અઢી વર્ષનાં મેયરપદેથી વિદાય પ્રસંગે મેયર હેમાલી બોઘાવાલાની ભાવુકતા વાજબી પરંતુ સુરતીઓ નેતાગીરી કરી શક્યા નથી

Share this story
  • કાશીરામ રાણા વર્ષો સુધી કેન્દ્ર સરકારમાં મંત્રીપદે હતા, ગુજરાત ભાજપનાં સુપ્રીમો કહેવાતા હતા પરંતુ પ્રભાવક નેતૃત્વ કરી શક્યા નહીં, ફકીર ચૌહાણ પણ માસ્તર પુરવાર થયા હતા.
  •  પ્રવીણ નાયક, નીતિન ભજીયાવાળા, અજય ચોક્સી સમયની રેતમાં ભુલાઈ ગયા, પૂર્ણેશ મોદી અને અરવિંદ રાણા ધારાસભ્ય છે, પરંતુ પક્ષમાં કેટલું મહત્ત્વ, દર્શના જરદોશ ત્રણ ત્રણ ટર્મથી સાંસદ અને કેન્દ્રિય મંત્રી પણ બન્યા પરંતુ નેતાગીરી કેટલી કરી શક્યા?
  • બધાની વચ્ચે હર્ષ સંઘવી ભાજપમાં અને સરકારમાં પોતાનું કદ, મહત્ત્વ વધારવામાં સફળ ખેલાડી પુરવાર થયા, કદાચ આવનારા વર્ષોમાં હર્ષ સંઘવી રાજ્ય અને કેન્દ્રમાં નિર્ણાયક પણ બની શકે.
  •  હેમાલી બોઘાવાલા ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલનાં જીવનમાં આવેલા ચઢાવઉતારને સમજવાની કોશીષ કરશે તો રાજકારણમાં સફળ થવાની જડીબુટ્ટી મળી જશે.
  • સ્વ. કિશોર વાંકાવાળાની આંગળી પકડીને ભાજપમાં આવેલા હેમાલી બોઘાવાલાએ વિતેલા અઢી વર્ષમાં પોતાની જાતને સક્ષમ પુરવાર કરી પરંતુ દિવસો દરમિયાન કેટલા કડવા ઘુંટડા પીધા હશે માત્ર હેમાલી બોઘાવાલા કહી શકે.

વર્તમાન રાજકીય પક્ષોમાં વ્યક્તિગત કેપેસિટી કરતા વફાદારી અને પક્ષીય જુથવાદમાં તમે ક્યાં જુથના છો એ તમારી લાયકાતનો માપદંડ બની જાય છે. તમારામાં વ્યક્તિગત કામ કરવાની કેપેસીટી અને આઈક્યુ એટલે કે મુદ્દાને સમજવાની ગમે તેટલી ક્ષમતા હોય તો પણ તમે કોઈ ચોક્કસ જુથના નથી તો રાજકીય જીવનમાં ટકી રહેવાનું લગભગ શક્ય નથી. મતલબ કે રાજકારણમાં સત્તા સ્થાને પહોંચવા માટે ‘ગોડફાધર’ કેટલો મજબૂત છે તેની ઉપર આધાર રહે છે.

હેમાલી બોઘાવાલા

સુરતીઓ મૂળભૂત રીતે વફાદારી અને નિર્લેપ સ્વભાવ ધરાવે છે અને એટલે જ રાજકીય તખ્તે ખૂબ ઓછા સુરતીઓને સ્થાન મળ્યું હશે. કોંગ્રેસની જાહોજલાલી હતી ત્યારે પણ સુરતીઓનું નિર્ણાયક વજુદ નહોતું. મતલબ કે કોઇકની આંગળી પકડવી પડતી હતી. કાશીરામ રાણા ભાજપના સુપ્રીમો કહેવાતા હતા ખૂબ લાંબો સમય કેન્દ્રમાં મંત્રીપદ અને ગુજરાત ભાજપનું પ્રદેશ પ્રમુખપદ ભોગવ્યું હતું. પરંતુ ભાજપના ઉદયકાળ પછી પણ એકપણ સુરતીને રાજકીય વારસદાર બનાવી શક્યા નહોતા બલ્કે તેમની આંગળી પકડીને રાજકારણમાં આવેલા સી.આર.પાટીલ માત્ર સંસદ સભ્ય જ નહીં પરંતુ ગુજરાત પ્રદેશ ભાજપના ભારેખમ અને નિર્ણાયક પ્રમુખ તરીકે હોદ્દો ભોગવી રહ્યા છે. બલ્કે સી.આર.પાટીલની આક્રમક સક્રિયતાને પગલે નીતિન ભજીયાવાળા, પુર્ણેશ મોદી જેવા અનેકનું રાજકીય અસ્તિત્વ ભુંસાઇ ગયું હતું. પૂર્વે શહેર પ્રમુખ નીતિન ભજીયાવાળા આજે ક્યાં છે? અને શું કરી રહ્યા છે તેની ગામમાં કોઇને ખબર નહીં હોય! ભાજપની ત્રીજી પેઢીના કાર્યકરો કદાચ નીતિન ભજીયાવાળાને ઓળખતા પણ નહીં હોય. આવું પ્રવીણ નાયક માટે પણ કહી શકાય. પ્રવીણ નાયકને બુધ્ધિ ચાતુર્યવાળા ચોક્કસ કહી શકાય પરંતુ પોતે દેસાઇ અનાવિલ સમાજમાંથી આવતા હોવા છતા એક સુરતી હોવાના નાતે તેઓ સ્વભાવગત લાંબુ કાંઠુ કાઢી શક્યા નહોતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આદરભાવને કારણે પ્રવીણ નાયક રાજ્યસભાના સભ્ય પણ બન્યા પરંતુ દિલ્હીની માટી તેમનો સ્વભાવ બદલી શકી નહોતી. અને એટલે પ્રવીણ નાયક ફરી સુરતની શેરીઓમાં ભુલાઇ ગયા છે.

