લોકસભા ચૂંટણી 2024ની તારીખો જાહેર, જોઈ લો તબક્કાવાર આખું શિડ્યૂલ

Share this story

ચૂંટણીપંચ દ્વારા આજે લોકસભા ચૂંટણી-૨૦૨૪ માટેના કાર્યક્રમ જાહેર કર્યો હતો. તે અનુસાર ૧૮મી લોકસભા માટે સાત તબક્કામાં મતદાન યોજાશે. ગુજરાતમાં સાતમી મેએ એક તબક્કામાં મતદાન થશે જ્યારે કેટલાક રાજ્યોમાં બે તબક્કામાં મતદાન થશે. સંવેદનશીલ ગણાતા જમ્મુ-કાશ્મીર સહિત રાજ્યોમાં વધુ તબક્કામાં મતદાન કરાવવાનું ચૂંટણીપંચે નક્કી કર્યું છે.

આ સાથે જ એ પણ સ્પષ્ટ થઈ ગયું છે કે ચૂંટણીના પરિણામો ૪ જૂને જાહેર થશે એટલે કે ત્યારે દેશને ખબર પડી જશે કે દેશમાં એનડીએ સરકાર બનાવશે કે પછી I.N.D.I.A. ગઠબંધન? આ ચૂંટણીની જાહેરાતોમાં સૌથી મહત્ત્વપૂર્ણ એ છે કે ગુજરાતમાં ૭ મેના રોજ લોકતંત્રનો પર્વ યોજાશે. તે દિવસે જ લોકસભાની ૨૬ બેઠકો પર એક જ તબક્કામાં સાથે સાથે રાજ્યની કુલ ૫ વિધાનસભા બેઠકો માટે પેટાચૂંટણી પર મતદાન થશે.

ક્યાં તબક્કામાં કેટલી બેઠકો પર થશે મતદાન

  • પ્રથમ તબક્કામાં ૧૯ એપ્રિલે ૨૧ રાજ્યોની ૧૦૨ બેઠકો પર મતદાન
  • બીજા તબક્કામાં ૨૬મી એપ્રિલે ૧૩ રાજ્યોની ૮૯ બેઠકો પર મતદાન
  • ત્રીજા તબક્કામાં ૭મી મેએ ૧૨ રાજ્યોની ૯૪ બેઠકો પર મતદાન
  • ચોથા તબક્કામાં ૧૩ મેએ ૧૦ રાજ્યોની ૯૬ બેઠકો પર મતદાન
  • પાંચમા તબક્કામાં ૨૦ મેએ ૮ રાજ્યોની ૪૯ બેઠકો પર મતદાન
  • છઠ્ઠા તબક્કામાં ૨૫મી મેએ ૭ રાજ્યોની ૫૭ બેઠકો પર મતદાન
  • સાતમા તબક્કામાં ૧ જૂને ૮ રાજ્યોની ૫૭ સીટો પર મતદાન
  • પરિણામ ૪ જૂને જાહેર કરવામાં આવશે.

ચૂંટણીપંચે મસલ-મની-મિસ ઈન્ફર્મેશન તથા એમસીસી વાયોલેશન જેવા ચાર મુદ્દા ઉપર આ વખતે વિશેષ ધ્યાન કેન્દ્રિત કર્યું છે.  પંચે ઉમેદવારો તેમજ રાજકીય પક્ષોને ચૂંટણી આચારસંહિતાનું પાલન કરવા તેમજ અયોગ્ય ભાષા અને અંગત આક્ષેપોથી બચવા સલાહ આપી છે. પંચે કહ્યું કે, મસલ પાવરનો મુકાબલો કરવા પંચની પૂરી તૈયારી, ૨૪ કલાકની વ્યવસ્થા કરવામાં આવશે. ચૂંટણીપંચે જણાવ્યું કે, મફતની વસ્તુઓ વહેંચવાની પદ્ધતિ રોકવા માટે પંચ દ્વારા વિશેષ પગલાં લેવામાં આવી રહ્યા છે. આ બાબતે તકેદારી રાખવામાં આવશે. ખાસ કરીને બેંકો મારફત થતા વ્યવહાર, ઑનલાઈન ટ્રાન્સફર ઉપર રોજેરોજ ધ્યાન રાખવામાં આવશે. એરપોર્ટ પર પણ ધ્યાન રાખવામાં આવશે. વિશેષ વિમાન કે હેલિકોપ્ટરમાં ઉતરતા સામાનની ચકાસણી કરવામાં આવશે.

સુપ્રીમ કોર્ટે શુક્રવારે ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીનના કામકાજમાં અનિયમિતતાનો આક્ષેપ કરતી અરજી પર વિચાર કરવાનો ઈન્કાર કરી દીધો હતો. જસ્ટિસ સંજીવ ખન્નાની બેન્ચે કહ્યું કે, આ કોર્ટે પહેલાથી જ ઘણી વખત તેની તપાસ કરી છે અને ઈવીએમ સાથે જોડાયેલા ઘણા મુદ્દાઓ પર વિચાર કર્યો છે. બેન્ચે અરજદારને પૂછ્યું કે, અમે કેટલી અરજીઓ પર વિચાર કરીશું? હાલમાં જ અમે VVPAT સંબંધિત અરજી પર વિચાર કર્યો હતો. અમે ધારણાઓ પર ચાલી ન શકીએ. દરેક પદ્ધતિના પોતાના હકારાત્મક અને નકારાત્મક મુદ્દાઓ હોય છે. અમે આર્ટિકલ ૩૨ હેઠળ આના પર વિચાર કરી શકતા નથી. જસ્ટિસ ખન્નાએ કહ્યું કે કોર્ટે ૧૦થી વધુ વખત આ મુદ્દાની તપાસ કરી છે.

આ પણ વાંચો :-