- એક હજાર કન્યાઓનું કન્યાદાન કરનાર ગોપાલ પટેલ ઉર્ફે ગોપાલ ચમારડી અનેક લોકોનો સહારો બન્યા હશે, કોરોના કાળમાં સેંકડો પરિવારોને રાશન પહોંચાડયું હતું.
- ગોપાલ પટેલ માને છે, ઈશ્વરે આપ્યું છે અને આપણે આગળ આપવાનું છે, ઈશ્વરની ઈચ્છા હશે ત્યાં સુધી આપતા રહીશું.
- ગરીબો, જરૂરિયાતમંદ લોકોને જોઈને જ ગોપાલ પટેલનો આત્મા સળવળી ઉઠે છે. શિક્ષણ, આરોગ્ય માટે કોઈની મદદે જવું એ કદાચ ઈશ્વરનો સંકેત હશે.
સામાન્ય રીતે જીવનમાં મુશ્કેલીના દિવસોમાં વ્યક્તિ દૈવી શક્તિઓ, આસ્થાનાં કેન્દ્રો, મંદિરો અને સાધુ-મહાત્માઓ તરફ દોટ મૂકતો હોય છે. સાચી ભક્તિ હોય તો ઈશ્વરકૃપા પણ થાય છે અને સંકટનાં વાદળો પણ વિખેરાઈ જાય છે, પરંતુ ઘણા એવા લોકો પણ હોય છે, જે દરિદ્રનારાયણ એટલે કે ગરીબોની સેવા સાથે સમાજનાં જરૂરિયાતમંદ લોકોની પડખે હરહંમેશ ઊભા રહેતા હોય છે. આવી સમાજસેવા કરીને બદલામાં કંઈક મેળવવાની પણ અપેક્ષા હોતી નથી. પરંતુ જરૂરિયાતમંદની કરેલી સેવા ક્યારેય પણ એળે જતી નથી. કુદરત ક્યાંક ને ક્યાંક બદલો આપતો આવ્યો છે.
જાહેર જીવનમાં અનેક લોકો મૂક રહીને અને બંધ મુઠ્ઠીમાં આવી સમાજ સેવા કરતા હશે. આ એવા લોકો છે કે, તેમની સેવાની સમાજ નોંધ લેશે એવી ખેવના પણ રાખતા નથી. સુરત અને સૌરાષ્ટ્ર પંથકનાં આવા જ એક આગેવાન અને ગોપાલ ચમારડીથી ઓળખાતા ગોપાલ પટેલ (વસ્તરપરા) પાછલાં ઘણાં વર્ષોથી સમાજસેવા માટે હંમેશા આગ્રહી રહેતા આવ્યા છે.
મૂળ ખેડૂત પરિવારનો જીવ એટલે ગામડુ છૂટે નહીં અને એટલે જ ગોપાલભાઈએ વતન અમરેલી જિલ્લાનું ચમારડી ગામ અને સુરત શહેર બંનેને જાળવી રાખ્યા છે. વતનમાં ખેતીવાડી ઉપરાંત સુરતમાં જમીન અને બિલ્ડીંગ વ્યવસાય સાથે સંકળાયેલા ગોપાલ ચમારડી પહેલેથી જ સુખી જીવ છે. પરંતુ તેમને દાન, પુણ્ય અને મદદ કરવાનો અંતરમનથી શોખ છે. કોઈ ગરીબ અને જરૂરિયાતમંદ વ્યક્તિ દેખાય તો માંગ્યા વગર પણ બંધ મુઠ્ઠીમાં કંઈકને કંઈક આપતા રહે છે. વળી ભાઈબંધ-મિત્રો કે સમાજમાંથી એક રૂપિયો ઉઘરાવ્યા વગર પોતાના પરસેવાની કમાણીમાંથી લોકોને મદદરૂપ બનતા રહ્યા છે. તાજેતરમાં કોરોનાનાં કપરાકાળ વખતે ગોપાલભાઈને પોતાની કારમાં સામાન લઈને ફરતા ઘણાંએ જોયા હશે, પરંતુ ગોપાલ ચમારડી ક્યારેય પણ સસ્તી પ્રસિદ્ધિમાં પડયા નથી. કોરોના સમયે સેંકડો પરિવારનાં પેટની આગ ગોપાલ ચમારડીએ ઠારી હશે. આ એક કુદરતી મહામારી હતી. પરંતુ આવા કપરા દિવસો સિવાય પણ ગોપાલભાઈનો માનવસેવાનો યજ્ઞ કાયમ માટે ચાલતો રહે છે.
