Sunday, Sep 14, 2025

અયોધ્યામાં નહીં નીકળે ભગવાન રામલલ્લાની શોભાયાત્રા

3 Min Read

અયોધ્યામાં રામ લલ્લાના અભિષેક પહેલાની શોભાયાત્રા મોકૂફ રાખવામાં આવી છે. આ શોભાયાત્રા ૧૭ જાન્યુઆરીએ નીકળવાની હતી. સુરક્ષાના કારણોસર આ નિર્ણય લેવામાં આવ્યો છે. પ્રાણ પ્રતિષ્ઠા સમારોહની તૈયારીઓ સાથે જોડાયેલા લોકોએ જણાવ્યું કે રામ લાલાની નવી મૂર્તિની શોભાયાત્રા હવે સમગ્ર અયોધ્યા શહેરમાં ૧૭ જાન્યુઆરીએ કાઢવામાં આવશે નહીં. સુરક્ષા એજન્સીઓની સલાહ પર મંદિર ટ્રસ્ટે તેને રદ્દ કરી દીધું છે. ૨૨ જાન્યુઆરીના રોજ રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ પહેલાના કાર્યક્રમોના ભાગરૂપે ટ્રસ્ટ તે જ દિવસે રામ જન્મભૂમિ (RJB) સંકુલની અંદર નવી મૂર્તિની મુલાકાતનું આયોજન કરશે. રામ મંદિર ટ્રસ્ટે અભિષેક સમારોહના ભાગરૂપે ૧૬ જાન્યુઆરીથી અયોધ્યામાં સાત દિવસીય વિશેષ અનુષ્ઠાનની જાહેરાત કરી હતી.

ટ્રસ્ટના એક વરિષ્ઠ કાર્યકર્તાએ સુરક્ષા એજન્સીઓ દ્વારા ઊભી કરાયેલી ક્રાઉડ મેનેજમેન્ટ અંગેની ચિંતાઓને ટાંકીને જણાવ્યું હતું કે શહેરમાં શોભાયાત્રાને બદલે ટ્રસ્ટ એ જ દિવસે રામ જન્મભૂમિના પરિસરની અંદર નવી મૂર્તિની યાત્રાનું આયોજન કરશે. કાશીના આચાર્યો અને વરિષ્ઠ વહીવટી અધિકારીઓ સાથેની બેઠક બાદ શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના પદાધિકારીઓએ આ નિર્ણય લીધો હતો. અયોધ્યા જિલ્લા વહીવટીતંત્રના જણાવ્યા અનુસાર, બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી કે રામ લલ્લાની નવી મૂર્તિને શહેરમાં લઈ જવામાં આવશે તો શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ‘દર્શન’ માટે ધસી આવશે જેને કારણે ભીડને નિયંત્રિત કરવી મુશ્કેલ બનશે.

બીજી તરફ રામ મંદિરના શિખર પર લગાવવામાં આવનાર ધ્વજ પોલ અમદાવાદથી સોમવારે અયોધ્યા પહોંચી ગયો છે. આ ધ્વજ ગુજરાતમાં તૈયાર કરવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ તે પિત્તળની ધાતુમાંથી બનાવવામાં આવ્યો છે. તેને બનાવવામાં બે વર્ષ લાગ્યા હતા. તેની લંબાઈ ૪૪ ફૂટ છે. આ ધ્વજ જમીનથી ૨૨૦ ફૂટની ઊંચાઈએ લહેરાશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી ૨૨ જાન્યુઆરીએ ધ્વજ દંડ ખાતે ધાર્મિક ધ્વજ ફરકાવશે.

Share This Article