સાવ ઓચિંતુ મોત કઈ રીતે સ્વીકારી શકાય ? સુરતના સુપ્રસિદ્ધ ક્ષેત્રપાળદાદાના મહંત રાકેશ મહારાજ હવે હરતા ફરતા જોવા નહીં મળે

Share this story

How can sudden death be accepted

  • નખમાંય રોગ નહોતો વળી ઉમર પણ હજુ ૫૧ની હતી અને છતાં સાવ હસતા હસતા અનંતની યાત્રાએ ઉપડી ગયા.
  • કહેવા માટે હૃદયરોગનો હુમલો હતો પરંતુ વાત ઉપર વિશ્વાસ મુકી શકાય તેમ નહોતું, કોરોના બાદ યુવાનોના મૃત્યુની હારમાળામાં એકનો વધારો થયો એવું ચોક્કસ માની શકાય.
  • ટોચના રાજકારણીઓ, સનદી અધિકારીઓ, ઉદ્યોગકારો, વેપારીઓ સહિત કોઈ એવો વર્ગ બાકી નથી કે જે ક્ષેત્રપાળદાદાના મંદિરે દર્શન કરવા આવતો હોય.
  • સુરતના સદીઓ પુરાણા ક્ષેત્રપાળ હનુમાનજી મંદિરની સાતસાત પેઢીથી સેવા પૂજા કરતી આવેલી પેઢીના વંશજ મહંત રાકેશ મહારાજે મંદિરની આસ્થા અને શ્રધ્ધાળુઓના વર્ગમાં ગજબનો વિશ્વાસ પ્રસ્થાપિત કર્યો હતો.

સેંકડો સુરતીઓનું આસ્થાનું કેન્દ્ર અને સૈકાઓથી સુરત શહેરનું રક્ષણ કરતા પૌરાણિક ક્ષેત્રપાળ હનુમાન મંદિરના મહંત રાકેશનાથજીના આકસ્મિક નિધનની ઘટનાએ સુરતીઓને શોકમાં ગરકાવ કરી દીધા હતા. એક સમયે સુરતના છેવાડાના અને ત્યાંથી પસાર થતા પણ ડર લાગે એવા સગરામપુરા-કાદરશાની નાળ વિસ્તારમાં સુરત શહેરનું રક્ષણ કરવા માટે ક્ષેત્રપાળ હનુમાનજી દાદાની સ્થાપના કરવામાં આવી હતી અને સૈકાઓથી સુરતના લોકો ક્ષેત્રપાળ દાદાની માનતા, પૂજા કરતા આવ્યા છે. રોજ સવાર, સાંજ અસંખ્ય લોકો ક્ષેત્રપાળદાદાના મંદિરમા દર્શન કરવા કતારબધ્ધ ઉભેલા જોવા મળે જ અને દરેક શનિવારે અહિંયા દર્શનાર્થીઓની ભીડ ઉમટી આવે છે.

સુરતના લોકોને ક્ષેત્રપાળદાદામાં અખૂટ શ્રધ્ધાં છે અને દાદાનો સંકલ્પ કરવાથી ધારેલા કામો થવા ઉપરાંત જીવનમાં આવતી મુશ્કેલીઓ દૂર થઇ જાય છે. ક્ષેત્રપાળના દર્શનાર્થીઓમા ઉદ્યોગકારો, અધિકારીઓ, વકીલ, સહિત લગભગ દરેક ક્ષેત્રના, વર્ગના લોકો દાદાની પ્રાર્થના કરતા અચુક જોવા મળે છે.

ક્ષેત્રપાળ હનુમાનજી દાદાના મંદિરની ફરતેના વિસ્તારમાં મુસ્લિમ પરિવારોની બહુલ વસ્તી હોવા છતાં ક્યારેય પણ કોમી અશાંતિની એકપણ ઘટના બનવા પામી નથી. બલ્કે મંદિરની અડોશ પડોશમાં રહેતા ખુદ મુસ્લિમ પરિવારો ક્ષેત્રપાળ દાદાનુ મંદિર અને દર્શનાર્થીઓ માટે સુવિધારૂપ બનતા આવ્યા છે.

ખેર, રાકેશનાથજી મહારાજ પણ પરંપરાગત ક્ષેત્રપાળ હનુમાનજી દાદાની સેવા, પૂજા અર્ચના કરતા હતા. રાકેશ મહારાજને કોઈએ ભાગ્યે જ ઉદાસ જોયા હશે. હંમેશા સ્મિત વેરતો ચહેરો અને મંદિરના શ્રધ્ધાળુઓની સુખ, સુવિધા માટે તત્પર રહેતા રાકેશનાથજી સેંકડો લોકોની શ્રધ્ધાનું કેન્દ્ર હતા. નવયુગલોથી શરૂ કરીને મોટી વયના યુગલો પણ ક્ષેત્રપાળ દાદાની સાથે રાકેશનાથજી મહારાજના આશીર્વાદ અચુક મેળવતા હતા.