ગોપાલ ચમારડી પરિવારે આજે બહુચરાજી તીર્થધામ ખાતે બહુચર માતાજીને ૩૦૦ ગ્રામ સોનાનો ૭૬ કેરેટનાં ૬૧૫૫ હીરાજડિત હાર ચઢાવ્યો એટલે અચાનક ગોપાલ ચમારડી ચર્ચાનો વિષય બન્યા હતા. દેશમાં છાશવારે શ્રદ્ધાળુઓ દ્વારા મંદિરોમાં કરોડોનું દાન, સોના, ચાંદીના દાગીના અર્પણ કરતાં રહે છે, પરંતુ ગોપાલ ચમારડીએ સહપરિવાર માતાજીને હીરાજડિત મુગટ અને કુંડળ અર્પણ કરતાં તેમની સમાજસેવાની ઘટનાઓ તાજી થઈ આવી હતી. માતાજીને અર્પણ કરેલ મુગટ, કુંડળ કરતાં તેમની માતાજી પ્રત્યેની શ્રદ્ધાનું વધુ મહત્ત્વ હતું. ગોપાલ ચમારડી ખોડલધામ મંદિરનાં ટ્રસ્ટી પણ છે. પરંતુ ૨૦ વર્ષ પૂર્વે કરેલો કોઈ સંકલ્પ સાકાર થયો હોવાથી ગોપાલ ચમારડી સહપરિવાર બહુચરાજી માતાનાં મંદિરે દર્શન કરવા પહોંચી ગયા હતા. આ પૂર્વે તેમણે ઉમિયા માતાનાં મંદિરથી બહુચર માતાનાં મંદિર સુધી પદયાત્રા કરીને ધ્વજારોહણ પણ કર્યું હતું.
તેમની સેવાકીય પ્રવૃત્તિઓને કારણે જાહેર જીવનમાં ઉભરી આવેલા ગોપાલ ચમારડી તાજેતરમાં ચૂંટણી પણ લડયા હતા. પરંતુ ચૂંટણી લડવાની તેમણે સૌથી મોટી ભૂલ કરી હોવાનું તેમને લાગી રહ્યું છે, પરંતુ કોઈ અફસોસ નથી. આ પૂર્વે તેમણે ૧૦૦૦ દીકરીઓનાં કન્યાદાન કરીને એક કીર્તિમાન સ્થાપ્યો હતો. કોઈ સમાજ, ન્યાત-જાતનાં વાડા વગર તેમણે દીકરીઓને સાસરે વળાવી હતી. ગોપાલ ચમારડી પરિવારે અનેક શૈક્ષણિક સંકુલોમાં પણ કોઈપણ પ્રકારની જાહેરાત કર્યા વગર દાન આપ્યા હતાં.
ગોપાલભાઈનાં કહેવા મુજબ તેમને કોઈકને મદદ કરવામાં મજા આવે છે. કુદરતે આપ્યું છે તો આપું છુંને? વળી કોઈને ખુશ થતા જોઈને તેમનો આનંદ બેવડાઈ જાય છે.
ઈશ્વરમાં અખૂટ શ્રદ્ધા ધરાવતા ગોપાલ ચમારડીનાં માનવા મુજબ કરેલી મદદ ક્યારેય પણ એળે જતી નથી. આપણે માત્ર ઈશ્વરનાં પ્રતિનિધિ છીએ, તેમણે આપેલું આપણે બીજા કોઈ જરૂરિયાતમંદને આપીએ છીએ અને કદાચ એટલે જ ઈશ્વરે આપણને શક્તિ, સંપત્તિ અને તંદુરસ્તી આપ્યા હશે.
માતાજીનાં માથા ઉપર શોભતો હાર વધુ માનવસેવા કરવા માટે પ્રેરણા આપતો રહેશે. માતાજીને અર્પણ કરવામાં આવેલો હીરાજડિત મુગટ અને કુંડળ સુરતનાં જ શીતલ ડાયમંડ જ્વેલર્સમાં બનાવવામાં આવ્યો હતો તથા નીલેશ કાકડિયા દ્વારા અદભૂત ડિઝાઈન બનાવીને બારીક નકશીકામ કરી મુગટ અને કુંડળ તૈયાર કરવામાં આવ્યાં હતાં.
બહુચરાજી માતાને મુગટ અને કુંડળ અર્પણ કરતી વખતે માતાજીનાં જયઘોષથી મંદિર ગુંજી ઊઠયું હતું. આ પ્રસંગે ખોડલધામનાં ટ્રસ્ટી અને પાટણનાં ધારાસભ્ય ડો.કિરીટ પટેલ, પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દૂધાત, બહુચરાજી ખેતીવાડી માર્કેટ APMCનાં ચેરમેન વિજય પટેલ, શંખલપુરનાં સરપંચ પરેશ પટેલ, બહુચરાજી પાટીદાર સમાજનાં અગ્રણી હર્ષદ પાટીદાર, જીમીત પટેલ સહિત અનેક શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચો :-