લક્ષદ્વીપ જાય છે તો મણિપુર કેમ નહીં? ખડગેનો પીએમ મોદી પર મોટો પ્રહાર

Share this story

વડા પ્રધાન મોદીની લક્ષદ્વીપ મુલાકાતને લઈને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ વડાપ્રધાન પર નિશાન સાધ્યું છે. હાલમાં પીએમ મોદીની લક્ષદ્વીપ પ્રવાસની તસવીરો વાઈરલ થઈ રહી છે. જેને લઈ ખડગેએ આકારા પ્રહાર કરતાં કહ્યું કે, મોદીજી મણિપુર કેમ નથી જતા, શું તે દેશનો ભાગ નથી, તે લક્ષદ્વીપની મુલાકાત લઈ શકે છે. એકવાર તો મણિપુર જાઓ અને જુઓ ત્યાંની હાલત શું છે.

પીએમ મોદી પર નિશાન સાધતા ખડગેએ કહ્યું, ‘મણિપુરમાં દુર્ભાગ્યપૂર્ણ ઘટનાઓ બની અને બનતી રહી. પણ રાત-દિવસ મોદીજી ક્યારેક દરિયામાં જઈને કે સ્વિમિંગ કરીને ફોટો સેશન કરે છે, ક્યારેક મંદિરોનું કન્સ્ટ્રક્શન થઈ રહ્યું છે, ત્યાં જઈને ફોટા પડાવે છે, ક્યારેક કેરળમાં જઈને ફોટો પડાવે છે તો ક્યારેક બોમ્બે જઈને પડાવી લે છે. તેઓ દરેક જગ્યાએ જાય છે અને નવા કપડા પહેરીને પોતાનો ફોટો પડાવે છે… આ મહાન માણસ મણિપુર કેમ ન ગયા, જ્યાં લોકો મરી રહ્યા છે, જ્યાં મહિલાઓ પર બળાત્કાર થઈ રહ્યો છે, જ્યાં લોકો ઠંડીમાં મરી રહ્યા છે. ત્યાં તેમના ખબર-અંતર પૂછવા નથી જઈ રહ્યા, કેમ નથી જઈ રહ્યા? શું તે દેશનો ભાગ નથી? તમે લક્ષદ્વીપ જાઓ અને પાણીમાં રહો, શું તમે મણિપુર જઈને લોકોને સમજાવી શકતા નથી?

પીએમ મોદી નવી નવી જગ્યાએ જઈને ફોટોશૂટ કરાવે છે પણ તેઓ મણિપુર જઈને લોકોને સમજાવી નથી શકતા. તેમણે કહ્યું કે કોંગ્રેસની યાત્રા જનજાગૃતિ માટે છે. શિયાળુ સત્રમાં સાંસદોને સસ્પેન્ડ કરવા વિશે ખડગેએ કહ્યું કે જે સાંસદો શાંત હતા તેમની સામે પણ કાર્યવાહી કરવામાં આવી. વિપક્ષને તેની વાત રજૂ કરવાની તક પણ ન અપાઈ.

કેન્દ્ર પર નિશાન સાધતા ખડગેએ કહ્યું, ‘જ્યારે અમે સંસદમાં દેશને લગતા મુદ્દા ઉઠાવવાનો પ્રયાસ કર્યો ત્યારે સરકારે અમને બોલવા દીધા ન હતા. દેશના ઈતિહાસમાં આવું પહેલીવાર બન્યું છે, જ્યારે ૧૪૬ સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. એટલા માટે અમે ‘ભારત જોડો ન્યાય યાત્રા’ દ્વારા લોકો વચ્ચે જઈ રહ્યા છીએ જેથી કરીને અમે તેમના મંતવ્યો તેમની સમક્ષ વ્યક્ત કરી શકીએ અને સમાજના દરેક વર્ગને મળીને તેમની વાત સાંભળી શકીએ. આ દરમિયાન તેમણે ‘ભારત જોડો ન્યાય યાત્રા’નો લોગો પણ લોન્ચ કર્યો હતો અને કહ્યું હતું કે ‘ભારત જોડો ન્યાય યાત્રા’ દેશવાસીઓને આર્થિક, સામાજિક અને રાજકીય ન્યાય અપાવવાની દિશામાં એક મજબૂત પગલું છે.

આ પણ વાંચો :-