ગત વિધાનસભાની ચૂંટણી પૂર્વે ભાજપે ખડકી ખુલ્લી મુકી હોત તો ગુજરાતમાં ‘આપ’નો ઉદય જ થયો નહોત

Share this story
  • ગત વિધાનસભાની ચૂંટણી પૂર્વે ભાજપે ખડકી ખુલ્લી મુકી હોત તો ગુજરાતમાં ‘આપ’નો ઉદય જ થયો નહોત
  • નેતાગીરીએ નિર્ણય કર્યો હતો જ પરંતુ કોઈક કારણોસર અમલ કરવામાં વિલંબ થયો હતો
  • ભાજપનાં જ અસંતુષ્ટોએ આનંદીબેનની સરકાર ઉથલાવી હતી, પરંતુ અસંતુષ્ટો સત્તાના સર્વોચ્ચ સિંહાસન સુધી પહોંચી શક્યા નહોતા
  • વિજય રૂપાણીની સરકારનું પણ રાતોરાત વિસર્જન કરવાની ઘટના બાદ ભાજપ નેતાગીરીએ અનેક સમીકરણો બદલી નાંખીને કોઈએ કલ્પના પણ કરી નહીં હોય એ રીતે ભૂપેન્દ્ર પટેલની સરકાર બનાવી દીધી હતી
  • પરંતુ ભૂપેન્દ્ર પટેલની બીજી ટર્મની ચૂંટણી વખતે ‘આપ’ જેવા લોકોને ભાજપમાં સમાવી લેવા સામે દાખવેલી ઉદાસીનતાને પગલે વિધાનસભામાં ‘આપ’નો ઉદય થયો હતો અને ‘આપ’ને સુરત મનપાની ચૂંટણી વખતે ભાજપનાં જ અસંતુષ્ટોએ જ ઉત્તેજન આપ્યું હતું

ગુજરાતમાં ભાજપની સત્તાનો ઝળહળતો દોર અને કોંગ્રેસને સતત મળી રહેલી હારને પગલે રાજકીય જીવોએ ભાજપનાં પ્રવાહમાં ભળી જવાની હામ ભીડી છે. ભાજપે પણ ગુજરાતને કોંગ્રેસ અને ‘આપ’ મુક્ત કરવાનું બીડુ ઝડપ્યું હોય એ રીતે રોજેરોજ કોંગ્રેસ-આપના નેતાઓ કાર્યકરોને કેસરિયા કરાવી રહ્યાં છે. થોડા દિવસ પહેલા કોંગ્રેસનાં પૂર્વ કેન્દ્રિય કેબિનેટ મંત્રી નારણ રાઠવાએ ભાજપનાં કેસરિયા કર્યા બાદ કોંગ્રેસનાં હજુ ઘણાં નેતાઓ ભાજપનાં દરવાજે ઉભા રહ્યાં હોવાનાં ઈશારા મળી રહ્યાં છે.

સૌરાષ્ટ્ર પથંકમાં રાજુલા વિસ્તારનાં કોળી સમાજનાં મજબૂત આગેવાન અને કોંગ્રેસનાં પૂર્વ ધારાસભ્ય અમરીશ ડેરને પણ ભાજપમાં સમાવી લેવા ભાજપે ઘણાં લાંબા સમયથી રેડ કાર્પેટ પાથરી દીધી છે, પરંતુ અમરીશ ડેર હજુ મન બનાવી શક્યા નથી. એવું માનવામાં આવી રહ્યું છે કે, ભાજપમાં જોડાતા પહેલા અમરીશ ડેરની કેટલીક ચોક્કસ શરતો છે, પરંતુ ભાજપ શરતી પ્રવેશ આપવા ઈચ્છતો નથી પરંતુ રાજુલા પથંકમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્રનાં ભાવનગર-અમરેલી જિલ્લાના કાંઠા વિસ્તારનાં લોકોમાં અમરીશ ડેરનું વર્ચસ્વ જોતા ભાજપ ચોક્કસ અમરીશ ડેર માટે પ્રયાસો કરશે. જોકે, ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલ ઘણાં લાંબા સમય પહેલા અમરીશ ડેરને ભાજપમાં ભળી જવા માટે આમંત્રણ આપી ચૂક્યા છે.

