‘ગુજરાત ગાર્ડિયન’ પરિવારે વધુ એક હોનહાર સભ્ય ગુમાવ્યો, નવસારીના પત્રકાર ધનેશ પારેખનું નિધન

Share this story
  • કેનેડા ખાતે રહેતાં પુત્રી અને પુત્રને મળીને પરત આવી રહેલા ધનેશ પારેખ નવસારીના ઝાંપે આવીને ઢળી પડયા.
  • કેનેડામાં પુત્રી પૂજા અને પુત્ર રાધેશ પપ્પા-મમ્મીનો પહોંચી ગયાનો ફોન આવવાની રાહ જોઈને બેઠાં હતાં, ફોન આવ્યો. પરંતુ ફોન કમનસીબ સમાચાર લઈને આવ્યો હતો.
  • રવિવારની વહેલી સવારે મુંબઈ એરપોર્ટ ઉપર ઊતરીને ધનેશ પારેખ અને પત્ની પ્રીતિબેન બંને નવસારી આવવા નીકળ્યાં હતાં. પરંતુ નવસારી પહોંચે ત્યાર પહેલા જ જીવલેણ હાર્ટએટેક આવ્યો અને ધનેશ પારેખ ઢળી પડયા.
  • મંગળવારે પુત્રી પૂજા અને પુત્ર રાધેશનાં આવ્યા બાદ સદ્‍ગતનાં પાર્થિવ શરીરનાં અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

ગુજરાત ગાર્ડિયન’ના નવસારી ખાતેના વરિષ્‍ઠ પત્રકાર અને અત્યંત સંવેદનશીલ વ્યક્તિત્વ ધનેશ પારેખનું આજે રવિવારની વહેલી સવારે આકસ્મિક અવસાન થયું હતું.

ધનેશ પારેખ અને પત્ની પ્રીતિબેન પારેખ કેનેડા ખાતેથી પરત આવી રહ્યાં હતાં તથા ચીખલી નજીક ધનેશ પારેખને અચાનક હાર્ટએટેક આવતા ચીખલી ખાતેની સ્પંદન હોસ્પિટલમાં દાખલ કરાયા હતા, પરંતુ લાંબી સારવાર મળે ત્યાર પહેલાં જ ધનેશ પારેખનું નિધન થઈ ચૂક્યું હતું.

ધનેશ પારેખ અને પત્ની પ્રીતિ પારેખ લગભગ બે માસ પહેલાં કેનેડા ખાતે રહેતી પુત્રી પૂજા અને પુત્ર રાધેશને મળવા માટે ગયાં હતાં તથા બંને સંતાનો સાથે લગભગ બે માસ જેટલો સમય પસાર કર્યા બાદ વતન નવસારી આવવા રવાના થયાં હતાં. કેનેડાથી રવાના થયાં ત્યારે પારેખ દંપતી અને બંને સંતાનો પણ ખુશ હતા અને સંતાનો સાથે લાંબો સમય વિતાવ્યાનાં સંતોષ સાથે છૂટા પડયા હતાં.

દરમિયાન રવિવારની વહેલી સવારે મુંબઈ એરપોર્ટ ઉપર ઉતરાણ કર્યા બાદ ધનેશ પારેખ અને પત્ની પ્રીતિ પારેખ સંપૂર્ણ આત્મસંતોષ સાથે નવસારી તરફ આવી રહ્યાં હતાં અને હાઈ-વે ઉપર ચીખલી નજીક પહોંચ્યાં હતાં. મતલબ કે નવસારીના દરવાજે આવી ગયાં હતાં. પરંતુ ઘરના દરવાજામાં પગ મૂકવાનું તેમના નસીબમાં નહોતું અને ચીખલી નજીકથી પસાર થઈ રહ્યાં હતાં ત્યારે અચાનક હાર્ટએટેક આવતાં તેમને તાબડતોબ ચીખલી ખાતેની હોસ્પિ.માં ખસેડવામાં આવ્યાં હતાં. પરંતુ તેઓ વધુ સમય શ્વાસ લઈ શક્યા નહોતા અને ઘરના દરવાજે પહોંચી ગયાના સંતોષ સાથે ધનેશ પારેખે કાયમ માટે આંખો મીંચી લીધી હતી.

બીલીમોરાથી ચંદ્રકાંત સોલંકી, અમલસાડથી અશોક પટેલ સહિત અન્ય ચિરપરિચિત લોકો ચીખલી દોડી આવ્યા હતા તથા સદ્‍ગત ધનેશ પારેખના મૃતદેહને નવસારી ખાતે ખસેડવામાં આવ્યો હતો.

સદાય હસતો અને નિખાલસ માણસ આ રીતે આમ અચાનક અનંતની યાત્રાએ ઊપડી જશે એવી કોઈએ કલ્પના પણ ક્યાંથી કરી હોય !