કાશીરામ રાણા

પ્રવીણ નાયકની જ પેઢીના ગણાતા અજય ચોકસીનું નામ પણ ઘણાને યાદ નહી હોય જ્યારે આ જ પેઢીના પૂર્ણેશ મોદી હાલમા ભાજપમા ટકી રહ્યા છે પરંતુ કેટલો લાંબો સમય ટકી શકશે એ નક્કી નથી. કેન્દ્રીય મંત્રી અને સુરતના સાંસદ એટલે કે નખશીખ સુરતી દર્શના જરદોશ ઘણી વખત ઉકળાટ કરતા સાંભળવા મળે પરંતુ ત્રણ ત્રણ ટર્મથી સાંસદ અને હવે તો કેન્દ્ર સરકારમાં મંત્રી હોવા છતાં પોતાનો મજબૂત સિક્કો જમાવી શક્યા નથી. અન્ય પક્ષોની માફક ભાજપમાં પણ રાજકીય કીચડ (ખટપટ) હશે પરંતુ કીચડને દૂર કરીને પોતાની જગ્યા કરવામાં દર્શના જરદોશ સબળ પુરવાર થયા નથી. અને હવે તો લોકસભાની ચૂંટણીઓ દરવાજે આવી ચૂકી છે.

પ્રવીણ નાયક

આ બધાની વચ્ચે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીનું આજકાલ ભાજપમાં કદ વધી રહ્યું છે. સરકારના નિર્ણયોમાં તેમની અસરો અને હાજરી ચોક્કસ જોવા મળે છે. ભૂપેન્દ્ર પટેલની સરકારમાં સૌથી યંગ મંત્રી હોવા ઉપરાંત સૌથી વધુ ખાતા ધરાવવાનો રેકોર્ડ પણ હર્ષ સંઘવી ધરાવે છે અને સુરતના લોકોએ થોડા વર્ષ પહેલા જોયેલો હર્ષ આજના તબક્કે એ ‘હર્ષ’ રહ્યો નથી. હર્ષ સંઘવીમાં ખૂબ જ ઝડપથી રાજકીય પરિપક્વતા આવી ગઈ છે અને આ રાજકીય પરિપકવતા જ હર્ષ સંઘવીને ભાજપની ટોચની નેતાગીરીનો વિશ્વાસ સંપાદન કરવા માટે નિર્ણાયક પુરવાર થશે.
ખેર, ગઇકાલે એટલે કે શુક્રવારે સુરત મનપાના મેયર સહિતના પદાધિકારીઓની છેલ્લી સામાન્ય સભા હતી. પોતાની ટર્મ પુરી થતી હોય એટલે હોદ્દો ખાલી કરતી વખતે વ્યક્તિ ચોક્કસ ભાવુક બની જાય. મનપાની સામાન્ય સભામાં ભાજપ શાસકોએ અઢી વર્ષના તેમના શાસનના લેખાંજોખાં રજુ કર્યા હતા. મેયર હેમાલી બોઘાવાલા સામાન્ય સભામાં વકતવ્ય આપતી વખતે ભાવુક બની ગયા હતા. આ સ્વભાવિક ઘટના હતી. પરંતુ ભાજપના વર્તમાન રાજકીય પ્રવાહમાં અઢી વર્ષ ટકી જવું એ પણ હેમાલી બોઘાવાલા માટે કઠીન હતું. ગરીમાપૂર્ણ મેયરનો હોદ્દો ભોગવતા હેમાલી બોઘાવાલાની ઘણી રાજકીય મજબૂરી હતી. અનેક વખત કડવા ઘુંટડા ગળી જવા પડ્યા હશે, કેટલીય વખત અપમાનિત સ્થિતિમાં મુકાઇ જવું પડયું હશે અને તેમ છતાં તેમણે મેયરપદની ગરિમા જાળવી રાખી હતી.

દર્શના જરદોશ

હેમાલી બોઘાવાલાની રાજકીય કારકીર્દિની શરૂઆત લગભગ ૨૦૦૫ના અરસામાં શરૂ થઇ હતી. સ્વ. ધારાસભ્ય કિશોર વાંકાવાલા ‘હેમાલી’ને ભાજપમાં લઈ આવ્યા હતા. મધ્યમવર્ગી પરિવારમાંથી આવતા હેમાલી બોઘાવાલા સ્વભાવે વિનમ્ર અને વફાદારીનો અદલ સુરતી સ્વભાવ ધરાવતા હોવાથી તેઓ ખૂબ જ સહજતાથી ભાજપ પરિવારમાં ભળી ગયા હતા. હોદ્દાની કોઇ મોટી મહત્વકાંક્ષા નહોતી પરંતુ તેમની સતર્કતા અને પક્ષ પ્રત્યેની વફાદારીને પગલે સ્થાનિક અને રાજ્યના ભાજપના નેતૃત્વની હેમાલી બોઘાવાલા ઉપર નજર પડી હતી. પૂર્વ મુખ્યમંત્રી અને ઉત્તરપ્રદેશના વર્તમાન રાજ્યપાલ આનંદીબેન પટેલની હૂંફ મળતા હેમાલી બોઘાવાલામાં છુપાયેલી શક્તિઓ નિખરી હતી અને આનંદીબેન પટેલના મજબૂત પીઠબળને કારણે હેમાલી બોઘાવાલા સુરત મહાનગર પાલિકાના મેયરપદ સુધી પહોંચી ગયા હતા સાથે તેમણે મેયરપદ અને પક્ષ બન્નેની ગરીમા જાળવી રાખી હતી.

આમ આદમી પાર્ટી જેવા તોફાની વિપક્ષને કારણે મનપાની સામાન્ય સભાના સંચાલનને લઈ ને પ્રારંભે હેમાલી બોઘાવાલાની ક્ષમતા સામે સવાલ ઊભા થઇ રહ્યા હતા પરંતુ વિતેલા અઢી વર્ષમાં હેમાલી બોઘાવાલાએ પોતાની રાજકીય પરિપકવતા અને સભા સંચાલનની ક્ષમતા પુરવાર કરી બતાવી હતી. શહેરના વિકાસકામો અંગે નિર્ણય લેવામાં ક્યારેય પીછેહઠ કરી નહોતી. બીજી તરફ પક્ષના નેતૃત્વના નિર્ણયની પણ ક્યારેય અવગણના થવા દીધી નહોતી.

હર્ષ સંઘવી

વિતેલા અઢી વર્ષ દરમિયાન એક વાત ઉડીને આંખે વળગે એવી હતી કે કોઇપણ જાહેર કાર્યક્રમો હોય મેયર હેમાલી બોઘાવાલાની હાજરી અચુક જોવા મળી હતી. સામાજિક, ધાર્મિક કે પછી પક્ષના કાર્યક્રમો હોય મેયર તરીકે હેમાલી બોઘાવાલાની હાજરી જોવા મળે જ કદાચ સુરત મહાનગરપાલિકાના ઈતિહાસમાં આ નોંધપાત્ર ઘટના હશે અને હવે તો હેમાલી બોઘાવાલા રાજકીય પરિપકવ થઈ ચૂક્યા છે. જાહેર જીવનના અને રાજકીય પક્ષના અાટાપાટાને તેઓ ખૂબ જ બારીકાઈથી સમજી ગયા છે અને એટલે જ તેઓ ઉપર જુથવાદનો ઠપ્પો લાગ્યો નથી. હેમાલી બોઘાવાલાનો વ્યક્તિગત સિધ્ધાંત છે કે સત્તા સામે શાણપણ કરવાનુ નહીં. વ્યક્તિ કરતા પક્ષને વફાદાર રહીને પક્ષ દ્વારા નિયુક્ત કરવામાં આવેલા હોદ્દેદારના આદેશને શિરોમાન્ય માનીને કામ કરતા રહેવું. તેમનો આ સિધ્ધાંત જ કદાચ તેમના રાજકીય ભવિષ્યને વધુ ઉજજવળ બનાવશે અને તળ સુરતીઓનું પીઠબળ મળતું રહેશે તો બની શકે કે આવનારા સમયમાં ભાજપના રાજય અને કેન્દ્રીય નેતૃત્વમાં તેમનુ નામ બોલાતું હશે.

સી.આર. પાટીલ

હેમાલી બોઘાવાલાના રાજકીય જીવનમાં કોણ ગોડફાધર હશે એ જાણી શકાય નહી પરંતુ રાજકીય જીવનમાં કઈ રીતે સફળ થઈ શકાય એ સમજવા માટે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના રાજકીય જીવનમાં આવેલા ચઢાવ ઉતારને સમજવાની કોશિષ કરશો તો રાજકીય ક્ષેત્રે મજબૂતી સાથે સફળ થવાની જડીબુટ્ટી મળી જશે.

આ પણ વાંચો :-