પાલનપુર બ્રિજદુર્ઘટનામાં જીપીસી ઇન્ફ્રા કંપનીના ૭ ડિરેકટર સહિત ૧૧ સામે સાપરાધ મનુષ્ય વધનો ગુનો નોંધાયો

Share this story

પાલનપુરમાં બ્રિજનો ભાગ તૂટી પડવાની ઘટનામાં બે યુવકોના મોત બાદ ૨૫ કલાક પછી ઇડર નેશનલ હાઇવે પેટા વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર મૃણાલભાઇ દેવેન્દ્રકુમાર વિઠ્ઠલપરાએ જીપીસી ઇન્ફ્રા કંપનીના ૭ ડાયરેકટર અને ૪ એન્જિનિયર સામે સહિત ૧૧ સામે સાપરાધ મનુષ્ય વધનો ગૂનો નોંધાવ્યો હતો. દુર્ઘટના બાદ તંત્ર દ્વારા તપાસનું નાટક શરુ કરી દીધુ હતુ. સાચુ કારણ શોધવા માટે સરકાર દ્વારા ત્રણ ટીમો બનાવવામાં આવી છે.
મંગળવારે સવારે માર્ગ મકાન વિભાગના ક્વોલિટી કંટ્રોલના અધિક્ષક ઇજનેર, ડિઝાઇન સર્કલના અધિક્ષક ઇજનેર તેમજ GERIના અધિક્ષક ઇજનેર સ્ટાફ સાથે ખીલાસરી સહિત તમામ ૬ ગડરના સેમ્પલ લેવા કોર કટીંગ કરીને લેવાયા હતા અને તમામ સેમ્પલ પર નંબર મારી તેમના સ્થળ પરજ ચકાસણી કરવામાં આવી હતી. સાંજે પાલનપુર પૂર્વ પોલીસ દ્વારા પંચનામુ એફએસએલની ટીમને સાથે રાખી કરવામાં આવ્યું હતું.બીજી તરફ ફરિયાદની માંગ સાથે માર્ગ ચક્કાજામ કરાયો હતો પોલીસની ખાત્રી પછી મૃતદેહો સ્વીકાર્યા હતા.જીલ્લા પોલીસવડા અક્ષયરાજ મકવાણાએ કહ્યું કે ગાંધીનગર આર એન્ડ બીની ટેકનીકલ ટીમોની તપાસમાં નીકળનારા શખ્સો સામે પણ ગૂનો નોંધવામાં આવશે.

વર્ષો પૂર્વે જીપીચૌધરી કન્સ્ટ્રક્શન કંપની ચલાવતા અને હાલમાં જીપીસી ઇન્ફ્રા ના ડાયરેક્ટર ગણેશભાઈ ચૌધરીએ દિવ્યભાસ્કર સાથે વાત કરતા જણાવ્યું હતું કે હું આ અનિચ્છનીય ઘટનામાં જીવ ગુમાવનાર પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું. પરિવારની પડખે કાયમી ઉભો રહીશ. બ્રિજ ક્ષતિગ્રસ્તનું નુકસાન અમે અમારા ખર્ચે પૂર્ણ કરીશું. સરકાર દ્વારા તપાસ ચાલુ છે. અમારી સમજ મુજબ અમારા કામમાં કોઈ ક્ષતિ નથી. છતાં સરકાર દ્વારા થઈ રહેલી તપાસમાં અમે સંપૂર્ણ સહકાર આપીશું. લોકો દ્વારા ઓછું સ્ટીલ વાપરવામાં આવ્યું હોવાની તેમજ ગુણવત્તા યોગ્ય રીતે ન જળવાઈ હોવાની ફરિયાદ બાબતે પૂછતા જણાવ્યું હતું કે ગુણવત્તા જાળવી છે સો ટકા સ્ટીલ વાપર્યું છે. સરકાર દ્વારા ૧૨૫ કરોડ જાહેર કરાયા હતા તો ૩૦ કરોડ ઓછા ભાવે ટેન્ડર મેળવીને કરકસર કરી છે કે કેમ તેના જવાબમાં ગણેશભાઈએ જણાવ્યું હતું કે ગુણવત્તા બાબતે કોઈ કચાસ રાખી નથી. બ્રિજના નિર્માણમાં કોઈ કોમ્પ્રોમાઇઝ કર્યું નથી સરકાર તપાસ કરી રહી છે.

આ પણ વાંચો :-