ભારતના પ્રખ્યાત આધ્યાત્મિક ગુરુ અને જુના અખાડાના મહામંડલેશ્વર, પાયલટ બાબાનું 86 વર્ષની વયે નિધન થયું છે. લાંબા સમયથી બીમાર રહેલા પાયલટ બાબાએ દિલ્હીની એપોલો હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. તેમના અંતિમ સંસ્કાર હરિદ્વારમાં કરવામાં આવશે. પાયલટ બાબા, જેનું અસલી નામ કપિલ સિંહ હતું, તે ભારતીય વાયુસેનામાં વિંગ કમાન્ડર હતા અને બે વખત પાકિસ્તાન સાથે લડ્યા હતા. આ પછી, તેમણે સંસાર છોડીને ત્યાગનો માર્ગ અપનાવ્યો અને આધ્યાત્મિક યાત્રા પર નીકળી પડ્યા.
કપિલ સિંહ પાછળથી પાયલોટ બાબા તરીકે ઓળખાવા લાગ્યા. તેમનો જન્મ બિહારના સાસારામમાં થયો હતો. બનારસ હિંદુ યુનિવર્સિટીમાંથી ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં માસ્ટર્સ કર્યા પછી, તેઓ 1957માં ભારતીય વાયુસેનામાં જોડાયા. 1965ના યુદ્ધ દરમિયાન, પાયલોટ બાબાએ પાકિસ્તાની શહેરો પર નીચી ઉંચાઈ પર તેમના Gnat એરક્રાફ્ટ ઉડાવીને ખ્યાતિ મેળવી હતી. જો કે, 1971ના યુદ્ધ દરમિયાન વિનાશક ઘટનાઓએ તેમના જીવનમાં એક વળાંક લાવી દીધો, જેના પગલે તેમણે એરફોર્સ છોડી અને સાત વર્ષ સુધી હિમાલયની યાત્રા કરી, જ્યાં તેમને તેમના ગુરુ મળ્યા.
આધ્યાત્મિકતા તરફ વળ્યા બાદ પાયલટ બાબાનું જીવન એક નવી દિશામાં આગળ વધ્યું. તેમણે 16 વર્ષ સુધી હિમાલયમાં ધ્યાન કર્યું અને ‘અનવેલ્સ મિસ્ટ્રી ઓફ હિમાલય’ અને ‘હિમાલયના રહસ્યો શોધો’ જેવા પુસ્તકોમાં તેમના અનુભવો શેર કર્યા.
પાયલોટ બાબાએ દાવો કર્યો હતો કે તેઓ મહાભારતના બહાદુર યોદ્ધા અશ્વત્થામાને મળ્યા હતા, જે હજુ પણ હિમાલયની તળેટીમાં વસતા આદિવાસીઓમાં રહે છે. આ ઉપરાંત તેમણે મહાવતાર બાબાજી, કૃપાચાર્ય જેવી પ્રાચીન વ્યક્તિઓ સાથે પણ ચર્ચા કરી હતી.
પાયલટ બાબાની સમાધિ સાધનાએ તેમને આધ્યાત્મિક જગતમાં એક ખાસ ઓળખ અપાવી. ગ્વાલિયરના વિજયરાજે સિંધિયાથી સોમનાથ ગિરી નામ મેળવનાર પાયલટ બાબાએ 1976થી અત્યાર સુધીમાં 110થી વધુ વખત સમાધિ લેવાનો દાવો કર્યો છે.
આ પણ વાંચો :-