દરમિયાન આજે સુરતનાં કોંગ્રેસનાં ભૂતપૂર્વ કોર્પોરેટર અને તળ સુરતનાં લાલદરવાજા વિસ્તારમાં સામાજિક વર્ચસ્વ ધરાવતા ભરત ગોંસાઈ અને કોંગ્રેસનાં ખટોદરા વોર્ડનાં કોંગ્રેસનાં પૂર્વ કોર્પોરેટર કપિલા પટેલ સહિત સાથી કાર્યકરો, સમર્થકો સાથે ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલનાં હસ્તે કેસરિયા કરી લીધા હતા. થોડા દિવસ પહેલા જ સુરતનાં કોંગ્રેસનાં મજબૂત આગેવાન સુનિલ પટેલને પણ પુત્ર નિકેત સાથે ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલ ભાજપમાં ખેંચી ગયા હતા. સુરતને લાગેવળગે છે ત્યાં સુધી સુરત શહેર કોંગ્રેસમાં હવે કોઈ મજબૂત આગેવાન રહ્યો નથી. થોડા ઘણાં નામ જાણિતા છે, પરંતુ આ એવા લોકો છે કે જેનું સામાજિક કોઈ વર્ચસ્વ નથી કે રાજકીય ત્રેવડ નથી.

ખરેખર તો ગુજરાતમાં મહાપાલિકા, પંચાયતો અને વિધાનસભાની ચૂંટણીનાં પરિમાણો પછી જ તત્કાળ ભાજપની નેતાગીરીએ કોંગ્રેસ અને ‘આપ’નાં ખમતીધર નેતાઓ, કાર્યકરોને ભાજપમાં સમાવી લેવાનો નિર્ણય કર્યો હતો, પરંતુ કોઈક કારણોસર લેવાયેલા નિર્ણયનો અમલ કરવામાં વિલંબ થયો હતો અન્યથા ગુજરાત વિધાનસભા સહિત કોઈ ખૂંણામાં ‘આપ’નો ઉદય જ થયો ન હોત. અલબત્ત ગુજરાતમાં ભાજપની સ્થિતિ ‘પથ્થરની લકીર’ જેવી છે તેમ છતાં રાજકારણમાં કોઈને નબળા સમજવાનું કે સત્તાનો નશો કરવાનું ભારે પડી શકે. હવે મોડે મોડે પણ ભાજપ નેતાગીરીએ કરેલા નિર્ણયનો અમલ કરવાથી આગામી દાયકાઓ સુધી ગુજરાતમાં મજબૂત વિપક્ષ બેઠો થવાની કોઈ જ શક્યતા નથી અને દાયકાઓ બાદ ઘણાં પાણી વહી ગયા હશે. રાજકીય તથા સામાજિક સમીકરણો પણ બદલાઈ ગયા હશે.

આગામી લોકસભાની ચૂંટણીમાં ગુજરાતની તમામ ૨૬ બેઠકો જીતવાનું ભાજપ માટે ચપટી વગાડવા જેટલુ આસાન છે. કારણ સામે પક્ષે કોઈ રાજકીય હરીફ જ નહીં હોવાથી મેદાન સાફ છે. ઉપરાંત ભાજપનાં અસંતુષ્ટો હશે તો પણ સામે પડવાની હિંમત કરી શકે એવી સ્થિતિ નથી. ટિકિટ કપાવાથી કે પક્ષમાં સ્થાન નહીં મળવાથી ભાજપમાં પણ ઘણાં આગેવાનોનાં મન ‘ખાટા’ થઈ ગયા હશે જ. પરંતુ વિજય રૂપાણીની સરકારનું પતન અને ભૂપેન્દ્ર પટેલની સરકારની રચના બાદ કેન્દ્રીય નેતાગીરીએ ગુજરાતમાં ઘણાં સમીકરણો બદલી નાંખ્યા છે. મતલબ હવે કોઈ ચોક્કસ વર્ગ ભાજપ નેતાગીરીનું નાક દબાવી શકે એવી સ્થિતિમાં રહ્યો નથી અને પક્ષની દિવાલ કુદી શકે એવી પણ સ્થિતિ નથી.