સાંસારિક જીવનમાં આવતી નાની મોટી મુશ્કેલીઓ વખતે પણ લોકો આશીર્વાદ મેળવવા રાકેશ મહારાજ પાસે પહોંચી જતા હતા. વળી દરેક વ્યક્તિ માટે રાકેશનાથજી એક આત્મિયજન જેવા પુરવાર થતા હતા. શ્રધ્ધાળુઓ માટે હંમેશા તત્પર રાકેશ મહારાજ અનેક લોકોને મંદિરમાં સાથે જઇને ક્ષેત્રપાળદાદાના દર્શન કરાવતા હતા.

રાકેશ મહારાજને લોકોની વચ્ચે બેસવાનું ખૂબ ગમતું હતું. ક્ષેત્રપાળદાદાની સાથે સુરતના ભાતીગળ ઇતિહાસની તેમના મોઢેથી કરેલી વાતો લોકોને સાંભળવી ખૂબ ગમતી હતી. સુરતના રાજકીયક્ષેત્રનો એક પણ વ્યક્તિ, આગેવાન એવો નહી હોય કે જેમણે ક્ષેત્રપાળદાદાના દર્શન કરવા સાથે રાકેશનાથજી મહારાજના આશીર્વાદ મેળવ્યા નહોય જુની અને નવી પેઢીના રાજકીય આગેવાનો અચુક ક્ષેત્રપાળદાદાના દર્શન કરવાનુ ચુકતા નથી.

સદ્‍ગત કાશીરામ રાણા, ફકીર ચૌહાણ, કિશોર વાંકાવાલા, હેમંત ચપટવાલા, પૂર્ણેશ મોદી, નીતિન ભજીયાવાલા સહિત જુની અને નવી પેઢીના આગેવાનો ક્ષેત્રપાળદાદાના દર્શન કરતા આવ્યા છે. રાકેશ મહારાજની કોઇ મોટી ઉ‍ંમર નહોતી. બે દિવસ પહેલા તો મંદિરની ગાદીએ બેસીને શ્રધ્ધાળુઓ સાથે વાતો કરતા હતા. નિત્યક્રમ મુજબ મંદિરના કાર્યક્રમો પણ ચાલી રહ્યા હતા અને અચાનક રાકેશ મહારાજની તબિયતમાં કંઈક ગરબડ લાગતા તેઓ અસ્વસ્થ થઈ ગયા હતા અને તત્કાળ તબીબી તપાસ કરાવવા માટે હોસ્પિટલ લઇ જવાયા હતા. સંપૂર્ણ નિરોગી અને હરતા

ફરતા વ્યક્તિની બીમારી પણ શું હોઈ શકે? કોઈને કલ્પના પણ નહોતી કે રાકેશનાથજી મહારાજ આમ સાવ અચાનક આ દુનિયાને અલવિદા કરીને ચાલ્યા જશે ઘણા લોકો તો તેમને મળવા આવી રહ્યા હતા. ઘણાની સમસ્યાના સમાધાન કરવાના બાકી હતા. ઘણા શ્રધ્ધાળુઓ રાકેશ મહારાજ ક્યારે મળશે એવી પુછપરછ કરી રહ્યા હતા પરંતુ લોકોને ક્યાં ખબર હતી કે રાકેશ મહારાજ હવે ક્યારેય પણ નહીં મળે !

ગત શુક્રવારની મધરાત બાદ લગભગ દોઢ વાગ્યે સાંઈરામ કોમ્પ્યુટરવાળા કમલેશ મેવાવાલાનો મેસેજ આવ્યો ત્યારે વાત માની શકાય એવું નહોતુ કદાચ કમલેશ મેવાવાળાએ ભુલથી મેસેજ કર્યો હશે પરંતુ ત્યારબાદ ઉપરાછાપરી અમંગળ સંદેશાઓનો પ્રવાહ વહેતો થતા રાકેશ મહારાજ અનંતની યાત્રાએ ઉપડી ગયા હોવાનો આઘાત સાથે સ્વીકાર કરવો પડયો હતો.

થોડા દિવસ પહેલા દાંતમાં તકલીફ હોવાની રાકેશ મહારાજ વાત કરતા હતા અને થોડી ટ્રીટમેન્ટ પણ કરાવી હતી પરંતુ દાંતની તકલીફ ચિંતાજનક નહોતી. બધુ હેમખેમ હતું અને આનંદ હોસ્પિટલની પથારીમાં બેઠા બેઠા પરિવારના સભ્યો, મિત્રો સાથે વાતો કરી રહ્યા હતા. વળી રાકેશ મહારાજની સારવાર કરનાર ડો. અમર વખારિયા, ડો. આનંદ સહિત હોસ્પિ.નો સ્ટાફ પણ ક્ષેત્રપાળ દાદાના શ્રધ્ધાળુઓ અને રાકેશ મહારાજના સેવક હતા.

