Tuesday, Jun 17, 2025

ગાંધીનગર LCBનો મોટો ખુલાસો: અમદાવાદના મેટ્રો કેબલ ચોરતી ખેકડા ગેંગ ઝડપાઈ

3 Min Read

ગાંધીનગર લોકલ ક્રાઇમ બ્રાન્ય એ એક મોટી સફળતા મેળવી છે, જેમાં ગાંધીનગર અને અમદાવાદના મેટ્રો લાઈન પરથી કેબલ ચોરી કરતી તેમજ મહારાષ્ટ્ર, દિલ્હી, પુણે સહિત દેશભરના મેટ્રો સ્ટેશનોને નિશાન બનાવતી એક આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ કર્યો છે. ‘ખેકડા ગેંગ’ તરીકે ઓળખાતી આ ટોળકીના કુલ 4 સભ્યોને સૌપ્રથમવાર મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યા છે, જેના પગલે દેશભરમાં નોંધાયેલા 35 જેટલા ગુનાઓના ભેદ ઉકેલાયા છે.

ચોરીનો ઘટનાક્રમ અને પોલીસની તપાસ
તાજેતરમાં, ગાંધીનગર જિલ્લાના ઇન્ફોસિટી પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ આવેલા જૂના કોબા મેટ્રો સ્ટેશન પાસે મેટ્રો લાઇન ઉપર કેબલ ચોરીનો એક ગુનો બન્યો હતો. આ પ્રકારના ગુનાઓ અટકાવવા અને ગુનેગારોને ઝડપી પાડવા માટે ઉચ્ચ અધિકારીઓ દ્વારા સૂચના આપવામાં આવી હતી. જેના આધારે, લોકલ ક્રાઇમ બ્રાન્ચ-1ના પોલીસ ઇન્સ્પેકટર ડી.બી. વાળા અને લોકલ ક્રાઇમ બ્રાન્ચ-2ના પોલીસ ઇન્સ્પેકટર એચ.પી. પરમાર તથા તેમની ટીમોને આ કામગીરી સોંપવામાં આવી હતી.

તા. 02/06/2025ના રોજ, IPL મેચ દરમિયાન મોડી રાત્રે 2.05 થી 3 વાગ્યાના ગાળામાં, કોબા સર્કલ પાસે આવેલા જૂના કોબા મેટ્રો સ્ટેશન નજીક અજાણ્યા ઇસમોએ 700 મીટર લાંબો કેબલ, જેની કિંમત રૂ. 17.85 લાખ થતી હતી, તે કટર વડે કાપીને ચોરી કરી લીધો હતો. આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને, પોલીસ અધિક્ષકે તાત્કાલિક ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી અને ગુનાનો ભેદ ઉકેલવા માટે ચાર વિશેષ ટીમોની રચના કરવામાં આવી હતી.

CCTV અને ટેકનિકલ સર્વેલન્સથી ગુનેગારો સુધી પહોંચ
ગુનાનો ભેદ ઉકેલવા માટે, નેત્રમ પ્રોજેક્ટ અંતર્ગત ગાંધીનગર શહેરમાં લગાવવામાં આવેલા અલગ-અલગ સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસવામાં આવ્યા હતા. આ ઉપરાંત, ટેક્નિકલ એનાલિસિસ માટે પણ અલગ ટીમ બનાવવામાં આવી હતી. આ સઘન તપાસ દરમિયાન, બનાવ સમયે બે શંકાસ્પદ ગાડીઓની ઓળખ કરવામાં આવી હતી. આ ગાડીઓના આધારે વાહનમાલિકોની ઓળખ કરી પૂછપરછ કરતા, આરોપીઓ વિશે મહત્વની કડીઓ મળી આવી.

આ માહિતીના આધારે, ટેક્નિકલ સર્વેલન્સ અને બાતમીદારો પાસેથી મળેલી ગુપ્ત માહિતીના આધારે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી તપાસમાં સામે આવ્યું કે આ બનાવમાં સંડોવાયેલા આરોપીઓએ ચોરીનો મુદ્દામાલ છુપાવવા માટે કલોલમાં એક મકાન ભાડેથી રાખ્યું હતું. આ મકાનમાં જૂના કોબા મેટ્રો સ્ટેશન પાસેથી ચોરેલા મેટ્રો કેબલનો મુદ્દામાલ રાખવામાં આવ્યો હતો. આરોપીઓ આ મુદ્દામાલને સગેવગે કરવાની તૈયારીમાં હતા અને તે સમયે મકાન ઉપર હાજર હોવાની ચોક્કસ માહિતી LCB ને મળી.

ચોર ઝડપાયા, લાખોનો મુદ્દામાલ જપ્ત
આ માહિતીના આધારે, કલોલમાં દરોડો પાડતા, પોલીસે ચાર ઇસમોને ચોરીના મુદ્દામાલના કેબલ છોલીને અલગ-અલગ ટુકડા કરતા રંગેહાથ ઝડપી પાડ્યા. તેમની પાસેથી રૂ. 2.95 લાખની કિંમતના કોપર વાયર, રૂ. 1302નું પ્લાસ્ટિક મળીને કુલ રૂ. 2.96 લાખથી વધુનો મુદ્દામાલ, તેમજ ચોરીમાં વપરાયેલી ગાડી અને મોબાઈલ ફોન સહિત કુલ રૂ. 8.32 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ સાથે, 4 આરોપીઓની ધરપકડ કરીને વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે.

Share This Article