આવી સ્થિતિમાં પક્ષના ખૂંણામાં બેસીને પણ સત્તામાં હોવાની ઓળખ જાળવી રાખવાનું વધારે ઉચિત ગણાશે. રાજ્યનાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ઉત્તમ ઉદાહરણ ગણી શકાય. કેશુબાપાની સરકાર વખતે એક ચોક્કસ વર્ગ હાવી થઈ ગયો હતો, પરંતુ નરેન્દ્ર મોદીએ તેમના ગુજરાતનાં કાર્યકાળ દરમિયાન સામાજિક સહિત અનેક સમીકરણો બદલી નાંખ્યા હતા. ભાજપનાં પોતીકા પક્ષનાં લોકોની પાછલા બારણે નેતાગીરી હેઠળ નરેન્દ્ર મોદીનાં અનુગામી આનંદીબેન પટેલને શાંતિથી સરકાર ચલાવવા દીધી નહોતી. હાર્દિકની આગેવાની હેઠળનાં આંદોલન પાછળ કોનો હાથ હતો એ કહેવાની જરૂર નથી. પરંતુ આનંદીબેનને ઉથલાવ્યા પછી પણ સત્તા માટે તડપતા લોકો સત્તાનાં મુખ્ય‌ સિંહાસન સુધી પહોંચી શક્યા નહોતા અને અપેક્ષા બહાર વિજય રૂપાણીની સરકારની રચના કરવામાં આવી હતી, પરંતુ વિજય રૂપાણીની સરકારમાં પણ સર્વોપરી સત્તા ભોગવવા ઈચ્છતા લોકોએ શાંતિથી સરકાર ચાલવા દીધી નહોતી અને આશ્ચર્યજનક એક ખૂંણામાં બેઠેલા અને દાદા ભગવાનનું ભજન કરી રહેલા ભૂપેન્દ્ર પટેલ ઉપર કળશ ઢોળવામાં આવ્યો હતો.

આ દરમિયાન ભાજપમાં ઘણા માપદંડ બદલાયા હતા. ભૂપેન્દ્ર પટેલે હેમખેમ પ્રથમ ટર્મ પુરી કર્યા બાદ ફરી વખત ૧૫૬ બેઠકોનાં વિજય સાથે ટનાટન સરકાર ચલાવી રહ્યાં છે. અલબત્ત ભૂપેન્દ્ર પટેલ મુક્ત મનથી સરકાર ચલાવી રહ્યાં છે એવો દાવો કરી શકાય તેમ નથી, પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલનું ભૂપેન્દ્ર પટેલને સજ્જડ સમર્થન હોવાથી ગુજરાતમાં ભાજપ સરકાર વિકાસનાં અઢળક કામો કરી રહી છે અને ગુજરાતનાં એક ખૂંણામાં પણ ભૂપેન્દ્ર પટેલની સરકાર સામે નારાજગીનો સૂર સાંભળવા મળતો નથી.

બલ્કે ગત વિધાનસભાની ચૂંટણીઓ પૂર્વે વિપક્ષમાં રહેલા મજબૂત લોકો માટે ભાજપે દરવાજા ખુલ્લા મુકી દીધા હોત તો આમ આદમી પાર્ટીનાં એકપણ ધારાસભ્યનો ઉદય થયો ન હોત અને કેજરીવાલે ગુજરાતમાં પગ મુકવાની હિંમત પણ કરી નહોત અને સુરતમાં ઉભા રહીને ‘છઠ્ઠીનું ધાવણ’ યાદ કરાવી દેવાની ચેષ્ટા પણ કરી નહોત.

ખેર, હજુ પણ મોડું થયુ નથી. ભાજપ નેતાગીરીએ કોંગ્રેસ અને આપ સહિતનાં વિપક્ષી સભ્યો, આગેવાનો, કાર્યકરોને ભાજપમાં સમાવી લેવાની દાખવેલી ઉદાર દિલી આખરે ગુજરાત ભાજપની નેતાગીરીને લોકસભાનું ઝળહળતુ પરિણામ આપવા સાથે દેશભરમાં ગૌરવ અપાવશે.

આ પણ વાંચો :-