળે.

આ પણ વાંચો :-

Share This Article