દક્ષિણ ગુજરાતના સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં ગઈ કાલે બે કલાકમાં સાંબેલાધાર 6 ઇંચ સાથે કુલ દસ ઇંચથી વધુ વરસાદ ખાબક્યો હતો. મેઘરાજા મન મૂકીને વરસતાં સ્થાનિક રહીશોની હાલત કફોડી થઈ ગઈ હતી અને જનજીવન ભારે પ્રભાવિત થયું હતું.
ગુજરાતમાં ગઈ કાલે સાંજે છ વાગ્યા સુધીમાં 88 તાલુકામાં હળવોથી ભારે વરસાદ પડ્યો હતો, જેમાં ૧૪ તાલુકામાં એક ઇંચથી દસ ઇંચ કરતાં વધુ વરસાદ પડ્યો હતો. મુશળધાર વરસાદને પગલે ઉમરપાડા તાલુકો લથબથ થયો હતો. તાલુકામાંથી વહેતી મોહન નદી, મહુવન અને વીરા નદીમાં પાણી આવતાં અનેક લો-લેવલ બ્રિજ પરથી ધસમસતાં પાણી વહેતાં થયાં હતાં. બ્રિજ પરથી તેમ જ અનેક માર્ગો પર નદીનાં પાણી ફરી વળતાં સલામતી માટે રસ્તાઓ બંધ કરાયા હતા અને કેટલાક લો-લેવલ બ્રિજ પાસે જવાનો તહેનાત કરાયા હતા.
ઉમરપાડામાં ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. રસ્તા પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. ઉમરગોટથી સેલમ્બાના લો લેવલ કોઝ વે પર પાણી ફરી વળતાં વાહન વ્યવહાર બંધ થયો છે. રસ્તા બ્લોક થતાં જનજીવન પર માઠી અસર થઇ છે. ઉમરપાડાની વીરા નદીમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઇ છે. મહુંવન અને વીરા નદીમાં પાણીની ભરપૂર આવક થતાં ચારણી ગામના લો લેવલ બ્રિજ પણ પાણીમાં ગરકાવ થઇ ગયો છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, નર્મદામાં ભારે વરસાદ પડી શકે છે. આ ઉપરાંત કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, ખેડા, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડમાં હળવોથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે. 11મી સપ્ટેબરે દાહોદ, પંચમહાલ, વડોદરા અને છોટા ઉદેપુરમાં છુટાછવાયો વરસાદ પડી શકે છે.
આ પણ વાંચો :-