- સંપૂર્ણ પ્રદૂષણ રહીત વાતાવરણમાં તૈયાર કરવામાં આવેલ ‘લેબગ્રોન’ ડાયમંડ વિશ્વનાં દેશો માટે પણ સંદેશારૂપ બની રહે છે.
- ખાણમાં ખોદકામ કરીને કાઢવામાં આવતાં કુદરતી ડાયમંડ અને લેબગ્રોન ડાયમંડ વચ્ચે કોઈ જ તફાવત નથી. બંનેનાં ઉત્પાદનની પ્રક્રિયા પણ સરખી જ છે. એક ધરતીમાં અને બીજો લેબમાં આકાર પામે છે.
- વડાપ્રધાન મોદીનાં કેટલાંક અંગત મિત્રો પૈકીનાં સુરતનાં મુકેશ પટેલની ‘ગ્રીનલેબ’માં દેશની આઝાદીનાં અમૃત મહોત્સવની યાદ અપાવતો ૭.૫ કેરેટ વજનનો ડાયમંડ તૈયાર કરવામાં આવ્યો હતો.
વડાપ્રધાન મોદીએ અમેરિકાના રાષ્ટ્રપતિ બાઈડનનાં પત્ની એટલે કે અમેરિકાનાં ફર્સ્ટ લેડી જીલ બાઈડનને સુરતમાં તૈયાર કરવામાં આવેલ ૭.૫ કેરેટ વજનનો ડાયમંડ ભેટ આપીને સુરતને ગૌરવ અપાવ્યું હતું. સાથે સંપૂર્ણ કુદરતી વાતાવરણમાં પરંતુ કોઈપણ પ્રકારના પ્રદૂષણ વગર પેદા કરવામાં આવેલ ‘લેબગ્રોન’ ડાયમંડની ભેટ આપીને ડાયમંડનાં ઉત્પાદનમાં પૂર્ણપણે પર્યાવરણની જાળવણી કરાતી હોવાની સાથે લાખો લોકોને રોજગારી આપતો સુરતનો ડાયમંડ ઉદ્યોગ પર્યાવરણની જાળવણી માટે સજાગ હોવાનો સંદેશો પાઠવ્યો હતો.
પર્યાવરણની જાળવણી કરવા સાથે હીરાનાં કારખાનામાં કામ કરતાં કારીગરોનાં આરોગ્યની તંદુરસ્તી માટે પણ ડાયમંડ ઉદ્યોગ સતત જાગૃત છે. ધરતીનાં પેટાળમાં ઊંડે સુધી ખોદકામ કરીને બહાર કાઢવામાં હીરા પાછળ સેંકડો મજૂરો કાળી મજૂરી કરતાં હોય છે. ધરતીનાં પેટાળમાં પેદા થતો હીરો અને લેબોરેટરીમાં તૈયાર કરવામાં આવતાં ‘લેબગ્રોન’ ડાયમંડમાં દેખીતો કોઈ જ તફાવત નથી. બંને ડાયમંડ કુદરતી વાતાવરણમાં જ તૈયાર થાય છે. ધરતીનાં પેટાળમાંથી હીરા કાઢવા ખોદકામ કરતી વખતે પ્રદૂષણ ફેલાય છે. ઉપરાંત ખાણમાં કામ કરતાં મજૂરોએ પણ અનેક ત્રાસજનક સ્થિતિમાંથી પસાર થવું પડે છે.
આવા સંજોગોમાં લેબગ્રોન ડાયમંડ વિશ્વ માટે ઉપકારક પુરવાર થશે. પર્યાવરણની જાળવણી માટે સતત આગ્રહી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રદૂષણ ઉપર નિયંત્રણ લાવવા હંમેશા પ્રયત્નશીલ રહ્યાં છે. તેમણે પર્યાવરણમાં સુધાર માટે ગુજરાતથી પહેલ કરી હતી અને સરકારમાં વિશેષ મંત્રાલય ઊભું કર્યું હતું. અમેરિકન ફર્સ્ટ લેડી ડૉ.જીલ બાઈડનને ‘લેબગ્રોન’ ડાયમંડની ભેટ આપીને પર્યાવરણની જાગૃતિનો સંદેશો પણ આપ્યો હતો.
ડૉ.જીલ બાઈડનને આપવામાં આવેલા ડાયમંડનું વજન ૭.૫ કેરેટ એટલા માટે રાખવામાં આવ્યું છે કે, ભારત આઝાદીનાં ૭૫માં વર્ષનાં અમૃત મહોત્સવમાંથી પસાર થઈ રહ્યું છે. આ રીતે પણ ભારતની આઝાદીનાં અમૃત મહોત્સવને યાદ કરવામાં આવ્યો હતો.
