મહારાષ્ટ્રના થાણે નજીક કલ્યાણ શહેરમાં આજે (20 મે) બપોરે એક રહેણાંક મકાનના ચાર માળમાંથી એકનો સ્લેબ ધરાશાયી થયો છે. આ ઘટનામાં એક બાળક સહિત ઓછામાં ઓછા છ લોકોના મોત થયા છે અને ચાર અન્ય ઘાયલ થયા છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ અને ફાયરબ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. હાલ પૂરજોશમાં બચાવ કામગીરી શરૂ કરી દેવાઈ છે.
મળતા અહેવાલો મુજબ, મહારાષ્ટ્રના કલ્યાણ અને ડોમ્બિવલી વિસ્તારમાં અગાઉ એક બિલ્ડિંગનો સ્લેબ તૂટી પડ્યો હતો. ત્યારે હવે કલ્યાણના મંગલરાધોનગર વિસ્તારમાં ફરી આવી દુર્ઘટના બની છે. અહીં સમારકામ દરમિયાન ચાર માળની ઈમારતનો એક ભાગનો સ્લેબ અચાનક તૂટી ગયો છે, જેમાં અત્યાર સુધીમાં દોઢ વર્ષની માસૂમ બાળકી સહિત છ લોકોના મોત થયા હોવાના સમાચાર સામે આવ્યા છે. હાલ અહીં પૂરજોશમાં બચાવ કામગીરી ચાલી રહી છે.
અહીં સપ્તશ્રૃંગી કો-ઓપરેટિવ સોસાયટી નામની બિલ્ડિંગના ત્રીજા માળે આજે (20 મે) બપોરે સમારકામ ચાલી રહ્યું હતું. આ દરમિયાન બીજા માળનો સ્લેબ અચાનક તૂટી ગયો હતો. આ દરમિયાન સ્લેબના કાટમાળ નીચે દબાયેલી ત્રણ મહિલાના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા છે. આ ઉપરાંત દોઢ વર્ષની માસૂમ બાળકીએ પણ જીવ ખોયો છે. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમે તુરંત બચાવ-રાહતની કામગીરી શરૂ કરી હતી. આ દરમિયાન કાટમાળ નીચેથી ત્રણ મૃતદેહ બહાર કઢાયા છે. આ સાથે મૃતકોની કુલ સંખ્યા છ થઈ ગઈ છે.
આ ઘટનામાં પ્રમિલા સાહુ (ઉંમર 58), નામસ્વી શેલાર (ઉંમર 1.5 વર્ષ), સુનીતા સાહુ (ઉંમર 37), સુજાતા પાધી (ઉંમર 32), સુશીલા ગુજર (ઉંમર 78) અને વ્યંકટ ચવ્હાણ (ઉંમર 42)નું મોત થયું છે. જ્યારે અરુણા રોહિદાસ ગિરનારાયણ (ઉંમર 48), શરવીલ શ્રીકાંત શેલાર (ઉંમર 4), વિનાયક મનોજ પાધી (ઉંમર 4.5), યશ ક્ષીરસાગર (ઉંમર 13), નિખિલ ખરાત (ઉંમર 27) અને શ્રદ્ધા સાહુ (ઉંમર 14) ઈજાગ્રસ્ત થયા છે.