અરે ! પપ્પાની ખૂબ જ લાડકી પુત્રી પૂજા અને પુત્ર રાધેશ પપ્પા-મમ્મી ઘરે નવસારી હેમખેમ પહોંચી ગયાનાં ફોન આવવાની કેનેડામા રાહ જોઈ રહ્યાં હતાં. પરંતુ પપ્પા હવે આ દુનિયામાં રહ્યાં નથી એવો મેસેજ, ફોન સાંભળીને બંને સંતાનોની હાલત કેવી થઈ હશે એની કલ્પના કરવાનું શક્ય નથી. બે દિવસ પહેલાં તો બંને સંતાનો પપ્પા અને મમ્મીને ભેટી-ભેટીને આવજો આવજો કરી રહ્યાં હતા અને વિખૂટા પડવાના દુઃખથી ચારેયની આંખોમાં આંસુ વહેતાં હતાં ત્યારે ક્યાં કોઈને કલ્પના હતી કે, પપ્પાની વિદાય અંતિમ વિદાય હશે.

ધનેશ પારેખ નખ‌િશખ પત્રકાર હતા. દાયકાઓથી અખબારો અને પત્રકારત્વ સાથે સંકળાયેલા ધનેશ પારેખનો નવસારી અને દક્ષિણ ગુજરાતના સામાજિક, રાજકીય જીવનમાં દબદબો હતો. જૂની અને નવી બંને પેઢીનાં લોકો સાથે તેમનો નાતો રહ્યો હતો. રાજકીય આગેવાન હોય કે સામાજિક આગેવાન હોય કે સહકારી, વેપારી અગ્રણી હોય લગભગ દરેક ક્ષેત્રે ધનેશ પારેખનું આદરપાત્ર સ્થાન હતું. નવસારી સહિત દક્ષિણ ગુજરાતનાં પત્રકાર જગતમાં પણ ધનેશ પારેખ આદરપાત્ર હતા.

IMG-20230827-WA0024

ધનેશ પારેખ મધ્યમવર્ગી પરિવારમાંથી આવતા હતા અને હજુ તો તેમણે જિંદગીનાં છ દાયકા એટલે કે ૬૦ વર્ષ પૂરા કર્યાં હતાં. સતત જીવંત અને બૂમ પાડો એટલે દોડી જનારા ધનેશ પારેખ અને પત્ની પ્રીતિબેન સાથે થોડા દિવસો પહેલાં સુરત ‘ગુજરાત ગાર્ડિયન’ કાર્યાલયમાં આવ્યાં હતાં તથા બંને કેનેડા જઈ રહ્યાં હોવાની ઉત્સાહ સાથે વાત કરી હતી. બંને પતિ-પત્ની સંતાનોને મળવા માટે કેનેડા જઈ રહ્યાં હોવાથી સ્વભાવિક ઉત્સાહમાં હતા અને કેનેડાની ફ્લાઈટમાં બેઠા ત્યારે પણ છેલ્લે-છેલ્લે વાત કરી હતી ત્યારે તેમના અવાજમાં રણકાર હતો અને પરત આવવાના હતા ત્યારે પણ સતત સંપર્કમાં હતા. પરંતુ તેમનો ‘ગુજરાત ગાર્ડિયન’ સાથેનો જીવંત સંપર્ક રવિવારની કમનસીબ વહેલી સવારે અચાનક કપાઈ ગયો હતો અને ધનેશ પારેખ હેમખેમ ઘરે પહોંચી ગયાનો સંદેશો સાંભળવાને બદલે ધનેશ પારેખના મૃત્યુના સમાચાર સાંભળીને ભારે આઘાતનો અનુભવ થયો હતો.

ઘડીભર માટે મન માનવા તૈયાર નહોતું, પરંતુ ચીખલીની સ્પંદન હોસ્પિ.માં હાજર ચંદ્રકાંત સોલંકીએ ઘટના સાચી હોવાનું કહેતા ‘ગુજરાત ગાર્ડિયન’ પરિવારે વધુ એક હોનહાર, પ્રામાણિક અને વફાદાર સાથી ગુમાવ્યાની લાગણી અનુભવી હતી.

ધનેશ પારેખનાં ધર્મપત્ની પ્રીતિ પારેખ અને સંતાનોની માનસિક સ્થિતિની પણ કલ્પના કરી શકાતી હતી. છાતી ઉપર પથ્થર મૂકીને બંને સંતાનોને ઉજ્જવળ ભવિષ્ય માટે કેનેડા મોકલ્યા પછી આખા ઘરમાં માત્ર પતિ-પત્ની જ એકબીજાનો સહારો હતાં. પત્ની પ્રીતિબેન ધનેશભાઇ માટે પડછાયો હતા. ધનેશ પારેખની નાદુરસ્ત તબિયતને કારણે પ્રીતિબેન એક મિનિટ પણ ધનેશ પારેખને રેઢા મૂકતાં નહોતાં અને અચાનક ધનેશ પારેખ પત્ની પ્રીતિને વિલાપ કરતી મૂકીને અનંતની યાત્રાએ ઊપડી ગયા હતા ! કહી શકાય કે, કુદરતે પણ પ્રીતિ પારેખ સાથે ધરાર અન્યાય કર્યો.

દરમિયાન પુત્રી પૂજા અને પુત્ર રાધેશ કેનેડાથી નવસારી આવવા રવાના થઈ ગયાં હતાં અને સંભવતઃ સોમવારે રાત્રે અથવા તો મંગળવારની વહેલી સવારે પહોંચવાની શક્યતા છે તથા પૂજા અને રાધેશનાં આવ્યા બાદ મંગળવારે સવારે સદ્‍ગત ધનેશ પારેખનાં અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

આ પણ વાંચો :-