જાણવા મળ્યા મુજબ ડૉ.જીલ બાઈડનને ભેટ આપવામાં આવેલ ડાયમંડ સુરતનાં મુકેશ પટેલ (એમ. કાંતિલાલ)ની ‘ગ્રીનલેબ’માં તૈયાર કરવામાં આવ્યો હતો. ‘લેબગ્રોન’ ડાયમંડ તૈયાર કરવા માટે સોલાર અને વિન્ડમિલ દ્વારા પેદા કરવામાં આવતી વીજળીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. મતલબ કે લેબગ્રોન ડાયમંડ બનાવવા માટે વપરાતી વીજળી પણ સંપૂર્ણ પ્રદુષણ રહીત હતી અને કુદરતી ઊર્જાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
અત્રે ઉલ્લેખનિય છે કે, મુકેશ પટેલ વડાપ્રધાનનાં કેટલાંક નજીકનાં મિત્રો પૈકીનાં એક છે. મુકેશ પટેલ અવારનવાર વડાપ્રધાનની મુલાકાત લેતા રહે છે. બિલ્ડીંગ કન્સ્ટ્રક્શન અને ડાયમંડ ઉદ્યોગ સાથે સંકળાયેલા અને ધુની પ્રકૃતિના માનવામાં આવતાં મુકેશ પટેલ ડાયમંડ ઉદ્યોગમાં અવનવા સંશોધનનાં હંમેશા આગ્રહી રહ્યા છે અને સુરતમાં સર્વશ્રેષ્ઠ કહી શકાય એવા કુદરતી ડાયમંડનાં ઉત્પાદન માટે ‘ગ્રીનલેબ’નું ઈચ્છાપોર વિસ્તારમાં નિર્માણ કર્યું છે. તેમની ‘ગ્રીનલેબ’માં હવા, પાણી કે માટીનાં પ્રદુષણને કોઈ જ સ્થાન નથી. સંપૂર્ણ મોકળાશ અને શુદ્ધ પર્યાવરણ ધરાવતા વાતાવરણમાં રત્નકલાકારો કામ કરી રહ્યાં છે. મુકેશ પટેલની ‘ગ્રીનલેબ’માં તૈયાર કરવામાં આવતો પ્રત્યેક ડાયમંડ વાતાવરણની પવિત્રતા અને શુદ્ધતાની ખાતરી આપે છે.
વડાપ્રધાને અમેરિકાનાં પ્રવાસ પૂર્વે મુકેશ પટેલની ગ્રીનલેબમાં ૭.૫ કેરેટ વજનનો ડાયમંડ તૈયાર કરવા સત્તાવાર સરકારી ઓર્ડર આપ્યો હતો અને અમેરિકાનાં ફર્સ્ટ લેડી ડૉ.જીલ બાઈડનને ભારત સરકાર અને ખાસ કરીને ડાયમંડ ઉદ્યોગ સાથે સંકળાયેલા વિશાળ સમુદાય વતી ભેટ આપ્યો હતો.
વડાપ્રધાને સુરતમાં તૈયાર થયેલા લેબગ્રોન ડાયમંડની અમેરિકાનાં ફર્સ્ટ લેડી ડૉ.જીલ બાઈડનને ભેટ આપીને સુરતનાં ગૌરવમાં વધારો કર્યો હતો અને ડાયમંડ પહેરવાનાં શોખીન અમેરિકનોને પણ સુરતમાં તૈયાર થતાં ડાયમંડની પવિત્રતાનો પ્રત્યક્ષ પુરાવો આપ્યો હતો.
ડૉ.જીલ બાઈડનને આપવામાં આવેલો ડાયમંડ નેચરલ ડાયમંડ જેટલો જ શુદ્ધ છે : સ્મિત પટેલ
સુરતની એક લેબગ્રોન ડાયમંડ કંપનીમાં આ હીરો તૈયાર થયો છે. ત્યારે આ હીરો કઈ કંપનીમાં બનાવવામાં આવ્યો છે તેની માહિતી છુપી રાખવામાં આવી છે. પરંતુ આ હીરાની વિશેષ્તા જીજેઇપીસીના લેબગ્રોન ડાયમંડ કમિટીના કન્વીનર સ્મિત મુકેશ પટેલે જણાવ્યું હતું કે આ ડાયમંડ ટાઈપ ટુ-એ ક્વોલિટીનો છે. તે કેમિકલ અને ઓપ્ટીકલી નેચરલ ડાયમંડ જેટલો જ શુદ્ધ છે.
આઈજીઆઈ (ઈન્ટરનેશનલ જેમોલોજીકલ ઇન્સ્ટિટ્યૂટ ) દ્વારા સર્ટિફાઈડ આ ડાયમંડ ત્રીપલ એક્સીલેન્ટ કટ, કલર, કેરેટ એન્ડ ક્લેરિટી ધરાવે છે. તે સોલાર અને વિન્ડ પાવર જેવા ઈકો એનર્જીથી ઉત્પાદિત કરાયો છે. યુનેસ્કોના એન્વાયરમેન્ટલ સસ્ટેનિબિલિટના તમામ પરિણામો પર તે ખરો ઉતરે છે. સંપૂર્ણ પણે મેક ઈન્ડિયા આ ડાયમંડ આત્મનિર્ભર ભારતની સ્ટોરી વૈશ્વિક સ્તરે રજૂ કરે છે. વળી આ ડાયમંડ સંપૂર્ણપણે ઈકો ફ્રેન્ડલી પદ્ધતિથી તૈયાર થયો હોય તેને ગ્રીન ડાયમંડ કહેવામાં આવે છે.
આ પણ વાંચો :-