તેલંગાણા અને આંધ્રપ્રદેશમાં મુશળધાર વરસાદ ને કારણે અત્યાર સુધીમાં 31 લોકોના મોત થયા છે. આ ઉપરાંત રોડ અને રેલવે ટ્રેક જેવા વાહનવ્યવહારના સાધનોને પણ નુકસાન થયું છે. હજારો એકર ખેતીની જમીન પાણીમાં ડૂબી ગઈ છે અને બચાવ કામગીરી માટે એજન્સીઓને તૈનાત કરવામાં આવી છે. તેલુગુભાષી બંને રાજ્યો સોમવારે વરસાદથી પ્રભાવિત થયા હતા.
વરસાદ સંબંધિત ઘટનાઓમાં તેલંગાણામાં 16 અને પડોશી આંધ્ર પ્રદેશમાં 15 લોકોના મોત થયા છે. તેલંગાણામાં સમુદ્રમ પાસે રેલ્વે ટ્રેક નીચે કાંકરીનો એક ભાગ પૂરના પાણીને કારણે ધોવાઈ ગયો હતો. આંધ્રપ્રદેશમાં લગભગ 4.5 લાખ લોકો પ્રભાવિત થયા છે. વિજયવાડામાં લોકોને દૂધ સહિતની આવશ્યક ચીજવસ્તુઓ મેળવવા માટે ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
સૌથી વધુ અસરગ્રસ્ત જિલ્લાઓમાં NTR,ગુંટુર, કૃષ્ણા, એલુરુ, પલાનાડુ, બાપટલા અને પ્રકાશમનો સમાવેશ થાય છે. ત્યારે બચાવ કામગીરી માટે SDRFની 20 ટીમો અને NDRFની 19 ટીમો રાહત અને બચાવ કાર્યમાં લાગેલી છે. છેલ્લા ત્રણ દિવસથી મુશળધાર વરસાદ અને ઘણા ભાગોમાં 24 કલાકથી વધુ સમય માટે વીજ કાપને કારણે, વિજયવાડામાં જનજીવન સંપૂર્ણપણે ઠપ થઈ ગયું છે. પૂરના કારણે ઈન્ટરનેટ અને મોબાઈલ ટેલિફોન સેવાઓ ખોરવાઈ ગઈ છે. હૈદરાબાદની કનેક્ટિવિટી પ્રભાવિત થઈ હતી.
આ સિવાય તેલંગાણામાં વરસાદના કારણે મોતનો આંકડો 16 પહોંચી ગયો છે. રાજ્ય સરકારે સોમવારે શરૂઆતમાં 5,000 કરોડ રૂપિયાના નુકસાનનો અંદાજ મૂક્યો હતો. રાજ્ય સરકારે રૂ. 2,000 કરોડની તાત્કાલિક કેન્દ્રીય સહાયની માંગ કરી હતી. મુખ્યમંત્રી એ. રેવન્ત રેડ્ડીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેવા અને પૂરને રાષ્ટ્રીય આફત જાહેર કરવાની અપીલ કરી. તેમણે વરસાદ સંબંધિત ઘટનાઓમાં માર્યા ગયેલા લોકોના પરિવારને 5 લાખ રૂપિયાની એક્સ-ગ્રેશિયા રકમની પણ જાહેરાત કરી હતી. મુખ્યમંત્રીએ વરસાદથી પ્રભાવિત વિસ્તારોના પ્રવાસના ભાગરૂપે સૂર્યપેટમાં મંત્રીઓ અને અધિકારીઓ સાથે બેઠક યોજી હતી.
આ પણ વાંચો :-