પરંતુ શુક્રવારની રાત અપશુકનિયાળ નીવડી હતી. રાકેશ મહારાજ હોસ્પિટલમાં જ હતા અને અચાનક તેમના શરીરમા ગેસની સમસ્યા ઉભી થવા પામી હતી રાત્રિના લગભગ સાડા અગિયાર વાગ્યા હતા. શરીરમાં ગેસ સિવાય કોઇ ફરિયાદ નહોતી તબીબો પણ કહી રહ્યા હતા કે ચિંતા કરવા જેવું કઈ જ નથી. પરંતુ  જાણે રાકેશ મહારાજ આ દુનિયા છોડવાની તૈયારી કરી ચૂક્યા હતા.

IMG-20230603-WA0078

શરીરમાં બીમારીના કોઈ જ લક્ષણ નહોતા. તેમ છતા રાત્રિના મધરાત બાદ રાકેશ મહારાજનું શરીર સાવ ઠંડુ પડી ગયું હતું તબીબોના લાખ પ્રયત્નો કરવા છતાં રાકેશ મહારાજ ફરી બેઠા થયા નહોતા અને સાવ હસતા હસતા અને વાતો કરતા કરતા અનંતની યાત્રાએ ઉપડી ગયા હતા. પરિવારના સભ્યો ડોકટર્સ, હોસ્પિટલનો સ્ટાફ અને સેવક સમુદાય મિત્રોની નજર સામે રાકેશ મહારાજે આંખો બંધ કરી લીધી હતી.

રાકેશ મહારાજના મોટાભાઈ દિનેશ મહારાજના કહેવા મુજબ રાકેશ મહારાજની ઉપર માત્ર ૫૧ વર્ષની હતી. તેમની સાતમી પેઢી એટલે કે તેમના પિતા ઈશ્વરલાલ અધ્વર્યુ અને તેમના પિતા અને દાદા પરદાદા લગભગ સાત પેઢીથી ક્ષેત્રપાળ હનુમાનજી મહારાજની સેવા પૂજા કરતા આવ્યા છે. રાકેશ મહારાજનો પુત્ર મિત પણ ક્ષેત્રપાળ દાદાની સેવા પૂજા કરે છે.

રાકેશ મહારાજનો એક પુત્ર હેત હાલમાં અમેરિકામાં છે. જે સુરત આવવા માટે નીકળી ગયો છે. દિનેશ મહારાજના કહેવા મુજબ તેમના પિતા ઇશ્વરભાઈ અધ્વર્યુ બાદ મોટાભાઈ શૈલેષ મહારાજ પણ મંદિરની સેવાપૂજા કરતા હતા. લગભગ ૨૦૧૬ના વર્ષમાં શૈલેષ મહારાજ ન્યુઝીલેન્ડ ખાતે રહેતી પુત્રીને ત્યાં ફરવા ગયા હતા અને પ્રવાસ દરમિયાન હાર્ટએટેક આવતા ન્યુઝીલેન્ડ ખાતે જ તેમનુ આકસ્મિક નિધન થયું હતું. જ્યારે એક ભાઈ ઉમેશ મહારાજ પરિવાર સાથે વિદેશમાં સ્થાયી થઇ ગયા છે.

હાલમાં દિનેશ મહારાજ અને રાકેશ મહારાજ બન્ને ભાઈઓ ક્ષેત્રપાળદાદાની સેવાપૂજા કરતા હતા. પરંતુ નાનો ભાઈ રાકેશ મહારાજ અચાનક અનંતની યાત્રાએ ઉપડી જતા હવે દિનેશ મહારાજ એકલા પડી ગયા છે. અલબત્ત રાકેશ મહારાજનો પુત્ર મિત સેવાપૂજા કરવામા નિપૂર્ણ અને વેદશાસ્ત્રમાં પણ નિપૂણ હોવાથી હવે દિનેશ મહારાજની સાથે મિત મંદિરની સેવાપૂજાની જવાબદારી સંભાળી લેશે.

દરમિયાન દિનેશ મહારાજ (ઉ.વ.૬૨)ના જણાવ્યા મુજબ સદ્‍ગત રાકેશ મહારાજના અંતિમ સંસ્કાર સોમવાર તા. ૦૫/૦૬/૨૦૨૩ના રોજ સવારે ૧૧.૦૦ કલાકે રામનાથ ઘેલા ઉમરા સ્મશાનઘાટ ખાતે કરવામાં આવશે. સદ્‍ગતના અંતિમ દર્શન તેમના નિવાસ સ્થાન ભટાર રોડ, સંતતુકારામ સોસાયટી, બંગલા નં. ૮૭ ખાતે રાખવામાં આવ્યા છે.